ગુડ મૉર્નિંગ – સૌરભ શાહ
રોઝીના પ્રથમ જાહેર કાર્યક્રમની સફળતા બાદ રાજુ એકદમ બિઝી થઈ ગયો. ચારે બાજુથી રોઝીનો કાર્યક્રમ ગોઠવવાની ડિમાન્ડ આવવા લાગી. ક્લાસિકલ ડાન્સર તરીકેની રોઝીની ખ્યાતિ ઉત્તરોત્તર વધતી ચાલી. રોઝીને કારણે રાજુની વગ પણ વધતી ગઈ. રોઝીના દરેક કાર્યક્રમનું ઝીણવટભર્યું આયોજન, પૈસાની લેવડદેવડ, નવાં કાર્યક્રમો ગોઠવવા માટેના સંપર્કો, પ્રવાસોની ગોઠવણ – બધું જ રાજુ સંભાળતો. આ કામ માટે રાજુએ મણિ નામનો એક આસિસ્ટન્ટ રાખી લીધો. પૈસા આવતા થયા હતા પણ બહારની ચમકદમકનો દેખાડો કરવામાં બધું વપરાઈ જતું. રોઝીનું ધ્યાન આર્થિક વ્યવહારોમાં નહોતું. એના માટે એને પોતાની કળાની સાધના કરવાની તક મળી રહી હતી તે ઘણી મોટી વાત હતી. એક દિવસ રોઝી કાર્યક્રમમાંથી થાકીપાકી પાછી આવીને રાજુને જોશથી ભેટી પડી અને બોલી: ‘તારું આ ઋણ હું સાત જન્મેય ફેડી શકું નહીં…’ કાર્યક્રમના દિવસે બપોરે જ રોઝી રાતનું ભોજન જાતે બનાવી લેતી જેથી આવતાં મોડું થઈ જાય તો ભૂખ્યા ના સૂવું પડે. રસોઈયો રાખી શકાતો હતો પણ રોઝી કહેતી: ‘બે જણ માટે શું કામ ખોટો ખર્ચો કરવો અને મને રસોઈ કરવાનું ગમે છે.’
થોડા જ મહિનામાં રાજુએ પોતાના પિતાએ બાંધેલું આ જૂનું ઘર છોડી દેવાની નોબત આવી. મા તો ઑલરેડી રાજુને છોડીને મામાને ગામ જતી રહી હતી. રાજુનો લેણદાર શેઠ કોર્ટમાં ડિક્રી કરવાને આ ઘર પર જપ્તિ લઈ આવ્યો. કેસનો આખરી ચુકાદો આવવાને તો હજુ વાર હતી. અદાલતની ટાંચ આવતાં રાજુએ વિચાર્યું કે આમેય આ જર્જરિત નાનકડા ઘરમાં મુલાકાતીઓને બોલાવવાની અગવડ પડે છે, રોઝીના માનમોભા મુજબ નવું ઘર લેવાનો સમય થઈ ગયો હતો. રાજુએ એ ઘર શેઠને ઉધારી બદલ લખી આપ્યું, માની સહી પણ મગાવી લીધી.
માલગુડીના ન્યુ એક્સ્ટેન્શન વિસ્તારમાં વિશાળ કમ્પાઉન્ડ સાથેનું બે માળનું ભવ્ય ઘર ખરીદવામાં આવ્યું. ગાર્ડન હતો, લોન હતી, ગૅરેજ પણ હતું. રોઝીના રિયાઝ ખંડ તરીકે ઉપરના માળે એક વિશાળ હૉલ હતો. ઘરની દેખરેખ માટે બે માળી, ગુરખો અને બે રસોઈયા હતા. ગાડી લીધી હતી જેના માટે ડ્રાઈવર હતો. મિત્રો-મહેમાનોની અવરજવર સતત રહેતી. દરેકના મોભા પ્રમાણે અને દરેકની રાજુ-રોઝીની જિંદગીમાં જરૂરિયાત અનુસાર આગતાસ્વાગતા થતી. મામૂલી આગંતુકોથી માંડીને જજ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, મ્યુનિસિપલ કાઉન્સિલર, પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને તંત્રી સુધીના લોકોની અવરજવર રહેતી. સંગીતકારો, વાદકો, કવિઓ, કળાકારો પણ રોઝીને મળવા આવતા જે રાજુને ગમતું નહીં. ‘આ લોકો કેમ આખો દિવસ અહીં પડ્યાપાથર્યા રહે છે’, રાજુ રોઝીને પૂછતો. ‘મને એમની કંપની ગમે છે. સારું લાગે છે આવા ક્રિયેટિવ લોકો મારી આસપાસ હોય તો.’ રોઝી જવાબ આપતી. રાજુને ડર લાગતો કે રોઝી ક્યાંક આવા મુફલિસો સાથે બિઝનેસ સિક્રેટ્સ શૅર ના કરી બેસે. રોઝી દલીલ કરતી: ‘આ બધાના માથે મા સરસ્વતીના ચારેય હાથ છે. બહુ ભલા માણસો છે આ બધા.’
‘પણ તારે સમજવું જોઈએ કે આ બધાને તારી બહુ ઈર્ષ્યા થતી હશે. આ બધા તારાથી ઘણા નાના છે.’
રાજુ અને રોઝી વચ્ચે મતભેદો વધતા અને દલીલો થતી ત્યારે રાજુને લાગતું કે રોઝી સાથેના એના સંબંધો હવે જાણે પતિ-પત્ની જેવા સંબંધોમાં પલટાઈ રહ્યા છે.
દૂરદરાઝના શહેરોમાંથી કાર્યક્રમો ગોઠવવાની માગ આવતી. ક્યારેક તો સળંગ પંદર દિવસનો પ્રવાસ થતો. ઉપરાછાપરી કાર્યક્રમો ગોઠવાતા. ટપાલમાં આવતાં દરેક આમંત્રણપત્રો રાજુ પાસે સીધા આવતાં. રાજુએ રોઝીની અપોઈન્ટમેન્ટ ડાયરીમાં આગલા ત્રણ મહિનાની તારીખો બુક કરી નાખી હતી. મોટરકાર, ટ્રેન, જે રીતે અનુકૂળ હોય તે રીતે પ્રવાસો ગોઠવાતા. રોઝીની ફીમાં રાજુ નિરંતર વધારો કર્યે જતો. એમની લાઈફ સ્ટાઈલ પણ ઉત્તરોત્તર ઊંચે જતી હતી. ઈન્કમ ટૅક્સ પેટે તોતિંગ રકમનાં રિટર્ન્સ ભરાતાં હતાં. રાજુને લાગતું કે જ્યાં સુધી ચડતો સિતારો છે ત્યાં સુધી દરેક આયોજક પાસે નિચોવીને પૈસા લઈ લેવાના. જો એની અને રોઝીની પાસે ધન નહીં હોય તો કોણ એમનો ભાવ પૂછવાનું હતું, કોણ એમની સાથે હસી હસીને લળીલળીને બોલવાનું હતું? એ માનતો: ‘સમય સારો ચાલતો હોય ત્યારે જો આપણે કામ નહીં કરીએ અને કમાઈ નહીં લઈએ તો આપણે પાપ કરીએ છીએ. બૂરા વખતમાં કોઈ આપણને મદદ કરવા નહીં આવે.’ રાજુ વિચારતો હતો કે આ બધા જંગી ખર્ચાને પહોંચી વળ્યા પછી જેવી વધારાની આવક શરૂ થઈ જશે કે તરત જ ભવિષ્ય માટે થોડાં તગડાં ઈન્વેસ્ટમેન્ટ કરી લેવાનાં, પછી નિરાંત. રોઝી ક્યારેક કહેતી, ‘માત્ર આપણા બે ઉપર દર મહિને બે હજાર રૂપિયા ખર્ચી નાખીએ છીએ. બહુ ના કહેવાય? સાદગીથી રહેવાનો કોઈ તરીકો નથી?’
‘એ તું મારા પર છોડી દે. આપણે બે હજાર ખર્ચીએ છીએ કારણ કે ખર્ચવા પડે એમ છે. આપણું સ્ટેટ્સ જાળવવું પડે.’
શહેરના મોભાદાર લોકો સાથે રાજુ ઘણી વખત પત્તાં રમતો. બબ્બે દિવસ સુધી સળંગ તીન પત્તીની સેશન થતી. દારૂની રેલમછેલ થતી. ખાણીપીણી તો ચાલુ જ રહેતી.
રાજુની વગ ચારેકોર હતી. દેશના વિવિધ બજારોમાં શું ચાલતું, દિલ્હીમાં પડદા પાછળ શું રાજનીતિ થતી, રેસકોર્સમાં કોણ કેટલા પાણીમાં છે, આગામી વખતમાં કોણ ક્યાં પહોંચવાનું છે – રાજુ પાસે બધી જ ગૉસિપ રહેતી. ચપટી વગાડતાંમાં એ કોઈ પણ દિવસની ટ્રેનનું રિઝર્વેશન કરાવી શકતો, કોઈની બદલી કરાવી શકતો, કોઈને નોકરી અપાવી શકતો, સહકારી મંડળીની ચૂંટણી માટે વોટ અપાવી શકતો, સ્કૂલમાં ઍડમિશન કરાવી શકતો, ટૂંકમાં પોતાના જગતનો એ સર્વેસર્વા બની ગયો હોત.
પણ આ બધી ગ્લેમરસ ધમાચકડીમાં એ ભૂલી ગયો હતો કે આ દુનિયામાં માર્કો નામનો કોઈ માણસ પણ વસે છે.
આજનો વિચાર
સ્વપ્ન તો રૂની પૂણી સરખા છે,
આપણાં જીવતર તો ચરખા છે.
– મનોજ ખંડેરિયા
એક મિનિટ!
બકો પેટ્રોલ પમ્પ પર ગયો.
અટેન્ડન્ટ: સાહેબ, કેટલાનું પૂરું?
બકો: દસ-વીસ રૂપિયાનું ગાડી પર છાંટી દે એટલે સળગાવી દઉં.
( મુંબઇ સમાચાર : ગુરુવાર, 4 ઓક્ટોબર 2018)
PLEASE WRITE ABOUT PATHAAN MOVIE REVIEW.
Please check all my Twitter comments of last 15 days. I have boycotted it and exposed the anti nationals of Bollywood.