(‘ત્રિવિધા’, Newspremi.com : 28 ગુરુવાર નવેમ્બર 2024)
નવજોત સિદ્ધુએ જ્યારથી કહ્યું છે કે એની પત્નીનું કેન્સર દૂર કરવામાં આયુર્વેદનો પણ કેટલો મોટો ફાળો છે ત્યારથી કેન્સરના હાઉથી કરોડોની કમાણી કરતા ડૉક્ટરોના પેટમાં તેલ રેડાયું છે.
સ્વર્ગસ્થ ડૉક્ટર મનુ કોઠારી 50 વર્ષ પહેલાં પુરવાર કરી ગયા કે કેન્સરનો કોઈ ઈલાજ નથી (અને બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટિ વગેરે નકામાં છે.) આજની તારીખે પણ કેન્સર શા માટે થાય છે તે વાત વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી અને એટલે જ એનો સચોટ ઈલાજ પણ શોધાયો નથી. કીમો થેરપી ઇત્યાદિ માત્ર ફાંફાં છે, સચોટ ઈલાજ નથી. જે લોકો દાવો કરે છે કે અમારી અમુક એલોપથી ટ્રીટમેન્ટથી ફલાણા દર્દીનું કેન્સર સાજું થઈ ગયું એ દર્દીને હકીકતમાં કેન્સર હોતું જ નથી, એનું નિદાન જ ખોટું કરવામાં આવ્યું હોય છે. હૃદયની બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટિ કરાવ્યા પછી પોતાની આવરદા લંબાઈ ગઈ છે એવું માનતા દર્દીને ખબર નથી હોતી કે એણે બાયપાસ કે એન્જિયોપ્લાસ્ટિ કરાવવાની કોઈ જરૂર જ નહોતી.
ડૉ. મનુ કોઠારીના એક પ્રવચનમાં મેં એમનો પરિચય આપતાં ભરસભામાં ઘોષણા કરી હતી કે ન કરે નારાયણ ને મને કેન્સર થાય તો હું એના માટે કોઈ એલોપથી ઉપચાર નહીં કરું અને ન કરે નારાયણ ને મને હૃદયની કોઈ બીમારી થાય અને બાયપાસ સર્જરી કે એન્જિયોપ્લાસ્ટિ સલાહ આપવામાં આવે તો હું નહીં કરાવું. આ વાત હું આટલા વિશ્વાસથી એટલા માટે કહી રહ્યો છું કે મેં ડૉ. મનુ કોઠારીનાં પુસ્તકો ખૂબ વાંચ્યાં છે, એમને ખૂબ સાંભળ્યાં છે.
આ વાતને આજે 25 વર્ષ થઈ ગયાં.
અમુક પ્રકારની ઈમરજન્સીઓ માટે તાત્કાલિક ઈલાજરૂપે એલોપેથીના ઈલાજો જ કામ લાગે. રસ્તે જતાં એક્સિડન્ટ થાય અને હાથ-બાથ કપાય ત્યારે આયુર્વેદ કામ ન જ લાગે. સ્ટ્રોક કે હાર્ટ ઍટેક આવે ત્યારે તાત્કાલિક ઈલાજરૂપે સોર્બિટ્રેટ કે ડિસ્પરિન ઉપયોગી છે જ છે.
મારી નવલકથા પરથી બનેલી યશરાજ ફિલ્મ્સની મૂવી ‘મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી તે પહેલાં મારા પર જાતજાતની ધમકીના ફોન આવતા, સુરતમાં મારી ઠાઠડી બાળવામાં આવી, ચોરેકોર પોલીસ કેસ-કોર્ટ કેસની વાતો થતી. તે સખત ટેન્શન ભર્યા દિવસોમાં મારા એક સહૃદયી મિત્રે મારી કાળજી લઈને મને સોર્બિટ્રેટ અને ડિસ્પરિન 24 કલાક મારી સાથે ને સાથે જ રાખવાની સલાહ આપી હતી જે હું પાળું છું. એ પોતે સાથે રાખે છે અને એમની આ ટેવને પ્રતાપે એક જાહેર કાર્યક્રમાં એમણે એક સુખ્યાત સંગીતવિદ્નો જીવ પણ બચાવ્યો હતો.
જોકે, હું આ બે ગોળીઓ સાથે રાખતો થયો તે પહેલાં હનુમાન ચાલીસા મારી સાથે ચોવીસે કલાક રાખું છું.
બે-પાંચ-દસ ટકા વખતે તમને એલોપથીની જરૂર પડે તો એ રીતે એવો ઈલાજ કરવામાં કંઈ ખોટું નથી, કરવાનો જ હોય પણ નેવું ટકા દર્દીની બાબતમાં એલોપથીના ઈલાજોથી દૂર રહેવાનું હોય- આયુર્વેદ, યોગ, પ્રાણાયામ, કુદરતી ઉપચાર, હોમિયોપથી વગેરે નોન-એલોપથી ઉપચારોથી જ રોગ મટાડવાનો હોય. આ વાતમાં મારી શ્રદ્ધા દાયકાઓથી છે અને હું એ જ રીતે દર વખતે નાની-મોટી બીમારીઓથી દૂર રહ્યો છું.
બે વર્ષ પહેલાં હું સ્વામી રામદેવના હરદ્વારસ્થિત યોગગ્રામમાં પચાસ દિવસ રહી આવ્યો એ પછી આ બાબતે મારી શ્રદ્ધા વધુ દ્દઢ થઈ ગઈ. સ્વામી રામદેવની ઠેકડી ઉડાડતા કે આયુર્વેદ-યોગ-પ્રાણાયામ વિશે એલફેલ બોલતા બાબા-બેબીઓને હું મારા પર્સનલ દુશ્મન માનું છું.
***
ગુગલ મેપ આશીર્વાદ છે? હા અને ના. એક જમાનામાં કાં તો તમારે કાગળ પર છપાયેલા નકશાઓ લઈને હાઈવે પર ટ્રાવેલ કરવું પડતું અથવા વારેઘડીએ રોકાઈને જાણકારોને રસ્તો પૂછવો પડતો. હવે એ આપદા નથી રહી. ગુગલ તમને સચોટ રસ્તો દેખાડીને સહીસલામત તમારી મંઝિલે પહોંચાડી દે છે.
પણ ક્યારેક ગુગલ મેપ તમને ઉંધે રવાડે પણ ચડાવી દે છે. ક્યારેક તમારી જાન પણ લે છે.
ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં એક લગ્ન અટેન્ડ કરવા જતા ત્રણ માણસ કારમાં નદી પાર કરી રહ્યા હતા. બ્રિજ અધૂરો બંધાયો હતો. ગુગલે એ બ્રિજ પર જવાનો નિર્દેશ આપ્યો. ગુગલભરોસે પ્રવાસ કરતા કારચાલકને ખબર નહીં કે બ્રિજ અધૂરો છે. ધૂંધળું વાતાવરણ હતું. આગળ વધતા ગયા. અધૂરો બ્રિજ પૂરો થયો. કાર નદીમાં પડી. ત્રણેય મરી ગયા.
આમાં વાંક કોનો એની ચર્ચા દરેક જણ પોતપોતાના નજરિયાથી કરી શકે. સત્તાવાળાઓએ બ્રિજ શરૂ થાય એ પહેલાં ચેતવણીનું પાટિયું કેમ ના મૂક્યું? બ્રિજના કોન્ટ્રાક્ટરે આડશ કેમ ના બાંધી?
ગુગલની અવળચંડાઈનો ઘણાને અનુભવ હશે. મને છે. એક વખત અમદાવાદ ઍરપોર્ટ પર ઊતરીને એસ.જી.હાઈવે પરની હોટલ પર જવાનું હતું. તો ટેક્સીવાળો ગુગલ મેપ ફોલો કરીને અમને એવા રસ્તો લઈ આવ્યો જ્યાં રસ્તો પૂરો થતો હતો અને સામે મસમોટી ભીંત હતી.
મુંબઈમાં ઓલા-ઉબરના ઘણા ડ્રાઈવરો ગુગલમાં જે રસ્તો દેખાડે એ જ રસ્તે જઈશ એવી જીદ રાખે. ગુગલ કહે છે કે બીજા રસ્તે ટ્રાફિક ઘણો છે, ગુગલ કહે છે કે આ જ રસ્તો શોર્ટ કટ છે. હું એમને કહું કે એ રસ્તે પણ ભીડ મળવાની છે કારણ કે ત્યાં બૉટલનેક છે, પેલો રસ્તો શોર્ટકટ ભલે હોય પણ એ નાનકડી ગલી છે-ત્યાં પહોંચીને ખબર પડશે કે પંદર મિનિટ માટે અટવાઈ ગયા. કેટલાક ડ્રાયવરો મારું માને અને મારા કહ્યા પ્રમાણે ચાલે. કેટલાક અવળચંડાઓ ‘હમ કો અલાઉડ નહીં હૈ’ કહીને મારા કહ્યા પ્રમાણે ના ચાલે અને છેવટે ગુગલને લીધે એનો ને મારો ટાઈમ બગડે, મારા તો પૈસા પણ બગડે ને મૂડ પણ બગડે. પણ ડ્રાયવરો જોડે(કે બીજા કોઈનીય જોડે) ઝાઝી માથાકૂટ કરવી નહીં એવો સિદ્ધાંત મેં રાખ્યો છે અને એટલે જ હું પ્રસન્નજીવે જીવું છું.
પાયાની વાત એ કે તમે જે રસ્તાથી પરિચિત હો, જે રસ્તે તમે વારંવાર પ્રવાસ કર્યો હોય, તે રસ્તે જો તમે ફરીથી પ્રવાસ કરી રહ્યા હો ત્યારે ગુગલને બદલે તમારા પોતાના પર ભરોસો રાખવો. આ વખતે બે ઉમદા ગુજરાતી શેર ભૂલી જવાના. આ બંને આદરણીય કવિઓએ ગુગલ મેપ પહેલાંના જમાનામાં આ સુંદર વાત લખી હતી.
અમિત વ્યાસે લખ્યું છે :
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે !
અને હેમેન શાહનો શેર છે :
એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.
***
અમેરિકા અને ભારતના ન્યાયતંત્રની પદ્ધતિઓમાં જે કેટલાક પાયાના તફાવત છે એમાં એક તો એમને ત્યાં જ્યુરી સિસ્ટમ છે, આપણે ત્યાં બ્રિટિશ રાજ હતું ત્યારે હતી. આઝાદી પછી ક્રમશ: નાબૂદ થઈ. બીજો ફરક એ છે કે આપણે ત્યાં પોલીસ એફ.આઈ.આર. બનાવે ત્યારે એમાં નક્કર પુરાવા હોય તે જરૂરી નથી. કોર્ટમાં ચાર્જશીટ મૂકાય ત્યારે પણ નથાકથિત પુરાવાઓ સાથે કેસ આગળ ચાલી શકે. અમેરિકામાં ઈન્ડિક્ટમેન્ટ (આરોપનામું) દાખલ કરતી વખતે સરકારે/પોલીસે નક્કર પુરાવાઓ મૂકવા પડે. ત્યાં તો ખૂનના આરોપીને પણ પોલીસ કેટલાક કેસમાં પકડ્યા પછી કોર્ટમાં હાજર કરે ત્યારે કોર્ટ જામીન આપી દેતી હોય છે. આપણે ત્યાં ઘણી વખત નિર્દોષને પણ જામીન મળતાં મહિનાઓ લાગી જતા હોય છે.
મુકુલ રોહતગી એક જમાનામાં ભારતના સોલિસિટર જનરલ હતા. આજની તારીખે તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે એક વાર હાજરી આપવાના રૂપિયા 25 લાખ લે છે એવું સાંભળ્યું છે. સુપ્રીમ કોર્ટને બદલે લોઅર કોર્ટમાં (હાઈકોર્ટ કે સેશન્સમાં) જવાનું હોય તો ફી વધી જાય- બિલો ડિગ્નિટી ગણાય એટલે ! કેસ પહેલાં એમની સાથે ચર્ચા કરવા કૉન્ફરન્સ કરવાની હોય તેના કલાકના ચાર-પાંચ લાખ જુદા. આ ઉપરાંત દેશની હાઈકોર્ટ વગેરેમાં જવા માટે એમના અને એમની ટીમ જે સાથે આવે તેના પ્લેન-ફાઈવસ્ટાર વગેરેના ખર્ચા આપવા પડે તે જુદા.
‘મહારાજ’ ની રિલીઝ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ થયો તે કેસમાં અમારા વતી મુકુલ રોહતગી અપિયર થયા હતા. અમે કેસ જીતી ગયા હતા અને નામદાર અદાલતના ચુકાદા પછી થોડી જ મિનિટોમાં ‘મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ હતી.
મુકુલ રોહતગીનું કહેવું છે કે અમેરિકાની કોર્ટમાં અદાણી પર જે આક્ષેપો છે તે કાનૂનની દ્રષ્ટિએ સાવ બિનપાયાદાર છે. એમના જ શબ્દોમાં ક્વોટ- અનક્વોટ :
‘અમેરિકી અદાલતમાં દાખલ કરવામાં આવેલું આરોપનામું હું જોઈ ગયો. મારે હિસાબે એમાં પાંચ આરોપો છે. આમાંથી આરોપ નં.1 અને આરોપ નં.5માં ક્યાંય અદાણી કે એમના ભત્રીજા સાગર પર આરોપ લગાવવામાં આવ્યો નથી. આરોપ નં. 1માં બંને અદાણી સિવાયની વ્યક્તિઓમાં નામ છે. આ વ્યક્તિઓમાં એમના (અદાણીના) કેટલાક ઑફિસર્સ તથા એક વિદેશી વ્યક્તિ છે… પહેલો આરોપ એ છે કે અમેરિકન પાર્લામેન્ટે જે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસીસ એક્ટ ઘડ્યો છે તેનો ભંગ કરવાની સાઝિશ આ વ્યક્તિઓએ કરી છે, (અદાણીઓએ નહીં.) આ ઉપરાંત બીજા બે કે ત્રણ આરોપો સિક્યુરિટીઝ અને બૉન્ડ્સને લગતા છે. આ ત્રણેય આરોપોમાં અદાણીઓ અને બીજાઓનાં નામ છે.. આરોપનામા મુજબ અદાણીઓ અને બીજાઓએ (સૌર) વીજળીના સપ્લાય અને ખરીદી માટે ભારતમાં ભારતીય (સરકારી)અધિકારીઓને લાંચ આપી હોવાના આરોપ છે. પરંતુ આખાય આરોપનામામાં મને એક પણ જગ્યાએ કોણે કોણે આ લાંચ લીધી તેની કોઈ વિગત વાંચવા મળી નથી, કેવી રીતે લાંચ અપાઈ તેની પણ કોઈ વિગત નથી, સરકારી અધિકારીઓ સરકારના કયા કયા વિભાગના છે એની પણ કોઈ વિગત નથી. આ વિગતો વિશે આરોપનામું બિલકુલ મૌન સેવે છે. મને ખબર નથી કે આવા (અધ્ધરતાલ) આરોપનામાનો જવાબ કેવી રીતે આપવો…’’
અને આ બાજુ પપ્પુ નાચણવેડા કરી રહ્યો છે કે અદાણીની ધરપકડ કરો, અદાણીની ધરપકડ કરો.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો