લાઉડમાઉથ : સૌરભ શાહ
(‘સંદેશ’, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, બુધવાર, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૦)
ડાયલેમા કહો, દુવિધા કહો કે મૂંઝવણ. બધું એક જ છે. બસ પકડવી કે રીક્શા. એન્જિનિયરિંગનું ભણવું કે મેડિકલનું. ચોથે માળે ફ્લેટ લેવો કે સાતમે માળે. આને પરણવું કે એને. જીવનમાં દરેક પગલે વિકલ્પો હોય છે અને આ વિકલ્પો વચ્ચે ફાઈનલ પસંદગી ન થાય ત્યાં સુધી મનમાં મૂંઝવણ રહે છે, દુવિધા રહે છે. મનની અનિશ્ચિત કે અનિર્ણાયક આ અવસ્થાનો આ ગાળો જેટલો અકળાવનારો છે એટલો જ ઉપયોગી પણ છે.
આ ગાળા દરમ્યાન તમને આગળવધવાનો માર્ગ પસંદ કરવાની તક મળે છે. મૂંઝવણમાં મૂકાઈએ ત્યારે વિહ્વળ બની જવાને બદલે વિચારવાનું કે કુદરતે આ એક તક આપી છે – ખોટો નિર્ણય કરવામાંથી બચી જવા માટેની. આમ કરવું કે તેમ કરવું એવી પરિસ્થિતિ ત્યારે જ ઊભી થાય છે જ્યારે ‘આમ કરવું’ વિશે આપણે સો ટકા મક્કમ નથી હોતા. કુદરત તમને ‘તેમ કરવું’નો વિકલ્પ સુઝાવે છે. બેઉ વિકલ્પોને તર્કના ત્રાજવે તોળીને યોગ્ય નિર્ણય પર આવવાનો આ મોકો છે, પછી ભલેને તમે પાછળથી સુઝેલા બીજા વિકલ્પને બાજુએ મૂકીને પ્રથમ વિકલ્પ ‘આમ કરવું છે’ને સ્વીકારીને એ દિશામાં આગળ વધો. મૂંઝવણની પ્રક્રિયામાંથી પસાર થયા પછી જે નિર્ણય કરીએ છીએ તે નિર્ણયમાં આપણી શ્રધ્ધા ઉમેરાયેલી હોય છે.
અસમંજસની પરિસ્થિતિ જીવનમાં સહેજ થંભી જઈને ઊંડો વિચાર કરવાની મોકળાશ આપે છે; મેં સમજીને નિર્ણય કર્યો છે, પૂરતો વિચાર કરીને નિર્ણય કર્યો છે એવો આત્મવિશ્વાસ આપે છે; નિર્ણય કર્યા પછી એને અમલમાં મૂકવાની તાકાત આપે છે.
ક્યારેક આ રીતે લેવાયેલા નિર્ણય પછી આગળ વધીએ કે તરત ફરી પાછી અસમંજસને પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ઘડીભર લાગવા માંડે કે ન લેવાયેલો નિર્ણય લેવો જોઈતો હતો. અત્યારે ખોટી દિશા પકડી લીધી છે. મોટેભાગે આ માનસિક વહેમ હોય છે, કલ્પનામાં જોયેલ વાઘ હોય છે. જે નિર્ણય લઈ લીધો છે એમાં પડતી આરંભિક મુશ્કેલીઓથી ઘડીભર મન ડગી જાય ત્યારે આવો વિચાર આવતો હોય છે.
તમે જે કોઈ નિર્ણય લેશો એના અમલ દરમ્યાન માર્ગમાં વિઘ્નો તો આવવાના જ. મહત્વ વિઘ્નોનું નથી. મહત્વ તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો એ સાચી છે કે નહીં એનું છે. તમે તમારી પાસેના વિકલ્પોમાંથી એક પસંદ કર્યો. સમજીવિચારીને પસંદ કર્યો. માટે તમારા માટે હવે આ જ નિર્ણય સાચો છે અને હવે તમારે એ જ દિશામાં આગળ વધવાનું છે. અધવચ્ચે આવીને સ્ટ્રેટેજી બદલવાનું મન થાય તો વિચારવાનું કે ક્યા ક્યા કારણોસર તમે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું હતું.
ક્યારેક તમારી સ્ટ્રેટેજીમાં ફાઈનટ્યુનિંગ કરવું પડે તો કરી લેવાનું. નાની મોટી પરિસ્થિતિઓને અનુકૂળ થવું પડે તો થઈ જવાનું.
