શું હિન્દુઓએ સંગઠિત થવાની જરૂર છે? ના. હિન્દુઓ સંગઠિત જ છે


ન્યુઝવ્યુઝઃ સૌરભ શાહ

(newspremi.com, મંગળવાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૦)

એક વાત સમજી લેવી જોઈએ કે આ જે છાશવારે દેશમાં વિરોધનાં અંદોલનો થયા કરે છે – ક્યારેક કાંદાના ભાવને લઈને તો ક્યારેક નોટબંધીને લઈને, ક્યારેક રાફેલને લઈને તો ક્યારેક સીએએને લઈને – તેની પાછળ એક જ એજન્ડા છે અને તે છે કોઈ પણ ભોગે મોદીને કાઢો અહીંથી. મોદી આંખમાં કણાની જેમ ખૂંચે છે આ લોકોને. શું કામ? આ માણસ ખાતો નથી અને ખાવા દેતો નથી એટલે? એ તો ખરું જ. આવાં બીજાં અનેક કારણો હશે અને છે પણ એમાંથી, સૌથી મોટું, સૌથી પહેલું કારણ એ છે કે મોદી આ દેશની ભવ્ય પરંપરાને, દેશના ઉજ્જવળ સંસ્કારને પુનઃસ્થાપિત કરી રહ્યા છે, જોરશોરથી. અને આ દિશામાંના એમના પ્રત્યેક પગલાને દર વખતે પ્રચંડ સફળતા મળે છે કારણ કે આ દેશની બહુમતી પ્રજાનો એક-એક નિષ્ઠાવાન નાગરિક એમની સાથે છે, તનમનધનથી સાથે છે. જાવેદ અખ્તર, અનુરાગ કશ્યપ, નસિરુદ્દીન શાહ કે ઈવન રાજદીપ સરદેસાઈઓ લિબરાન્ડુઓ છે, નિષ્ઠાવાન નાગરિકો નથી અને ફ્રેન્કલી આ બધા મોદીની સામે એટલા ઝાંખા તથા વહેંતિયા જેવા છે કે એમનો વિરોધ પ્રેક્‌ટિકલી સાવ ઈન્સિગ્નિફિકન્ટ બની જાય છે. મોદીના ખતરનાક વિરોધીઓ તો બીજાઓ છે.

મોદીના રાજકીય વિરોધીઓ ચડ્ડી-બનિયનધારી ગૅન્ગના સભ્યો જેવા છે. ગુજરાતમાં એક જમાનામાં ચડ્ડી-બનિયનધારી ગૅન્ગનો બહુ ઉપદ્રવ હતો, યાદ છે. તેઓ જંગલ વિસ્તારમાંથી નીકળીને અડધી રાત્રે શહેરોમાં પ્રવેશે અને ઘરફોડી કરીને ચોરીઓ કરે. ચોરી કરતાં પકડાઈ જાય તો આસાનીથી છટકી શકાય એ માટે તેઓ લંગોટ જેવી ચડ્ડી અને બાંય વગરનું ગંજી પહેરે અને આખા શરીરે તેલ ચોળે. કોઈ પકડે પણ તોય એમના હાથમાંથી સરકી જાય.

મોદીના ચડ્ડી-બનિયનધારી જેવા વિરોધીઓ શું કરતા હોય છે? તમારા હાથમાં પકડાય તો તરત જ છટકી જવા માટે એમની વિકૃત તર્કની દલીલો તૈયાર જ હોય છે. ગયા અઠવાડિયે ટ્‌વિટર પર એક નાનકડી વાત મેં મૂકી હતીઃ ‘સીએએ સંસદે પાસ કર્યો તો એની વિરુધ્ધમાં આ કૉન્ગ્રેસીઓ (અને અન્ય મોદીવિરોધીઓ) સુપ્રીમ કોર્ટમાં ગયા કે એને રદ કરો. અને અનામત વિશે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો તો હવે કહે છે કે સંસદે એ ચુકાદાને બદલી નાખવો જોઈએ!’

કોઈ પણ ભોગે મોદીનો વિરોધ કરો, મોદીના નિર્ણયોનો વિરોધ કરો, મોદીના કામનો વિરોધ કરો – આ જ આ ચડ્ડી-બનિયાનધારી ગૅન્ગનો મકસદ છે.

મોદીને મજબૂત કરવા માટે લોકો વારંવાર કહ્યા કરતા હોય છે કે હિન્દુઓએ સંગઠિત થવું જોઈએ? અહીં મારો મત જરા જુદો છે. હિન્દુઓ સંગઠિત જ છે. અન્ય ધર્મીઓની જેમ હિન્દુઓ આપસમાં એકબીજાનાં ગળાં નથી કાપતા. શિયા-સુન્નીને બાપે માર્યાં વેર છે. સતત એકબીજાની હત્યાનાં કાવતરાં કરીને એને અંજામ આપતા રહે છે. એકબીજાની મસ્જિદો બૉમ્બથી ઉડાવી દે છે. આપણે ત્યાં બજરંગબલીના ભક્તો મહાદેવજીના મંદિર સામે કાંકરી પણ ઉછાળતા નથી. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓ કેથલિક ખ્રિસ્તીઓના ચર્ચમાં પગ પણ મૂકતા નથી, પેલાઓ મૂકવા પણ ન દે – અને વાઈસે વર્સા. આપણામાં સિદ્ધિ વિનાયકમાં દર્શન કરીને મહાલક્ષ્મી જાઓ પછી બાબુલનાથ જાઓ – બધે તમને આવકાર મળે.

હિન્દુઓમાં વાડા-ફિરકા નાતજાતના ભેદ છે એની જ વાતો આપણે સાંભળી છે અને આજની તારીખેય મિડિયા ઉછાળતી હોય છે આ બધી વાતો. એમાં ભારોભાર અતિશયોક્તિ પણ હોવાની. મુસ્લિમોમાં અલગ અલગ કેટલીય પેટાજ્ઞાતિઓ તથા નાતજાતના ભેદભાવ વગેરે છે એની તમને ખબર છે? આવું જ ક્રિશ્ચાનિટીમાં છે. પણ આપણા મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે કે તેઓ તો આપસમાં ભાઈચારાથી રહે છે, સંગઠિત થઈને રહે છે, ત્યાં સૌને એકબીજા માટે સૌહાર્દ છે. માય ફુટ. આ લેફ્‌ટિસ્ટ ઇતિહાસકારોનો અને લિબરાન્ડુ મિડિયાનો પ્રચાર છે. એટલે આપણે માની લીધું છે કે હિન્દુઓએ સંગઠિત થવું જોઈએ.

હિન્દુઓ સંગઠિત જ છે. હિન્દુ સંગઠિત છે એટલે જ આ સુંદર પ્રદેશમાં એક અતિસુંદર રાષ્ટ્રનું નિર્માણ થયું – હજારો વર્ષ પહેલાં – જે હવે ફરી પાછું હરણફાળ ભરીને સમૃદ્ધ થઈ રહ્યું છે. વચ્ચેનો થોડોક ગાળો કાળો ડિબાંગ હતો. વ્યક્તિત્વ આયુષ્યની જેવી રાષ્ટ્રના જીવનમાં પણ તડકીછાંયડી તો આવતી રહેવાની. હિન્દુ પ્રજા સંગઠિત ન હોત તો અત્યારે યુરોપના મોટા-મોટા દેશો કરતાં પણ વિશાળ એવાં રાજ્યો ભારતના નકશામાં દેખાતા ન હોત. હિન્દુઓ સંગઠિત છે એટલે જ આ રાજ્યોની કરન્સી અને એના રાષ્ટ્રધ્વજ અલગ-અલગ નથી. ‘હિન્દુઓએ સંગઠિત થવું જોઈએ’ એવું જ્યારે જ્યારે બોલાય છે ત્યારે માનવું જોઈએ કે વામપંથી વિચારસરણીએ ફેલાવેલા ઝેરી પ્રચારને (કે હિન્દુઓ સંગઠિત નથી) આપણે સ્વીકારી લઈએ છીએ. આવું બોલાય છે ત્યારે ઈન અ વે આપણે એ વામપંથીઓના હાથમાં રમતા હોઈએ છીએ. જતાં જતાં એક વાત યાદ આવે છે.

૨૦૦૪ની ચૂંટણીમાં વાજપાયીજી હારી ગયા પછીનો સંઘર્ષકાળ હતો. સોનિયા સરકાર ગેલમાં હતી. ગુજરાતના મુખ્યમંત્રીને ‘મોતના સોદાગર’ પ્રસ્થાપિત કરીને એમને ફાંસીના માંચડે લઈ જવાની તૈયારીઓ જોરશોરથી આગળ વધી રહી હતી. આ બાજુ હિન્દુ પ્રજા સહમી ગઈ હતી. ઈટલી અને વેટિકનના ઈશારે ચાલતા ભારતના રાજમાં આવતી કાલે ક્યા હિન્દુનું શું થશે એવા આતંકમાં આપણે જીવતા હતા. દીવાળીના દિવસે જ કાંચીના શંકરાચાર્યની ખૂનના બેબુનિયાદ આક્ષેપ હેઠળ ધરપકડ કરીને એમને જેલમાં ધકેલી દેવાની જુર્રત સોનિયા સરકારની મિલીભગતથી જયલલિતાની સરકાર કરી શકતી હતી. જગદ્‌ગુરુ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ અઠવાડિયાઓ સુધી જેલમાં રહેવુ પડ્યું. છેક સુપ્રીમ કોર્ટમાં ગયા પછી જામીન મળી અને દસકા પછી ચુકાદો આપ્યો કે તેઓ નિર્દોષ છે, એમના પરના આક્ષેપો મનઘડંત હતા, એક પણ પુરાવો એમની વિરુદ્ધ નહોતો જેની કાવતરાખોરોને તો પહેલેથી જ ખબર હતી પણ હિન્દુઓને બદનામ કરવાનું, હિન્દુઓની ધાર્મિક લાગણીઓ દુભાવવાનું ષડયંત્ર હતું. જગદ્‌ગુરુ હવે તો નથી આ દુનિયામાં પણ એ આઘાતજનક દિવસોમાંથી આપણે સૌ પસાર થઈ ચૂક્યા છીએ.

તો આવા માહોલમાં જ્યારે એક હિન્દુ થિન્ક ટેન્કની ત્રિદિવસીય વાર્ષિક શિબિરમાં સૂચન થયું કે હિન્દુઓ સંગઠિત નથી એટલે આ દેશે ઘણું સહન કરવું પડે છે, હિન્દુ ધર્મમાં વેટિકન જેવી કોઈ સુપ્રીમ ઑથોરિટી નથી જે હવે ઊભી કરવાનો સમય થઈ ગયો છે જેથી તમામ હિન્દુઓને એક છત્ર હેઠળ લાવીને શિસ્તબદ્ધ સંગઠન ઊભું થઈ શકે વગેરે વગેરે.

એ બેઠકમાં અડવાણીજી, શૌરીજી, ઉમા ભારતીજી તથા અન્ય મહાનુભાવો હાજર હતા. સૂચન ઘણાને આવકાર્ય લાગ્યું હોવું જોઈએ. મારા ગળે આ વાત ઉતરતી નહોતી. મેં આ સૂચન સામે ભિન્નમત વ્યક્ત કર્યો (ડિસ્સેન્ટ કોને કહેવાય એની અમને પહેલેથી ખબર છે, તમારે શીખવાડવાની કોઈ જરૂર નથી, યૉર ઑનર). મેં મારો મત માંડતાં કહ્યું કે સૂચન નવું છે, હજુ સુધી કોઈએ આ દિશામાં વિચાર્યું નથી એટલે ક્રાન્તિકારી પણ છે. પરંતુ હિન્દુ ધર્મ માટે વેટિકન જેવી કોઈ સિસ્ટમની જરૂર નથી. ડાકોરના મંદિરના પુજારી, ગામેગામના મહાદેવ, હનુમાન, માતાજીનાં મંદિરોનું સંચાલન – આ બધું કોઈ એક વેટિકન જેવી હિન્દુ સંસ્થા નક્કી કરે – એને એવી સંસ્થા દ્વારા કન્ટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવે તો હિન્દુ ધર્મ સંકુચિત બની જાય. હિન્દુ ધર્મની વ્યાપકતા અને વિશાળતા જ એમાં છે કે એની કોઈ સુપ્રીમ ઑથોરિટી નથી. આમ છતાં જ્યારે જ્યારે કુંભમેળાઓ થાય છે ત્યારે દેશના વિવિધ ખૂણે વસતો હિન્દુ ત્યાં પહોંચી જાય છે – કોઈનાય આદેશની રાહ જોયા વિના. અનેક મસ્જિદ કે ચર્ચમાં તમારાં માનપાન તમે કેટલું ડોનેશન આપો છો એના પર છે. હિન્દુ મંદિરોમાં તમે દાનપેટીમાં એક પૈસો પણ ના મૂકો કે મંદિરના વ્યવસ્થાપન ખર્ચ પેટે વરસે સો રૂપિયાની પણ રસીદ ન ફડાવો તોય તમને બીજા લોકો જેટલો જ આવકાર મળે છે. આ ધર્મ સર્જાયો, ટકી રહ્યો અને તમામ વિઘ્નો બાવજૂદ ફૂલ્યોફાલ્યો, સમૃધ્ધ થયો, આખી દુનિયામાં આગવી છાપ ઊભી કરી શક્યો એનું કારણ જ એ છે કે આ બધું નૈસર્ગિક રીતે થયું. વેટિકન જેવી કોઈ કૃત્રિમ રીતે સર્જાયેલી સંસ્થાના માર્ગદર્શન હેઠળ નથી થયું આ બધું. જો હિન્દુઓમાં કોઈ એવી – વેટિકન જેવી – સુપ્રીમ સત્તા હોત તો હિન્દુ ધર્મ સંકુચિત થઈ ગયો હોત, આપણા ધર્મનું હાર્દ જ સાવ મરી ગયું હોત વગેરે વગેરે વગેરે બીજી ઘણી વાતો કરી.

છેવટે પેલો પ્રસ્તાવ અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો. સૌએ હાશકારો અનુભવ્યો. સૌ કોઈ પહેલેથી જ આ વિચારના હતા. સૌને ખબર હતી કે વેટિકન જેવી સિસ્ટમ હિન્દુ ધર્મ માટે પ્રાણઘાતક પુરવાર થઈ શકે અને એટલે જ તો ભૂતકાળમાં ક્યારેય આવો અખતરો કરવામાં નથી આવ્યો.

હિન્દુઓ સંગઠિત જ છે. હિન્દુઓ સંગઠિત છે એટલે જ આપણા સંરક્ષણ દળોમાં હિન્દુઓની બોલબાલા છે, હિન્દુત્વની બોલબાલા છે. હિન્દુઓ સંગઠિત છે એટલે જ આપણે આ દેશમાં સલામતી અનુભવીએ છીએ.

‘હિન્દુઓ, સંગઠિત થાઓ’ એવા નારાઓ પોતાનું મહત્વ સિદ્ધ કરવાના ફાંફાં મારનારાઓ બોલતા હોય છે. એમની પાસે અન્ય કોમોને ‘બતાવી’ દેવા સિવાયનો કોઈ એજન્ડા નથી હોતો. કોઈ પણ હિન્દુએ પોતે ‘સંગઠિત’ છે એવું મહેસૂસ કરવું હોય તો બે જ વાત કરવાની. પોતે જે સંસ્કારોમાં ઉછર્યા છે, પોતે જે ઇષ્ટદેવમાં માને છે એમાં શ્રધ્ધા રાખવી. બીજાઓ તમને રિડિક્‌યુલ કરે, તમારામાં ઈન્ફિરિયોરિટિ કૉમ્પ્લેક્‌સ જગાવવાની કોશિશ કરે કે તમને જાત જાતની લાલચો આપીને આકર્ષે તો પણ અડગ રહેવાનું. આ એક વાત.

બીજી વાત. દરેકે દરેક ચૂંટણીમાં મતદાન કરવા અચૂક જવાનું. તમે જાઓ, તમારા ઘરના કુટુંબીઓને લઈ જાઓ, પૂરતું છે. ગામ આખાની ચિંતા કરવાની જરૂર નથી. દરેક જણ પોતપોતાની ફરજ જાતે સમજે એ જરૂરી છે. મતદાન કરીને જેને તમે ફરી ચૂંટી કાઢશો એ અલ્ટિમેટલી દિલ્હીમાં બેઠેલા મોદીને વધુ મજબૂત કરશે. બાકીનું કામ એમના પર છોડી દઈએ. એમને ખબર છે કે હિન્દુઓ સંગઠિત રહે એ માટે શું કરવું. આપણે સલાહ આપવાની જરૂર નથી. એમની પડખે રહેવું હોય તો એનો એક માત્ર માર્ગ મતદાન કરવાનો છે અને બીજો માર્ગ એમના વિરુધ્ધ ચડ્ડી-બનિયનધારીઓ દ્વારા થતા કકળાટ વખતે દિમાગ ગુમાવ્યા વિના, હતાશ થયા વિના, એ લોકોનો ખેલતમાશો જોઈએ મનોરંજન પામવાનો છે. આ દેશ માટે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ એનું અથ થી ઇતિ સુધીનું માળખું – ઈન્ફ્રાસ્ટ્રક્‌ચર – મોદી પાસે છે, મોદીના તાબામાં છે, શ્રધ્ધા રાખીએ. રોજેરોજ તમારા કાનમાં, તમારી આંખોમાં રેડાતી ગેરમાહિતીઓ દ્વારા વિચલિત ન થઈએ. આ ઈન્ફર્મેશન ઍજ છે એવું કહેવાય છે. ભારતના મિડિયાએ આ માહિતીયુગને મિસઈન્ફર્મેશન ઍજમાં પલટી નાખ્યો છે એટલે તમારે રોજ લોહીઉકાળા થાય છે. મેઈન સ્ટ્રીમ મિડિયાને ઇગ્નૉર કરો, તમારું બીપી કન્ટ્રોલમાં રાખો.

આજનો વિચાર

આજકાલ ટ્‌વિટર પર જે ટ્રેન્ડિંગ છે એ વાઈરલ થયેલી માહિતી તમને યાદ હોય તો ચન્દ્રકાંત બક્ષીસાહેબ આજથી નહીં નહીં તોય ૩૦ વરસ પહેલાં એમની કૉલમના એક લેખમાં લખી હતી. અને યાદ રાખો એ સમયે ગૂગલ, વીકીપિડિયા, ક્યોરા વગેરે નહોતાં. બક્ષીસાહેબે લખ્યું હતું કે આપણા લશ્કરની દરેક રેજિમેન્ટની બેટલ ક્રાય હિન્દુ ધર્મની સંસ્કૃતિની પરંપરામાંથી આવે છે. એમને યાદ કરીને વાઈરલ થયેલું આ ટ્‌વિટરિયું તમારી સમક્ષ પેશ છેઃ

બિહાર રેજિમેન્ટઃ જય બજરંગબલી
ડોગરા રેજિમેન્ટઃ જ્‌વાલા માતા કી જય
ગઢવાલ રાઈફલ્સઃ બદરી વિશાલ કી જય
ગોરખા રેજિમેન્ટઃ આયો ગોરખાલી
ઈલેવન ગોરખા રાઈફલ્સઃ જય મહાકાલી
ધ ગ્રેનેડિયર્સઃ સર્વદા શક્તિશાલી
જમ્મુ ઍન્ડ કશ્મીર લાઈટ ઈન્ફ્રન્ટ્રીઃ ભારત માતા કી જય
જમ્મુ ઍન્ડ કશ્મીર રાઈફલ્સઃ દુર્ગા માતા કી જય
જાટ રેજિમેન્ટઃ જાટ બલવાન, જય ભગવાન
કુમાઉં રેજિમેન્ટઃ કાલિકા માતા કી જય
લદાખ સ્કાઉટ્‌સઃ ભારત માતા કી જય
મદ્રાસ રેજિમેન્ટઃ વીરા મદ્રાસી
મરાઠા રેજિમેન્ટઃ હર હર મહાદેવ, છત્રપતિ શિવાજી કી જય
પંજાબ રેજિમેન્ટ, સિખ લાઈટ ઈન્ફ્રન્ટ્રી અને સિખ રેજિમેન્ટઃ જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ
રાજપૂત રેજિમેન્ટઃ બોલો બજરંગબલી કી જય
રાજપૂતાના રાઈફલ્સઃ રાજા રામચન્દ્ર કી જય

