(‘ત્રિવિધા’, Newspremi.com: સોમવાર, ૨૫ નવેમ્બર ૨૦૨૪)
મણિ રત્નમની ફિલ્મ ‘રોજા’નું મ્યુઝિક પહેલીવાર હિંદીમાં સાંભળ્યું ત્યારે ઓરિજિનલ તમિળ કેસેટ શોધવા તે વખતે સાંતાક્રુઝથી માટુંગા જઈને ખરીદી હતી. 25 વર્ષના સંગીતકાર એ.આર. રહેમાનના સંગીતે દક્ષિણમાં જ નહીં આખા ભારતમાં તહેલકો મચાવ્યો હતો. પછી તો બૉમ્બે, રંગીલા, દિલ સે, તાલ, લગાન… ફિલ્મો આવતી જ ગઈ. વચ્ચે વચ્ચે જોધા અકબરમાં ખ્વાજા મેરે ખ્વાજા કે દિલ્હી-સિક્સમાં મસક્કલી જેવી ચીજો સાંભળવા મળતી ત્યારે કાન વીછળીને રોજા જાને મન કે ઓ પાલનહારે સાંભળી આવતા.
એ. આર. રહેમાનનાં ગીતોનો, એના સંગીતનો નશો રહેતો. હજુ એકાદ મહિના પહેલાં જ એની વિવિધ કૉન્સર્ટ્સ પર બનેલી ડૉક્યુમેન્ટરી મુંબઈના જિયો વર્લ્ડ સિનેમાના સ્ક્રીન પર જોઈ. એ આર રહેમાન અમારા પ્રિયા સંગીતકારોની યાદીમાં પ્રથમ હરોળમાં છે અને રહેશે.
એને બે ઑસ્કાર મળ્યા ત્યારે ખુશી થવી જોઈતી હતી પણ નારાજગી થઈ. ‘જય હો’ કંઈ ગ્રેટ કંપોઝિશન નથી, મિડિયોકર છે અને રહેમાનનાં અન્ય ઉત્તમ કંપોઝિશન્સની સરખામણીએ તો ફાલતુ છે. એની ધૂન સુખવિંદર સિંહની છે (એણે જ ગાયેલું છે) એવો ખુલ્લેઆમ આક્ષેપ સુભાષ ઘાઈએ કર્યો છે. જે હોય તે. ‘સ્લમડૉગ મિલિયોનેર’ જેવી ભારતની બદબોઈ કરતી ફિલ્મને પોણો ડઝન ઑસ્કાર આપી દેવામાં આવે એ જમાના હવે ગયા. 2008માં એ આવી. આજની તારીખે ભારતને આવી રીતે બતાવવાની જુર્રત કોઈ ન કરી શકે. થિયેટરમાં આગ લગાડવામાં આવે.
હિંદુ પિતા અને હિંદુ માતાને ત્યાં જન્મેલો દિલીપકુમાર રાજગોપાલ વટલાઈને શું કામ અલ્લા રખા રહેમાન બની ગયો તેની સાથે પણ આપણને કંઈ લેવાદેવા નથી. એની મરજી. એની લાઈફ છે. તું તારે સંગીત સારું આપ્યા કર. અમે નૌશાદથી માંડીને અનુ મલિક અને ઈસ્માઈલ દરબારે કંપોઝ કરેલાં ગીતો માણ્યાં જ છે.
પણ ગયા અઠવાડિયે એ. આર. રહેમાને મોટી વાયડાઈ કરી. ટ્વિટર પણ એણે પોતાની પર્સનલ વાત જાહેર કરી કે 29 વર્ષનાં લગ્નજીવન પછી હવે એ (પત્ની સાયરા સાથે) ડિવોર્સ લે છે. એટલું ઓછું હોય એમ એણે મોટે ઉપાડે નવું હૅશટૅગ બનાવ્યું : #arrsairaabreakup
આ કમનસીબ ઘટના એની અંગત બાબત છે. એના સંગીતના ચાહકોને કંઈ પડી નથી કે એ તલાક લે કે પછી બીજી ત્રણ શાદીઓ કરે. જેન્યુઈન ચાહકોને સર્જકના સર્જન સાથે જ નિસબત હોય. જે લોકો ચાહક હોવાનો દાવો કરીને સર્જકના અંગત જીવનમાં ખાંખાખોળા કરવા માંડે એવા પંચિાતિયાઓની સાચા સર્જકોને જરા સરખી પડી નથી હોતી.
પણ એ. આર. રહેમાનને લાગ્યું હશે કે આ વાત બીજું કોઈ લીક કરે એના કરતાં હું જ ઑફિશ્યલી ડિક્લેર કરું તો સારું. ભલે, ભાઈ. એમ રાખ. અહીં સુધી તો જાણે ઠીક પણ બે દિવસ પહેલાં રહેમાને પોતાના ઍડવોકેટ નર્મદા સંપત (અણ્ણા નગર, ચેન્નઈ-600040) દ્વારા ટ્વિટર પર ચાર પાનાંની નોટિસ મોકલી કે અમારા ડિવોર્સ વિશે કેટલાક યુટ્યુબરો અને સોશ્યલ મીડિયા યુઝર્સ એલફેલ વાતો કરી રહ્યા છે. આવી વાતો બંધ કરો, ચોવીસ કલાકમાં ડીલીટ કરો નહીં તો બદનક્ષીનો દાવો માંડીશું. આ નોટિસની સી.સી. એણે દિલ્હીની યુટ્યુબની ઑફિસને, ગુગલની અમેરિકાની ઑફિસને, ટ્વિટરની બૅંગ્લોર અને અમેરિકાની ઑફિસને, ઈન્સ્ટાગ્રામની ગુરુગ્રામની ઑફિસને અને ફેસબુકની નવી દિલ્હીની ઑફિસને પણ મોકલી છે.
હવે ભઈ, તમે જ તમારી જિંદગીનો ભવાડો જાહેર કર્યો છે તો કેટલાક ચૌદસિયાઓ બોલવાના. ગામના મોઢે ગળણું બાંધવા ક્યાંથી જશો. તમારા ચાહકોમાંથી 99.99% ચાહકો તો આ વિશે કંઈ બોલતા નથી. જે નિંદાખોરો બોલે છે તે પણ વખત જતાં ચૂપ થઈ જશે, એ લોકો શું બોલ્યા કે એમણે શું લખ્યું તે પણ થોડા વખતમાં ભુલાઈ જશે. જે યાદ રહેવાનું છે તે તમારું સર્જન યાદ રહેવાનું છે. તમારી પાસે જે કંઈ સમય, શક્તિ, રિસોર્સીસ છે- ભગવાને આપેલા આટલા બધા આશીર્વાદ છે, તેનો સંપૂર્ણ ઉપયોગ સરસ્વતીની સાધનામાં કરો, આ લૉયરફૉયરની સાથેની મીટિંગો વગેરેમાં શું કામ સમય વેડફવાનો.
ખેર, નોટિસમાં યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક વગેરેની ઑફિસનાં પૂરાં સરનામાં છે. સેવ કરી લેજો. ભવિષ્યમાં તમને કદાચ કામ લાગે.
***
તે વખતે ભારત માટે ચૂંટણી માટેના ઓપિનિયન પોલ નવા નવા હતા. કોઈ પ્રોડક્ટ લૉન્ચ થવાની હોય ત્યારે ઍડવર્ટાઇઝિંગ એજન્સીઓ ઉત્પાદક કંપનીઓની સાથે મળીને નાના મોટા સર્વે જેવા ઓપિનિયન પોલ કરતી. પણ યુરોપ-અમેરિકાની જેમ ઈલેક્શન પહેલાં ઓપિનિયન પોલ કરવાનું આપણે ત્યાં 1984માં શરૂ થયું. ઓક્ટોબરમાં ઈંદિરા ગાંધીની હત્યા પછી ડિસેમ્બરમાં જે જનરલ ઈલેક્શન થયા તે વખતે.
એ વખતે ‘ચિત્રલેખા’ સાપ્તાહિકની બોલબાલા હતી. ઈન્દિરાની હત્યાની કવરસ્ટોરીવાળો અંક સવા ત્રણ લાખ કૉપી વેચાયો હતો. તંત્રી હરકિસન મહેતાની સંપાદકીય સૂઝનો એ જાદુ હતો. એમના ગયા પછી વખત બદલાયો. હરકિસનભાઈએ એ વખતે રાજીવ ગાંધીની ભાવનગરની ચૂંટણીસભા કવર કરવા મને મોકલેલો. દૈનિક વર્તમાનપત્રોમાં બીજા જ દિવસે આ સભાનું રિપોર્ટિંગ થઈ જાય તો અઠવાડિયા પછી ‘ચિત્રલેખા’માં શું કામ વાચકો વાંચે? પણ હરકિસન મહેતાના હાથ નીચે કામ કરતા હો ત્યારે તમારામાં પણ એવી જાદુગરી પ્રગટે કે તમે એવો રિપોર્ટ લઈ આવો જે વાંચીને તંત્રી પણ ખુશ, વાચકો પણ ખુશ.
ખેર, એ બધી વાત ફરી ક્યારેક. એ જ ગાળામાં હરકિસનભાઈએ મારી પાસે બીજી એક કવરસ્ટોરી તૈયાર કરાવી હતી જેનું શીર્ષક હતું : ‘ઓપિનિયન પોલમાં કેટલી પોલંપોલ?’ તે વખતે ઓપિનિયન પોલ માટે જાણીતી થયેલી કેટલીક એડ એજન્સીઓ તેમ જ બીજા કેટલાક એક્સપર્ટસ તથા ફિલ્ડ વર્કર્સને મળીને કવર સ્ટોરી માટે રિપોર્ટિંગ કર્યું હતું. તે વખતે મને એક નિષ્ણાતે અમેરિકાના જાણીતા ગૅલપ પોલ વિશેનો કિસ્સો કહ્યો હતો.
1936માં માર્ગારેટ મિશેલની નવલકથા ‘ગૉન વિથ ધ વિન્ડ’ પ્રગટ થઈ અને ખૂબ વખણાઈ, ખૂબ વેચાઈ. પ્રથમ આવૃત્તિ ખલાસ થઈ ગઈ. પ્રકાશક મૅકમિલને બીજી આવૃત્તિ છાપવાનું નક્કી કર્યું પણ કેટલી કૉપી છાપવી? બહુ બધી છાપી નાખે અને ન વેચાય તો માથે પડે. પ્રકાશકે ગૅલપ પોલ કંપનીને કામ સોંપ્યું. ગૅલપ પોલે અમેરિકાના નવલકથા વાચકોમાં ઓપિનિયન પોલ કર્યો. પોલનાં પરિણામો વાંચીને પ્રકાશકને ધક્કો લાગ્યો. લગભગ બધા જ વાચકોએ કહ્યું હતું કે અમે તો વાંચી છે. પ્રકાશકને થયું કે જેટલા લોકો કહે છે કે અમે વાંચી છે એટલી નકલો તો આપણે છાપી પણ નથી. તો શું લોકો લાયબ્રેરીમાં જઈને વાંચતા હશે? પાયરેટેડ એડિશન કોઈએ છાપી હશે? રહસ્ય શું છે? પ્રકાશકે ગૅલપ પોલવાળા સાથે મીટિંગ કરી. ફરી વાર ઓપિનિયન પોલ કરાવવાનું નક્કી થયું. અગાઉના પોલમાં વાચકને પૂછવામાં આવતું હતું કે તમે ગૉન વિથ ધ વિન્ડ વાંચી છે? બધા હા પાડતા. કારણ કે એ વખતે આવી જાણીતી નૉવેલ વાંચવી મોભાવાળું કામ ગણાતું, આટલી પ્રસિદ્ધ થયેલી નવલકથા ન વાંચી હોય તો તમે ગમાર છો એવી છાપ પડતી. એટલે સૌ કોઈ કહેતું : હાસ્તો, વાંચી જ હોયને.
ફરીવાર પોલ થયો. પ્રશ્ર્ન પૂછવાનો ઍન્ગલ બદલાયો. ‘તમે ગૉન વિથ ધ વિન્ડ વાંચવાનું વિચારો છો?’
જવાબમાં કોઈ કહે : અમે તો વાંચી લીધી છે. કોઈ કહે ના તો કોઈ કહે હા. આ હા કહેનારા વાચકો બીજી આવૃત્તિના પોટેન્શ્યલ ખરીદારો છે એવી ગણતરીથી નવી આવૃત્તિનો પ્રિન્ટ ઑર્ડર નક્કી થયો.
ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ કે એવા કોઈ પણ સર્વેમાં તમે કોને પૂછો છો એના કરતાં પણ અગત્યની વાત એ છે કે શું પૂછો છો.
***
કાકાસાહેબ કાલેલકરે ગયાના શ્રાદ્ધ વિશેના નિબંધમાં લખ્યું છે કે ભૂતકાળમાં ક્યારેક છબછબિયાં કરી લેવાના હોય, આખો વખત એમાં ડૂબકી મારીને પડ્યાપાથર્યા રહેવાનું ન હોય.
હમણાં અમે આવાં છબછબિયાં માર્યાં. થોડા છાંટા તમને પણ ઉડાડીએ. એક જમાનામાં હિંદી ફિલ્મોનાં ગીતોની ચોપડી થિયેટરની બહાર એક આના-બે આનામાં કે દસ પૈસા – પચ્ચીસ પૈસામાં વેચાતી. તે વખતનું અમારું ઘર મુંબઈના સિટીલાઈટ સિનેમાની બરોબર સામે. થિયેટરની બહાર નવી ફિલ્મોનાં ગીતોની ચોપડીઓ વેચાય. અમે ખરીદીએ. કૉલેજમાં આવ્યા પછી આ શોખ પૂરો થયો અને અમારો સંગ્રહ પણ રફેદફે થઈ ગયો.
આ ચોપડી એટલે? સમજોને કે તમારા ઘરે જે છાપું આવે છે તેનું અડધું કે પા પાનું લો અને પછી એને વાળો, હજુ વાળો, વધુ વાળો. ‘ચોપડી’ તૈયાર. કોઈ બાઈન્ડિંગ નહીં, પિનિંગ નહીં, બધાં ગીતો આવી જાય એમાં.
થોડા દિવસ પહેલાં મને ખબર પડી કે આવી જૂની ચોપડીઓ પ્રીમિયમ ભાવે વેચાવા આવી છે. એ જમાનાના દસ કે પચ્ચીસ પૈસા સાદા વ્યાજે ઈન્વેસ્ટ કરીને અત્યારે એના જેટલા રૂપિયા થાય લગભગ એ જ ભાવે મળતી હતી. અમે ખરીદી લીધી. યાદગાર, ઉપકાર, આરાધના, બૉબી, પહેચાન અને બીજી ઘણી બધી.
એ પછી અમે જોયું કે સ્કૂલમાં જે સિક્કા ખિસ્સાખર્ચી માટે મળતા હતા તે પણ વેચાવા આવ્યા છે, અફકોર્સ પ્રીમિયમ ભાવે. એક પૈસાનો તાંબાનો ગોળ સિક્કો એ પછી એક પૈસાનો એલ્યુમિનિયમ મિશ્રિત ચોરસ સિક્કો. બે પૈસાનો કાંગરીવાળો વજનદાર સિક્કો, બે પૈસાનો કાંગરીવાળો હલકોફુલકો સિક્કો, ત્રણ પૈસાનો એક જ ટાઇપનો હલકોફુલકો ષટકોણ સિક્કો, પાંચ અને દસ અને વીસના સિક્કા અને જૂની પાવલી, જૂના આઠ આના. બધું ભેગું કર્યું. એક, બે અને પાંચ રૂપિયાની કડકડતી નોટોનાં બંડલ તો ઘરમાં છે જ જે લક્ષ્મીપૂજન વખતે પૂજામાં મૂકાય છે.
હવે શું બાકી? ટાઇમ્સ ઓફ ઇન્ડિયાવાળાનું એક પ્રકાશન હતું ઇન્દ્રજાલ કૉમિક્સ. જેમાં ફેન્ટમ, મેન્ડ્રેક, ફ્લેશ ગૉર્ડનની ચિત્રકથાઓ છપાતી. અંગ્રેજી ઉપરાંત ભારતની પ્રમુખ ભાષાઓમાં પણ આવતી. અમે ગુજરાતીમાં વાંચી છે. અત્યારે ક્યાંયથી ગુજરાતીમાં તો ન મળી પણ અંગ્રેજીમાં એક જૂની પ્રત વેચાતી હતી – તે પણ ફૅન્ટમની નહીં, મેન્ડ્રેકની. લઈ લીધી.
અંગ્રેજી વાંચન શરૂ કર્યું હતું આર્ચીઝની કૉમિક્સથી. એ પણ ક્યાંકથી મળી આવી. થોડીક ખરીદી લીધી. જોકે, કુરિયરમાં આવી ત્યારે ખબર પડી કે એ મૅગેઝિન સાઈઝની નહોતી, એના કરતાં અડધી સાઈઝની છે. ઠીક છે. અમારા નોસ્ટીલ્જિયા માટે પૂરતું છે.
રોજરોજ તો આ ખજાનો ખોલીને જોવાનો કે વંચાવવાનો ન હોય. તો શું કરીશું? એમાંથી થોડીક ચીજવસ્તુઓ પસંદ કરીને એને કાચની ફ્રેમમાં મઢાવીને ઘરમાં શ્રીજીબાવાની છબિ અને આર. ડી. બર્મનના ફોટાની બાજુમાં ગોઠવી દઈશું. પછી મનમાં છબછબિયાં કરીને ગાયા કરીશું : ઝિંદગી કે સફર મે ગુઝર જાતે હૈં જો મકાં, વો ફિર નહીં આતે…
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો