ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
( મુંબઇ સમાચાર : મંગળવાર, 18 ડિસેમ્બર 2018)
શોલેનો ગબ્બર સિંહવાળો ડાયલોગ સલીમ-જાવેદે રજનીશના આ વાક્યની મિરર ઈમેજ બનાવીને લખ્યો હશે.
રજનીશજી કહે છે કે: જ્યાં ડર સમાપ્ત થાય છે ત્યાંથી જીવવાનું શરૂ થાય છે.
ઓશોના આ શબ્દોએ મારી અંદર જે હલચલ મચાવી છે તે તમારી સાથે શેર કરી રહ્યો છું. આપણે ભયભીત બનીને ભટકતા થઈ ગયેલા લોકો છીએ. આબરૂ, પૈસા, પ્રેમ, સ્વાસ્થ્ય – બધાની બાબતમાં ડરીએ છીએ. કશુંક કરવું છે તો વિચાર આવશે કે આવું કરવાથી મારી આબરૂ જતી રહેશે તો? હું હાંસીપાત્ર બનીશ તો? કશુંક નહીં કરું તો મારી પ્રતિષ્ઠામાં ઉમેરો નહીં થાય એવા ડરથી આપણે બીજાની આંગળીને ઈશારે નાચતા થઈ ગયા છીએ. જે કંઈ પૈસા કમાયા છીએ તે જતો રહેશે તો? જિંદગીમાં ધારીએ છીએ એટલા પૈસા નહીં કમાયા તો? જેને ચાહીએ છીએ એનો પ્રેમ પ્રાપ્ત નહીં થયો તો? જેનો પ્રેમ પામ્યા છીએ તેનો પ્રેમ ઓસરી ગયો તો? બીમાર પડીશું તો? મરી જઈશું તો?
સવારના ઊઠ્યા ત્યારથી રાતના પથારીમાં પડીએ ત્યાં સુધી ડરી ડરીને જીવીએ છીએ. બેફિકરાઈથી જીવવાનું આપણે ભૂલી ગયા છીએ. બેફિકરાઈ અને બેજવાબદારી – બેઉ અલગ વાતો છે, જમીનઆસમાનનું અંતર છે બંને વચ્ચે. તબિયત માટેની બેફિકરાઈ એ નથી કે રોજ અડધી બૉટલ દારૂ પીને ઓશોને યાદ કરીને વિચારવું કે એમણે જ તો કહ્યું છે કે ડરવાનું નહીં, આપણે પણ ડર્યા વિના જીવીએ છીએ, તબિયતનું જે થવાનું હોય તે થાય, આજની પળ જીવી લો, વહેણમાં વહેતા જાઓ – તરવાની કોશિશ નહીં કરો, રજનીશે તો કહ્યું હતું.
સગવડિયા દલીલબાજો માટે રજનીશજી નથી. સગવડિયા દલીલબાજો માટે આ લખાણ પણ નથી. સગવડિયા દલીલબાજો માટે આ દુનિયા જ નથી.
દારૂ અને તબિયતવાળા ઉદાહરણ પછી પ્રતિષ્ઠા, પૈસો, પ્રેમ વગેરેની બાબતોમાં કોઈ વિકૃત તર્કભરી દલીલો કરી શકે છે. એમને સમજાવવાનું માત્ર એટલું જ કે સંભવિત પરિણામો વિશેની કલ્પના હોવા છતાં, એ પરિણામોમાં રહેલી દુષ્પરિણામોવાળી બાજુ ઓગળી જાય એવી તાકાત જેનામાં છે તે જ બેફિકરાઈથી જીવી શકે.
જ્યારે બેજવાબદાર લોકો એ છે જેઓ પરિણામો વિશે વિચારતા નથી અને કોઈ વખત વિચારે છે તો એમાં રહેલી દુષ્પરિણામોવાળી બાજુને ઓગાળવાની ત્રેવડ ધરાવતા નથી. એટલું જ નહીં પોતાની બેજવાબદારીના પરિણામ બદલ બીજાઓ જવાબદાર છે એવી એટિટયુડ જેમની છે એ લોકો માટે ન તો રજનીશ છે, ન આ કૉલમનાં લખાણો છે, ન આ દુનિયા છે.
ડર આપણી પાસે બીજાઓનું ધાર્યું કરાવે છે. તમારું ધાર્યું કરવું હોય તો મનમાંથી ડર કાઢી નાખવો પડે. કોઈ શું કહેશે એનો ડર આપણા પગની જંજિર છે. કોઈ શું કહેશે એવું વિચાર્યું એ જ ઘડીએ આપણા જીવનની લગામ કોઈના હાથમાં જતી રહી. પછી એ શું કહેશે એવું વિચારીને જ આખી જિંદગી જીવ્યા કરવાનું.
આપણે કલ્પના કરી લીધી છે હું આવું કરીશ તો સમાજમાં મારી આબરૂ નહીં રહે. આને કારણે આપણે જે કરવું છે, જે રીતે જીવવું તે રીતે કરી શકતા નથી તે રીતે જીવી શકતા નથી. સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા માટે જો હું અમુક રીતે નહીં વર્તું કે અમુક કામ નહીં કરું તો નહીં ચાલે એવું આપણે માની લીધું છે. આ ડરને કારણે આપણે ખૂલીને જીવી શકતા નથી. ઘૂંટાઈ ઘૂંટાઈને જીવ્યા પછી જ્યારે એક દિવસ ખબર પડે છે કે આ રીતે જીવવાનો કોઈ અર્થ નથી ત્યારે જોઈએ છીએ કે આ કેદમાંથી નીકળવાનો કોઈ માર્ગ નથી.
