(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: મંગળવાર, ૩ જૂન ૨૦૨૫)
નગેન્દ્ર વિજય માત્ર જ્ઞાન-વિજ્ઞાનના વિષયો પર જ નહીં, ઇતિહાસ, ગણિતશાસ્ત્ર, રાજકારણ અને રાજનીતિ, અર્થશાસ્ત્ર, વિદેશ નીતિ, સંરક્ષણ નીતિ, સાહિત્ય અને કરન્ટ ટૉપિક્સ સહિત અનેક વિષયો પર હથોટી ધરાવે છે. નરેન્દ્રભાઈની સંશોધનવૃત્તિ એમના દરેક લખાણમાં તમે સ્પષ્ટ જોઈ શકો. દરેક લેખને તેઓ પોતાની વિશિષ્ટ શૈલીની ચાસણીમાં ઝબોળીના વાચકો સમક્ષ મૂકે. ભાષા પ્રત્યેની એમની સભાનતા અને ગુજરાતી ભાષાને લાડ લડાવવાની એમની હથોટી એમના ઉપરાંત બીજા એક જ ગુજરાતી પત્રકારમાં જોવા મળી છે —હસમુખ ગાંધી.
હું ઘણાં વર્ષોથી માનતો આવ્યો છું અને લખતો પણ આવ્યો છું કે શાળામાં ગુજરાતી વિષય ભણાવતી વખતે વિદ્યાર્થીઓને માત્ર કવિતા, વાર્તા, નિબંધ કે સાહિત્યકારોએ લખેલા ગદ્યખંડ ભણાવવા પૂરતું નથી. ગુજરાતી ભાષા માત્ર ગુજરાતી સાહિત્યમાં જે વાંચવા મળે છે તે જ નથી. આવું કહીને હું હસમુખ ગાંધી અને નગેન્દ્ર વિજયની વિશિષ્ટ ભાષાશૈલીનાં ઉદાહરણો આપતો રહ્યો છું. અને એક દિવસ એવો આવ્યો પણ ખરો જ્યારે હું મારી આ માન્યતાનો અમલ કરી શકું. સદ્દભાગ્યે મારા વૉટ્સએપ પર 4 જુલાઈ 2017ના આ સંદેશાઓની આપલેનો રેકૉર્ડ છે:
‘નમસ્તે, સર. આવતા વર્ષે દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીના વિષયનું પાઠ્યપુસ્તક નવું બનવાનું છે તેમાં….’
પૂનાથી આ સંદેશો હતો. ગુજરાતીની એસ.એસ.સી.ની ‘કુમાર ભારતી’ના સંપાદકશ્રીએ મારા એક નિબંધસંપુટમાંથી બે નિબંધોને મહારાષ્ટ્રમાં દસમા ધોરણમાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટેના પાઠ્યપુસ્તકમાં સમાવવા માટે અનુમતિ માગી હતી જે મેં ખુશીખુશી આપી હતી. 1974-75માં મેં પણ ‘કુમારભારતી’ની આવી ટેક્સ્ટબુક ભણીને જ એસ.એસ.સી.માં ગુજરાતીનું પેપર લખ્યું હતું. પરવાનગી આપ્યા પછી તરત જ મેં બીજો સંદેશો સંપાદકશ્રીને મોકલ્યો :
‘તમારે હસમુખ ગાંધી અને નગેન્દ્ર વિજય, જેઓ શબ્દજગતમાં મારા આરાધ્ય છે, એમનાં લખાણોનો પણ સમાવેશ કરવો જોઈએ. એ બંનેની તોલે હું ઘણો જુનિયર છું.’
સંપાદકશ્રીએ તરત મારી સહાય માગીને મારો આભાર માન્યો. એમણે નગેન્દ્રભાઈનો સંપર્ક પણ કર્યો. પાઠ્યપુસ્તક છપાઈને આવ્યું ત્યારે એમાં મારા બે નિબંધો ઉપરાંત નગેન્દ્રભાઈનો કયો લેખ છપાયો છે તે હું શોધતો હતો. નગેન્દ્રભાઈને બદલે મને હર્ષલ પુષ્કર્ણાનો એક સરસ લેખ જડ્યો. હું સમજી ગયો. પિતાએ પોતાની સિદ્ધિને બાજુએ મૂકીને હોનહાર પુત્રને આગળ કર્યો હતો.
નગેન્દ્રભાઈ વિજ્ઞાન જેવા અઘરા અને અટપટા વિષયને જનસામાન્ય સુધી પહોંચાડી શકે છે એનાં મારી દૃષ્ટિએ બે મુખ્ય કારણ છે. સૌથી પહેલું તો એ કે વિજ્ઞાનનાં તમામ પાસાં વિશેની એમની પાસે ઊંડી સમજ છે જે ના હોય તો તમે વિષયમાં ઊંડા ઉતરી જ ન શકો. પણ માત્ર સમજ હોવી પૂરતું નથી. વિજ્ઞાન કે અન્ય કોઈ પણ વિષયને પચાવીને, એમાં ઊંડા ઉતરીને પોતે સમજ્યા હોય એવી વ્યક્તિઓ તમને મળશે. પણ આ સમજને સામાન્ય લોકોમાં વહેંચવી, હાઈલી ટેક્નિકલ વાતોને નૉન-ટેક્નિકલ વાચકો સુધી પહોંચાડવી એ અશક્ય લાગતું કામ છે જે ભાષા દ્વારા થતું હોય છે. નગેન્દ્રભાઈના માથે મા સરસ્વતીના ચારેય હાથ છે (એમના બંગલાના દીવાનખંડમાં પ્રવેશતાં જ તમને મા સરસ્વતીની મોટી શ્વેત મૂર્તિનાં દર્શન થશે.) ગુજરાતી ભાષાના વાચકો સુધી આ અટપટી સમાગ્રીને પહોંચાડતી વખતે નગેન્દ્રભાઈની લેખનશૈલી સોળે કળાએ ખીલે છે. ‘વિજ્ઞાનલેખનમાં નગેન્દ્ર વિજયની ભાષાશૈલીનું પ્રદાન’ વિષય પર કોઈ સંશોધન કરીને પીએચ.ડી.ની થીસિસ લખી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી શકે એવું સમૃદ્ધ પ્રદાન એમનું છે.
ગુજરાતમાં કોઈએ સ્ટીવ જૉબ્સનું નામ પણ નહોતું સાંભળ્યું તે જમાનામાં નગેન્દ્રભાઈએ ‘મૅકિનતોશ’નાં મોંઘાદાટ ડેસ્ક ટૉપ કમ્પ્યુટરો વસાવેલાં જેના પર એમનાં મૅગેઝિનોની વાચનસામગ્રીનું ટાઈપસેટિંગ થતું અને લેઆઉટ બનતાં. એમનાં મૅગેઝિનોનાં લેઆઉટ પણ અત્યંત આધુનિક, મોહક અને વાચકોને વાંચવામાં સુગમ પડે એવા. લેઆઉટમાં આવી માસ્ટરી વિનોદ મહેતામાં હતી જેઓ તંત્રી તરીકે પોતાનાં દરેક પ્રકાશનમાં આર્ટ ડિરેક્ટર પાસેથી જબરજસ્ત કામ લઈ શક્તા. નગેન્દ્રભાઈનાં પ્રકાશનો ટાઈપોગ્રાફીમાં પણ જોજનો આગળ. જે જમાનામાં મથાળાં-પેટામથાળાં માટે એક કે બે જ ફૉન્ટ ડેવલપ થયેલી અને તે પણ અત્યંત શુષ્ક તે જમાનામાં એમણે પોતાના ઉપયોગ માટે મોટા ખર્ચે હેડિંગની વિવિધ ફૉન્ટ્સ તૈયાર કરાવી હતી જે આજની તારીખે પણ એમનાં પ્રકાશનોની આગવી ઓળખ છે.
પ્રિન્ટિંગ અને કાગળની બાબતમાં તેમ જ પુસ્તકોનાં પ્રોડક્શનની બાબતે પણ નગેન્દ્રભાઈની સૂઝ પ્રશંસનીય છે. ‘ફલેશ’ના જમાનામાં એમણે પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ નાખેલું. ‘ફ્લેશ’ શરૂ કર્યાના એકાદ દાયકા બાદ આર્થિક ક્ષેત્રે કપરાં ચઢાણ આવ્યાં. ધરતીકંપ ગણો તો ધરતીકંપ અને સુનામી, વાવાઝોડું જે ગણો તે એકસામટી બધી જ આપત્તિઓ ત્રાટકી. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં બંધાઈ રહેલો બંગલો અધૂરો વેચી દીધા પછી પણ માથા પરના વાળ જેટલું દેવું ચૂકતે થયું નહીં. ખૂબ કપરા સંજોગોની સામે ધીરજથી, કુનેહથી અને હિંમતથી અડગ રહ્યા, લેખન-પ્રકાશન પ્રવૃત્તિ ચાલુ રાખી. ક્રમશ: દેવું ઘટતું ગયું અને એક દિવસ, જેમ અમિતાભ બચ્ચને 2002ની સાલમાં ‘બાગબાન’ના સેટ પર સૌને મીઠાઈ ખવડાવીને પોતાના માથે ચડી ગયેલા રૂ. 90 કરોડના દેવાનો છેલ્લો રૂપિયો ચૂકવાઈ ગયો છે એવી જાહેરાત કરી હતી એમ નગેન્દ્રભાઈ પણ આ કળણમાંથી હેમખેમ બહાર આવી ગયા ત્યારે એમની આસપાસના સૌ કોઈએ ત્યારે રાહત અનુભવી કે હવે આ બોજા વગર વધારે સ્ફૂર્તિથી કામ થઈ શકશે.
કાગળની પસંદગીની બાબતમાં પણ નગેન્દ્રભાઈની સૂઝ ભારે. ‘ફ્લેશ’ તો જોકે, નૉર્મલ રશિયન કે કેનેડિયન ન્યુઝપ્રિન્ટ પર છપાતું હશે પણ એ પછીનાં સામયિકો મોંઘા સફેદ કાગળ પર (મેપલિથો વગેરે પર) છપાતાં થયાં. ‘સફારી’ સ્થિર થઈને કમાણી કરવા માંડ્યું એ પછી તો એ ચળકતા સુંવાળા આર્ટ પેપર જેવા એલ.ડબ્લ્યુ.સી.—લાઈટ વેઇટ કોટેડ પેપર પર અને એના કરતાંય ઉચ્ચ કક્ષાના પરદેશી કાગળ પર છાપવામાં આવતું.
બે વર્ષ પહેલાં કૂમી કપૂર લિખિત પુસ્તક ‘ધી ઇમરજન્સી’ના ગુજરાતી અનુવાદ માટે એમણે પ્રસ્તાવના લખવાની હા પાડી ત્યારે એમણે કમિટ કરતી વખતે જ કહેલું કે મોડું થશે અને પછી કારણ જણાવેલું કે ‘મારું એક કન્ટેનર વિદેશથી આવવાનું છે.’
‘સફારી’માટે કન્ટેનર ભરીને વિદેશી કાગળ આવી રહ્યો હતો. એનું શિપમેન્ટ છોડાવવાનું, કાગળિયાં-લાયસન્સ વગેરેની પળોજણ, કન્ટેનર ખાલી કર્યા પછી એની વીડિયો બનાવીને સામેની પાર્ટીને સબમિટ કરવાની-આ બધી જફામાં તેઓ અટવાયેલા. અમે રાહ જોવા તૈયાર હતા. નગેન્દ્ર વિજય ‘સફારી’ માટે આખું કન્ટેનર ભરીને કાગળ મંગાવે એ હકીકત મારા જેવા બીજા હજારો ‘સફારી’પ્રેમીઓ માટે એટલી આનંદદાયક હતી જેટલી દાવરશેઠના પન્ટરો માટે વરસોવા કે રેતી બંદર પર સોનાનું કન્સાઈન્મેન્ટ ઉતરવાની બીના હોય. કદાચ એથી પણ વધારે. એટલે જ અમે રાહ જોવા તૈયાર હતા.
નગેન્દ્રભાઈની પ્રસ્તાવના વગર પુસ્તક બજારમાં મૂકવું નથી એવી જીદ હતી. 25 જૂને ઇમરજન્સીની વરસી આવતી હતી ત્યારે બજારમાં મૂકવું એવો માર્કેટિંગ પ્લાન હતો. બધું જ તૈયાર હતું. કન્ટેનરને લગતી લપ્પનછપ્પન ચાલતી રહી, ‘સફારી’ના પ્રકાશનની ડેડલાઇન પણ સચવાઈ ગઈ અને ટુકડે ટુકડે પ્રસ્તાવના આવતી ગઈ. છેવટે 20મી જુલાઈએ પુસ્તક બજારમાં આવ્યું. નગેન્દ્રભાઈનું સર્ટિફિકેટ અમારા માટે અને વાચકો માટે આઈએસઆઈના માર્કા બરાબર. પુસ્તકની પ્રથમ આવૃત્તિ ચપોચપ વેચાઈ ગઈ. એક જ મહિનામાં ફરીથી છાપવું પડ્યું.
નગેન્દ્રભાઈએ ઘણાં વર્ષોથી લખવાને બદલે શ્રુતલેખનની પદ્ધતિ અપનાવી છે. એ બોલે અને એમનાં પત્ની દક્ષાબહેન કે બીજું કોઈ ડિક્ટેશન લે. પ્રસ્તાવના પણ એમણે મને એ જ રીતે લખાવી. વૉટ્સએપ પર એમની લાંબી લાંબી ઑડિયો ક્લિપ આવતી જાય. એમાં વિસર્ગ, ઊંધી માત્રા, હ્રસ્વઇ-દીર્ઘઈ, અલ્પવિરામ વગેરે તમામ સૂચનાઓ બોલાતી જાય. એમની ઑડિયો ક્લિપને કાગળ પર ઉતારવાનો લહાવો હતો. એમનો અવાજ મારા ફોનમાં સચવાઈને રહેશે એ વળી બીજો મોટો ઉમંગ હતો. આવી આઠ-દસ ઑડિયો ક્લિપ બાદ લાંબી પ્રસ્તાવનાનું કામ પૂરું થયું.
પુસ્તક બજારમાં આવે એ પહેલાં એમને કુરિયર દ્વારા અગિયાર નકલો મોકલી આપી હતી પણ રૂબરૂ કર્ટ્સી વિઝિટ બાકી હતી. છએક મહિના પછી ‘ધ ઇમરજન્સી’ના પ્રકાશક કલ્પેશ પટેલ સાથે અમે ચારધામ જાત્રા કરી. સૌ પ્રથમ દંતાલી જઈને સ્વામી સચ્ચિદાનંદના આશીર્વાદ લીધા. પછી વડોદરામાં ગુણવંત શાહના ‘ટહુકો’ બંગલે જઈને ભાઈને નિરાંતે મળ્યા. બીજા દિવસે પાલનપુરમાં ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓ વિશે મારું એક વ્યાખ્યાન હતું તે પતાવીને બક્ષીસાહેબના વારસાગત ઘરનાં દર્શન કર્યાં અને સાંજે અમદાવાદ આવીને નગેન્દ્રભાઈના બંગલે અમારી ચારધામની જાત્રા પૂરી કરી.
નગેન્દ્રભાઈ અત્યારે જે બંગલોમાં રહે છે ત્યાં હું પહેલી જ વાર ગયો. આંખ ઠારે એવી જગ્યા. એમની નવી ઑફિસથી વૉકિંગ ડિસ્ટન્સ પર. એ ઑફિસ જોઈને તમને સંતોષ થાય કે એક પત્રકાર પાસે, જીવનનાં તમામ સંઘર્ષનો સામનો કર્યા પછી, આટલી મોટી, આધુનિક સાજસજ્જા ધરાવતી, જ્ઞાનના મંદિરસમી ઑફિસ છે.
એંશીના દાયકાના શરૂઆતનાં વર્ષોમાં હું રિપોર્ટિંગ માટે અમદાવાદ જતો ત્યારે અચૂક એમની એ વખતની નાનકડી ઑફિસે જતો. જમીને તરત જ ગયા હોઈએ તોય આગ્રહ કરીને ‘હેવમોર’ની કોલસ્લોના સલાડવાળી તોતિંગ સેન્ડવિચ મગાવે જે તમારે આખેઆખી પૂરી કરવી પડે. 2003 પછીનાં થોડાંક વર્ષો માટે અમદાવાદમમાં રહીને કામ કરતો ત્યારે પાલડીની સંજીવની હૉસ્પિટલ પાસેના મારા ઘરથી પાટા વટાવો કે તરત જ ‘આનંદમંગલ’ નામના બિલ્ડિંગમાંનું ‘સફારી’નું તીર્થસ્થાન આવે—પરિમલ ક્રોસિંગસ્થિત ‘ડૉક્ટર્સ હાઉસ’ની બરાબર સામેની ગલી.
નગેન્દ્રભાઈનાં બે સંતાનો વિશાલ અને હર્ષલ. બંનેને મળ્યો છું. નગેન્દ્રભાઈના મોટાભાઈ ભારદ્વાજ વિજય જેમની સાથે હું ‘ગુજરાતમિત્ર’માં હતો ત્યારે તંત્રી વિભાગમાં સામસામે બેસીને કામ કર્યું છે. ભારદ્વાજભાઈનાં પત્ની ડૉક્ટર એટલે દંપતિ સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં આવેલા ડૉક્ટર્સ ક્વોર્ટર્સમાં રહેતું. ત્યાં પણ ગયો છું.
નગેન્દ્રભાઈએ પોતાનું પ્રેસ કાઢી નાખ્યું તે પછી ‘એલાઈડ ઑફસેટ’ પ્રેસમાં વર્ષો સુધી છપાવ્યું. ‘ચિત્રલેખા’એ પોતાનું બ્લૅક ઍન્ડ વ્હાઈટ પ્રિન્ટિંગ પ્રેસ કાઢીને નવું હીટસેટ વસાવ્યું ત્યારે જૂનું પ્રેસ એલાઈડે ખરીદ્યું હતું. એલાઈડ પાસે અત્યારે તો ઘણાં આધુનિક પ્રિન્ટિંગ મશીનો આવી ગયાં છે. વિધિની વિચિત્રતા જુઓ કે ‘ચિત્રલેખા’એ પોતાનું પ્રેસ કાઢી નાખ્યું છે અને હવે અમદાવાદમાં એલાઈડમાં છપાવા જાય છે!
એલાઈડના દીપકભાઈ પટેલ સાથે અને એ પછી નગેન્દ્રભાઈએ જે પ્રેસમાં છપાવાનું શરૂ કર્યું તે વિનય પ્રિન્ટિંગ પ્રેસના નરેશભાઈ દેસાઈ સાથે મારે પણ ઘનિષ્ઠ સંબંધ રહ્યો. નગેન્દ્રભાઈના અમદાવાદના મેઈન એજન્ટ અજમેરા અને સુરતના એજન્ટ સુરત બુક સ્ટોલ. એ બંને સાથે પણ મારે ખૂબ સારાસારી. સુરત બુક સ્ટોલવાળા જગદીશભાઈ તો હું સુરતથી ઘર ખસેડીને પાછો આવતો હતો ત્યારે ટેમ્પોમાં પોતે બેસીને સામાનને સાચવીને મુંબઈ લઈ આવેલા. કાંતિભાઈ અજમેરાના દીકરા પંકજ અજમેરા મને બહુ સધિયારો આપતા—જ્યારે હું અમદાવાદમાં મારા સાપ્તાહિક ‘વિચારધારા’ને કારણે ચારેબાજુથી ભીંસમાં હતો ત્યારે. પંકજભાઈ પોતાના પિતાને કારણે નગેન્દ્રભાઈની આ પ્રકારની સ્ટ્રગલના સાક્ષી હતા. માથે વીજળી ત્રાટકે એવી આપત્તિઓનો સામનો કરીને સામા વહેણે તરીને નગેન્દ્રભાઈએ પોતાની ડૂબતી ટાઈટેનિકને કેવી રીતે ઉગારી અને કુશળતાપૂર્વક એને કાંઠે લઈ આવીને નવેસરથી એને દરિયાઈ સફરને ખેડવા લાયક બનાવી એ કથા સાંભળીને નગેન્દ્રભાઈ માટેનું તમારું માન દસગણું વધી જાય.
* * *
ઈનામ-અકરામો અને પુરસ્કારો હંમેશાં નગેન્દ્ર વિજયથી દૂર જ રહ્યા. પત્રકારોને અપાતા પુરસ્કારો એમને ક્યારેય મળ્યા નથી. પદ્મશ્રી અને પદ્મભૂષણ જેવાં સન્માનો તદ્દન સી ગ્રેડ ગુજરાતી લેખકો-કવિઓ-પત્રકારોને પણ મળ્યાં છે. (કેટલાક ઉત્તમ અને લાયક હોય એવાઓને પણ મળ્યાં છે). નગેન્દ્ર વિજયને દાયકાઓ પહેલાં આ તમામ પુરસ્કારો મળવા જોઈતા હતા. નગેન્દ્ર વિજય વિશે મેઈનસ્ટ્રીમના કોઈ પણ જાણીતા લેખકે-પત્રકારે લંબાણથી લખ્યું નથી એ પણ બહુ મોટા આશ્ચર્યની વાત છે.
નગેન્દ્રભાઈની સૌથી મોટી મૂડી એમના વાચકો છે. 65 વર્ષની કારર્કિદી દરમ્યાન અને 50 વર્ષની પ્રકાશનયાત્રા દરમ્યાન ગુજરાતી ભાષાના લાખો વાચકોએ એમને નિયમિત વાંચ્યા. એમને વાંચીને અમારા જેવા અનેક શિખાઉ પત્રકારો દરેક તબક્કે નવું નવું શીખતા રહ્યા. અગણિત વાચકો એમની પાસેથી પ્રેરણા લઈને સાયન્સના સબ્જેક્ટમાં આગળ વધીને પોતપોતાની કારર્કિદીમાં ટોચ પર પહોંચ્યા. એવા હજારો ગુજરાતીઓ છે જેઓ અવારનવાર, એક યા બીજી રીતે ઋણસ્વીકાર કરતા હોય છે કે આજે સાયન્સની ડિગ્રી લઈને મારી કારર્કિદીમાં હું જે કંઈ છું તેના પાયામાં ‘સફારી’ અને ‘સ્કોપ’ છે.
હું પોતે આવા કેટલાક અઠંગ નગેન્દ્રપ્રેમીઓને ઓળખું છું જેમાંના એક મારા અંગતમિત્ર છે. નીલેશ સંગોઈ એમનું નામ. મુંબઈમાં ઓલા-ઉબરના ઉદય પહેલાં મેરુ કૅબ્સનું બહુ મોટું નામ હતું, તેના સીઈઓ હતા. અત્યારે બેંગ્લોર છે. ચારધામની જાત્રા વખતે નગેન્દ્રભાઈને મળવાનું નક્કી થયું ત્યારે નગેન્દ્રભાઈની પરવાનગી લઈને મેં નીલેશને સંદેશો આપ્યો હતો. તેઓ તાબડતોબ બેંગ્લોરથી સાંજે અમદાવાદ આવ્યા, અમારી સાથે નગેન્દ્રભાઈને નિરાંતે મળ્યા-પહેલી જ વાર, અને પ્રસન્નતા સાથે રાતની ફ્લાઈટમાં બેંગ્લોર જતા રહ્યા. અમિતાભ બચ્ચન કે શાહરૂખ ખાનના અઠંગ ચાહકો ‘પ્રતિક્ષા’ કે ‘જલસો’ બંગલો આગળ કે ‘મન્નત’ આગળ પોતાનો ફોટો પડાવીને સાચવી રાખે એવી રીતે નીલેશે નગેન્દ્રભાઈને મળ્યા પછી બહાર નીકળીને એમના બંગલો પાસે પોતાનો ફોટો પડાવીને સાચવી રાખ્યો છે.
‘સફારી’ આટોપ્યા પછી નગેન્દ્રભાઈ યુટ્યૂબ પર કાર્યરત થશે એવું લાગે છે. કોરોના વખતે એમણે કેટલીક વીડિયો યુટ્યૂબ પર મૂકી હતી. અમે મળ્યા ત્યારે એમણે નીલેશને પૂછેલું કે, ‘સૌરભ એકલે હાથે ‘ન્યુઝપ્રેમી’ કેવી રીતે ચલાવે છે?’ નીલેશે અને મેં એમને બધી જ ગોઠવણ વિગતે સમજાવી હતી. મેં એમને કહેલું કે ‘ન્યુઝપ્રેમી’ માટે જે સગવડો ઊભી કરી છે તે બધી જ તમારી તહેનાતમાં રહેશે. તમે જે ફેરફારો સૂચવશો તે પણ કરીશું. તમે માત્ર લખો-એટલે કે બોલો-ટ્રાન્સક્રિપ્શનની જવાબદારી સંપૂર્ણપણે મારી. વાચકો સુધી તમે ડિજિટલ માધ્યમ સુધી પહોંચો એ માટે મારા વાચકો માટેનાં તમામેતમામ 78 વૉટ્સએપ ગ્રુપો પણ તમારી સેવામાં હાજર છે. તમે બસ માત્ર લખો. નગેન્દ્રભાઈએ તે વખતે, અને તે પછીના ફૉલોઅપ્સ વખતે કશું કમિટ કર્યા વિના કહેલું કે જોઈએ.
‘સફારી’નો બોજો ઉતરી ગયા પછી નગેન્દ્ર વિજયનું સત્વ યુટ્યૂબ દ્વારા, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ જેવા કોઈ અન્ય ડિજિટલ મીડિયાના પ્લેટફૉર્મ દ્વારા કે પછી બીજી કોઈ રીતે વાચકો સુધી પહોંચતું રહેશે એવી મને ખાતરી છે.
ગુજરાતી પત્રકારત્વમાં ‘સફારી’ના બંધ થયા પછી વાંચતી વખતે જેમાં ઓતપ્રોત થઈ જાઓ એવા સત્ત્વશીલ સામયિકોનો યુગ આથમી ગયો છે. હા, ‘સફારી’ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું છેલ્લું લોકપ્રિય, સંસ્કારી અને ઉપયોગી મેગેઝિન હતું. આ ખોટ પૂરવા માટે નગેન્દ્રભાઈ કોઈપણ નવા, આધુનિક, સમકાલીન મીડિયાને અપનાવે તે જરૂરી છે. ‘સફારી’ના અને નગેન્દ્રભાઈની કલમના ચાહકો માટે (એમણે જ અતિપ્રચલિત કરેલા રૂઢિપ્રયોગને, આગોતરી માફી માગીને વાપરીએ તો કહી શકાય કે) ભાગતા ભૂતની લંગોટી ભલી!
તાજા કલમ: ‘સફારી’ અને નગેન્દ્રભાઈ વિશે લખવાનું શરૂ કર્યું ત્યારે ખૂબ લાંબું લખાણ થયું, લગભગ ૩,૨૦૦ શબ્દો જેટલું. ડિજિટલ મીડિયામાં આટલું લાંબું કોઈ વાંચતું નથી, હું પોતે પણ નથી વાંચી શકતો. એટલે લેખના બે ભાગ કરીને પૂર્વાર્ધ પોસ્ટ કરી દીધો. એ પછી કેટલાક મુદ્દા યાદ આવ્યા એટલે થયું કે ઉત્તરાર્ધમાં ઉમેરો કરી દઈશ. પણ ઉમેરો લખતી વેળાએ એક પછી એક નવા મુદ્દા સામે આવતા રહ્યા. એક નવો લેખ કરવો પડ્યો. તો આ સિરીઝનો ત્રીજો અને છેલ્લો એપિસોડ આવતી કાલે.
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi .comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
સફારી નો હું પણ બાળપણ થી વાંચક અને ચાહક રહ્યો છું. સ્કોપ તથા સફારી ના લગભગ બધા જ અંક સાચવી રાખ્યા છે. આ જ્ઞાન ના ભંડાર ને પસ્તી માં નાખતા જીવ નથી ચાલતો. કોઈ પણ વાચક ને વાંચવા જોઈતા હશે તો આપવાની ઇચ્છા છે.
નગેન્દ્ર ભાઈ ની હસતી રમતી રસાળ શૈલી માં લખેલ લેખો વાંચવા તે પણ એક લ્હાવો છે.
સૌરભ ભાઈ. તમને એક વિનંતી છે કે નગેન્દ્ર ભાઈ ના નવા વિતરણ વિશે અહીંયા માહિતી આપતા રહેશો.
તમારા દ્વારા અને એ પણ નગેન્દ્ર વિજય દાદા પર લખાયેલ હોય તો 3200 તો શું 6400 શબ્દોનો લેખ પણ ટૂંકો લાગે. જેટલા એપિસોડ્સ થાય એટલા લખો, સાહેબ. અને તમારો ખુબ ખુબ આભાર આ પળો અમારી સાથે વહેંચવા માટે. <3