ભૂતકાળના સુખને યાદ કરીને સુખી થવાને બદલે દુ:ખી થવાય છે – સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 24 જુલાઈ 2024)

‘સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે; બસ એટલી સમજ મને પરવરદિગાર દે’: ‘મરીઝે’ કહ્યું હતું અને ઉમેર્યું હતું: ‘દુનિયામાં કંઈકનો હું કરજદાર છું ‘મરીઝ’, ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.’

દુનિયાનો સૌથી શ્રીમંત માણસ પણ કંઈ કેટલાય લોકોના ઉપકાર હેઠળ હોય છે. એ બધું ઋણ ઉપરવાળાની ઉધારી કરીને પણ ચૂકવી શકાતું નથી. જો દુનિયાની સૌથી શ્રીમંત વ્યક્તિની જિંદગીનો આ હિસાબ હોય તો આપણે બધા તો કઈ વાડીના મૂળા? કોને ખબર કયા કયા લોકોએ કેટકેટલા ઉપકાર તમારા પર કર્યા હશે? ‘મરીઝ’ના આ બે શેરનું રટણ જો સતત કરતા રહીએ તો ક્યારેય દુ:ખી ન થઈએ. શરત માત્ર એટલી કે સુખ જેવું કંઈ પણ સ્પર્શે ત્યારે એકલપેટા થવાને બદલે તમને સૌનો વિચાર પહેલો આવે, તમારું સુખ તમને સૌની સાથે વહેંચવાની ઈચ્છા થાય.

સુખનું એવું છે ને કે આપણે એને ભૂતકાળના અનુભવોમાં શોધવા જઈએ છીએ અથવા ભવિષ્યની કલ્પનાઓમાં મેળવવા માગીએ છીએ. ‘ધ આલ્કેમિસ્ટ’થી માંડીને ‘ઍડલ્ટરી’ સુધીની બેસ્ટ સેલર નવલકથાઓના ફિલસૂફસમા લેખક પાઉલો કોએલો કહે છે: ‘જો તમારું સમગ્ર ધ્યાન હંમેશાં વર્તમાન પર જ કેન્દ્રિત કરી શકો તો તમે સુખી માણસ બનશો.’ આ વાક્ય ‘ધ આલ્કેમિસ્ટ’માં લખ્યું છે. વાત નવી નથી. રજનીશજી અને એ પહેલાં જે. કૃષ્ણમૂર્તિએ અને એ પહેલાં ચાણક્યે અને એ પહેલાં આપણા હિંદુ શાસ્ત્રોમાં – વેદ, ઉપનિષદોમાં – વર્તમાનમાં જીવવાની મહત્તા પર વજન મૂકવામાં આવ્યું છે. પ્રૅક્ટિકલી જેમણે આવું જીવવાનો પ્રયત્ન કર્યો છે એ સૌને ખબર છે કે સાચું સુખ વર્તમાનમાં જીવવાથી જ મળતું હોય છે – પછી ભલે વર્તમાનની ક્ષણો ક્યારેક પીડાદાયી હોય, ક્યારેક અણગમતી હોય કે ક્યારેક ન ધારેલી હોય. ભવિષ્યની ક્ષણોમાં સુખ શોધવું એટલે ભ્રમણામાં રાચવું અને ભૂતકાળની સુખી ક્ષણો યાદ કરીને સુખી થવાના પ્રયત્નોેમાં સુખ કરતાં દુ:ખ વધારે મળતું હોય છે એની તમને ખબર છે, કારણ કે એ સુખ હવે નથી તમારા જીવનમાં, જતું રહ્યું છે. જે જતું રહ્યું છે એ ગુમાવવાનો અફસોસ થાય છે. માટે ભૂતકાળને યાદ કરીને પણ સુખી થવાતું નથી.

એડિથ હૉર્ટન ત્રણ વાર સાહિત્યના નોબેલ પારિતોષિક માટે નૉમિનેટ થઈ હતી (૧૯૨૭, ૧૯૨૮ અને ૧૯૩૦માં). આ પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા લેખિકા અમેરિકાના ખાધેપીધે સુખી વર્ગના લોકોના માનસને સારી રીતે જાણતી અને એની નવલકથાઓ – વાર્તાઓમાં એનાં નિરીક્ષણો વ્યક્ત કરતી. એ કહે છે: ‘જો તમે એક વાર ગાંઠ વાળીને મનમાં નક્કી કરી લો કે મારે સુખી થવું જ નથી તો એ પછી તમે આનંદમાં રહેવાના છો.’

સુખ શોધવાથી નથી મળતું. પ્રયત્નો કરીને, ધમપછાડા કરીને મેળવેલું સુખ સચવાતું નથી. કવિ બાલાશંકર કંથારિયા કહી ગયા, આપણે શું કહેતા’તા:

‘અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો;
ન માગ્યે દોડતું આવે, ન વિશ્ર્વાસે કદી રહેજે!’

આમ તો આ આખી કવિતા ક્વોટ કરવાનું મન થાય. સ્કૂલમાં તમે ભણ્યા હતા અને એક્ઝામમાં પૂર્વાપર સંબંધો આપીને કોઈ પંક્તિ પણ તમે સમજાવી હશે, કાવ્યના મધ્યવર્તી વિચાર વિશે ટૂંકનોંધ લખી હશે અને આ કવિતામાં કવિ શું કહેવા માગે છે એ પણ તમે તે વખતની તમારી સમજ અનુસાર લખ્યું હશે:

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો;
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહી કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે;
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઈને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે;
ઘડી જાયે ભલાઈની, મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે;
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઈની, વાણી મીઠી કહેજે;
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો;
ન માગ્યે દોડતું આવે, ન વિશ્ર્વાસે કદી રહેજે!

અહો! શું પ્રેમમાં રાચે? નહીં ત્યાં સત્ય પામે તું?;
અરે, તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે!

લહે છે સત્ય જે સંસાર, તેનાથી પરો રહેજે;
અરે, એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે!

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે!

રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીનાં તું બધા છલબલ જવા દેજે!

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે!

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ;
નિજાનંદે હંમેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે!

૧૮૫૮માં જન્મ અને માત્ર ૩૯ વર્ષની ઉંમરે ૧૮૯૮માં મૃત્યુ. આ કવિ બાલાશંકર કંથારિયા.

ટીન એજ શરૂ થતી હતી ત્યારે ભણાવવામાં આવતી આ કવિતાનું હાર્દ જો તમે તે વખતે સમજી ગયા હોત તમારે આ ઉંમરે સુખ વિશે આ બધી પિષ્ટપેષણ વાંચવાની / લખવાની ગડભાંજમાં ઊતરવું ન પડ્યું હોત. સાલું, જે ઉંમરે જે કરવાનું હોય તે નથી કરતા એને કારણે જ આ બધી ઉપાધિઓ સર્જાય છે. ખેર, ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો શું ફાયદો, હં!

રોઆલ ડાલ બ્રિટિશ નોવેલિસ્ટ હતા, કવિતા અને ફિલ્મના સ્ક્રીનપ્લે પણ લખતા. બાળકો માટે ઉત્તમ સાહિત્યનું સર્જન એમણે કર્યું છે. એમની વિશ્વ વિખ્યાત બાળકથા ‘મટિલ્ડા’ અંગ્રેજી માધ્યમમાં ભણનારા ગુજરાતી બાળકોએ પણ પાઠ્ય પુસ્તકરૂપે વાંચી હશે. ‘મટિલ્ડા’ પરથી બનેલું મ્યુઝિકલ હમણાં જ મુંબઈના એનએમએસીના ભવ્ય ઑડિટોરિયમમાં એક ઇન્ટરનૅશનલ નાટ્યમંડળી દ્વારા ભજવાઈ ગયું. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે આ લેખક ફાઈટર પાયલટ હતા અને સ્ક્વૉડ્રન લીડરની પદવી સુધી પહોંચેલા.

આપણી આસપાસના કેટલાક લોકો આપણને વગર કારણે કેમ ગમી જતા હોય છે એ વિશે વિચાર્યું છે ક્યારેય? એમનામાં રહેલા વિચારો એમના ચહેરાને તેજસ્વી બનાવે છે. રોઆલ ડાલે એક જગ્યાએ લખ્યું છે:

‘તમારામાં જો સુંદર વિચારો હશે તો એનું તેજ સૂર્યકિરણોની જેમ તમારા ચહેરા પર દેખાવાનું જ અને તમે હંમેશાં આકર્ષક દેખાવાના.’

ખરાબ લોકોથી જ નહીં, ખરાબ વિચારોથી પણ દૂર રહેવાની વડીલો શિખામણ આપતા તે સાચી હતી એવું મોટા થયા પછી રિયલાઈઝ થાય છે.

‘એનિમલ ફાર્મ’ અને ‘નાઈન્ટીન એઈટી ફોર’ જેવી ક્રાંતિકારી નવલકથાઓના સર્જક – ચિંતક જ્યોર્જ ઑરવેલે ‘નાઈન્ટીન એઈટી ફોર’માં એક વાક્ય લખ્યું છે: ‘માણસજાતે આ બેમાંથી એક વિકલ્પ વચ્ચે પસંદગી કરવાની હોય છે – સ્વતંત્રતા અને સુખ. અને મોટાભાગના લોકો માટે સુખની પસંદગી જ બહેતર છે.’

સ્વતંત્રતા સૌ કોઈને પચતી નથી. ખૂબ મોટો ભોગ માગી લે છે. થોડાક કે વધુ પરાધીન થઈને સુખી થઈ જવું બહેતર છે—મોટા ભાગના લોકો માટે, બધા માટે નહીં. કેટલાકને સુખી થવા કરતાં પોતાની સ્વતંત્રતા સાચવી રાખવાનું વધુ ગમતું હોય છે. એવા લોકો દુનિયામાં કશુંક ઉમેરવા માગતા હોય છે. સ્વતંત્રતા સિંહણના દૂધ જેવી હોય છે, સોનાના પાત્રમાં જ ઝીલાય. બધાની પાસે આવી પાત્રતા ન હોય એ સ્વાભાવિક છે. માટે જ મોટાભાગના લોકો પોતાની સ્વતંત્રતા સાથે બાંધછોડ કરીને, થોડા ઘણા પરાધીન થઈને પણ સુખી થવાનું વધારે પસંદ કરે છે. અને એ લોકો માટે એ જ વિકલ્પ ઈષ્ટ છે. તો ચાલો, હવે સુખપુરાણ શરૂ કરીએ અને આવતા બુધવારે સુખ વિશે થોડી વધુ વાત કરીએ.

સાયલન્સ પ્લીઝ

સુખનું રહસ્ય એમાં છે કે તમને જે ગમે છે તે કરવાની ઈચ્છા રાખવાને બદલે જે કરો છો તે ગમાડવાનું.

સર જેમ્સ મૅથ્યુ બૅરી (૧૮૬૦-૧૯૩૭)

(‘પીટર પૅન’ અને ‘નેવરલૅન્ડ’ના સર્જક).

• • •

( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર ⁨090040 99112⁩ પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

3 COMMENTS

  1. હું વાચનનો શોખીન છું.ને સૌરભ શાહના એક પણ લેખ છોડતો નથી.તેમની કલમમાં બત્રીસ ભાતનાં ભોજન અને ચોસઠ પ્રકારની મીઠાઈઓ પીરસાઈ છે.મને તમામ વાનગી ખૂબ જ ભાવે છે

  2. સ્વતંત્રાપૂર્વક જીવવુ એ સૌથી મોટુ સુખ છે. સૌરભભાઈ, લેખના છેલ્લા ફકરામા આપે સાચી વાત લખી છે સ્વતંત્રતા મોટો ભોગ માંગે છે. It’s not everyone cup of tea. ખુમારી અને ખુદદારી થી જીવવા માટે પોલાદી જીગર જરૂરી છે જે બહુજ જૂજ લોકો ધરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here