( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 23 જુલાઈ 2025 )
૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં ૫૨ કરોડ કરતાં વધુ લોકો હિંદીભાષી છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી પાંચ ભાષાઓમાં હિંદીનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીનની મેન્ડેરિન ભાષાની પેટાભાષા – બોલીઓને મેન્ડેરિનમાં જ ગણીને આંકડો મોટો બતાવાય છે. જ્યારે ભોજપુરી-મૈથિલી-અવધી વગેરેને જુદી ‘ભાષા’ ગણીને હિંદીનો આંકડો છે એના કરતાં નાનો બતાવાય છે. ભોજપુરી વગેરે બોલીઓ છે. જો એવું કરવા જઈએ તો ગુજરાતીમાંથી ચરોતરી-કાઠિયાવાડી વગેરે જુદી કરવી પડે. કચ્છી તો અલગ ભાષા તરીકે જ સ્થપાઈ છે, છતાં વિશ્વની ભાષાઓની ગણતરી થતી હોય ત્યારે એની ગણના વાજબી રીતે ગુજરાતીના ખાનામાં જ થાય છે.
માસ્ટર્સ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન. એમબીએ. કોઈ તમને કહે કે મેં ગુજરાતીમાં ભણીને એમ.બી.એ.નો કોર્સ કર્યો છે કે હિંદીમાં હું એમ.બી.એ.નું ભણ્યો છું તો તમે એને હસી કાઢશો. ચીન, જપાન, દક્ષિણ અને બીજા ઘણા દેશોના યુવાનો પોતાની માતૃભાષામાં જ ભણીને એમ.બી.એ.ની ડિગ્રી લે છે અને સૅમસંગ-ટૉયોટા જેવી મલ્ટિનેશનલ્સમાં નોકરી કરે છે. માંડ ૮૦ લાખની વસ્તી ધરાવતા ઈઝરાયલમાં પણ વિશ્વકક્ષાનો એમ.બી.એ.નો કોર્સ હિબ્રૂ ભાષામાં ભણાવાય છે.
એશિયાની ટૉપ ૧,૦૦૦ મલ્ટિનૅશનલ કંપનીઝમાંની ૭૯૨ કંપનીઝ જપાન, દક્ષિણ કોરિયા અને ચીન-તાઈવાનની છે. આ દેશોમાં બિઝનેસ મૅનેજમેન્ટ, એન્જિનિયરિંગ, સાયન્સ અને ઈકનૉમિક્સ જેવા વિષયો સ્થાનિક ભાષામાં શીખવવામાં આવે છે. હૉન્ડા, ટોયૉટા, સોની કે સૅમસંગ જેવી આંતરરાષ્ટ્રીય મલ્ટિનૅશનલ કંપનીઓનો આંતરિક વ્યવહાર બધો જ તે દેશોની પ્રજાની માતૃભાષામાં જ ચાલે છે. સૅમસંગના સીઈઓએ કોરિયન ભાષામાં ભણીને એમબીએની ડિગ્રી લીધી હતી. વિશ્વની ટૉપ ટ્વેન્ટી ઈકૉનોમીઝમાં ભારત જ એક એવું રાષ્ટ્ર છે જ્યાં દેશની બહુમતી પ્રજાની માતૃભાષામાં ટૉપ લેવલના એમ.બી.એ. કોર્સીસ નથી.
‘ભાષાનીતિ: ધ ઈંગ્લિશ મીડિયમ મિથ’ના લેખકો સંક્રાંત સાનુ, રાજીવ મલહોત્રા અને કાર્લ ક્લેમન્સનું સૂચન છે કે ભારતમાં તમામ ઉચ્ચ અભ્યાસક્રમ તેમ અદાલતી કામકાજ, કેન્દ્ર તથા રાજ્ય સરકારોનાં વહીવટી કામકાજ વગેરે બધું જ સંસ્કૃતમાં ચાલવું જોઈએ અને ઈઝરાયલે જેમ અલમોસ્ટ મૃતપ્રાય થઈ ગયેલી હિબ્રૂ ભાષાને નવજીવન બક્ષ્યું એમ આપણે સંસ્કૃતને ફરી ચલણમાં લાવવી જોઈએ.
સંસ્કૃતના અનેક શબ્દો ભારતીય ભાષાના શબ્દભંડોળમાં હજુય જીવે છે એટલે સંસ્કૃતનું પુનરુત્થાન કરવાનું કામ હિબ્રૂ જેટલું અઘરું નથી એવું આ ત્રણેય લેખકો માને છે જે સાચી વાત છે. અંગ્રેજીનું મહત્ત્વ આપણા દેશમાં વધુ પડતું છે તથા અનેક જગ્યાએ અંગ્રેજી આપણા માથા પર ઠોકી બેસાડવામાં આવી છે એ પણ સો ટકા સત્ય છે. માતૃભાષાનું મહત્ત્વ વ્યક્તિના જીવનમાં માતા જેટલું જ છે તે પણ હકીકત જ છે.
આમ છતાં પર્સનલી, હું માનું છું કે ભારતમાં દરેક સ્તરે અંગ્રેજીને રિપ્લેસ કરવી શક્ય નથી, અને કોઈ કોઈ જગ્યાએ શક્ય હોય તો પણ રિપ્લેસ કરવી જરૂરી નથી. એનાં અનેક કારણો છે. જે જે દેશો પોતાના વિદ્યાર્થીઓને એમની માતૃભાષામાં ભણવાની સગવડ આપે છે તે તમામ દેશો એકભાષી દેશો છે. ભારત બહુભાષી દેશ છે. પશ્ચિમના દેશો જે સમૃદ્ધ દેશો છે તે – બધા જ પોતપોતાની માતૃભાષાને જ સરકારી ભાષા બનાવે છે તે આપણે જોયું. ફ્રાન્સ, ઈટલી, જર્મની વગેરેમાં ફ્રેન્ચ, ઈટાલિયન અને જર્મન લૅન્ગવેજમાં જ સત્તાવાર કામકાજ ચાલે છે. હવે કલ્પના કરો કે જર્મની પર ફ્રેન્ચ ભાષાને ઑફિશ્યલ લૅન્ગવેજ તરીકેની માન્યતા લાદવામાં આવે કે ઈટલીમાં ડચ ભાષામાં સત્તાવાર કામકાજ થશે એવી જાહેરાત કરવામાં આવે તો શું થાય? સિવિલ વૉર ફાટી નીકળે.
સમગ્ર યુરોપ કરતાં ભારતની વસ્તી અલમોસ્ટ ડબલ છે. યુરોપની વસ્તી ૭૪ કરોડ, આપણી ૧૪૩ કરોડ.
તમિળનાડુ, ગુજરાત, બંગાળ, પંજાબ જો સ્વતંત્ર રાષ્ટ્ર હોત તો દરેકમાં તમિળ, ગુજરાતી, બંગાળી, પંજાબી જ સત્તાવાર ભાષા હોય અને એમાં જ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે એવી જોગવાઈ કરવી શક્ય બને, પણ ભારતની બે ડઝન જેટલી સત્તાવાર ભાષાઓ પર સંસ્કૃત કે હિન્દી લાદવાથી સિવિલ વૉર જ ફાટી નીકળે. એ પ્રેક્ટિકલ નથી. હું તમિળભાષી હોઉં તો મારા પર દેશની સત્તાવાર લૅન્ગવેજ તરીકે હિન્દી થોપવામાં આવે તો હું એનો વિરોધ જ કરું. અને હું પંજાબીભાષી હોઉં તો સંસ્કૃતને ઑફિશ્યલ લૅન્ગવેજ તરીકે નહીં સ્વીકારું, જેમ ફ્રેન્ચ નાગરિક જર્મન ભાષાના આધિપત્યને નહીં સ્વીકારે એમ જ.
સુપ્રીમ કોર્ટમાં પંજાબી વર્સસ તમિળિયનનો કેસ હોય તો બંને જણ ચાહશે કે કાં તો અમે અમારી પોતપોતાની માતૃભાષામાં કેસ લડીએ (જે શક્ય નથી) કાં પછી અંગ્રેજીમાં જ આર્ગ્યુમેન્ટ્સ થવા દઈએ (જે સિસ્ટમ અત્યારે પ્રચલિત છે) પણ બેઉ જણ સંસ્કૃતને કે બેઉ જણ હિંદીને સ્વીકારે એ શક્ય નથી.
ભારત જેવા બહુભાષી દેશમાં સર્વોચ્ચ સ્થાનો પર કે પછી આખા દેશમાં વપરાતી ભાષા તરીકે કોઈ એક જ સ્થાનિક ભાષા વપરાય એવું સપનું જોવું યોગ્ય નથી. અંગ્રેજી પ્રત્યેની માનસિક ગુલામીમાંથી બહાર આવી જવાની જરૂર છે અને અંગ્રેજી માટેના અહોભાવમાંથી બહાર આવી જવાની જરૂર છે. કડકડાટ અંગ્રેજી બોલનારાઓ હજુય આપણને ઈમ્પ્રેસ કરે છે એ આપણી કઠણાઈ છે. કડકડાટ અંગ્રેજી બોલવું કે સડસડાટ અંગ્રેજી લખવું એ તો માત્ર ટેક્નિકલ સિદ્ધિ થઈ. શું બોલાય છે, શું લખાય છે તેનું મહત્ત્વ છે.
ભારતમાં જરૂર છે માતૃભાષાના ભૂંસાઈ રહેલા મહત્ત્વને ફરીથી સ્થાપવાની. ભારતમાં અંગ્રેજીને અવગણવાની જરૂર નથી. એવું કરીશું તો આપણે આપણી નવી પેઢીના શિક્ષણને લોચામાં નાખીશું, કારણ કે અંગ્રેજી વિના તેઓ ઉચ્ચ શિક્ષણ લઈ નહીં શકે અને માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવું ભારત જેવા બહુભાષી દેશ માટે શક્ય નથી, વ્યવહારુ પણ નથી.
આઈડિયલ સિચ્યુએશન મને હજુ પણ એ જ દેખાય છે. ભારતમાં દરેકે દરેક રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ માત્ર અને માત્ર માતૃભાષામાં જ આપવામાં આવે – અંગ્રેજીમાં નહીં. દરેક સ્કૂલનું શિક્ષણનું માધ્યમ તે તે રાજ્યની પોતાની ભાષા જ હોય. તમિળનાડુમાં તમિળ, ગુજરાતમાં ગુજરાતી, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં હિન્દી વગેરે. એક થી ચાર ધોરણ સુધી બધાં જ વિષયોને વિદ્યાર્થી માતૃભાષામાં ભણે. સાથોસાથ પહેલા જ ધોરણથી એને એક ભાષા તરીકે અંગ્રેજીનું શિક્ષણ પણ આપવામાં આવે એ કંપલસરી. પાંચમા ધોરણથી સાયન્સ અને મૅથ્સ અંગ્રેજીમાં ભણાવવામાં આવે, બાકીના બધા જ વિષયો માતૃભાષામાં. અને આઠમા, નવમા, દસમામાં બધા જ વિષયો ભણવા માટે બે વિકલ્પ હોય: માતૃભાષા અથવા અંગ્રેજી પણ અંગ્રેજીમાં ભણે તોય એણે સો માર્કનું એક પેપર તો માતૃભાષાનું લેવું જ પડે અને તે પણ હાયર લેવલનું, લોઅર લેવલનું નહીં.
કૉલેજમાં કળા-આર્ટ્સ વિદ્યાશાખામાં માતૃભાષાનો વિકલ્પ અત્યારે હોય છે જ અને હોવો જ જોઈએ. એટલું જ નહીં, પણ મારે ફાઈન આર્ટ્સમાં જઈને નાટ્યશાસ્ત્ર, ચિત્રકામ કે નૃત્યકળા કે સ્થાપત્યકળા વગેરે શીખવાં હોય તો એના માટે અંગ્રેજીની કોઈ જરૂર નથી, હું માતૃભાષામાં શીખી જ શકું છું પણ અંગ્રેજી ભાષાનું એક પેપર એમાં પણ હોવું જ જોઈએ.
ભારતમાં વિજ્ઞાન-સાયન્સ શાખામાં ઉચ્ચ અભ્યાસ માતૃભાષામાં થઈ શકશે એવી વાતો પ્રેક્ટિકલ નથી. ડેન્ટિસ્ટ્રી, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મેડિસિન વગેરે અનેક વિદ્યાશાખાઓમાં માતૃભાષામાં અભ્યાસક્રમ કરવાનાં ખ્વાબ જોવાને બદલે આ તમામ વિદ્યાશાખાઓમાં છેવટ સુધી એક પેપર માતૃભાષાનું કમ્પ્લસરી હોવું જોઈએ અને એમાં ઓછા માર્ક્સ આવવાથી ફાઈનલ રિઝલ્ટ પર માઠી અસર પડશે એવી ધાસ્તી વિદ્યાર્થીને હોવી જોઈએ.
છેલ્લે બે વાત. સંસ્કૃત ખૂબ અઘરું છે એ વાત કોણે લોકોના મનમાં ઠસાવી, એનું સત્યાનાશ જજો. સંસ્કૃત શીખવું આસાન છે, અંગ્રેજી શીખવા કરતાં તો ઘણું આસાન. સ્કૂલોમાં જે રીતે કમ્પલસરી સંસ્કૃત શિખવાડવામાં આવે છે તે પદ્ધતિ જ આખી ખોટી છે. તમે બાળકને બોલતા શીખવાડો ત્યારે કંઈ ભાષાનું ગ્રામર થોડાં શીખવાડો છો? પહેલાં શબ્દો, પછી વાક્યો, પછી જોડકણાં, કવિતા-વાર્તા એવું બધું શીખવાડો છો.
સંસ્કૃત વ્યાકરણથી શિખવાડવાની કે શીખવાની શરૂઆત કરવાને બદલે, છઠ્ઠી વિભક્તિ અને કર્મણિ પ્રયોગની બબાલમાં પડવાને બદલે, સુંદર સુભાષિતોથી શરૂઆત કરવી જોઈએ. ચાણક્યનાં સૂત્રોથી અને વેદ કે ભગવદ્ ગીતાના જાણીતા શ્ર્લોકોથી આરંભ કરવો જોઈએ. એક વખત એમાં રહેલું અમુલ્ય પ્રેક્ટિકલ ડહાપણ મનમાં વસી જશે તો આપોઆપ સંસ્કૃત ભાષા પદ્ધતિસર શીખવાની તાલાવેલી લાગશે.
બીજી વાત. યોગનું મહત્ત્વ તો વધ્યું જ છે. આયુર્વેદનો પ્રચાર પણ થયો છે, પણ હજુય એલોપથીના અભ્યાસનાં માનપાન જેટલાં છે એટલા યોગાભ્યાસ કે આયુર્વેદના અભ્યાસક્રમના નથી. આપણા જીવન સાથે ડાયરેક્ટ નિસબત ધરાવતી આ ભારતની પ્રાચીન વિદ્યાશાખાઓને ગ્લેમરાઈઝ્ડ કરીને કિશોર ઉંમરથી વિદ્યાર્થીઓ યોગ-આયુર્વેદના અભ્યાસક્રમની ટોચની ડિગ્રીઓ લેવાનાં ખ્વાબ જોતાં થઈ જાય તો માતૃભાષામાં એમ.બી.બી.એસ. કે એમ.ડી. થવા કરતાં એમનું ને દેશનું વધું મોટું કલ્યાણ થવાનું.
સાયલન્સ પ્લીઝ!
નવી ભાષા જિંદગીમાં નવી દૃષ્ટિ લઈને આવતી હોય છે.
ફેડરિકો ફેલિની
(ઈટાલિયન ફિલ્મ ડિરેક્ટર, જન્મ: ૧૯૨૦ – મૃત્યુ: ૧૯૯૩)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો