હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ છોડીને વિક્રોલીમાં કાપડની લૂમ નાખી: સૌરભ શાહ

(હરકિસન મહેતાનાં સાઠ વર્ષનું જમા-ઉધાર: ભાગ 2)

(ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ, મંગળવાર, 26 મે 2020) 

સૌરભ શાહ: ચિત્રલેખામાંથી છૂટા થઈને તમે શું કર્યું?

હરકિસન મહેતા: ટેક્સટાઇલની લૂમ નાખી! વિક્રોલીમાં કાપડ વણવાનું શરૂ કર્યું- ‘તુષાર ટેક્સટાઇલ્સ’ને નામે.

કેવો ધંધો થતો?

ધંધો એટલે… કાપડ સારું બનતું પણ એ વેચવાનું કામ ફાવે નહીં. માર્કેટમાં ગિરદી વચ્ચે બધા માણસો પાસે જવું… આપણને થતું કે આ આપણું કામ નથી. મનમાં થાય કે ક્યાં સોશ્યાલિસ્ટ પાર્ટીનો હરકિસન મહેતા અને ક્યાં આ બધું… કંઈ મઝા નહોતી આવતી.

પુત્ર તુષાર મહેતાએ ૧૯૬૭માં ઝડપેલી તસવીરમાં હરકિસન મહેતા માતા પ્રેમકુંવર સાથે.

બીજે ક્યાંક જોડાવાની ઇચ્છા થતી હતી? કોઈ સામયિકમાં?

ના. એવો વિચાર નહોતો. દિશાશૂન્ય હતા… કાપડ બનાવીએ અને વેચીએ અને એમાં જ આગળ વધીએ એવું કંઈક વિચાર્યું હતું પણ એમાં મન નહોતું લાગતું…

તમે છૂટા થયા તે પછી સવા-દોઢ વર્ષમાં વજુ કોટકનું અવસાન થયું…

1959ના નવેમ્બરમાં વજુભાઈ માત્ર ચુમાલીસ વર્ષની વયે અવસાન પામ્યા. છેલ્લા દિવસોમાં તો વજુભાઈનું લખવાનું ય ઘણું વધી ગયું હતું. પણ ફેલાવો તૂટતો જતો હતો. વજુભાઈને હાર્ટ-એટેક આવ્યો એ પછી તો ફેલાવાનો સાચો આંક પણ એમને કહેવામાં આવતો નહીં, કારણકે ત્યારે સરક્યુલેશન માંડ સાત-આઠ હજાર જેટલું થઈ ગયું હતું. એમની તબિયતની અસર એમનાં લખાણ પર થઈ હતી અને બહુ લખતા એટલે લખાણની અસર તબિયત પર થતી. વજુભાઈના ગયા પછી એમના થોડાક મિત્રો સિવાય બાકીના બધા જ માનતા કે વજુભાઈ હતા ત્યાં સુધી ‘ચિત્રલેખા’ ચાલ્યું. હવે બંધ થઈ જશે… એ વખતે ‘ચિત્રલેખા’માં વજુભાઈનો વન મેન અને વન પેન શો હતો.

