(gujarati.opinida.com ગુજરાતી ઑપઇન્ડિયા માટેની મારી વીકલી કૉલમ ‘લેફ્ટ, રાઇટ અને સેન્ટર’નો આ સપ્તાહનો લેખ ઘણો લાંબો લખાયો છે પણ નિરાંતે બેસીને વાંચવા જેવો છે. આપણે રોજ જે સમાચાર વાંચીએ છીએ કે સાંભળીએ છીએ અને એ વિશે વિચારીએ છીએ કે આમાં આપણે શું સ્ટાન્સ લેવો જોઈએ તો આ બાબતે તમારી ક્લેરિટી વધે એવી વાતો આ લેખમાં છે.)
(લેફ્ટ,રાઈટ અને સેન્ટર : ઑપઇન્ડિયા, 11 જાન્યુઆરી 2025)
મનરેગા, વોટચોરી, ઈવીએમ, નોટબંધી, ઉન્નાવ રેપ કેસ, ફાર્મર્સ બિલ, 2002નાં રમખાણો. કેટલા કિસ્સા તમને જણાવું. આ અને આવા ડઝનબંધ બનાવો બને છે ત્યારે દેશની એક ચોક્કસ પાર્ટીના અને એક ચોક્કસ પ્રજાના દલાલો હકીકતોને તોડીમરોડીને એવી રજૂઆત કરતા થઈ જાય છે કે તમે ચકરાવે ચડી જાઓ– આમાં સાચું શું અને ખોટું શું? એક જમાનામાં મેઇન સ્ટ્રીમ મીડિયાના કેટલાક બદમાશ બાઘડાઓ આ રીતે ફેક નરેટિવ ઘડીને વાચકોને અને દર્શકોને ભરમાવતા. હવે આ કામ ટીવી ચેનલોમાંથી નવરા પડેલા યુટ્યુબરોએ ઉપાડી લીધું છે. એમને સાથ આપવા માટે અમુક ટ્વિટરિયાઓ તત્પર હોય છે. કેટલીક ન્યુઝ ચેનલો તથા અમુક તોતિંગ અખબાર ગૃહો, પુસ્તક પ્રકાશનગૃહો અને મેગેઝિન છાપનારાઓ પણ આ દુષ્ટકાર્યમાં ભાગીદાર થવા આતુર હોય છે.
ભારત માટે ગૌરવ થાય એવી કોઈ પણ ઘટના બને, દેશની પ્રજાના હિતમાં હોય એવો કોઈ પણ નિર્ણય મોદી સરકાર દ્વારા લેવાય કે તરત જ ‘સ્ક્રોલ’, ‘ન્યુઝલોન્ડ્રી’ વગેરેથી માંડીને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ વગેરે તથા રાઠી-રવિશ જેવા યુટ્યુબરો તાબડતોબ પબ્લિકને ભરમાવવાનું શરૂ કરી દેતા હોય છે. આવું કરવામાં તેઓ એક સેકન્ડ પણ બરબાદ કરતા નથી. સત્યને અને હકીકતને ઢાંકીને કે એને તોડીમરોડીને, મિસક્વોટ કરીને કે સિલેક્ટિવલી ક્વોટ કરીને કે પછી પૂરતા સંદર્ભ વિના વાક્યો/આંકડાઓ/વિગતો ઉઠાવીને આ રાક્ષસો મોદીના રાષ્ટ્રયજ્ઞમાં હાડકાં નાખવા આવી પહોંચતા હોય છે.

ખોટા નરેટિવ સેટ કરવાનો આ બદમાશોનો એક માત્ર આશય એ હોય છે કે સરકારની છબી ખરડો, મોદીના કરોડો મતદારોને ભરમાવીને ભાજપનો વોટરબેઝ તોડો જેથી આગામી ચૂંટણીમાં દેશને વડા પ્રધાન તરીકે રાહુલ ગાંધી જેવો 60 વર્ષનો ‘યુવાન’ પ્રાપ્ત થાય.
ભ્રામક ન્યુઝને ફેલાવીને તેઓ આ બનાવટી આંકડા/વિગતોના આધારે વિશ્લેષણ કરતા થઈ જાય છે. તેઓ એનાલિસિસ એટલી ગંભીરતાથી કરે છે કે સાંભળનાર, વાંચનારને એમ લાગે કે તેઓ જે વિગતોના આધારે અભિપ્રાય પ્રગટ કરી રહ્યા છે તે વિગતો પર કોઈ પ્રકારની શંકા કરવા જેવું છે જ નહીં. ખાટલે મોટી ખોડ એ હોય છે કે એમનું વિશ્લેષણ જેના આધારે રજૂ થતું હોય છે તે વિગતો જ ખોટી હોય છે.
