( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 26 માર્ચ 2025)
“મુહમ્મદ અલી ક્લેને અપની બાયોગ્રાફી મેં એક બહોત અચ્છી બાત લિખી હૈ: ચૅમ્પિયન વો હૈ કિ જબ વો ગિરનેવાલા હો ઝમીં પે, ઉસ વક્ત કહીં અપની સિસ્ટમ મેં સે એનર્જી ઈકઠ્ઠા કર કે સામનેવાલે કો એક નૉકઆઉટ પંચ માર સકે. અગર ઉસ મેં યે સલાઈયત હૈ તો વો ચૅમ્પિયન હૈ. જબ વો કેનવાસ પે ગિરનેવાલા હૈ, ઉસ વક્ત યે કામ કર સકે. ઔર યહી કામ આર. ડી. બર્મનને કિયા. હાલાતને ઉન્હે પૂરી તરહ ઝખ્મી કર દિયા થા, તોડ દિયા થા. લેકિન વો આર. ડી. બર્મન થા, ચૅમ્પિયન થા. ઉસને અપને અંદર કી સારી એનર્જી જમા કર કે વો નૉક આઉટ પંચ નાઈન્ટીન ફૉર્ટી ટુ અ લવ સ્ટૉરી કે મ્યુઝિક મેં દે દિયા…
મઝા જુઓ કે લખવાનું શરૂ કરવું છે બૉક્સિગં જેવી ભરપૂર મર્દાના રમતના વર્લ્ડ ચૅમ્પિયન કેશ્યસ ક્લે ઉર્ફે મુહમ્મદ અલી વિશે અને વાતની શરૂઆત થાય છે નાજુક સંવેદનોના શબ્દસ્વામી જાવેદ અખ્તરે એટલી જ બારીક લાગણીઓને ઝંકૃત કરનારા આર. ડી. બર્મનને આપેલી અંજલિના આ શબ્દો દ્વારા!
રમતગમત મારો વિષય નથી અને બૉક્સિંગ તો નહીં જ. પણ ઝઝૂમવું મારો વિષય છે. કૅનવાસ પર ચત્તાપાટ પડીને ધોળે દિવસે તારા દેખાય એવી પરિસ્થિતિમાં રેફરી દસની ઊંધી ગિનતી શરૂ કરીને એક પર પહોંચે ત્યાં જ ચિત્તાની ચપળતાથી ઉછળીને ફરી ગેમ શરૂ કરવી એ મારો વિષય છે. ડાઉન ઍન્ડ આઉટ જાહેર થઈ ગયા પછી ફરી એકવાર ચૅમ્પિયન બનવું એ મારો વિષય છે.
પિતા કેશ્યસ ક્લેને ત્યાં જન્મીને કેશ્યસ ક્લે જુનિયર નામ ધારણ કરીને આ બ્લૅક અમેરિકને બૉક્સિગંની દુનિયામાં તહલકો મચાવ્યો. ક્રિશ્ર્ચિયનમાંથી મુસ્લિમ બનીને મુહમ્મદ અલી નામ ધારણ કર્યું. વર્લ્ડ ચૅમ્પિયન બન્યા પછી અમેરિકન સરકારે એના પર ત્રણ વર્ષ સુધી બૉક્સિગં રમવા પર પ્રતિબંધ મૂક્યો એટલું જ નહીં એનો પાસપોર્ટ પણ રદ જાહેર કર્યો જેથી બૉક્સિગંની વર્લ્ડ ચૅમ્પિયનશિપની રમતમાં ભાગ લેવા માટે બીજા કોઈ દેશમાં ન જઈ શકે. આ અને આવા અનેક ઝંઝાવાતો સામે આ બૉક્સરે જીદ પકડીને ઝીંક ઝીલી, ઘવાયો, તૂટ્યો પણ નાસીપાસ ન થયો. અને અંતે વિજેતા બન્યો. આજીવન વિજેતા રહ્યો. મર્યો પણ વિજેતા તરીકે. ૨૦૧૬માં ૭૪ વર્ષના આયુષ્યનાં છેલ્લા ત્રીસ વર્ષ પાર્કિન્સન ડિસીઝ સામે ઝઝૂમ્યો પણ છેવટ સુધી અણનમ રહ્યો.
