( ગુડ મૉર્નિંગ: ન્યુઝપ્રેમી ડૉટ કૉમ. શનિવાર, ૬ સપ્ટેમ્બર ૨૦૨૫)
હિન્દી સિનેમાની દુનિયામાં આટલી બોલ્ડ ફિલ્મ હજુ સુધી નથી બની. આટલી ટ્રુથફુલ ફિલ્મ હજુ સુધી નથી જોઈ. આટલી હાર્ડ હિટીંગ ફિલ્મ હજુ સુધી નથી આવી.
સ્વામી સચ્ચિદાનંદે દાયકાઓ પહેલાં ‘વીરતા પરમો ધર્મ’નું નવું સૂત્ર આપણને આપ્યું તેની પાછળનાં કારણો કદાચ આ ફિલ્મમાં બતાવેલાં તથ્યો હોઈ શકે છે.
વિવેક રંજન અગ્નિહોત્રીએ ફરી એકવાર પાંચમાંથી પાંચ સ્ટાર આપવા પડે એવી ફિલ્મ બનાવી છે. ‘કાશ્મીર ફાઈલ્સ’ અને ‘વેક્સિન વૉર’ એક વાર જોયા વિના દરેક રાષ્ટ્રપ્રેમી ભારતીયનું જીવન અધૂરું છે અને ગઈકાલે રિલીઝ થયેલી ‘બેન્ગાલ ફાઈલ્સ’ એક કરતાં વધારે વાર જોયા વિના દરેક રાષ્ટ્રપ્રેમી ભારતીયનું જીવન અધૂરું છે.
આ ફિલ્મ ચોંકાવનારી છે, થડકાવનારી છે. શું ખરેખર 1946માં બંગાળમાં આવું બન્યું હતું? ખરેખર આજની તારીખે પણ મમતા બેનરજીના બંગાળમાં આવું બની રહ્યું છે? આવા પ્રશ્નો તમને ફિલ્મ જોતાં જોતાં જો ડગલેને પગલે થતા રહે તો એનો જવાબ જાણી લો: હા.
વિવેક અગ્નિહોત્રીએ એક દળદાર ફાઈલ તૈયાર કરી છે જે ટૂંક સમયમાં પુસ્તક રૂપે રિલીઝ થશે. આ ફાઇલમાં ફિલ્મની દરેકે દરેક ઘટના વિશેના દસ્તાવેજી પુરાવા છે. વિવેકે આ ફાઈલ સેન્સર બોર્ડમાં ‘બેન્ગાલ ફાઈલ્સ’ મોકલી ત્યારે બોર્ડના સભ્યોને આ પુરાવાઓ આપીને ફિલ્મને રિલીઝ માટેની મંજૂરી મેળવી હતી. માટે જો તમને ફિલ્મ જોતાં જોતાં આવા પ્રશ્નો થાય કે પછી કોઈ ચિબાવલા ફિલ્મ રિવ્યુઅર આવા પ્રશ્નો પોતાના રિવ્યુમાં ખડા કરે તો તમારે ફિલ્મમાં દેખાડવામાં આવેલી સચ્ચાઈ પ્રત્યે શંકાશીલ થવાની કોઈ જરૂર નથી.
‘બેન્ગાલ ફાઈલ્સ’ માં બેઝિઝક મમતા બેનરજીના બંગાળમાં થઈ રહેલી બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓની વાત છે. એમને બનાવટી આધાર, બનાવટી મતદાતા આઈડી કાર્ડ અને બનાવટી પાસપોર્ટ બનાવી આપનારા સરકાર સાથે સાંઠગાંઠ ધરાવતા દલાલોનો પણ ઉલ્લેખ છે. બંગાળની ડેમોગ્રાફી બદલાઈ રહી છે- હિન્દુઓની વસ્તી ઘટી રહી છે, એમની કતલ થઈ રહી છે, તેઓ બીજે નાસી જાય એવી પરિસ્થિતિ ખુદ ત્યાંની સરકાર જ સર્જી રહી છે. સામે પક્ષે બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદને ખુલ્લી મૂકીને અગણિત મુસલમાનોને બંગાળમાં વસાવવામાં આવી રહ્યા છે, ત્યાંની સરકાર પોતાની વોટ બૅન્કમાં જંગી ઉમેરો થાય એવું દેશવિરોધી કાવતરું કરી રહી છે. એપ્રિલ 2025માં બંગાળના મુર્શીદાબાદમાં વક્ફને લગતા નવા કાનૂનના વિરોધના બહાને જે હિંસા ભડકાવવામાં આવી તેવી જ હિંસા 1946માં ઝીણા અને સુહરાવર્દીએ ડાયરેક્ટ એક્શન ડેના નામે કલકત્તા અને નોઆખલીમાં આચરી હતી.
