મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો : નરસિંહરાવની રોજનીશી : સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 14 ડિસેમ્બર 2025)

કનૈયાલાલ મુનશીએ એમને ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ કહ્યા હતા. ભાષાશાસ્ત્રના વિવરણમાં, કવિતાદેવીના અર્ચનમાં અને સાહિત્યના અન્ય પ્રદેશોમાં વિચરવામાં આ વિદ્વાન અને સાક્ષર પુરુષનું આખું જીવન વીત્યું એવું વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠે નોંધ્યું છે. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા એમનું નામ. ગુજરાતી પ્રજા એમને ‘મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો’ના રચયિતા તરીકે ઓળખે. એમનાં દોહિત્રી કલ્લોલિની હઝરતની શાળામાં મુંબઈનાં અનેક ગુજરાતી પરિવારોનાં બાળકો ભણતાં હતાં.

ગુજરાત વિદ્યાસભા, અમદાવાદે દાયકાઓ પહેલાં એમની રોજનીશી પુસ્તકરૂપે પ્રગટ કરી હતી અને ગુજરાતી ભાષામાં આ પ્રકારનાં જૂજ પુસ્તકોમાં એક મહત્ત્વનો ઉમેરો થયો. પુસ્તકરૂપે પ્રગટ થતાં પહેલાં આ રોજનીશી એ વખતના ‘ગુજરાતી’ સાપ્તાહિકમાં (તે વખતનું ‘ગુજરાત’ માસિક જુદું, અને અત્યારનું સરકારી ‘ગુજરાત’ મૅગેઝિન સાવ જુદું) ધારાવાહિક પ્રગટ થઈ.

એક દિવસ બળવંતરાય ઠાકોર કહે: ‘ત્હમે ડાયરી રાખો છો? નિયમસર? કય્હારથી? યુ આર અ વેરી ડેન્જરસ મૅન! આજ મળ્યા તે પણ નોંધશો કે?’

નરસિંહરાવ કહે: ‘નોંધાઈ ગયું! ડેન્જરસ શા માટે? જુઠ્ઠું નોંધું તો ડેન્જરસ!’

નરસિંહરાવે ૧૮૯૨થી ૧૯૩૫ સુધી સતત રોજનીશી લખી. નાની નોંધબુક ગજવામાં રાખતા અને એમાં તત્કાળ ત્વરિત નોંધ કરી લેતા. એ નોંધપોથીઓનું લખાણ રાત્રે ફુલસ્કેપ સાઈઝના જાડા ગ્રન્થોમાં ઉતારી લેતા. આ ડાયરીનું સંપાદનકાર્ય ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષીએ કર્યું હતું.

નરસિંહરાવ દિવેટિયાના જીવનમાં ટ્રેજેડીના પ્રસંગો વારંવાર બનતા રહ્યા. એમની બહુ જાણીતી પંક્તિ છે: આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે… ડાયરીમાં નરસિંહરાવ લખે છે: ‘હું શું કરું? લોકો મ્હને વિદ્વાન ધારે છે. પણ મ્હારામાં તેટલું વિશાળ વાંચન, જ્ઞાનભંડાર વગેરે નથી તે હું પૂરેપૂરું જાણું છું. જગતમાં ઢંઢેરો પીટાવું કે હું વિદ્વાન નથી? તેમ કહું તો ઊલટો દંભી ઠરું!’

સંપાદકોની પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે અઠ્યાવીસ વર્ષ સુધી સળંગ સરકારી નોકરી કરીને નિવૃત્તિ પછી સાહિત્યની ઉપાસનામાં વ્યતીત થયેલા નરસિંહરાવના જીવનમાં કોઈ રણસંગ્રામવિજયી સૈનિકના જેવા વીરરસના પ્રસંગો ન હોય; કોઈ રાજનૈતિક મહાપુરુષના જેવા રાજકીય લડતના પ્રસંગો ન હોય; કોઈ ધર્મપ્રચારક ધર્મગુરુના જેવા ધર્મયુદ્ધના પ્રસંગો ન હોય, કોઈ ભક્તિપરાયણ ભક્તના જેવા પ્રભુકૃપાના ચમત્કારો ન હોય. પણ તે છતાં નરસિંહરાવના જીવનમાં ઘણાં ઘણાં ઉલ્લેખ કરવા જેવાં તત્ત્વો હતાં.

૧૮૫૯ના સપ્ટેમ્બરની ત્રીજીએ જન્મેલા નરસિંહરાવ દિવેટિયા ૧૯૧૨માં ૨૮ વર્ષ સુધી સરકારી નોકરી કરી નિવૃત્ત થયા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં સંસ્કૃત સાથે બી.એ. થઈને એમણે સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરી. આસિસ્ટન્ટ કલેક્ટર અને થોડો સમય એક્ટિંગ કલેક્ટર તરીકે ખેડાથી માંડીને દક્ષિણ ભારતનાં વિવિધ સ્થળોએ નોકરી કરી, સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ૧૯૨૧થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક રહ્યા. મુંબઈમાં શરૂમાં વાંદરાના સમુદ્રતટે ( કાર્ટર રોડ હશે?) ‘બ્લ્યુ બંગલો’માં રહેતા. ૧૯૨૬-૨૭માં સાંતાક્રુઝ રહેવા આવ્યા. થોડાં વર્ષ પછી ખારમાં ‘મરીન વિલા’માં નિવાસ ફેરવ્યો.

પ્રથમ લગ્ન ૧૮૭૨માં, તેર વર્ષની ઉંમરે. પ્રથમ લગ્નથી એક પુત્ર – પ્રસન્નકુમાર જેઓ અમદાવાદમાં એમના લાડકા કૌટુમ્બિક નામથી – કુમારભાઈ તરીકે જાણીતા થયા, વ્યવસાયે પોલીસ અમલદાર હતા. કુમારભાઈ પિતા નરસિંહરાવના મૃત્યુ પછી ત્રણ વર્ષે ગુજરી ગયા. કુમારભાઈના પુત્રો અરુણકાન્ત અને નિશિકાન્ત.

પ્રથમ પત્નીના અવસાન પછીનાં નરસિંહરાવનાં પત્ની તે સુશીલાબહેન. એમનો જીવનસહચાર દીર્ઘજીવી નીવડ્યો. દુ:ખની પરંપરાને આ દંપતીએ એકબીજાની સાથે રહીને બળપૂર્વક દૃઢતાથી સહન કરી. સુશીલાબહેનથી ત્રણ સંતાન: ઊર્મિલા, નલિનકાન્ત અને લવંગિકા. આ ત્રણે સંતાનો નરસિંહરાવના અને સુશીલાબહેનના જીવનકાળ દરમિયાન મૃત્યુ પામ્યાં. ઊર્મિલા ૧૯૧૩માં, નલિનકાન્ત ૧૯૧૫માં અને લવંગિકા ૧૯૩૨માં. આ અસહ્ય આઘાતોને દિવેટિયા દંપતીએ ઈશ્ર્વર શ્રદ્ધાને બળે સહન કર્યા.

મોટી પુત્રી ઊર્મિલાએ માતાપિતાને પૂછ્યા વિના પોતાના પિતા કરતાં મોટી ઉંમરના વૃદ્ધ સંતપુરુષ દયારામ ગિદુમલ જોડે લગ્ન કર્યાં હતાં. દયારામે પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા વિના આ લગ્ન કર્યાં હતાં. સામાજિક ઊહાપોહથી થતા દુ:ખને અને અંગત વેદનાને દિવેટિયા દંપતીએ હૃદયમાં ધરબી રાખ્યાં. એક પુત્રને જન્મ આપીને ઊર્મિલાએ ૧૯૧૩ની આખરમાં પરલોકવાસ કર્યો. સ્વૈચ્છાએ સમાજ બહિષ્કાર સાધીને એકલજીવન ગાળતા જમાઈ દયારામે એ પુત્ર-પ્રેમલના પાલનપોષણનો ધર્મ બજાવ્યો. દયારામના સ્વર્ગવાસ પછી એ કર્તવ્ય નરસિંહરાવ તથા સુશીલાબહેને ઉપાડી લીધું.

નરસિંહરાવ વાંદરાના ‘બ્લ્યુ બંગલો’માં રહેતા ત્યારે ઊર્મિલાનું લગ્ન થયું, પ્રેમલનો જન્મ થયો. ઊર્મિલાનું, નલિનકાન્તનું તથા જમાઈ દયારામનું અવસાન પણ એ જ ગાળામાં થયું. ખારના ‘મરીન વિલા’માં રહેવા આવ્યા પછી એ જ મકાનમાં પુત્રી સૌ. લવંગિકાએ દેહ છોડ્યો. એ જ મકાનમાં ૧૯૩૪માં દોહિત્ર પ્રેમલે પરલોકગમન કર્યું. પ્રેમલના કસમયના અવસાન બાદ આ પ્રાર્થના કાવ્ય રચાયું:

મંગલ મંદિર ખોલો,
દયામય મંગલ મંદિર ખોલો.

જીવન-વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો.
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો
શિશુને ઊરમાં લો લો.
નામ મધુર તમ રટ્યો નિરન્તર
શિશુ સહ પ્રેમે બોલો.
દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો.
દયામય! મંગલ મંદિર ખોલો.

પ્રેમલની મૃત્યુશય્યા પાસે વૃદ્ધ દંપતી અડોઅડ ઊભાં રહ્યાં. ન રડ્યાં, ન અન્ય કાંઈ બોલ્યા; બોલ્યા માત્ર આટલું જ: ‘પ્રેમલ, તું પ્રભુના દરબારમાં જાય છે, ત્યાં સુખી રહેજે.’ અને આ આશીર્વચન ઉચ્ચારીને વૃદ્ધ દંપતી શાન્તિથી, ધીમે પગલે પોતાના શયનખંડમાં ગયું. રોજનીશીમાં નરસિંહરાવે લખ્યું: ‘ઓ મારા હૃદય! અત્યાર સુધીના આઘાતોથી ઘડાયેલું તું, વધારે પાષાણવત્ બની જા.’

મહાત્મા ગાંધીનો આશ્ર્વાસનપત્ર આવ્યો જેના જવાબમાં નરસિંહરાવે છેલ્લાં વાક્યો આ લખ્યાં: ‘… હમારા હૃદયના ઊંડા ભાગમાં તો માનવને સ્વાભાવિક નિર્બળતા વારંવાર જોર પણ કરે છે. કોઈને તે દર્શાવવાની હમારી ઈચ્છા નથી. હમારી આ પ્રકારની તપશ્ર્ચર્યાનું ફળ ખોઈ નાખવાને હમે રાજી નથી. બ્રહ્મકૃપૈવ કેવલમ્’.

દોહિત્ર પ્રેમલના અવસાન વખતે નરસિંહરાવ આયુષ્યના ૭૫ વર્ષ પૂરાં કરી ચૂક્યા હતા. પ્રેમલની મૃત્યુશય્યા પાસેથી ઊઠીને પોતપોતાની પથારીમાં આ દંપતી સૂતું-ત્યાંથી ફરી પાછું સાજું સારું ઊઠ્યું નહીં.

પુત્રી લવંગિકાના મૃત્યુ પછી એમણે રોજનીશીમાં લખ્યું હતું:

‘પ્રભુ! દયાળ! આ આઘાત મ્હારાથી ખમાતો નથી. ખમીશું, ખમીશું, ખમીશું’

૧૯૩૪માં એમના અમૃત મહોત્સવ નિમિત્તનો અભિનંદન ગ્રંથ પ્રગટ થયો જેનું પ્રકાશન આગલે વર્ષે થવાનું હતું પણ પ્રેમલના અવસાનને કારણે મુલતવી રહ્યું હતું.

એ પ્રસંગે એક સાહિત્ય સમારંભમાં નરસિંહરાવે કહ્યું: ‘કનૈયાલાલ મુનશીએ એક પ્રસંગે મ્હને ગુજરાતી સાહિત્યનો ભીષ્મપિતામહ કહ્યો હતો. એ નામને યોગ્ય હું હોઉં કે ન હોઉં, પણ આ પ્રસંગ પૂરતું કહું છું કે કોઈ અર્જુન બાણાવળી બાણશય્યા રચશે તો તે પર સૂઈ જવા હું તૈયાર છું. માત્ર ઉત્તરાયણની રાહ જોતો રહીશ.’

ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષી નોંધે છે કે એ પછી એક ઉત્તરાયણ આવી અને ગઈ. નરસિંહરાવની બાણશય્યા લંબાઈ. માંદગી વધી. બિછાનાવશ થયા. મંદવાડમાંથી ઊઠે એવું જણાતું નહોતું. છતાં એ અણનમ વૃદ્ધ યોદ્ધાએ પરાજય કબૂલ્યો નહોતો. પણ એટલામાં વિધિએ છેલ્લો ઘા કર્યો, બ્રહ્માસ્ત્ર છોડયું. વર્ષોથી પોતાનો ઉગ્ર સ્વભાવ વેઠનાર, પોતાની તબિયતને જાળવનાર સુખદુખનાં સાથી, પોતાનાં નિકટમાં નિકટ સ્વજન પત્ની સુશીલા બે-ત્રણ દિવસની માંદગી ભોગવીને, જે ખંડમાં તેઓ સૂતાં હતાં તે જ ખંડમાં મરણ પામ્યાં. વર્ષો સુધીનું યુદ્ધ વિરમી ગયું. અજિત, વિરાટ, શક્તિશાળી યોદ્ધાએ હાર કબૂલી અને સંયમરૂપી શસ્ત્રનો ત્યાગ કર્યો. આટઆટલાં બાળકોને, સ્નેહીઓને, મિત્રોને વિદાય આપતાં જેમણે પોતાની સ્વસ્થતા નહોતી ગુમાવી એ નરસિંહરાવે સૌ. સુશીલાના જતાં હિંમત ખોઈ દીધી. એ મુક્તકંઠે રડ્યા – એકાંતમાં તેમ જ જાહેરમાં. હજી ખંડમાંથી પત્નીનો મૃતદેહ બહાર કાઢ્યો નહોતો. એક પછી એક સ્નેહીને પોતે બોલાવ્યે જતા હતા. જાણે પત્નીની સાથે પોતે પણ જતા હોય એમ છેલ્લી વિદાય લેતા હતા. એકાએક એમણે બૂમ મારી: ‘કુમાર આવ્યો છે?’

કુમારભાઈ આવ્યા એટલે પિતા નરસિંહરાવ બોલ્યા: ‘કુમાર! સુશીલાને અગ્નિદાહ તું કરશે? એટલું પૂછવાનો હક્ક તો મ્હારો છે ને?’ કુમારભાઈએ કહ્યું: ‘નન્નુભાઈ, આમ ન બોલો. સુશીલા મારાં મા હતાં. તમે જે ફરમાવશો તે કરીશ!’ અને કુમારભાઈ સાથેનો વર્ષોથી વિખૂટો પડેલો સંબંધ કુમારભાઈની સાવકી માતાના મૃત્યુની છાયામાં પુન: સંધાયો.

બીજી ઉત્તરાયણ આવી. અને બરાબર ઉત્તરાયણને દિવસે જ, ૧૯૩૭ના જાન્યુઆરીની ૧૪મી તારીખની પ્રભાતે નરસિંહરાવે દેહ છોડયો અને ગુજરાતી સાહિત્યના ભીષ્મપિતામહપદનું પદ પુરવાર કર્યું.

પાન બનારસવાલા

તમે જ્યારે જ્યારે તમારી લાગણીને પૂરેપૂરી પ્રગટ નથી કરી શકતા તે દરેક વખતે તમારું થોડુંક થોડુંક મૃત્યુ થતું હોય છે.
—અજ્ઞાત્

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here