બહુ જ ટૂંકમાં આપણે જોઈએ. આરંભમાં આપેલા કિસ્સાઓ વિશે એક-એક સ્વતંત્ર લેખ થઈ શકે પણ આપણે એક-એક વાક્યમાં જોઈ લઈએ. પણ મનરેગા વિશે જરા વિગતે જાણીએ.
ગરીબોને રોજીરોટી મળી રહે એ માટે અનેક દેશોમાં રોજગાર માટેની યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. ભારતમાં પણ ખપ પૂરતી આજીવિકા મળી રહે તે માટે સરકાર દ્વારા રસ્તાઓ બાંધવાથી માંડીને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી અનેક યોજનાઓ દાયકાઓ પહેલાં શરૂ થઈ હતી. જૂના જમાનામાં દુકાળ કે કુદરતી આપત્તિ વખતે લોકો ભૂખે ન મરે એટલે દયાળુ રાજાઓ તળાવ ખોદાવીને કે એવાં કામો કરાવીને પ્રજાને મજૂરી આપતા.
એવી જ ભાવનાથી સરકારો આ પ્રકારની સ્કીમ ચલાવતી હોય છે. ભારતની નેશનલ રૂરલ ડેવલપમેન્ટ ગેરેન્ટી સ્કીમને 2005માં સોનિયા સરકારે મહાત્મા ગાંધીનું નામ આપીને ગાંધીજીને ફરી એકવાર વટાવી ખાવાનો પ્રયત્ન કર્યો. NREGA સ્કીમ હવે મનરેગા તરીકે ઓળખાવા લાગી.
કોંગ્રેસ શાસન હેઠળ આ યોજના હેઠળ હજારો કરોડ રૂપિયા ખર્ચાતા. 2013-14ના બજેટમાં મનરેગા માટે ₹33,000 કરોડ ફાળવવામાં આવેલા. કોંગ્રેસ બીઇંગ કોંગ્રેસ. આ તોતિંગ રકમમાંથી ગરીબ મજૂરોનું ભલું થવાને બદલે વચેટિયાઓનાં ગજવાં ભરાતાં અને એ પહેલાં નેતાઓ મલાઈ ખાઈ જતા.
આ ભ્રષ્ટાચાર રોકવા માટે મોદી સરકારે જનધન યોજના હેઠળ દેશના નાનામાં નાના માણસ પાસે બેન્ક ખાતું ખોલાવ્યું. આજે આવાં કરોડો ઝીરો બેલેન્સ બેન્ક અકાઉન્ટમાં સરકાર વચેટિયાની મદદ વિના સીધા પૈસા જમા કરે છે. એક ઝાટકે કોંગ્રેસીઓનો ગરાસ લૂંટાઈ ગયો.
એક મહિના પહેલાં સરકારે મનરેગા યોજનાનો વિસ્તાર કર્યો. 100ને બદલે 125 દિવસ માટે રોજગારી આપવાનો નિર્ણય લેવાયો. ઉપરાંત ખેતીની પીક સિઝનમાં આ યોજનાને તત્પૂરતી થંભાવી દેવી એવી નીતિ ઘડાઈ જેથી કૃષિઉદ્યોગને ખરા ટાણે ખેતમજૂરોની તંગી ન નડે. આ ઉપરાંત માત્ર કેન્દ્ર તરફથી આ યોજનાને નાણાં મળે તેને બદલે કેન્દ્ર-રાજ્ય ભાગીદારીમાં આ યોજના અમલમાં મૂકવાની જોગવાઈ થઈ જેથી વધુ નાણાં ગરીબો સુધી પહોંચી શકે.
ગયા વર્ષે આ યોજના હેઠળ ₹86,000 કરોડ વાપરવાનું બજેટ હતું. આ વર્ષે લગભગ બમણા– ₹1.51 લાખ કરોડ ખર્ચાશે.
આ અને આવા તમામ ફેરફારો દ્વારા રોજગાર યોજનાનું સ્વરૂપ ઘણુંખરું બદલાયું છે એવી જાણકારી લોકોને થાય તે માટે એનું નવું નામ આપવામાં આવ્યું. હવે એ યોજના ‘મનરેગા’ને બદલે ‘વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ‘ગ્રામીણ’ એક્ટ, 2025’ના નવા, વધુ પ્રસ્તુત એવા નામે આગળ વધશે. મનરેગાની જેમ હવે આ યોજનાનું ટૂંકું નામ ‘VB-G RAM G’ થયું છે. સંભવતઃ લોકો એને ‘જી રામ જી’ના હુલામણા નામે ઓળખશે.
મીડિયામાંના કોંગ્રેસી પિઠ્ઠુઓએ આ યોજનાની વિશાળતા અને અસરકારકતાની વિગતો આપીને એને વખાણવાને બદલે શું કર્યું? વિગતોને તડકે મૂકીને એક જ નરેટિવ ચલાવ્યો કે મોદીએ ગાંધીજી પ્રત્યેના દ્વેષને લીધે ગાંધીજીનું નામ હટાવી દીધું અને હિંદુ વોટ બૅન્કને ખુશ કરવા સરકારી યોજનાનું ભગવાકરણ કરીને એને રામના નામ સાથે જોડી દીધી.
આ અપપ્રચાર જોરશોરથી થયો. પ્રજા ભરમાવા માંડી. ભરમાવનારાઓને ખબર છે કે યોજનાની વિગતોમાં સામાન્ય પ્રજા ઊંડે ઉતરવાની નથી. અમુક અટપટી વિગતો સમજવાનું ગજું પણ કંઈ બધામાં હોતું નથી, મોટાભાગનાઓને તો ઈચ્છા પણ નથી હોતી– ‘કોણ એમાં ઊંડે ઊતરે’. પણ નરેટિવ સેટ કરનારાઓ જ્યારે મોદી ગાંધીજીને હટાવીને રામનું નામ લઈ આવ્યા એવું ભજન શરૂ કરે ત્યારે સ્વાભાવિક છે કે કરોડો લોકો મંજીરા, કરતાલ લઈને એમની સાથે જોડાઈ જાય.
આનો ફાયદો કોને થવાનો? ભરમાઈ ગયેલી પ્રજા ચૂંટણીમાં વોટ આપતી વખતે સરકારે કરેલું સુંદર કાર્ય યાદ નહીં રાખે પણ ‘ગાંધીજીને હટાવીને રામજીને લાવ્યા’ એવો અપપ્રચાર એમના મનમાં જડાઈ જશે. એડવાન્ટેજ– કોંગ્રેસને.
આવું જ અન્ય ડઝનબંધ કિસ્સાઓમાં સ્પેશ્યલ રિવિઝન ઑફ વોટર્સ લિસ્ટ જેવી ઘૂસપેઠિયા મતદારોને યાદીમાંથી દૂર કરવાથી સઘન પ્રક્રિયાને ‘વોટચોરી’નું નામ આપીને દેશને ભરમાવવામાં આવ્યો. કૉંન્ગ્રેસ હારે છે એનું કારણ ઈવીએમ છે એટલે એને દૂર કરીને ફરી પાછા કાગળના મતપત્રકોની જુનવાણી પદ્ધતિ લઈ આવવાની જોરશોરથી માગણીઓ થઈ. આ શોરબકોરમાં મીડિયાના પિઠ્ઠુઓ ક્યારેય કહેતા નથી કે કર્ણાટકમાં મોદીવિરોધી સરકાર રચાઈ કે તમિલનાડુમાં અને પશ્ચિમ બંગાળમાં મોદીના દુશ્મનો ગાદી પર બેઠા તે ચૂંટણી ઈવીએમથી જ થઈ છે. આની સામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારો જંગી બહુમતી મેળવે છે અને એ વખતે ઇવીએમ નહીં પણ કાગળના બેલેટ પેપર વપરાતા હોય છે.
પણ વોટચોરીનો તથા ઈવીએમ વિરુદ્ધનો અપપ્રચાર એ હદ સુધી થયો કે સામાન્ય મતદાર આવા ભ્રામક નરેટિવમાં તણાઈ પણ જાય.
આ જ રીતે નોટબંધીને લીધે બજારમાં ફરતી ટેક્સ ભર્યા વગરની તમામ ચલણી નોટો બેન્કમાં જમા થઈ ગઈ જેના પર આવકવેરો ભરવો પડ્યો તેમજ પાકિસ્તાન દ્વારા છપાતી ભારતની બનાવટી ચલણી નોટોનો વેપાર ભાંગી પડ્યો જેને કારણે આતંકવાદીઓની પ્રવૃત્તિઓને મળતું ફંડિંગ ખોરવાઈ ગયું. આ નોટબંધીની ઉપલબ્ધિઓ છે. આ જ કારણસર નોટબંધી કરવામાં આવી. પણ 2016માં નોટબંધી વિરુદ્ધ એવો અવળો પ્રચાર થયો કે લોકો એની સચ્ચાઈની વિગતોમાં ઊંડા ઉતરવાને બદલે વિપક્ષે આપેલા ખોટા આંકડાઓ વાંચીને હજુય મોદીને નોટબંધી માટે કોસ્યા કરે છે.
ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સિંહ સેન્ગરને કેવી રીતે ફસાવવામાં આવ્યો તેની હકીકતો લોકો સુધી પહોંચાડવાને બદલે લેફ્ટિસ્ટો અને દેશવિરોધીઓ સેન્ગર ભાજપનો ભૂતપૂર્વ વિધાનસભ્ય છે એવું ગાણું ગાઈને ભાજપની, મોદીની ઇમેજ ખરડવા માટે દિવસ-રાત ઉજાગરા કરતા રહ્યા. બે વાત ભાગ્યે જ તમારા ધ્યાનમાં આવી હશે. એક તો સેન્ગરને અંગત અદાવતને કારણે સ્થાનિક લોકોએ, ભોગ બનેલી બાળાનાં સગાંઓએ કેવી રીતે ફસાવ્યો તે વિગતો મીડિયાએ બહાર આવવા દીધી નહીં. બીજું, સેન્ગર 2017થી 2019 દરમ્યાન ભાજપનો વિધાનસભ્ય હતો. મૂળ એ કૉંન્ગ્રેસી છે. રાહુલ, સોનિયા અને અન્ય કૉંન્ગગ્રેસીઓની જેમ જ એ 1990ના દશકના આરંભથી 2002 સુધી કૉંન્ગ્રેસનો વફાદાર સેવક હતો. ત્યારબાદ પાટલી બદલીને માયાવતીની બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટણી લડીને વિધાનસભ્ય બન્યો. બસપાએ એને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કાઢી મૂક્યો એ પછી ઉત્તર પ્રદેશમાં ગુંડારાજનો વિસ્તાર કરનારી મુલાયમ સિંહની સમાજવાદી પાર્ટીમાં જોડાઈને 2007 અને 2012ની ચૂંટણીમાં જીતીને વિધાનસભ્ય બન્યો. 2015માં સેંગરની પત્ની અપક્ષ લડીને જિલ્લા પંચાયતમાં ચૂંટાઈ ત્યારબાદ સપાએ સેન્ગરને ભાવ આપવાનું બંધ કર્યું એટલે 2017ની ચૂંટણીમાં એ ભાજપની ટિકિટ પર વિધાનસભ્ય બન્યો.
ભાજપનો વાંક હોય તો એ એટલો કે આવા માણસને ટિકિટ આપી. પણ એના પર રેપનો આક્ષેપ આવ્યો કે તરત જ એને ભાજપમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આટલી દીવા જેવી સ્પષ્ટ વિગતો હોવા છતાં ઉન્નાવ રેપ કેસનો નરેટિવ શું ઘડ્યો? લોકોના મનના એક ખૂણે એક વાત ચોંટી ગઈ કે ભાજપ તો બળાત્કારીઓનો પક્ષ છે.
ફાર્મસ બિલ દેશના ખેડૂતોને વચેટિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવીને ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવા માટે લાવવામાં આવ્યાં હતાં. પણ રાષ્ટ્રવિરોધી તત્ત્વોએ એનો વિરોધ કરીને સિવિલ વૉરની આરે આવીને ઊભો રહે એવું આંદોલન કર્યું. મોદીએ સમયસૂચકતા વાપરીને બળપ્રયોગ કરવાને બદલે ત્રણેય બિલ પાછાં ખેંચી લેવાની ચાણક્યનીતિ વાપરી.
2002ના ગોધરા હિન્દુ હત્યાકાંડના પગલે સર્જાયેલાં કોમી રમખાણોમાં મુસ્લિમોનું જાતિનિકંદન નીકળી ગયું એવો નરેટિવ સેક્યુલર બદમાશોની ગેંગોએ ઊભો કર્યો. શંકરસિંહ વાઘેલા જેવા પેટના બળેલા નેતાઓ તો હજુય ગાણું ગાઈ રહ્યા છે કે એસ-સિક્સ ડબ્બાને મુસ્લિમો દ્વારા બહારથી નહતો સળગાવવામાં આવ્યો પરંતુ તેમાં પ્રવાસ કરતા હિંદુઓએ જ એને અંદરથી સળગાવ્યો હતો. તમામ તપાસ પંચ અને હાઇકોર્ટ જ નહીં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મોદીને ક્લીન ચિટ મળી ગઈ હોવા છતાં મોદીને (અને હિંદુઓને) હજુય મોતના સોદાગર તરીકે ચીતરવાનું ચાલુ છે એટલું જ નહીં મીડિયામાંના કેટલાક દલાલો હજુય સજ્જડપણે માને છે કે રમખાણો કરાવવામાં મોદીનો જ હાથ હતો.
તો મિત્રો આ અને આવી અનેક નરેટિવ વૉર આપણે જોઈ છે. ભવિષ્યમાં પણ જોવાના.
આની સામે સાચા ભારતીયોએ, રાષ્ટ્રપ્રેમીઓએ, સનાતન સંસ્કારોમાં શ્રદ્ધા ધરાવનારાઓએ શું કરવું જોઈએ? આ સવાલોના જવાબ આપતાં પહેલાં એક વાત જાણી લઈએ.
જાહેર જીવનમાં, રાજકારણમાં (અને આમ જોઈએ તો પર્સનલ લાઈફમાં પણ) તમે માત્ર સાચા હો તે પૂરતું નથી, તમે સાચા છો એવું દેખાવું પણ જોઈએ. બીજાઓ સુધી તમારી સચ્ચાઈ પહોંચવી જોઈએ. તમારા વિરુદ્ધ કોઈએ અપપ્રચાર કરીને, બીજાઓને ભરમાવીને તમારી ઇમેજ બગાડવાની કોશિશ કરી હોય તો તમારી ફરજ છે કે પૂરતી સત્ય હકીકત રજૂ કરીને તમારે તમારી વાત બીજાઓ સુધી પહોંચાડવી જોઈએ. દરેક વખતે તમારા પર થતા આક્ષેપોના ખુલાસા કરવા જરૂરી નથી હોતા. એવી રીતે ખુલાસો કરવા બેસશો તો તમે તમારું કામ ક્યારે કરશો?
વિરોધીઓ તમારી એકાગ્રતા ખોરવવા, તમારા કર્મની ગતિ રોકવા, તમે મૂળ લક્ષ્ય પાછળ તમારી શક્તિ ખર્ચવાને બદલે ખુલાસાઓ કરવામાં સમય બગાડો એ હેતુસર બેબુનિયાદ આક્ષેપો કરતા હોય છે. ક્યારે, કઈ બાબતોના ખુલાસાઓ કરવા અને કેટલી સ્પષ્ટતાઓ કરવી તેનો કોઈ ચોક્કસ નિયમ નથી ઘડાયો પણ સમયસંજોગો જોઈને નક્કી કરવાનું હોય.
એક આડ વાત. આપણે ભારતમાં રહેલા દેશદ્રોહીઓને કેવી રીતે ખોટા નરેટિવ સેટ કરે છે તેની ચર્ચા કરી. ‘ઑપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાન ઉઘાડું પડી ગયું આવી તરકીબ વાપરીને ભારતને બદનામ કરતી વખતે. પાકિસ્તાની લશ્કરનો એક વિભાગ છે ‘ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ.’ (આઈ.એસ.પી.આર). કહેવા ખાતર તો આ વિભાગની જવાબદારી પાકિસ્તાનના લશ્કરને લગતી માહિતી પાકિસ્તાનના મીડિયા દ્વારા પાકિસ્તાનની પ્રજાને પહોંચાડવાની છે. વધુ વિગતો તમને ગૂગલ સર્ચ કરવાથી મળી જશે. ‘ઑપરેશન સિંદૂર’ પછી આઈ.એસ.પી.આર દ્વારા ભારે અપપ્રચાર થયો કે ભારતનાં આટલાં વિમાનો અમે તોડી પાડ્યાં, ભારત ઘૂંટણિયે પડી ગયું, ભારતને હરાવી દીધું, છેવટે ભારતે યુદ્ધવિરામ માટે કાલાવાલા કર્યા, પ્રેસિડન્ટ ટ્રમ્પને વચ્ચે પડીને સમાધાન કર્યું વગેરે.
આ અપપ્રચારને ઉઘાડો પાડવામાં ભારતની સરકારે સહેજ મોડું કર્યું. ત્યાં સુધીમાં પાકિસ્તાનનું નાપાક જુઠ્ઠાણું જગતમાં ફેલાઈ ગયું, દેશમાં જે રહેલા દેશના દુશ્મનો (જેવા કે રાહુલ ગાંધી વગેરે) ભારત પર આંગળી ચીંધતા થઈ ગયા. એક તબક્કે લાગ્યું કે આપણો દેશ સાચો હોવા છતાં આપણે પોતાની સચ્ચાઈ સમયસર પુરવાર કરી શક્યા નહીં. આપણા વિશેનો જે ગલત પર્સેપ્શન ઘડવામાં આવ્યો તેનો લાભ પાકિસ્તાનીઓ અને કૉન્ગ્રેસીઓએ ઉઠાવ્યો.
આ જમાનો દરેક ક્ષેત્રમાં નરેટિવની વૉરનો જમાનો છે. આ જમાનો આ નરેટિવને કારણે સર્જાતા પર્સેપ્શનથી થતા નુકસાનમાંથી બચવાનો જમાનો છે. પર્સેપ્શનની વૉરમાં જો આપણે હારી જઈશું તો સાચા હોવા છતાં જુઠ્ઠા પુરવાર થઈશું અને જે કામોને કારણે આપણને ફાયદો થવાનો હોય એ જ કામોને કારણે નુકસાન થવા માંડશે, લોકો તમારા સપોર્ટમાંથી દૂર થતા જશે અને લોકસભાની ચૂંટણી પર જો એની અસર પડશે તો? તો ભવિષ્યનું ચિત્ર બિહામણું બની જશે.
તો કરવું શું? શું સાચા લોકોએ પણ પોતાના વિરોધીઓ, દુશ્મનો સામે નરેટિવની વૉર ચાલુ કરવી? કરી શકાય પણ જૂઠનો સામનો જૂઠથી કરવામાં જોખમ છે. એવી પ્રક્રિયાનાં લાંબા ગાળાનાં પરિણામો માઠાં જ હોવાનાં.
ભ્રમજાળ ફેલાવતા નરેટિવની વૉર સામે પર્સેપ્શનની વૉરનું શાસ્ત્ર સમજીને, એનાં શસ્ત્રો સજાવીને મેદાનમાં ઉતરવું પડશે. જેમ અણુયુદ્ધની બાબતમાં ભારત સ્પષ્ટ છે કે આપણે કોઈ પણ દેશની સામે અણુશસ્ત્રોનો પ્રથમ ઉપયોગ નહીં કરીએ પણ જો કોઈ આપણા પર અણુહુમલો કરશે તો આપણે સામે અણુહુમલો કરીને એ દેશને દુનિયાના નકશા પરથી ભૂંસી શકીએ એવી અણુશક્તિ ધરાવીએ છીએ.
નરેટિવ વૉરની બાબતમાં પણ આ જ રીતે સજ્જ થવું પડે. ભારત માટેનો પર્સેપ્શન, ભારતની ઈમેજ જ્યારે-જ્યારે ખરડાય ત્યારે આપણા માટે લાંબા ગાળે નુકસાનકારક જ પુરવાર થશે. ભારત સરકારે નરેટિવ વૉર કરવાવાળા સામે અનેક દિશાઓમાંથી પગલાં લેવાનું શરૂ કરવું જોઈએ.
પાંચ મુદ્દા છે, જેમાંના ચાર સરકાર કે સત્તાવાળાઓના બસની વાત છે અને છેલ્લો મુદ્દો આપણે સમજવાનો છે:
1) કોઈ પણ બાબતે વિધ્વંસ કરવાનું કામ સહેલું હોય છે, સર્જન કે નિર્માણ કરવાનું કામ કપરું હોય છે. મકાન, શિલ્પ કે કોઈની ઇમેજ– તોડવાનું કામ સહેલું છે. એનું સર્જન કરવાનું કામ અઘરું હોય છે. તોડવામાં વાર નથી લાગતી. એક ધડાકે પણ ક્યારેક તો એ કામ થઈ જતું હોય છે. એ જ મકાન, શિલ્પ, ઇમેજ વગેરેનું નિર્માણ કરતાં મહિનાઓ– ક્યારેક તો વર્ષો વીતી જતાં હોય છે. આટલું સમજીને સરકારે કે લાગતાવળગતા સત્તાવાળાઓએ વિરોધીઓના નરેટિવની સામે પોતાના પર્સેપ્શનને લોકો સુધી પહોંચાડવા માટે એક લાંબાગાળાની સ્ટ્રેટેજી ઘડવી જોઈએ. એ કામ કરવામાં સરકારના બ્યુરોક્રેટ્સને મીડિયા તથા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ હોય અને જેમની પહોંચ લાખો વાચકો/દર્શકો સુધી હોય એવા રાષ્ટ્રપ્રેમીઓ મદદ કરી શકે.
