( ‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: શનિવાર, ૩૧ મે ૨૦૨૫)
ગઈકાલે, શુક્રવાર 30 મેના રોજ, એક હિન્દી ફિલ્મ રિલીઝ થઈ છે, તમે જોઈ ? ‘હિસ સ્ટોરી ઑફ ઇતિહાસ’ એવું અજીબ લાગતું નામ આ હિન્દી ફિલ્મનું છે. ભારતના ઇતિહાસ સાથે ક્યારે, કોણેકોણે, કેવી રીતે ચેડાં કર્યાં એ આખા કાવતરા વિશેની આ ફિલ્મ છે. આમ તો આ કોઈ ડૉક્યુમેન્ટરી ફિલ્મનો વિષય ગણાય પણ લાર્જર ઑડિયન્સ સુધી પહોંચવા ‘વૅક્સિન વોર’ની જેમ આને પણ ફિલ્મના સ્વરૂપે બનાવાઈ છે.
અંગ્રેજોએ અને એમના ગયા પછી સવાયા અંગ્રેજ એવા નહેરુ અને નહેરુના ગેંગસ્ટરો જેવા મૌલાના આઝાદ તથા વામપંથી ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસ સાથે ગંભીર ચેડાં કરીને આપણા ભૂતકાળને વિકૃત બનાવી નાખ્યો— ‘હિસ સ્ટોરી ઑફ ઇતિહાસ’ની આ થીમ છે.
એક ફિઝિક્સનો પ્રોફેસર છે. એક દિવસ એના ધ્યાનમાં આવે છે કે એની દસ-બાર વર્ષની દીકરી સ્કૂલમાં જે ઇતિહાસના વિષયની ટેક્સ્ટ બુક ભણી રહી છે એમાં તથ્યો ઓછાં છે, બિનપાયાદાર માહિતીઓ વધારે છે. અને હવે એનું અભિયાન શરૂ થાય છે— ભારતનો સાચો ઇતિહાસ બહાર આવે અને ખોટો ઇતિહાસ ટેક્સ્ટ બુકમાંથી દૂર થાય એનું.
ફિલ્મ સ્લો છે પણ અંત સુધી જકડી રાખે એવી છે. મૃણાલ સેન, શ્યામ બેનેગલ અને મણિ કૌલ જેવા સર્જકો સેવન્ટીઝમાં જે પ્રકારની વામપંથી આર્ટ ફિલ્મો બનાવતા એવી જ આ એક અત્યારના જમાનાની, વામપંથીઓને ખુલ્લા પાડતી, આર્ટ ફિલ્મ જોવા જાઓ છો એવી માનસિકતા રાખીને થિયેટરમાં જવાનું. હોનોલુલુ કે ટિમ્બકટુના ફિલ્મ ફેસ્ટિવલમાં ઉછળી ઉછળીને ઈરાનિયન, ફ્રેન્ચ કે કોરિયન કે કોઈ અગડંબગડં ભાષાની ફિલ્મનાં વખાણ કરતાં થાકતા ન હોય એવા અંગ્રેજી ભાષાના સેક્યુલર ફિલ્મ રિવ્યુઅરોએ તો ખાસ આ ફિલ્મ જોવા જવું, સાથે થેલીમાં ડઝનએક બર્નોલની ટ્યુબ લઈ જવી.
આ એક ખૂબ જ પેચીદા અને અઘરા વિષયની ફિલ્મ છે. ઓછા બજેટની છે એટલે માર્કેટિંગ બહુ થયું નથી. બહુ ઓછા થિયેટરોમાં રિલીઝ થઈ છે. મારા ઘરની સૌથી નજીકના થિયેટરમાં ગઈકાલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રાતના 11 વાગ્યાનો હતો એટલે છેક મરીન લાઈન્સ જઈને મેટ્રોમાં ત્રણને દસનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોયો. ખૂબ સંતોષ થયો. ભારત રાષ્ટ્ર 2014થી બદલાઈ રહ્યું છે, ભારતની ફિલ્મો પણ બદલાઈ રહી છે જેની શરૂઆત ‘કાશ્મીર ફાઇલ્સ’થી થઈ. કૅન યુ ઈમેજિન કે ભારતમાં ‘વૅક્સિન વૉર’, ‘આર્ટિકલ 370’, ‘સાબરમતી એક્સપ્રેસ’, ‘રોકેટ્રી’ કે ‘કેરળ સ્ટોરી’ જેવી ફિલ્મો બને! હજુ આ તો શરૂઆત છે. ભવિષ્યમાં આ અને આવા અનેક જલદ વિષયો પર ફિલ્મો બનતી જશે, નવા નવા પ્રતિભાવાન સર્જકો પોતાની ટેલન્ટને માન્યતા મળે એ માટે લેફ્ટિસ્ટોના વામપંથે જવાને બદલે સાચી દિશામાં આગળ વધશે, એમને પૂરતું ફાઇનાન્સ અને પ્રોપર રિલીઝ પણ મળી રહેશે કારણ કે આવી ફિલ્મોને સુપરહિટ બનાવી શકે એવું ઑડિયન્સ પણ તૈયાર થઈ ગયું હશે. બસ, થોડીક ધીરજ રાખવાની જરૂર છે. આવતા દસકામાં આવી ચિક્કાર ફિલ્મો બનવાની છે પણ એ માટે તમારે અત્યારે બની રહેલી આવી ફિલ્મો થિયેટરમાં જઈને જોવી જોઈએ. આ ફિલ્મોમાં આ ખામી છે અને તે ખામી છે એવી વિકૃત વિવેચક દ્રષ્ટિ છોડીને એ રીતે એને માણવી જોઈએ કે આવા અઘરા વિષય પર કોઈને ફિલ્મ બનાવવાનું મન થયું, એણે અમુક કરોડ રૂપિયાનું જોખમ ઉઠાવ્યું, મહિનાઓ સુધી દિવસરાત એક કરીને ફિલ્મ બનાવી જે રિલીઝ પણ થઈ. 2014 પહેલાં આ બધું અશક્ય હતું.
ફિલ્મનો હીરો સુબોધ ભાવે છે જે મરાઠી સિનેમા-નાટકોનો સુપરસ્ટાર છે. સુબોધ ભાવેની 2018માં આવેલી ‘આણિ કાશીનાથ ઘાણેકર’ નામની મરાઠી ફિલ્મ રિલીઝ થઈ એ વખતે ખૂબ લખ્યું છે, એકબે નહીં કુલ છ લેખો લખ્યા છે. વાંચવાની ઈચ્છા થાય તો ન્યુઝપ્રેમી ડૉટ કૉમ પર સર્ચ કરશો. બહુ સારો અભિનેતા છે.
‘હિસ સ્ટોરી ઑફ ઇતિહાસ’ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે એવું જણાવવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા-લેખક-દિગ્દર્શક મનપ્રીતસિંહ ધામીના જીવનમાં આવું બન્યું હોઈ શકે. ખબર નથી. પણ એટલી જરૂર ખબર છે કે આ ફિલ્મના એક પ્રેક્ષકના જીવનમાં આવું કંઈક જરૂર બન્યું હતું.
એ વખતે હું થોડાં વર્ષ માટે અમદાવાદ રહીને પત્રકારત્વ કરતો હતો. 2002ના ગોધરાકાંડને બેએક વર્ષ થયાં હશે. રજાઓમાં મારાં સંતાનો મને મળવા આવતાં. એક સાંજે અમે ટૅરેસ પર ટહેલતાં હતાં ત્યારે ટીનેજમાં પ્રવેશી રહેલા મારા મોટા દીકરાએ એની આગામી પરીક્ષાની તૈયારીરૂપે મને એક સવાલ પૂછ્યો. ઇતિહાસના પેપરને લગતો હતો. મેં એને લંબાણથી, એને સંતોષ થાય એ રીતે જવાબ આપ્યો. શાંતિથી સાંભળ્યા પછી દીકરાજી મને કહે : પણ અમારી ટેક્સ્ટ બુકમાં તો આના કરતાં તદ્દન ઊંધું જ લખ્યું છે.
હું ચોંકી ગયો. મેં કહ્યું કે પરીક્ષામાં પૂછાય તો ટેક્સ્ટ બુકમાં જે લખ્યું છે તે જ લખવાનું નહીં તો માર્ક્સ નહીં મળે. પણ ઇતિહાસની જે હકીકત છે તે મેં તને જે કહી છે તે જ છે એ વાત પર ભરોસો રાખવાનો.
‘આવું કેમ?’—એવા એના સવાલનો મારી પાસે જવાબ હતો પણ એ જવાબ સમજવાની એની ઉંમર નહોતી કારણ કે તીસ્તા સેતલવાડ અને કપિલ સિબ્બલ જેવા રાક્ષસોનું બૅકગ્રાઉન્ડ એની પાસે નહોતું.
સુષ્મા સ્વરાજે લોકસભામાં કહેલું કે 2004માં વાજપેયી સરકારની સત્તા ખતમ થઈ એ પછી જે સોનિયાસરકાર (આ શબ્દો મારા છે, સુષ્માજીના નહીં) આવી તેમાં એજ્યુકેશન મિનિસ્ટર કપિલ સિબ્બલ હતા (તે વખતે શિક્ષણ પ્રધાનને હ્યુમન રિસોર્સ મિનિસ્ટર- માનવ સંસાધન મંત્રી એવું નામ અપાયેલું). આ કપિલ સિબ્બલે ટેક્સ્ટ બુક તૈયાર કરતી દેશની પ્રમુખ સંસ્થા એન.સી.ઈ.આર.ટી. (નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ)માં તીસ્તા સેતલવાડને બેસાડેલી. કૅન યુ ઈમેજિન કે ગોધરા હિન્દુ હત્યાકાંડ પછી થયેલાં રમખાણોમાં જેણે ગુજરાતને બદનામ કરવામાં ભૂંડી ભૂમિકા ભજવેલી તે એનજીઓની બહેનજીઓની રિંગ લીડર બનેલી ગુજરાતણ (જે મુસ્લિમ જાવેદ આનંદની પત્ની છે) ભારતની નવી પેઢી જે ઇતિહાસ ભણવાની હતી તેમાં શું હશે અને શું નહીં તે નક્કી કરે ?
વાજપેયી સરકાર વખતે એન.સી.ઈ.આર.ટી.ના ચૅરમૅન જે.એસ. રાજપૂત હતા જેમને સોનિયાસરકારે સત્તા લીધી કે તરત જ દૂર કરવામાં આવ્યા. મોદીયુગ શરૂ થયા પછી 2015માં જગમોહન સિંહ રાજપૂતને પદ્મશ્રીથી સન્માનવામાં આવ્યા. રાજપૂતના કાર્યકાળ દરમિયાન મારે એમની સાથે પરિચય હતો. એમણે ભેટ આપેલું એમનું લખેલું એક પુસ્તક મારી લાયબ્રેરીમાં છે. એ ઉપરાંત એમણે લખેલાં બીજાં પુસ્તકો પણ છે. એમના કાર્યકાળ દરમિયાન મુરલી મનોહર જોષી શિક્ષણ મંત્રી હતા. વામપંથીઓએ લખેલા ઇતિહાસમાં ઘુસાડવામાં આવેલી અનેક બદીઓ રાજપૂતે દૂર કરી હતી જેની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ થયેલો (સામેવાળા વકીલ કોણ હતા એ તમારે ગેસ કરવાનું છે). ભારતના ઇતિહાસમાંથી રાજપૂત દ્વારા દૂર કરવામાં આવેલી વાતો કઈકઈ હતી એના વિશે પણ એક પુસ્તક પ્રગટ થયું છે. કેસ સામાવાળા જીતી ગયા (સ્વાભાવિક જ હતું. આ એ જમાનો હતો જ્યારે આતંકવાદીઓને ‘રાહત’ આપવા એમના વકીલના કહેવાથી સુપ્રીમ કોર્ટ રાતે બે વાગે દરવાજા ઉઘાડતી). પાઠ્યપુસ્તકોમાં ઘુસાડવામાં આવેલા ‘ઝેર’ને દૂર કરવાનો ( ડીટૉક્સિફિકેશન કરવાનો) આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો. હકીકત એ હતી કે વાજપેયી સરકારે-મુરલી મનોહર જોષીએ, જે.એસ. રાજપૂતની નિષ્ણાતોની ટીમની સાથે મળીને વામપંથીઓએ લખેલા ઇતિહાસને ડીટૉક્સિફાય કર્યો હતો, ડાબેરી ઇતિહાસકારોએ ભારતના ઇતિહાસમાં ઘોળેલું વિષ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ફિલ્મ તો તમે જોશો જ એટલે એની વાર્તા ખોલીને તમને સ્પોઈલર્સ આપવાનું પાપ નહીં કરું. હવે પછી જે માહિતી આપું છું તે મારા જૂના અને નિયમિત વાચકો માટે નવી નથી કારણ કે છેલ્લા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી આ માહિતી હું પ્રસંગોપાત મારા લેખોમાં/પુસ્તકોમાં/પ્રવચનોમાં તેમજ ઈન્ફોર્મલ વાતચીતમાં દોહરાવતો આવ્યો છું.
ભારતનો ઇતિહાસ ભારતની દ્રષ્ટિએ લખાયો હોવો જોઈએ— નહીં કે વિદેશીઓની દ્રષ્ટિએ. જાપાનની યુનિવર્સિટીઓમાં ભણાવાતા હિરોશિમા-નાગાસાકી પરના ઍટમ બૉમ્બના ઇતિહાસમાં જાપાનને વિક્ટિમ ગણવામાં આવશે પણ અમેરિકન યુનિવર્સિટીઓમાં અમેરિકાને વિક્ટિમ તરીકે ચીતરવામાં આવશે અને લખાશે કે અમારા પર્લ હાર્બર પર હુમલો કરીને જાપાને જે તબાહી મચાવી એનો તેનો બદલો લેવા અમે હિરોશિમા-નાગાસાકી પર પરમાણુ બૉમ્બ ફેક્યા.
ગલ્ફના દેશોને અમેરિકા-યુરોપ ‘મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ’ તરીકે ઓળખે છે કારણકે નકશામાં એ દેશો અમેરિકા-યુરોપની પૂર્વ દિશામાં જતાં અધવચ્ચે આવેલા છે. આપણે એમની વાદે ચડીને સાઉદી અરેબિયા, કુવૈત, ઓમાન વગેરેને મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ કહેવાનું ન હોય. આપણા માટે ભારતથી પશ્ચિમ દિશામાં—યુરોપ અમેરિકા જઈએ ત્યારે—વચ્ચે આ દેશો આવે છે માટે આપણે એમને મિડલ વેસ્ટ કન્ટ્રીઝ તરીકે ઓળખવાના હોય. આ તો એક સાવ નિર્દોષ અને નાનકડી વાત થઈ. મિડલ વેસ્ટ કન્ટ્રીઝને બદલે મિડલ ઇસ્ટ કન્ટ્રીઝ તરીકે ઓળખીએ તો આપણું (કે બીજા કોઈનુંય) કશું લૂંટાઈ જતું નથી. પણ આમાં આપણી માનસિકતા છતી થાય છે— પશ્ચિમના ઇતિહાસકારો અને એમના પૂંછડાં જેવા ભારતના વામપંથી ઇતિહાસકારોએ જે લખ્યું તેને યથાતથ સ્વીકારી લેવાની માનસિકતા.
સતીપ્રથા કે નવજાત બાળકીને દૂધપીતી કરવાની પ્રથા આપણે ત્યાં હતી જ નહીં. એવા કોઈ એકલદોકલ કિસ્સાઓ જરૂર બન્યા જેને અંગ્રેજોએ ‘પ્રથા’નું નામ આપી દીધું. ઇંગ્લેન્ડમાં ગયા વર્ષે 75 હત્યાઓ થઈ, 2078 પાકીટમારીના કિસ્સા થયા, 23 બળાત્કારના કેસ નોંધાયા. શું આ ઇતિહાસકારો ઇંગ્લેન્ડને ખુનીઓનો, પાકીટમારોનો, રેપિસ્ટનો દેશ કહેશે? આ બધા એકલદોકલ કિસ્સાઓ છે, કોઈ ટ્રેડિશનનો ભાગ નથી.
આપણને ભણાવવામાં આવ્યું કે મોગલોએ ભારત પર સદીઓ સુધી રાજ કર્યું. હકીકત એ છે કે મોગલોએ એક સેકન્ડ માટે પણ સમગ્ર ભારત પર રાજ નથી કર્યું, મોગલોની હકુમત ભારતના 30 થી 35 ટકા જેટલા ભાગ સુધી જ સીમિત હતી. બાકીના પ્રદેશોમાં મરાઠાઓથી માંડીને ગુપ્તવંશના અને બીજા અનેક વંશના રાજાઓની સાર્વભૌમ સત્તા હતી— ઈશાનમાં અ્હોમ વંશના રાજાઓની સત્તા હતી, દક્ષિણમાં વિજયનગર, ચૌલ અને અન્ય વંશોના રાજાઓની સત્તા હતી. અંગ્રેજો આવ્યા ત્યારે એમણે મોગલોને હરાવીને નહીં, મરાઠાઓને હરાવીને સત્તા કબજે કરી હતી.
આ અને આવી બીજી ઘણી ઘણી બાબતો છે. ભારતના ઇતિહાસને વિકૃત કરવાનું કારણ શું? અંગ્રેજો અને વામપંથી ઇતિહાસકારોનો એકમાત્ર હેતુ એ હતો કે આપણને આપણા દેશ માટે ગૌરવ ન થાય, આપણે વિદેશીઓથી દબાયેલા રહીએ અને આપણી સિદ્ધિઓ પોતાના નામે કરીને વિદેશીઓ ચરી ખાય.
આપણે જ્યારે ભારતની તથાકથિત બદીઓ સામે ફૅક્ટ્સ રજૂ કરીએ છીએ ત્યારે પેલા લોકો આપણે અભણ-ગમાર હોઈએ તેવી રીતે આપણને ઉતારી પાડતા હોય છે. આપણા સંસ્કૃતમાં લખાયેલા મનુસ્મૃતિ,વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત વગેરેનો મનઘડંત અનુવાદ કરીને તેઓ અત્યાર સુધી દુનિયામાં આપણા વિશે અપપ્રચાર કરતા રહ્યા. એમની સીમિત સમજ અને એમના ટૂંકા અનુભવજગતમાં જેનો સમાવેશ નથી થતો એવી બાબતોને તેઓ પોતાને ફાવે એવી પરિભાષામાં વ્યક્ત કરતા રહ્યા. આપણા માટે ફુલકા રોટી, તંદુરી રોટી, નાન, રોટલો, થેપલાં, ઢેબરાં, પૂરી, ફરસી પૂરી વગેરે ડઝનએક ખાદ્યસામગ્રીઓ છે. તેઓ આ બધાને એક જ લાકડીએ હાંકશે— ઇન્ડિયન બ્રેડ !
તા.ક. : આવી અપીલ હું ભાગ્ય જ કરતો હોઉં છું. પણ આ લેખને બને એટલો શેર, ફોર્વર્ડ, રિપોસ્ટ કરીને વાયરલ કરજો જેથી ‘હિસ સ્ટોરી ઑફ ઇતિહાસ’ જોવાવાળાઓની સંખ્યા વધે, આ ફિલ્મના મેકર્સના લોહી-પરસેવો-પૈસા વેડફાય નહીં.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો