( ગુડ મૉર્નિંગ, ‘ન્યુઝપ્રેમી’ ડૉટ કૉમ : શુક્રવાર, 23 ઑગસ્ટ 2024 )
એક વાત સમજી લો. એક જમાનામાં મેઇન સ્ટ્રીમ મીડિયા જે સમાચારો આપતું તેના આધારે સોશિયલ મીડિયાના ગલુડિયાં પૂંછડી પટપટાવતા. તે વખતે સોશિયલ મીડિયા નવું નવું હતું. યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક અને વૉટ્સઍપ નો પ્રભાવ વધ્યા પછી આ પૂંછડી મેઇન સ્ટ્રીમ મીડિયાના ડાઘિયા કૂતરાઓને હલાવતી થઈ ગઈ.
આનું કારણ શું? સોશિયલ મીડિયાએ અનેક અળસિયાંઓને ઍનાકૉન્ડા બનાવી દીધા છે. આમાં વામપંથી જીવજંતુઓથી માંડીને તકવાદી તટસ્થો, ડબલઢોલકી અડુકિયા-દડુકિયાઓ, મોગલે આઝમના દરબારમાં જઈને તબલાં વગાડતા સલીમભાઈઓ અને એના તાલે થિરકતી અનારકલીઓ તથા જયપુરચાચા અને માયસોર પાક જેવા અગણિત બનાવટી હિન્દુવાદીઓ પણ આવી ગયા. આ દરેક કેટેગરીમાં ગુજરાતી માંકડ-ચાંચડો પણ સામેલ છે.
એક જમાનામાં મેઈન સ્ટ્રીમ મીડિયા રાજકારણીઓને કે સેલિબ્રિટીઓને મિસક્વોટ કરીને કે સિલેક્ટિવલી ક્વોટ કરીને કસદાર ધંધો કરતું. પકડાઈ જાય ત્યારે કીડીના ટાંગા જેવા અક્ષરોમાં અંદરના પાને ખુલાસો છાપી નાખે. આજે સોશિયલ મીડિયામાં ઍનાકૉન્ડા બની ગયેલા અળસિયાંઓ ફેકન્યુઝ ચલાવીને ધીકતી કમાણી કરે છે. ‘જાણી લો કે રેલ મંત્રીએ શા માટે માફી માગવી પડી?’ આવી હેડલાઈન ચલાવીને અપાતા સમાચાર સોશિયલ મીડિયામાં વાંચીને કે જોઈને તમે માની લો છો કે અશ્વિની વૈષ્ણવે માફી માગી લીધી છે- હવે જાણવાનું એટલું જ છે કે શા માટે માફી માગી. સમાચારમાં ઊંડા ઊતરીએ છીએ ત્યારે ખબર પડે કે મથાળું મિસલીડિંગ હતું. માફી માગવાની ક્યાંય વાત જ નથી! હળાહળ જુઠ્ઠાણું પીરસીને તમને મૂરખ બનાવવામાં આવ્યા છે. આવી છેતરપિંડીને શાણા પત્રકારો ‘ક્લિક બેઇટ’ તરીકે ઓળખે છે. હકીકતમાં આ નકરી ચારસોવીસી છે. (નવા પીનલ કોડમાં 420 ને બદલે 318મી કલમ છે, આપની જાણ ખાતર ).
સોશિયલ મીડિયાની ફેકન્યુઝની બદમાશીને હવે મેઇન સ્ટ્રીમ મીડિયા બીજા દિવસે આઠ કૉલમના મથાળામાં અને પ્રાઇમ ટાઈમ ન્યુઝમાં સ્થાન આપતું થઈ ગયું છે.
લેટેસ્ટ સમાચાર જાણવા માટે આતુર એવા ભોળા પ્રજાજનો રોજ છેતરાય છે છતાં સોશિયલ મીડિયાનું એડિક્શન છૂટતું નથી, છાપા-ટીવીના સમાચારો દ્વારા ‘અપડેટ’ રહેવાની ઘેલછાનું વળગણ છૂટતું નથી.
ડે ઇન ઍન્ડ ડે આઉટ તમારા માથે બનાવટી સમાચારોની પરફ્યુમ છાંટેલી વિષ્ટાનો ટોપલો ઢોળાતો રહે છે. તમારો મોદી વિશેનો, ભાજપના કારભાર વિશેનો દૃઢ મત ડગુમગુ થવા માંડે છે. 2029ની ચૂંટણી આવે ત્યાં સુધીમાં તમે ઍન્ટી-મોદી અને ઍન્ટી-ભાજપ થઈ જાઓ એના માટે જ આ કારસો રચાયો છે.
દેશની અધોગતિ માટે સોશિયલ મીડિયા, મેઇન સ્ટ્રીમ મીડિયા કે ફેકન્યુઝની ફેક્ટરી ચલાવનારાઓ જવાબદાર નહીં હોય. પરફ્યુમ છાંટેલી વિષ્ટાના ટોપલા અંગે સભાનતા નહીં કેળવનારાઓ, તમે સૌ, જવાબદાર હશો.
વાસ્તે, સાવધાન!
(©️ ‘ન્યુઝપ્રેમી’. 23 August 2024)
• • •
( સૌરભ શાહના આવા સેંકડો લેખો વાંચવા Newspremi.comના આર્કાઇવ્ઝનો લાભ લો. સૌરભ શાહના રોજેરોજ લખાતા લેખોની જાણકારી મેળવવા વૉટ્સઍપ નંબર 090040 99112 પર તમારું નામ મોકલીને સૌરભ શાહના ગ્રુપમાં જોડાઈ જાઓ.)