2) લાંબા ગાળાની સ્ટ્રેટેજી ઘડીને અમલમાં મૂકાય ત્યાં સુધી રાહ જોઈને હાથ પર હાથ રાખીને બેસી રહેવાની જરૂર નથી. ભારત પાસે રાષ્ટ્રીય સ્તરે સંજુ વર્મા અને સુધાંશુ ત્રિવેદી જેવી તેમજ ગુજરાતના સ્તરે નવસારીના મહેશ પુરોહિત જેવી કેટલીક પ્રતિભાઓ છે જેઓ આદર્શ પ્રવક્તા છે. એમની પાસે નક્કર વિગતોનો ભંડાર હોય છે. એમની પાસે છેલ્લામાં છેલ્લી ઘડીના અપડેટ્સ હોય છે. વિષયનું બેકગ્રાઉન્ડ હોય છે. કોણ કેવી બદમાશી કરીને ખોટા નરેટિવ સેટ કરી રહ્યું છે તે વિશેની પૂરેપૂરી જાણકારી હોય છે. સરકાર, ભારતીય જનતા પક્ષ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે સંજુ, સુધાંશુ, મહેશભાઈની કક્ષાના સેંકડો (સેંકડો એટલે સેંકડો) પ્રવક્તાઓ હોય એ જરૂરી છે જેઓ પોતપોતાના વિષયમાં નિપુણ હોય, સ્વસ્થતાપૂર્વક પણ જ્યાં ઉશ્કેરાટ જરૂરી હોય ત્યાં આક્રમકતાથી ફેક્ટ્સ રજૂ કરી શકે અને જેમની અવેલેબિલિટી ટ્વેન્ટી ફોર બાય સેવન હોય. ન્યુઝના ફિલ્ડમાં ક્યારે શું બની જાય એ કંઈ કહેવાય નહીં.
આ માટેની કાર્યશાળાઓ જરૂર ચાલતી હશે, દરેક પ્રદેશમાં ચાલતી હશે. પણ આ કાર્ય માટે મોટું બજેટ તેમજ નિષ્ણાત તથા સંનિષ્ઠ અનુભવીઓની મદદ જરૂરી છે. રાતોરાત તમે સંજુ વર્મા વગેરે જેવી પ્રતિભાઓ પેદા ન કરી શકો પણ આ ક્ષેત્રમાં આવી બીજી કઈ કઈ પ્રતિભાઓ છે તે શોધીને એમને તૈયાર કરીને વિપક્ષોના ભસતા શ્વાન સામે છૂટા મૂકી દેવાનું કામ યુદ્ધના ધોરણે થવું જોઈએ.
3) દેશની ઇમેજ બગાડનારા, સાચાને બદલે જૂઠું પુરવાર કરવા માટે જીવનારા ડાબેરી દેશદ્રોહીઓ જ્યારે હાડોહાડ જૂઠું બોલતા હોય ત્યારે એમની સામે, કડક કાયદાકીય પગલાં લેવાવાં જોઈએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વચ્છંદતાનો ફરક જેમને ખબર નથી એમને ગાલ પર ડાબા હાથની સજ્જડ કાયદાકીય થપ્પડ પડે તે જરૂરી છે. આ માટે યુટ્યુબ વગેરે સોશિયલ મીડિયા વિરુદ્ધ પગલાં લેવાં પડે તો લેવાનાં. પ્લસ એ લોકો પાસે ફોજ છે, આપણા માટે નિષ્ઠાથી કામ કરનારાઓને ચૂપ કરી દેવા માટે વ્યવસ્થા સંભાળતી ફોજ છે જે હજારોની સંખ્યામાં ફેસબુકને કે યુટ્યુબ વગેરેને એક ક્લિક કરીને રિપોર્ટ કરે, ફરિયાદ કરે અને કાં તો એમને સસ્પેન્ડ કરાવે, બૅન કરાવે, કાં પછી એમની રીચ તદ્દન ઘટાડી નાખે.
ટ્વિટર પર નેત્રદીપક કામગીરી કરતા રાજકોટના વિજય ગજેરા દુશ્મનોને આવી ફોજના વિક્ટિમ છે. એમનું ટ્વિટર હેન્ડલ બે મહિનાથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઑલ્ટ ન્યુઝવાળા ઝુબૈર જેવા બદમાશોની સામે ફેક્ટ ચેક કરીને પોતાનું આગવું સ્થાન ઊભું કરનારા વિજય ગજેરા જેવા યોદ્ધાઓ વારંવાર ઘાયલ થઈને નિષ્ક્રિય ન થઈ જાય એ જોવા માટે અત્યારે જે આઈ. ટી સેલ વિવિધ ક્ષેત્ર, વિવિધ રાજ્યોમાં કાર્યરત છે તેના કરતાં કંઈકગણી પાવરફૂલ વ્યવસ્થા તાત્કાલિક ગોઠવાવી જોઈએ અને આવું કરવું અશક્ય નથી. ઇન ફેક્ટ સરકાર માટે, ભાજપ માટે કે સંઘ માટે જો તેઓ ધારે તો આવી વ્યવસ્થા ગોઠવવાનું કામ ડાબા હાથના ખેલ સમાન છે.
4) સરકારી તંત્રની વિશાળતા અને વ્યાપકતા એક બાજુ સરકારની એસેટ છે તો બીજી બાજુ એ જ લાયબિલિટી બની જાય છે. કમ્યુનિકેશનના વિશાળ તંત્રને કારણે સરકાર મોટા પાયે પોતાની વાત લોકો સુધી વ્યાપકપણે પહોંચાડી શકે છે પણ આ તોતિંગ તંત્ર વિશાળકાય હાથી જેવું છે. એને બેઠું થતાં વાર લાગે. ઘોડા કે સસલાની જેમ તે ચપળતાથી, તાત્કાલિક પ્રવૃત્ત નથી થઈ શકતું એટલે ખોટો નરેટિવ બજારમાં ફરતો થાય ત્યારે તાબડતોબ એની સામે સચ્ચાઈભરી વિગતો મૂકાતી નથી. જે કંઈ મિનિટો કે કલાકો કે ક્યારેક દિવસોનો વિલંબ થાય છે તેનો લાભ સામેવાળાઓને મળી જાય છે. સરકારી તંત્રનો દુરુપયોગ ન થાય તે માટે ચેક્સ અને બેલેન્સનાં જે સ્તરો ગોઠવાયાં છે તે જરૂરી છે પણ આ ગોઠવણ લાલ ફીતાશાહીમાં સરી પડે છે ત્યારે અક્ષમ્ય નુકસાન થાય છે. સરકારી અધિકારીઓ જવાબદારીનો ટોપલો એકબીજા પર ઢોળવાની રમતમાં વ્યસ્ત થઈ જાય છે. પ્રજાને માહિતી પહોંચાડવાનું સરકારોનું કે ભાજપનું કે સંઘ વગેરેનું તંત્ર ચુસ્ત હોવું જોઈએ.
5) પાંચમી વાત આપણને લગતી છે. સનાતન સંસ્કારોનો વારસો આપણે મેળવ્યો છે. રામ કોણ છે અને રાવણ કોણ છે એની આપણને જાણ છે. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન પર વિશ્વાસ થાય પણ દુર્યોધન-દુ:શાસન પર ના થાય તેની પણ આપણને જાણ છે. ભવિષ્યમાં જ્યારે જ્યારે મનરેગા, વોટચોરી, ઈવીએમ, નોટબંધી, ઉન્નાવ, ખેડૂત બિલ, ગોધરા જેવા ઈશ્યુઝ ઊભા થાય ત્યારે આપણે જોવું જોઈએ કે દરેક મુદ્દે આપણને ગુમરાહ કરનારાઓ, આપણી આંખમાં ધૂળ નાખીને સત્યથી વંચિત રાખનારાઓ અને વાતાવરણને પ્રદૂષિત કરીને અસલી મુદ્દો ચાતરીને બીજે ધ્યાન દોરાય એવું ષડયંત્ર રચનારાઓ કોણ છે. એમને ઓળખવાની શક્તિ ન હોય, એટલો સમય ન હોય કે એટલી સૂઝ ન હોય, ઈચ્છા ન હોય તો ભલે. એટલી તો તમને ખબર છે ને કે આ નરેટિવ વૉરની સામેની પર્સેપ્શન વૉરમાં રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, યુધિષ્ઠિર-ભીમ અને અર્જુન કોણ છે!
લાસ્ટ બૉલ
“કિસ્મત કી સબસે ખૂબસુરત આદત પતા હૈ, ક્યા હૈ? વો વક્ત આને પર બદલાતી હૈ.”
–‘ધુરંધર’ ફિલ્મમાં અજય સન્યાલ (અજિત ડોભાલ)નો રોલ કરનાર આર માધવન એમના ડેપ્યુટીને આ વાત કહે છે, જેમાં શ્રદ્ધા રાખીને માનવું જોઈએ કે નરેટિવ વિરુદ્ધ પર્સેપ્શનની વૉરમાં છેવટે તો રાષ્ટ્રપ્રેમીઓ અને સનાતનના સંસ્કાર સાચવવાવાળાઓનો જ વિજય થવાનો છે.
***
ૐ ૐ ૐ
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.
comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 90040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)
***
‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના માત્ર સુજ્ઞ વાચકોના સપોર્ટથી ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ (9820033511) અથવા ( hisaurabhshah@okaxis ) દ્વારા રકમ મોકલી શકશો. ‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો :
‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક
https://www.newspremi.com/cutting-chai-series-all-articles/











