( ગુડ મૉર્નિંગ : ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’. શનિવાર, 1 નવેમ્બર 2025)
ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેના નરાધમ કૃત્યને વાજબી ઠહેરાવીને નથુરામને હીરો માનનારા ‘પ્રખર’ હિન્દુવાદીઓએ દુર્ગા દાસ સંપાદિત સરદાર વલ્લભભાઈ પટેલના પત્રવ્યવહારના 10 ગ્રંથો રીફર કરીને વાંચી લેવું જોઈએ કે સરદારે નથુરામને ફાંસીની સજા રદ કરવાની અરજીઓ કયાં કારણોસર ફગાવી દીધી હતી. જેઓ નથુરામ ગોડસેના પાપકર્મને જસ્ટિફાય કરતા રહે છે તેમણે સરદાર પટેલને પૂજવાનું બંધ કરવું જોઈએ અને જેમના માટે સરદાર પટેલ ભારતની એક મહાન વિભૂતિ છે એમણે નથુરામને માથે ચઢાવવાનું આ ઘડીએ જ બંધ કરી દેવું જોઈએ. મારી વાત કરું તો મેં નથુરામ ગોડસેએ લખેલું અને એના વિશે લખાયેલું બધું જ અગડંબગડં સાહિત્ય વાંચેલું છે અને મેં ક્યારેય નથુરામના પાગલપનને જસ્ટિફાય કરવાની ચેષ્ટા નથી કરી. મારા માટે એ હંમેશા વિલન જ રહ્યો છે અને રહેશે. અને મારા માટે સરદાર પટેલ હંમેશા આદરણીય, પૂજનીય વિભૂતિ રહ્યા છે અને રહેશે.
જોકે, આપણે આ શ્રેણીમાં આ મુદ્દા વિશે ચર્ચા નહોતી કરવાની પણ થઈ ગઈ. દુર્ગા દાસના 10 વૉલ્યુમ્સ રીફર કરતાં કરતાં આ મુદ્દો વાંચવામાં આવ્યો એટલે વણી લીધો.
હવે મૂળ વાત. વિલીનીકરણ વખતે ગુજરાતના જ એક મોટા રાજ્યના શાસકે સરદાર પટેલને કેવી રીતે સતાવ્યા હતા?
ગુજરાતમાં વડોદરા સ્ટેટ ભવ્ય ભૂતકાળ ધરાવે છે. છત્રપતિ શિવાજી મહારાજના પૌત્ર શાહુ મહારાજે દામાજીરાવ ગાયકવાડને પોતાના લશ્કરના સેનાપતિ નીમ્યા હતા. દામાજીરાવના વારસદાર એવા ભત્રીજા પીલાજીરાવ ગાયકવાડ પણ મરાઠા લશ્કરના સરદાર હતા. એમણે ગુજરાતમાં કેટલાક પ્રદેશો જીતીને પોતાનું રાજ્ય સ્થાપ્યું જેની રાજધાની વડોદરા હતી.
સર સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) આ રાજવંશના વારસદાર જેમણે પોતાના 58 વર્ષના રાજ્યકાળ દરમિયાન વડોદરા રાજ્યને આધુનિક અને પ્રગતિશીલ બનાવ્યું, શિક્ષણ ક્ષેત્રે આ રાજ્યનો ભારતભરમાં ડંકો વાગતો હતો. રાજ્યમાં સેંકડો શાળાઓ અને પુસ્તકાલયો શરૂ કર્યાં. સર સયાજીરાવ ગાયકવાડે ડૉ. બાબાસાહેબ આંબેડકરના અભ્યાસ જીવનમાં ઘણો મોટો ભાગ ભજવ્યો. ગુજરાતી સાહિત્યમાં ગાંધીયુગના એક શિરમોર સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ (‘દિવ્યચક્ષુ’, ‘ભારેલો અગ્નિ’ જેવી લૅન્ડમાર્ક નવલકથાઓના સર્જક)એ સયાજીરાવ ગાયકવાડના શાસનમાં ઘણા ઊંચા હોદ્દાઓ પર સેવાઓ આપી હતી. ગાયકવાડના વડોદરા રાજ્યનો વિસ્તાર સવા આઠ હજાર ચોરસ માઈલ સુધી ફેલાયેલો હતો. આ સમૃદ્ધ રાજ્યની વાર્ષિક આવક ₹7 કરોડ જેટલી હતી.