વજુભાઈના અવસાન પછી તમે પાછા ‘ચિત્રલેખા’માં આવ્યા…

‘ચિત્રલેખા’માંથી છૂટા થયા પછી હું અને વજુભાઈ ત્રણ-ચાર વખત મળ્યા હતા. એટલે એ રીતે સંબંધ તો ચાલુ જ હતો. વજુભાઈના ગયા પછી બધા મિત્રોએ ભેગા મળીને નક્કી કર્યું કે ‘ચિત્રલેખા’ને બંધ પડવા દેવું નથી. પણ બધાને શંકા હતી કે વજુ કોટકનાં લખાણો નહીં આવે તો વાચકો ‘ચિત્રલેખા’ને સ્વીકારશે કે કેમ? હું એ મિત્રોને કહેતો પણ ખરો કે અત્યાર સુધી ‘ચિત્રલેખા’માં વજુભાઈના જ લેખો આવતા એને બદલે વિવિધ લેખકોના લેખો-વાર્તાઓ આવે તો શક્ય છે એ વેરાયટી વાચકોને ગમે પણ ખરી… આવું માનવાને એક કારણ પણ હતું. વજુભાઈ હતા ત્યારે ‘ચિત્રલેખા’ના દિવાળી અંકોનું પૂરેપૂરું સંપાદન એ મને સોંપી દેતા. દિવાળી અંકમાં એમના એકાદ લેખ સિવાય બાકીનું મેટર હું બીજા લેખકો પાસે લખાવતો. વિજયગુપ્ત મૌર્યનો લેખ લઈ આવતો, વેણીભાઈ પુરોહિત, જિતુભાઈ મહેતા… આ બધાનાં લેખો-વાર્તાઓ ભેગાં કરીને દિવાળી અંક તૈયાર કરતો અને વાચકો વખાણતા ય ખરા. આમ જે જુદું થતું એ પણ વાચકોને ગમતું. સાથોસાથ એક એવી દહેશત પણ ખરી કે આવી વેરાયટી બધા અંકમાં ન ચાલે એવું પણ બને, કારણકે લોકો આવી વાચનસામગ્રી વાંચીને વજુભાઈની કલમ સાથે એની સરખામણી કરશે. વજુભાઈનાં પ્રભાતનાં પુષ્પો, ઘોંડુંપાંડુ, શહેરમાં ફરતાં ફરતાં… આ બધું લખી શકે એવું કોઈ નહોતું. છતાં એ વખતે વેરાયટીનો અખતરો થયો. વેણીભાઈ અને જિતુભાઈએ નિયમિત લખવાનું શરૂ કર્યું. વાસુભાઈ એટલે કે વિજયગુપ્ત મૌર્ય ત્યારે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં પોલિટિક્સ વિશે લખે એટલે એમણે સહકાર આપતાં એમની ભાષામાં કહ્યું કે ‘મને વાંધો નથી. મારે તો અહીં બટાટાવડાં તળાતાં જ હોય છે એટલે એ જ તાવડામાં તમારા માટે થોડાં ભજિયાં પણ ઉતારી આપીશ!’ આમ, ‘નહીં ચાલે’ એવી ધાસ્તીથી અખતરો કર્યો પણ ‘ચિત્રલેખા’ ચાલ્યું… જુદું હશે એટલે ચાલ્યું, વજુભાઈનું સાપ્તાહિક હતું એટલે ચાલ્યું, સહાનુભૂતિથી ચાલ્યું… એમ કરતાં કરતાં ચાર-પાંચ વર્ષમાં ‘ચિત્રલેખા’નું સરક્યુલેશન પાછું દસ-બાર હજાર થઈ ગયું…

આ ગાળા પછી ‘ચિત્રલેખા’ને ખરો બ્રેક ક્યારે મળ્યો? સરક્યુલેશન ખરેખર ઊંચકાય છે એવું ક્યારે લાગ્યું?

1962માં ચીન સાથે યુદ્ધ થયું એ અરસામાં વાસુભાઈ, મધુબહેન અને બીજા બેએક જણ આસામ તરફ ગયા હતા. ત્યાંથી પાછા આવીને વાસુભાઈએ પોતાના રાજકીય બેકગ્રાઉન્ડ સાથે લેખો લખ્યા. ત્યાર બાદ, 1965માં લાલબહાદુર શાસ્ત્રીનું નિધન થયું, દિલીપકુમાર અને સાયરાબાનુનાં લગ્ન થયાં. આ બધી વર્તમાન ઘટનાઓ વિશેના અહેવાલો ‘ચિત્રલેખા’માં છાપતા થયા. મને યાદ છે કે દિલીપ-સાયરાનાં લગ્ન વખતના અંક દરમિયાન કોઇએ મને આવીને કહ્યું હતું કે આ વખતે એકવીસ હજાર નકલ છાપવાની છે! એ પછી અમે સરકસવીર દામુ ધોત્રેનાં પરાક્રમોની સિરિયલ શરૂ કરી. રામન રાઘવનની કથા છાપી. 1968માં સુરતની મોટી રેલ આવી, તેના આંખે દેખ્યા અહેવાલો લઈ આવ્યા અને એ દરમિયાન મેં ‘જગ્ગા ડાકુનાં વેરના વળામણાં’ લખી. એ નવલકથા બે વર્ષ ચાલી અને તે ગાળામાં ‘ચિત્રલેખા’નું સરક્યુલેશન 65થી 67 હજાર સુધી પહોંચી ગયું હતું. એ પહેલાં સારંગ બારોટે ધારાવાહિક વાર્તાઓ લખી, ગુણવંતરાય આચાર્યે લખી… આ નવલકથાઓને કારણે ફેલાવો ખાસ્સો વધતો જતો… આ ગાળામાં ‘ચિત્રલેખા’માંથી ફિલ્મ જર્નલિઝમ એકદમ ઓછું થઈ ગયું હતું. આમેય વજુભાઈ હતા ત્યારે જ ‘જી’ શરૂ થઈ ગયું હતું એટલે ‘ચિત્રલેખા’માં ફિલ્મની વાતો ઓછી આવતી. સચિત્ર બનાવવા માટે ફિલ્મના ફોટા છપાતા કે અવલોકનો આવતાં એટલું જ. પછી તો એ ય જતું રહ્યું. પણ ‘ચિત્રલેખા’ નામને કારણે અને શરૂઆતનાં વર્ષોની સામગ્રીને કારણે લોકોમાં ઘણા લાંબા સમય સુધી એવી છાપ રહી કે ‘ચિત્રલેખા’ ફિલ્મનું સામયિક છે. આ ઇમેજ અમને ઘણી નડી અને એ ભૂંસાતાં વર્ષો લાગ્યાં.

