અપવાદો અને નિયમો: સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 5 ઑક્ટોબર 2025 )

અંગ્રેજીમાં એક કહેવત છે : શેતાન બાઈબલને ટાંકે છે.

કોઈ દુષ્ટ માણસ ડાહીડમરી અને જીવનમાં અપનાવવા જેવી વાતો પણ કરતો હોય તો એના શબ્દોથી પ્રભાવિત ન થવાનું હોય, એના સમગ્ર જીવનની કુંડળી જોવાની હોય.

આ જ થીમને આગળ વધારીએ. કોઈ સજ્જનના મોઢે તમે કોઈ એવી વાત સાંભળો જે તમને સ્વીકાર્ય ન હોય તો એ સજ્જનનો એક્કો કાઢી નાખવાનો ન હોય, એના સમગ્ર જીવનની કુંડળી તપાસવાની હોય, એણે કરેલાં અગણિત સત્કર્મોનો સરવાળો જોવાનો હોય.

કોઈ વ્યક્તિમાં, સમાજમાં કે દેશમાં તમને અમુક ખામીઓ દેખાતી હોય તો તમારે એ સમજવું જોઈએ કે એ માણસ, એ સમાજ કે એ દેશ માત્ર આ ખામીઓ પૂરતો જ સીમિત નથી. એ વ્યક્તિમાં, એ સમાજમાં કે એ દેશમાં એવી અગણિત ખૂબીઓ છે જેનું તમે ગૌરવ લઈ શકો.

થોડીક વિગતે વાત કરીએ. તમે કોઈ સરકારી દફતરમાં તમારા કોઈ વાજબી કામ માટે જાઓ છો. તમારી પાસે સત્તાવાર જે કંઈ કાગળિયાં જોઈએ તે બધાં જ છે. આમ છતાં કર્મચારી તમારી પાસે તમારું કામ કરવા માટે લાંચ માગે છે. લાંચ માગવી બિલકુલ ખોટી વાત છે. તમે ગુસ્સામાં આવીને ટ્વિટર પર તમારી ભડાસ કાઢો છો કે આખું સરકારી તંત્ર ભ્રષ્ટ છે, આ દેશ ભ્રષ્ટાચારીઓથી ખદબદે છે, દુનિયામાં ભારત જેટલો ભ્રષ્ટાચાર બીજે ક્યાંય નથી.

આવું તમે કહો તો એ પણ ખોટી વાત છે. તમારો એક અંગત અનુભવ સમગ્ર દેશને ભ્રષ્ટ કહે એ વાત જ અસ્વીકાર્ય છે.

ચોમાસામાં તમારા ઘર અને ઑફિસ વચ્ચેના રસ્તા ધોવાઈ ગયા, ખાડા પડી ગયા, તમારું સ્કૂટર ગબડી ગયું, તમને વાગ્યું, ફ્રેક્ચર પણ થયું. તમે ટ્વિટર પર ચડીને એલફેલ બોલવા માંડ્યા. તમારી આ વાણીને કારણે દેશમાં બંધાયેલા હજારો કિલોમીટરના હાઈ વે, એક્સપ્રેસ વે પણ એવા જ છે એમ માની લેવાનું? ના. તમને ખાડાવાળા રસ્તાનો કડવો અનુભવ થયો એ હકીકત છે. રસ્તા પર ખાડા ન હોવા જોઈએ. આમ છતાં, દેશના કેટલાક રસ્તાઓ પર ખાડાઓ છે જ. આને કારણે જે હજારો કિલોમીટર રસ્તાઓ પર લાખો નાગરિકો કોઈ અડચણ વિના સડસડાટ પ્રવાસ કરી રહ્યા છે તેની અવગણના કરવાની?

કોઈ મહાન ઐતિહાસિક પુરુષે જીવનમાં બે-ચાર કામ ખોટાં કર્યાં હોય, એમના બે-ચાર વિચારો સમાજ માટે નુકસાનકર્તા પુરવાર થયા હોય-એની ટીકા થવી જ જોઈએ. પણ એને કારણે શું એ મહાપુરુષનો એકડો જ કાઢી નાખવાનો?

તમારી પોતાની જ વાત લઈએે. નાનપણથી અત્યાર સુધી તમારી સાથે દોસ્તી નિભાવનાર, તમને સુખદુખે સાથ આપનાર, હંમેશાં તમારી પડખે રહેનાર દોસ્તારે કોઈ વાતે તમને ખોટું લાગે એવું વર્તન કર્યું, બિલકુલ ગેરવાજબી વર્તન કર્યું, એવું વર્તન એનાથી થવું જ ન જોઈએ. પણ શું એ એક કે એવા બે-ચાર પ્રસંગોને કારણે તમે એની સાથેની મૈત્રી પર ચોકડી મારી દેશો? તમારી અને એની દોસ્તીનું વિહંગાવલોકન કરશો તો ખ્યાલ આવશે કે આવા બેચાર ટપકાં જેવાં છે, એને કાળી ટીલી પણ ગણો તોય વાંધો નહીં. પણ શું એને કારણે અત્યાર સુધીનાં વર્ષો દરમ્યાન તમે બંનેએ સાથે મળીને મૈત્રીનું જે ચિત્ર દોર્યું છે તે ફાડીને ફેંકી દેવાનું?

જો આવું કરશો તો નુકસાન તમારું જ છે. આની સામે બીજી એક વાત.

એક દુષ્ટ માણસ છે. તદ્દન છેલ્લી પાયરીનું એનું વ્યક્તિત્વ છે. એનો આખો ભૂતકાળ ગંદાં કામોથી ખરડાયેલો છે. એ કોઈ એવી વાત કરે છે કે એવું એક કામ કરે છે જેની સાચેસાચ તમારે પ્રશંસા કરવી જ પડે. શું આ એક સારી વાતને લીધે એના જીવનની બધી જ બદમાશીઓને માફ કરી દેવાની? તમે માફ કરી દેશો તો નુકસાન કોનું છે ? તમારું જ છે, મારા ભૈ.

મેં પર્સનલી જાહેર જીવનમાં આવા બેઉ પ્રકારના લોકો જોયા છે. એમને ઓળખવામાં શરૂઆતમાં થાપ ખાઈ જાતો. કોઈ રાક્ષસ ક્યારેક વેદમંત્ર ઉચ્ચારે તો તેનાથી પ્રભાવિત થઈ જવાતું. કોઈ આદરણીય વ્યક્તિ ક્યારેક અણછાજતું વર્તન કરી બેસે કે એમની વાણીમાં, એમની અભિવ્યક્તિમાં કંઈક ખૂંચે એવું આવે તો એ વ્યક્તિ તરત મારી નજરમાંથી ઊતરી જતી.

ડહાપણની દાઢ ફૂટ્યા પછી ભાન થયું કે અપવાદોને નિયમ ગણાવતા ન હોય. ગણીશું તો નુકસાન આપણું જ છે. ગામ હોય ત્યાં ઉકરડો પણ હોવાનો. દરેકના ઘરમાં કોઈક એક જગ્યાએ સ્નાનઘર-શૌચાલય હોવાનાં જેની ગટરની મોરીનું ઢાંકણ ઉઘાડીને સૂંઘવાની ચેષ્ટા કરશો તો તમારી ઘ્રાણેન્દ્રિયએ દુર્ગંધનો જ સામનો કરવો પડશે, પછી ભલે ને એ ઘરના માલિકનું વ્યક્તિત્વ, ત્યાં રહેનારા એમનાં કુંટુબીજનોનું વ્યક્તિત્વ મઘમઘતું હોય. તમે પેલી દુર્ગંધ પરથી આ પરિવારના ચારિત્ર્યનો ક્યાસ કાઢવા બેસશો તો નુકસાન તમારું જ છે, બીજા કોઈનું નહીં.

