(તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, રવિવાર, ૨૮ માર્ચ ૨૦૨૧)
તમે ઘણી વખત જોયું હશે કે ટીવી પરના સમાચારો સાંભળીને કે પછી છાપાંમાં વાંચીને એના વિશે ચર્ચા કરનારાઓ પોતાને મહાહુશિયાર માનતા થઈ જતા હોય છે. તેઓ પોતાને મનફાવે તે રીતે સમાચારોનું અર્થઘટન કરતા હોય છે, કારણ કે એમને કોઈ પૂછનારું, કોઈ જવાબદાર ઠેરવનારું નથી હોતું. સમાચારો ગરીબની જોરુ જેવા હોય છે. કોઈ પણ એના વિશે કંઈ પણ ઠોકમઠોક કરી શકે અને પોતે આ વિષયમાં પારંગત છે એવું દેખાડી શકે. સોશ્યલ મીડિયા આવ્યા પછી આવા ઉસ્તાદો વધી પડ્યા છે.
રૉલ્ફ ડોબેલી કહે છે કે હકીકતમાં તો ન્યૂઝ તમારી વિચારશક્તિ હણી લે છે. વિચાર કરવા માટે એકાગ્રતા જોઈએ. એકાગ્રતા માટે નિરાંતનો સમય જોઈએ, જ્યાં કોઈની ખલેલ ન હોય. જ્યારે સમાચારો ટીવી પર આવતા હોય ત્યારે તમને નિરાંતની એક પણ ક્ષણ મળતી હોય છે? તમે ક્યાંથી વિચારી શકવાના? પછી ટીવીવાળા જે કહે તે જ તમારા મનમાં ઘર કરી જવાનું. ખૂબ બધા સમાચારોની ગિરદી મગજમાં થઈ જાય ત્યારે તમારી ટૂંકાગાળાની યાદશક્તિ ખોરવાઈ જાય છે. લાંબાગાળાની યાદશક્તિ અસીમ હોય છે. પણ ટૂંકાગાળાની યાદશક્તિનો ડેટા અમુક જ પ્રમાણમાં મગજ સંઘરે છે. એકાગ્રતાના અભાવે તમારી આ ટૂંકાગાળાની યાદશક્તિ ખોરવાઈ જાય છે જેના માટે ન્યૂઝ જવાબદાર છે એવું રૉલ્ફ ડોબેલી કહે છે. ઑનલાઈન સમાચાર વાંચવા તો એના કરતાંય ખતરનાક છે, કારણ કે નેટ પર તમને કેટલાય સંદર્ભો માટે લિન્ક આપવામાં આવે છે. આ લિન્ક પર નથી જવું એ નક્કી કરવા માટે પણ તમારે તમારી એકાગ્રતાનો ભોગ આપવો પડતો હોય છે.
ન્યૂઝનો નશો થઈ જતો હોય છે. ડ્રગ્સની જેમ કે ગળ્યું ખાવાનું ક્રેવિંગ થાય એમ કે પછી સિગારેટ – દારૂનો હોય એમ. આ નશાને કારણે મગજના નર્વ સેલ્સ અને ન્યુરોન્સનું બંધારણ એવું થઈ જાય છે કે તમને પતંગિયાની જેમ ઘડી બે ઘડી આ ટૉપિક તો ઘડી બે ઘડી પેલા ટૉપિક પર કૂદતાં રહેવાનું મન થાય છે. તમે જો જો, ન્યૂઝના વ્યસની બની ગયા પછી પુસ્તક કે લેખો વાંચવાની ટેવ ઘટી જાય છે, સાવ ઓછી થઈ જાય છે. પુસ્તકનાં બે-પાંચ પાનાં વાંચીને જ તમે કંટાળી જાઓ છો. તમારી ખોરવાઈ ગયેલી એકાગ્રતાને લીધે આવું બનતું હોય છે. તમને લાગે છે કે હવે પુસ્તક વાંચવા જેટલો સમય નથી મળતો. પણ ના, એવું નથી. એક ન્યૂઝ પરથી બીજા ન્યૂઝ પર ઠેકડા મારવાની આદતે તમારો અટેન્શન સ્પાન ઘટાડી નાખ્યો હોય છે.
સમાચારો પાછળ આપણો, સામાન્ય માણસોનો કેટલો સમય વેડફાય છે એ વિશે આપણે બિલકુલ સજાગ નથી. જેમની આજીવિકા, જેમની રોજીરોટી સમાચારોના ધંધામાંથી આવતી હોય એવી ટીવીની ન્યૂઝ ચેનલોવાળા કે છાપાંવાળાને તો સમાચારોના પથારામાં પડ્યાપાથર્યા રહ્યા સિવાય છૂટકો નથી. પણ આપણે સવારે ચા સાથે પંદર મિનિટ સમાચારો વાંચી લઈએ, પછી દિવસ દરમ્યાન છૂટી-છૂટી પંદર મનિટ ઑનલાઈન ન્યૂઝ માટે ફાળવીએ, રાત્રે ઘરે આવીને ટીવીની ન્યૂઝ ચેનલો પાછળ અડધો કલાક ગાળીએ. કલાક તો આ જ થઈ ગયો અને એ સમાચારોની અસરમાંથી દિમાગને મુક્ત થતાં જે સમય લાગે તે પાછો જુદો. અઠવાડિયામાં નહીં નહીં તોય અડધા દિવસ જેટલો સમય આપણો વેડફાય છે.
રૉલ્ફ ડોબેલી કહે છે કે કોઈ ડાહ્યો માણસ પોતાના પૈસા આ રીતે ન વેડફે, તબિયત આ રીતે ન બગાડે પણ ન્યૂઝ પાછળનો આટલો સમય આપણે દર અઠવાડિયે વેડફીએ છીએ, બગાડીએ છીએ અને બદલામાં કશું પામતા નથી.
રૉલ્ફ ડોબેલીના મત મુજબ ન્યૂઝ આપણને પૅસિવ બનાવી દે છે, નિષ્ક્રિય બનાવી દે છે. ચોમાસામાં રસ્તાઓ પર ખાડા થઈ ગયા, પાણીનાં ખાબોચિયાં ભરાયાં. આ ન્યૂઝ વાંચીને કે જોઈને તમે કોઈનું શું ઉખાડી લીધું? પડ્યા રહ્યા તમારા સોફા પર. કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો. તમે શું કર્યું આ બાબતમાં? કરવાની ઈચ્છા હોય તોય કશું કરી શકવાના છો તમે? પેલાએ પેલીની છેડતી કરી. તમે શું કરશો? દુનિયામાં ભૂખમરો અને ભ્રષ્ટાચાર વધી ગયાં – તમે શું કરવાના છો? બેસી રહેવાના છો. આ રીતે બેસી રહેવું પડે છે ત્યારે ફ્રસ્ટ્રેશન વધી જાય છે અને તમે એ ઉકળાટ અન્ય કોઈ રીતે બીજાઓ પર ઠાલવતા થઈ જાઓ છો, કડવા થઈ જાઓ છો, ક્યારેક ડિપ્રેશનમાં સરી પડો છો.
છેલ્લી વાત. રૉલ્ફ ડોબેલી કહે છે કે ન્યૂઝનો અતિરેક ક્રિયેટિવિટીને ખતમ કરી નાખે છે. આને કારણે નવા નવા આઇડિયાઝ આવતા બંધ થઈ જાય છે. જે ખરેખર ક્રિયેટિવ માણસ છે તે ન્યૂઝ જન્કી નથી. કોઈ રાઈટર, સંગીતકાર, મૅથેમેટિશ્યન, વૈજ્ઞાનિક, ચિત્રકાર, નાટ્યકાર, ડિઝાઈનર, આર્કિટેક્ટ વગેરે ન્યૂઝમાં પડ્યોપાથર્યો નહીં રહે. જો એવું કરશે તો એની ક્રિયેટિવિટી ધીમે ધીમે ખતમ થતી જશે.
પત્રકારત્વ અને પત્રકારો સમાજ માટે અનિવાર્ય જરૂર છે. પણ ન્યૂઝનો ઉકરડો બિનજરૂરી છે. ધીરજપૂર્વક થયેલું પત્રકારત્વ, શાંત ચિત્તે લખાતા એનેલિટિકલ આર્ટિકલ્સ, જેન્યુઈન ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ જે ખરેખર સમાજની- પ્રજાની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે – આ બધાની આપણને જરૂર છે. આ બધું સમાચારોના બોધરૂપે નથી આવવાનું. શાંતિથી લખાયેલા લેખો કે પુસ્તકોરૂપે આવવું જોઈએ જેમાં ઠોસ-નક્કર કામ થયેલું દેખાય. રૉલ્ફ ડોબેલીની આ વાત વિશે ગંભીરતાથી વિચાર કરતાં સમજાય છે કે આપણે ન્યૂઝ જન્કી ન હોવું જોઈએ, ન્યૂઝપ્રેમી બનવું જોઈએ. પત્રકારત્વને લોકશાહીનો પાંચમો સ્તંભ માન્યો છે તે બરાબર જ છે. પણ જેમ જેમ કમ્યુનિકેશનની સગવડો વધતી ગઈ તેમ તેમ દુનિયાનાં અન્ય ક્ષેત્રોની જેમ મીડિયામાં પણ દૂષણો વધતાં ગયાં. બીજાં કેટલાક ક્ષેત્રોનાં દૂષણો કદાચ સમાજ માટે ઓછા હાનિકારક હશે પણ મીડિયામાં થતા અતિરેકો અને અતિશયોકિતઓ સમાજને ખૂબ ઊંડું અને ક્યારેક કાયમી નુકસાન કરે છે. ચારેકોરથી ન્યૂઝ વડે ઘેરાયેલા હોઈએ ત્યારે દિમાગ પર કેવો નશો છવાઈ જાય છે એનો જાતઅનુભવ છે. આવા નશાની આદતમાંથી છૂટવું મુશ્કેલ છે. એના માટે કોઈ રિહેબિલિટેશન સેન્ટર નથી. કોઈ તમારી એ લત છોડાવી શકે નહીં. તમારે પોતે જ અથાગ પ્રયત્નો કરીને એમાંથી બહાર આવવું પડે. એક વખત બહાર આવી જાઓ પછી તમે એકદમ હલકાફુલકા થઈ જાઓ. પછી તમે સિલેક્ટિવ રહીને ખૂબ મહત્ત્વના સમાચારો તારવતાં શીખી જતા હો છો – એ સમાચારો જે તમારા માટે કામના હોય, સમાજ માટે અને લોકો માટે ઉપયોગી હોય. પછી તમારું ધ્યાન સમાચારોના ઉકરડા તરફ જતું અટકી જાય છે. તમારી ક્રિયેટિવિટી પાછી આવે છે. તમારી એકાગ્રતા પાછી આવે છે. તમારી ટૂંકાગાળાની સ્મૃતિશક્તિ પાછી આવે છે. તમને સમજાય છે કે જેમ જિંદગીની અન્ય બાબતોમાં નીરક્ષીર વિવેક જરૂરી છે એટલો જ કે એના કરતાં વધારે વિવેક ન્યૂઝના ઈનટેકની બાબતમાં જરૂરી છે. હવેથી ન્યૂઝના બુફે સમારંભમાં દસ દેશ-પ્રદેશની વાનગીઓનાં કાઉન્ટરો દેખાય તો ભલે દેખાય. તમને ખબર છે કે ક્યા કાઉન્ટર પર જવાનું છે, જઈને ત્યાં કેટલું રોકાવાનું છે.
પાન બનાર્સવાલા
મીડિયા જેના હાથમાં છે તે જ પ્રજાને કન્ટ્રોલ કરી શકે છે.
— જિમ મૉરિસન
••• ••• •••
આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.
‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ
પ્રિય વાચક,
તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.
‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.
વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.
કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.
તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.
દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.
‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.
‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.
‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/