( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૨૧ ડિસેમ્બર ૨૦૨૫)
આ શનિવારે ગાલિબની જન્મજયંતી ઊજવવા ગુલઝાર-નસીરુદ્દીન શાહ-જગજિતસિંહની ત્રિપુટીએ કમાલની બનાવેલી ટીવી સીરિઝ `મિર્ઝા ગાલિબ’ ફરી જોવાનું મન થાય તો આ વખતે એક નવા એંગલથી જોજો. 1797ની 27મી ડિસેમ્બરે જન્મેલા અને 1869ની 15મી ફેબ્રુઆરીએ અવસાન પામેલા ગાલિબના શબ્દોને દોઢસો-બસો વર્ષ પછી પણ ગુલઝાર જેવા એમના અગણિત ચાહકોએ જીવતા રાખ્યા છે એની પાછળનું કારણ તમને જડી જશે. આ સૌએ ગાલિબની નબળાઈઓ જાણવા છતાં એ અપલક્ષણો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું નથી.
આજકાલ શું થયું છે કે મેઈન સ્ટ્રીમ મીડિયા અને એના વાદે ચડીને સોશિયલ મીડિયા, સનસનાટી મચાવવા અને ટીઆરપી કે લાઈક્સ મેળવવા મોટા માણસોનું કોઈ એકાદ અપલક્ષણ શોધીને એને જ હાઈલાઈટ કર્યા કરે છે. આને કારણે આપણને પણ એવી ટેવ પડી ગઈ છે. પ્રસિદ્ધ વ્યક્તિઓ કે સેલિબ્રિટીઓની જ નહીં, આપણા પરિવારની કે આપણી નજીકની વ્યક્તિઓની કોઈ ખોડ-ખાંપણને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ. એમની અનેક સારી બાજુઓને નજરઅંદાજ કરીને.
ગાલિબમાં તો જથ્થાબંધ અપલક્ષણો હતાં. ગુલઝારે મિર્ઝા ગાલિબની સીરિયલમાં ગાલિબના કોઈ અપલક્ષણને ઢાંક્યાં નથી, પણ ગાલિબના આત્મામાં ઊતરીને ગાલિબમાં આવા દોષ શું કામ પ્રવેશ્યા હશે એની કલ્પના કરીને દરેક અપલક્ષણ પાછળનું કારણ સમજાવતા સીન લખ્યા છે.
ગાલિબની કપરી આર્થિક પરિસ્થિતિ, શરાબની લત, બીજું ત્રીજું બધું જ ગુલઝારે બતાવ્યું છે, પણ એક સહૃદયની હેસિયતથી આમન્યા જાળવીને, ગાલિબ પ્રત્યેનું માન સહેજ પણ ઓછું ન થાય એની કાળજી રાખીને.
ટીવી સીરિયલનું એક દૃશ્ય યાદ આવે છે. દિલ્લીમાં નવો નિમાયેલો ફોજદાર (અજિત વાચ્છાની) નવાબ જાન (નીના ગુપ્તા)ને પ્રેમ કરે છે, પણ નવાબ જાન ગાલિબને ચાહે છે. ફોજદાર કહે છે કે મિર્ઝા ગાલિબ એટલે પેલો ઉધારિયો? એના માથે તો દેવાનાં ડુંગર છે. આ સાંભળીને નીના ગુપ્તા ફોજદારને સંભળાવે છે અને એમનું ઋણ જે દિલ્લી પર ચડી રહ્યું છે તેને ઉતારતાં ઉતારતાં તો દિલ્લીની પેઢીઓની પેઢીઓ વીતી જશે.
ગાલિબ જિંદગી આખી એ જ આશામાં રહ્યા કે એમના બાપદાદાઓએ મોગલોના લશ્કરમાં જે સેવા આપેલી તેના બદલામાં જે તગડું પેન્શન આવવું જોઈએ તે અંગ્રેજો તરફથી આજે નહીં તો આવતી કાલે આવવાનું જ છે અને આ આશામાં તેઓ ખર્ચા કર્યા જ કરતા હતા. મંદબુદ્ધિ નાના ભાઈની પત્નીને પોતાને પિયર જવાનું મન થાય તો વ્યાજે ઉધાર લઈને પણ ગોઠવણ કરી આપતા. ક્યારેક પેન્શનમાંથી વચગાળાની નાની-મોટી રકમ આવતી તો જૂની ઉધારી ચૂકવવાને બદલે જથ્થાબંધ શરાબની બાટલીઓ લઈ આવતા. શું કામ? તો કહે આ વખતે ઈદ દુબાલા થઈ જવાની છે, બેગમને એ જ દિવસે ડિલીવરી થવાની છે. આ બેઉ મંગળ પ્રસંગો ઊજવવાની દાવતમાં જો શરાબ નહીં હોય તો મિત્રો-સ્વજનો થોડા આવવાના છે આપણા ઘરે!
ગાલિબ નોકરી-ધંધો કરતા નહોતા. આ અઢારમી-ઓગણસમી સદીનો જમાનો છે. દિલ્લીના દરબારમાં રાજકવિ તરીકેની નિમણૂક થઈ જાય તો આર્થિક ચિંતા મટી જાય, પણ બીજા એક મોટા શાયર શેખ મોહમ્મદ ઈબ્રાહિમ ઝૌક(શફી ઈનામદાર)ને કારણે બહાદુર શાહ ઝફરને ગાલિબ માટે આદર હોવા છતાં આ કામ થતું નથી. એક નોકરી પાકી થાય છે, પણ એના માટે મિત્ર દ્વારા સિફારિશ કરવામાં આવી હતી એવી ખબર પડતાં જ બહાનું કાઢીને છટકી જાય છે. સ્વમાનનું પડીકું વળી જાય એવી કપરી પરિસ્થિતિમાં આવો એટિટ્યૂડ કોઈને ઘમંડ લાગે, પણ ગાલિબ, ગાલિબ હતા અને ગુલઝાર, ગુલઝાર છે. એટલે આ પ્રસંગમાં પણ તમે ગાલિબની સાથે જ છો.
ગાલિબને જુગારની લત છે. ગુલઝારે એ બૂરી આદતને પણ જસ્ટિફાય કરી છે. બેગમની સાત-આઠ સુવાવડ પછી પણ સંતાનસુખ નથી. ઉપરથી પેન્શન માટેની દોડાદોડી, આર્થિક ચિંતા. પ્લસ સાહિત્ય ક્ષેત્રે પ્રતિસ્પર્ધીઓ દ્વારા ગાલિબનું પત્તું કાપવા માટે થતી પ્રવૃત્તિઓ. એક કરતાં વધુ પ્રકાશકો ગાલિબનો દીવાન છાપવાની ના પાડે. જિંદગીના આ બધા સંઘર્ષમાં ટકી રહેવા ગાલિબ શરાબનો અને જુગારનો આશરો લે છે એવું ગુલઝાર સમજાવે છે અને ગાલિબ-ગુલઝારને ચાહનારા દર્શકો સમજી પણ જાય છે.
ગાલિબની શાયરી માટે તમને આકર્ષણ હોય કે ન હોય, ગુલઝારની સર્જકતા માટે તમને આદર હોય કે ન હોય, ઈવન સાહિત્ય કે ફિલ્મ/ટીવી સીરિઝ/સંગીત પ્રત્યે તમને અભાવ હોય તો પણ મિર્ઝા ગાલિબના બહાને તમે એક વાત તો શીખી શકશો જ કે તમને ગમતી વ્યક્તિઓનાં કે તમારી કામની હોય એવી વ્યક્તિઓનાં અપલક્ષણોને એમની માઈનસ સાઈડ્સને તમારે કેવી રીતે જોવાની હોય. અત્યારે આવી દૃષ્ટિ કેળવી હશે તો આગળ જતાં જિંદગીમાં બહુ કામ લાગશે.

નજીકની, ગમતી, કામની કે પરિવારની વ્યક્તિઓમાં રહેલી ઊણપોને તો આપણે ચલાવી પણ લઈએ, પરંતુ જાહેર જીવન જીવતી જાણીતી હસ્તીઓની બાબતોમાં આપણા માપદંડ જુદા થઈ જાય છે.
બેઝિકલી આપણે પોતે જ દોહરી જિંદગી જીવીએ છીએ અને આપણને પોતાને મૂલવવાના સ્ટાન્ડર્ડ તથા બીજાઓને મૂલવવાના માપદંડ જુદા રાખીએ છીએ. આપણાથી જે લોકો સમાજમાં, આર્થિક બાબતમાં, સિદ્ધિઓ મેળવવામાં કે માનમોભામાં આગળ છે કે વધારે ટેલેન્ટેડ છે એમના માટેની અદેખાઈ આપણે સીધી રીતે વ્યક્ત નથી કરી શકતા. એટલે એમના વિશે અણછાજતી ટકોર કરીને ક્યારેક કૂથલી કે ગોસિપ કરીને એમને એક ઝાટકે ઊંચા શિખર પરથી તળેટીમાં ધકેલી દેવાની કોશિશ કરતા રહીએ છીએ. આપણાથી વધારે સારું જીવન જીવતા, વધારે કમાતા, વધારે પ્રસિદ્ધ, વધારે લોકપ્રિય એવા બધા જ ઈન્ટલેક્ચ્યુઅલ, પ્રોફેશનલ્સ, બૌદ્ધિકો, કલાકારો, વૈજ્ઞાનિકો વગેરેઓને નિર્વસ્ત્ર કરીને જ જંપીશું એવું માનનારાઓ એક વાત સમજતા નથી અને ક્યારેક સમજવા છતાં સ્વીકારી શકતા નથી કે આ દુનિયામાં જે કંઈ મેજર પ્રોગ્રેસ થાય છે તે આવા લોકોથી જ થાય છે. ચાહે એ ચાર્લ્સ ડિકન્સ હોય, ચાર્લ્સ ડાર્વિન કે ન્યૂટન હોય, ચાહે એ ગુટેનબર્ગ હોય કે મોત્ઝાર્ટ, શોપાં કે રોદાં હોય કે પછી લતા મંગેશકર, આર.ડી. બર્મન, રમેશ સિપ્પી હોય કે માર્લન બ્રાન્ડો, અલપચીનો, મારિયો પૂઝો કે અમિતાભ બચ્ચન હોય.
એક સાદો સવાલ.
આપણા સૌમાં જે કંઈ ખરાબીઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે તે બધી જ ખરાબીઓ આ લોકોમાં પણ ભરેલી છે એવું માની લઈએ અને પછી પૂછીએ આપણી જ જાતને કે આપણે આ દુનિયામાં શું કોન્ટ્રિબ્યુશન આપ્યું અને કેટલું આપ્યું? અને એની સામે આ બધા લોકોએ કેટલું આપ્યું?
આપણે બાળકોને જન્મ આપ્યો, સારી રીતે નોકરી-ધંધા કર્યા, સમાજમાં પ્રતિષ્ઠા મેળવી અને પછી? ગુજરી ગયા. આપણે ન જન્મ્યા હોત તો આ દુનિયા ગરીબ કે ઓછી સારી થઈ જવાની નહોતી. આપણે જન્મ્યા તેને કારણે આ દુનિયા વધુ સારી કે ખરાબ થઈ જવાની નથી.
પણ સ્ટીવ જોબ્સ કે એલન મસ્ક ન જન્મ્યા હોત તો? માઈકલ જેક્સન કે જસ્ટિન બીબર કે ઉમાશંકર જોશી કે રમેશ પારેખ ન જન્મ્યા હોત તો? એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ, ન્યૂટન, આઈન્સ્ટાઈન કે સ્ટીફન હોકિંગ કે પછી શેક્સપિયર કે સ્ટીફન કિંગ ન હોત તો? વાલ્મીકિ, તુલસીદાસ, પતંજલિ, સ્વામી વિવેકાનંદ કે જમશેદજી તાતા, રાજા રવિ વર્મા કે રવીન્દ્રનાથ ટાગોર ન હોત તો?
જિંદગીમાં જે કંઈ સગવડો ભોગવીએ છીએ તેના શોધકો ન જન્મ્યા હોત તો? ફોન, ફાઉન્ટન પેન, કમ્પ્યૂટરથી માંડીને ઈ-મેલ, કાર, વિમાન અને ટીવી કે સ્પેશશિપના શોધકો ન જન્મ્યા હોત તો?
સૌ કોઈએ નીતિમત્તાભર્યું જીવન તો જીવવું જ જોઈએ. આ લોકોએ પણ એવું દોઢ ડહાપણ ડહોળવાને બદલે લેટ્સ એક્સેપ્ટ કે એમની પર્સનલ લાઈફ જેવી હોય તેવી, એને લીધે એમની નજીકના કે આસપાસના લોકો પર જે કંઈ અસર પડતી હશે એ લોકો ફોડી લેશે એની સાથે આપણને તો એમના કોન્ટ્રિબ્યુશન સાથે, પ્રદાન સાથે, આ દુનિયામાં એમણે કરેલા ઉમેરા સાથે નિસબત છે.
જ્યોતીન્દ્ર દવેએ એક વખત લખ્યું હતું: પાણી ભરવાનું માટલું ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે દુકાનદારને, કુંભારને કે ગધેડાને ટકોરો મારીએ છીએ? કે પછી માટલાને?
પાન બનારસવાલા
જ્યારે તમે એકલા જ સમજદાર હો ત્યારે તમે એકલા જ પાગલ છો એવું દુનિયા કહેતી હોય છે.
—ક્રિસ જેમી (જન્મ – 1987, રાઈટર, થિંકર)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













