27મી ડિસેમ્બર— ગાલિબની જન્મજયંતિ. 1797ની સાલમાં એમનો જન્મ. અત્યારે 2025ની સાલ પૂરી થવામાં છે. સવા બસો વર્ષ કરતાં પણ વધારે વર્ષ થઈ ગયાં ગાલિબના જન્મને. 1869ની 15મી ફેબ્રુઆરીએ અવસાન થયું. એને પણ દોઢસો-પોણા બસો વર્ષ થઈ ગયાં. વિચાર કરો કે લગભગ દોઢ-બે સદી પહેલા લખાયેલી વાતો આજે પણ તાજી લાગતી હોય તો એ લખાણોમાં કેટલું બધું કૌવત હશે.
નરસિંહ મહેતા પાંચસો-છસો વર્ષ પહેલાં જે લખી ગયા, અખોથી માંડીને દયારામ, પ્રેમાનંદ ઇત્યાદિ જે સદીઓ પહેલાં લખી ગયા તે બધું હજુ પણ આ દુનિયા માટે, આપણા માટે રિલેવન્ટ છે એમ ગાલિબનું સર્જન પણ હજુય પ્રસ્તુત છે, ગાલિબની ગઝલોની તાજગી હજુય બરકરાર છે.
૧૯૮૮માં ‘મિર્ઝા ગાલિબ’ સિરિયલ દૂરદર્શન પર પહેલીવાર રજૂ થઈ ત્યારથી આજ દિવસ સુધીની ગાલિબ સાથેની અંગત સફર વિશે સંસ્મરણોનું એક આખું પુસ્તક લખી શકું. પણ અહીં માત્ર એક જ લેખમાં વાત કરી લઈશ.
૧૯૮૦નો એ દાયકો. સૂરતના ‘ગુજરાતમિત્ર’માં નોકરી. રતિલાલ ‘અનિલ’, ભગવતીકુમાર શર્મા અને નયન હ. દેસાઈ જેવા દિગ્ગજ કવિઓની સાથે એ છાપામાં કામ કરવાનું સદ્ભાગ્ય જેમને મળ્યું છે એ સૌ આજે પણ એ સોનેરી દિવસો યાદ કરે છે. જે દિવસે ગાલિબનો એપિસોડ આવવાનો હોય એ દિવસે (આય થિન્ક દર શુક્રવારે સાડા આઠે આવે) નયનભાઈ રાત્રે ઘરે જવાની ઉતાવળમાં હોય. કામકાજ ઝડપથી આટોપીને નયનભાઈ મનભરીને ગાલિબ જોતા અને બીજે દિવસે અમને સૌને એ એપિસોડની ખૂબીઓ વિશે વાત કરતા. આમ તો અમે પણ ઘરે જઈને અમારા ૧૪ ઇંચના ટચુકડા બ્લેક ઍન્ડ વાઈટ ટીવી પર ગાલિબ જોતા. પણ નયન દેસાઈ જે ખૂબીઓ વર્ણવતા તે અમારા ધ્યાન બહાર હોવાની. નયનભાઈ પોતે મોટા ગજાના કવિ, ઉર્દૂના જાણકાર એટલું જ નહીં ઉર્દૂમાં ગઝલ, નઝમ લખતા પણ ખરા. ગાલિબની ગઝલોમાં પથરાયેલી વિશાળ અર્થચ્છાયાઓ નયનભાઈ અમને સમજાવતા.
ટીવી પર ‘મિર્ઝા ગાલિબ’ સિરિયલ પૂરી થઈ એના થોડાક વર્ષ પછી બે કૅસેટનું આલ્બમ નીકળ્યું. જગજિત સિંહ – ચિત્રા સિંહના કંઠે ગવાયેલી બધી જ ગઝલ એમાં. એ કૅસેટો ઘસાઈ જાય ત્યાં સુધી વગાડી અને ૧૯૯૦ના દાયકામાં કેટલાય મિત્રોને ભેટ પણ આપી. ગઝલો ગૂંજયા કરે પણ સિરિયલ મનમાંથી ભૂંસાઈ જવા આવેલી, અલમોસ્ટ ભૂંસાઈ ગયેલી.
૧૯૯૫ કે ૧૯૯૬ના ગાળામાં મારા સાહિત્યપ્રેમી સંબંધી અમિત શાહે આ સિરિયલની વીડિયો ટેપ મને જોવા માટે આપી. મારી પાસે વી.સી.આર. નહીં એટલે પડી રહી કબાટમાં. જ્યારે જ્યારે અમિતભાઈ ઘરે આવે ત્યારે પેલી વીએચએસ પાછી આપું પણ એ કહે તમે જુઓ પછી જ આપજો. લગભગ બેત્રણ વર્ષ દરમ્યાન અડધોએક ડઝનવાર આવું બન્યું હશે.
