રાહ જુઓ, મમતા બૅનર્જીને બંગાળની પ્રજા જ પાઠ ભણાવશે: સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ: ન્યુઝપ્રેમી, 24 ઑગસ્ટ 2024 )

મમતા બૅનર્જીના બંગાળમાં ટ્રેઈની લેડી ડૉક્ટર પર બળાત્કાર કર્યા પછી એનું ખૂન કરવામાં આવ્યું. મમતા બૅનર્જીની પોલીસે આખી ઘટનાના સબૂતો સગેવગે કરવામાં મદદ કરી ત્યારે સુપ્રીમ કોર્ટે મમતાનો કાન આમળ્યો. મમતાએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું કે ભારતમાં રોજ 90 બળાત્કાર થાય છે. તમારે કેન્દ્રીય કાયદો લાવીને કડક પગલાં લેવાં જોઈએ. અહીં મમતા ભૂલી જાય છે કે કેન્દ્રનો કડક કાયદો અમલમાં છે જ પણ પોલીસ રાજ્ય સરકારનો હુકમ માનતી હોય છે.

મમતાએ ફેંકેલા ટુકડાઓ પર નભતા ભૂતપૂર્વ પત્રકાર સાગરિકા ઘોષ અને એના પતિ રાજદીપ સરદેસાઈ તથા અન્ય પત્રકારો મમતાના, બંગાળ સરકારના અને તૃણમૂલ કૉન્ગ્રેસના બચાવમાં પૂરજોશમાં બહાર આવી ગયા છે. મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક આવેલા બદલાપુરમાં આવી જ ઘટના બની છે, આ તો બધું કૉમન કહેવાય- એવું કહીને દેશદ્રોહી પત્રકારોની જમાત, મહારાષ્ટ્રની ભાજપ સરકાર બંગાળ સરકાર જેવી જ બદમાશ છે એવો ઈશારો કરવા લાગ્યા.

બદલાપુર અને બંગાળની બળાત્કારની ઘટનાઓમાં જમીન-આસમાનનો ફરક છે. મહારાષ્ટ્રમાં પોલીસની કાર્યવાહીમાં ઢીલ થાય છે ત્યારે તેને ચલાવી લેવાઈ નથી. મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી (તથા ગૃહ મંત્રી) દેવેન્દ્ર ફડણવીસ બળાત્કારીને બચાવવા મેદાનમાં નથી ઊતર્યા. મહારાષ્ટ્ર સરકારની પોલીસ બદલાપુરની ઘટના વિશે સોશિયલ મીડિયામાં ટીકાટિપ્પણ કરનારાઓને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ધમકાવતી નથી, બંગાળની પોલીસ આવું કરે છે.

‘આજ તક’ ટીવી ચૅનલવાળાઓ કોઈ ભળતાસળતા સર્વેક્ષણને ટાંકીને પર્સન્ટેજ ગ્રાફ બનાવીને જાહેર કરે છે કે યોગી આદિત્યનાથની લોકપ્રિયતામાં ઑગસ્ટ 2024 માં ઘટાડો થયો છે અને આની સામે મમતા બૅનર્જી લોકપ્રિયતામાં વધારો થયો છે!

સુપ્રીમ કોર્ટે બંગાળના બળાત્કાર-ખૂનની ઘટના વિશે સામે ચાલીને ( સુઓ મોટો ) કેસ દાખલ કર્યો અને બંગાળ સરકારે આ કેસ લડવા કપિલ સિબ્બલ સહિત 21 વકીલોની ફોજ સર્વોચ્ચ અદાલતમાં ખડી કરી દીધી. ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ચંદ્રચૂડે સિબ્બલને ખખડાવતાં કહ્યું કે બંગાળના રેપની ઘટના બહુ જ ગંભીર મામલો છે અને આવા સંવેદનશીલ મુદ્દા રાજકારણ માટે નથી હોતા, કૃપા કરીને તમે આ બાબતે પોલિટિક્સ ના કરો. સુનાવણી દરમિયાન તમે ( સિબ્બલ) હસવા લાગ્યા હતા. શું આ તમને શોભે છે? તમે બંગાળ સરકારને રિપ્રેઝન્ટ કરવા આવ્યા છો પણ જરા એ પીડિતા વિશે વિચારો, એનાં મા-બાપ વિશે વિચારો કે એમના સૌના પર શું વીતી હશે—ચીફ જસ્ટિસે ભરી અદાલતમાં આ કહ્યું.