‘બેન્ગાલ ફાઈલ્સ’ વર્તમાન અને ભૂતકાળની આ ઘટનાઓને સામસામે મૂકી આપે છે. ક્યારેક તમે લાચાર બનીને ફિલ્મનાં દ્રશ્યો જોતા રહો છો, ક્યારેક ગુસ્સામાં મુઠ્ઠી ભીડો છો, ક્યારેક તમારા મોઢામાંથી ‘શાબાશ’ નીકળી જાય છે, ક્યારેક તમારી આંખ ભીની થઈ જાય છે, ક્યારેક હિન્દુઓએ ભોગવેલી યાતનાના દ્રશ્યો જોઈને તમારી આંખ મીંચાઈ જાય છે, કમકમાં છૂટી જાય છે.
ફિલ્મમાં કોઈપણ સારી ફિલ્મની જેમ અનેક પ્રતીકો છે. ભારતી બેનરજી ભારતમાતાનું પ્રતીક છે જેના પર આઝાદી પહેલાં ખૂબ અત્યાચાર થયા પછી હવે એની યાદદાશ્ત ઝાંખી થઈ ગઈ છે. એના હાથ પર મુસ્લિમોએ ચાકુથી મુસ્લિમ નામ ખોદી નાખ્યું છે- આયેશાજાન. પલ્લવી જોષી આ પાત્ર ભજવે છે.
મિથુન ચક્રવર્તીની જીભ કાપી/બાળી નાખવામાં આવી છે, એનું પુરુષ અંગ કાપીને એને નપુંસક બનાવી દેવામાં આવે છે, એ બહાવરો થઈને ભટક્યા કરે છે. મિથુનદા ભારતના લાચાર હિન્દુ નાગરિકનું પ્રતીક છે.
જસ્ટિસ બેનરજી આદર્શવાદી છે, પ્રામાણિક છે, ગાંધીવાદી છે, ખુમારીવાળા સેક્યુલર છે, ન્યાયતંત્રમાં અખૂટ વિશ્વાસ ધરાવે છે. મુસ્લિમોનું ટોળું, એનો સરદાર, જસ્ટિસ બેનરજીના આદર્શો, એના સેક્યુલરિઝમની જે વલે કરે છે તે જોઈને ભારતની ખોખલી બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ ધરાવતા નાગરિકોની આંખ ખુલી જશે.
1946માં મુસ્લિમોએ કલકત્તા-નોઆખલીને નવા બની રહેલા પાકિસ્તાનમાં ભેળવી દેવા હિન્દુઓની કત્લેઆમ કરી, રાજ્યના મુસ્લિમ મુખ્યપ્રધાને અને નવા પાકિસ્તાનના જન્મદાતાએ મળીને આ કત્લેઆમ કરાવી. કલકત્તા પાકિસ્તાનને મળે એવી યોજના નિષ્ફળ ગઈ કારણ કે બે દિવસ ચાલેલા હિંસાના તાંડવને રોકવા ગોપાલ પાઠા ( મુખરજી) નામનો મા ભારતીનો એક સાચો સિપાહી ઉભો થયો. એણે કલકત્તાના હિન્દુઓને સંગઠિત કર્યા. સૌએ સાથે મળીને ‘ઇંટનો જવાબ પથ્થર’થી આપવાનું શરૂ કર્યું. સુહરાવર્દી અને ઝીણાએ ઘૂંટણિયે પડીને અમનની ઝંડી ફરકાવવાનો ઢોંગ કર્યો અને તેઓ જેહાદનું મેદાન ખસેડીને નોઆખાલી લઈ ગયા જ્યાં હિન્દુઓ માત્ર 20 ટકા હતા. 80 ટકા મુસ્લિમોએ હિન્દુઓનું જાતિ નિકંદન કર્યું. નોઆખલી પૂર્વ પાકિસ્તાનને મળ્યું. આજે એ બાંગ્લાદેશનો હિસ્સો છે.
