નગેન્દ્ર વિજયનું સફારી : નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક : સૌરભ શાહ

(‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: બુધવાર, ૪ જૂન ૨૦૨૫)

કોઈપણ મૅગેઝિન બંધ પડે એનાં અનેક કારણો હોઈ શકે. સારું મૅગેઝિન પ્રગટ થતું અટકી જાય એટલે વાચકોને દુ:ખ થવાનું જ છે. પણ નગેન્દ્ર વિજય ‘સફારી’નું પ્રકાશન આટોપી લે છે એવા સમાચાર જાણીને વાચકોમાં રીતસરનો માતમ છવાઈ ગયો.

અસંખ્ય વાચકોએ પોતાનું સ્વજન ગુમાવ્યું હોવાની લાગણી વ્યક્ત કરી. કેટલાકની આંખો ભીની થઈ, કેટલાકના ગાલ પર આંસું સરી આવ્યા તો કેટલાક વાચકો મન મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આવું દરેક મૅગેઝિન વિશેના માઠા સમાચાર જાણીને નથી થતું. ‘સફારી’ બંધ કરવાની જાહેરાત થયા પછી વાચકોમાં જે શોકની લાગણી ફેલાઈ ગઈ તે અભૂતપૂર્વ છે. ભવિષ્યમાં ગુજરાતી મૅગેઝિનોનો ઇતિહાસ લખાશે ત્યારે અચૂક આ લાગણીનો ઉલ્લેખ થવાનો. આવી તીવ્ર લાગણી નગેન્દ્રભાઈને ગુજરાતી વાચકોએ આપેલો, અને એમને જીવનમાં મળેલો સૌથી મોટો શિરપાવ છે. બધા પત્રકારો-તંત્રીઓ આવો પ્રેમ મેળવવાને સદ્દભાગી નથી હોતા (કેટલાક તો લાયક પણ નથી હોતા).

‘સફારી’ અને નગેન્દ્રભાઈ વિશેનો મારો પ્રથમ લેખ બીજી જૂને પોસ્ટ થયા બાદ મને ફેસબુક પર, ટ્વિટર પર અને વૉટ્સઍપ પરના મારા વાચકગ્રુપોમાં જે સંખ્યાબંધ સંદેશા મળ્યા એમાંથી બે કમેન્ટ્સ હું તમારી સાથે શેર કરવા માગું છું.

એક બહેને વૉટ્સઍપ પર કમેન્ટ મોકલી:

‘હું મારા આણામાં બે બોક્સ ભરીને ‘સફારી’ લઈ આવેલી અને લગ્ન પછી પણ હજુ (વાંચવાનું) ચાલુ જ છે. અંક 369 ટેબલ પર પડ્યો છે પણ હજુ ખોલીને જોયો નથી…ન ભૂતો ન ભવિષ્યતિ જેવી વિરલ વિભૂતિ એટલે નગેન્દ્રભાઈ. સાચા અર્થમાં સાધુ પુરુષ. સંસારમાં રહીને પણ સર્વથી અલિપ્ત. માત્ર દેશ અને દેશવાસીઓનું ભલું થાય એટલી જ ઇચ્છા.’

મહેશ તેરૈયા નામના ‘સફારી’ના વાચકે ટ્વિટર પર મૂકેલા મારા લેખની નીચે કમેન્ટ કરી:

“ ‘સફારી’નો હું નાનપણથી ચાહક છું. મેં આર્મી જૉઈન કર્યા પછી ‘સફારી’ મિલિટરી એડ્રેસ પર મગાવું, જે એડ્રેસ અલગ પ્રકારનું હોય નગેન્દ્રભાઈની નજરે આવતાં એમણે મને પત્ર લખીને જાણ કરી કે હવેથી તમે જ્યાં નોકરી કરશો ત્યાં તમને વિનામૂલ્યે ‘સફારી’નો અંક પહોંચશે. અને છેલ્લે સુધી (અંક) આવ્યા (સેલ્યુટનું ઈમોજી).”