છોટી સી બાત

જ્યારે બૈરાંઓ અંદરોઅંદર કંઈ ઘુસપુસ કરતાં હોય ત્યારે સમજવું કે ડાટા ટ્રાન્સફર થઈ રહ્યો છે…

… અને જ્યારે એવો અવાજ આવે કે ‘છોડ ને, આપણે શું લેવાદેવા’ ત્યારે સમજી લેવાનું કે ડાટા સેવ થઈ ગયો છે…હવે વાઈરલ થવાની તૈયારીમાં છે.

24 COMMENTS

  1. ..હિંદુઓ મૂળે સંગઠિત હોવાની વાત સાચી.., પણ નાક સુધી પાણી ન આવે ત્યાં સુધી નહિ હાલવાની વૃત્તિ, પ્રવૃતિઓ પર પ્રમોદ-આનંદનો અતિયોગ ને, ડરપોકપણું છોડી; શરીર-મનને મજબૂત બનાવવાની આળસ નહિ છોડે તો સામ્રાજ્યવાદી બન્ને ધર્મો ખાઈ જશે, હવે !!!!

  2. Good article. We missed you several months. Hinduism is cradle of human kind, its way of life. No one can bind us as our Rushi munis always talked about Brahmand (Universe). We had and we will have broad views. Our Ved large number calculation. We are diverse but still united.

  3. હિંદુ અને હિંદુ ધર્મ ની કઠણાઈ એ છે કે કૉંગ્રેસે આયોજન પૂર્વક હિંદુ ને તેના ધર્મ થી દુર કર્યા, શિક્ષણ માંથી ધર્મ હટાવી દીધો, ગુરુકુળ શિક્ષણ પ્રથા બંધ કરી દીધી.
    આજે હિંદુ બાળકો ને હિંદુ ધર્મ વિશે શિક્ષણ આપવું હોય તો બાળક ક્યાં જાય ? મુસ્લિમ બાળકો મદરસા માં જાય છે, જૈન ઉપાશ્રય માં જાય છે, ખ્રિસ્તી એ તો કોન્વેન્ટ શાળા ઓ ની હારમાળા સર્જી છે.
    નાનપણ થી જ બાળક ને ધર્મ ની શિક્ષા મળે તો જ હિંદુ ધર્મ મજબૂત બને.

  4. લેખ ખૂબ જ વિચારણીય . હિન્દુ પ્રજા બધી રીતે સંગઠિત હશે પણ મતાધિકાર માટે હજી જાગૃત નથી અને એટલે જ વિરોધીઓને ફાવતું પડી જાય છે. જો બધાં જ યોગ્ય રીતે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરે તો આ દેશમાં કોઈની મજાલ છે કે ઊંચા અવાજે દેશ વિરુદ્ધ એક શબ્દ પણ બોલી શકે .

  5. હિંદુઓ ધાર્મિક રીતે સંગઠિત જ છે અગરતો એમ પણ કહી શકાય કે હિન્દૂ ધર્મ એ જીવન પ્રત્યેનો ખુબજ વિશાળ અને ઉદાર દૃષ્ટિકોણ હોઈ એ ત્યાં સંગઠિત હોવાનું કોઈ મહત્વ કે જરૂરિયાત જણાતી નથી પણ જેઓ આટલા બધા મુક્ત અને ઉદાર ધર્મ ને ટકાવી રાખવા ઈચ્છે છે એમણે રાજકીય રીતે સંગઠિત રહેવાની અત્યંત આવશ્યકતા છે કારણ કે હિન્દૂ ધર્મ સિવાયના જે બે મોટા કહેવાતા ધર્મો, ઇસ્લામ અને ક્રિશ્ચન એ ધર્મના ના વસ્ત્રો માં છુપાયેલો સામ્રાજ્યવાદ છે. જે દિવસે ભારત ની રાજકીય સત્તા પર આ બે માંથી કોઈનું પણ પ્રભુત્વ સ્થાપિત થઈ જશે તે દિવસે સૌથી પહેલું આપણું વિવિધતા માં એકતા નું સૂત્ર લુપ્ત થશે.મૂળ પ્રશ્ન ધર્મ કે ધાર્મિકતા નથી મૂળ પ્રશ્ન છે રાજકીય સત્તા. અને લોકશાહી માં સત્તાના સૂત્રો હાથમાં રહે એ સુનિશ્ચિત કરવું હશે તો રાજકીય દૃષ્ટિએ સંગઠિત રહેવું પડશે. હિંદુઓ આટલું ધ્યાનમાં રાખશે તો હજુ અનંત કાળ સુધી શિવજી, વિષ્ણુ ભગવાન, ગણેશજી, હનુમાનજી, મહાકાળી, દુર્ગા મૈયા, મા ભવાની જે મરજીમાં આવે એની આરાધના, ભક્તિ જે રીતે કરવી હોય એ રીતે કરી શકશે નહીતો પછી કાં માત્ર એકસરખી ચાર મિનારા વળી મસ્જિદો અને કાં ક્રોસ વાળા ચર્ચ.

  6. દલિત-મુસ્લીમ ભાઈ ભાઈ જેવી યુક્તિ-પ્રયુકતિ થી હિન્દુ સમાજને બચાવવા સાધુ-સંતો આગળ આવીને નેત્રુત્વ નિભાવી દાખલો બેસાડવો જોઈએ.
    અભિનંદન.. આ લેખ બદલ…

  7. દલિત-મુસ્લીમ ભાઈ ભાઈ જેવી યુક્તિ-પ્રયુકતિ થી હિન્દુ સમાજને બચાવવા સાધુ-સંતો આગળ આવીને નેત્રુત્વ નિભાવી દાખલો બેસાડવો જોઈએ.

  8. Welcome back, Saurabh bhai, since 13th Feb, with your refreshing views on current affairs. I fully agree to your views in today’s article. However, there are some disturbing trends going on in India which need answers urgently. The disturbing trends are rampant religious conversions (from hindus to christianity/Islam), rampant Love Jhihads in states like Kerala, Tamil Nadu, and, wide spread protests like Anti-CAA and anti India slogans/bhashan baji. These are disturbing trends which are upsetting peace loving Indians who are true patriots of this great country. How Hindus can be brought under one umbrella to fight these anti India/breaking India jhehadis ??

  9. બહુ સરસ.. આત્મવિશ્વાસ વધારવાવાળો લેખ.. અભિનંદન અને આભાર ???

  10. Hindus are not brave, but cowards and sailfish and weak,they are not going to be united.muslim vote for congress, AAP SP TC, where as Hindu will divide and vote for them and BJP.
    That’s why others win.
    Unless this tran change this will never happen.

    • When you link bravery to barbarism and terrorism, you will find Hindus are not brave.
      We may not get United as you think simply because we are not ghetto followers of any ideology like others are.

  11. આપનો લેખ ખૂબ એક નવોંજ દ્રષ્ટિકોણ આપનારો છે..આપનો લેખ વાંચ્યા પછી એક પ્રકાર નો નવો આત્મા વિશ્વાસ આવ્યા ની અનુભૂતિ થઈ છે…એવો જ્ઞાનવર્ધક લેખ લખવા બદલ આપને અભિનંદન અને ઘણો આભાર…

  12. અપનો લેખ બહુ ગમ્યો.સાચી વાત એ છે કે દરેકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ફેમિલી સાથે મત અચુક આપવો.

  13. આ દૃષ્ટકોણ ગમ્યો, સુખકર અને આત્મવિશ્વાસ વધારનારો છે. એક પ્રશ્ન વિશાળ દલિત વર્ગ સંદર્ભે છે, જે ડાબેરીઓના હાથમાં રમે છે અને ‘દલિત-મુસ્લિમ’ ભાઇભાઇ જેવી પ્રયુક્તિઓનો શિકાર બનેલો છે.

  14. આપનો લેખ ખુબજ વિચારશીલ છે અને વાંચી એક નવો દ્રષ્ટિકોણ મળ્યો અને જરુર ચિંતન કરવા તથા આપની સલાહ બિલકુલ સાચી દિશામાં છે. આવા સુંદર લેખ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ???????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here