‘સંપૂર્ણ સમાજને સંગઠિત કરવા સિવાય બીજું કોઈ કામ સંઘે કરવાનું નથી…કોઈને બાકાત નથી રાખવાના’ : સૌરભ શાહ

( લેફ્ટ, રાઇટ અને સેન્ટર: ગુજરાતી ઑપઇન્ડિયા ડૉટ કૉમ. ગુરુવાર, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬)

આર.એસ.એસ.ની શતાબ્દી નિમિત્તે સંઘની પ્રવૃત્તિઓ વિશે વધુને વધુ લોકોને જાણકારી મળે તે માટે ચાર મહાનગરોમાં અને દરેક રાજ્યનાં નાનાંમોટાં શહેરોમાં વ્યાખ્યાનમાળાઓનું આયોજન થયું. દિલ્હી, બૅન્ગ્લોર અને કલકત્તા પછી ગયા વીકએન્ડમાં મુંબઈમાં સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે બે દિવસના ચાર સત્રોમાં કુલ પાંચ કરતાં વધુ કલાક દરમ્યાન પોતાના વિચારો પ્રગટ કર્યા.

મોહનજી એક અત્યંત પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતા ઋષિપુરુષ સમાન સ્વસ્થ વિચારક છે. એમની પાસે અનેક વિષયનું અગાધ જ્ઞાન છે અને એ જ્ઞાનને પચાવીને, એનું અર્થઘટન કરીને એ વિશેની સમજ સરળ શૈલીમાં સામાન્ય લોકો સુધી પહોંચાડવાની આવડત પણ એમની પાસે છે. કોઈપણ સાચા જ્ઞાનીની જેમ તેઓ નમ્રતાપૂર્વક પોતાની વાત રજૂ કરતા હોય છે. સમાજમાં ઘણા છીછરા લોકો પણ હોય છે જેમની પાસે જ્ઞાન નહીં પણ માત્ર ગોખણપટ્ટી કે યાદશક્તિ દ્વારા અહીં-તહીંથી ઉછીની મેળવેલી માહિતી હોય અને પોતે ‘જ્ઞાની‘ થઈ ગયા છે એવા વહેમમાં ફરતા હોય. આવા ઘમંડી લોકોને સહેજ ખોતરશો કે તરત જ તમને એમના વ્યક્તિત્વમાં રહેલી આછકલાઈનો, તોછડાઈનો અને એમના ગટરછાપ સ્વભાવનો પરિચય થશે.

ડૉ. મોહન ભાગવત પાસેથી માત્ર સંઘના સ્વયંસેવકોએ જ નહીં, સમાજના આગેવાનો અને બૌદ્ધિકો સહિત નાનામાં નાના માણસે ઘણું શીખવાનું છે. ભારતના પ્રાચીન યુગના ઋષિઓ કેવા હશે એની કલ્પના તમને મોહનજી ભાગવતને સાંભળીને થાય.

મુંબઈના સમારંભના ઉદ્ઘાટન સત્રના આરંભમાં મોહનજીએ સંઘની પ્રવૃત્તિઓએ માત્ર દેશમાં જ નહીં વિદેશોમાં પણ કેવો પ્રભાવ સર્જ્યો છે તે વિશે નાનકડી વાત કરી. એમણે કહ્યું કે દુનિયાના પાંચેય ખંડના વિવિધ દેશોમાંથી લોકો સંઘનું કામ જોવા માટે આવતા હોય છે. અત્યાર સુધી સંઘને પોતાના અનુભવોને આધારે ખ્યાલ આવતો કે સંઘ જેવું કામ દુનિયામાં બીજે ક્યાંય થતું નથી. દેશની ગતિવિધિઓના કેન્દ્રમાં સંઘનું કામ બોલાય છે એટલે આ કામ શું છે તેની જાણકારી મેળવવા આફ્રિકા, યુરોપ, અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા, મધ્યપૂર્વ એશિયાથી લોકો આવે છે અને તેઓ પૂછતા હોય છે કે અમારી યુવાન પેઢી પણ આવું કંઈક ( સંઘ જેવું ) કામ કરતી થાય એવી કોઈ પદ્ધતિ તમે અમને શીખવાડી શકો ?

મોહનજીએ આ વાત કહીને નોંધ્યું કે આનો અર્થ એ થયો કે સંઘ જે કામ કરે છે તે કરવા માટે બીજી કોઈ રીત નથી. આ જ એક રીત છે. અને આપણા દેશના ઇતિહાસમાં પણ સંભવતઃ તથાગત બુદ્ધ પછી આવું અખિલ ભારતીય કામ નથી થયું. સંઘના કાર્યની તુલના બીજા કોઈની સાથે થઈ શકે એમ નથી. કોઈ પૂછે કે આકાશ કેવું છે ? તો જવાબ મળશે કે તે આકાશ જેવું છે. સાગર કેવો છે ? સાગર જેવો છે. આકાશ કે સાગરની સરખામણી કરવા માટે તમારી પાસે બીજું કંઈ નથી. સંઘની તુલના બીજા કોઈની સાથે થઈ શકે એમ નથી. દેશ-દુનિયામાં અનેક કામ થઈ રહ્યાં છે, અનેક સંસ્થાઓ છે, સંગઠનો છે, (રાજકીય) પાર્ટીઓ છે. ઘણીવાર લોકો સંઘના કાર્યની તુલના આ બધાં દ્વારા થઈ રહેલાં કામ સાથે કરવા માંડે છે અને થાપ ખાઈ જાય છે. સંઘનું કામ સંઘ માટે નથી, સમગ્ર દેશ માટે છે, ભારતવર્ષ માટે છે. સંઘ શું છે તે જાણવું હોય તો સંઘ શું નથી તેની જાણકારી મેળવવી પડશે. સંઘની સ્થાપના કોઈ અન્ય સંગઠનની સ્પર્ધા કરવા માટે નથી થઈ અને આજે પણ સંઘ કોઈની સ્પર્ધામાં નથી. સંઘનું કામ કોઈ વિશિષ્ટ પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા-રિએક્શન આપવાનું નથી. સંઘનું કામ કોઈનો વિરોધ કરવાનું નથી. સંઘનું કામ કોઈનો વિરોધ કર્યા વિના થતું રહે છે. સંઘને લોકપ્રિયતા નથી જોઈતી. સંઘને પાવર (શક્તિ કે સત્તા)ની આવશ્યકતા નથી. દેશમાં જે કંઈ પણ સારાં કામ થઈ રહ્યાં છે અને ભવિષ્યમાં પણ થશે તે તમામ કામ સારી રીતે પાર પડે તે માટે જે કંઈ કરવું પડે તે કરવા માટે સંઘ છે. અને એટલે તમારે થોડો ઇતિહાસ જાણવો પડશે.

આ તબક્કે સરસંઘચાલક જે કહી રહ્યા છે તે તમે ધ્યાનથી સાંભળશો. વિશેષ કરીને રાયતા વિંગના હાઇપરડાઓએ મોહનજીના આ શબ્દોને વારંવાર વાંચીને/સાંભળીને અને સમજીને વિચારવું જોઈએ કે પોતે ક્યાં ભૂલ કરી રહ્યા છે.

ભારતના ઇતિહાસની વાતની શરૂઆત કરતાં મોહનજી ભાગવતે કહ્યું કે 1857માં સ્વાતંત્ર્ય યુદ્ધ થયું. આપણા રાજાઓ હતા, આપણી સેનાઓ હતી, બધું હતું, પરાક્રમ હતું—આ બધું હોવા છતાં આપણે વિદેશીઓની સામે હારી ગયા. તો વિચાર મંથન શરૂ થયું દેશમાં. આવું કેવી રીતે થયું ? મુઠ્ઠીભર લોકો સાગરપારથી આવ્યા, આપણા પર રાજ કરી રહ્યા છે અને આપણે સૌ સાથે મળીને લડીએ છીએ તો પણ આપણે હારી જઈએ છીએ. એ વખતે એક મત એવો પ્રગટ થયો કે એક વાર ભલે હારી ગયા. હજુ તો એક મોરચો (બૅટલ) હાર્યા છીએ, યુદ્ધ (વૉર) તો નથી હાર્યા. ફરી એકવાર શસ્ત્રો લઈને પ્રયત્ન કરીશું. એટલે અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ કરીને એમને ભારતમાંથી ભગાવવા માટે રિવોલ્યુશનરી મૂવમેન્ટ, ક્રાંતિકારી આંદોલનની શરૂઆત થઈ, અને 1945માં સુભાષબાબુ અંતર્ધાન થયા ત્યાં સુધી એ મૂવમેન્ટ ચાલી. 1947માં સ્વતંત્રતા મળી એટલે એનું ( સશસ્ત્ર ક્રાંતિકારી આંદોલનનું ) પ્રયોજન રહ્યું નહીં. પણ એ કાલખંડ દરમ્યાન આ ક્રાંતિકારી આંદોલનમાંથી આપણને એવા દૈદિપ્યમાન ચારિત્ર્યો પ્રાપ્ત થયા જેમના વિશે સાંભળીને આજે પણ આપણે પ્રેરણા લઈએ છીએ.

( રાયતા વિંગના હાઇપરડાઓએ હવે બરાબર ધ્યાન આપવું .)

મોહનજીએ આગળ કહ્યું કે 1857 બાદ એક તરફ ક્રાંતિકારી આંદોલનની ધારા ચાલી તો બીજી તરફ એવો મત પણ પ્રચલિત થયો કે બ્રિટિશરોની સામે લડવા માટે આપણી પાસે રાજાઓ હતા, સૈન્યો હતા પણ લોકોમાં રાજનૈતિક જાગૃતિ નહોતી, પોલિટિકલ અવેરનેસ નહોતી એટલે આપણે હારી ગયા. માટે પ્રજામાં એવું રાજનૈતિક ( પોલિટિકલ ) આંદોલન શરૂ કરવું જોઈએ જેને કારણે સમગ્ર સમાજ ભારતની સ્વતંત્રતા માટે ઊભો થાય. એ જમાનામાં ( 1885માં ) અંગ્રેજોએ ભારતની પ્રજાના ઉકળાટને શાંત કરવા માટે એક સેફટી વાલ્વરૂપે સર ઍલન ઓ. હ્યુમના નેતૃત્વ હેઠળ ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસ નામની એક સંસ્થા સ્થાપી. ( અહીં મોહનજીના કહેવાનો ભાવાર્થ એ છે કે આ સંસ્થા સ્થાપીને અંગ્રેજોએ ભારતીયોના હાથમાં એક ઘૂઘરો પકડાવી દીધો જેથી તેઓ એનાથી રમ્યા કરે. અને સશસ્ત્ર આંદોલન-બાંદોલન કરવાને બદલે છેવટે બ્રિટિશ સરકારના કહ્યામાં રહે ).

મોહનજી આગળ જણાવે છે: પણ આપણા લોકોએ આ સંસ્થાને ( ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસને ) જ એક પ્રભાવી હથિયાર બનાવીને એના નેતૃત્વ હેઠળ જે કામ કર્યું તેને કારણે બહુ મોટી જનજાગૃતિ આવી. લોકો સ્વતંત્રતા માટે રસ્તા પર આવ્યા. ઘણા લાંબા સમય સુધી લોકોમાં એવું વાતાવરણ હતું કે જે કંઈ કરીએ છીએ તે દેશની સ્વતંત્રતા માટે કરીએ છીએ. ચરખા ચલા ચલા કે સ્વરાજ લેંગે… ( કોઈ પૂછશે કે ) ચરખો ચલાવીને કેવી રીતે સ્વતંત્રતા મળવાની છે ? નહીં ભાઈ, ( એવું નથી, એને ખબર છે કે ) દેશની સ્વતંત્રતા માટે જ કામ કરવાનું છે ( અને એ કામ કરતાં કરતાં ચરખો ચલાવીને ગુજરાન ચલાવવાનું છે). દેશ સ્વતંત્ર થાય એવું જોશ, એવું વાતાવરણ બધે સર્જાયું હતું અને આ વાતાવરણના ફળસ્વરૂપ આપણને આઝાદી મળી— એક તરફ સશસ્ત્ર આંદોલન અને બીજી તરફ આ બીજું ( રાજકીય જાગૃતિ ફેલાવવાનું અહિંસક) આંદોલન.