૧૯૯૭ના ગાળામાં એક અંગત વ્યક્તિએ ગાલિબની એ સિરિયલ યાદ કરીને એની બે-ત્રણ વાત મને કહી. એમાંની એક વાત આ હતી. નીના ગુપ્તાનો ફોજદાર-પ્રેમી અજિત વાચ્છાની ગાલિબ વિશે કહે છે: કયા કંગાળને તું ચાહે છે? એના પર તો આખા દિલ્હીનું કર્જ છે. જવાબમાં નીના ઉર્ફે નવાબજાન કહે છે: ‘…અને એમનું કર્જ જે ચડી રહ્યું છે આ આખી દુનિયા પર તેનું શું? એને ઉતારતાં ઉતારતાં તો આ દિલ્હીની રાજગાદી પરથી કેટલાય બાદશાહો ને એમનાં સંતાનોની પેઢીઓ વીતી જશે. છતાં ચુકતે નહીં થાય એ ઋણ!’
આવી થોડીક વાતો સાંભળીને ઘરના કબાટમાં મૂકી રાખેલી પેલી વીએચએસ ટેપ યાદ આવી. તે વખતની બોરિવલીની મારી સ્ટડી-ઑફિસમાં મારું કામકાજ સંભાળતા દિનેશ પાસે એક દિવસના સો રૂપિયાના ભાડે વીસીઆર મગાવ્યું અને ત્રણેય ટેપ એક સાથે જોઈ. અડધો કલાકના કુલ સત્તર એપિસોડ. બૅક-ટુ-બૅક. વીસીઆર પાછું આપતાં પહેલાં ફરીવાર ત્રણેય ટેપ જોઈ લીધી.
અને એ પછીના અઠવાડિયામાં કેટલાય મિત્રોને સ્ટડીમાં બોલાવી બોલાવીને આખેઆખી સિરિયલ દેખાડતો. પાંચ-છ દિવસમાં કુલ એટલી જ વાર આખેઆખી સિરિયલ જોઈ. વીસીઆરનું ભાડું ચડયા કરતું હતું એટલે છેલ્લીવાર જોતી વખતે મારી પાસેના તદ્દન સાદા ટેપ રેકૉર્ડને ટીવીના સ્પીકરની પાસે મૂકીને મને ગમતા તમામ સંવાદો અને લગભગ બધી જ ગઝલો રેકૉર્ડ કરી લીધી. સોનીની બે સી-નાઈન્ટીની કૅસેટો બની.
એ પછી આ કસ્ટમ મેડ ઑડિયો કૅસેટો કેટલીયવાર સાંભળી, કૉપી કરી કરીને મિત્રોને ભેટ આપી. અમિતભાઈનો આભાર માનીને એમની ટેપ્સ પાછી આપી.
1998માં મેઘાએ મને એના પૉકેટ મનીમાંથી સૌથી પહેલી ભેટ આપી— ટી સિરીઝે બનાવેલો ‘મિર્ઝા ગાલિબ’ સિરિયલનો છ સીડીનો મોંઘોદાટ સેટ. મારી પાસે જેમ વીસીઆર નહોતું એમ વીસીડી પ્લેયર પણ તે વખતે નહોતું. તે વખતે ‘મુંબઈ સમાચાર’માં ડેઇલી કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ ચાલતી. બીજા મહિને એનો ચેક આવ્યો કે તરત પહેલું કામ સોનીનું પોર્ટેબલ વીસીઆર ખરીદવાનું કર્યું.
બસ, ત્યારથી આજ સુધી વરસમાં ઓછામાં ઓછી બેવાર ઘરે ‘મિર્ઝા ગાલિબ’ની સૅશન્સ થાય. એક વરસાદની મૌસમમાં અને બીજી મન થાય ત્યારે. એ પછી તો એની ડીવીડી પણ આવી.

કવિતાની બાબતમાં આપણે અંગૂઠાછાપ પણ ગાલિબની ગઝલો સાંભળીને લાગે કે જીવનના અનુભવોના નીચોડની પદ્યમાં રજૂઆત કરવાની હોય તો આ રીતે જ કરાય. ગુલઝારે ‘મિર્ઝા ગાલિબ’ સિરિયલ બનાવીને મારા જેવા લાખો લોકો પર ઘણો મોટો ઉપકાર કર્યો છે. નસિરુદ્દીન શાહનો અભિનય અને જગજિત સિંહનું સંગીત એમાં ભળે છે ત્યારે પ્રયાગરાજના જેટલો જ પવિત્ર ત્રિવેણી સંગમ અહીં રચાય છે.
ગાલિબ વિશે અને આ સિરિયલ વિશે હપ્તાઓ સુધી અગાઉ ભરપૂર લખી ગયો છું એટલે એમાંથી કશું રિપીટ નથી કરવું. ‘મિર્ઝા ગાલિબ’ જેટલી વાર જોઈ છે એટલી વાર પ્રથમ વખત જોતા હોઈએ એવો રોમાંચ થયો છે. એમાંની ગઝલો અને છુટાછવાયા શેર તો ઠીક તમામ સંવાદ અને અભિનયની ઝીણામાં ઝીણી બારીકી હવે કંઠસ્થ થઈ ગઈ છે. એ તો એમ જ હોય ને.
હમણાં ‘સંદેશ’ની ગયા રવિવારની ‘તડકભડક’ કૉલમ માટે ‘મોટા માણસોનાં અપલક્ષણો’ લખતો હતો ત્યારે લેખની શરૂઆત ગુલઝારસા’બે બનાવેલી ગાલિબની આ સિરિયલથી શરૂઆત કરી. ગાલિબ ફરીથી તીવ્રતાપૂર્વક મિસ થયા. ઘરમાં મેઘાવાળી છ સીડી ઉપરાંત બે ડીવીડીનો સેટ પણ છે. પણ શોધવાની માથાકૂટ છોડીને એના તમામ એપિસોડ યુટ્યુબ પર જોઈ લીધા. વચ્ચે અડધો એપિસોડ મિસ થયેલો લાગ્યો—લહિયો દીવાન લઈને ગાલિબને સોંપવા આવે છે, કલ્લુ મિયાં ‘ઉમ્મીદ સે ચહક ઉઠી હોગી’ બોલે છે વગેરે દ્રશ્યો જોવા ન મળ્યાં એટલે ઘરમાં સીડી-ડીવીડી શોધવા મંડી પડ્યા. એક સીડી મળી—3 નંબરની. બાકીની ક્યાંક મુકાઈ ગઈ છે. ડીવીડી પણ ન મળી. એ પણ ક્યાંક તો હશે જ. છતાં તાબડતોબ એમેઝોનમાંથી બે ડીવીડીનો નવો સેટ મગાવી લીધો. આખી સિરિયલ બીજા દિવસે ફરી જોઈ. યુટ્યુબ કરતાં વધારે મજા આવી. સ્વભાવિક છે. ખાસ કરીને સાઉન્ડ.
જોકે, ડીવીડીમાં પણ તમને અત્યારની સિરિયલો જેવું દબદબાવાળું પ્રોડક્શન ન લાગે. 40 વર્ષ પહેલાં પાંખા બજેટમાં બનેલી સિરિયલની પ્રોડક્શન વેલ્યુ ઓછી જ હોવાની. એની કેમેરાપ્રિન્ટ પણ નબળી એટલે ઘણા દ્રશ્યો ધૂંધળા દેખાય. આજકાલ રિસ્ટોરેશનનો જમાનો છે, કાશ કોઈ સારી રીતે એને રિસ્ટોર કરે. બહુ મોટો વારસો છે. ખજાનો છે.
ગાલિબનો એક શેર મેં એટલી બધી વાર ટાંક્યો છે કે નિયમિત વાચકોને તો મોઢે થઈ ગયો હોવો જોઈએ. ગુલઝારની સિરિયલ માટે જગજિત સિંહે પણ આ શેર જેમાં છે તે આખી ગઝલ (‘ઝુલ્મત-કદે મેં મેરે શબ-એ-ગમ કા જોશ હૈ’) ગાઈ છે. આ ગઝલનો મક્તા છે:
આતે હૈં ગૈબ સે યે મઝામીં ખયાલ મેં
‘ગાલિબ’ સરીર-એ-ખામા નવા-એ-સરોશ હૈ.
ગૈબ એટલે ગેબી, ઈશ્ર્વરીય. મજમૂનનું બહુવચન મઝામીં. મજ્મૂન એટલે (લેખ કે કવિતાનો) વિષય. અને ખામા એટલે (બરૂની) કલમ. સરીર એટલે કલમનો કાગળ પર ઘસાવાથી જે ઝીણો રવ, અવાજ ઉત્પન્ન થાય તે. અને સરોશ એટલે ફરિશ્તો તથા નવા એટલે ગુંજન:
‘આ જે નવા નવા વિષયો દિમાગમાં આવે છે તે તો ઉપરવાળાની કૃપા છે. કાગળ પર કલમ વડે લખવાથી જે ઝીણો અવાજ સંભળાય છે તે બીજું કશું નહીં, પણ ફરિશ્તાનું ગુંજન છે.’
ફરિશ્તાનું ગુંજન સાંભળવાની લત એવી તો લાગી ગઈ છે કે જગત આખું કૉમ્પ્યુટરની કીઝ પર આંગળીઓ પછાડીને લખતું થઈ ગયું પણ આપનો વફાદાર હજુય કાગળ પર જાડી ફાઉન્ટન પેનની નિબથી લખવાની આદત છોડી શકતો નથી.
શ્રીજીબાવાની ઇચ્છા હશે તો ગાલિબ વિશે ક્યારેક આખું સ્વતંત્ર પુસ્તક લખીશું.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