યુવાન મુજિબુર રહેમાન સુહરાવર્દીના ડાયરેક્ટ એક્શન ડેનો સક્રિય સાથીદાર હતા. હા, આ એ જ શેખ મુજિબુર રહેમાન જેને ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના હીરો બનાવ્યા અને સત્તાપ્રાપ્તિના ત્રણ જ વર્ષમાં મુજિબુરની સરકારે બાંગ્લાદેશમાં એવો આતંક મચાવ્યો કે ભારતમાં 1975 ઇમરજન્સી લાગુ પડી તે વર્ષની 15મી ઓગસ્ટની પરોઢે મુજિબુરની અને એમના મોટા ભાગના પરિવારની એમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી.
તે વખતના કલકત્તા અને નોઆખાલીને પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે હજારો હિન્દુઓની કતલ થઈ. આજના બંગાળમાં આવું થતું નથી. બંગાળને-કલકત્તાને પાકિસ્તાનમાં ભેળવી દેવાની કોઈ પ્રવૃત્તિ થતી નથી, ખુદ બંગાળ-કલકત્તાને પાકિસ્તાન બનાવવાની પેરવી થઈ રહી છે. આવું સત્ય ઉજાગર કરતી ફિલ્મને મમતા બેનરજી બંગાળમાં રિલીઝ થવા દે?
વક્ફના નવા કાનૂનને ખોટી રીતે મુસ્લિમવિરોધી ગણાવવામાં આવ્યો અને મમતા બેનરજીએ જાહેર કર્યું કે કેન્દ્ર સરકારનો કાયદો બંગાળમાં લાગુ નહીં પડે! 2025ની 8મી એપ્રિલે મમતાના બંગાળના મુર્શીદાબાદ જિલ્લાના ઉમરપુરમાં વક્ફના સુધરેલા કાયદા વિરુદ્ધ દેખાવો શરૂ થયા અને 11 તથા 12 એપ્રિલે આ દેખાવો હિંસક બન્યા, કોમી રમખાણોમાં પલટાયા જે આ દેખાવોનો મૂળ આશય હતો. ‘સિમિ’ અને ‘પીએફઆઈ’ જેવા બાન થયેલા આતંકવાદી સંગઠનોનો એમાં હાથ હતો એવું કલકત્તા હાઇકોર્ટ દ્વારા નિમાયેલી સમિતિ અને નાગરિકી હક્ક માટે લડતાં સંગઠનોએ પોતાના રિપોર્ટમાં લખ્યું છે. આ કોઈ આપોઆપ થયેલાં તોફાનો નહોતાં, યોજનાપૂર્વક થયેલાં રમખાણો હતાં જેમાં મુસ્લિમોએ હિન્દુઓની હત્યા કરી. જે મુસ્લિમ માર્યા ગયા તે પોલીસની ગોળીથી મર્યા. મુસ્લિમોએ પોલીસને પણ ડરાવ્યા. 18 પોલિસો ઘાયલ થયા. હિન્દુઓએ મુર્શીદાબાદ છોડીને નજીકના માલદા જિલ્લામાં આશરો લીધો. કેટલાકે તો રાજ્ય જ છોડી દીધું, ઝારખંડમાં જતા રહ્યા. કાશ્મીરમાં પંડિતોને ભગાડી મૂકવામાં આવતા એવું જ આજના બંગાળમાં થઈ રહ્યું છે જે 1946ના બંગાળમાં પણ થયું હતું.
બાંગ્લાદેશી ઘૂસપેઠિયાઓ લાખોની સંખ્યામાં બંગાળમાં આવી ગયા છે. એમની પાસે પોતાનું ભારતીય નાગરિકત્વ પુરવાર કરવાના દસ્તાવેજો પણ આવી ગયા છે. શું આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે આવેલા મુસ્લિમોને બંગાળની સરકાર રોજીરોટી આપી શકશે? ના. એમાંના ઘણા લોકો હવે બીજા રાજ્યોમાં પ્રસરી જશે. અમદાવાદના ચંડોળા તળાવમાં વર્ષોથી વસી ચૂકેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોની બસ્તીને સાફ કરતાં ગુજરાત સરકારની નાકે ફીણ આવી ગયાં હતાં. મમતા બેનરજીની મહેરબાનીથી રોજ હજારો બાંગ્લાદેશીઓ આજની તારીખે પણ ઘુસી રહ્યા છે. તેઓ ગુજરાતની જ નહીં મહારાષ્ટ્રથી માંડીને ભારતના અનેક રાજ્યોમાં પ્રસરીને દરેક શહેરની, દરેક રાજ્યની ડેમોગ્રાફી બદલવાના જીતોડ પ્રયત્નો કરશે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાને આ બાબતે ઑલરેડી લાલબત્તી ધરી જ છે અને એને રોકવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે.
‘બેન્ગાલ ફાઈલ્સ’ આવી જ લાલબત્તી ધરનારી ફિલ્મ છે. અત્યાર સુધી હિન્દી સિનેમામાં ક્રિએટિવ લિબર્ટીના નામે ઘણીવાર તથ્યો-હકીકતોને પોતાની સગવડ મુજબ તોડીમરોડીને સત્યને મોળું અને મધુરું બનાવી દેવામાં આવતું. ‘બેન્ગાલ ફાઈલ્સ’માં સત્યની કડવાશને યથાતથ રાખવામાં આવી છે.
એટલે જ આ ફિલ્મને વાંકદેખાઓ પ્રોપગૅન્ડા ફિલ્મ કહી રહ્યા છે. ‘માચીસ’માં આતંકવાદીઓને જસ્ટિફાય કરવામાં આવ્યા ત્યારે શું કોઈએ કહેલું કે ગુલઝારે એજન્ડાવાળી કે પ્રોપગૅન્ડા ફિલ્મ બનાવી છે? વિધુ વિનોદ ચોપરાની ‘મિશન કાશ્મીર’ અને ‘શિકારા’ને કોઈએ પ્રોપગૅન્ડા ફિલ્મ કહી હતી? બેઉ કાશ્મીરના આતંકવાદને જસ્ટિફાય કરતી ફિલ્મો હતી. ‘રોઝા’, ‘ફિઝા’, ‘ફના’ અને ‘પરઝાનિયા’થી માંડી ‘માય નેમ ઇઝ ખાન’ સુધીની (મણિ રત્નમની ‘બૉમ્બે’ સહિતની) ફિલ્મો ભારતના હિન્દુઓને ખોટી રીતે ચીતરતી ફિલ્મો હતી. કોઈએ કહ્યું કે એ પ્રોપગૅન્ડા ફિલ્મો હતી?
અને જ્યારે વિવેક અગ્નિહોત્રી મુસ્લિમોના એક વર્ગ દ્વારા હિન્દુ સમાજ પર થયેલા અત્યાચારોની હકીકતો યથાતથ તથા તમારી સમક્ષ રજૂ કરે છે ત્યારે તમને પ્રોપગૅન્ડા ફિલ્મ લાગે છે? જો લાગતી હોય તો એ પુરવાર કરે છે કે તમારા લોહીમાં હિન્દુનું લોહી નથી વહેતું, સેક્યુલરિઝમનું લીલું લોહી વહે છે.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મમાં આ નથી, પેલું નથી, લાંબી છે, ટૂંકી છે, આના ઠેકાણાં નથી, તેના ઠેકાણાં નથી, એક સ્ટાર કે બે સ્ટારને જ લાયક છે એવો અપપ્રચાર કરીને કેટલાક ચોક્કસ ગુજરાતી અને બિનગુજરાતી ફિલ્મ સમીક્ષકોએ અગ્નિહોત્રીના આ પવિત્ર હવનમાં હાડકાં નાખવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ફિલ્મપ્રેમીઓ પોતાને તટસ્થ અને નિરપેક્ષ તરીકે પ્રોજેક્ટ કરવા વખાણોની વચ્ચે બે લાઈનો ટીકાની કે ટીકાની વચ્ચે બે લાઈનો વખાણની લખીને પ્રેક્ષકોની આંખમાં ધૂળ નાખી રહ્યા છે.
હિન્દુ પ્રજા ભીરુ છે એવું કહેવાય છે. આપણી સમજદારી, આપણી સહનશીલતાને ભીરુતા ગણી લેવામાં આવી છે. રાષ્ટ્રના સળગતા પ્રશ્નોને હેડઓન લઈને વિધર્મીઓનો ખોફ ક્યાં વહોરી લેવો, આપણે તો આપણી રોજીરોટી-પ્રતિષ્ઠા સાચવીને બેસી રહેવાનું હોય, કોઈની સાથે માથાકૂટ કરીશું તો આપત્તિ ઊભી થશે, જોખમો આવશે, જિંદગીમાં વિઘ્નો નડશે—આવી માનસિકતા મોટા ભાગના (બધા નહીં, મોટા ભાગના) હિન્દુઓની છે. ગુજરાતીઓની તો છે જ છે. 2014 પછી માહોલ બદલાયો છે. સુખી, પ્રતિષ્ઠિત અને વગદાર નાગરિકો પણ હવે રાષ્ટ્રના પ્રશ્નો વિશે ખુલ્લેઆમ પ્રગટ રીતે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. આવું લખું છું કારણ કે મેં કાલે જ આનું ઉત્તમ ઉદાહરણ જોયું.
‘બેન્ગાલ ફાઇલ્સ’ હું ગઈકાલે ફર્સ્ટ ડે ફસ્ટ શોમાં જોવા જવાનો હતો. કયા થિયેટરમાં ટિકિટ બુક કરું તે નક્કી થાય તે પહેલાં મને સાંજે સાડા પાંચ વાગ્યે વરલીના પેલેડિયમમાં આવેલા પીવીઆરના સ્ક્રીન નંબર 5માં યોજાયેલા પ્રાઇવેટ શોનું આમંત્રણ મળ્યું. આ શો મુંબઈના ટોચના નેત્ર-ચિકિત્સક ડૉ. કુલીન કોઠારીએ ગોઠવ્યો હતો. મોરારીબાપુથી માંડીને શાહરુખ ખાન સુધીના મહાનુભાવોની આંખની કાળજી એમણે લીધી છે. મુંબઈના અનેક ધનપતિઓનો સાથ લઈને અને પોતાના ગાંઠના ઉમેરીને એમણે અત્યાર સુધીમાં અમુક લાખ ગરીબોની મફત સારવાર પણ પોતાના ફાઉન્ડેશન દ્વારા કરી છે. આ બધું તમને એટલા માટે જણાવવાનું કે કુલીનભાઈની કક્ષાએ પહોંચેલી વ્યક્તિ આવા પ્રશ્નો વિશે ભાગ્યે જ જાહેરમાં ગળું ખોંખારીને બોલે. કોઈને ખબર પડશે તો પોતાની પ્રતિષ્ઠા, વગ કે અન્ય બાબતોને વિધ્નસંતોષીઓ જોખમમાં મુકશે એવો ડર આ કક્ષાની સેલિબ્રિટીને રહે એ સ્વાભાવિક છે. એમણે પોતાના ઘરના પ્રાઇવેટ થિયેટરમાં પાંચ-પચીસ જણને બોલાવીને આ ફિલ્મ દેખાડવાને બદલે જાહેરમાં શો ગોઠવ્યો. આ એમની નૈતિક હિંમતનો પુરાવો છે. રાષ્ટ્ર માટેનું કામ કરવામાં ડરવાનું ના હોય.
ડૉ. કુલીન કોઠારીના આ હાઉસફુલ શોમાં અંદાજે 300 ગુજરાતી અને બિન ગુજરાતી પ્રેક્ષકો હતા. આમાંના અડધો અડધ પ્રેક્ષકો એવા હતા જેઓ કુલીનભાઈ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું આમંત્રણ ના હોત તો ક્યારેય ‘બેન્ગાલ ફાઈલ્સ’ જેવી ( ‘પ્રોપગૅન્ડા’) ફિલ્મ જોવા ગયા જ ના હોત.
આપણે પણ આ જ કરવાનું છે. આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને, આપણી પ્રતિષ્ઠા-વગ વગેરેને દાવ પર લગાડીને, જે સાચું છે તેને સાથ આપવાનો છે— બુલંદ અવાજે સાથ આપવાનો છે, ગાંઠના પૈસા ખર્ચીને સાથ આપવાનો છે. આ વીકએન્ડમાં જ ફિલ્મ જોવા જવાનું છે અને સાથે બને એટલા મિત્રો-સ્વજનો-પરિવારજનો-પડોશીઓ-ઓફિસ કલિગ્સને પણ લઈ જવાના છે. ખાસ કરીને કૉલેજીયનોને આ ફિલ્મ બતાવવા વિનંતી.
વક્ફનો સુધારેલો કાયદો કે પછી સીએએ અને એનઆરસી મુસ્લિમવિરોધી નથી. આમ છતાં કેટલાક દેશદ્રોહી તત્વો મુસ્લિમ પ્રજાને ઉશ્કેરવા આ કાયદાઓ મુસ્લિમવિરોધી છે એવો અપપ્રચાર કરે છે. આ જ તત્વો તમને કહેશે કે ‘બેન્ગાલ ફાઇલ્સ’ મુસ્લિમવિરોધી છે.
‘બેન્ગાલ ફાઇલ્સ’ કોઈ કાળે મુસ્લિમવિરોધી નથી. એમાં મુસ્લિમ નેતાઓએ પોતાના સમર્થકોને ઉશ્કેરીને કરાવેલા હિન્દુવિરોધી કારસ્તાનોનું બયાન છે જે ઐતિહાસિક સત્ય છે. આવા બનાવોને રજૂ કરતી વખતે જો તમે મુસ્લિમોના વાંકને છાવરો તો તે મુસ્લિમ અપીઝમેન્ટ છે, મુસ્લિમોની આળપંપાળ કરવા બરાબર છે. ‘બેન્ગાલ ફાઇલ્સ’ મુસ્લિમોના ( કે પછી અગાઉની કેટલીક ફિલ્મોમાં જેમ આતંકવાદીઓ માટે કરવામાં આવતું એવા) અપીઝમેન્ટ માટે નથી બનાવવામાં આવી એટલે એનો અર્થ કાંઈ એવો નથી કે એ મુસ્લિમવિરોધી ફિલ્મ છે. જ્યાં એ કોમનો—એમના રાજનેતાઓનો, એમના ગુંડાઓનો, એમના સમર્થકોનો—વાંક છે તેને ઉજાગર કરવામાં નૉર્મલી હિન્દી ફિલ્મવાળા ડરતા હોય છે, વિવેક અગ્નિહોત્રીએ આવો કોઈ ડર રાખ્યા વિના સત્ય તમારી સામે રજૂ કરવાની હિંમત દેખાડી છે.
ફિલ્મ જોતી વખતે આપણે ચાંપલા રિવ્યુઅર જેવા નથી બનવાનું કે અહીં આ નથી, ત્યાં તે નથી. કોઈ ખોડખાંપણ શોધવાને બદલે વિવેકે બહાદુરીપૂર્વક જાનનું જોખમ લઈને બનાવેલી ફિલ્મમાં રજૂ થતી દૃશ્યાવલિઓને સમજવાની છે. જે સત્ય આપણાં પાઠ્યપુસ્તકો તૈયાર કરનારા ડાબેરી મુસ્લિમપરસ્ત ઇતિહાસકારો-શિક્ષણકારોએ આપણાથી છુપાવ્યું તેને સિલ્વર સ્ક્રીન પર રજૂ થતાં જોવાનું છે. હિન્દુ-મુસ્લિમ સમસ્યાઓ કોણે શરૂ કરી, કોણ એનો ભોગ બન્યું-બની રહ્યું છે એ વિશેનો આ સાડાત્રણ કલાકનો માસ્ટર ક્લાસ છે.
વિવેક અગ્નિહોત્રી કંઈ કરણ જોહર નથી. તમને ગલગલિયાં કરતી ફિલ્મો બનાવીને કરોડો રૂપિયા કમાઈ શકે એવી સર્જનાત્મક અને ટેક્નિકલ ક્ષમતા વિવેક અગ્નિહોત્રી પાસે છે. પણ એમનો ઉદ્દેશ ભારતની પ્રજાની આંખ ઉઘાડવાનો છે. ભારતની સમસ્યાઓ કોણે કેવી રીતે સર્જી એ વિશે તેઓ ફિલ્મના માધ્યમથી, રિસર્ચ કરેલી સ્ટોરી-સ્ક્રીન પ્લેના માધ્યમથી, તમને બે વાત કહેવા માગે છે.
‘બેન્ગાલ ફાઈલ્સ’ જેવી બેધડક વાત કરતી ફિલ્મથી ગુજરાતી જ નહીં ભારતની દરેક ભાષાના નપાવટ ઉકરડાઓ તમને પ્રકાશમાંથી ઊંડા અંધારામાં ધકેલી દેવાના ધમપછાડા કરશે, કરી રહ્યા છે.
વાસ્તે, ફરી એકવાર, સાવધાન.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો