(ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : શુક્રવાર, 27 ડિસેમ્બર 2024)
એઈટીઝમાં હું ‘ગુજરાતમિત્ર’માં કામ કરવા સુરત ગયો હતો. એ પછી બીજાં થોડાં વર્ષ ત્યાંથી જ કામ કર્યું અને મુંબઈ પાછો આવ્યો.
સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ સાથે મારો એ જમાનામાં નાતો બંધાયો જે આ અઠવાડિયે એમના તરફથી મને શ્રેષ્ઠ કટાર લેખકનો અવૉર્ડ મળ્યો ત્યારે તાજો થયો.

પત્રકારનિધિના બટુક દીક્ષિત અવૉર્ડની એ ગાળામાં જ સ્થાપના થઈ હતી. બટુકભાઈ 1979માં ગુજરી ગયા. ‘ગુજરાતમિત્ર’માં કામ કરતા હતા. મેં એમને જોયા નથી. પણ એમના લઘુબંધુ કૃષ્ણવીર દીક્ષિત સાથે 1978માં ‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા’ના પ્રકાશક પરિચય ટ્રસ્ટમાં જોડાયો ત્યારથી પરિચય. કૃષ્ણવીર દીક્ષિત પોતાના ઇનિશ્યલ્સ (કૃ.દી.)થી જાણીતા. મુંબઈ માં ‘જન્મભૂમિ’માં કામ કરે અને દર સોમવારે ‘કલમ અને કિતાબ’નું પાનું પણ લખે. આ કૉલમ ઝવેરચંદ મેઘાણીએ, ‘ફૂલછાબ’માં તંત્રી હતા ત્યારે, શરૂ કરેલી. સાહિત્યની વાતો આવે, ખાસ કરીને પુસ્તક સમીક્ષાઓ આવે. કૃ.દી. દરેક ‘પરિચય પુસ્તિકા’નો અચૂક રિવ્યુ લખે. તંત્રી યશવંત દોશીને એમની વિદ્વતા માટે માન. કૃ.દી. ‘પરંતપ’ના ઉપનામે ‘ગુજરાતમિત્ર’માં પણ સાહિત્યની અને પુસ્તક રિવ્યુની કૉલમ લખતા.
1983માં બટુકભાઈ દીક્ષિતની યાદમાં સુરતમાં કામ કરતા સિનિયર પત્રકારોને સન્માનવાની પ્રવૃત્તિ શરૂ થઈ. જરૂરતમંદ પત્રકારોને દવા, ઘર, શિક્ષણ વગેરેના ખર્ચમાં ઉપયોગી થવાના ઉમદા હેતુથી કલ્યાણનિધિ ટ્રસ્ટ બન્યું હતું. પહેલો બટુક દીક્ષિત અવૉર્ડ ભગવતીકુમાર શર્માને અપાયો. બીજો રતિલાલ ‘અનિલ’ને અને ત્રીજો અવૉર્ડ 11 ફેબ્રુઆરી 1990ના દિવસે ચંદ્રકાંત પુરોહિતને અપાયો.
‘ગુજરાતમિત્ર’માં હતો ત્યારે ત્રણેય સિનિયરોના હાથ નીચે મેં કામ કર્યું હતું. કવિ નયન હ. દેસાઈ તંત્રીખાતામાં મારા કલીગ હતા. એમના પુત્ર મેહુલ દેસાઈ અત્યારે કલ્યાણનિધિ ટ્રસ્ટના મંત્રી છે. અમૃત વડિયા એના પ્રમુખ છે અને હરીશ જાની સહમંત્રી છે.
ચંદ્રકાંત પુરોહિત (ચં.પુ.)ને આ અવૉર્ડ અપાયો તે પ્રસંગે એક સુવેનિયર પ્રગટ કરવાનું નક્કી થયું. એનું સંપાદન સૌરભ શાહે કરવું એવું પ્રપોઝલ આવ્યું . મેં શરત મૂકી કે સુવેનિયરમાં એક પણ પાનું જાહેરખબર છાપવા માટે નહીં બગાડવાનું. જે દાતાઓ હોય એમને વિનંતી કરવાની કે આ સુવેનિયરની જે થીમ છે તેના માટે જ બધાં પાનાં વપરાશે અને આપ સૌનો ઉલ્લેખ પ્રથમ પાને ગૌરવભેર કરવામાં આવશે. સૌએ ઉમળકાભેર મંજૂરી આપી અને કામ શરૂ થયું. ડિઝાઇનિંગ માટે પંકજ દેસાઈને મેં સાથે લીધા. પંકજભાઈ મારા સાથી હતા. ‘ગુજરાતમિત્ર’માં હું જોડાયો તે વખતે મારા પહેલા મિત્ર પંકજભાઈ બન્યા. કાર્ટૂનમાં એમની માસ્ટરી. લેઆઉટ અને ન્યુઝપેપર ડિઝાઇનિંગમાં પણ ઊંડી જાણકારી . જર્નલિઝમમાં સારું શું અને ખોટું શું એનો પણ ભારે વિવેક.