મોહનજી કહે છે કે : પણ આપણે જોયું કે રાજનૈતિક જાગૃતિની એ ધારા જે આખા દેશની ધારા હતી તે આગળ જતાં વિભક્ત થઈ ગઈ, મતમતાંતરમાં પરિણમી. કશો વાંધો નહીં. પ્રજાતંત્રમાં ( લોકશાહીમાં ) આવું તો ચાલ્યા કરવાનું— જેટલા માણસ એટલા મત રહેવાના. પણ એ પવિત્રતા, શુદ્ધતા અને પ્રભાવ આ ધારાનો રહ્યો નહીં. સ્વતંત્રતા પછી ધીરે ધીરે એ ધારાનું અધઃપતન થઈને એ ક્યાં આવી ગઈ ? હું વર્ણન નહીં કરું. તમે અનુભવ કરી જ રહ્યા છો.

મોહનજી ભાગવત અહીં ફોડ પાડ્યા વિના ગાંધી વિચારધારા અને કૉન્ગ્રેસનો ઉલ્લેખ કરી રહ્યા છે. આઝાદીના આંદોલનમાં ગાંધીજી સહિતના કૉન્ગ્રેસી નેતાઓના પ્રદાનનો સ્વીકાર કરવાની પણ વાત એમણે ઇનડાયરેક્ટલી કરી છે જે આજકાલના હાઈપરડાઓને નહીં ગમે. સ્વાતંત્ર્ય બાદ કૉન્ગ્રેસ દ્વારા થયેલો ગાંધીવિચારનો અને સત્તાનો ઘોર દુરુપયોગ થયો તે વિશે પણ મોહનજીએ ઈશારો કર્યો જે વાત આજના ઉછાંછળા ફેસબુકિયાઓને અને હાસ્યાસ્પદ બની ગયેલા સેક્યુલરોને તેમ જ ડાબેરીઓ, હિન્દુદ્વેષીઓ તથા સનાતનદ્રોહીઓને નહીં ગમે. વેલ, ટુ ઈચ હિઝ ઓન. દરેકને પોતાનો મત રાખવાનો હક છે. પણ વાતનું હાર્દ સમજ્યા વિના, સિલેક્ટિવ માહિતીના આધારે સેક્યુલરિઝમનો કે ગાંધીવાદનો ( કે ઇવન ગાંધીવિરોધનો કે હિન્દુત્વનો ) ઝંડો લઈને નીકળી પડેલા બાબાબેબીઓએ પોતાનાં બળોતિયાં બદલીને સ્વચ્છ તથા સ્વસ્થ મનથી પુનર્વિચાર કરવાની જરૂર છે અને એ માટે મુંબઈની વ્યાખ્યાનમાળાના ચારેય સત્રોનું પાંચથી વધુ કલાકનું રેકૉર્ડિંગ યુટ્યુબ પર જઈને સાંભળી લેવું જોઈએ, સંઘ માટે કે સરસંઘચાલક પ્રત્યે સહેજ પણ પૂર્વગ્રહ રાખ્યા વિના.

આ બે ધારા ઉપરાંત સરસંઘચાલકે બીજી બે ધારાઓ વિશે વાત કરી જેમાં રાજા રામમોહનરાય જેવા સમાજ સુધારકોએ ચલાવેલી સમાજને સુધારવાની, જાતિમુક્ત કરવાની પ્રામાણિક પ્રવૃત્તિઓની વાત કરી અને ચોથી ધારાની પણ વાત કરી જેમાં પ્રજાને પોતાની મૂળ ઓળખ સુધી લઈ જવાનો નિષ્ઠાભર્યો પ્રયત્ન કરનારા સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી વગેરેના પ્રયત્નોની વાત કરી.

મોહનજીએ કહ્યું કે પણ ક્યાંક ને ક્યાંક દેશની પરિસ્થિતિમાં સમાજને એક ( ચોક્કસ ) દિશા આપવાનું ( વ્યાપક ) કામ નથી થઈ રહ્યું એવી લાગણી રહ્યા કરતી હતી. આ ચારેય ધારાઓ પાસે અધ્યયન હતું, ચિંતન હતું, એમના દરેક કાર્યમાં પ્રામાણિકતા હતી, નિસ્વાર્થ બુદ્ધિથી કામ થતું હતું. પણ લાગતું તું કે ( આ ચારેય ધારાઓમાં કામ કરવાવાળાઓ ) પોતે જે જે સમસ્યા સામે પૂરી શક્તિથી લડી રહ્યા છે-પોતાનું જીવન ખપાવી રહ્યા છે, તે બધી જ સમસ્યા ક્યારેક ને ક્યારેક ઉકેલાઈ ગઈ તો પણ ભવિષ્યમાં એ સમસ્યાઓ ફરી નહીં સર્જાય એની ગેરંટી શું ? કોઈ ખાતરી ખરી ?

મોહનજી સમજાવે છે કે અંગ્રેજો કંઈ પહેલા આક્રમણકારી નહોતા. એમનો નંબર તો સાતમો-આઠમો આવે. સિકંદર આવ્યો તેના પહેલાંથી આ ચાલતું આવે છે. પશ્ચિમ દિશાથી ભારત પર આક્રમણ થાય, ભારત ગુલામ બને, ફરી સ્વતંત્ર થાય, ફરી ગુલામ બને. પેલા લોકો કોઈપણ બાબતમાં આપણા કરતાં ચડિયાતા નથી હોતા છતાં આપણે હંમેશા માર ખાતા આવ્યા છીએ. આવું વારંવાર બન્યું. એકવાર સ્વતંત્ર થઈ ગયા પછી ફરી ગુલામ નહીં બનીએ એની ગેરંટી શું છે ? આપણા સમાજની કેટલીક ( મૂળભૂત ) ખામીઓ છે. પહેલી વાત તો એ છે કે આપણે આપણી એકતા ભૂલી ગયા છીએ. બીજી વાત આપણે સ્વાર્થી બની ગયા છીએ, ગુણહીન બની ગયા છીએ. અનુશાસન નથી આપણામાં, આપણે શિસ્તબદ્ધ નથી. આપણામાં સ્વચ્છતા નથી. દારિદ્ર્ય છે. અજ્ઞાન છે. આ બધી ખામીઓ દૂર કરીને એક સ્વસ્થ સંગઠિત સમાજ બને તો વારંવાર ગુલામ નહીં બનવું પડે ( જે આઝાદી મળી છે તે કાયમની રહેશે ) . આવું વિચારીને ડૉ. હેડગેવારે આઠ-દસ વર્ષ સુધી પ્રયોગો કર્યા કે વિવિધતાથી ભરેલા આપણા આ દેશને એક સૂત્રમાં કેવી રીતે બાંધી શકીએ, એને ગુણવાન કેવી રીતે બનાવી શકાય. ગુણવત્તાસભર સ્વસ્થ અને સંગઠિત સમાજ કેવી રીતે બનાવવો એ વિશે પ્રયોગો કરીને અનુભવ પ્રાપ્ત કરીને એમણે 1925ની દશેરાના દિવસે પોતાના ઘરમાં એક મિટિંગ બોલાવી—એવા સાથીઓની જેઓ આ ચાર વિવિધ ધારાઓના કોઈને કોઈ કાર્યમાં જોડાયેલા હતા. ધીરે ધીરે કામ કરતા ગયા અને 1939માં સંઘની નિશ્ચિત કાર્ય પદ્ધતિ નક્કી થઈ. આ એક નૈસર્ગિક વિકાસ હતો. સંઘનો વિકાસ આ રીતે થયો—સામુહિક અનુભવ અને ચિંતનના આધારે. સંઘનો હેતુ પહેલેથી જ નક્કી થયેલો છે. સંપૂર્ણ સમાજને સંગઠિત કરવા સિવાય બીજું કોઈ કામ સંઘે કરવાનું નથી. પણ દેશ માટે તો બીજી ઘણી બાબતો કરવી જરૂરી છે તો એ કામ કોણ કરશે ? લોકો આવું પૂછતા અત્યારે ડૉ. હેડગેવાર કહેતા કે સંઘ કુછ નહીં કરેગા ઔર સ્વયંસેવક કુછ નહીં છોડેગા. સ્વયંસેવક એ બધું કરશે. એ કરવા માટે તેઓ સ્વતંત્ર છે. દરેક ક્ષેત્રમાં સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. એ સેવાકાર્ય સંઘનું નથી, સ્વયંસેવકોનું છે. સંઘનું કામ માત્ર સ્વયંસેવકો તૈયાર કરવાનું છે— એ પછી તેઓ સ્વતંત્ર છે, પોતપોતાના ક્ષેત્રમાં કામ કરવા માટે. સંઘ એમના પર કોઈ અંકુશ રાખતો નથી. સંઘ સમાજને સંગઠિત કરવા માટે છે, સમાજમાં એક અલગ સંગઠન ઊભું કરવાનો અમારો હેતુ નથી, સંઘ કોઈ પ્રભાવી ગ્રુપ-પ્રેશર ગ્રુપ બનવા નથી માગતો. સંઘ માને છે કે દેશના ભાગ્યમાં પરિવર્તન ત્યારે આવશે જ્યારે દેશનો સમગ્ર સમાજ એક થશે, ગુણવાન થશે. આ કાર્યમાં નેતા, નારા, નીતિ, પાર્ટી, અવતાર, સરકાર, વિચાર, મહાપુરુષ, તત્વજ્ઞાન— આ બધું સહાયક છે પણ પરિવર્તનનું કારણ નહીં બની શકે, એ તો સંપૂર્ણ સમાજ જ કરી શકશે. સમાજ માલિક છે ( આ દેશનો ) અને સમાજે જ આ બધાને ( નેતા, નારા, નીતિ વગેરેને) ઉત્પન્ન કર્યા છે. માલિક જાગતો રહેશે તો સૌ કોઈ પોતપોતાનું કામ સારી રીતે કરશે.

મોહનજીએ પહેલા સત્રના પોતાના વક્તવ્યના અંતે જે કહ્યું તેના પર શાંતિથી વિચાર કરજો. એમના શબ્દો રજૂ કરતાં પહેલાં એનું બૅકગ્રાઉન્ડ સમજી લઈએ તો વાત સહેલાઈથી સમજાઈ જશે. હમણાં હમણાંથી એક વાત ઘણી સંભળાય છે કે ‘સરકાર ભલે એમની હોય, સિસ્ટમ ( વ્યવસ્થા ) તો અમારી છે.’

આ સંદર્ભમાં મોહનજીનો આ વિચાર સમજવા જેવો છે. એમણે કહ્યું કે : આપણને ઘણી વખત લાગતું હોય છે કે આપણા દેશમાં અમુક વ્યવસ્થા ( સિસ્ટમ ) ખોટી છે, આમાં પરિવર્તન થવું જોઈએ ( પણ ) વ્યવસ્થા બદલવાથી સમાજ નહીં બદલાય. લાલ બત્તી છે એટલે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એવું નથી, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે એટલે લાલ બત્તીનું મહત્વ છે. ( જ્યાં લોકોમાં ટ્રાફિક સેન્સ જ ના હોય ત્યાં લાલબત્તી કામની નથી હોતી ). તમે મુંબઈમાં છો, તમે કલકત્તા જાઓ, દિલ્હી જાઓ, બૅન્ગલોર જાઓ, ચેન્નઈ જાઓ. દરેક જગ્યાનો ટ્રાફિક જુઓ. અલગ અલગ દેખાશે. દરેક જગ્યાએ લાલ બત્તી છે. પણ લોકોની ટેવો અલગ અલગ છે. અને એટલે જ સંપૂર્ણ સમાજને સંગઠિત કરવાનો છે, કોઈને બાકાત નથી રાખવાના. આજે જેઓ અમારો વિરોધ કરી રહ્યા છે તેઓ પણ આપણા જ છે, એમને પણ સંગઠિત કરવાના છે.

આજે બસ આટલું જ. વિશેષ આવતી કાલે.

લાસ્ટ બૉલ

‘ભારતીય હોવું એટલે શું ? કેવળ આ દેશના નાગરિક હોવું પૂરતું નથી. ભારતનો એક સ્વભાવ છે. ભારત ભૂગોળનું કોઈ નામ નથી. એક સ્વભાવનું નામ છે. યહ જોડનેવાલા હમારા સ્વભાવ ફિર સે ખડા કરના હૈ.’

— સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત
( 7 ફેબ્રુઆરી 2026, મુંબઈ )

***

‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના માત્ર સુજ્ઞ વાચકોના સપોર્ટથી ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે. ‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પેટીએમ, ગુગલ પે કે યુપીઆઈ (9820033511) અથવા (hisaurabhshah@okaxis) દ્વારા રકમ મોકલી શકશો. ‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો :
‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક

‘કટિંગ ચાય સિરીઝ’ના તમામ 8 લેખોની લિન્ક

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here