બાંગ્લાદેશ યુદ્ધ પછી ભારતે કબજે કરેલી પાકીસ્તાની ટૅન્ક પર વિજયગુપ્ત મૌર્ય અને હરકિસન મહેતા મુક્તિવાહિનીના બાંગ્લાદેશી સૈનિકો સાથે.

1965થી 1970ના ગાળામાં જ તમને ખાતરી થઈ કે નવલકથાઓ અને વર્તમાન ઘટનાઓ વિશેના અહેવાલો પ્રગટ કરવાથી ‘ચિત્રલેખા’નું વેચાણ વધે છે?

નવલકથાને કારણે વેચાણ વધે છે એ તો પહેલેથી જ સાબિત થઈ ચૂક્યું હતું. ‘ચિત્રલેખા’ શરૂ કરતાં પહેલાં વજુભાઈ ‘ચિત્રપટ’માં નવલકથા લખતા અને ત્યાં મનદુઃખ થયું એટલે અડધેથી બંધ કરીને એ જ નવલકથા એમણે ‘છાયા’ કે એવા કોઈક સામયિકમાં શરૂ કરી. વજુભાઈની નવલકથાને કારણે એનો ફેલાવો રાતોરાત પાંચેક હજાર જેટલો વધી ગયો. આ જોયા પછી વજુભાઈને બળ મળ્યું કે એમની નવલકથાને કારણે એ જો પોતાનું સાપ્તાહિક શરૂ કરશે તો એ પણ ચાલશે. ત્યારબાદ સારંગ બારોટની નવલકથાઓએ અને જગ્ગા ડાકુની વાર્તાએ ફરી એકવાર પુરવાર કર્યું કે ધારાવાહિક નવલકથા સાપ્તાહિકના વેચાણમાં કેટલી મહત્વની છે. પણ કરન્ટ ટૉપિક્સની મહત્તા આ ગાળામાં જ સાબિત થઈ. સુરતની રેલ કે રામન રાઘવન પકડાયો એ પહેલાંના અને એ પકડાઈ ગયો એ પછીના અહેવાલો લોકોને એટલા ગમ્યા હતા કે એ બધું યાદ કરતાં અત્યારે પણ મને રોમાંચ થાય છે. એને ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ન કહીએ પણ ઑન ધ સ્પોટ રિપોર્ટિંગ ‘ચિત્રલેખા’માં જે રીતે વિકસ્યું તે પછી વાચકોને એમ લાગવા માંડ્યું કે જે કંઈ પણ ઘટના બનશે તે વિશેના અહેવાલો ‘ચિત્રલેખા’માં છપાશે અને એમાં જે આવશે તે સાચું જ હશે એવો એક વિશ્વાસ બંધાયો. આ દાયકા પછી 1970ના દાયકામાં વાસુભાઈના લેખો અને મારી નવલકથા ઉપરાંત ‘ચિત્રલેખા’ને તારક મહેતાના હાસ્યલેખો તેમજ કાન્તિ ભટ્ટના અહેવાલોનો પણ ઘણો લાભ મળ્યો. ફેલાવાની સાથોસાથ ‘ચિત્રલેખા’ના છાપકામમાં પણ ઉત્તરોત્તર સુધારો થતો ગયો. છેલ્લા દાયકામાં જાહેરખબરની આવક વધી જેને કારણે રિપોર્ટિંગ માટે પરદેશ જવાનો ખર્ચ પણ પોસાવા લાગ્યો. આ તમામ ચડઉતર પછી આજે ‘ચિત્રલેખા’નો ફેલાવો સાડા ત્રણ લાખ સુધી પહોંચ્યો છે.