મુહમ્મદ અલીએ ‘ધ ગ્રેટેસ્ટ: માય ઓન સ્ટોરી’ના નામે આત્મકથા ‘લખી’ છે જેનું લેખનકાર્ય રિચર્ડ ડર્હમે કર્યું છે અને ટોની મૉરિસને એનું એડિટિંગ કર્યું છે. આ ઉપરાંત મારી પાસે ૧૯૮૫માં ૪૫ રૂપિયાની કિંમતે બ્રાન્ડ ન્યુ ખરીદેલી ‘ધ પ્લેબૉય ઈન્ટરવ્યૂ’ની ૭૦૦ પાનાંની હાર્ડ બાઉન્ડ કૉપી છે જેમાં સપ્ટેમ્બર ૧૯૬૪માં લેવાયેલો કૅશ્યસ ક્લેનો ઈન્ટરવ્યૂ છે અને નવેમ્બર ૧૯૭૫માં લેવાયેલો મુહમ્મદ અલીનો પણ ઈન્ટરવ્યૂ છે. પહેલો ઈન્ટરવ્યૂ એલેક્સ હેલીએ લીધો છે. સ્વયં બ્લૅક રાઈટર. પોતાની પંદર પેઢી અગાઉના પૂર્વજોને ખોળવાની કથા એલેક્સ હેલીએ ‘રૂટ્સ’માં લખી છે. સિડનહૅમ કૉલેજમાં મારી સાથે ભણતા એક મિત્રે મારી ૧૬મી વર્ષગાંઠે આ દળદાર ‘રૂટ્સ’ની નકલ મને ભેટ આપી હતી.
મુહમ્મદ અલી ભડભડિયો હતો, બોલબચ્ચન હતો. પણ એ બીજાને ઉતારી નહોતો પાડતો. પોતે ગ્રેટેસ્ટ છે એવું માનતો અને બોલતો પણ ખરો પણ બીજાઓ છંછુદર છે એવું માનતો પણ નહીં, બોલવાની વાત તો બાજુએ રહી.
મુહમ્મદ અલીની શારીરિક ક્ષમતા એણે પોતાનામાં ખીલવેલી માનસિક ક્ષમતાને આભારી હતી. તમારે મૅરેથોનમાં જીતવું હોય કે એવરેસ્ટનું આરોહણ કરવું હોય માત્ર શારીરિક ક્ષમતાથી કોઈ કામ થતું નથી. મુહમ્મદ અલી જિંદગીના આરંભથી જ આ વાત સારી રીતે જાણી ગયેલો. એક્સરસાઈઝ કરવાની બાબતમાં એ કહેતો: ‘હું કેટલા સિટ-અપ્સ કરું છું એની કોઈ ગણતરી રાખતો નથી. પછી જ્યારે કરતાં કરતાં હર્ટ થવાનું શરૂ થાય ત્યારે હું ગણતરી શરૂ કરું છું – વન, ટુ, થ્રી…’
મુહમ્મદ અલીનાં આવાં કેટલાંય વાક્યો જગમશહૂર છે. એની લાઈફમાં ઊંડા ઊતરતાં પહેલાં એના આ ક્વોટ્ેબલ ક્વોટ્સ થકી એનો મિજાજ જાણીએ:
૧. સામે દેખાતો ઊંચો પહાડ તમને થકવી નહીં નાખે, પગમાં પહેરેલા જૂતામાંની કાંકરી તમને આગળ વધવા નહીં દે.
૨. વીસ વર્ષની ઉંમરે પોતે જે રીતે દુનિયાને જોતો એ જ રીતે જે ૫૦ વર્ષની ઉંમરે પણ દુનિયાને જુએ છે તેણે જિંદગીનાં ૩૦ વર્ષ વેડફી નાખ્યાં છે.
૩. બૉક્સિગંની રિંગની અંદર કે એની બહાર. પટકાઈને નીચે પછડાઓ એમાં કંઈ ખોટું નથી. ખોટું છે પછડાયા પછી ત્યાંને ત્યાં પડી રહેવામાં.
૪. ટ્રેનિંગની એક-એક સેક્ન્ડને હું ધિક્કારતો. પણ જાતને કહેતો: છટકવાનું નથી, અત્યારે સહન કરી લે, પછી આખી જિંદગી ચૅમ્પિયન બનીને જીવીશ…
૫. કોઈ પણ રમત બૉક્સિગં રિંગમાં હજારો પ્રેક્ષકોની હાજરીમાં જીતાતી કે હરાતી નથી. એ કામ તો જિમમાં થતું હોય છે, જિંદગી જે રીતે જીવાય છે એ દરમ્યાન થઈ જતું હોય છે.
૬. જેનામાં શ્રદ્ધા નથી, આત્મવિશ્ર્વાસ નથી એ પડકારો લેતાં ડરે છે. મને મારા પર ભરોસો હતો.
૭. ફ્રેન્ડશિપ એટલે શું તે તમને કોઈ સ્કૂલમાં જઈને શીખવા નથી મળવાનું. પણ જો તમે ફ્રેન્ડશિપ એટલે શું તે શીખ્યા ન હો તો જિંદગીમાં કશું નથી શીખ્યા.
૮. જેનામાં જોખમો ઉઠાવવાની સાહસિકતા નથી એણે જિંદગીમાં કંઈ જ મેળવ્યું નથી.
૯. જ્યારે કોઈ સારો જવાબ ન મળે ત્યારે મૌન એ જ સુવર્ણ ઉત્તર છે.
૧૦. (બૉક્સિગં રિંગમાં) પતંગિયાની જેમ (હવામાં) તરવાનું અને મધમાખીની જેમ ડંખવાનું.
ફ્લોટ લાઈક અ બટરફલાય ઍન્ડ સ્ટિન્ગ લાઈક અ બી. મુહમ્મદ અલીના આ મોસ્ટ ફેમસ શબ્દો. આ શબ્દો એની સમગ્ર કારકિર્દીની ઓળખસમાન છે.
કોઈ પણ વ્યક્તિને ઝળહળતી સફળતા મેળવવા માટે કોઈ એક બીજી વ્યક્તિનો સાથ જોઈએ. સફળતા કદાચ એકલે હાથે મળી જાય, પણ વન પ્લસ વન ઈઝ ઈક્વલ ટુ ઈલેવનવાળી ઝળહળતી સફળતા એના જીવનમાં ત્યારે જ સર્જાય જ્યારે બીજી એક વ્યક્તિનાં ધગશ, મહેનત, કાળજી, પ્રોત્સાહન અને ટેેલેન્ટ ઉમેરાય. એ બીજી વ્યક્તિ એનો ભાઈ હોઈ શકે, એનો કોચ હોઈ શકે, એનાં મા કે બાપ કે પત્ની કે ગર્લફ્રેન્ડ હોઈ શકે, એનો મૅનેજર કે સેક્રેટરી પણ હોઈ શકે.
મુહમ્મદ અલીની કરિયરમાં જ નહીં, એના જીવનમાં પણ જબીર હર્બર્ટ મુહમ્મદે મોટો ફાળો ભજવ્યો. એણે ૧૯૬૬થી મુહમ્મદ અલીની પ્રોફેશનલ બૉક્સિગં કરિયર મૅનેજ કરવાનું શરૂ કર્યું જે કામ ૧૯૮૧માં મુહમ્મદ અલીની નિવૃત્તિ સુધી એ કરતો રહ્યો. બૉક્સિગંમાંથી રિટાયર થયા પછીનાં દસ વર્ષ સુધી પણ જબીરે મુહમ્મદ અલીનું એન્ડોર્સિંગ સહિતનું બધું જ પ્રોફેશનલ કામકાજ મૅનેજ કર્યું. મલ્ટિ મિલિયન ડૉલર્સની કમાણી કરી આપતા કૉન્ટ્રાક્ટસ જબીરના નેગોશિયેશન્સને લીધે મુહમ્મદ અલીને મળતા થયા.
કદાચ એટલે જ મુહમ્મદ અલી કહેતો કે બૉક્સરે જિમમાં પણ રહેવાનું હોય છે અને લૉયરની ઑફિસમાં પણ, રિંગમાં પણ રહેવાનું હોય છે અને અકાઉન્ટન્ટની ઑફિસમાં પણ… મુહમ્મદ અલી જ્યારે જિમમાં ટ્રેનિંગ લેતો અને રિંગમાં જઈને ચૅમ્પિયનશિપ માટે લડતો ત્યારે જબીર હર્બર્ટ મુહમ્મદ લૉયર્સ સાથે બેસીને મુહમ્મદ અલીના કૉન્ટ્રાક્ટ્સની બારીકીઓને ઝીણવટથી તપાસતો, અકાઉન્ટન્ટ સાથે બેસીને એની કમાણીમાંથી નિયમિત ટેક્સ ભરતાં રહીને સધ્ધર અને સલામત ઈન્વેસ્ટમેન્ટ્સના એવેન્યુઝ શોધતો.
જબીર ઉંમરમાં મુહમ્મદ અલી કરતાં મોટો. ૨૦૦૮માં એ ૭૯ની ઉંમરે ગુજરી ગયો. ઈન્ડિપેન્ડન્ટલી એ બિઝનેસમૅન હતો. ઈસ્લામનો પાક્કો બંદો. મુહમ્મદ અલી અને બીજા સાથીઓની મદદથી જબીરે શિકાગોમાં એક મસ્જિદ પણ બાંધી. મુહમ્મદ અલીએ કહ્યું છે કે જબીર હર્બર્ટને પૂછયા વિના એણે કરિયરનો એકપણ નિર્ણય લીધો નહોતો.
છ ફીટ ત્રણ ઈંચની હાઈટ ધરાવતા હૅવી વેઈટ બૉક્સિગં ચૅમ્પિયન મુહમ્મદ અલીએ વિયેતનામ વૉરમાં લડવા જવાની ના પાડી. અમેરિકન નાગરિક તરીકે એણે યુ.એસ. આર્મ્ડ ફોર્સીસમાં ભરતી માટે બોલાવે તો જવું જ પડે. ૨૮ એપ્રિલ, ૧૯૬૭ના દિવસે, ભરતીના દિવસે હ્યુસ્ટનના આર્મી કૅમ્પમાં એ હાજર થયો પણ ખરો. પણ એનું નામ બોલાયું ત્યારે એ આગળ ન આવ્યો. ત્રણ-ત્રણ વાર નામ બોલાયું. ઑફિસરે એને ચેતવણી આપી કે તું ફોજદારી ગુનો કરી રહ્યો છે, તને પાંચ વરસની જેલ અને દસ હજાર ડૉલરનો દંડ થઈ શકે એમ છે. ફરી વાર નામ બોલાયું અને મુહમ્મદ અલી ટસનો મસ ના થયો. તાબડતોબ એની ધરપકડ કરવામાં આવી. એ જ દિવસે ન્યુયૉર્ક સ્ટેટ એથ્લેટિક કમિશને એનું વર્લ્ડ ચૅમ્પિયનશિપનું ટાઈટલ રદ જાહેર કરીને એના બૉક્સિગં રમવા પર પ્રતિબંધ મૂક્યો. દેશનાં બીજાં બૉક્સિગં એસોસિયેશને પણ એને બાન કર્યો.
કોર્ટમાં કેસ ચાલ્યો. મુહમ્મદ અલીએ કહ્યું કે મારો ધર્મ (ઈસ્લામ) મને યુદ્ધ કરવાની ના પાડે છે. હું શાંતિમાં માનું છું. મારો ધર્મ શાંતિનો ધર્મ છે. માત્ર ૨૧ મિનિટ સુધી સામસામી દલીલો થઈ અને મુહમ્મદ અલીને કસૂરવાર ઠેરવવામાં આવ્યો. અલીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. ત્રણ વર્ષે ચુકાદો આવ્યો. મુહમ્મદ અલી કોર્ટમાં પણ વિજેતા જાહેર થયો.
બાય ધૅટ ટાઈમ, અમેરિકાની પ્રજામાં વિયેતનામ વૉર અંગે સરકાર સામે ખાસ્સી એવી ચડભડ થઈ ગયેલી. પ્રજા સરકારની ખિલાફ હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી મુહમ્મદ અલી અમેરિકનોનો હીરો બની ગયો.
મુહમ્મદ અલીનો આઈ.ક્યુ. ૭૮ હતો. એંશીથી નીચે જેનો આઈ.ક્યુ. હોય તેઓ ડોબા કહેવાય અને ૧૪૦ પ્લસ હોય એ જિનિયસની કૅટેગરીમાં આવે. મુહમ્મદ અલી કહેતો ‘મેં ક્યાં એવું કહ્યું છે કે હું સ્માર્ટેસ્ટ છું, હું તો ખાલી એટલું જ કહું છું કે હું ગ્રેટેસ્ટ છું!’
બાકી આવતા બુધવારે.
સાયલન્સ પ્લીઝ!
લોકોને પોતાની પાસે શું છે એનો ત્યારે જ ખ્યાલ આવે છે જ્યારે એ જતું રહે છે. જેમ કે પ્રેસિડેન્ટ કૅનેડી, એમના જેવું બીજું કોઈ નહોતું. બીટલ્સ. અને મારો પ્રિય એલ્વિસ પ્રિસ્લી. ‘હું બૉક્સિગંનો એલ્વિસ હતો.’
– મુહમ્મદ અલી
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
મોહમ્મદ અલી જી કહે છે મારો ધર્મ મને યુદ્ધ કરવાની ના પાડે છે અને શાંતિ ઇચ્છે છે, પણ ઇસ્લામ અને શાંતિ ?? એ તો ક્યાંય દૂર દૂર સુધી દેખાતી નથી