સુવેનિયરને અમે નામ આપ્યું ‘અનુસંધાન’. ટેબ્લોઈડ કરતાં નાની પણ ફૂલસ્કેપ કરતાં મોટી એવી સાઈઝમાં 48 પાનાં વત્તા ચાર પાનાંનું જાડું કવર એવું પુસ્તક પ્લાન કર્યું. કવરને ફ્રન્ટ પેજનો લુક આપીને 48 પાનામાં શું શું છે તેનો ખ્યાલ આપ્યો. છેલ્લું કવર લોકલ ન્યુઝ, રાશિ ભવિષ્ય વગેરે અપાતા હોય એમ ટોટલ હ્યુમરમાં લખવાનું કામ હાસ્યકાર નિરંજન ત્રિવેદીને સોંપાયું. તે વખતના લોકપ્રિય અને આજના અતિ અતિ લોકપ્રિય હાસ્ય સાહિત્યકાર અશોક દવે પાસે બીજા અને ત્રીજા કવર પેજ પર ટચુકડી જા/ખ (ક્લાસિફાઇડ એડ્સ) લખાવી. (એક સેમ્પલ: વેચવાનો છે : 330 વાર વપરાયેલો નવલકથાનો પ્લૉટ…)
બકુલ ત્રિપાઠીને એક કામ સોંપેલું. એમણે સ્વીકારેલું પણ. છેલ્લી ઘડીએ એમની ના આવી. છેવટે અશોક દવેને સમજાવીને એ કામ થયું. એ જમાનામાં ફિલ્મના ગૉસિપ મૅગેઝિન ‘સ્ટારડસ્ટ’ની બોલબાલા. અમે ‘પત્રકારડસ્ટ’ બનાવવાનું નક્કી કરીને ‘અનુસંધાન’માં 7-8 પાનાં એના માટે ફાળવેલા. આખા સુવેનિયરની એ જબરજસ્ત હાઈલાઈટ હતી. રઘુવીર ચૌધરી, ગુણવંત શાહ, અશ્વિની ભટ્ટ, ચંદ્રકાંત બક્ષી, રજનીકુમાર પંડ્યાથી માંડીને તમામ મોટા સાહિત્યકારો, પત્રકારો, કૉલમનિસ્ટોની ટિંગળ ઉડાવવાની. પત્રકારોમાં હરકિસન મહેતા, હસમુખ ગાંધી, કાન્તિ ભટ્ટથી માંડીને સૌરભ શાહ સુધીના બધા જ. ‘સ્ટારડસ્ટ’માં જે જે વિભાગો આવતા (નીતાઝ નૅટર, કોર્ટ માર્શલ વગેરે) તે બધા વિભાગોમાં ‘સ્ટારડસ્ટ’ની સ્ટાઈલમાં પૅરડી કરવાની. ‘અનુસંધાન’નો આ જબરદસ્ત સેક્શન બન્યો.
કોઈને ખોટું લાગશે તો? અશોકે મને પૂછેલું. મેં એને કહેલું કે નિર્દોષ હ્યુમર છે, કોઈનું અપમાન થોડું કરીએ છીએ? આમ છતાં કોઈ એવો ઇશ્યુ ઊભો થાય તો હું બેઠો છું ને, તું શું કામ ચિંતા કરે છે?
અશોક દવેએ ‘પત્રકારડસ્ટ’ના આરંભે ‘લેખકની સ્પષ્ટતા’ મથાળા નીચે પૂરતો ખુલાસો તો કર્યો જ. અને છેલ્લે લખ્યું : “….છતાંય વાત એથીય વધુ આગળ જશે તો સૌરભે કહ્યું છે, ‘અરે, હું બેઠો છું ને’ ….એટલે કે એ બેઠો જ રહેશે અને ટિચાતો જઈશ.”
‘પત્રકારડસ્ટ’ને કારણે ‘અનુસંધાન’ એક ક્લેક્ટર્સ આયટમ બની ગયું. ફિલ્ડમાં ખૂબ વંચાયું, આખા ગુજરાતના તે વખતના જુનિયર-સિનિયર પત્રકારોએ વખાણ્યું. ફુલ ક્રેડિટ ગોઝ ટુ અશોક દવે.
ઑન અ સિરિયસ નોટ ‘અનુસંધાન’માં ગુજરાતી પત્રકારત્વ વિશે પ્રગટ થયેલાં પુસ્તકોની યાદી આપી. ગુજરાતીમાં પત્રકારત્વ શીખવતી શિક્ષણ સંસ્થાઓનાં નામ સરનામાં આપીને બે મહત્ત્વની સંસ્થાઓનો વિગતે પરિચય કરાવતા બે લેખો આપ્યા. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગ વિશે નરેશ શાહે રિપોર્ટિંગ કર્યું : એના રિપોર્ટનું મથાળું હતું : ‘પત્રકારો તૈયાર કરતું કાઠિયાવાડી કારખાનું’. મુંબઈની એસએનડીટી કૉલેજના જર્નલિઝમના કોર્સ વિશે સંજય વોરાએ લખ્યું : ‘શીલા ભટ્ટને ભણાવી ચૂકેલી મુંબઈની પત્રકારત્વ શીખવાડતી સંસ્થા’.
આજે પાંત્રીસ વર્ષ પછી તો ગુજરાતીમાં પત્રકારત્વનું શિક્ષણ આપતી સંસ્થાઓ એટલી વધી ગઈ છે કે બસો-ત્રણસો પાનાંનું પુસ્તક કરવું પડે. સારું છે.
જેમના નામે ‘બટુક દીક્ષિત અવૉર્ડ’ અપાય છે એમનો પરિચયલેખ કોણ લખશે? આ વર્ષે જેમને આ અવૉર્ડ મળી રહ્યો છે તે—ચંદ્રકાંત પુરોહિત. એમના લેખનું મથાળું હતું : ‘પત્રકારત્વના મહારથી સ્વ. બટુકભાઈ દીક્ષિત’.
1988માં પ્રથમ અવૉર્ડ વિજેતા ભગવતીકુમાર શર્મા વિશે રતિલાલ ‘અનિલ’એ લેખ લખ્યો— ‘ભગવતીકુમાર શર્મા પાસે દૃષ્ટિ છે, પ્રમાણ છે, લક્ષ્ય છે.’ 1988માં બીજો અવૉર્ડ મેળવનાર રતિલાલ ‘અનિલ’ના જીવન વિશે ભગવતીભાઈએ લખ્યું : ‘રતિલાલ ‘અનિલ’, ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વનો ચમત્કાર ’.
1990માં ત્રીજો અવૉર્ડ મેળવનાર ચંદ્રકાંત પુરોહિત વિશે કોણ લખે? જેમના સન્માનમાં ‘અનુસંધાન’ પ્રગટ થાય છે એમના વિશે એકબે પાનામાં લખાવવાને બદલે 7-8 પાનાનું ફોટોફીચર તૈયાર કર્યું. તસવીરો જાણીતા પ્રેસ ફોટોગ્રાફર ચંદ્રકાંત જોષીની અને શબ્દો સૌરભ શાહના : ‘પત્રકારની ડાયરીનું એક પાનું : ચંદ્રકાન્ત પુરોહિત સાથે સવારના સાતથી રાતના બાર’. જબરજસ્ત ફીચર બન્યું.
‘અનુસંધાન’ની બીજી એક હાઈલાઇટ. અત્યાર સુધી ગુજરાતી ભાષાના તમામ પત્રકારો, કટારલેખકો, છાપામાં લખતા સાહિત્યકારોની કોઈ ડિરેક્ટરી બની નહોતી. અમે પ્રયાસ કર્યો. ગુજરાત અને મુંબઈથી પ્રગટ થતાં મુખ્ય અખબારો અને જાણીતાં અઠવાડિકોના તંત્રી વિભાગમાં કામ કરતા તમામ પત્રકારોની યાદી આપી – એમના ઘરના સરનામા અને ઘરના ફોન નંબર સાથે. આ યાદી સંપૂર્ણ હોવાનો કોઈ દાવો નહોતો કર્યો. પણ અમે 350થી વધુ નામ-સરનામાંની ડિરેક્ટરી ‘અનુસંધાન’માં છાપી શક્યા – દરેક તંત્રીના ફોટા સાથે, છાપા-મૅગેઝિનના લોગો સાથે.
પ્રમુખ અખબારોના તંત્રીઓની મુલાકાત લઈને ‘મારા અખબારમાં શું ખૂટે છે’ મથાળા હેઠળ ફીચર બનાવ્યું. હરીન્દ્ર દવે, પ્રદીપ શાહ, હરસુખ સાંઘાણી અને ભગવતીકુમાર શર્મા. પત્રકારત્વના વ્યવસાયમાં જોડાયેલા ત્રણ કવિઓ પાસે અખબારી કાવ્યો લખાવ્યાં: ભગવતીકુમાર શર્મા, નયન હ. દેસાઈ અને પ્રફુલ્લ પંડ્યા.
નરેશ શાહે ચાર પ્રેસ ફોટોગ્રાફરોની તસવીરકથા લખી : ઝવેરીલાલ મહેતા, પ્રવીણ કાચા, દિલીપ પરમાર અને પ્રવીણ ગજ્જર.
યાસીન દલાલે ‘ગુજરાતી ફિલ્મ પત્રકારત્વનો ફ્લેશબેક’ લખ્યો.
બકુલ ત્રિપાઠી અને તારક મહેતાએ પત્રકારત્વને કેન્દ્રમાં રાખીને હાસ્યલેખો લખ્યા, રજનીકુમાર પંડ્યાએ એક નાટક લખ્યું. સુધીર માંકડે વાર્તા લખી. કાન્તિ ભટ્ટે અંગ્રેજી પત્રકારત્વ અને ગુજરાતી પત્રકારત્વ વિશે લેખ લખ્યો જેનો સૂર હતો ‘અગવડો સાથેય ગુજરાતી પત્રકાર અંગ્રેજી પત્રકારની બરોબરી કરે છે અને ક્યાંક તો ચઢિયાતો છે.’
‘અનુસંધાન’ના દરેક પાને પત્રકારત્વ વિશે ગુજરાતી, ભારતીય, વિદેશી પત્રકારોના ક્વોટ્સ મૂકલ્યા. સાહિત્યકાર હિમાંશી શેલતના પિતા કાલિદાસ શેલતનું વાક્ય છે : ‘પત્રકારત્વનો વ્યવસાય પવિત્ર છે. કેવળ સ્વાર્થના લોભે એને ભ્રષ્ટ કરનારા કાળે કરીને પત્રકારત્વમાંથી ભ્રષ્ટ થયા છે અને થશે.’
ખુશવંત સિંહ : ‘લોકપ્રિય મૅગેઝિને લોકોને પ્રિય હોય એવી જ વાચનસામગ્રી આપવી પડે.’
ભૂપત વડોદરિયા : ‘વર્તમાનપત્ર જ્યારે આત્મસંતોષમાં પડી જાય છે અગર ઘરેડમાં પડી જાય છે ત્યારે તેની સફળતા કટાઈ જાય છે.’
હરીન્દ્ર દવે : ‘એક સંસ્થામાં કામ કરતી બે પ્રતિભાશાળી વ્યક્તિઓ વચ્ચેના ઘર્ષણમાંથી ક્યારેય સારા વર્તમાનપત્રનું સર્જન ન થાય.’
રમેશ રંગનાથ ગૌતમ : ‘વૃત્ત અને તેનું વિવેચન, ખબર અને તે વિશેનો એ ખબર પ્રસિદ્ધ કરનાર પત્રનો અભિપ્રાય, બે નોખી વસ્તુઓ છે. પરંતુ ઘણીવાર એ બે વચ્ચેનો ભેદ સમજવો મુશ્કેલ થઈ પડે છે.’
ન્યુઝ અને વ્યુઝ વચ્ચેના તફાવત વિશેનો આ એવરગ્રીન અભિપ્રાય, છેક 1943માં આર. આર. શેઠે પ્રગટ કરેલા રમેશ રંગનાથ ગૌતમના પુસ્તક ‘વૃત્તિ વિવેચન’માં વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષામાં પત્રકારત્વ વિશેના સંભવત: સૌપ્રથમ નોંધપાત્ર પુસ્તકની પ્રથમ આવૃત્તિની 1200 નકલ 1980ના દાયકા સુધી પૂરપૂરી વેચાઈ નહોતી. મેં આ બહુમુલ્યપુસ્તક 1982-83માં એની મૂળ કિંમતે (બે રૂપિયા) આર. આર. શેઠની પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈની દુકાનેથી ખરીદ્યું હતું.
ક્વોટ્સ તો બધા જ સુપરડુપર છે. છેલ્લે એક ક્વોટ ટાંકું. એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્ઝિન : ‘ઉતાવળિયું, ઉભડકિયું અને તદ્દન ઉપરછલ્લું કામ વીસમી સદીનો મહારોગ છે અને આ રોગ સૌથી વધુ પત્રકારોમાં જોવા મળે છે.’
ત્રીજો બટુક દીક્ષિત અવૉર્ડ ‘ગાંધીસ્મૃતિ’માં ચંદ્રકાંત પુરોહિતને તે વખતના જાણીતા પત્રકાર વિનોદ દુઆના હાથે અપાયો હતો. વિનોદ દુઆને રિસીવ કરવાની જવાબદારી મારી હતી. હું સ્કૂટર પર બેસાડીને એમને સ્ટેશનથી મારા ઘોડદોડ રોડના ફ્લેટ પર લાવ્યો હતો. જમીને એમના ઉતારે મૂકવા ગયો હતો. એ જ ગાળામાં દિલ્હીની મારી મુલાકાત વખતે વિનોદ દુઆ સાથે મારી ઓળખાણ થઈ હતી. મેં એમનો લાંબો ઇન્ટરવ્યુ લઈ રાખ્યો હતો. અવૉર્ડ ફંક્શન નિમિત્તે એ સુરત આવવાના હોવાથી ‘અનુસંધાન’ માટે મેં એ ઇન્ટરવ્યુ આપી દીધો.
***
આવી તો ઘણી હુંફાળી સ્મૃતિઓ સુરત શહેર પત્રકાર કલ્યાણનિધિ ટ્રસ્ટ સાથે જોડાયેલી છે. થોડા વખત પહેલાં મેહુલ દેસાઈએ ફોન કરીને કહ્યું કે ‘સંદેશ’માં દસ વર્ષથી પ્રગટ થતી મારી બે કૉલમો—રવિવારની ‘તડકભડક’ અને બુધવારની ‘લાઉડમાઉથ’ના કામ માટે શ્રેષ્ઠ કટાર લેખકનો અવૉર્ડ આ ટ્રસ્ટ દ્વારા આપવાનો છે તો ફંક્શન માટે સુરત આવવાનું છે.
તમે જે ફિલ્ડમાં કામ કરતા હો તે જ ફિલ્ડના તમારા સાથીઓ તમારા કામને બિરદાવતા હોય એનાથી રૂડું બીજું શું હોય?
ટ્રેનમાં મને મારા જૂના મિત્ર કૃષ્ણકાંત ઉનડકટનું સ્મરણ થયું. કેકે ‘સંદેશ’ના પૂર્તિ સંપાદક છે. કૉલમ ચાલુ થઈ ત્યારે અમદાવાદમાં હતા અને અત્યારે સુરત એડિશનના તંત્રી છે.

કોરોના પછી પહેલી વાર સુરત જઈ રહ્યો હતો. સુરતમાં મારા અનેક અંગત મિત્રો છે, પરિચિતો, વાચકો અને ચાહકો છે. બોરીવલીથી સાંજે ટ્રેનમાં બેઠો ત્યાં જ આરિફ નાલબંધનો મેસેજ આવ્યો. સરકિટ હાઉસના રૂમ નં. 217માં શાહબુદ્દીન રાઠોડ તમારી રાહ જુએ છે, આવી જાઓ. મેં કહ્યું એમને સંદેશો આપજો કે હું હજુ સુરત પહોંચ્યો નથી. સરકિટ હાઉસ જઈને મારી રૂમમાં સામાન મૂકીને તરત જ એમને મળવા આવીશ. શાહબુદ્દીન રાઠોડ અવૉર્ડ વિતરણ સમારંભના પ્રમુખ વક્તા હતા. એમના અને અન્ય મહાનુભાવોના હાથે મને અવૉર્ડ મળવાનો હતો.
આરિફ નાલબંધ સવા-દોઢ દાયકાથી ‘ગુજરાતમિત્ર’માં સિનિયર પત્રકાર છે. ‘મિડ-ડે’માં અમે ત્રણ વર્ષ સાથે કામ કર્યું હતું. ગોધરામાં હિંદુ હત્યાકાંડ થયો ત્યારે મેં એને અને રિપોર્ટર વિરલ શાહ તથા ફોટોગ્રાફર નિમેષ દવેને એ જ દિવસે ગોધરા મોકલ્યા હતા- આરિફને સ્ટ્રિક્ટ સુચના આપી કે માત્ર મુસ્લિમ લત્તામાં જ જજે, ભૂલેચૂકેય હિંદુ વિસ્તારમાં પગ નથી મૂકવાનો.

સુરત પહોંચીને શાહબુદ્દીનભાઈના રૂમમાં કલાક સુધી અલકમલકની વાતો ચાલી. વાતવાતમાં એમણે કહ્યું કે ‘આ ડિસેમ્બરમાં મને 88મું બેઠું… તમને કેટલા થયા?’
મેં જવાબ આપ્યો. મને કહે : ‘તમે તો હજુ ઘણા નાના છો!’
મેં ખુશ થઈને કહ્યું, ‘મને આ ઉંમરે આવું કહેનારા તમે પહેલા જ છો! તમારા તરફથી મને મળેલા આ સૌથી મોટા આશીર્વાદ છે!’ એ ખડખડાટ હસી પડ્યા. આવું મુક્ત હાસ્ય મેં એમના ચહેરા પર પહેલીવાર જોયું. બહુ ગમ્યું.
રાત્રે જમવામાં એ માત્ર ફળ આરોગવાના હતા જે એમના પુત્ર અફઝલભાઈ લઈ આવ્યા હતા. બાય ધેટ ટાઈમ આરિફ ‘ગુજરાતમિત્ર’ પ્રેસથી કામ પૂરું કરીને આવી ગયો હતો. એ મને એક જાણીતી અને મારી ફેવરિટ રેસ્ટોરાંમાં જમાડવા માગતો હતો. મેં કહ્યું, ‘કાકીની પાઉંભાજી ખાવા લઈ જા.’ પછી તો ચોપાટી પર ફાલુદો પણ ખાધો અને બઢિયા પાન પણ ખાધું.

જમીને સરકિટ હાઉસ પાછા આવ્યા. રાત્રે છેક દોઢ વાગ્યે છૂટા પડ્યા. દુનિયાભરની વાતો કરી.
સવારે સાડા સાત વાગ્યે સરકિટ હાઉસની કેન્ટીનમાં નાસ્તો કરવાનું શાહબુદ્દીનભાઈ સાથે નક્કી થયેલું. હું સાડા છએ ઊઠીને તાપી કિનારે આવેલા સરકિટ હાઉસના પરિસરમાં ટહેલવા નીકળ્યો. સાડા સાતે જોયું તો હજુ એ આવ્યા નહોતા. વધુ ટહેલીને આઠ વાગ્યે કેન્ટીનમાં પહોંચ્યો. નાસ્તો શરૂ જ કરતો હતો ત્યાં ન્હાઈધોઈને શાહબુદ્દીનભાઈ આવી ગયા. મને કહે : ‘તમે તમારી રૂમમાં નહોતા. દરવાજો લોક નહોતો એટલે પલંગ ઉપર તમારા માટે ચિઠ્ઠી મૂકીને આવ્યો છું!’

નવ વાગ્યે નીકળીને સમારંભ સ્થળે પહોંચ્યા. સોમવારનો વર્કિંગ ડે અને સવારનો ટાઈમ. મને એમ કે કોણ આવશે? પણ 1200ની કેપેસિટીવાળું સંજીવકુમાર ઑડિટોરિયમ અડધા કરતાં વધારે ફૂલ હતું. ‘ગાંધીસ્મૃતિ’ હોત તો હાઉસફુલ દેખાત. શાહબુદ્દીનભાઈ કહે, ‘આમેય એવરેસ્ટની ટોચે ઓછા લોકો હોય, ચોપાટી પર ઘણી ભીડ હોય. આને લીધે એવરેસ્ટનું મહત્ત્વ ઘટતું નથી અને ચોપાટીનું મહત્ત્વ વધતું નથી!’

શ્રોતાઓ ખડખડાટ હસતા રહ્યા. એમના વક્તવ્ય પછી સ્વામિનારાયણ સંપ્રદાયના આદરણીય સંત જ્ઞાનવત્સલ સ્વામીજીએ પત્રકારોને છાપું કેવી રીતે કાઢવું તે વિશે માર્ગદર્શન આપ્યું. મારી બાજુમાં બેઠેલા વડોદરા ‘સંદેશ’ના તંત્રી મયુર પાઠકને મેં કહ્યું : ‘શીખો જરા!’ સ્વામીજીએ અમને બંનેને મોઢું દબાવીને હસતાં જોઈ લીધા. મંચસ્થ મહાનુભાવોમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ હતા.
અવૉર્ડ વિતરણ સમારંભમાં આરિફ નાલબંધ, મયુર પાઠક અને બીજા ઘણા મિત્રોને વિવિધ કેટેગરીમાં સન્માનવામાં આવ્યા : પ્રસન્ન ભટ્ટ, હિમાંશુ ભટ્ટ, મૃગાંક પટેલ, રાકેશ ઢીંમર, અમિતા મહેતા, સંજય છેલ, નરેશ કાપડિયા, ફારૂકભાઈ પટેલ.
ખરી મજા સમારંભ પૂરો થયા પછી આવી. ઑડિટોરિયમમાં અનેક જૂના મિત્રો, નવા વાચકો મળ્યા.

કેટલાક તો ઘણા વર્ષો પછી મળતા હતા. કેટલાક યુવાન પત્રકારો પહેલી જ વાર મળ્યા. નવા નવા આ ક્ષેત્રમાં પ્રવેશેલા. બધા ટ્વેન્ટીઝમાં હતા. સુરતના અલગ અલગ વર્તમાનપત્રો સાથે સંકળાયેલા – ‘સંદેશ’, ‘ગુજરાતમિત્ર’, ‘ગુજરાત સમાચાર’, ‘દિવ્ય ભાસ્કર.’ સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે સમારંભ પૂરો થયા પછી મારી સાથે દસેક મિનિટ વાતો કરી. મેં એમને કહ્યું કે મારા જેલના અનુભવોનું પુસ્તક પ્રગટ થશે ત્યારે તમે જરૂર આવજો!

17-18-19 જાન્યુઆરીએ સુરત લિટરેચર ફેસ્ટિવલ છે. એમાં ભારતીય શિક્ષણ પરંપરા વિશેની સેશન મૉડરેટ કરવાનું આમંત્રણ બે અઠવાડિયાં પહેલાં મેં સ્વીકારેલું. એ વિશે વિગતે વાત કરવા માટે પાર્થ, હિમાંશુ અને વૈભવ લંચ પછી સરકિટ હાઉસ આવ્યા. ફેસ્ટિવલના આયોજન ઉપરાંતની બીજી ઘણી વાતો કરી. અમારી જ્ઞાતિના મારા એક ખૂબ જૂના સ્નેહી, જેમને હું મારા સુરત નિવાસ દરમ્યાન અવારનવાર મળતો, તે સીએ પ્રવીણભાઈ શાહ પણ મળવા આવ્યા.

ચોવીસ કલાક કરતાંય ઓછા સમયમાં કંઈ કેટલીય સ્મૃતિઓ તાજી થઈ. ઘણાને મળવાનું રહી ગયું. જેમને અલપઝલપ મળીને સંતોષ ન થાય અને ફોર્માલિટી ખાતર મળવાની જરૂર ના હોય પણ નિરાંતે પલાંઠી મારીને કલાકો સુધી ગપ્પાં મારવાના હોય એવા અંગત મિત્રો મુકુલ,વિક્રમ અને રઈશને આવતા મહિને ત્રણ દિવસ રહીશું ત્યારે મળીશું.
ત્યાં સુધી ઝવેરચંદ મેઘાણી પત્ર પૂરો કર્યા પછી લખતા એમ : લિખિતંગ હું આવું છું!
***
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો
Hearty congratulations !!
May I point out that in the photograph with the Commssioner of Police, you look so very much like the “common man” of cartoonist R. K. Laxman.
I think you can take pride in this fact.
Always your well wisher and absolutely devoted “newspremi” !
😂😇😎👌🙏🏻
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ💐. અશોક દવે મારા પ્રિય હાસ્ય લેખક. એમની coin કરેલી term KBD કોના બાપ ની દિવાળી હજુ પણ લાગુ પડે છે .
રાઠોડ સર ઇસ આ રિયલ gem in Gujarati hasya.
સૌરભભાઈ, congratulations
Congratulations! 💐