(‘ગુડ મોર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટકૉમ: મંગળવાર, 4 ફેબ્રુઆરી, 2025)
કર્નલ રવિ શેખર નારાયણ સિંહ રિસર્ચ ઍન્ડ ઍનેલિસિસ વિંગ (RAW)ના ભૂતપૂર્વ અફસર છે. ‘રૉ’માં જોડાતાં પહેલાં ભારતીય લશ્કરમાં સેવા આપતા હતા. ‘Know the anti-nationals’, અને ‘The Jihadis’ એમનાં પુસ્તકો છે. ‘ભારત કે અંદરુની શત્રુ’ નામે એમના પુસ્તકનો હિંદી અનુવાદ પ્રગટ થયો છે. અરવિંદ કેજરીવાલ પર લખવાનો એમને પૂરેપૂરો હક્ક છે. ભારતની અંદર રહેલા શત્રુઓમાં કેજરીવાલ પહેલા નંબરે આવે.
ધ ક્રોનોલૉજિ ડૉટ ઈન નામની વેબસાઈટ પર ચાર દિવસ પહેલાં, 31 જાન્યુઆરી 2025 ના રોજ કર્નલ આર. એસ. એન સિંહે ‘કેજરીવાલ: ઈન્ડિયાઝ બિગેસ્ટ સ્કેમ’ શીર્ષક હેઠળ લખેલા એક લેખના આધારે એક રિસર્ચ રિપોર્ટ પોસ્ટ થાય છે- ‘કેજરીવાલ ફાઈલ્સ.’
આ લેખ ઉપરોક્ત માહિતીસ્ત્રોતના આધારે લખાયો છે. કેજરીવાલ વિશે મેં (સૌરભ શાહે) અનેક લેખો લખ્યા છે, વારંવાર આ માણસની ચાલબાજી, ધૂર્તતા, બનાવટો અને એનાં હડહડતાં જુઠ્ઠાણાં ખુલ્લાં પાડ્યાં છે. કેજરીવાલ અન્ના હઝારે સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાનું નાટક કરતો હતો ત્યારે હું એને ખુલ્લેઆમ બદમાશ, જુઠ્ઠો, અપ્રામાણિક કહેતો. આ એ વખત હતો જ્યારે અચ્છાઅચ્છા લોકોને કેજરીવાલ ઠગતો હતો, પોતે કેટલો પ્રામાણિક છે એવું જતાવીને અચ્છાઅચ્છા લોકોની આંખોમાં ધૂળ નાખતો હતો. ‘ન્યૂઝપ્રેમી ડૉટ કૉમ’ની સાઈટ પર સર્ચમાં ‘કેજરીવાલ’ નાખશો તો બધું મળી આવશે. કેજરીવાલ રાજકારણમાં પ્રવેશ્યો, પહેલીવાર સી.એમ, બન્યો ત્યારથી માંડીને અત્યાર સુધીની એની કુંડળી તમને એ લેખોમાં મળી આવશે.
કર્નલ આર.એસ.એન.સિંહના લેખમાં 2000થી 2013 સુધીના કેજરીવાલના કાંડની કુંડળી છે જેની વિગતો લોકો સુધી જેટલી વ્યાપકપણે પહોંચવી જોઈએ તેટલી પહોંચી નથી. માટે આ ‘કેજરીવાલ ફાઈલ્સ’ ખોલવી જરૂરી છે.
***
લેખનો આરંભ 2013થી થાય છે. ત્યારબાદ ફ્લેશબેકમાં 2000ની સાલથી કથા શરૂ થાય છે:
30 જૂન 2013, કૌશંબી, ગાઝિયાબાદ: ખબર આવે છે કે આમ આદમી પાર્ટી (AAP-‘આપ’)ની મહિલા નેતા સંતોષ કોલી પોતાના સહયોગી કુલદીપ પન્વારની સાથે પાર્ટીના કાર્યાલયે જઈ રહી હતી, એને એક કારે ટક્કર મારી. સંતોષબહેનને હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવી. પણ 7 ઑગસ્ટ 2013ના રોજ માથા પર થયેલી ગંભીર ઈજાઓને કારણે એનું મૃત્યુ થયું.
સંતોષના માતાપિતાએ કહ્યું કે સંતોષને પાર્ટી કાર્યાલયે પહોંચવાનો આદેશ મળ્યો હતો. એને કહેવામાં આવ્યું હતું કે સ્કૂટી એક જગ્યાએ પાર્ક કરીને બાઈક પર કુલદીપની સાથે આવવાનું છે. અકસ્માતમાં કુલદીપને કંઈ થયું નહીં. દુર્ઘટનાને નજરે જોનાર કોઈ સાક્ષી નથી.
***
અહીંથી હવે ફ્લેશબેક શરૂ થાય છે.
આજથી 25 વર્ષ પહેલાંની વાત છે.
2000ની સાલમાં કેજરીવાલની ઉંમર 32 (બત્રીસ) વર્ષની હતી.
***
2000, દિલ્હી :
ઈન્કમ ટેક્સ ઑફિસર અરવિંદ કેજરીવાલ નોકરીમાંથી લાંબી રજા લઈને (સબાટિક્લ લીવ લઈને) પોતાના મિત્ર મનીષ સિસોદિયા સાથે દિલ્હીના સુંદર નગરી વિસ્તારમાં ‘પરિવર્તન’ નામની એક સેવાસંસ્થા (એન.જી.ઓ. Non Governmental organisation) શરૂ કરે છે. ત્યાં કેજરીવાલની મુલાકાત એક સ્થાનિક છોકરી નામે સંતોષ કોલી સાથે થાય છે જે કેજરીવાલની સાથે કામમાં જોડાઈ જાય છે. કેજરીવાલ આ છોકરીના સુંદર નગરીના ઘરમાં રહેતો થઈ જાય છે.
2002 : કેજરીવાલની વેબસાઈટ પર દાવો કરવામાં આવે છે કે ‘પરિવર્તન’ સંસ્થા સોસાયટી રજિસ્ટ્રેશન ઍક્ટ (1860) હેઠળ રજિસ્ટર થયેલી છે અને ઈન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80-G તથા 12-A હેઠળ આ સંસ્થા કરમુક્તિની હક્કદાર છે.
પરંતુ 2009માં કેજરીવાલ જાહેર કરે છે કે ‘પરિવર્તન’ કોઈ એન.જી.ઓ. નથી, રજિસ્ટર્ડ સંસ્થા પણ નથી, પણ માત્ર કેટલાક લોકોનું એક ગ્રુપ છે.
આ સ્પષ્ટપણે ફ્રોડ છે, ધોખાધડી છે.
2002 :
કેજરીવાલને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી 80,000 ડૉલરનું અનુદાન મળે છે.
અહીં બે વાતની સ્પષ્ટતા.
એક : અમેરિકાના ‘ડીપ સ્ટેટ’વિશે તમે જાણતા હશો, જેમાં જયોર્જ સોરોઝથી માંડીની બિલ ગેટ્સ અને ફૉર્ડ ફાઉન્ડેશન સહિત અનેક નામ સંડોવાયા હોવાનો આક્ષેપ છે. ‘ડીપ સ્ટેટ’ના નામે ઓળખાતા આ લોકોનો સમૂહ લેફ્ટિસ્ટ વિચારધારામાં માને છે અને અમેરિકા સહિત દુનિયાના બીજા દેશો પર આડકતરી રીતે પોતાની સત્તા સ્થાપવાના ઉધામા કરે છે.
બીજી વાત: દાન અને અનુદાન વચ્ચે પાતળી ભેદરેખા છે. દાન (ડોનેશન) એટલે પૈસા મેળવનાર મનફાવે તે રીતે એનો ઉપયોગ કરી શકે. અનુદાન (ગ્રાન્ટ) ચોક્કસ હેતુસર અપાય છે. કોઈ સંસ્થાને પુસ્તકો ખરીદવા માટે અપાયેલું અનુદાન સંસ્થાની કારોબારીના સભ્યોની મીટિંગમાં ચા-સમોસાની ઉજાણી કરવા માટે વાપરી ના શકાય.
ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી મળેલા 80,000 ડૉલર કેજરીવાલ કોઈ કાળે સ્વીકારી ના શકે.
કારણ કે :
1. કેજરીવાલ તે વખતે સરકારી નોકરીમાં હતો. વિદેશથી ફંડ મેળવવું સરકારી નોકર માટે પ્રતિબંધિત છે.
૨. સરકારની પરવાનગી વિના એન.જી.ઓ. ખોલવાનું કામ પણ સરકારી નોકરિયાત ના કરી શકે.
ઉપરાંત, દિલ્લીની કોઈ એક કૉલોની માટે નાનકડું કામ કરતી મામૂલી એન.જી.ઓ.ને ફૉર્ડ ફાઉન્ડેશને શા માટે 80,000 ડૉલર જેવી તોતિંગ રકમ મોકલવી પડે ?
એ જમાનામાં આ રકમ રૂ. 32 લાખ જેટલી થતી જે કેજરીવાલના 15 વરસના પગાર બરાબર હતી.
2004 :
કેજરીવાલને ‘અશોકા ફેલોશિપ’ મળે છે. ‘અશોકા’ અમેરિકામાં રજિસ્ટર થયેલી સંસ્થા છે જેના સ્ટ્રેટેજિક પાર્ટનરોમાંની એક મેકકિન્સી એન્ડ કંપની છે. રશિયા સાથેના શીતયુદ્ધ બાદ ‘અશોકા’ વિવિધ દેશોમાં અમેરિકાની વગ વધારવા સ્થાનિક માણસોને તૈયાર કરવાનું કામ કરે છે. (અર્થાત્ સ્થાનિક માણસોને પોતાના દેશનું હિત છોડીને અમેરિકાના સ્વાર્થ માટે કામ કરવા પ્રેરે છે. ટૂંકમાં એમને દેશદ્રોહી બનાવવા લલચાવે છે.)
2005 :
‘પરિવર્તન’ ના નેજા હેઠળ કેજરીવાલ ‘જનસુનવાઈ’ આંદોલન શરૂ કરે છે. ‘જનસુનવાઈ’ નામની નવી સંસ્થા રજિસ્ટર્ડ નથી. ‘જનસુનવાઈ’ને વર્લ્ડ બેન્ક તરફથી ફાળો મળે છે. આ એક વધુ અપરાધ થયો.
હવે કેજરીવાલને એન.જી.ઓ. ખોલવાનો ચસકો લાગે છે. કેજરીવાલ ખુલ્લેઆમ આંદોલનકારી પ્રવૃત્તિઓ કરવા લાગે છે અને ‘કબીર’ નામની એક ઔર એન.જી.ઓ ખોલે છે.
2005 :
દસ્તાવેજો મુજબ ‘કબીર’ની સ્થાપના 15 ઑગસ્ટ 2005માં થઈ. આ કૃત્ય પણ ગેરકાનૂની હતું. કારણ કે કેજરીવાલનું નામ હજુય સરકારી નોકરીના ચોપડે નોંધાયેલું હતું.
મઝાની વાત જુઓ. કેજરીવાલને આ એન.જી.ઓ.ની સ્થાપનાના એક મહિના પહેલાં, 15 જુલાઈ 2005ના રોજ, ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી 1,72,000 ડૉલર મળે છે.
2006 :
ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી કૃપા વરસાવવાનું કામ અટકતું નથી. કેજરીવાલને મેગ્સેસે ઍવૉર્ડ મળે છે. આ ઍવૉર્ડ ફૉર્ડ ફાઉન્ડેશનના પૈસે અપાય છે. આજની તારીખે આ ઍવૉર્ડ મેળવનારને 50,000 ડૉલર મળે છે.
(દુનિયાના તમામ ઍવૉર્ડની જેમ આ ઍવૉર્ડ પણ આપનાર સંસ્થાના એજન્ડાને આગળ વધારી શકે એવી વ્યક્તિઓને અપાય છે. અન્ય તમામ ઍવૉર્ડની જેમ આ ઍવૉર્ડ પણ દસમાંથી બે વાર એવી પ્રતિષ્ઠિત અને હકદાર વ્યક્તિઓને અપાતો રહે છે જેથી ઍવૉર્ડની ‘તટસ્થતા’ પુરવાર થાય અને ઍવૉર્ડની ગરિમા વધે. કેજરીવાલ દસમાંના આઠ ઍવૉર્ડ મેળવનારાઓની પંગતમાં આવે.)
કેજરીવાલની ‘કબીર’ને 15 જુલાઈ 2005ના રોજ જે રૂ. 43,48,036 મળ્યા તે પછી 2006ની 12 ડિસેમ્બરે ફૉર્ડવાળા રૂ. 32,05,970 મોકલે છે.
એ પછી હવે ફંડ મોકલવાનું બંધ કર્યું છે એવી જાહેરાત થઈ હોવા છતાં ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી કેજરીવાલની ‘કબીર’ સંસ્થા 2007માં 1,97,000 ડૉલર મેળવે છે અને 2008માં રૂ. 60,75,149 મેળવે છે.
કેજરીવાલે આ બધી માહિતી પોતાની એન.જી.ઓ.ની વેબસાઈટ પરથી ભૂંસી કાઢી છે. ‘રૉ’ના ભૂતપૂર્વ એજન્ટે આ બધી માહિતી શોધી કાઢી છે. આ તમામ પુરાવાઓ તમને ક્રોનોલૉજી ડૉટ ઈનની સાઈટ પર જોવા મળશે.
એક આડ વાત : ફૉર્ડ ફાઉન્ડેશનને સી.આઈ.એ. સાથે સાંઠગાંઠ છે. અમેરિકાની આ પાપી સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી બીજા દેશોની સરકારોને ઉથલાવવામાં, બીજા દેશોમાં બળવો કરાવવામાં અને અરાજકતા ફેલાવવામાં એક્સપર્ટ છે. ફૉર્ડ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ પોતે પકડાઈના જાય એટલે ઘણીવાર બીજા દેશોની બૅન્કોનો ઉપયોગ કરીને રકમની હેરફેર કરે છે. ડચ રૂટ નામે કુખ્યાત આ હવાલા પદ્ધતિથી 2008 અને 2012ની વચ્ચે વિકાસશીલ દેશોમાં 13 લાખ યુરો ઠલવાયા છે.
2006 : કેજરીવાલે સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું પણ રાજીનામાનો સ્વીકાર 2011ની સાલમાં થયો.
દરમ્યાન ‘કબીર’ને ફૉર્ડ ફાઉન્ડેશન ઉપરાંત અન્ય વિદેશી સંસ્થાઓ તરફથી પણ પૈસા મળવા લાગ્યા.
પી.આર.આઈ.એ. : રૂ. 2,37,035 મંજુનાથ ષણ્મુગમ ટ્રસ્ટ: રૂ. 3,70,000
ડચ દૂતાવાસ: રૂ.19,61,968 ઍસોસિયેશન ફૉર ઈન્ડિયાઝ ડેવલપમેન્ટ : રૂ. 15,00,000
ઈન્ડિયાઝ ફેન્ડ્ઝ ઍસોસિયેશન : રૂ 7,86,500
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ : રૂ. 12,52,742
2009 : કેજરીવાલને લાખો રૂપિયા મોકલ્યા પછી ‘ડીપ સ્ટેટ’નું ખરું કામ હવે શરૂ થાય છે. ન્યુયોર્ક યુનિવર્સિટીની રિસર્ચર શિમરીત લી ભારત આવીને ‘કબીર’ માં જોડાય છે અને કેજરીવાલનો જમણો હાથ બનીને ‘સમાજસેવા’નું કામ શરૂ કરે છે.
2011માં આ જ શિમરીત લીએ ઈજિપ્ત જઈને ત્યાંની પ્રજામાં ‘આરબ સ્પ્રિંગ’ અને ‘કલર રિવોલ્યુશન’ના નામે જાણીતાં થયેલાં આંદોલનોનો પલીતો ચાંપ્યો હતો. આ જ મૉડેલ એણે કેજરીવાલના ગળામાં પહેરાવીને મોહલ્લા કમિટીઓનું તૂત શરૂ કરાવ્યું હતું. આ ભાંગફોડિયા પ્રવૃત્તિ થકી ભારતીય રાજકારણમાં કેજરીવાલનું વિધિસર લૉન્ચિંગ થયું.
કેજરીવાલના લગભગ તમામ નિકટના સાથીદારોને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી ચિક્કાર પૈસા મળતા રહ્યા છે.
ઍડમિરલ લક્ષ્મીનારાયણ રામદાસનું નામ તમે સાંભળ્યું હશે. મેગ્સેસે ઍવોર્ડ વિજેતા રામદાસની દીકરી ફૉર્ડ ફાઉન્ડેશનની સલાહકાર રહી ચૂકી છે. રામદાસ 1990-93 દરમ્યાન ભારતીય નૌકાસેનાના સર્વોચ્ચ વડા હતા. નિવૃત્તિ પછી એમણે બાકીનું જીવન તમિલનાડુમાં કુદંકુલમ સ્થિત અણુશક્તિ પ્લાન્ટની સ્થાપનાનો વિરોધ કરવામાં વીતાવ્યું. ‘આપ’ની સ્થાપનાથી તેઓ કેજરીવાલના વિશ્વાસુ માણસ હતા. પણ પછીથી બંને વચ્ચે ખટરાગ થયો હતો.
2013 : હું ક્યારેય રાજકારણમાં નહીં આવું, મારાં બાળકોના સમ એવું જાહેરમાં વારંવાર કહેનાર અને સ્ટેમ્પ પેપર લખીને આપનાર કેજરીવાલ આમ આદમી પાર્ટીની સ્થાપના કરે છે અને ભારતીય રાજકારણનો એક કાળો ડિબાંગ તબક્કો શરૂ થાય છે.
30 જૂન 2013 : સંતોષ કોલીના અકસ્માતમાં કોઈ ધરપકડ થતી નથી. પેસિફિક મૉલની સામે સાંજના ભરબજારે અકસ્માત થયો હોવા છતાં કોઈ આઈ વિટનેસ નથી. બાઈક બળી જાય છે પણ બાઈક ચલાવનાર કુલદીપને ખરોંચ સુદ્ધાં નથી લાગતી. સંતોષના પેરન્ટ્સનું કહેવું છે કે સંતોષને પાર્ટી ઑફિસે આવવાની ફરજ પાડવામાં આવી હતી. સંતોષ કોલીના મૃત્યુની તપાસ કરવા માટે કેજરીવાલે ક્યારેય સીબીઆઈ તપાસની માગણી કરી નથી.
કેજરીવાલે આમ આદમી પાર્ટીની સ્થાપના કર્યા પછી કેવાં કેવાં કારનામાં કર્યાં તેનો તાજો ભૂતકાળ તમારી સમક્ષ છે.
કેજરીવાલની કુંડળીમાં 8 ફેબ્રુઆરી પછી આજીવન તિહારયોગ છે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો