( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 18 ફેબ્રુઆરી 2026 )
ગયા અઠવાડિયે ગીતા વિશેના લેખના સંદર્ભમાં આજનો લેખ લખવામાં આવ્યો છે.
અઘરું છે. બે-ત્રણ વાર વાંચ્યા પછી પણ થોડું થોડું જ સમજાય છે માટે જરાક સહેલું બનાવીને, દાખલાઓ-દૃષ્ટાંતો આપીને સમજાવો. આવાં સૂચનો વાચકોએ કર્યાં છે. લેટ મી ટ્રાય. કારણ કે ગાંધીજીએ ગીતાનું જે હાર્દ પકડ્યું છે તે દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. દરેક વ્યક્તિએ એને સમજવું જોઈએ.
કોઈ પણ કામ કરતી વખતે કામની પ્રક્રિયામાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. અત્યારે હું આ જે લખી રહ્યો છું તે વખતે મારા મનમાં માત્ર એક જ વિચાર ચાલે છે કે હું કેવી રીતે મારા વાચકોને ગીતાની આ ભવ્ય અને અજરામર કન્સેપ્ટ સમજાવું જેથી એ એમના ગળે ઊતરે અને જીવનમાં એનો અમલ કરવાનું શરૂ કરે. મને ખબર છે કે આ કામ કરવાથી મહિનાના અંતે મને પૈસા મળવાના છે, પણ અત્યારે આ ઘડીએ હું જો મને મળનારા પૈસા પર ફોકસ કરીશ તો મારું મન ફંટાઈ જશે. હું એ પૈસામાંથી શું શું કરીશ એ વિશે વિચારવામાં પડી જઈશ તો અત્યારે જે લખી રહ્યો છું તેમાંથી મારું ધ્યાન હટી જશે. પૈસા મળ્યા પછી મારે અમુક ખરીદી કરવી છે એવો વિચાર આવશે તો હું લખવાનું બાજુએ રાખીને એમેઝોન પર જઈને જોઈશ કે એ ચીજ કેટલામાં આવે છે. મને મળનારા અને એમાંથી બચનારા પૈસામાં જો એ ચીજ નહીં આવતી હોય તો હું વિચારીશ કે વધારાના પૈસા કેવી રીતે કમાઉં. પછી મને ફ્રસ્ટ્રેશન આવશે કે આ જે કામ કરું છું એમાંથી જ એટલા પૈસા મને કેમ નથી મળતા. મારામાં અસંતોષ જન્મશે. હું આ કામ પ્રત્યે બેદરકાર થઈ જઈશ અને જો એવું થયું તો હું કોઈ પણ ભોગે વધુ પૈસા કમાવવા માટે મારાં નીતિ-સિદ્ધાંતો સાથે બાંધછોડ કરીને ગમે તે, ગમે તે લખાણો લખવા માટે તૈયાર થઈ જઈશ અથવા ગમે તેવી જગ્યાઓએ જઈને પ્રવચનો કરીને પૈસા કમાઈ લેવાના પેંતરા રચીશ, નકામા લોકો આગળ મુજરો કરીને એમને ખુશ રાખીને મારી કમાણી વધારવાની ખ્વાહિશ રાખીશ.

કર્મફલત્યાગની વાત આ છે. કામ કરવામાંથી ફળ તો મળવાનું જ છે. તે ફળને જતું કરવા દેવાની વાત ગીતામાં નથી કહી. પણ ફળ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કામ પર ધ્યાન ચોંટાડવાની અનિવાર્યતા ગીતાએ સમજાવી છે. ઑલિમ્પિકમાં કે અન્ય કોઈ રમતગમત સ્પર્ધામાં ખેલાડી ભાગ લે છે ત્યારે તેને ફળ સ્વરૂપે સુવર્ણચંદ્રક મેળવવાની ઈચ્છા હોય તે સ્વાભાવિક છે, પણ એ જ્યારે પ્રેક્ટિસ કરે છે કે ખરેખરી ઈવેન્ટમાં ભાગ લે છે ત્યારે એનું બધું જ ધ્યાન વર્તમાનની એ ક્ષણમાં હોય છે-મારે કઈ રીતે પગ મૂકવાનો છે, મારે કઈ રીતે કેટલે ઊંચે કૂદવાનું છે, મારે કઈ રીતે બેટ ઘુમાવવાનું છે, મારે કઈ રીતે પ્રતિસ્પર્ધી વળતો જવાબ આપવામાં થાપ ખાઈ જાય એ રીતે ટેનિસનો બૉલ મારા રૅકેટ વડે એના પાલામાં નાખવાનો છે… કોઈ ખેલાડી રમત વખતે પોતાને સુવર્ણચંદ્રક મળ્યો છે, દેશનું રાષ્ટ્રગીત વાગી રહ્યું છે, હું સૌનું અભિવાદન ઝીલું છું, સરકાર મને આ સિદ્ધિ બદલ રોકડ રકમ, જમીનનો પ્લૉટ કે નોકરી આપશે એવું નહીં વિચારે. હાલાંકિ એ બધું જ એને મળી શકે છે, પણ એ સમજે છે કે એ બધું ત્યારે મળશે જ્યારે હું મારું પરફોર્મન્સ બતાવીશ, ફળનાં સપનાં જોયા કરવાથી મારું પરફોર્મન્સ હું નહીં બતાવી શકું. એ માટે તો મારે મારામાં રહેલી તમામ શક્તિ, નિષ્ઠા, આવડત નીચોવીને કામ કરવું પડશે. આ રીતે કામ કરવાનો ફાયદો એ કે ધારો કે ઈચ્છિત ફળ ન પણ મળ્યું, સુવર્ણચંદ્રક હાંસિલ ન પણ થયો, તોય એ હાંસિલ કરવાની પ્રક્રિયામાં જે આનંદ મળ્યો, જે પરસેવો પાડ્યો તે પરસેવાની સુગંધથી આજીવન આપણે મહેકતા રહીશું.
ઘરમાં બાથરૂમની મોરી ચૉકઅપ થઈ ગઈ છે અને રિપેર કરવા માટે પ્લમરને બોલાવ્યો છે. (પ્લમ્બરની જોડણીમાં ‘બી’ સાયલન્ટ હોય). પ્લમરને ખબર છે કે ગયા વખતે એ આવ્યો ત્યારે એણે અઢીસો રૂપિયાનો ચાર્જ લીધો હતો એટલે આ વખતે પણ એટલા પૈસા મળશે, પણ કામ કરતી વખતે એ પોતાને મળનારા પૈસામાંથી રાત્રે ઘરે જતી વખતે બાળક માટે ફ્રૂટ લઈ જશે કે ઘર માટે શાકપાંડદું લઈ જશે કે પોતાના માટે કશુંક લઈ જશે એવો વિચાર નથી કરતો. એ એકચિત્તે, પોતાના ઘરની મોરી સાફ કરતો હોય એવી એકાગ્રતાથી કામ કરી રહ્યો હોય છે. એને એવો પણ વિચાર નથી આવતો કે આ ઘરવાળા મને ગયા વખત જેટલા પૈસા આપવાને બદલે મજૂરી ચૂકવવામાં મારી સાથે ભાવતાલ કરશે તો? એણે ફળની ચિંતા છોડી દીધી છે. ગાંધીજીએ ‘અનાસક્તિયોગ’માં લખ્યું છે: ‘ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે’ તે સાચું જ છે. પ્લમર જ્યારે ફળની ચિંતા રાખ્યા વગર કામ કરે છે અને કામ પૂરું થયા પછી એ જ્યારે પ્લાસ્ટિકની થેલીમાં મોરીનો કચરો ભરીને વિદાય લેતો હોય છે ત્યારે એના હાથમાં મજૂરીના અઢીસો વત્તા બક્ષિસના પચાસ રૂપિયા મુકાય છે. લેખક જ્યારે એકનિષ્ઠાથી લખતો હોય છે ત્યારે એના લખાણમાં વ્યક્ત થતા પ્રભાવશાળી વિચારોને લીધે એને કદાચ કોઈક પ્રકાશક પુસ્તક લખવાની ઑફર કરે છે જેમાંથી એને વધારાની કમાણી થવાની.
એ જ રીતે ગીતામાં જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગની જે સમજ આપવામાં આવી છે તેમાં ભક્તિનો જે પ્રચલિત અર્થ છે કે મંજિરાં લઈને ભજન ગાવાં તેના પૂરતી જ ભક્તિ સીમિત નથી. ભક્તિ એટલે પ્લમરે અને લેખકે જે નિષ્ઠાથી કામ કર્યું તે. ગૃહિણી રસોડામાં જે તન્મયતાથી રસોઈ કરે છે તે ભક્તિ છે અને સ્ટેશનના પ્લૅટફૉર્મ પર એક બૂટપૉલિશવાળો જે ભાવથી તમારાં શૂઝ ચમકાવી આપે છે તે પણ ભક્તિ જ છે. ભગવાન માત્ર મંદિરમાં આવતા ભક્તોને આશીર્વાદ નથી આપતો. રસોડામાં કે રેલવે સ્ટેશન પરના એના ભક્તો પર પણ પોતાના આશીર્વાદ વરસાવે છે.
આય થિન્ક હવે તમે ગયા સપ્તાહે લખેલો લેખ ફરી વાંચી જશો તો વાત એક ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે. જે વાચકોએ મારી પાસે આ કામ કરાવ્યું તે સૌનો હું ઋણી છું. સૂચન ના કર્યું હોત અને વિવેકમાં ને વિવેકમાં તેઓ ચૂપ રહ્યાં હોત તો આ તક મને પ્રાપ્ત થઈ ન હોત.
સાયલન્સ પ્લીઝ!
જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી;
ચાલવું સાબૂત કદમ, થોડી સબૂરી રાખવી.
– વેણીભાઈ પુરોહિત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












