(ગુડ મૉર્નિંગ ક્લાસિક : ચૈત્ર વદ પાંચમ, વિક્રમ સંવત ૨૦૭૭. રવિવા૨, ૨ મે ૨૦૨૧)
સ્વામી સચ્ચિદાનંદજી સાથે મહાભારતમાંના કૃષ્ણ અને પુરાણોમાંના કૃષ્ણ વિશેની સ્પષ્ટતા થઇ ગયા બાદ મને જે સત્ય લાધ્યું એના પાંચ મુદ્દા ગઈ કાલે તમારી સાથે શેર કર્યા. વધુ મુદ્દાઓ શેર કરતાં પહેલાં એક વાત. સ્વામી સચ્ચિદાનંદજી સાથેની આ વાતચીત ઉપરાંત એમનાં અનેક પુસ્તકોમાંથી પણ હું પ્રેરણા-માર્ગદર્શન પામ્યો છું. ‘શ્રી કૃષ્ણલીલા રહસ્ય’ તો એમાંનું સૌથી અગત્યનું પુસ્તક છે. જેનો ઉલ્લેખ આ સિરીઝમાં એકાધિક વખત થયો. ‘ભાગવતનું ચિંતન’ પુસ્તકનો પણ ઉલ્લેખ થયો. ‘શું ઇશ્વર અવતાર લે છે ?’ , ‘વાસ્તવિકતા: પૌરાણિક કથાઓની’ સાથે ‘ભારતીય દર્શનો’, ‘વેદાન્ત-સમીક્ષા’ ‘ઉપનિષદોની કથાઓ અને ચિંતન’ તેમ જ એમનાં ગીતા વિશેનાં તથા રામાયણ ઉપરાંત મહાભારત વિશેનાં પુસ્તકોનો પણ અભ્યાસ કરવો જોઇએ. મારા પર સ્વામીજીના કોઇ એક પુસ્તકે ખૂબ ઊંડી છાપ મૂકી હોય તો તે છે એમની આત્મકથા ‘મારા અનુભવો’એ. ૧૯૮૬માં પ્રગટ થયેલી આત્મકથા મેં ૧૯૮૭ના અરસામાં વાંચી. મારી જેમ બીજા લાખો ગુજરાતી વાચકોનું આ સર્વાધિક ગમતું પુસ્તક છે. તમારી વિચારવાની દૃષ્ટિમાં ક્રાંતિકારી ફેરફારો લાવી દે એવું એ પુસ્તક છે. આમ તો સ્વામીજીએ લખેલાં લગભગ દોઢસો જેટલાં તમામ પુસ્તકો વાંચવાં જોઇએ. એમણે અનેક પ્રવાસવર્ણનો લખ્યાં છે. ‘મારી બાયપાસ સર્જરી’ નામની નાનકડી પુસ્તિકામાં એમણે આત્મા વિશે જે વાત કરી છે તે મેં વારંવાર મારા લેખોમાં, એમના શબ્દોમાં, ટાંકી છે. આત્મા વિશેની હવાઇ વાતોમાંથી બહાર આવીને પ્રેક્ટિકલ લેવલ પર આવી જવું હોય એમણે ખાસ એ પુસ્તિકામાંના સેન્ટ્રલ સત્યનું અધ્યયન કરવું. (સેન્ટ્રલ સત્ય શબ્દપ્રયોગ સ્વામી આનંદનો છે.)
મને બાપજીના ચિંતનમાંથી જે સેન્ટ્રલ સત્ય લાધ્યું તેનો ૬ઠ્ઠો મુદ્દો. ફરી યાદ કરાવું કે મારાં આ તારણો બદલ જો જશ આપવો હોય તો સ્વામી સચ્ચિદાનંદને અને મારા લૉજિકમાં કે તથ્યમાં જે કંઇ ખામીઓ હોય તે માટે એમનો કોઇ વાંક નથી, મારી અણસમજ એના માટે કારણભૂત છે એમ માનીને કોઇએ લાકડી લઇને દંતાલી સુધી દોડી જવાને બદલે મુંબઈ આવીને એનો પ્રયોગ કરવો :
૬. નરસિંહ -મીરાં- સુરદાસ વગેરે સંતકવિઓ સુધી ઠીક હતું પણ પછી કૃષ્ણ અને રાધાને લઇને કવિઓએ જે કાળો કેર વર્તાવ્યો છે તેનાથી સાવધ રહેવું. સંતકવિઓએ સાચી નિષ્ઠાથી, ભક્તિભાવથી ભગવાનની આરાધના માટે પદ્ય રચ્યું, પદો રચ્યાં. એમની દેખાદેખીથી છેલ્લાં સોએક વર્ષમાં કવિઓ મંડી પડયા કે કૃષ્ણ તો આમ ને રાધા તો તેમ અને તું મારી ગોપી ને હું તારો કાનો ને એવું બધું. કવિઓ પોતાની પ્રેમિકાને કે કવયિત્રીઓ પોતાના પ્રેમીને રિઝવવા, આકર્ષવા કે પોતાની મોહજાળમાં ફસાવવા જે કવિતાઓ કરે તે ભલે કરતા રહે. વિરહની કવિતાઓ પણ કરતા રહે. આ એક પ્રકારનું સાહિત્ય છે જેમાં ૯૯ ટકા કચરો બાદ કરી નાખો તો જે ૧ ટકા બચે છે તે ટાગોર-ગાલિબ-રિલ્કેની કક્ષાનું બચે છે.
ગુજરાતીમાં પણ આ જ કક્ષાના અનેક કવિઓ-ગઝલકારો-ગીતકારો થઇ ગયા અને આજની તારીખે પણ છે. પરંતુ જ્યારે કોઇ કવિ, નવલકથાકાર કે નૉન-ફિક્શનકાર પોતાની અંદર ભરી રહેલી વાસનાઓ કે અન્ય લાગણીઓને કૃષ્ણ-રાધા-ગોપી-વૃંદાવન-મથુરા-રુક્મિણી-સત્યભામા-દ્રૌપદી વગેરેને લઇને વાચા આપે છે ત્યારે એ બધું વરવું લાગે છે. કૃષ્ણના નામે ચાલતી આ આખીય ઇન્ડસ્ટ્રીને હું ડિસઅપ્રુવ કરું છું કારણ કે મારા આરાધ્ય દેવ સાથે જોડાયેલી આ બધી રાસલીલાઓ, પ્રેમલીલાઓ, સેક્સલીલાઓ મને ઓફેન્ડિંગ લાગે છે. જેમ તમે મહાવીર, બુદ્ધ, જિસસ, મોહમ્મદ વગેરેની સાથે આવી બધી લીલાઓ જોડીને કવિતા-નવલકથા-પ્રવચનો-કીર્તનો-કથાઓ નથી કરતા, નથી કરી શકતા એમ તમારે કૃષ્ણની પણ આમન્યા રાખવાની હોય. ભગવાન છે એ તમારા. આજથી બસો-પાંચસો-હજાર વર્ષ પહેલાં કોઇ કૃષ્ણના નામે ગપગોળા ચલાવતું કંઇ લખી ગયું હોય એને કારણે કંઇ એ વાતોને ઑથેન્ટિસિટી નથી મળી જતી. આજે તમે આ બધું જે કૃષ્ણના નામે ચલાવો છો તે પણ ઑથેન્ટિક નથી પણ શક્ય છે કે એ બસો-પાંચસો વર્ષ પછી તમે લોકોએ ચલાવેલું આ ધુપ્પલ પ્રજા સાચું માની લે. એવું થશે તો એ પાપનું કલંક તમારા માથે લાગશે જેમ ભાગવતકાર વામદેવના માથે અત્યારે લાગી રહ્યું છે.
વેદ-પુરાણો જેવો શબ્દપ્રયોગ વાપરવાનું છોડીએ હવે. કારણકે વેદ આખી જુદી વસ્તુ છે અને પુરાણોની દુનિયા આખી જુદી છે. વેદની રચનાનો આશય જુદો હતો, પુરાણોના સર્જનનો આશય સાવ જુદો જ છે. બંને વચ્ચેનો સમયકાળમાં હજારો વર્ષનું અંતર છે. વેદની રચના થયા પછી હજારો વર્ષ બાદ પુરાણો રચાયાં. વેદોની રચના પ્રજાને જ્ઞાનથી પ્રકાશિત કરવા માટે થઇ, કોઇનું પેટ ભરવા માટે નહીં.
પુરાણોમાંના કૃષ્ણને લઇને આજની તારીખેય લોકો ધંધો કરી રહ્યા છે. આ દુકાનદારોની ઘરાકી તમારા થકી ન વધે એટલું તો તમારે કરવું જ જોઇએ.
૭. શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ અટપટો નથી. વિદ્વાનોએ એનું મનઘડંત અર્થઘટન કરીને એને અટપટો બનાવી દીધો છે. કેટલાંક અર્થઘટનોમાં તો એવી એવી વાતો લખી હોય છે કે હાસ્યાસ્પદ લાગે. ગાંધીજી સાચા હતા એવું મારા વિસ્તારનો કોર્પોરેટર પણ કહે છે એવું પ્રમાણપત્ર આપવું જેટલું હાસ્યાસ્પદ લાગે એ જ રીતે ગીતામાંના શ્રીકૃષ્ણના બોધને ટેકો આપવા કેટલાક લોકો કંઇક એવા એવા વહેંતિયાઓને કવોટ કરતા થઇ ગયા છે કે તમને દયા આવે. અને બીજી વાત, ગીતાની ફિલસૂફીનો ઉપયોગ એ જે આશયથી રચાઇ છે તેના માટે થવો જોઇએ. ગીતા તમને મેનેજમેન્ટના સિદ્ધાંતો શીખવાડે છે કે સ્મગલિંગ કરતાં શીખવાડે છે કે કેવી રીતે જીએસટી બચાવવો એનું જ્ઞાન આપે છે એવો ભ્રમ ફેલાવતા મેનેજમેન્ટ ગુરુઓના લપેટામાં નહીં આવતા.
૮. દરેક ધર્મગ્રંથ પવિત્ર છે. પણ દરેક ધર્મગ્રંથમાં કેટલીક એવી એવી વાતો હોવાની જે તમને સમજાય નહીં, જે તમને અસ્વીકાર્ય હોય. ગીતામાં પણ એવા શ્લોકો હોવાના. એવા શ્લોકોને લઇને કેટલાક વિચારકો/કથાકારો તમને મોક્ષની ચ્યુઇંગ ગમ અને આત્માની લૉલિપોપ આપીને ખુશ કરી નાખે છે. જન્મારાઓ સુધી એ ચ્યુઇંગ ગમને ચાવ્યા કર્યા બાદ પણ તમને મોક્ષનો અર્થ સમજાતો નથી અને લૉલિપોપની માત્ર લાકડી રહી જાય ત્યાં સુધી એને ચૂસ્યા કર્યા પછી પણ આત્મા વિશેનું જ્ઞાન લાધતું નથી. કેટલાક ધર્માચાર્યો અને ચિંતકો વગેરેઓ, સમજવામાં જરાય અઘરી નથી એવી કન્સેપ્ટ્સને એટલી બધી ગૂંચવી નાખે છે કે કોઇ તમને તદ્દન સાદીસીધી રીતે એને સમજાવે તો તમને લાગે કે આટલું સિમ્પલ તે કંઇ હોતું હશે? જેમ તમારી નૉમર્લ શરદી-ખાંસી ને કોઇ ડૉક્ટર લાંબુલચક લેટિન-ગ્રીક નામ આપીને તમને અટપટી દવાઓનું લિસ્ટ આપે પછી એ દવાઓની આડ-અસરોને દૂર કરવા બીજી દવાઓ લખી આપે અને તમને ખંખેરે ને એની સામે કોઇ ગામડિયો લાગતો માણસ બે દિવસના ડોશીમાના ઘરગથ્થુ ઉપચાર વડે એ જ દર્દ દૂર કરી દે એવી વાત ધર્મ-અધ્યાત્મ વગેરેમાં પણ છે. ચોઇસ તમારી છે. તમારે પેલા લોકોના રવાડે જઇને એમની ચ્યુઇંગ ગમો ચગળવી છે, લૉલિપોપો ચાટવી છે કે પછી સૂંઠની રાબ પીને કે અજમો ફાકીને સાજા થઇ જવું છે.
વધુ આવતી કાલે.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
•••
આ લેખ તમને ગમ્યો? ન્યુઝપ્રેમીને સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Very true
??????????????????
?જય શ્રીકૃષ્ણ, સર
અતિ સુંદર, મારા મતે આજે દિશાવિહીન સમાજને યોગ્ય દિશાની જરૂર છે.રુઢિવાદી પરંપરામાં જીવવા ટેવાયેલા સમાજને ઘણી બધી બાબતે અજ્ઞાન છે.તમારા દ્વારા પીરસાયેલુ જ્ઞાનથી સમાજને ચોકકસ નવી દિશા મળશે.Great job ?
ખૂબ જ મહત્વ ની વાત કરી છે.
આમજ સાઈ બાબા તથા સત્ય સાઈ બાબા વિશે પણ ચર્ચા કરવા માટે વિનંતી
અતિ સુંદર. જે વિચારો સત્ય લાગે, ભલે લોક વિચારોથી તદ્દન વિરુદ્ધ હોઈ તે લખવાની હિંમત માટે અભિનંદન. આટલી સરસ રીતે માહિતી વાચક સમક્ષ રાખવા બાદલ આભાર.
આત્મા હ્રદય માં બીરાજમાન છે.,તો.-
હ્રદય ની બાયપાસ સર્જરી વખતે હ્રદય ને બંધ પાડી દેવામાં આવે છે તો આત્મા કયાં ગયો.?