* * *

નગેન્દ્રભાઈએ 80 વર્ષના જીવનમાં 65 વર્ષ પત્રકારત્વ કર્યું. શરૂનાં 15 વર્ષ બાદ કરો તો છેલ્લાં પચાસ વર્ષથી એમણે પત્રકાર-લેખક તરીકેની જવાબદારી નિભાવવા ઉપરાંત પોતાનાં સામયિકો તથા પુસ્તકોના પ્રકાશક તરીકેની ફરજ પણ નિભાવી. એક તો ગુજરાતી ભાષામાં ચોખ્ખું, પ્રામાણિક, લોકપ્રિય અને નિયમિત પત્રકારત્વ-લેખન કરવું એ જ ઘણું ડિફિકલ્ટ છે. એમાંથી આ માર્ગે જઈને ઘર ચલાવવું, ટકી રહેવું, બહારની બીજી કોઈ કમાણી વિના કુટુંબ-પરિવારની સગવડો સાચવવી એ તો લોઢાના ચણા ચાવવા જેવું છે. હરકિસન મહેતા ‘ચિત્રલેખા’માં પાર્ટનર નહોતા બન્યા તે જમાનામાં એમની નાની દીકરી સ્વાતિ નાળિયેર પાણી પીવાની જીદ કરતી ત્યારે એને ખાલી નાળિયેરમાં સાદું પાણી ભરીને અપાતું જે એ હોંશેહોંશે પી જતી એવું કલાબહેન મહેતાએ એકવાર કહ્યું હતું. નગેન્દ્રભાઈએ વિશાલ-હર્ષલ નાનાં બાળક હતાં ત્યારે ઘરમાં દૂધ લાવવાના પૈસા નહોતા એટલે જતનપૂર્વક બનાવેલી ‘હિંદુ’ દૈનિકની ડઝનેક બાઉન્ડ ફાઈલો પસ્તીમાં વેચી નાખીને છોકરાઓને દૂધ પીવડાવ્યું છે. સફળ અને લોકપ્રિય પત્રકારોની આવી અંગત વ્યથાઓ બહુ ઓછીવાર વાચકો સુધી પહોંચતી હોય છે.

‘સફારી’ના સમાચાર જાણીને કેટલાક જેન્યુઈન વાચકો તો કેટલાક હૈસો-હૈસો કરવાવાળાઓ મંડી પડ્યા છે કે ચાલો, આપણામાંથી કોઈક તો જાગે, આપણે ગુજરાતીઓ નગુણા છીએ, બધા ભેગા મળીને એક ફંડ ઊભું કરીએ અને ‘સફારી’ને પાછું બેઠું કરવામાં આર્થિક મદદ કરીએ, દસ હજાર-પચ્ચીસ હજાર લવાજમો એકઠા કરવાની ઝુંબેશ ચલાવીએ વગેરે.

અલા ભૈ, નગેન્દ્ર વિજયે એમના અંતિમ તંત્રીલેખમાં જણાવ્યું જ છે કે ખરો પ્રોબ્લેમ ક્યાં છે? ફરી વાંચો: ‘….સ્માર્ટફોનની અને સોશ્યલ મીડિયાની બોલબોલાના સંજોગોમાં જ્ઞાનવિજ્ઞાનના ‘સફારી’નો ફેલાવો અગાઉની સરખામણીએ છઠ્ઠા ભાગ જેટલો પણ રહ્યો નથી. નકલોની સંખ્યા તળિયે બેસી જવાને લીધે આવક-જાવકના બે છેડાઓ ભેગા કરવાનું તો જાણે કપરું બને, પણ વાચકોના અભાવને લીધે હૃદયમાં વરતાતો ખાલીપો હવે કલમને ચાલવા દેતો નથી.’

સમજ્યા તમે? ખરી સમસ્યા એ નથી કે સર્કયુલેશન જે એક સમયે ૭૦,૦૦૦થી ૭૫,૦૦૦ નકલ સુધી પહોંચ્યું હતું તે ધીમે ધીમે ઘટીને આજે માત્ર દસપંદર હજાર પર આવી ગયું છે. નગેન્દ્રભાઈને લવાજમ ભરનારા ગ્રાહકો નથી જોઈતા, વાચકો જોઈએ છે, વાચકો.