બીજી વાત. અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે એવું કવિ દલપતરામ દોઢસો વરસ પહેલાં સમજાવી ગયા. બીજાઓની ખોડખાંપણ કાઢીને પોતાને મહાન ચીતરવાનો ઉદ્યોગ સોશિયલ મીડિયા પર જે ખીલ્યો છે તે કંઈ નવો નથી. યુગોથી ચાલતો આવે છે. મારે જો મને મહાન ચીતરવો હશે તો બીજાઓની પ્રગટપણે કે પછી પ્રચ્છન્નપણે ટીકા કરવી પડશે, એમને ગાળાગાળ પણ કરવી પડશે એવું માનીને કેટલાય લોકો સૂંઠનો ગાંગડો પણ પોતાની દુકાનમાં ન હોય તોય ગાંધી થઈ જવા આતુર છે.

ડબલ ઢોલકી વગાડનારા ઉસ્તાદો પોતાને તટસ્થ અને નિરપેક્ષ તરીકે ચીતરીને ગામ આખાના કાજીની ઇમેજ ઊભી કરવામાં નિપુણ હોય છે. કોઈ પણ મુદ્દા વિશે, કોઈ પણ પરિસ્થિતિ કે વ્યક્તિ વિશે તમે એમને પૂછશો તો તેઓ અડુકિયા-દડુકિયાની જેમ જમીન પર ગુલાંટો મારશે. તમને ખબર જ નહીં પડે કે એ તેઓ કઈ બાજુ છે. એમની પાસે વિકૃત તર્કનું હથિયાર હાથવગું હોય છે. સ્કૂલ-કૉલેજની ડિબેટમાં એમને કોઈ પણ વિષયની તરફેણ કે વિરુદ્ધ-જે બાજુ બોલવાનું હોય તેનો પક્ષ લઈને બોલી શક્તા હતા. એમાં પોતાની માન્યતાને કોઈ સ્થાન નહોતું. આ જ લોકો (ઉંમરમાં) મોટા થઈને પવન પ્રમાણે શઢ ફેરવવામાં કુશળતા હાંસિલ કરી લેતા હોય છે. તેઓ સગવડ પ્રમાણે પોતાના તર્ક દ્વારા રાવણને, કંસને કે ગબ્બર-મોગામ્બોને પણ હીરો તરીકે ચીતરી શક્તા હોય છે.

આપણી આસપાસ રહેલા, આવા તમામ રૉન્ગ નંબરોને ઓળખીએ. એમની ચાલ સમજીએ. એમની કુટિલ રમતમાં ભાગ લેવાને બદલે એમની સાથે લટકતી સલામ રાખીને એમને સમાજમાં ખુલ્લા પાડીએ. બાઈબલને ટાંક્યા કરતા શેતાનની જમાતમાં જ્યારે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બીજાની 99 ટકા ખૂબીઓને ઢાંકી દેવા એમની એક ટકા જેટલી ખામીઓ વિશે ઢોલ પીટતા રહેવાનો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે, મા સરસ્વતી દ્વારા મળેલા ચપટીક આશીર્વાદનો ઉપયોગ બદમાશીભર્યા તર્ક દ્વારા દલીલો કરીને જંગ જીતી જવાની હોડ શરૂ થઈ છે ત્યારે એક જ કામ કરવાનું—નીરક્ષીર વિવેક કેળવવાનો. શરદ પૂનમની ચાંદનીના અજવાળે માનસરોવરમાં ડૂબકી મારીને મોતીચારો વીણતા હંસની જેમ પાણી અને દૂધને છૂટાં પાડવાની કળા હસ્તગત કરવાની. આટલું નહીં કરીએ તો આપણે પણ એમની જેમ મર્યા પછી નર્કમાં જવાના.

પાન બનારસવાલ

ના, ભાઈ ના. તર્કની ગુલાંટો મારવાની કળા હસ્તગત કરી લેવાથી તમે વિચારપુરુષ નથી થઈ જતા.

-નેઈલ્સ બ્હોર (ડેનિશ ભૌતિકશાસ્ત્રી જેને ક્વૉન્ટમ મિકેનિક્સ માટે નૉબેલ પારિતોષિક મળ્યું હતું.)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here