( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 23 ફેબ્રુઆરી 2025)
દાંડી કૂચ શરૂ કરતાં પહેલાં, દસ દિવસ પહેલાં, બીજી માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઈસરૉય લૉર્ડ અર્વિનને પત્ર લખ્યો, પ્રિય મિત્રના સંબોધનથી. અને બીજા જ ફકરામાં લખ્યું, … અંગ્રેજ રાજ્યને હું એક બલા માનું છું.
અંગ્રેજ રાજ્યને બલારૂપ ગણવાનાં કારણો આપતાં ગાંધીજીએ આ પત્રમાં લખ્યું: ‘આ રાજ્યે એક એવા પ્રકારનું તંત્ર ગોઠવી દીધું છે કે એથી દેશ સદૈવ વધતા પ્રમાણમાં ચુસાયા જ કરે; વળી એ તંત્રનો લશ્કરી અને દીવાની ખર્ચ એટલો તો સત્યાનાશ વાળનારો છે કે દેશને એ કદી પોસાઈ શકે એમ નથી. આને પરિણામે, હિંદુસ્તાનની રાંકડી કોટ્યવધિ પ્રજા ભિખારી થઈ ગઈ છે.
‘રાજકીય દૃષ્ટિએ આ રાજ્યે અમને લગભગ ગુલામ બનાવી દીધા છે. અમારી સંસ્કૃતિના પાયા જ એણે ઉખાડવા માંડ્યા છે, અને પ્રજાને નિ:શસ્ત્ર કરવાની એની નીતિએ અમારી માનવતા હણી નાખી છે. સંસ્કૃતિના નાશથી થયેલી આધ્યાત્મિક હાનિમાં નિ:શસ્ત્ર દશાનો ઉમેરો થવાથી કાયર, અસહાય અધીનતાના જેવી મનોદશા અમારી પ્રજામાં કેળવાઈ છે.’
આ પત્રમાં ગાંધીજીએ લૉર્ડ અર્વિનને વાઈસરૉય તરીકે એમને મળતા પગારની યાદ અપાવીને અંગ્રેજો કેવી રીતે ભારતની તિજોરીને લૂંટે છે એનું ઉદાહરણ આપ્યું છે. ગાંધીજીએ લખ્યું કે વાઈસરૉયને ભારતમાં મહિને રૂા. ૨૧,૦૦૦નો પગાર મળે છે જ્યારે બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટરને રૂપિયામાં ગણો તો રૂપિયા ૫,૪૦૦નો પગાર મળે છે. જે દેશમાં દરેક માણસની દૈનિક આવક બે આનાથી ઓછી છે ત્યાં વાઈસરૉયને રૂા. ૭૦૦નો રોજ મળે છે. જ્યારે ઈંગ્લૅન્ડમાં દરેક નાગરિકની સરેરાશ આવક રોજની બે રૂપિયા છે ત્યાં પ્રાઈમ મિનિસ્ટરને રોજના રૂા. ૧૮૦ જ મળે છે. આમ ભારતમાં વાઈસરૉય ૫,૦૦૦થી વધુ હિંદીઓની કમાણીરૂપે ઉપાડે છે. જ્યારે ઈંગ્લૅન્ડનો પ્રાઈમ મિનિસ્ટર માત્ર ૯૦ અંગ્રેજોની કમાણી ઉપાડે છે.
આવી અનેક સ્મસ્યાઓ દર્શાવતા આ લાંબા પત્રમાં છેલ્લે ગાંધીજી લખે છે: ‘ઉપરનાં અનિષ્ટો દૂર કરવાનો આપ કોઈ ઉપાય શોધો નહીં, અને મારા કાગળની આપની ઉપર અસર ન થાય, તો આ મહિનાની ૧૧મી તારીખે હું આશ્રમના શક્ય હશે એટલા સાથીઓ સાથે મીઠાને લગતા કાયદાઓનો અનાદર કરવાનું પગલું ભરીશ. ગરીબ વર્ગના દૃષ્ટિબિંદુથી આ કાયદો મને સૌથી વધુ અન્યાયી લાગ્યો છે.’
જોકે, પછી તારીખ બદલાઈને ૧૨મી માર્ચ થઈ. પાંચમી માર્ચની પ્રાર્થનાસભામાં ગાંધીજીએ કહ્યું: ‘તા. ૧૨મીની સવારથી લડત શરૂ થશે તેથી મારી સાથે જોડાનાર સૌએ પાંચ દિવસમાં તૈયાર થઈ જવાનું છે. ખોરાક કે પાણી માટે તમારે ચિંતા કરવાની નથી. ઈશ્વર ઉપર આધાર રાખતાં આપણને બધું મળી રહેેશે.’
એક યુવાન છોકરાએ પૂછ્યું કે
આપણે ક્યાં કૂચ કરવાની છે? તેનો ઉત્તર હસતાં હસતાં આપતાં ગાંધીજીએ કહ્યું:
‘આપણે પેથાપુર તરફ કૂચ કરીશું. આપણે પગપાળા કૂચ કરીશું. એક ઘોડો સાથે રાખીશું અને મારી તબિયત સારી નહીં હોય ત્યારે હું તેનો ઉપયોગ કરીશ. શ્રી અબ્બાસ તૈયબજી અને ૫૦ની ટુકડી સાથે હું કૂચ કરીશ.’ પછી ગંભીરતાથી ઉમેર્યું, ‘દરેક જણે પોતાની સાથે ગીતા રાખવી. જેલમાં પણ જો જરૂર પડે તો આપણે સવિનય કાનૂનભંગ કરીશું. આપણે પુરુષોને જ સાથે રાખીશું. સ્ત્રીઓને અને બીજાંઓને આશ્રમમાં રાખીશું.’
કોઈએ સૂચન કર્યું કે કૂચમાં ચાર-પાંચ સ્ત્રીઓને પણ સામેલ કરવી જોઈએ. ગાંધીજીએ સમજાવ્યું.
‘સ્ત્રીઓને સત્યાગ્રહ કરવાનો પૂરતો સમય મળશે. હિંદુઓ જેમ ગાયને મારતા નથી તેમ અંગ્રેજો બની શકે ત્યાં સુધી સ્ત્રીઓને અડકતા નથી. હિંદુઓ લડાઈમાં જાય ત્યારે સાથે ગાયને લઈ જાય તો એ બાયલાપણું કહેવાય, એ જ પ્રમાણે આપણે સ્ત્રીઓને સાથે રાખવી બાયલાપણું કહેવાય. આગામી લડતમાં બાળકો પણ માર્યાં જશે. એટલું જાણીને આપણે બાળકોને પણ સાથે રાખીએ તે મૂર્ખાઈ છે. એકાદ માસમાં લડતનો અંત આવે એમ ઈચ્છું છું, પણ એ ઘણો વખત ચાલશે.’
બારમી માર્ચથી શરૂ થનારી કૂચનો પ્રથમ સપ્તાહનો કાર્યક્રમ ગાંધીજીએ આ મુજબનો જાહેર કર્યો: તા. ૧૨મી બુધવાર, અસલાલી. તા. ૧૩મી ગુરુવાર, સવારના: બારેજા, સાંજના: નવાગામ. તા. ૧૪મી શુક્રવાર, સવારના: વાસણા, સાંજના: માતર. તા. ૧૫મી શનિવાર, સવારના: ડભાણ, સાંજના: નડિયાદ. તા. ૧૬મી રવિવાર, સવારના: બોરિયાવી, સાંજના: આણંદ. તા. ૧૭મી સોમવાર, સવારના: નાપા, સાંજના: બોરસદ. તા. ૧૮મી મંગળવાર, સવારના: રાસ, સાંજના બદલપુર.
આટલો કાર્યક્રમ જાહેર કરીને તે તે ગામના મહાજન તથા સેવકોને ગાંધીજીએ કેટલીક સૂચનાઓ આપી: દરેક જગ્યાએ સંઘ સવારના આઠ પહેલાં પહોંચવાની આશા છે ને દસથી સાડા દસ સુધીમાં ખાવા બેસવાની આશા છે. પહેલે દહાડે અસલાલી પહોંચતાં સાડા નવ વાગવાનો સંભવ છે. બપોરના કે રાત્રિના મકાનની આવશ્યકતા નથી, પણ છાંયાવાળી સાફ જગ્યા મળે તો બસ છે. જ્યાં છાંયો ન જ હોય ત્યાં વાંસ અને ઘાસનું છાપરું કરી લેવામાં આવે તો બસ છે. આ બંનેનો પાછો પૂરો ઉપયોગ થઈ શકે.
ગ્રામવાસીઓ ભોજન આપશે એમ માની લીધું છે. ભોજનને સારું સીધું મળે તો સંઘ હાથે પકાવી લેશે. પાકુંકાચું જે હશે તે સાદામાં સાદું હોવું જોઈએ. રોટલી-રોટલા અથવા ખીચડી, શાક અને દૂધ અથવા દહીં ઉપરાંત બીજી વસ્તુની જરૂર નથી. મીઠાઈ કંઈ પણ કરી હશે તો પણ તેનો ત્યાગ થશે. શાક માત્ર બાફેલું હોવું જોઈએ. તેમાં તેલ, મરીમસાલો, મરચાં લીલાં કે રાતાં, ભૂકો કે આખાં કંઈ જ નહીં ખપે. મારી સલાહ આ પ્રમાણે ભોજન તૈયાર કરવાની છે.
સવારે રવાના થતાં પહેલાં રાબ અને ઢેબરાં. રાબ હંમેશાં સંઘને જ તૈયાર કરવા દેવી.
બપોરે ભાખરી, શાક અને દૂધ અથવા છાશ.
સાંજે કૂચ કરતાં પહેલાં ચણામમરા.
રાતે ખીચડી અને શાક અને છાશ અથવા દૂધ.
ઘી જણદીઠ બધું મળીને ત્રણ તોલાથી ન જ વધવું જોઈએ. એક તોલો રાબમાં, એક ભાખરીમાં ઉપરથી આપવાનું ને રાતના ખીચડીમાં. મારે સારુ સવારે, બપોરે અને સાંજે બકરીનું દૂધ મળી શકે તો તે અને સૂકી દ્રાક્ષ અથવા ખજૂર અને ખાટાં લીંબું પણ હોય તો બસ છે. ઉપર પ્રમાણે સાદા ખોરાક ઉપરાંત મુદ્દલ ખાવાના કે બીજા ખર્ચમાં ગ્રામવાસીઓ નહીં પડે એવી મારી ઉમેદ છે.
દરેક ગામના ને આસપાસનાં ગામના માણસોને મળવાની હું આશા રાખીશ.
સૂવાને સારું જોઈતો સામાન દરેક જણની પાસે હશે, એટલે સૂવાને સારું સાફ જગ્યા સિવાય બીજી કશી સગવડ ગ્રામવાસીએ કરવાપણું નહીં રહે.
પાનસોપારીના કે ચાના ખર્ચમાં ગ્રામવાસીએ નથી પડવાનું.
દરેક ગામને સારુ નીચેની હકીકત તૈયાર રાખવામાં આવે એ ઈચ્છવા યોગ્ય છે:
૧. વસ્તી: સ્ત્રીપુરુષ – હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી ઈત્યાદિની સંખ્યા.
૨. ‘અસ્પૃશ્ય’ની સંખ્યા.
૩. નિશાળ હોય તો, તેમાં બાળકો – બાળાઓ કેટલાં.
૪. રેંટિયાની સંખ્યા.
૫. ખાદીની પ્રતિમાસ ખપત.
૬. પૂર્ણ ખાદીધારીની સંખ્યા.
૭. મીઠું જણદીઠ કેટલું ખપે છે? ઢોર ઈત્યાદિને સારુ કેટલો ઉપયોગ થાય છે?
૮. ગામમાં ગાયભેંસની સંખ્યા.
૯. વિઘોટી કેટલી ભરાય છે? વિઘોટીનો દર.
૧૦. ગૌચરભૂમિ છે? હોય તો કેટલી?
૧૧. મદ્યપાન થાય છે? દારૂનું પીઠું કેટલું દૂર છે?
૧૨. ‘અસ્પૃશ્ય’ને સારું ભણવાની ને બીજી ખાસ સગવડ હોય તો તે.
આટલી હકીકત એક સાફ કાગળમાં લખીને હું પહોંચું કે તુરંત મને મળે તો સારું.’
આ ઉપરાંત ગાંધીજીએ એક બીજી સૂચના પણ આપી હતી:
‘દરેક ગામમાં સફાઈ પૂરી રાખવામાં આવે તો સારું. સત્યાગ્રહીઓને સારુ પાયખાનાની જગ્યા પ્રથમથી મુકરર કરવામાં આવે તો સારુ. નજીકમાં કંઈક આડ હોય તો સારું. ગ્રામવાસીઓ ખાદીનો ઉપયોગ ન કરતા હોય તો હવે કરે એ ઈષ્ટ છે.’
૯૫ વર્ષ પહેલાંના ભારતની અને ૯૫ વર્ષ પહેલાંના પોલિટિક્સની આ ઝલક. અને ક્યાં ત્યારનું ભારત અને ક્યાં ત્યારનું રાજકારણ. આઝાદી બાદ ગાંધીજીના નામે થતું રાજકારણ કેટલું બદલાઈ ગયું અને એને કારણે ભારત કેટલું બદલાઈ ગયું.
પાન બનારસવાલા
મીડિયોક્રિટી એટલે માત્ર એવરેજ ઈન્ટેલિજન્સ નહીં, પણ મીડિયોક્રિટી એટલે એવરેજ ઈન્ટેલિજન્સ, જેને પોતાના કરતાં બહેતર માટે ચીડ છે અને જેની એ ઈર્ષ્યા કરે છે.
—ઍય્ન રૅન્ડ
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
પંચાણુ વર્ષ પહેલા ગાંધીજીએ પરફેક્ટ ડાયટ ચાર્ટ આપેલો જે આજની તારીખ મા અમલમા લાવીને આપણે ૧૦૦ વર્ષ જીવી શકીયે.