1939માં સર સયાજીરાવ ગાયકવાડના પૌત્ર સર પ્રતાપસિંહ ગાયકવાડને વડોદરાની ગાદી મળી. (સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) શરાબને હાથ પણ લગાડતા નહોતા. પણ એમના પુત્ર અને ભાવિ વારસદાર ફત્તેહસિંહરાવ ભારે શોખીન હતા જેઓ 23 વર્ષની કાચી ઉંમરે, કદાચ આ શોખને કારણે જ રાજગાદી પર આવે તે પહેલાં જ અવસાન પામ્યા.) 1939માં સર સયાજીરાવના સ્વર્ગવાસ પછી જે રાજગાદી ફત્તેહસિંહરાવને મળવી જોઈતી હતી તે તેમના પુત્ર પ્રતાપસિંહરાવને મળી. શિક્ષણ ક્ષેત્રે નામના મેળવનાર સર સયાજીરાવને અફસોસ હતો કે પોતાના પિયક્ક્ડ પુત્ર ફત્તેહસિંહરાવે ભણવામાં કંઈ ધ્યાન ન આપ્યું. એ વારસો ફત્તેહસિંહરાવના પુત્ર પ્રતાપસિંહરાવમાં ઊતરી આવ્યો. વારસાગત સત્તા, ચિક્કાર શ્રીમંતાઈ પણ રાજ ચલાવવાની આવડત તથા દાનતનો અભાવ. ઇતિહાસે ભારતનાં ઘણાં રાજ્યો આને કારણે બરબાદ થઈ જતા જોયા છે.
1939માં વડોદરા રાજ્યની ગાદીએ બેઠેલા પ્રતાપસિંહ ગાયકવાડે સરદાર વલ્લભભાઈ પટેલને જેટલા સતાવ્યા એટલી સતામણી ભારતના અન્ય કોઈ રાજાએ ભાગ્યે જ કરી હતી (જુનાગઢ, હૈદરાબાદ સિવાય).
પ્રતાપસિંહરાવનાં લગ્ન 1929માં કોલ્હાપુરના ધોરપડે કુટુંબનાં મહારાણી શાંતાદેવી સાથે ઑલરેડી થઈ ચૂક્યાં હતાં. એમને આઠ સંતાનો હતાં. 1944માં પ્રતાપસિંહરાવે મદ્રાસ પ્રાંતના એક જમીનદારની દીકરી સીતાદેવી સાથે કૉન્ટ્રાક્ટ દ્વારા બીજાં લગ્ન કર્યાં. સીતાદેવીનાં અગાઉ લગ્ન થઈ ચૂક્યાં હતાં અને એમને એ લગ્નથી એક પુત્ર પણ હતો. સીતાદેવી આગલા લગ્નમાંથી કાયદેસર છુટાછેડા લઈને આ પ્રતાપસિંહરાવ સાથે જોડાયાં હતાં. આ બીજાં લગ્ન કાયદેસર ગણાય એ માટે પ્રતાપસિંહરાવે વડોદરા રાજ્યના કાયદામાં સુધારો કર્યો.
ચાલો, બીજાં લગ્નની બાબતને આપણે એમનો અંગત મામલો ગણીને નજરઅંદાજ કરીએ. પણ રાજાઓની બાબતમાં આવું કરવું શક્ય નથી હોતું, ખાસ કરીને જ્યારે એ અંગત પ્રેમપ્રકરણને સત્તાવાર દરજ્જો આપવામાં આવે. આને કારણે ભવિષ્યમાં રાજગાદીના વારસના પ્રશ્નો સર્જાતા હોય છે જેની અસર એ રાજ્યની સમગ્ર પ્રજા પર પડતી હોય છે. આ બીજાં લગ્નને કારણે પ્રતાપસિંહની આબરૂમાં ઘટાડો થયો. બ્રિટિશ સરકારે તેમજ ભારત સરકારે પ્રતાપસિંહના બીજા લગ્નને અવૈધ ગણ્યાં.
પ્રતાપસિંહનો આ કંઈ બહુ મોટો માઈનસ પોઈન્ટ નહોતો. ખરી વાત હવે આવે છે.
1944માં સીતાદેવી સાથે બીજાં લગ્ન કર્યાંના થોડા સમય બાદ પ્રતાપસિંહ સીતાદેવીને લઈને દોઢ મહિના માટે અમેરિકા ફરવા ગયા જ્યાં એમણે એક કરોડ ડૉલર ઉડાવી નાખ્યા. આ જંગી અને ઉડાઉ ખર્ચ વિશે ત્યાંનાં છાપાંઓમાં અહેવાલો છપાયા. તપાસ કરતાં ખબર પડી કે વાત સાચી હતી. પ્રતાપસિંહને રાજ્યમાંથી અંગત વાર્ષિક આવક પેટે 80 લાખ ડૉલર મળતા હતા. એમણે અમેરિકા જવા માટે રાજ્યની તિજોરીમાંથી વગર વ્યાજની અનેક લોન લીધી હતી. ઑડિટમાં આ ભોપાળું બહાર આવ્યા પછી પ્રતાપસિંહે પોતાની અંગત આવકમાંથી હપતે હપતે લોન ચૂકવી આપવાની બાહેંધરી આપવી પડી. એ પહેલાં પ્રતાપસિંહે રાજ્યની તિજોરીના હિસાબમાં કંઈક અષ્ટમપષ્ટમ કરીને પોતાની નિર્ધારિત અંગત આવકની રકમ બમણા કરતાં વધુ થઈ જાય એવી જોગવાઈ કરી દીધી હતી.
1947ના સપ્ટેમ્બરમાં જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં ભળી જવાની જાહેરાત કરી ત્યારે ભારત સરકાર માટે કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ. આ સમયે સૌરાષ્ટ્રના તમામ રાજાઓ કોઈપણ જાતની શરત વિના જુનાગઢ બાબતે ભારત સરકારની પડખે હતા. વડોદરા રાજ્યના રાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે ભારત સરકારને જૂનાગઢના મામલે ‘મદદ’ કરવાની તત્પરતા દર્શાવતો પત્ર લખ્યો. 1947ની બીજી સપ્ટેમ્બરે સરદાર પટેલને સંબોધીને લખાયેલા પત્રમાં પ્રતાપસિંહરાવ ગાયકવાડે લખ્યું: મારા દીવાને ગઈકાલે મળીને મને જૂનાગઢની સમગ્ર પરિસ્થિતિ સમજાવી છે અને કાઠીયાવાડ તથા સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જળવાય તેની જવાબદારી લેવા વડોદરા રાજ્ય તૈયાર છે.
હવે જુઓ, મહારાજા સર પ્રતાપસિંહરાવ ગાયકવાડની બદમાશીઓનો નમૂનો. એમણે સરદાર પટેલને લખ્યું કે નીચેની શરતો તમને માન્ય હોય તો વડોદરા સ્ટેટ ભારત સરકારને મદદ કરી શકે એમ છે:
1. ભારત સરકાર મહીકાંઠા, રેવાકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, પશ્ચિમ ભારતનાં રાજ્યો તથા ગુજરાત પર આધિપત્ય ભોગવે છે તે તમામ પ્રદેશ વડોદરા સ્ટેટને સોંપી દેવો.
2. કંઈક એવું બને તો ભારત સરકારે વડોદરા સ્ટેટને જે કંઈ લશ્કરી મદદ જોઈએ તે આપવી.
3. વડોદરા સ્ટેટના રાજાને કાઠિયાવાડ સહિત સમગ્ર ગુજરાતના રાજા જાહેર કરીને એમને સાર્વભૌમ સત્તા સોંપી દેવી.
4. આટલી શરતો માન્ય હોય તો વડોદરા સ્ટેટ ભારત સરકારના અંગ તરીકે ચાલુ રહેવા તૈયાર છે.
સરદાર વલ્લભભાઈ પટેલે આ પત્ર વાંચીને મહારાજા સર પ્રતાપસિંહરાવને જણાવી દીધું કે ભારત સરકારને તમારી સહાયતાની લગીરેય જરૂર નથી. સરદારે સ્પષ્ટ કહ્યું કે સર પ્રતાપરાવસિંહ આવી દરખાસ્ત મુકવાની જુર્રત કરે તે માન્યામાં નથી આવતું. આમ છતાં જો તેઓ આવું સપનું જોતા હોય, પોતાનો પ્રદેશ વિસ્તારવાની મહત્વકાંક્ષા રાખતા હોય તો એમનો વિનાશ નક્કી છે.
તે સમયે હૈદરાબાદનો નિઝામ પોતે અંગ્રેજ સરકારનો વિશ્વાસુ મિત્ર છે એવો દાવો કરતો અને બીજી બાજુ પોતે સ્વતંત્ર શાસક છે એવો પણ દાવો કરતો. દક્ષિણમાં નિઝામનું જેવું સ્થાન છે તેવું જ પશ્ચિમમાં પોતાનું હોવું જોઈએ એવું ખ્વાબ પ્રતાપસિંહના શેખચલ્લી દિમાગમાં પ્રવેશી ગયેલું. પોતાની આ બેવકૂફીભરી દરખાસ્તોને લીધે સરદાર પટેલ તથા ભારત સરકાર સખત રોષે ભરાય છે તેનો ખ્યાલ પ્રતાપસિંહને આવ્યો એટલે એમણે વાત ફેલાવી કે આ પત્ર તો વડોદરાના દીવાન સર બી. એલ. મિત્રના ભેજાની નીપજ છે. જોકે, દીવાન બી. એલ. મિત્રએ ખુલાસો કર્યો કે પોતે આવી કોઈ સલાહ મહારાજાને આપી જ નહોતી.
ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ વડોદરાના આ મહારાજાએ ભારત સરકારની શરતો માન્ય રાખવી પડી. પણ થોડાક જ મહિનામાં પ્રતાપસિંહે સરદાર પટેલને ફરિયાદ કરી કે ભારત સરકાર પોતાના તરફ ઓરમાયું વર્તન દાખવે છે અને વડોદરાના મહારાજા તરીકે પોતાની જેટલી કદર થવી જોઈએ એટલી થઈ નથી. આ ફરિયાદના જવાબમાં સરદાર વલ્લભભાઈ પટેલે ખોંખારો ખાઈને મહારાજાને સત્તાવાર પત્રમાં લખી જણાવ્યું:
‘…હું તમને યાદ અપાવવા માંગુ છું કે જૂનાગઢને કારણે અમે મુશ્કેલીમાં હતા ત્યારે તમે જે વલણ બતાવ્યું તેનાથી મને અવર્ણનીય આઘાત લાગ્યો હતો. દેશ મુશ્કેલીમાં હતો ત્યારે તમે તમારા પોતાના સ્થાન વિશે સોદો કરવાનો ઇરાદો રાખ્યો. તે વખતે તમે એમ કહ્યું કે તમે તે વખતના તમારા દીવાન સર બી. એલ. મિત્રની સલાહથી તેમ કર્યું હતું. અલબત્ત તે તેનો ઇનકાર કરે છે. તે ગમે તે હોય, પરંતુ તે પત્ર લખવાની જવાબદારીમાંથી છટકી જવું તમારે માટે અશક્ય છે.’
આ ઉપરાંત બીજી કેટલીક શાસકીય બાબતોનો ઉલ્લેખ કરીને સરદાર પટેલે પ્રતાપસિંહનો કાન આમળ્યો. સરદારનો આ પત્ર મળતાંવેંત, ૧૯૪૮ના મે મહિનામાં પ્રતાપસિંહ યુરોપના પ્રવાસે જતા રહ્યા. જતાં પહેલાં સરદારના સૂચન મુજબ ડૉ. જીવરાજ મહેતાને વચગાળાની સરકારના વડા તરીકે નીમતા ગયા. ડૉ. જીવરાજ મહેતાએ મહારાજાની ગેરહાજરીમાં વડોદરા રાજ્યનો વહીવટ સંભાળ્યો. એમણે શોધી કાઢ્યું કે પ્રતાપસિંહે યુરોપ જતી વખતે રાજ્યની તિજોરીમાંથી ઘણી મોટી રોકડ રકમ તથા ઝવેરાત ઉપાડી લીધાં હતાં. આ ઉપરાંત અગાઉ અમેરિકાના 6 અઠવાડિયાના પ્રવાસ વખતે લીધેલી લોનને ખર્ચ તરીકે માંડવાળ કરવાની પેરવી પણ મહારાજા પ્રતાપસિંહે કરી હતી. એટલું જ નહીં એ રકમ ઉપરાંત બીજા રૂ. 1 કરોડ 5 લાખ ખર્ચ પેટે ઉપાડ્યા હતા અને રૂ. 65 લાખની વગર વ્યાજની લોન પણ લઈ લીધી હતી અને દીકરીના લગ્નના ખર્ચ પેટે બીજા રૂ. 40 લાખ રાજ્યની તિજોરીમાંથી લીધા હતા.

ડૉ. જીવરાજ મહેતાના ઑડિટમાં આ તમામ ગોસ્મોટાળા બહાર આવ્યા. સરકારે ઠરાવ કરીને પ્રતાપસિંહની રાજ્ય કરવાની યોગ્યતાને પડકારી. તેમણે લોકોનો વિશ્વાસ ગુમાવ્યો હોવાથી તેમના સૌથી મોટા પુત્ર
(ફત્તેહસિંહરાવ ગાયકવાડ)ની તરફેણમાં ગાદીનો ત્યાગ કરવાનું જણાવાયું. ફત્તેસિંહરાવ સગીર વયના હોવાથી તેઓ પુખ્ત ન બને ત્યાં સુધી વાલી સમિતિ નીમીને રાજ્યનાં હિતોનું રક્ષણ કરવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો. આ સાથે જ કુલ રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુ રકમ રાજ્યની તિજોરીમાંથી લઈને વેડફી નાખી હોવાની નોંધ લઈને એક સમિતિ નીમવાની પણ ભલામણ કરવામાં આવી.
આ બધી માહિતી મળતાં જ સર પ્રતાપસિંહ તાત્કાલિક યુરોપથી પાછા ફરીને સરદાર પટેલને મળવા દિલ્હી ગયા. સરદારને તેમણે વચન આપ્યું કે પોતાની ગેરહાજરીમાં વહીવટ કરવા માટે મહારાણી શાંતાદેવીને, દીવાનને તેમ જ અન્યોને સત્તા આપવા પોતે રાજી છે. પોતે ઉપાડેલી રકમ રાજ્યની તિજોરીમાં પાછી આપવાની બાહેંધરી આપી તેમ જ નાણાકીય લેવડદેવડની તપાસ માટે તથા ઝવેરાતની યાદી માટે સરકારને સહકાર આપવાનું પણ કબૂલ રાખ્યું.
જોકે, દિલ્હીથી વડોદરે પાછા ફરીને પ્રતાપસિંહે પલટી મારી. કોઈ બાબતે સરકારને સહકાર આપ્યો નહીં. સરકારી ઑડિટ પ્રમાણે તેમણે 1943થી 1947 દરમિયાન વાર્ષિક રૂ. 50 લાખ ઉપરાંત રૂ. 6 કરોડ રોકડ તથા રાજ્યના તોશાખાનામાં રાખેલું અકલ્પનીય મૂલ્ય ધરાવતું અતિશય કિંમતી ઝવેરાત પોતાના કબજામાં લઈને વિદેશ ટ્રાન્સફર કરી દીધું હતું.
આ પછી સરદાર પટેલ, વી. પી. મેનન તેમ જ અન્ય અધિકારીઓ સાથે પ્રતાપસિંહની દિલ્હી તથા વડોદરામાં મંત્રણાઓ થઈ. પણ પ્રતાપસિંહે તત્કાલ વિલીનીકરણની દરખાસ્ત સ્વીકારવાને બદલે પત્રમાં લખ્યું:
‘…મને લાગશે કે વિલીનીકરણનો સમય પાક્યો છે ત્યારે વડોદરા સ્ટેટ મર્જરની દરખાસ્ત સ્વીકારશે.’
સરદાર પટેલની કુનેહભરી મંત્રણાઓના ફળસ્વરૂપે પ્રતાપસિંહે ભારે હૃદયે વિલીનીકરણના દસ્તાવેજો પર સહી કરી. કહેવાય છે કે સહી કર્યા બાદ મહારાજા પ્રતાપસિંહ વી. પી.મેનનના ખભા પર માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા હતા. પ્રતાપસિંહનું સાલિયાણું રૂ. સાડા 26 લાખ નક્કી કરવામાં આવ્યું. તેમની ખાનગી મિલકત અને તેમના વિશેષાધિકારોની યાદી તૈયાર થઈ. ઇંગ્લેન્ડ લઈ જવામાં આવેલા તમામ કિંમતી ઝવેરાતને પોતે પાછું લાવશે તથા રાજ્યની માલિકીના ઝવેરાતની યાદીઓ પણ તૈયાર કરાવશે તેની ખાતરી પણ પ્રતાપસિંહે આપી. છેવટે 1 મે 1949ના રોજ એક જાહેર સમારંભમાં વડોદરા સ્ટેટનો વહીવટ ભારત સરકાર વતી મુંબઈની રાજ્ય સરકારે સંભાળી લીધો.
મહારાજા સર પ્રતાપસિંહરાવ ગાયકવાડે ફરી એકવાર પલટી મારીને સરદારને આપેલાં વચનોનો ભંગ કર્યો. ઇંગ્લેન્ડથી ઝવેરાત પાછું લાવવાને બદલે રાજ્યની તિજોરીનું વધુ ને વધુ ઝવેરાત ત્યાં મોકલવાનું ચાલુ રાખ્યું. પ્રતાપસિંહને સરકારની ચેતવણી મળી. તોશાખાનાને સીલ કરવામાં આવ્યું. વધુ નાક દબાવ્યા પછી કેટલુંક ઝવેરાત પાછું આવ્યું ખરું પરંતુ તે ખૂબ ઓછું હતું. 1950માં સરકાર દ્વારા બે ટ્રસ્ટ કરવામાં આવ્યા જેથી રાજ્યની મિલકતો અને ઝવેરાત વેડફાઈ ન જાય. મહારાજા પ્રતાપસિંહ પોતાની બધી મિલકતોનું ટ્રસ્ટ રચવા તૈયાર થયા પરંતુ પછીથી નામક્કર જઈને તેમણે ટ્રસ્ટ રચવાનો ઇન્કાર કર્યો.
એ પછી તો હદ થઈ ગઈ. પ્રતાપસિંહે ડિસેમ્બર 1950માં પત્ર લખીને વડોદરા રાજ્યના વિલીનીકરણની કાયદેસરતાને પડકારી. આ માહિતી એમણે મીડિયામાં પણ લીક કરી. દેશમાં ખળભળાટ મચી ગયો.
15 ડિસેમ્બર 1950. સરદાર વલ્લભભાઈ પટેલે 75 વર્ષની ઉંમરે દેહ છોડ્યો. સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ સર્જાયું. સરદારે તૈયાર કરેલા વી. પી. મેનન તથા એન. ગોપાલસ્વામી અયંગરે સરદાર જેટલી જ દૃઢતાથી વડોદરાનો મામલો ઉકેલવાની દિશામાં આગળ પગલાં લીધાં.
મેનને પ્રતાપસિંહના પત્રનો જવાબ આપીને તેઓ જે પગલું ભરી રહ્યા છે તેની ગંભીર અસરો વિશે ચેતવણી આપી. પણ માથાફરેલ મહારાજા કોઈક જુદી જ દુનિયામાં વિહરી રહ્યા હતા. મેનનના પત્રની અવગણના કરીને પ્રતાપસિંહ શિકાર કરવાનાં બહાને કેટલાંક ભૂતપૂર્વ રાજ્યોની મુલાકાત લેવા લાગ્યા. તેમનો ઈરાદો રાજાઓ, જમીનદારો તથા જાગીરદારોના સહકારથી રાજ્યોના વિલીનીકરણ સામે આંદોલન કરવાનો હતો. પોતાની આ દેશદ્રોહી પ્રવૃત્તિને પોઝિટિવ દૃષ્ટિકોણનો મુખવટો પહેરાવીને મહારાજાએ તે વખતના દેશના પ્રમુખ વર્તમાનપત્ર/સામયિકોને પૈસા આપીને પોતાના તરફી પેઈડ ન્યુઝ છપાવવાનું પણ શરૂ કર્યું.
મહારાજાએ વડોદરા રાજ્યનાં કેટલાંક ગામોમાં જઈને જાહેર સભાઓ કરીને પ્રજાજનોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાની પેરવી કરી. સરકારે આની ગંભીરતાથી નોંધ લીધી અને મહારાજાને આ રીતના પ્રચારપ્રવાસો કરતા રોકવા માટેનાં પગલાં લેવામાં આવ્યા.

આ દરમિયાન વી. પી. મેનનને પોતાના વિશ્વાસનીય ખાનગી સૂત્રોમાંથી જાણવા મળ્યું કે પ્રતાપસિંહ રાજસ્થાનના જોધપુર સ્ટેટના મહારાજાને પોતાના નિકટના શક્તિશાળી સાથી માનતા હતા અને પ્રતાપસિંહની ચાલ એવી હતી કે ભારત-પાકિસ્તાન યુદ્ધ થાય તો કેટલાક રાજાઓ એ રાષ્ટ્રીય કટોકટીનો લાભ લઈને પ્રતાપસિંહની ઉશ્કેરણીથી ભારત સરકાર સામે બંડ પોકારીને વિલીનીકરણના દસ્તાવેજો ફાડીને પોતાનાં રાજ્યો પાછાં મેળવી લેવાની મહત્વકાંક્ષા સેવી રહ્યા છે.
સરદારના અવસાનને હજુ ચાર મહિના પણ નહોતા થયા ત્યાં આ નવું તૂત સામે આવ્યું હતું. આ રાજાઓ ફરી સત્તા આંચકી લેવામાં સફળ થાય એવી કોઈ શક્યતા નહોતી. મોટાભાગના રાજાઓની વફાદારી અંગે ભારત સરકારને કોઈ શંકા નહોતી. આમ છતાં છુટાછવાયા તત્વો ભેગા મળીને નાને પાયે પણ બંડ પોકારે એવી પરિસ્થિતિને ઉગતાં જ ડામવી સારી એવું વિચારીને એક વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી જેના ભાગરૂપે સરકારે સર પ્રતાપસિંહને 12 એપ્રિલ 1951થી વડોદરા સ્ટેટના રાજા તરીકે અમાન્ય ઘોષિત કરીને તેમના સૌથી મોટા પુત્ર યુવરાજ ફત્તેહસિંહરાવ ગાયકવાડને વડોદરાની ગાદી પર બેસાડ્યા.
તે વખતના મુંબઈ રાજ્યના ગૃહ પ્રધાન મોરારજી દેસાઈએ વડા પ્રધાન નહેરુને એક પત્રમાં લખ્યું કે વિલીનીકરણની વિરુદ્ધના આંદોલનને ચાલવા દીધું હોત તો તે મજબૂત થતું જાત અને પછી તેને અંકુશમાં લાવવાનું મુશ્કેલ થઈ જાત (માટે આ પગલું અનિવાર્ય હતું).
મોરારજીભાઈએ એ પણ લખ્યું કે સરકારે લીધેલું આ કડક પગલું અન્ય રાજાઓ પર દાખલો બેસાડશે.
સંસદમાં અને દેશભરમાં સરકારના આ પગલાંને વધાવી લેવામાં આવ્યું. આખા દેશના વર્તમાનપત્રોએ, પ્રતાપસિંહના પેઈડ ન્યુઝ છાપનારા દૈનિકો સહિતના મીડિયાએ, આ પગલાંને ટેકો આપ્યો. વિદેશનાં છાપાંઓએ પણ આ પગલાંની સરાહના કરી.
ભારતના જે કોઈ રાજાઓ પ્રતાપસિંહના રવાડે ચડીને શેખચલ્લીના સપનાં જોતાં થઈ ગયેલા તે સૌની સાન ઠેકાણે આવી ગઈ. એ પછી વિલીનીકરણની વિરુદ્ધમાં કોઈએ ચું કે ચાં કરી નહીં.
સર પ્રતાપસિંહને ઘણો પસ્તાવો થયો. તેમણે વડા પ્રધાન નહેરુ અને ગોપાલસ્વામી અયંગરને મળીને માફી માગી. ભવિષ્યમાં સારી રીતે વર્તવાની ખાતરી આપી. પણ તેનાથી કોઈ ફેર પડ્યો નહીં. મહારાજાનો ભૂતકાળ જોતાં હવે એમના પર વિશ્વાસ થાય એવું નહોતું.
પાછળથી પ્રતાપસિંહને ‘હિઝ હાઈનેસ’નો ખિતાબ વાપરવાની છૂટ આપવામાં આવી. તેમના નિભાવ ખર્ચ માટેનું ભથ્થું પણ મંજૂર કરવામાં આવ્યું. પ્રતાપસિંહ વડોદરા છોડીને સીતાદેવી સાથે યુરોપ જઈને રહેવા લાગ્યા. બે નંબરી શ્રીમંતો માટે ટેક્સ-હેવન ગણાતા, કરચોરોના આશ્રયસ્થાન સમા યુરોપના મૉનાકો દેશમાં 19 જુલાઈ 1968ના રોજ હિઝ હાઈનેસ સર પ્રતાપસિંહરાવ ગાયકવાડનું સાઠ વર્ષની ઉંમરે અવસાન થયું.
આવતી કાલે સરદાર પટેલ વિશેની શ્રેણીનો એક નવો હપતો.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













