ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
( મુંબઇ સમાચાર : ગુરુવાર, 10 જાન્યુઆરી 2019)
એ દિવસોની વાત છે જ્યારે રાહુલ દેવ બર્મનનું પ્રથમ લગ્નજીવન ભાંગી રહ્યું હતું. રીટા પટેલ સાથે કેવી રીતે એમનાં લગ્ન થયાં એ વાત વિસ્તારપૂર્વક અગાઉની કોઈક પંચમસિરીઝમાં લખી ચૂક્યો છું. પંચમ ખારના ‘જેટ’ બંગલોમાં માતા-પિતા સાથે રહેતા હતા. લગ્નજીવનમાં વિખવાદો શરૂ થઈ ગયા. માતા સાથે પત્નીને ઝઘડા થતા. ક્રમશ: પંચમ પરિવારથી દૂર પણ નજીકના જ વિસ્તારમાં રહેવા જતા રહ્યા. હૉટેલ સીઝર્સ પેલેસમાં વર્ષો સુધી રહ્યા. એમનો મ્યુઝિક રૂમ, ખાવાપીવા, સૂવાનું બધું જ ત્યાં. ખારમાં લિંકિંગ રોડથી એસ.વી. રોડ જતાં બરાબર વચ્ચે મધુ પાર્ક નામનો ગોળ ગાર્ડન આવે. લિંકિંગ રોડથી એન્ટર થાઓ તો એ ગલીમાં પહેલું જ મકાન હૉટેલ સીઝર્સ પેલેસનું આવે. અમે એ વખતે ખારની પ્યુપિલ્સ ઓન સ્કૂલમાં ભણતા. સીઝર્સ પેલેસની રેસ્ટોરાંમાં કેબરે ડાન્સ થતો એટલી ખબર. પાછળથી આ હૉટેલ ખોટાં કારણોસર છાપે ચડી હતી. એના એક ઓનર, બિલ્ડર ધોળકિયાબંધુઓમાંના એકનું નરીમાન પોઈન્ટ પર ધોળે દહાડે એમની ગાડીમાં, તુલસિયાની ચેમ્બર્સની નજીક, ગોળી મારીને ખૂન કરવામાં આવ્યું હતું.
‘મેરે જીવનસાથી’નાં ગીતો બની રહ્યાં હતાં. પ્રોડ્યુસર વિનોદ શાહે પુણેના ‘રોમાન્સિંગ વિથ આર. ડી. બર્મન’ કાર્યક્રમમાં ચોથી જાન્યુઆરીની સાંજે, સદાશિવ પેઠના તિલક સ્મારક મંદિરમાં આ વાત સ્ટેજ પરથી કહી. નિર્માતાની સાથે દિગ્દર્શક રવિ નાગાઈચ અને ગીતકાર મજરૂહ સુલતાનપુરી પણ આર.ડી.ના આ હૉટેલરૂમમાં હતા. હીરો રાજેશ ખન્ના તો હોય જ. રાજેશ ખન્ના પોતાની ફિલ્મોનાં ગીતોનાં સર્જનમાં ઊંડો રસ લેતા એ તમને હવે ખબર છે. આર.ડી.ને એક સિચ્યુએશન આપી હતી જેના માટે એમણે એક ધૂન તૈયાર કરી હતી. બડી શાનથી આર.ડી.એ આ ધૂન સૌને સંભળાવી. દિગ્દર્શક રવિ નાગાઈચને તરત પસંદ પડી ગઈ. એમણે અપ્રુવ કરી નાખી અને કહ્યું કે ચાલો, ચાલો, સિટિંગ થઈ ગઈ, કામ પતી ગયું. રવિ નાગાઈચ નામ મોટું. જિતેન્દ્ર સાથે ‘ફર્ઝ’, રાજેશ ખન્ના સાથે ‘ધ ટ્રેન’ ઉપરાંત સંજીવકુમાર સાથે ‘રાજા ઔર રંક’ જેવી હિટ ફિલ્મો બનાવી ચૂકેલા. ‘રાજા ઔર રંક’ના પણ ગાયનો હિટ હતાં: ઓ ફિરકીવાલી તૂ કલ ફિર આના, મેરા નામ હૈ ચમેલી મૈં હૂં માલન અલબેલી અને તૂ કિતની અચ્છી હૈ, તૂ કિતની ભોલી હૈ ઓ મા… ઓ મા… જિતુભાઈની ‘જિગરી દોસ્ત’ (૧૯૬૯) પણ રવિ નાગાઈચની જ: મેરે દેસ મેં પવન ચલે પુરવાઈ અને ફૂલ હૈ બહારોં કા… ‘ધ ટ્રેન’ તથા ‘ફર્ઝ’નાં તો ગીતો હતાં જ મશહૂર. હવે આટલી હિટ ફિલ્મોમાં જેમણે હિટ ધૂનો પસંદ કરીને અપ્રુવ કરેલી હોય એ દિગ્દર્શક સાથે વાદવિવાદ કરવાની કોઈની હિંમત જ ના ચાલે – રાજેશ ખન્ના એ વખતે સુપરસ્ટાર હતા, એમની પણ હિંમત ના ચાલે. આર.ડી. બર્મન પણ ‘પડોસન’, ‘ધ ટ્રેન’, ‘કટી પતંગ’ વગેરે પછી સુપરહિટ સંગીતકારોની હરોળમાં હતા. એમને પણ ના કહેવાય કે તમારી આ ધૂનમાં કંઈ ખાસ દમ નથી. સીઝર્સ પેલેસમાંથી બહાર નીકળીને રવિ નાગાઈચ તો જતા રહ્યા. પ્રોડ્યુસર, હીરો અને ગીતકાર મૂંઝવણમાં કે કરવું શું? ચાલો, મારા ઘરે જઈને ડિસ્કસ કરીએ – રાજેશ ખન્નાએ સજેસ્ટ કર્યું. વિનોદ શાહ અને મજરૂહ સુલતાનપુરીને લઈને કાકા બાન્દ્રાના કાર્ટર રોડ પરના સી ફેસિંગ બંગલો ‘આશીર્વાદ’માં આવ્યા. પ્રોડ્યુસરને ધૂન પસંદ નહોતી, હીરો પણ આ ધૂનને રિજેક્ટ કરતા હતા. મજરૂહસા’બને પૂછવામાં આવ્યું કે તમને કેવી લાગી ધૂન? તો એ કહે: મારું તો શું છે, તમે મને જે ધૂન આપશો તેમાં હું શબ્દો પરોવી આપીશ. છેવટે નક્કી થયું કે પંચમને ફોન કરીએ. રાજેશ ખન્નાએ આર.ડી.ને ફોન કરીને કહ્યું કે તબલાં-પેટી લઈને આવી જાઓ. પંચમ પહોંચી ગયા. એમને સંકોચ સાથે કહેવામાં આવ્યું કે તમે સંભળાવેલી ધૂન સારી જ છે પણ એના કરતાં જો કોઈ સારી ધૂન આ સિચ્યુએશન માટે હોય તો આપણે એ કન્સિડર કરીએ. પંચમે કહ્યું: ઉસ મેં ક્યા હૈ, યે લો દૂસરી ટ્યુન સુના દેતા હૂં… કહીને એમણે જે ટ્યુન સંભળાવી એમાં બીજે દિવસે મજરૂહસા’બે જે શબ્દો પરોવ્યા તે આ હતા: ઓ મેરે દિલ કે ચૈન, ચૈન આયે મેરે દિલ કો દુઆ કીજિયે… અપના હી સાયા દેખ કે તુમ જાને જહાં તુમ શર્મા ગયે, અભી તો યે પહલી મંઝિલ હૈ તુમ તો અભી સે ગભરા ગયે, મેરા ક્યા હોગા સોચો તો ઝરા, હાય ઐસે ના આહે ભરા કીજિયે… ઓ મેરે દિલ કે ચૈન.
એવું નહોતું કે આર. ડી. પોતાની કોઈ નબળી ટ્યુન પ્રોડ્યુસરને વેચવા માગતા હતા, પણ ક્રિયેટિવ માણસને કોઈ ઈન્સ્પાયર કરવા માટે પણ જોઈએ. એમને પ્રોત્સાહન આપવા, એમના કામને વધુ સારું કામ બનાવવા ઘણી વખત ઉદ્દીપકની – કેટેલિસ્ટની જરૂર પડે છે. પ્રોડ્યુસર વિનોદ શાહે અને હીરો રાજેશ ખન્નાએ જરાક પ્રોત્સાહન આપ્યું અને આર.ડી. પોતાના મસ્તિષ્કના ખજાનામાંથી મોતી શોધીને લઈ આવ્યા.
‘દીવાના લે કે આયા હૈ’ અને ‘ઓ મેરે દિલ કે ચૈન’ પછી હજુ પણ એક ગીત આ ફિલ્મનું છે. વિનોદ શાહે રસિક શ્રોતાઓને કહ્યું કે, થોડાં વર્ષ પહેલાં ઈન્ડિયન સિનેમાની શતાબ્દી ઊજવવા ‘બૉમ્બે ટૉકીઝ’ નામની ફિલ્મ બની હતી. કરણ જોહર – અનુરાગ કશ્યપ વગેરેએ બનાવેલી. એ ફિલ્મમાં રાજેશ ખન્નાના પ્રદાનને બિરદાવવા એમનું કોઈ ગીત જ લેવાનું હતું. રાજેશ ખન્ના તો મ્યુઝિકલ સ્ટાર હતા. એમનાં ડઝનબંધ ગીતો એવાં કે એક યાદ કરો અને એક ભૂલો. એ લોકોએ આપસમાં લાંબી ચર્ચા કરીને જે ગીત નક્કી કર્યું તેના રાઈટ્સ લેવા માટે ‘મેરે જીવનસાથી’ના પ્રોડ્યુસર વિનોદ શાહને ફોન આવ્યો. વિનોદ શાહે આ ગીત માટે હોંશથી લેખિત સંમતિ મોકલી આપી: ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં ધડકતેં દિલ કે તરાને લિયે, મિલન કી મસ્તી ભરી આંખોં મેં હઝારોં સપને સુહાને લિયે.
કિશોરકુમારે ગાયેલા અને પંચમે સ્વરબદ્ધ કરેલા મજરૂહસા’બના આ ગીતના અંતરાઓમાં એક જ પંક્તિમાં ત્રણ વાર ત્રણ અલગ અલગ શબ્દોના છેવાડાના અક્ષરોમાં જે યૉડલિંગ આવે છે એ રીતે વિશ્ર્વના ભલભલા યૉડલિંગ સિંગર્સ ગાઈ ન શકે એવું જાવેદ અખ્તરનું મંતવ્ય આપણે કિશોરદાની સિરીઝમાં મેન્શન કરી ગયા છીએ: યે મસ્તી કે, નઝારે હૈં, તો ઐસે મેં સંભલના કૈસા મેરી કસમ. અહીં ‘કે’, ‘હૈં’ અને ‘મેં’ વખતે જે યોડલિંગ આવે છે તેને માર્ક કરવો. પછીની પંક્તિમાં જો લહરાતી, ડગરિયા હો, તો ફિર ક્યોં ના, ચલૂં મૈં બહકા બહકા રે… અહીં ‘તી’, ‘હો’ અને ‘ના’ વખતનું યૉડલિંગ માર્ક કરજો.
નો ડાઉટ, રાજેશ ખન્ના પર ફિલ્માવાયેલાં ઓછામાં ઓછા ટવેન્ટી ફાઈવ સોન્ગ્સમાંથી એકની જ પસંદગી કરવાની આવે તો કલાકો સુધી ચર્ચાઓ ચાલે, માથાં ભાંગે તોય કોઈ નિર્ણય પર ના આવી શકીએ. આવા સંજોગોમાં આર.ડી.નું ‘ચલા જાતા હૂં’ ગીત રાજેશ ખન્નાને રેક્ગ્નાઈઝ કરવા માટે પણ પસંદ થાય તો આપણા સૌની એમાં ઉમળકાભરી સંમતિ હોવાની જ છે.
‘શિલ્પકાર’ના બેનર હેઠળ વિનોદ શાહ અને એમના ભાઈ હરીશ શાહે રવિ નાગાઈચના જ દિગ્દર્શનમાં ‘મેરે જીવનસાથી’ રિલીઝ થયાના બે વર્ષ પછી, ૧૯૭૪માં એક ઔર ફિલ્મ બનાવી જેમાં પણ આર.ડી. બર્મનનું જ મ્યુઝિક હતું, મજરૂહ સુલતાનપુરીનાં ગીતો હતાં. ફિરોઝ ખાન, પરવીન બાબી, ડેની, હેલન, પ્રેમ ચોપરાની આ ફિલ્મનાં ગીતો પણ સુપરહિટ: તાક ધુમ નાચો નશે મેં ચૂર, કોઈ આયા આને ભી દે, કોઈ ગયા અને ડેનીએ આશા ભોસલે સાથે ગાયેલું આ ગીત: સુન સુન કસમ સે, લાગુ તેરે કદમ સે.
‘રોમાન્સિંગ વિથ આર.ડી. બર્મન’ કાર્યક્રમમાં વિનોદ શાહ શ્રોતાઓને માહિતી આપે છે કે: કાલા સોના બનાવવામાં ખૂબ ખર્ચો થઈ ગયો. ફિલ્મ અલમોસ્ટ પૂરી થઈ ગઈ હતી. ફિલ્મ ઓવર બજેટ થતી જતી હતી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવવાનું બાકી હતું એટલે આર.ડી. બર્મનના આસિસ્ટન્ટ સની સાથે નક્કી કર્યું કે અગાઉની ફિલ્મો માટે રેકોર્ડ કરેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક શોધીને જે સીનમાં ફિટ થતું હશે ત્યાં ચિપકાવી દઈશું. ફિલ્મ સારી જ બની છે, ગીતો પણ હિટ છે. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક નવું રેકોર્ડ કરવાને બદલે આ રીતે ચલાવી લઈશું. પંચમને ખબર પડી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક તો એમના માટે પોતાના સંગીતની રિયલ તાકાત બતાવવાનો ડિપાર્ટમેન્ટ. એમણે વિનોદ શાહને કહ્યું કે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક નવું બનશે. વિનોદ શાહ કહે કે પંચમદા, બજેટ નથી, પૈસા ખલાસ થઈ ગયા છે. પંચમ કહે: કેટલા પૈસા છે? વિનોદ શાહ કહે: ખાલી પચાસ હજાર રૂપિયા છે. એમાં કેવી રીતે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બનશે (એ જમાનામાં પચાસ હજારમાં એક ગીતનું રેકોર્ડિંગ થતું. ૧૯૭૪ની જ આર.ડી. – રાજેશ ખન્નાવાળી ફિલ્મ ‘આપ કી કસમ’નું જય જય શિવશંકર સાંભળજો. એમાં છેલ્લે કિશોરદા ‘અરે બજાઓ રે બજાઓ, પચાસ હજાર ખર્ચા કિયા હૈ’ જે બોલે છે તેનો સંદર્ભ કિશોરદાની સિરીઝમાં કર્યો છે.)
આર. ડી. બર્મને વિનોદ શાહના પચાસ હજાર રૂપિયામાં પોતાના વીસ – ત્રીસ હજાર ઉમેરીને ‘કાલા સોના’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક બનાવી આપ્યું. આર.ડી.એ ક્યારેય વિનોદ શાહને કહ્યું નહીં કે કેટલો ખર્ચ થયો, વિનોદ શાહને બહારથી ખબર પડી.
વિનોદ શાહે ૧૯૮૧ની સાલમાં એક નાનકડી ક્વિકી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. હૉરર ફિલ્મ હતી. રાકેશ રોશન, બિન્દિયા ગોસ્વામી, પ્રેમા નારાયણ અને નવીન નિશ્ર્ચલ. એક જૂના કબ્રસ્તાનના પ્લોટ પર બનેલી હૉટેલમાં એક પછી એક હત્યાઓ થતી જાય છે એવો પ્લોટ. દિગ્દર્શન હિંદી હૉરર ફિલ્મોના બેતાજ બાદશાહો તુલસી રામસે અને શ્યામ રામસેનું. નાના બજેટની ફિલ્મ હતી. આર.ડી. એ વખતે ખૂબ બિઝી હતા. ૧૯૭૯-૮૦-૮૧નાં ત્રણ વર્ષ દરમ્યાન એમનાં સંગીતવાળી ત્રણ ડઝનથી વધુ હિન્દી ફિલ્મો રિલીઝ થઈ જેમાં કેટલીય સુપરહિટ પુરવાર થઈ હતી. વિનોદ શાહે આર.ડી.ની વ્યસ્તતા અને ફિલ્મના બજેટને ધ્યાનમાં રાખીને ‘હૉટેલ’ માટે ઉષા ખન્નાને સાઈન કર્યાં. વિનોદ શાહ કહે છે: મારી ઑફિસ ખારમાં, આર.ડી. સાંતાક્રુઝ રહે. એક દિવસ અચાનક મારી ઑફિસે આવીને કેબિનનો દરવાજો ખોલીને કહે: હું તારી સાથે ઝઘડો કરવા આવ્યો છું. વિનોદ શાહ કહે: દાદા, આવો, બેસો તો ખરા. આર.ડી. કહે કે: આ બૅનર મારું છે, મારા બૅનરમાં કોઈ બીજાનું મ્યુઝિક કેવી રીતે હોઈ શકે? વિનોદ શાહે પરિસ્થિતિ સમજાવી અને આર.ડી.ને ઠંડા પાડ્યા. વિનોદ શાહ – આર.ડી.ના આવા સંબંધ. એકબીજા માટે આટલી પઝેસિવનેસ. અને આમ છતાં વિનોદ શાહે ‘અબ ઈન્સાફ હોગા’ ફિલ્મ વિશે જે વાત કરી તે સાંભળીને શ્રોતાઓની આંખો ભીની થઈ ગઈ. વિનોદ શાહે પોતે ભીના અવાજે સજળ નેત્રે કહ્યું: એ વખતે અમે પંચમદા સાથે આંખ મેળવવાને લાયક રહ્યા નહીં…
વધુ કાલે.
આજનો વિચાર
હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા,
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયા છીએ.
– મનોજ ખંડેરિયા
એક મિનિટ!
ચાણક્ય: જ્યાં તમારું કોઈ માન જળવાતું ન હોય ત્યાં જવું નહીં.
ગુજરાતી માણસ: લે, હવે માણસ પોતાના ઘરેય ન જાય!
Tamara music,films vishe Na lekh vanchata bhutkalni mithi smrutiono khajano khuli gayo. Khub sundar lekho. Thanks.
??✔✔
ખાર મધુ પાર્ક સીઝઁસ પેલેસ પ્યુપિલ્સ સ્કૂલ. આર ડી ના તમારા આ લેખ મારા ભૂતકાળ ની યાદ તાજી કરાવી દીધી. આપનું શિક્ષણ પ્યુપિલ્સ સ્કૂલ માં હતું એ પહેલી વાર ખબર પડી. બિહારી ભાઇ જોશી પ્રિન્સિપાલ હતા ત્યારે મને પણ ત્યાં જ ભણવાનું સૌભાગ્ય.
આર ડી નો ફેન છું પણ તમે જે ખજાનો ખોલી આપો છો આ સિરીઝમાં એની હરેક વાત અજાણી છે. આવો ખજાનો ખોલવા માટે ખુબ ખુબ આભાર.