કલકત્તા પોલીસનો દાવો છે કે આ ઘટના જ્યાં બની તે સેમિનાર રૂમની કોઈ ચીજવસ્તુને બદલવામાં નથી આવી, પુરાવાઓ ભૂંસવામાં નથી આવ્યા. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં બયાન આપતા કહ્યું : ઘટનાના પાંચમા દિવસે અમારા હાથમાં તપાસનો દૌર આવ્યો ત્યાં સુધીમાં ક્રાઈમ સીનમાં બધું જ બદલાઈ ચૂક્યું હતું.

બંગાળની આ ઘટનામાં મમતાએ જુઠ્ઠું બોલવાનું શરૂ કર્યું અને ધ્રુવ રાઠી જેવા યુટ્યુબરોએ એ જુઠ્ઠાણાઓનો પ્રચાર-પ્રસાર કર્યો. રાજદીપ જેવા પત્રકારો એ જુઠ્ઠાણાઓને સત્યમાં ફેરવી નાખવા આકાશપાતાળ એક કરી રહ્યા છે અને કપિલ સિબ્બલ નિર્લજ્જ બનીને સુપ્રીમ કોર્ટમાં જઈ બળાત્કારીઓનો અને એમને પ્રોટેક્શન આપનારાઓનો બચાવ કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટમાં જેમની સમક્ષ આ કેસ ચાલી રહ્યો છે તે બેન્ચના બીજા ન્યાયમૂર્તિ જસ્ટિસ પારડીવાલાએ નોંધ્યું છે કે મારી 30 વર્ષની કારકિર્દીમાં મેં ક્યારેય જોયું નથી કે ક્રાઈમ સીનને આટલી ખરાબ રીતે મિસહૅન્ડલ કરવામાં આવ્યો હોય.

મમતા બૅનર્જીના પાપોના ઘડાઓ છલકાઈ જવા આવ્યા છે. કેન્દ્ર સરકાર બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવશે તો પણ છ મહિના પછી ત્યાં ચૂંટણી થશે ત્યારે મમતા વધારે બહુમતીથી જીતી આવશે એની મોદીને ખબર છે. મમતાથી ત્રાસીને બંગાળની પ્રજા અને તૃણમૂલ કૉન્ગ્રેસના જ વિધાનસભ્યો-કાર્યકર્તાઓ બંડ પોકારે અને મમતાનો સાથ છોડી દે તો જ આ પરિસ્થિતિનો ઉકેલ આવે. આવું થવાની શરૂઆત થઈ ગઈ છે. મોદી-શાહની ધીરજની કસોટી છે. બંગાળ સરકાર સામે રાષ્ટ્રપતિ શાસન કે એવા કોઈ પણ કડક પગલાં બૂમરેન્ગ થશે એની એમને ખબર છે. બંગાળ સરકારની નિષ્ફળતા માટે કેન્દ્ર સરકાર સમક્ષ આક્રોશ વ્યક્ત કરવો એ નરી નાદાનિયત છે. કૉન્ગ્રેસની સ્લીપર સેલ મોદી સમર્થકોને ઉશ્કેરતી રહી છે. આ રીતે ઉશ્કેરાઈને મોદી-શાહની ટીકા કરનારા ભાજપના સમર્થકોને ખબર નથી કે તેઓ દેશનું લાંબા ગાળાનું નુકસાન કરી રહ્યા છે.

( ©️ ‘ન્યુઝપ્રેમી’. 24 August 2024 )

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

1 COMMENT

  1. ગુનાખોરીના પુરાવા નેસ્તનાબૂદ કરવામા પોલીસ ને કામે લગાડવામા મેલી મથરાવટી ધરાવનાર નેતાઓ માહેર છે. બંગાળ હોય કે મહારાષ્ટ્ર. કોરોના કાળમા એક આશાસ્પદ યુવા એક્ટર અને એની ex PA ના મોત
    થયેલા. આજ સુધી એ કેસ ઉકેલાયો નથી. CBI ને કેસ સોપાયો પણ એની પહેલા પુરાવાઓ મીટાવી દેવાયા. Post mortam report મા ગાલમેલ કરાઈ. ન રહેગા બાસ ન બજે બાસુરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here