‘ચિત્રલેખા’નો આટલો ફેલાવો થયા પછી તમને નથી લાગતું કે તમારે વાચકના જીવનને ઉપયોગી થાય એવું, એની આંતરિક સમૃદ્ધિ વધે એવું અને વાચક વિચારતો થાય એવું વાંચન પણ આપવું જોઇએ? વધુ સ્પષ્ટતા કરું તો અત્યાર સુધી ‘ચિત્રલેખા’ને કારણે લોકોને હલકું-ફૂલકું વાંચવાની એવી ટેવ પડી ગઈ છે કે તેઓ સહેજ પણ ગંભીર વાંચન સ્વીકારતા નથી. ‘ચિત્રલેખા’માં તમે માહિતીપ્રચુર, ક્યારેક ક્ષુલ્લક માહિતીથી ભરપૂર એવા લેખો પણ આપ્યા કરો છો… ઑલિમ્પિકનો લેખ હોય તો કેટલી ધજા વેચાઈ અને કેટલી ધજા ફરકી, ક્રિકેટનો લેખ હોય તો ગાવસકર દિવસમાં કેટલી વાર ગંજી બદલે છે, કૉંગ્રેસ અધિવેશન કે રામકથાની પારાયણનો અહેવાલ હોય તો રસોડામાં કેટલા ટન બટાટા વપરાયા… આવી માહિતી વાચકો એક દિવસ વાંચે છે અને બીજા દિવસે ભૂલી જાય છે. તંત્રી તરીકે વાચકોને વધુ સાત્તવિક વાચન આપવાની તમારી ફરજ નહીં?

તમે જે માહિતીના દાખલા આપો છો તે પ્રકારની માહિતી લેખમાં હોય છે ખરી પણ ‘ચિત્રલેખા’ના લેખો માત્ર એ જ માહિતીઓ પરથી બનતા નથી. લેખ વધુ રસપ્રદ બને એ માટે આવી માહિતીઓ તો હોવી જ જોઈએ એમ હું માનું છું. જે કંઈ ઘટના બને તેની આજુબાજુની બધી જ વિગતો વાચકોને આપવી જોઈએ કારણકે એને એમાં રસ પડે છે. આવી પૂરક માહિતી લેખમાં આવે એને તો હું લેખની લાયકાત ગણું છું. એનાથી લેખ સારો બનતો હોય છે. હા, લેખમાં માત્ર એટલું જ આવતું હોય કે કેટલા બટાટા વપરાયા અને કોણે ચૂલો સળગાવ્યો… એટલું જ ન ચાલે. પણ તમે આખો અહેવાલ લખો એમાં આવી નાની નાની રસપ્રદ વાતો ઉમેરાવી જોઈએ. ઑલિમ્પિક કે ક્રિકેટના અહેવાલો હોય તો એમાં કોણે કેટલા રન કર્યા કે કોણે રેકૉર્ડ તોડ્યો એના આંકડા સાપ્તાહિકમાં છાપવાનો કશો અર્થ નથી કારણકે એ કામ તો દૈનિકો કરવાનાં જ છે. દૈનિકો કરતાં પહેલાં રેડિયો-ટીવી પરથી પણ લોકોને ખબર પડવાની જ છે. રમતગમતોની ટેકનિકલ બાબતો સમજાવતા લેખો તૈયાર કરી શકાય પણ એવા લેખો એકેડેમિક બની જાય અને ‘ચિત્રલેખા’ કંઈ એકેડેમિક મેગેઝિન નથી. ‘ચિત્રલેખા’ તો ગામડાનો માણસ પણ વાંચે છે અને શહેરનો શ્રીમંત પણ વાંચે છે. વિદ્વાનો વાંચે છે અને અર્ધશિક્ષિત લોકો પણ વાંચે છે. આ મિશ્ર વાચકનો જે સમૂહ છે તેને ખ્યાલમાં રાખવો જોઈએ.

‘ચિત્રલેખા’ની સફળતાનું આ એક ઘણું મોટું કારણ છે કે બધાને સમજાય એવી માહિતી આપવી અને એથીય અગત્યનું તો એ કે બધાને સમજાય એવી સરળ ભાષામાં એ માહિતી આપવી. ટૂંકમાં, આ બધી માહિતી આપીએ ત્યારે માત્ર એકલી માહિતીરૂપે નથી આપતા, એ લેખનો એક ભાગ હોય છે. અને લેખના એક ભાગ તરીકે આપવામાં નુકસાન તો નથી. બની શકે તો એવી માહિતી એક બૉક્સમાં અલગ આપવી જોઈએ જેથી લેખના પ્રવાહમાં વચ્ચે ન આવે. તમે જે પ્રકારનાં લખાણો આપવાની વાત કરો છો તે બહુ બહુ તો પાંચ-પચીસ હજાર વાચકોને ગમે. એક તંત્રી તરીકે હુ વિચારું કે મારી પહેલી ફરજ મારા ચાળીસ લાખ વાચકોને સંતોષ આપવાની છે. થોડાક હજારને સંતોષ આપવા જતાં બાકીના લાખો વાચકોને નારાજ ન કરી શકાય. ગંભીર વાચનમાં કવિતાની વાત લઈએ. હવે જેમને કવિતા વાંચવી છે એ ‘ચિત્રલેખા’ શું કામ વાંચે? એમના માટે સાહિત્યનાં મેગેઝિન છે જ. હા. જે ‘ચિત્રલેખા’ વાંચે છે તે કવિતા વાંચે એ મને પણ ગમે. બાકી ‘નિરીક્ષક’ કે ‘સંસ્કૃતિ’ કે એ પ્રકારનાં બીજાં સામયિકો અમારા જેવા લેખો ન જ છાપે એ એમની ઇમેજ છે અને અમે એમના જેવી સામગ્રી ન છાપીએ એ અમારી ઇમેજ છે.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના સંઘર્ષકાળના સાક્ષી હરકિસન મહેતા.

‘લોકોને જે જોઈએ છે તે અમે આપીએ છીએ’ આવું હિંદી ફિલ્મોવાળા માનતા હોય છે. ‘ચિત્રલેખા’ના તંત્રી તરીકે તમારી પણ આ જ ફિલસૂફી છે?

લોકોને જે જોઈએ છે તે અમે આપીએ છીએ કે અમે જે આપીએ છીએ તે લોકોને જોઈતું જ હોય છે— આ બે વચ્ચેનો ભેદ પણ જરા સમજવો જોઇએ. અમે જે આપ્યું તે લોકોએ સ્વીકાર્યું એટલે અમે એ વધારે આપતા ગયા. લોકોને જે રુચિકર છે તે તો આપવું જ જોઈએ પણ લોકોને જે નુકસાનકારક છે તે ન આપવું જોઈએ. હિંદી ફિલ્મો નગ્ન દ્રશ્યો આપે છે, અમે નથી આપતા… હિંદી ફિલ્મો હિંસાને પ્રોત્સાહન આપે છે, અમે નથી આપતા. અમે કોઈ દિવસ નથી કહેતા કે દારૂ પીવો જોઈએ કે વેશ્યાને ત્યાં જવું જોઈએ. મારો સામો સવાલ એ છે કે લોકોને ગમે એવું ન આપીએ તો શું એમને ન ગમે એવું આપવું જોઈએ? વાચકના જીવનને ઉપયોગી થાય એવા વિજ્ઞાનવિષયક લેખો અમે આપીએ જ છીએ. આરોગ્ય અને મેડિકલ સાયન્સને લાગતા લેખો પણ આપીએ છીએ. ‘ચિત્રલેખા’માં લોકોને જે ગમે એવું તો આપે જ છે. સાથોસાથ સામાજિક દ્રષ્ટિએ કે નૈતિક દ્રષ્ટિએ લોકોને જે ન ગમવું જોઇએ તેવું, એમનો રુચિભંગ કરે એવું લખાણ ક્યારેય નથી અપાતું.

દસ-બાર વર્ષ પહેલાં ખુશવંત સિંહ તંત્રી હતા ત્યારે ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ની ત્રણ લાખથી વધુ નકલો વેચાતી. આજે પ્રીતિશ નંદી ગમે એટલી મહેનત કરે છતાં ‘વીકલી’નો ફેલાવો લાખ-સવા લાખ કૉપીથી આગળ નથી વધતો. ‘ચિત્રલેખા’ના તંત્રી બદલાશે ત્યારે શું થશે?

‘વીકલી’ સાથેની સરખામણી ગેરવાજબી છે. ‘ચિત્રલેખા’ શરૂ થયું એના કેટલાય દાયકા પહેલાં ‘વીકલી’ શરૂ થયું હતું. વજુભાઈએ ‘ચિત્રલેખા’ ચલાવ્યું ત્યાર બાદ લખનારાઓના વૈવિધ્યથી એ ચાલ્યું અને આગળ વધ્યું. આ ચાર દાયકામાં ‘ચિત્રલેખા’ જે ઘડાયું અને એનો જે વિકાસ થયો તે એકદમ નક્કર પાયાના આધારે થયો. ‘વીકલી’ની જેમ ‘ચિત્રલેખા’નો ફેલાવો રાતોરાત વધ્યો નથી. એ સડસડાટ કાંઈ સાડા ત્રણ લાખના ફેલાવા સુધી પહોંચી નથી ગયું. ‘વીકલી’માં ખુશવંત સિંહ જે પ્રકારના વિષયો લાવ્યા, સેક્સ કે કેબરે કે એ પ્રકારના એને કારણે એને તત્કાલીન ફાયદો થઈ ગયો, જે ઝાઝો ન ટકી શકે. બાકી તંત્રી બદલાય એટલે તેની અસર સામયિક પર પડવાની જ નવો તંત્રી આવે એની હાજરી વર્તાય, જૂના તંત્રીની ગેરહાજરી વર્તાય. ‘ચિત્રલેખા’ની વાત કરીએ તો વજુભાઈના ગયા પછી જે ત્રીસેક વર્ષ વીત્યાં તે ગાળામાં મેં સંપાદન કરવામાં મારી બધી જ શક્તિઓ રેડી દીધી હોય તો એ ‘ચિત્રલેખા’ની ઇમારત એટલી મજબૂત હોવી જોઈએ કે મારી ગેરહાજરીમાં એને એટલી અસર ન થવી જોઈએ. બીજું, ‘ચિત્રલેખા’ની ટીમમાં મારા પછી એવી વ્યક્તિની જરૂર પડે જે ‘ચિત્રલેખા’ના માળખાને સાચવી શકે. એની પરંપરા જાળવી શકે. આવી વ્યક્તિ હોય તો ‘ચિત્રલેખા’ને વાંધો ન આવે. મારા વગર ‘ચિત્રલેખા’ને વાંધો નહીં આવે એવું માનવાને મારી પાસે નક્કર કારણો છે. વજુભાઈના ગયા પછી ‘ચિત્રલેખા’ પ્રત્યેની શુભેચ્છાને કારણે મિત્રોએ મદદ કરી હતી. આ મિત્રોની ગુડવિલ ઉપર ‘ચિત્રલેખા’ ઊભું છે. હવે તો ‘ચિત્રલેખા’ની ગુડવિલ એટલી બધી વધી છે કે એને કોઈપણ સંજોગોમાં વાંધો નહીં આવે.

તમારી ગેરહાજરીમાં ‘ચિત્રલેખા’નો ફેલાવો કોઈ પણ કારણોસર ઘટી જાય અને લોકોમાં કહેવાય કે, ‘જુઓ હરકિસન મહેતા હતા ત્યાં સુધી જ આ ચાલ્યું…’ તો એને તમે તમારા વખાણ માનો કે તમે તમારા પછીની પેઢીને તમે તૈયાર ન કરી, સેકન્ડ કેડર ઊભી ન કરી, એ વાતની નિષ્ફળતા માનો?

હું એને મારાં વખાણ ન માનું. એટલા માટે કે જે ઇમારતને તમે ચણી હોય તે તમારી ગેરહાજરીમાં નબળી બને કે ખખડધજ બની જાય કે સમય પહેલાં એને ઘસારો લાગી જાય તો એ વાંક ઇમારત ચણનારનો જ ગણાય. સેકન્ડ કેડર એટલે કોની? ‘ચિત્રલેખા’ના લેખકોની અવેજીમાં નવા નવા લેખકો તો આવતા જ ગયા છે અને ભવિષ્યમાં પણ આવશે. એટલે એની સેકન્ડ કેડર તો છે જ. પરંતુ વધારે પડતા લેખકો ભેગા કરીને ટીમને ડિસ્ટર્બ ન કરવી જોઇએ કે ખોટેખોટા અખતરા કરીને જોખમ ન લેવું જોઇએ. અને તંત્રીની સેકન્ડ કેડર ઊભી ન કરવી જોઇએ. પોતાના પછી આ જવાબદારી કોણ સંભાળશે એવી નિમણૂક ન કરી દેવી જોઇએ. સંજોગોને કારણે જે વ્યક્તિઓ એ સંભાળવામાં મદદરૂપ બનતી હોય એમાંથી આપોઆપ જ કોઈ શ્રેષ્ઠ અને સૌથી લાયક વ્યક્તિ ઉપસી આવતી હોય છે.

વિશાળ ફેલાવો હોવા છતાં ‘ચિત્રલેખા’ એક રાજકીય ફોર્સ નથી બની શક્યું. આ તમે જાણી જોઇને નથી થવા દીધું કે આ બાબતમાં તમે નિર્લેપ છો?

થોડા વખત પહેલાં મને કોઇકે કહેલું કે રાજકારણમાં ‘ચિત્રલેખા’ની ધાક નથી જે હોવી જોઇએ. અત્યાર સુધી અમે ‘ચિત્રલેખા’ને એ દ્રષ્ટિએ આકાર આપ્યો જ નથી. રાજકીય વગ ઊભી કરવાનો પ્રયાસ કર્યો જ નથી. રાજકારણની અંતરંગ દુનિયાથી અમે અલિપ્ત રહ્યા છીએ એ વાત પણ સાચી છે.

એક વાત તો એ કે જ્યારે પણ તમારી ધાક વર્તાતી હોય છે ત્યારે તમારામાં એક પ્રકારનો અહમ, અભિમાન આવી જાય. એને કારણે તમારા સિદ્ધાંત અને તમારી ફરજ આડે મુશ્કેલી ઊભી થતી હોય છે. બીજું તમારે કોઈના ઓશિયાળા પણ થવું પડતું હોય છે. જેમ રાજકીય સત્તા તમને કરપ્ટ બનાવે છે એમ રાજકીય સત્તા પરની વગ પણ તમને કરપ્ટ બનાવી શકે છે. આ એક બહુ મોટું ભયસ્થાન છે. મને લાગે છે કે મારા તંત્રીપદ હેઠળ ‘ચિત્રલેખા’ની ધાક, વગ કે એનો ફોર્સ ઊભો નહીં થાય કારણ કે એનાં ભયસ્થાનોથી હું વધારે સજાગ છું. કોઈના વિશે વધારે પડતું કડક લખાણ લખાયું હોય ત્યારે હું વિચાર કરું કે આમાં લખનારનો પોતાનો પૂર્વગ્રહ, કોઈ રાગદ્વેષ કે એનો કોઈ લાભ સમાયેલો છે? આ બાબતમાં સતત જાગૃત હોઉં છું એટલે તદ્દન અંતિમ છેડે જઈને લખાયેલું ટીકાત્મક લખાણ હું છપાવા નથી દેતો. કદાચ આ જ કારણોસર ‘ચિત્રલેખા’ રાજકીય ફોર્સ નથી બન્યું.

૧૯૭૦ના અરસામાં નવી દિલ્હીમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની મુલાકાતે ગયેલા હરકિસન મહેતા અને વેણીભાઈ પુરોહિત.

છેલ્લા દાયકાથી જાહેરખબરની જંગી કમાણી હોવા છતાં ‘ચિત્રલેખા’ લેખકો-પત્રકારોને રોયલ્ટીરૂપે કે પુરસ્કારરૂપે તદ્દન નજીવી રકમ ચૂકવે છે. આવું શા માટે?

એમાં મને લાગે છે કે છેલ્લા ત્રણેક વર્ષથી અમે થોડા વધુ સજાગ થયા છીએ. અત્યાર સુધી અમે એમ માનતા હતા કે અમારે ત્યાં જે કોઈ લખે એમને બીજાં અખબારો-સામયિકો કરતાં વધુ રકમ ચૂકવવી જોઇએ જે અમે આપતા પણ હતા. દાયકાઓ પહેલાં જ્યારે ‘ચિત્રલેખા’ની જાહેરખબરની આવક બિલકુલ ઓછી હતી ત્યારે જે મુરબ્બીઓ મિત્રભાવે ‘ચિત્રલેખા’માં લખતા એમને પ્રમાણમાં ઘણો ઓછો પુરસ્કાર આપતા. એ સભાનતા આજેય અમને છે અને એમનું એ ઋણ અમે બીજી રીતે ચૂકવીને એમના પ્રત્યેનો અમારો આદર વ્યક્ત કરી રહ્યા છીએ. નવલકથા અને લેખોના પુરસ્કારની વાત કરીએ તો એ બેઉ બાબતમાં હવે અમારું ધોરણ સુધાર્યું છે. લેખ માટે ‘ચિત્રલેખા’ જેટલો પુરસ્કાર બીજું કોઈ આપતું નથી. એટલે છેલ્લા એક-બે વર્ષથી પુરસ્કાર ઓછો મળતો હોય એવું નથી. અગાઉ ઓછો આપતા હતા. પણ બદલામાં લખનારને પાંચ-પચ્ચીસ હજાર કૉપીના ફેલાવાની સામે લાખો નકલોનો ફેલાવો મળે છે. અહેવાલ લાવવા માટે બહારગામ જવાનો જે ખર્ચ થાય છે એટલા ખર્ચ જેટલો પુરસ્કાર તો કોઇ ન આપી શકે. એટલે અત્યારે પુરસ્કાર ઓછો અપાય છે એવું નથી. પણ હજુ વધારે આપી શકાય એવું હું માનું છું અને આપવો પણ જોઇએ… ભવિષ્યમાં સંજોગો બદલાશે તો હજુય વધારે અપાશે એવું લાગે છે.

લોકોને લાગતું હોય છે કે કોઇ મેગેઝિન કે છાપું ચાલતું હોય એમાં પત્રકારો લેખો લખી જાય, નલકથાકાર વાર્તાના પ્રકરણ મોકલી આપે, કાર્ટૂનિસ્ટ કાર્ટૂન બનાવી આપે અને છાપનારા છાપી આપે તો તંત્રીએ કંઇ કરવાનું જ નહીં!

જાહેર સમારંભમાં પણ લોકો આવો સવાલ પૂછે છે ત્યારે હું કલ્યાણજી-આણંદજીનો એક રમૂજી ટુચકો કહું છું. કલ્યાણજીભાઈ મ્યુઝિકલ નાઇટના કાર્યક્રમો કરે પણ એમના માતાએ કોઇ દિવસ આ પ્રોગ્રામ જોયો નહોતો. એક દિવસ એમણે મધરને ખાસ પ્રોગ્રામમાં બોલાવ્યાં, પહેલી રોમાં બેસાડ્યાં… પ્રોગ્રામ પછી ઘરે આવીને કલ્યાણજીભાઈએ પૂછ્યું, ‘મા, કેવો લાગ્યો મારો પ્રોગ્રામ?’ મા કહે, ‘બહુ સરસ, બહુ મઝા આવી. પણ એક વાત મને તો ના સમજાઈ. સ્ટેજ પર બધા કંઈને કંઈ વગાડતા’તા પણ તું તો એક ખૂણામાં ઊભો રહીને ખાલી હાથ જ હલાવતો હતો!’… એડિટરનું કામ આ જ છે. હાથ, જીભ અને મગજ હલાવ્યાં કરવાનાં!

૧૯૮૪માં જૂના કાર્યાલયના અંતિમ ધનતેરસમિલનની યાદગાર તસવીરમાં ચન્દ્રકાંત બક્ષી વિશે સૌરભ શાહે કરેલી એક ભયંકર રમૂજ સાંભળીને ખડખડાટ હસતા હરકિસન મહેતા, ફોટોગ્રાફર હરેશ દફ્તરી, ભરત ઘેલાણી, સૌરભ શાહ અને રમેશ પુરોહિત.

6 COMMENTS

  1. Nice interview . Good answers by Harkishan bhai Mehta in response to good questions by saurabh Bhai. Infact we were buying Chitralekha because of novel by Harkishan bhai and Tarak Mehta na Ooltah chashma.

  2. મારી પાસે તમે સંપાદિત કરેલી એ બુક જ છે.
    જેમાં આ લેખ છે.
    સરસ જાણકારી છે.
    આમ પણ હું તમારો અને હરકીસંભાઈનો ફેન છું.
    ગુડ મોર્નિંગ માટે તમારો….
    નવલકથા માટે હરકિસનભાઈ નો…
    આમીન….

  3. Excellent interview. You could get all his inner information in this interview by asking razor sharp straight questions .Credit should also go to Harkisanbhai for being transparent and honest in his answers

  4. એક સિદ્ધહસ્ત લેખક-સહ-પત્રકાર જાણીતા સાપ્તાહિકના ખ્યાતનામ તંત્રીની આટલી સરસ મુલાકાત લે,તે ખરેખર તો વાંચકો માટે ઉપયોગી છે.ચિત્રલેખાનાં જન્મથી માંડીને તેનાં ઘડતર,સંઘર્ષ અને સમયાંતરે બદલાવનાં વર્ષો વિશે અત્યંત રસપ્રદ માહિતી મળી.આવી રીતે કોઈ તંત્રીની મુલાકાત લેવાઈ હોય તેવું જાણમાં નથી.વળી ચિત્રલેખા જૂથે જૂના ‘બીજ’ માસિકના અંકોમાંથી ચૂંટેલા આજે પણ પ્રસ્તુત હોય તેવા લેખોનો સંગ્રહ બહાર પાડવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here