નિર્ણય કોઈ પણ લઈશું, ભવિષ્યમાં એ નિર્ણય વિશે અસમંજસની પરિસ્થિતિ ઊભી થવાની જ છે એવું માની લેવાનું. આપણે લીધેલા નિર્ણય પ્રત્યેની શ્રધ્ધા ડગમગી જાય ત્યારે જાણવાનું કે એ નિર્ણય માટેની શ્રધ્ધા ફરી દૃઢ થાય એ માટે આ તબક્કો આવ્યો છે. જે નિર્ણય એક જમાનામાં સાચો લાગતો હતો, ફૂલપ્રૂફ લાગતો હતો તેના વિશે આજે હવે તમને શંકા જાગે છે, એ નિર્ણયમાં રહી ગયેલી કચાશો યાદ આવે છે, તે વખતે આવો નિર્ણય ના લીધો હોત એવું પણ કદાચ લાગવા માંડે છે. આવું થવું સ્વાભાવિક છે. આવા વિચારો આવે છે ત્યારે આપણે પાછળ નજર કરીને વિચારતા થઈએ છીએ કે આપણે આવો નિર્ણય શા માટે લીધો, કઈ પરિસ્થિતિમાં લીધો. જે સમયે આ નિર્ણય લીધો હતો તે સમયે આપણે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તે વિશે આજે ફરીથી વિચારીશું તો લાગશે કે જે નિર્ણય લેવાયો તે વાજબી હતો. કોઈ એક કાલ્પનિક ઉદાહરણ લઈને વાત વધુ સ્પષ્ટ કરીએ. દરેક જણ પોતપોતાના જીવનમાં ઝાંકીને આવાં અનેક ઉદાહરણો શોધી શકે. ધારો કે તમે દુકાનદાર છો. ધંધો ઘણો સારો ચાલે છે. દર વર્ષે થતા નફામાંથી તમે થોડું થોડું સોનું ખરીદ્યા કરો છો. આજે સોનાના ભાવ ચાલીસ હજારની આસપાસ છે. તમને યાદ આવે છે કે એક જમાનામાં તમે તમને વારસામાં મળેલા માતાના, દાદીના, કે પરદાદીનાં ઘરેણાં વેચી નાખ્યા હતા. તે વખતે સોનાનો ભાવ માત્ર ચારસો રૂપિયા હતો. તમને આજે અફસોસ થાય છે કે સાવ મામૂલી ભાવે સોનું વેચી નાખ્યું અને તે પણ વારસામાં મળેલા અમુલ્ય દાગીના વેચી નાખ્યા. અફસોસનો પાર નથી. આજે બમણા પૈસા આપો તો પણ એ હેરિટેજ તમને પાછો મળવાનો નથી. પણ પછી વિચાર આવે છે કે એ દાગીના વેચીને જ તો નાની અમથી ટપરી જેવી જગામાં ધંધો શરૂ કર્યો હતો જે ધીમે ધીમે વિકાસ પામીને હવે ચાર ગાળાની દુકાનમાં પરિવર્તિત પામ્યો છે જેમાં લાખો રૂપિયાનો સ્ટોક છે અને એમાંથી થતી ધીકતી કમાણીમાંથી તમારી આખી લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે. ફૅમિલી હેરિટેજ સમા દાગીનાને વેચ્યા વિના વળગી રહ્યા હોત તો આજે તમે આટલા સમૃધ્ધ થયા હોત?
દરેક નિર્ણયની સાથે એ નિર્ણય લેતી વખતે કઈ પરિસ્થિતિ હતી એ યાદને સતત જોડાયેલી રાખવી જરૂરી હોય છે. અન્યથા જિંદગીના દરેક નિર્ણયો તમને ખોટા લાગશે, જિંદગી હતાશાભરી લાગશે. નિર્ણયો લેવાતા હોય છે ત્યારે સમજીવિચારીને જ લેવાતા હોય છે. કોઈ વ્યક્તિ નિર્ણય લેતી વખતે એવું નથી વિચારતી કે ‘ચાલો, આજે ખોટો નિર્ણય લઈએ.’ પણ વખત જતાં એ નિર્ણયનું ધાર્યું પરિણામ નથી મળતું ત્યારે આપણે આપણને જ કોસતા થઈ જઈએ છીએ. એવું નહીં કરવાનું.
સાયલન્સ પ્લીઝ
શ્રધ્ધા અને હિંમત રાખીને કામ શરૂ કરો અને ધીરજ તથા ખંતપૂર્વક એ કામને અંત સુધી લઈ જાઓ.
_અજ્ઞાત
It seems my story just concluded. I am now on recovery path this post will be guiding path for me.. Thank you sir..
બહુ જ પ્રેરણાદાયી લેખ છે.
Sir,
I went through this phase earlier. Same advice was given to me by one Anil Patel. But you have given it in a very elaborate and convincing manner
સરસ બહુજ સરસ ?
Beautifully explained Saurabh sir, super clarity giver article, you have gain the mastery on mind and you are super aware that how brain and situation plays trick with us and that’s why you are able to explain this entire process so nicely and simple way.
At the end…. if I am confused it means I am about to learn something new