માર્ગ છે. એ માર્ગનું નામ ઓશો મહામાર્ગ છે, રજનીશ એક્સપ્રેસ વે એને કહે છે, જ્યાં મોટા અક્ષરે લખેલું પાટિયું છે: જાગ્યા ત્યારથી સવાર.
આપણા જીવન પર કાબૂ મેળવવા માટે આપણને ડરાવી દેવામાં આવે છે. મારું કહ્યું નહીં માને તો બાવો આવીને પકડી જશે એવું કહેનારી માતા બાળકમાં ડર પેદા કરે છે જેથી બાળક એના કહ્યામાં રહે. આવા એકાધિક ડરથી સીંચાયેલી જિંદગી ટીનેજર બનતા સુધીમાં તો સાવ બીબાંઢાળ બની જતી હોય છે. ભણતી વખતે, કમાતી વખતે, સંસાર માંડતી વખતે, બાળકોનો ઉછેર કરતી વખતે, બાળકો મોટાં થઈ ગયા પછી સતત ડરથી ભરેલી જિંદગી જીવતા લોકો હવે બીજાને ડરાવતા થઈ જાય છે. પોતે પોતાની જિંદગી પોતાના કાબૂમાં નહીં રાખી શક્યા એટલે હવે તેઓ બીજાની જિંદગી પર નિયંત્રણ કરવા ઉતાવળા થઈ ગયા છે. એમની પાસે પણ હથિયાર તો એ જ છે – ડર. બીજાઓમાં ડર પેદા કરો તો જ એ તમારા કહ્યામાં રહેશે. બાવો આવીને તમારી પ્રતિષ્ઠા, પૈસો, પ્રેમ બધું જ લઈ જશે એવા ડરમાં લોકોને રાખો. તો જ લોકો તમારા કહ્યામાં રહેશે.
મોડે મોડે સમજાય છે કે મા જેનો ડર સંતાનને દેખાડતી હતી તે બાવો કોણ છે. આ બાવો એટલે સમાજ. આ બાવો એટલે પરિવાર, આ બાવો એટલે મિત્રો-સગાં-સંબંધી-પરિચિતો. આ બાવો એટલે તમારા સિવાયની આ દુનિયાની દરેક વ્યક્તિ ચાહે એ તમારા જ ઘરમાં રહેતી હોય, ચાહે એ તમારા કુટુંબની હોય.
ડરની ગ્રંથિ કુદરતે આપણા અસ્તિત્વ માટે જોખમ ઊભું થાય ત્યારે સાવચેત થઈ જવાની ઘંટડીરૂપે મૂકી છે. પણ કોણ જાણે કેમ આપણને આ ઘંટડીનો રણકાર એટલો ગમી ગયો છે કે આપણે ચોવીસે કલાક એને વગાડ્યા કરીએ છીએ. સળગતું લાકડું હાથમાં લેતાં હું ડરું કે બત્રીસમા માળની અગાસી પરથી નીચે ઝંપલાવતા તમે ડરો તો એ સારું છે, કારણ કે એવું કરવામાં આપણા અસ્તિત્વ માટે જોખમ ઊભું થાય છે.
કોઈનું ખૂન કરતાં કે બૅંક લૂંટતા કે કોઈને ગાળ આપતા આપણે ડરીએ છીએ તો ડરવું જ જોઈએ, કારણ કે એવું કર્યા પછી આવનારા દુષ્પરિણામોથી આપણે બચી શકવાના નથી. બહાદુરી આવા ડરમાંથી મુક્ત થવામાં બતાવવાની નથી. હિંમત એવા તમામ ભયને ખંખેરીને જીવવાનું શરૂ કરવામાં દેખાડવાની છે જે ડર-ભયને લીધે અત્યાર સુધી આપણે કુંઠિત બનીને જીવતા રહ્યા. મોકળા મને જીવવાની શરૂઆત કરવાના ભાગરૂપે ડરમુક્ત થવાનું છે.
બાકી તો તમે જાણો જ છો: જો ડર ગયા સો મર ગયા.
આજનો વિચાર
સુખ સમજતું રહ્યું જગત જેને
એવા દુખની દવા કરે કોઈ
– ‘મરીઝ’
એક મિનિટ!
બકો: લંડનથી કંઈ મગાવવું છે તારે?
પકો: કેમ? કોણ આવે છે?
બકો: માલ્યા.
કોઈ કવિની (કદાચ મકરંદભાઈ) કવિતાની પંક્તિ છે– ફીકરની ફાકી કરીને…
મારા પ્રિય રજનીશજીની વાત સમજાવતો મસ્ત લેખ …
Excellent for awakening my soul .
Superb
એકદમ સચોટ લેખ..
We love osho..
વાહ બોસ અફલાતુન. બેફીકરાઈ અને બેજવાબદારી વાત ખૂબ ગમી.
“Simply Superb”