( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : રવિવાર, 18 ઑગસ્ટ 2024 )
આજે ગુલઝારસા’બ ૯૦ પૂરાં કરીને ૯૧મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ૧૮ ઑગસ્ટ ૧૯૩૪ના રોજ જન્મેલા આ સર્જકને સ્વાસ્થ્યભર્યાં પૂરાં સો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના.
‘સ્લમડૉગ મિલિયોનેર’ નામની ભારતની બદબોઇ કરતી બ્રિટિશ ડિરેક્ટરની આ ફિલ્મને ઑસ્કારવાળાએ એક જમાનામાં ટોપલો ભરીને અવૉર્ડ્ઝ આપ્યા હતા. જોકે, હવે ડિફરન્ટ સમય છે. ઑસ્કારવાળા તો શું એમના બાપ પણ ભારતની બદબોઈ કરતી ફિલ્મને અવૉર્ડ આપવાની હિંમત ન કરે. દેશી બ્રાઉનસાહેબોની વાત અલગ છે. તેઓ તો પચાસ વર્ષ પછી પણ કમ્યુનિસ્ટોએ બનાવેલી ફિલ્મોને, એમના સાહિત્યને નવાજતા રહેવાના છે. પણ આવા લોકોની તાદાત હવે એટલી ઘટી જવાની કે ભવિષ્યમાં ડાયનોસોરનાં અશ્મિની જેમ આ લેફ્ટિસ્ટોનાં હાડપિંજરો માત્ર મ્યુઝિયમના કાચના કબાટોમાં લટકતા દેખાશે.
ગુલઝારસા’બને પણ ‘જય હો’ ગીત લખવા માટે ઑસ્કાર મળ્યો પણ એ લેવા નહોતા ગયા. તે વખતે એમણે બહાનું કાઢ્યું હતું કે ટેનિસ એલ્બોને કારણે સખત દર્દ થતું હતું એટલે ન જવાયું. નસરીન મુન્ની કબીર કહે છે, ‘તમે તે વખતે મને એવું કહ્યું હતું કે તમારી પાસે અવૉર્ડ સેરિમનીમાં પહેરવા માટેનું બ્લેક જેકેટ નથી એટલે તમે નહોતા ગયા.’ આ સાંભળીને ગુલઝાર હસી પડે છે, નસરીન પણ.
હકીકત એ છે કે ગુલઝારમાં ભારોભાર વિવેક છે. એ. આર. રહેમાનને આ ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિક માટે એક ઑસ્કાર મળ્યો હતો અને ઑસ્કારવાળા ફિલ્મના ગીતની ધૂન માટેની અલગ કૅટેગરી ધરાવે છે એટલે ‘જય હો’ ગીત માટે બીજો અવૉર્ડ મળ્યો. ઑસ્કારમાં નૉર્મલી ગીત જે કંપોઝ કરે તે જ તે ગીતનો રાઈટર હોય અને ન હોય તો ગીતના કંપોઝિશન માટે અવૉર્ડ અપાય તો સાથે ગીતકારને પણ આપવો પડે. બેસ્ટ લિરિસ્ટ કે શ્રેષ્ઠ ગીતકારનો કોઈ અવૉર્ડ ઑસ્કારમાં નથી હોતો. અને આમે ય ‘જય હો’ ગીત ન તો હિન્દી ફિલ્મ સંગીત જગતમાં એના શબ્દોને કારણે ફેમસ થયું છે, ન ગુલઝારના શ્રેષ્ઠ સો ગીતોમાં એનું સ્થાન આવે. ગુલઝારે લખ્યું છે એટલે આપણે જરા સૌમ્ય રીતે એની ટીકા કરીએ અને કહીએ કે એવરેજ ગીત છે એ. (બીજા કોઈનું હોત તો કીધું હોત કે ફડતૂસ ગીત છે!) ગુલઝારને પોતાને પણ ખબર હોવાની જ કે એમણે આ ગીત લખીને કોઈ એવું મોટું તીર નથી માર્યું અને ઑસ્કાર તો બાય ડિફૉલ્ટ મળી ગયો. ગીતના સંગીતકારને નવાજવાના હતા એટલે ગીતકારને પણ પોંખવા પડ્યા. (બાકી, મા કસમ એ વર્ષે ‘લગાન’ આવી હોત અને એ મૂળ અંગ્રેજીમાં બની હોત અને એમાં ‘જય હો’ ગીત હોત તો આ કંપોઝિશન માટે રહેમાનને સો ટકા, એકસો દસ ટકા, કોઈ ઑસ્કાર-ફોસ્કાર ન મળ્યો હોત).
આ તરફ ગુલઝારની ખાનદાની જુઓ, સાહેબ. પોતાને ખબર છે કે પોતે આ અવૉર્ડ માટે ડિઝર્વિંગ વ્યક્તિ નથી, રહેમાનને કારણે નિયમાનુસાર આપવો પડે એટલે અપાયો છે. બીજું, આ ગીતની કક્ષા પણ એવી કંઈ ઊંચી નથી. ગુલઝારે બહુ શેખી મારવી હોત તો આ અવૉર્ડ માટે માત્ર રહેમાન જ લાયક છે એવું કહીને પોતે એનો અસ્વીકાર કરે છે એવી જાહેરાત કરી દીધી હોત. (આમે ય, ઈનામો સ્વીકારો તો લાખનાં અને ન સ્વીકારો તો સવા લાખનાં હોય છે એવું ત્રણ ગુજરાતી કવિઓએ પુરવાર કરીને બમણી પબ્લિસિટી લૂંટેલી જ છે. એમાંના બે દિવંગત થઈ ગયા જે ખરેખર સારું લખતા; પણ એક હજુ વિદ્યમાન છે અને એમનો કકળાટ હજુ ચાલુ છે).
ગુલઝારે અવૉર્ડ વાપસી ન કરી અને એ આ અવૉર્ડ લેવા પણ ન ગયા. ગુલઝારની આ અદબ, એમની આ સેલ્ફ રિસ્પેક્ટ જાળવવાની અદા અને એમની તહઝીબ પર તો આપણે સૌ આફરીન છીએ. આની સામે જેને અડધો તો શું પા અવૉર્ડ પણ નથી મળ્યો તે વન ટુ કા ફોર એક્ટર ઑસ્કાર સમારંભની રેડ કાર્પેટ પર માય નેમ ઈઝ લખન, માય નેમ ઈઝ લખન કરીને નાચતો કૂદતો રહેમાનની રિફ્લેક્ટેડ ગ્લોરીમાં મહાલી આવ્યો.
ગુલઝાર ઊંચા ગજાના કવિ, ગીતકાર અને ફિલ્મકાર તો છે જ છે, એમને ચાહવાનું બીજું એક મોટું કારણ આ પણ છે. એમની ખાનદાની. છેલ્લાં ૩૦ વર્ષમાં મેં ગુલઝારનાં અનેક પુસ્તકો (કાવ્યસંગ્રહો, આત્મકથાના ટુકડા જેમાં હોય એવાં પુસ્તકો તેમ જ એમના વિશે એમની દીકરી સહિતના લોકોએ લખેલાં પુસ્તકો) વિશે લખ્યું છે. ‘ફુર્સત કે રાતદિન’ જેવા એમના સદાબહાર આલબમ વિશે, આર. ડી. બર્મનને આપેલી સ્મરણાંજલિ વિશે, ટાગોરનાં કાવ્યોના અનુવાદ વિશે, એ અનુવાદનું એમણે મુંબઈના તાતા થિયેટરમાં જયા ભાદુરી સાથે પઠન કર્યું તે વિશે, કઈ રીતે એ કાર્યક્રમમાં હું એકલો એમના હસ્તાક્ષર લેવાને સદ્ભાગી થયો એ વિશે- આવું ઘણું બધું એટલે ઘણું જ બધું મુગ્ધ કલમે લખ્યું છે અને હજુય ખૂબ લખવું છે. Newspremi dot com પર આ બધો ખજાનો ઉપલબ્ધ છે. સર્ચ વર્ડરૂપે ગુલઝાર લખજો, પછી ખુલ જા સિમ સિમ બોલજો.
આજે એમની તહઝીબ વિશે પણ એક વાત કહી દઉં. મેં ઘણા મિત્રોને કહી છે. કદાચ ક્યાંક લખી પણ હશે.
આ એ દિવસોની વાત છે જ્યારે અમદાવાદમાં થોડાંક વર્ષ રહીને હું પાછો મુંબઈ આવી ગયેલો. જુહુનું પૃથ્વી થિયેટર, પૃથ્વીની કાફે, પૃથ્વીનું સમગ્ર વાતાવરણ બહુ મિસ થાય. એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે પવઈથી છેક જુહુ પહોંચી જઈએ. જે નાટક ચાલતું હોય તેની ટિકિટ અગાઉથી જ બુક કરાવી લીધી હોય જેથી છેલ્લી ઘડીએ નિરાશ ન થવું પડે. પૃથ્વીની કૅપેસિટી 220ની છે અને એમાં સીટ નંબર નથી આપવામાં આવતા. કલાક પહેલાં લાઈન શરૂ થઈ જાય. અમે મોટેભાગે શોના દોઢ કલાક પહેલાં પહોંચીને પૃથ્વીની ફેમસ આઈરિશ કૉફી કે સુલેમાની ચા સાથે નાસ્તો કરીને ત્યાંની નાનકડી પણ સમૃદ્ધ બુક શૉપમાંથી કંઈક લઈને લાઈનમાં ઊભા રહી જઈએ. મોટેભાગે અમારો પહેલો-બીજો નંબર જ હોય.
એ દિવસે અમે ગુલઝારે લખેલું અને સલીમ આરિફે ડિરેક્ટ કરેલું નાટક ‘અઠ્ઠનિયાં’ જોવા ગયેલા. હિંદી ફિલ્મોમાં જેણે સરસ સરસ પાત્રો ભજવ્યાં છે એ યશપાલ શર્મા પણ એમાં હતો. (‘અબ તક છપ્પન’નો ઈર્ષ્યાળુ સબ-ઈન્સ્પેક્ટર અને ‘ગૅન્ગ્સ ઓફ વાસેપુર’માં માઠા પ્રસંગે બૅન્ડ વાજાવાળા સાથે માઈક લઈને ‘તેડી મહેડ બાનિયાં…’ ગાતો ગાયક).
નાટકનો બીજો જ શો હતો એટલે ભીડ ઘણી હતી. નાટક શરૂ થવાને હજુ અડધોએક કલાકની વાર હતી ત્યાં અમે ગુલઝારસા’બને જોયા. અમને એમ કે એ સીધા પાછલા દરવાજેથી પ્રવેશી, સ્ટેજ વટાવીને ઑડિટોરિયમમાં બેસી જશે. એમને પૂરો હક્ક હતો એવું કરવાનો. એમનું નાટક હતું. એમનું ના હોય તો એ પણ એ સાક્ષાત ગુલઝાર હતા. કોણ રોકવાનું હતું એમને. ઊલટાનું બીજા લોકો એમને આગ્રહ કરીને વહેલા અંદર લઈ જવા આતુર હોય જેથી સાહેબ પોતાની મનપસંદ જગ્યાએ બેસીને પોતાનું નાટક માણી શકે.
એક બે જણને હાયહેલો કરીને ગુલઝાર લાઈનમાં ગોઠવાઈ ગયા. અમારાથી છેક વીસ કે પચ્ચીસમા નંબરે. અમને શરમ આવે. પણ પૃથ્વીની આ તહઝીબ છે જેનું ગુલઝાર બાઅદબ પાલન કરી રહ્યા હતા. એટલું જ નહીં લાઈનમાં ઊભાં ઊભાં એમણે એમના મિત્ર જાવેદ સિદ્દીકીને જોયા (જેમણે ‘તુમ્હારી અમૃતા’વાળું નાટક આગવા અંદાજમાં અંગ્રેજીમાંથી રૂપાંતર કરેલું અને જેમને ‘બાઝીગર’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો ફિલ્મફેર તથા ‘ડીડીએલજે’ માટે બેસ્ટ ડાયલોગનો ફિલ્મફેર મળ્યો હતો અને જેમણે સત્યજિત રાય તથા શ્યામ બેનેગલ સાથે પણ કામ કર્યું છે તે જાવેદ સિદ્દીકી). અને લાઈનમાં ઊભાં ઊભાં જ, આપણે જૂના કોઈ દોસ્તને હાક મારીએ એમ, બોલાવ્યા: ‘અરે, સિદ્દીકીસા’બ!’ બેઉ મળ્યા. થોડી વાતો કરી. જાવેદ સિદ્દીકી પણ ગુલઝાર સાથે લાઈનમાં ઘૂસવાનો ચાન્સ મળ્યો છે તો લઈ લઉં એવું વિચાર્યા વિના પોતાની રીતે છેક છેવાડે જઈને ઊભા રહી ગયા.
અહીં પૃથ્વીની શાન તો ખરી જ, વર્ષોથી આયોજકો અને પ્રેક્ષકોએ જે શિસ્તનું વાતાવરણ ઊભું કર્યું છે તેનો ફાળો પણ ખરો જ. પણ ગુલઝારસા’બની આ તહઝીબ, એમના આ વિવેકનો કિસ્સો બયાન કરતાં હું ક્યારેય ધરાતો નથી. મોટા માણસો પાસેથી આપણે કેટલું બધું શીખવાનું હોય છે. અને એ છોડીને આપણામાંના કેટલાક અનિલ કપૂર જેવાને પોતાનો ગુરુ માનીને ચાલતા હોય છે. હવે શું કહેવું એમને.
*. *. *
અને આ વાત મેં એક લેખમાં લખી છે ફરી એકવાર.
એક ઇન્ટર્વ્યુમાં ગુલઝાર કહે છે કે મણિ રત્નમની ફિલ્મ ‘દિલ સે’ માટે એ. આર. રહેમાને પહેલવહેલી વાર લતા મંગેશકરનો અવાજ વાપર્યો.: ‘જિયા જલે જાન જલે, નૈનોં તલે ધુઆં ચલે, ધુઆં ચલે…’ રહેમાનની ખાસિયત છે કે કોઈ પણ ગાયકે ગીત ગાવા માટે ચેન્નઈના એમના સ્ટુડિયોમાં આવવું પડે અને એ પણ મોડી રાત્રે. ૧૯૯૭નું વર્ષ. લતાજી રહેમાન માટે રેકૉર્ડિંગ કરવા મુંબઈથી ઊડીને ચેન્નઈ ગયા. અગાઉ તેઓ ક્યારેય રહેમાનને રૂબરૂ મળ્યા નહોતા, રહેમાનના સ્ટુડિયોથી પરિચિત નહોતા. એમની સાથે ગુલઝારસા’બ હતા.
હવે વાત સાંભળજો, દોસ્તો. ખરેખર ક્રિયેટિવ હોય એવા માણસો કામની બાબતમાં ક્યારેય પોતાનો અહમ્ આડે નથી લાવતા એવો આ કિસ્સો છે. લતાજીનો અને ગુલઝાર’સાબનો પણ. લતાજીએ તો પુરવાર કરી દીધું કે પોતાનાથી મચ જુનિયર એવા સંગીતકાર માટે પોતે ગાવા જશે અને તે પણ છેક ચેન્નઈ સુધી, એવા સ્ટુડિયોમાં જેની સિસ્ટમથી તેઓ બિલકુલ પરિચિત નથી. અને તે પણ ક્યારે? જ્યારે એમણે બધું જ અચીવ કરી લીધું છે. ભારતરત્ન સહિતનું બધું. જ.
હવે ગુલઝારસા’બની મહાનતાની વાત આવે છે. રહેમાનના સ્ટુડિયોમાં તમે એન્ટર થાઓ એટલે તરત મોટું મિક્સિંગ ડેસ્ક આવે જ્યાં રહેમાન પોતે હોય. અંદરની તરફ માઈક્રોફોન્સ સાથેનું નાનકડું સિંગર્સ બૂથ હોય. મણિ રત્નમ્ પણ આ રેકૉર્ડિંગમાં હાજર હતા. વાદ્યકારોની જરૂર નહોતી. એ ટ્રેક્સ પાછળથી સિંગરના ટ્રેક સાથે જોડાવાના હતા. રહેમાન પાસે ટયુન સમજી લીધા પછી લતાજી સિંગર્સ કૅબિનમાં જાય છે પણ ત્યાં પગ મૂકતાં જ ખબર પડે છે કે આ કૅબિનમાંથી મિક્સિંગ ડેસ્ક નજરે પડતી નથી. વિચ મીન્સ કે એમને રહેમાન દેખાતા નથી. લતાજી માટે આ એક બહુ મોટી સમસ્યા હતી, કારણ કે એમને ગીત રેકૉર્ડ થતું હોય ત્યારે સંગીતકાર એટલે કે કંપોઝર સાથે આઈ કૉન્ટેક્ટ કરવાની ટેવ હતી. (‘ઠીક જા રહા હૈ ના?’). એક રિહર્સલ પછી લતાજીએ ગુલઝારસા’બને સાઈડમાં બોલાવીને કહ્યું કે, ‘ગુલઝારજી, મને કશું દેખાતું નથી. બ્લાઈન્ડ હોઉં એવું લાગે છે.’
લતાજીને કદાચ આજુબાજુ કોઈ જોવા મળતું નહીં હોય એટલે પોતે કોઈ કાળકોઠડીમાં પુરાઈ ગયા હોય એવું પણ લાગતું હશે. હવે કરવું શું? દીવાલ ખસેડી શકાય નહીં, દરવાજો તોડી શકાય નહીં. ગુલઝારસા’બે એનો તોડ કાઢ્યો. સિંગર્સ કૅબિનના કાચના દરવાજા સામે એક નાનકડું સ્ટૂલ લઈને બેસી ગયા જ્યાંથી એક તરફ એમને રહેમાન દેખાય અને સામે લતાજી. રહેમાને ઍમ્બેરેસ થઈને ગુલઝારસા’બને કહ્યું પણ ખરું કે તમે શું કામ આ રીતે બેસો છો. કોઈ આસિસ્ટન્ટને બેસાડી દઈએ. ગુલઝાર કહે: નહીં, આયમ કમ્ફર્ટેબલ! અને આમ ગુલઝારસા’બ એ દિવસે (રાત્રે) લતાજી અને એ. આર. રહેમાન વચ્ચેના બાઉન્સિંગ બોર્ડ બન્યા.
મહાન માણસો, તમને લાગે કે, બહુ ઈગોઈસ્ટ હોય છે. પણ તેઓ જ્યારે ક્રિયેટિવ કામમાં ઈન્વોલ્વ હોય ત્યારે પોતાના ઈગોને નેવે મૂકીને જે સર્જન થઈ રહ્યું છે તેને શ્રેષ્ઠતાની સર્વોચ્ચ કક્ષાએ પહોંચાડવા માટે બધું જ કરી છૂટતા હોય છે. આવા લોકોની આવી નાની નાની વાતોમાંથી ઘણું ઘણું શીખવાનું હોય છે આપણે.
ગુલઝારસા’બને ફરી એકવાર મૅનેજર હૅપી રિટર્ન્સ ઑફ ધ ડે!
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
કતરા કતરા મીલતી હે , કતરા કતરા જીને દો , જીદગી હૈ બહને દો , પ્યાસી હુ મૈ પ્યાસી રહને દો……