નવી પેઢીના (તેમ જ જૂની પેઢીના પણ) વાચકો મોબાઈલ અને સોશ્યલ મીડિયા પાછળ પોતાનો ટાઈમ વાપરતા થઈ ગયા છે. શાળાઓમાં ક્રમશ: માતૃભાષાનું શિક્ષણ ઘટતું જાય છે. દુનિયા ડિજિટલ થઈ ગઈ છે. ચારેકોરથી વિવિધ માધ્યમો દ્વારા માહિતીઓનો, અભિપ્રાયોનો ખડકલો ઠલવાતો જાય છે. આ અને આવાં બીજાં અનેક કારણોસર ‘સફારી’ના જ નહીં, તમામ છાપાં-મૅગેઝિનોના વાચકો ઘટતા જાય છે. ‘ગુજરાતીઓ નગુણા છે’ એવું કહીને આપણે પોતાના શરીર પર કોરડા વિંઝવાની જરૂર નથી. કે નથી એવી કોઈ ઝુંબેશ ચલાવવાની જરૂર કે ચાલો, હજારો લવાજમો ભેગાં કરીએ. ‘સફારી’ને જે જોઈએ છે તે વાચકો (લવાજમો નહીં) મેળવી આપવાનું ગજું કોઈનામાં નથી.

‘સફારી’ વાંચવાવાળા ઘટી ગયા એમાં નગેન્દ્ર વિજય કે ‘સફારી’ની વાચનસામગ્રીનો કોઈ વાંક નથી. નગેન્દ્રભાઈની નિષ્ઠા તસુભાર ઓછી થઈ નથી અને ‘સફારી’ની વાચન સામગ્રીની ગુણવત્તા 369મા અંક સુધી અન્ય મૅગેઝિનો કરતાં એક હજારગણી ઉત્કૃષ્ટ જ હતી.

નગેન્દ્રભાઈ કહેતા હોય છે એમ કોઈ દયાભાવે બધી ટિકિટો ખરીદીને શો હાઉસફુલ કરી આપે પણ હૉલમાં પ્રેક્ષકો જ ના હોય તો ખાલી ખુરશીઓની સામે નાટક ભજવવાનો ઉત્સાહ કલાકારોમાં કેવી રીતે આવે?

‘સફારી’ની બાબતમાં એવું નથી કે તંત્રી-પ્રકાશકની બેદરકારીથી મૅગેઝિનની ગુણવત્તા ઓસરી ગઈ હોય કે પછી નવી આવેલી ટીમ સમયની સાથે તાલ મિલાવી ન શકી હોય એટલે વાચકો રિસાઈને જતા રહ્યા હોય. આવું બનતું હોય છે બીજાં સામયિકોની દુનિયામાં. કેટલીક વાર મૅગેઝિનો સાવ અપ્રસ્તુત બની જતાં હોય છે અને રિલેવન્સ ગુમાવી દેવાથી વાચકોના ભાવવિશ્વની બહાર ફેંકાઈ જતાં હોય છે. કેટલીક વાર પ્રકાશકોની નવી પેઢી આવે એટલે માર્કેટિંગ મૅનેજરોના કહેવાથી મુખ્ય પ્રકાશનોમાંથી તોતિંગ કમાણી થતી હોવા છતાં ખોટ ખાતાં અડધો-પોણો ડઝન સામયિકો એકસામટાં બંધ કરવાનો નિર્ણય લેવાતો હોય છે. કેટલીક વાર અંગ્રેજી સામયિકોની ભાષાકીય આવૃત્તિઓમાં ભલીવાર ન હોવાથી એને બંધ કરવામાં આવે. કેટલીક વાર સ્થાપિત હિતોને આંખમાં કણાની જેમ ખૂંચતા સામયિકોનું ગળું ઘોટી દેવાનું કાવતરું રચાતું હોય છે. કેટલીક વાર મૅગેઝિનમાં છપાતી સામગ્રી ટીવી કે ડિજિટલ મીડિયામાં વધુ સારી રીતે પેશ કરવાનો ટ્રેન્ડ શરૂ થવાથી મૅગેઝિનનો ફેલાવો ઘટી જતો હોય છે.

આ ઉપરાંત બીજું એક નાનું પણ કારણ છે કે એક જમાનામાં ઠેરઠેર જોવા મળતા ન્યૂઝસ્ટૉલ કે પાથરણાંની સંખ્યામાં ડ્રાસ્ટિક ઘટાડો થઈ ગયો છે. સ્ટેશન પરના એ.એચ. વ્હીલરના સ્ટૉલ પર કુરકુરે વેચાતા થઈ ગયા છે. રેલવે પ્લેટફોર્મ પર જે કોઈ બચ્યાખૂચ્યા સ્ટૉલ્સ છે એમાંથી એક જમાનામાં મૅગેઝિન ખરીદીને ટ્રેનમાં ચડતા મુસાફરને હવે મોબાઈલમાં રિલો જોવામાંથી સમય નથી મળતો એટલે હવે તે આવા સ્ટૉલ પર નજર પણ નથી નાખતો. યોગાનુયોગ જુઓ કે પરમ દિવસે , બીજી જૂને, મેં આ લેખશ્રેણીનો પહેલો ભાગ પોસ્ટ કર્યો ત્યારે 2023ના આ જ દિવસે મેં પોસ્ટ કરેલી એક નાનકડી વાત મને ફેસબુકની મેમરીમાં દેખાઈ. પાર્લાના એક છાપાંના સ્ટૉલની તસ્વીર છે. જ્યાં ‘સફારી’ પણ વેચાય છે એવી નોંધ મેં કરેલી છે.

આમાંનું એક પણ કારણ ‘સફારી’ને લાગુ પડતું નથી. ‘સફારી’ના તંત્રી-પ્રકાશકની નિષ્ઠા અને વાચનસામગ્રીની ગુણવત્તા વિશે, આગળ કહ્યું એમ વાચકોની કોઈ ફરિયાદ નથી. ‘સફારી’ના વાચકો કેમ ઘટવા માંડ્યા તે વિશેનો તર્ક પણ નગેન્દ્રભાઈના શબ્દો ટાંકીને ઉપર જણાવ્યો જ છે. ગુજરાતી વાચકોને ફટકારવામાં પિશાચી આનંદ લેનારાઓ જોતા નથી કે ગુજરાતી વાચકોએ જ પચાસપચાસ વર્ષ સુધી હરખભેર નગેન્દ્ર વિજયની પાલખી ઊંચકી છે. ‘સફારી’ અને નગેન્દ્રભાઈની નેત્રદીપક સફળતાના ત્રાજવાના બીજા પલ્લામાં ગુજરાતી વાચકોને અખૂટ પ્યાર છે, સારા પત્રકારત્વની યોગ્ય કદર કરવાની ગુજરાતી ખાનદાની છે અને સાથોસાથ સારું વાચન મળતું હોય છે ત્યારે પૈસા ખરચવાની તત્પરતા પણ છે. માટે જ મારા વાયડા/વેવલા/ચાંપલા/બાયલા મિત્રો, તમે છાજિયા લેવાનું બંધ કરો અને ડિગ્નિટીથી વર્તીને આ દુઃખદ પળનો મલાજો જાળવો.

* * *

નગેન્દ્ર વિજયે લખેલાં અને પ્રગટ કરેલાં પુસ્તકો વિશે એક આખી અલાયદી લેખશ્રેણી કરવી પડે. અહીં ટૂંકમાં. નગેન્દ્રભાઈનાં પુસ્તકોનું એક અલગ જ વિશ્વ છે. એક તરફ ‘વિશ્વ વિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ ભાગ:-1,2,3’ છે, ‘યુદ્ધ 71’ છે, ‘મોસાદનાં જાસૂસી પરાક્રમો’ છે. રોમાંચક નવલકથાને જેમ વાંચી શકો એવાં, રસાળ શૈલીએ લખાયેલાં આ ઇતિહાસનાં પુસ્તકોની સાથે વિજ્ઞાનના એકદમ નવાસવા ભાવકો માટે ‘વિજ્ઞાનની વાતો ’છે. અને વિજ્ઞાનના વિષયમાં ઊંડા ખૂંપી ગયેલા વાચકો માટે ‘આઇન્સ્ટાઈન અને સાપેક્ષવાદ’ છે. આ વિજ્ઞાનનાં પુસ્તકો પણ સહેજે કંટાળો ના આવે એવી રીતે, નગેન્દ્ર વિજયની ઓળખાણ સમી સરળ અને ચુંબકીય શૈલીમાં લખાયેલાં છે. આ ઉપરાંત ‘મેથેમેજિક’ તથા ‘આસાન અંગ્રેજી’ જેવાં પુસ્તકો છે.

એક આડ વાત : એક જમાનામાં ‘રેપિડેક્સ’ સિરીઝ બહુ પોપ્યુલર હતી. વિવિધ ભાષાઓ દ્વારા અંગ્રેજી શીખવાનાં પુસ્તકો ધૂમ વેચાતા. 1985ના ગાળામાં ગુજરાતનાં પ્રમુખ અખબારોમાં રોજ એક નાનકડો લેખ બૉક્સરૂપે આવતો-અંગ્રેજી શીખો. ગુજરાતી વાચકો અંગ્રેજી શીખે એવો ઉમદા હેતુ આની પાછળ હતો. એ ગાળામાં હું નવો નવો સુરતના ‘ગુજરાતમિત્ર’માં જોડાયેલો. તંત્રી-માલિક ભરત રેશમવાળાએ મને આવી કોઈક ડેઈલી કૉલમ શરૂ કરીએ તો કેવું એવું સૂચવ્યું. આવી રીતે અંગ્રેજી ના શીખવાડાય એવું જણાવીને મેં કહ્યું કે તોય વિચારીએ આપણે. બીજે દિવસે મેં એડિટ પેજ પર મારી નવી શરૂ થયેલી દૈનિક કૉલમ ‘તારીખ અને તવારીખ’ના અંતે આ જોક મૂકી :

સર્ક્યુલેશન મૅનેજર: સાહેબ, આપણો ફેલાવો ઘટતો જાય છે.

માલિક-તંત્રી: એવું કેવી રીતે બને?સર્ક્યુલેશન વધારવા તો આપણે ‘અંગ્રેજી શીખો’ની કૉલમ શરૂ કરી છે.

સર્ક્યુલેશન મૅનેજર: સાહેબ, એ કૉલમને કારણે જ કૉપીઓ ઘટી રહી છે. વાચકો અંગ્રેજી શીખીને આપણું છાપું બંધ કરાવીને ટાઈમ્સ ઑફ ઇન્ડિયા મગાવતા થઈ ગયા છે.

જોકે, નગેન્દ્રભાઈના ‘આસાન અંગ્રેજી’ પુસ્તકની વાત સાવ જુદી છે. ખૂબ એટલે ખૂબ મહેનત પછી જતનપૂર્વક લખાયેલા આ પુસ્તકનું એકએક પાનું સોનાની લગડી જેવું છે. ગુજરાતી વાચકોના ઘરમાં નગેન્દ્ર વિજયનાં ઉપર લખેલાં તમામ પુસ્તકો હોવાં જોઈએ અને ‘આસાન અંગ્રેજી’ની તો બે નકલ વસાવવી જોઈએ જેથી પોતાના જેવા કોઈ જિજ્ઞાસુ ઘરે આવે તેમને ભેટ આપી શકાય.

આ તમામ પુસ્તકોની એક કરતાં વધુ આવૃત્તિઓ કરવી પડી છે એટલા એ લોકપ્રિય થયાં છે. હજારોની સંખ્યામાં વેચાયાં છે અને હજુ ય આ જુવાળમાં ઓટ નથી આવી. શરૂમાં કેટલાંક પુસ્તકો નૉર્મલ મૅગેઝિનોની જેમ પ્રગટ થતાં ક્રમશ: એની પ્રોડક્શન ક્વૉલિટીમાં ઉમેરો થતો ગયો. હજારોની સંખ્યામાં છપાતાં આ પુસ્તકોની નવી નવી આવૃત્તિઓ મોંઘા કાગળ અને હાર્ડ બાઈન્ડિંગમાં પ્રગટ થાય છે. ‘આઇન્સ્ટાઈન અને સાપેક્ષવાદ’ જેવા અઘરા વિષયના પુસ્તકની ગુજરાતીમાં ત્રીજી આવૃત્તિ પ્રગટ થાય એવું ત્યારે જ બની શકે જ્યારે એ નગેન્દ્રભાઈની ‘સાવ એટલે સાવ સિમ્પલ ભાષામાં’ લખાયેલું હોય. ‘મેથેમેજિક’ની તો ચાર આવૃત્તિ થઈ છે. ઇતિહાસ-યુદ્ધ-જાસૂસી સત્યકથાઓનાં પુસ્તકોની તો મલ્ટીપલ આવૃત્તિઓ થઈ જ છે.

નગેન્દ્રભાઈએ પિતા વિજયગુપ્ત મૌર્ય લિખિત ‘જિંદગી જિંદગી’, ‘હાથીના ટોળામાં’ અને ‘સિંહવાઘની સોબતમાં’ પુસ્તકો પણ પ્રગટ કર્યા છે. નગેન્દ્રભાઈએ એક જમાનામાં ‘ફ્લેશ’માં ધારાવાહિક સ્વરૂપે સુશીલ ભાટિયાના છદ્મ નામે લખેલી ‘ગ્રેટ ટ્રેન રૉબરી’ની સત્યકથા પણ દળદાર પુસ્તકરૂપે પ્રગટ થઈ હતી જેની ખૂબ જૂની આવૃત્તિ મારી લાયબ્રેરીમાં શોધું તો મળી આવે. હવે કદાચ એ આઉટ ઑફ પ્રિન્ટ છે.

એક જમામાં ‘સફારી’માં ગજબના રમૂજી અને લાંબા જોક્સ પણ છપાતા. સાથે ગુજરાતીના અત્યાર સુધીના શ્રેષ્ઠ કાર્ટૂનિસ્ટ દેવ ગઢવીનાં ઇલસ્ટ્રેશન્સ છપાતાં. આવા જોક્સનાં બે પુસ્તકો પણ પ્રગટ થયાં હતાં.

‘સફારી’ની ઍપ પણ લૉન્ચ થઈ છે. ડિજિટલ આવૃત્તિની એપ પણ છે જેનું લવાજમ સોંઘું છે. ‘સફારી’ની વેબસાઈટ (harshalpublications ડૉટ in) પરથી તમને અંગ્રેજી આવૃત્તિના તેમ જ ગુજરાતી ‘સફારી’ના કેટલાક જૂના અંક ખરીદવા મળશે. કોઈ મૅગેઝિનના જૂના અંકોની ભારે ડિમાન્ડ હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. વાચકો પોતાના ઘરમાં જૂના અંકોની થપ્પીઓ કાળજીપૂર્વક સાચવી રાખે એવું પણ ભાગ્યે જ બનતું હોય છે. બચુભાઈ રાવતનું ‘કુમાર’ એક જમાનામાં આવું સદ્દભાગ્ય ધરાવતું હતું. પણ ‘સફારી’ની વાત જ ન્યારી છે. વાચકોના પ્રેમને વશ થઈને નગેન્દ્રભાઈએ 1980માં છપાયેલો ‘સફારી’નો સૌપ્રથમ અંક એઝ ઇટ ઈઝ નવેસરથી છાપીને બજારમાં મૂકવો પડ્યો હતો. હજુ પણ ખરીદવા માટે મળે છે. લૂંટાય એટલો ખજાનો લૂંટી લો.

* * *

‘સફારી’નો પ્રથમ અંક 1 ઑગસ્ટ 1980ના રોજ પ્રગટ થયો. છઠ્ઠા અંક પછી ‘સફારી’નું પ્રકાશન ખોરવાઈ ગયું. 1986ના જુલાઈમાં ‘સફારી’ ફરી શરૂ કરવામાં આવ્યું. દસમા અંક પછી પાછું બંધ પડ્યું. છેવટે મે 1992માં નવેસરથી લૉન્ચ થયું. ત્યારથી અત્યાર સુધી સડસડાટ નિયમિતપણે પ્રગટ થયું. (કોરોનાના કાળનો અપવાદ ગણાય. તે વખતે ભલભલાં દૈનિક/સામયિકોનું પ્રકાશન ખોરવાઈ ગયું હતું.)

કવિ નર્મદે ૧૮૬૪માં શરૂ કરેલું ‘ડાંડિયો’ કુલ ચાર વખત બંધ પડ્યું હતું. દરેક સામયિકને કે તેના બંધ પડી જવાની દુઃખદ ઘટનાને એક લાકડીએ હાંકવાને બદલે વીર નર્મદની આ પંક્તિઓ નગેન્દ્ર વિજય વતી લખાયેલી છે એવું માનીને પ્રસન્નતાપૂર્વક આધુનિક યુગના ‘ડાંડિયો’સમા ક્રાંતિકારી સામયિક ‘સફારી’નું સ્મરણ કરીએ:

નવ કરશો કોઈ શોક, રસિકડાં,
નવ કરશો કોઈ શોક

યથા શક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી,
પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી.

હતો દુખિયો, થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી,
મુઓ હું, તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી.

હરિકૃપાથી મમ લેખ-ચિત્રથી જીવતો છઉં હું દમથી,
વીર સત્યને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી.

જુદાઈ દુ:ખ તે જ નથી જ જવાનું જાયે માત્ર મરણથી,
મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here