‘અમારા જમાના’નાં રોદણાં ન રડવાં હોય તો શું કરવું : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 19 માર્ચ 2025)

સલીમ દુરાની બે વર્ષ પહેલાં ગુજરી ગયા. જીવનના છેલ્લા દાયકા દરમિયાન તેઓ જરા દુઃખી હતા. એક વખત સલીમ દુરાનીએ કહ્યું હતું કે , ‘અમારા જમાનામાં ક્રિકેટરોને ન તો પૈસા મળતા, ન પબ્લિસિટી.’

સલીમ દુરાની એમના જમાનાના ક્રિકેટ સ્ટાર હતા. એમના વિશે કહેવાતું કે કોઈ સુંદર કન્યા એમને સ્ટેડિયમની જે દિશામાં સિક્સર મારવાનું કહે તે દિશામાં એ છગ્ગો મારી શકતા. હૅન્ડસમ એટલા કે હિંદી ફિલ્મમાં હીરો તરીકે પણ આવ્યા.

આ નિવેદન આપ્યું એ વખતે સલીમ દુરાની ૮૨ વર્ષના હતા. ૮૮ વરસે ગુજરી ગયા. એમની વાત સાચી એ રીતે કે એમના જમાનામાં જેટલા પૈસા અને જેટલી ફેમ ક્રિકેટરોને મળતી એના કરતાં અત્યારના ક્રિકેટરોને એ બેઉ ઘણાં અધિક મળે છે. તે વખતે જોકે, સાવ એવું નહોતું કે પૈસા મળતા જ નહીં, કે પ્રસિદ્ધિ પણ મળતી નહીં. સરખામણી કરો ને થોડી અતિશયોક્તિ ઉમેરો તો એવું લાગે કે તે વખતે કશું મળતું નથી.

સલીમ દુરાનીના જમાના અને અમિતાભ બચ્ચનના જમાના વચ્ચે ખાસ કંઈ ફાસલો નથી. એકાદ દાયકા જેટલો. બચ્ચનજી આઠ વર્ષ નાના. બચ્ચનજીને તમે કોઈ દિવસ એવું કહેતા સાંભળ્યા છે કે અમારા જમાનામાં ફિલ્મ સ્ટાર્સને અત્યારે મળે છે એટલા પૈસા કે એટલી ફેમ નહોતી મળતી? હાલાકિ, એ સત્ય છે. ૧૯૭૪માં બચ્ચનજીએ ‘શોલે’ સાઈન કરી ત્યારે આખી ફિલ્મ માટેનું એમનું મહેનતાણું એક લાખ રૂપિયા જેટલું હતું. સલીમ દુરાનીએ આ ફરિયાદ કરી તે જ સમયે સમાચાર આવ્યા હતા કે અક્ષયકુમાર હવે ફિલ્મોમાં પાર્ટનરશિપ લેવાને બદલે દહાડિયું માગશે. દિવસનો એક કરોડ. અને આ તો અક્ષયકુમાર છે. શાહરુખ-સલમાન કે આમિર નહીં. ક્યાં એ જમાનામાં બચ્ચનજી જેવા બચ્ચનજીને આખી ફિલ્મના (અને તે પણ ‘શોલે’ જેવી બિગ બજેટ ફિલ્મના) એક લાખ રૂપિયા અને ક્યાં એક દિવસના એક કરોડ. અક્ષયકુમારનું કામ ફિલ્મમાં ૩૦થી ૩૫ દિવસ જેટલું હોય એટલે એને ફિલ્મ દીઠ લગભગ ૩૦-૩૫ કરોડ રૂપિયાનું મહેનતાણું મળે.

બચ્ચનજી ક્યારેય આવી સરખામણી નથી કરતા એનું કારણ શું? કારણ કે બચ્ચનજી હજુય ઍક્ટિવ છે. સલીમ દુરાનીનું સ્ટેટમેન્ટ વાંચ્યું એ જ દિવસે છાપામાં ફિલ્મના પાને બચ્ચનજી સાથે હાથ મિલાવવા પડાપડી કરતા એમના ચાહકોનો ફોટો જોયો. બચ્ચનજીએ હજુય પોતાની જાતને પોતાના ક્ષેત્રમાં રિલેવન્ટ રાખી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને કે ઍક્ટિંગ છોડીને એ બીજે કયાંય ગયા નથી, નિવૃત્તિ પણ લીધી નથી, અનેક શારીરિક તકલીફોનો સામનો કર્યો, આર્થિક વિટંબણાઓનો પણ, અને પોતાના કરતાં અધિક ટેલેન્ટેડ એવી નવી પેઢી સાથે પણ હસતા મોઢે કોઈ કડવાશ વિના કે કોઈનેય ઉતારી પાડ્યા વિના કામ કર્યું, હજુય કરતા રહે છે. સલીમ દુરાની જેવો વિચાર એમને પણ ક્યારેક આવતો હશે તો તે આવીને ઊડી જતો હશે. મનમાં લિન્ગર થયા કરતો નહીં હોય અને એટલે જ એવો વિચાર પ્રગટ થવાના સ્ટેજ સુધી પહોંચતો જ નહીં હોય.

જિંદગીમાં જે લોકો પોતાનું રિલેવન્સ ગુમાવી બેસે છે તેઓ ‘અમારા જમાના’ને યાદ કરતા રહે છે. અમારા જમાનામાં તો આમ હતું ને હવે જુઓ કેવો જમાનો આવ્યો છે. આપણે સમજતા જ નથી કે જમાનો ક્યારેય રાતોરાત બદલાતો નથી. હર પળ, હરેક સેકન્ડે એ બદલાતો રહે છે. તમારે તમારી જાતને વરસે – બે વરસે એક વાર નહીં પણ દિવસમાં બે વાર અપડેટ કરવી પડે છે. જો એવું નહીં કરતા હો તો સડનલી એક દિવસ તમે ઊઠશો અને સલીમ દુરાનીની માનસિકતા સાથે તમારી જાતને આઈડેન્ટિફાય થતાં જોશો.

નવાનો ઈનકાર નહીં અને જૂનાને વળગી રહેવું નહીં. મારે હિસાબે આ સૂત્ર છે, જો તમારે પણ બચ્ચનજીની જેમ આજની તારીખે પણ રિલેવન્ટ રહેવું હોય તો. જૂના સંબંધો, સ્મૃતિઓ, ચીજવસ્તુઓ, રીતરસમો, આદતો, નીતિનિયમો વગેરેને ચોક્કસ આદર આપીએ. એ તો મૂડી છે આપણી, પણ એ સૌને જડની જેમ વળગી ન રહીએ. સેલફોનમાં જેમ નવાં નવાં વર્ઝન અપનાવતાં જઈએ છીએ, કૉમ્પ્યુટર્સમાં જેમ ઑપરેટિંગ સિસ્ટમ્સને અપડેટ કરવાની કાળજી રાખીએ છીએ એમ આ સઘળી જૂની મૂડીને પણ અપડેટ કરતા રહીએ.

નવું બધું જ અપનાવવા જેવું નથી હોતું, પણ નવું બધું જ નકારવા જેવું પણ નથી હોતું. વીસ વરસે કદાચ લાગે કે નવું બધું જ અપનાવી લેવું છે જેને લીધે કોઈક બાબતમાં ક્યારેક નુકસાન પણ થાય, પરંતુ ત્રીસ-ચાળીસ કે પચાસ વરસે તમારી પાસે અનુભવ છે જે તમને ગાઈડ કરે છે કે નવામાં શું અપનાવવા જેવું છે, જૂનામાંથી શું સાચવી રાખવા જેવું છે.

અનુભવો ત્યારે જ કામ લાગે જ્યારે દિમાગની ખિડકી ખુલ્લી રાખી હોય. આ દિમાગની ખિડકી ખુલ્લી રાખવી એટલે શું? આ:

હું તો આમ જ કરું અને બાપ જન્મારે તેમ ન જ કરું એવી જીદમાંથી મુક્તિ મેળવવી. તમે અત્યાર સુધી જે રીતે વિચારતા રહ્યા અને કામ કરતા રહ્યા તેની પદ્ધતિને જડબેસલાક વળગી રહેવાને બદલે એક્સપરિમેન્ટ કરતા રહો. ઘણું ઘણું નવું જાણવાનું મળશે, શીખવાનું મળશે. શીખ્યા પછી જિંદગીમાં એને કાયમ માટે અપનાવો, ન અપનાવો એ તમારી મરજી છે પણ પહેલાં જાણીએ તો ખરા કે આપણે જે રીતે વિચારીએ છીએ કે જે રીતે કામ કરીએ છીએ એના કરતાં જુદી એવી કઈ રીતે અત્યારે દુનિયા વિચારે છે, કામ કરે છે.

ફેવરિટ્સ બધાના જીવનમાં હોય. ફૂડ, કલર્સ, સ્ટાઈલ, મ્યુઝિક. પણ જે કલર્સ મારા ફેવરિટ છે એના કરતાં જુદા રંગ ટ્રાય કરીશ તો ક્યાં દુનિયા ઊંધીચત્તી થઈ જવાની છે. જે મ્યુઝિક હું વર્ષોથી સાંભળતો આવ્યો છું એના કરતાં જુદું એવું આજનું મ્યુઝિક હું સાંભળીશ તો મારા ટેસ્ટમાં કોઈ ગાબડું નથી પડી જવાનું. જે લેખકો – કવિઓ મારા વર્ષોથી ફેવરિટ રહ્યા છે એ ઉપરાંતના નવા સર્જકોને હું વાંચીશ તો એમના કરતાં વધારે ફાયદો મારો થવાનો છે. ઈવન ફૂડની બાબતમાં મારા વર્ષોથી ઘડાયેલા આગ્રહોમાં જો હું બાંધછોડ કરતો થઈશ તો હું વધારે સારી જિંદગી જીવી શકીશ, વધારે સારો ટ્રાવેલર બની શકવાનો – વિદેશમાં જ નહીં, ભારતમાં કે ઈવન ગુજરાતમાં ચિક્કાર રખડપટ્ટી કરવી હશે તો પણ આવી બાંધછોડ કામ લાગવાની.

સલીમ દુરાનીને બદલે અમિતાભ બચ્ચન જેવી માનસિકતાવાળી જિંદગી તમારે જોઈતી હોય તો આટલું તો મિનિમમ કરવું પડે.

એક નાનકડી વાત સાથે પૂરું કરીએ. આ વિશે લેખ લખતાં પહેલાં હું કેટલાક મિત્રો સાથે આ જ મુદ્દે વાતચીત કરતો હતો ત્યારે એક મિત્ર બોલ્યો: “અમિતાભ બચ્ચનને સલીમ દુરાની સાથે કેમ સરખાવી શકાય? બંનેનું ક્ષેત્ર અલગ છે, કોઈ ક્રિકેટર ચાહે તોપણ 40 વર્ષથી વધુની ઉંમર સુધી રમી ના શકે, ધોની જેવા અપવાદ તો જૂજ હોય. એક્ટર તો લીડ રોલ ના મળે તો ચાલો કેરેક્ટર રોલ કરીને પેટિયું રળી લે…ગાવસ્કર ,શાસ્ત્રી, સિદ્ધુ વગેરે રમ્યા ત્યાં સુધી ના કમાયા એટલું નિવૃતિ પછી કમેન્ટર કે કોચ બનીને કમાયા. ક્યાં છે ફારુખ એન્જિનિયર? રોજર બિન્ની? યશપાલ શર્મા? મદન લાલ? ઈવન કપિલ દેવને પણ ચોવીસ કલાક ચાલતી ‘ઈંડિયાઝ બેસ્ટ ન્યુઝ ચેનલ’ પર સગવડીયા નિવેદનો આપવા પડે છે. પ્રભાકરની જેમ ગદ્દારી કરવા જાય તો પેન્શન પણ જાય. કોઈ ઓલ્ડ એરાના એક્ટરને આવી મુશ્કેલી નથી પડી —મનોજકુમાર, રાજ કુમાર, રાજેન્દ્ર કુમાર…”

મેં એ મિત્રને બોલવા દીધો અને હું ધીરજ રાખીને શાંતિથી એને સાંભળી રહ્યો. એની વાત પૂરી થઈ એટલે મેં કહ્યું: “તમે ઉદાહરણને પકડીને બેસી રહેશો તો મૂળ સુધી ક્યારેય નહીં પહોંચી શકો. વાત આ ક્રિકેટર કે તે એક્ટરની નથી, આપણી પોતાની માનસિકતાની છે, એને સમજીને જો બદલવાની જરૂર લાગે તો તેમ કરવાની કેટલીક ટિપ્સ આપી છે. દ્રષ્ટાંતો અને ઉદાહરણો સ્ટાર્ટર કહેવાય. ગાડી સ્ટાર્ટ થઈ ગયા પછી લૉજિકનું એક્સલરેટર દબાવીને એને ગંતવ્ય સ્થાન સુધી લઈ જવાની હોય. આ યાત્રામાં પછી સ્ટાર્ટરની જરૂર ન પડે. અને જો વારેઘડીએ જરૂર પડી તો એને ગરાજમાં લઈ જવાની, અન્યથા આ રીતે ઠોકી દઇએ તો આપણને જ નુકસાન થાય.”

આ લેખ માટે જ નહીં પરંતુ મારા બધાં જ લખાણોને આ વાત લાગુ પડે છે. એટલે જ હું મોટેભાગે ઉદાહરણો, દાખલાઓ કે કિસ્સાઓ લખવાનું ટાળું છું. થોડું અઘરું લાગે સમજવાનું. પણ સુજ્ઞ વાચકો બધું જ સમજી જતા હોય છે, જો ટૂંકમાં કહીએ તો!

સાયલન્સ પ્લીઝ!

લોકો જે સાચું છે તેની તરફેણ નથી કરતા, જે તેમને પસંદ છે તેનો જ પક્ષ લે છે.
—અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here