( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 24 નવેમ્બર 2024)
વાત મારે નિંદાની કરવી છે. કોન્ક્રીટ ટીકા કે નક્કર ક્રિટિઝિઝમ આખી જુદી વાત છે. ભિન્નમત હંમેશાં આવકાર્ય હોય. તમારાથી વિરુદ્ધ મત કોઈ પ્રગટ કરે ત્યારે બે વાત તમને કદાચ એમાંથી શીખવાની પણ મળે. પણ અહીં નિંદાની વાત થઈ રહી છે. ફૂથલીની વાત થઈ રહી છે. મુદ્દાસર ચર્ચા કર્યા વિના કોઈને ઉતારી પાડવાની વાત થઈ રહી છે.
નિંદા માનસશાસ્ત્રનો જેટલો વિષય છે એટલો જ સમાજશાસ્ત્રનો પણ છે. સોશ્યોલોજી અને સાયકોલોજી બંનેની દૃષ્ટિએ નિંદાને તપાસવી જોઈએ. નિંદાનો જન્મ અને એનાં પરિણામો સુધીની સફર નિરપેક્ષ રહીને જોવી જોઈએ.
પ્રશંસા, ટીકા, ક્રોધ, ઈર્ષ્યા, નિંદા ઈત્યાદિ મનુષ્ય સ્વભાવની દરેક અભિવ્યક્તિનું જન્મસ્થાન મનની કોઈ એક જગ્યાએ રહેલું હોય છે. દરેક અભિવ્યક્તિની પાછળ એક કારણ હોય છે અને આ કારણ વ્યક્તિને પોતાને પ્રગટપણે ન દેખાય એ શક્ય છે. નિંદાના પાયામાં બે મુખ્ય કારણો રહેલાં છે : એક, અન્ય વ્યક્તિની એવી સિદ્ધિની ઈર્ષ્યા જે સિદ્ધિની ઊંચાઈ તમારે પણ કબૂલવી પડી છે. અને બે, પોતાની નબળાઈઓનું જસ્ટિફિકેશન, પોતાની અસમર્થતાઓનો આડકતરો બચાવ.
આ બેઉ પાસાઓને સહેજ વિગતે જોઈએ.
સામાન્ય રીતે આપણે નિંદા કોની કરતા હોઈએ છીએ?
મુકેશ અંબાણી એમની ગલીના પાનવાળાના ધંધા વિશે ક્યારેય ખરાબ નહીં બોલે. ઑફિસનો બૉસ એના પટાવાળાની કૂથલી નહીં કરે. પોતાના પ્રતિસ્પર્ધીઓની કે પોતાના કરતાં ખૂબ આગળ નીકળી ગયા હોય એવા લોકોની. જેમને આંબવાનું કામ અશક્ય હોય એવા લોકોની નિંદા કરવામાં મઝા આવતી હોય છે.
પ્રતિસ્પર્ધીની કે આપણા કરતાં ખૂબ આગળ હોય એવી વ્યક્તિઓની – આ બેઉ પ્રકારના લોકોની સિદ્ધિઓને ઝાંખી પાડવાનું આપણને ગમતું હોય છે.
દરેક સફળ વ્યક્તિની સફળતા વિશે શંકા વ્યક્ત કરનારા હજારો લોકો એની આસપાસના વર્તુળમાંથી મળી આવશે—એ તો એના બાપની તૈયાર ગાદી પર બેઠો છે. સેલ્ફ મેઈડ નથી. અને સેલ્ફ મેઈડ હોય તો— એના જૂના ભાગીદારોને પૂછી જુઓ, બધાને છેતરીને પચાવી પાડ્યું છે. અને પ્રામાણિકતાથી મેળવ્યું હોય તો— એ તો માત્ર નસીબ કામ કરી ગયું, બાકી એમના જેટલી મહેનત કરનારાઓ તો કેટલાય હતા.
અને તમામ સારા તત્ત્વોના સરવાળા પછી મેળવેલી સિદ્ધિ, જેને પડકારી ન શકાય એવી સિદ્ધિ મેળવનારાની જ્યારે સીધી ટીકા થઈ શકતી નથી ત્યારે માણસો એની નિંદા કરીને એને પછાડવાનો પાશવી આનંદ મેળવતા હોય છે—બીજું બધું બરાબર, પણ તમે એના બૂટ જોયા? કોઈ દહાડો પૉલિશ કરાવે જ નહીં. આટલો મોટો કરોડપતિ પણ બૂટપૉલિશના ૨૫ રૂપિયા ખર્ચતાં જીવ ના ચાલે. અથવા તો પછી : કેટલો મોંઘો સૂટ પહેર્યો છે, કોના ખર્ચે? અથવા તો પછી : આમ આટલું મોટું નામ પણ ભારે મૂડી માણસ. આપણે ગયા હોઈએ તો મૂડ હોય તો વાતો કરે બાકી અડધી ચા ય ના પીવડાવે. અથવા પછી : આ તો બધું પદ્મશ્રી મેળવવાના ફાંફાં છે!
જેને પડકારવા માટે આપણે ખૂબ વામણા હોઈએ એમની નિંદા આપણે પહેલાં કરતા હોઈએ છીએ. આવી વ્યક્તિઓના જાહેર, સેમીજાહેર તથા તદ્દન અંગત જીવનમાં ડોકિયું કરવાની એક પણ તક આપણે ક્યારેય છોડતા નથી. ડોકિયું કરીને એ વ્યક્તિની અપનાવવા જેવી વાતોને નિકટતાથી ઓળખવા મળેલા તકનો લાભ ઉઠાવતા હોઈએ તો જુદી વાત છે, પણ આપણને રસ હોય છે એમના વ્યક્તિત્વના ખૂણેખાંચરે રહેલી ઝીણી ઝીણી એવી બાબતો શોધવામાં જે ભવિષ્યમાં એ વ્યક્તિની ગેરહાજરીમાં બીજાઓ સાથે વાત કરતી વખતે એની નિંદા કરવામાં કામ લાગે. ઘણી વખત માણસો મોટા લોકો સાથે પોતાને કેટલા અંગત સંબંધો છે એ જતાવવા એની સાથે થયેલી કોઈ ક્ષુલ્લક વ્યક્તિગત વાતોને ટાંકતા હોય છે. ક્યારેક એમના જીવનની સાવ મામૂલી બાબતોની નિંદા કરતા હોય છે : તમને ખબર છે, અમિતાભ બચ્ચનના રસોડામાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી માટલું લીક થાય છે, તોય જયા બદલાવતી નથી, સાવ ફૂવડ બાઈ છે નહીં!
બીજાઓની સિદ્ધિની ડાયરેક્ટલી કોઈ પણ પ્રકારની નકારાત્મક વાત નથી કરી શકાતી ત્યારે માણસ નિંદાનો આશ્રય લે છે. ક્યારેક મનમાં જૂની કોઈ વાતનો બદલો લેવાની ભાવના પણ હોય છે. એવી વાત જે હજુ સુધી કઠતી હોય પણ જાહેર થાય તો એમાં એનું પોતાનું પણ નીચાજોણું થાય એવો ભય હોય.
આવા સંજોગોમાં નિંદા શ્રેષ્ઠ હથિયાર છે. માણસ બધી રીતે સોનાનો પણ તમને ખબર છે, એક વખત મારી પાસે પાંચ હજાર રૂપિયા ઉધાર માગવા આવેલો. તમે પૂછો કે શું તમે આપેલા? તો કહેશે : ના રે ના, પણ આવી રીતે માગે એ કેટલું ખરાબ કહેવાય? આવું કહેતા લોકો સામેના માણસની બીજી કોઈ રીતે ટીકા કરી શકે એમ ન હોય ત્યારે મનમાં સંઘરાયેલી જૂની કોઈ વાતનો સબ કૉન્શ્યસલી આ રીતે બદલો લઈ લેતા હોય છે.
નિંદાના પાયામાં બીજું મહત્ત્વનું કારણ તે સેલ્ફ જસ્ટિફિકેશન. બીજાની કુટેવો, બીજાનો સ્વભાવ, બીજાની સ્વાર્થવૃત્તિઓ, બીજાના સામાજિક વહેવારો, બીજાના આર્થિક વહેવારો, બીજાના સંબંધો, બીજાની લોભવૃત્તિ વગેરેની નિંદા કરવાની આપણને મઝા આવતી હોય છે. એ વ્યક્તિ આપણા કરતાં દરેક દરજ્જે મોટી હોય તો મઝા મોટી આવતી હોય છે. એની નિંદા કરતી વખતે અસાવધપણે આપણે આસપાસના લોકોના મનમાં એક વાત મૂકી દેતા હોઈએ છીએ કે આવી મોટી વ્યક્તિ જ્યારે આવું કરી શકતી હોય તો આપણે તો ભાઈ, નાના માણસ, આપણાથી ક્યારેક એવું થઈ જાય તો ચાલે હવે.
કોઈ ગંદા માણસને જ્યારે ખબર પડે કે પેલો ચોખ્ખો નથી ત્યારે એને જલસા થઈ જતા હોય છે. ગંદકીમાં પોતે એકલો નથી. પોતાના જેવા જ બીજાઓ પણ છે એવો સંતોષ એના દિલને બાગ-બાગ કરી મૂકે છે અને નિંદા કરતી વખતે એ સામેની વ્યક્તિની ગંદકીને બિલોરી કાચની હેઠળ મૂકીને દેખાડવાની કોશિષ કરે છે. રાઈનો પહાડ બનાવીને દેખાડે છે. મોટી વ્યક્તિઓની નિંદા થતી હોય ત્યારે રાઈનો પર્વત જ થતો હોય છે.
કૃષ્ણ કરે તે લીલા અને અમે કરીએ તે ભવાઈ? એવું પૂછનારાઓને પોતાની ભવાઈઓને લીલાનો દરજ્જો આપવા કરતાં વધારે રસ મોટા માણસોની લીલાઓને પોતાની ભવાઈઓની કક્ષાએ મૂકવામાં હોય છે. નીચે બેઠેલા નાના માણસો ઊંચે જવાની ખેવના નથી રાખતા. ઊંચે બેઠેલાઓને પોતાના સ્તર સુધી ખેંચી લાવવામાં એમને વધારે રસ હોય છે. એ જાણે છે કે પોતે ગમે એટલા પ્રયત્ન પછી પણ ઉપર નથી ઊડી શકવાનો. બીજાની બરાબરી કરવાનો એની પાસે આ જ એકમાત્ર ઉપાય હોય છે. નિંદાખોર માણસ કાયમ નાનો જ રહેતો હોય છે, સાંકડો જ રહેતો હોય છે.
પાન બનારસવાલા
જેનું જીવન જેટલું કંટાળાજનક હોય એટલું એની વાતોમાં બીજાની નિંદાનું પ્રમાણ વધારે હોય.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો