મોદીને પોતાનું માર્કેટિંગ કરતાં આવડે છે? : સૌરભ શાહ

( ગુડ મૉર્નિંગ ક્લાસિક્સ : શુક્રવાર, 5 જૂન 2020)

ફિલિપ કોટલર જગવિખ્યાત માર્કેટિંગ ગુરુ છે. 85 વર્ષના છે. 50 વર્ષથી માર્કેટિંગ વિશે લખે છે, માર્કેટિંગ વિશે ભણાવે છે અને માર્કેટિંગ કરતાં શિખવાડે છે. આ વિષય પર 55થી વધુ પુસ્તકો એમના નામે બોલે છે. આજકાલ ભારતમાં છે અને ગયા અઠવાડિયે બેંગ્લોરની એક ઇવેન્ટમાં એમણે નરેન્દ્ર મોદીના ‘માર્કેટિંગ’ વિશે વાત કરી ( આ લેખ નવેમ્બર 2016માં લખાયો).

કેટલાક રાજકીય વિશ્લેષકોએ એવી છાપ ઊભી કરી છે કે નરેન્દ્ર મોદીને પોતાનું માર્કેટિંગ કરતાં બહુ સારી રીતે આવડે છે— સી.એમ. તરીકે એમણે એ જ કર્યું, 2014ની લોકસભાની ચૂંટણી વખતે પણ એમણે એ જ કર્યું અને પી.એમ. બન્યા પછી પણ તેઓ એ જ કરી રહ્યા છે એવું આ પોલિટિકલ કૉલમનિસ્ટો તમને કહેતા આવ્યા છે.

આ સંદર્ભમાં ફિલિપ કોટલરે બેંગ્લોરમાં કહ્યુઃ “મોદીએ જે કામ કર્યું છે, એ જે રીતે કામ કરી રહ્યા છે તે વર્ક એથિક્સને લીધે, અને એ જે નીતિ-નિયમોને વળગી રહ્યા છે તેના કારણે — તેઓ ઉપર આવ્યા છે. લોકો ખોટી રીતે માને છે કે એમણે પોતાનું માર્કેટિંગ કરીને લોકપ્રિયતા હાંસલ કરી છે.”

મોદી જ નહીં, કોઈ પણ ચિક્કાર લોકપ્રિય વ્યક્તિ પર વાંકદેખાઓ દ્વારા આવો જ આરોપ મૂકવામાં આવતો હોય છે કે એ તો પોતાની જાતનું માર્કેટિંગ કરવામાં એક્સપર્ટ છે, એને તો નેટવર્કિંગ કરતાં બહુ સારું આવડે છે.

નરેન્દ્ર મોદી જો પોતાનું માર્કેટિંગ કરીને ઉપર આવ્યા હોત તો એમનું અનુકરણ કરીને આજે બીજા એક હજાર જણ એમની કોમ્પિટિશનમાં હોત.

માર્કેટિંગ કે નેટવર્કિંગ વગેરે દ્વારા તમને કામચલાઉ લાભ મળી શકે, કોઈ નાના-મોટા ફાયદાઓ થઈ શકે. લાંબા ગાળે જેનું કોઈ જ મહત્વ હોતું નથી એવાં પારિતોષિકો કે સન્માનો મળી શકે. લોકોને મન જે ગ્લેમરસ હોય એવું કામ કે એવાં હોદ્દા-પદ પણ મળી શકે. છાપાં-ટી.વી. પર પબ્લિસિટી પણ મળી શકે. પણ આ બધું જ ટેમ્પરરી હોવાનું અને જો ક્યાંક કશુંક કાયમી હોય તો તે નગણ્ય હોવાનું અલ્ટિમેટલી તો માણસની ઔકાત પ્રમાણે જ એને માન-સન્માન કે હોદ્દો કે પૈસા કે એવું બધું મળતું હોય છે. અને આ ઔકાત કંઈ પોતાની જાતનું માર્કેટિંગ કરવાથી નથી આવી જતી. હાર્ડ વર્ક, ચોક્કસ નીતિમત્તાનું ચુસ્ત પાલન, નિષ્ઠા અને દૂરંદેશી હોય તો જ તમે તમારા ક્ષેત્રમાં મજબૂત, અચળ, આદરણીય સ્થાન ધરાવી શકો. પછી આ ગુણો જ તમારાં માર્કેટિંગ ટુલ્સ બની જાય. તમારે જાતે તમારું માર્કેટિંગ કરવાની કોઈ જરૂર જ ન રહે. તમારું કામ જોઈને બીજાઓ તમારાં વખાણ કરતા થઈ જાય અને આ વર્ડ ઑફ માઉથ જ તમારા વતી તમારી સેલ્સમેનશિપ કરે, તમારે પોતાને આગળ લઈ જવા માટે તમારી જાતને ધક્કા ન મારવા પડે.

ટુ મિનિટ્સ નૂડલ્સના આ જમાનામાં બધાને બધું જ ઝટપટ જોઈએ છે. ઉતાવળે આંબા ન પાકે એવી ટાઇમ-ટેસ્ટેડ કહેવતમાં કોઈને શ્રદ્ધા નથી રહી, ‘ધીરજનાં ફળ મીઠાં’માં કોઈ માનતું જ નથી. સૌ કોઈને કેમિકલ નાખીને પોતપોતાની કેરીઓ ગ્રીનમાંથી પીળી-સોનેરી દેખાવની કરી નાખવી છે, અંદરથી ભલે એ ખાટી-ઝોળ નીકળે.

રોજ તમે છાપાં-ટીવીમાં તદ્દન મુફલિસ લોકોને પબ્લિસિટી મળેલી જોઈને વિચારતા હશો કે આવા લોકોએ ક્યાં કંઈ નક્કર કામ કરીને પબ્લિસિટી મેળવી છે? તો હું પણ મફતમાં ફેમસ થઈ શકું છું. તમારા ઘરમાં એક વરસ જૂનાં છાપાં તો નહીં હોય, પણ કપડાંના કબાટમાં કે રસોડામાં બરણીઓ નીચે પાથરેલાં જૂના છાપાં મળી આવે તો જરા ધ્યાનથી વાંચજો. એમાં જે લોકોના ફોટા છપાયા છે, વખાણ છપાયાં છે, એ બધા અત્યારે ક્યાં છે? 99 ટકા લોકો ફેંકાઈ ગયા છે. રાજકારણ, ફિલ્મ, સાહિત્ય – દરેક ક્ષેત્રમાં ટેમ્પરરી ફેમ મેળવી લેનારા લોકોની નામનાની એક્સપાયરી ડેટ બહુ-બહુ તો વરસ કે બે વરસની હોવાની. જેઓ નક્કર કામ કરતા હોય છે એમના જ પાયા ઊંડા નખાતા હોય છે અને એ જ લોકોનું કામ પેઢી-દર-પેઢીના ભાવકો સુધી પહોંચતું હોય છે.

નરેન્દ્ર મોદી જો પોતાનું માર્કેટિંગ કરીને ઉપર આવ્યા હોત તો એમનું અનુકરણ કરીને આજે બીજા એક હજાર જણ એમની કોમ્પિટિશનમાં હોત. એમનું અનુકરણ કરવા માટે તમારે રોજના ઓગણીસ કલાક કામ કરવું પડે, એક રૂપિયાની લાલચ રાખ્યા વિના અને અબજોપતિઓની શેહ-શરમમાં આવ્યા વિના કડક નિર્ણયો લેવા પડે, દિવસ-રાત તમારું માથું ખાઈ જતા કેજરીવાલ જેવા જોકરોથી પરેશાન થવાને બદલે તમારી ગરિમા સાચવીને અને તમારી સ્વસ્થતા સાચવીને આગળ વધતા રહેવું પડે અને જિંદગીની દરેક સેકન્ડનું મૂલ્ય જાણીને એનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરતા રહેવું પડે. આ બધી બાબતોમાં તમે મોદીનું અનુકરણ કરો તો જરૂર મોદી બની શકો. એક મહિના માટે પણ ટ્રાય તો કરી જુઓ!

જેઓ તમારા જેવા બની નથી શકતા અને તમારી સફળતાની ઈર્ષા કરતા રહે છે તેઓ બીજાના મોઢે એ જ કહેતા રહેવાનાઃ એને પોતાની જાતનું માર્કેટિંગ કરતાં બહુ સારું આવડે છે!

••• ••• •••

આટલું વાંચ્યું છે તો બે મિનિટ રોકાઈને થોડું વધુ વાંચી લો.

‘ન્યુઝપ્રેમી’ને આર્થિક સપોર્ટ આપો : સૌરભ શાહ

પ્રિય વાચક,

તમે જાણો છો એમ ‘ન્યુઝપ્રેમી’ કોઈપણ જાતના કૉર્પોરેટ ફન્ડિંગ વિના કે જાહેરખબરોની આવક વિના ચાલતું કોઈનીય સાડીબારી ન રાખતું એક વિશ્વસનીય ડિજિટલ મિડિયા છે.

‘ન્યુઝપ્રેમી’ની તમામ વાચનસામગ્રી સૌ કોઈ માટે ઓપન છે, વિના મુલ્યે ઉપલબ્ધ છે.

વધુ ને વધુ વાચકો સમજી રહ્યા છે કે મિડિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્નો ઊભા થતા જાય છે એટલે કાણાને કાણો કહેવાની હિંમત રાખનારા અને સજ્જનોનો તથા રાષ્ટ્રપ્રેમીઓનો નિર્ભીક બનીને પક્ષ લેનારા ‘ન્યુઝપ્રેમી’ જેવા સ્વતંત્ર પ્લેટફૉર્મની આજે સખત જરૂર છે.

કોઈ પણ સારી પ્રવૃત્તિ ટકાવી રાખવી હોય અને એને ફેલાવવી હોય તો એ માટે બે મુખ્ય બાબતોની ખાસ આવશ્યકતા હોવાની. પરસેવો અને પૈસો. ‘ન્યુઝપ્રેમી’ને હજારો વાચકોમાંથી લાખો અને લાખોમાંથી કરોડો સુધી લઈ જવાની મહેનત વન પેન આર્મી એવા પત્રકાર સૌરભ શાહ દ્વારા થઈ રહી છે. પૈસાની અપેક્ષા તમારે પૂરી કરવાની છે.

તમારા સપોર્ટની આશાએ ‘ન્યુઝપ્રેમી’ના દરેક આર્ટિકલમાં જાહેરખબરોની જગ્યાએ અપીલની સૂચના/લિન્ક મૂકાય છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક આર્થિક સપોર્ટથી અડીખમ રહી શકશે, વધુ વાચકો સુધી પહોંચી શકશે અને નિયમિત ધોરણે સમૃદ્ધ વાચનસામગ્રી ક્રિયેટ કરી શકશે. તમારામાંના દરેકે દરેક વાચકનો સ્વૈચ્છિક સહયોગ મળે તે આવકાર્ય છે. તમારા તરફથી મળનારી કોઈ પણ નાની કે મોટી રકમ ‘ન્યુઝપ્રેમી’ માટે ખૂબ ઉપયોગી થવાની છે.

દર એક-બે અઠવાડિયે કે મહિને-બે મહિને મળતો તમારો નિયમિત પ્રતિસાદ ‘ન્યુઝપ્રેમી’ની ઇમ્યુનિટી વધારશે અને ઝંઝાવાતો સામે ટકી રહેવાની ક્ષમતામાં ઉમેરો કરશે.

‘ન્યુઝપ્રેમી’ને તમે બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી પેટીએમ, ગુગલ પે કે યુપીcomઆઈ ટ્રાન્સફર દ્વારા રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરો અથવા HiSaurabhShah@gmail.com પર મેઇલ કરો.

‘ન્યુઝપ્રેમી’ને ઑલરેડી સપોર્ટ કરી રહેલા વાચકોનો હ્રદયપૂર્વક આભાર અને સૌ કોઈ માટે સદભાવ તથા શુભેચ્છાઓ.

‘ન્યુઝપ્રેમી’ વિશે વધુ જાણવાની ઇચ્છા થાય તો આ લિન્ક ક્લિક કરો : https://www.newspremi.com/gujarati/support-newspremi/

4 COMMENTS

  1. સાહેબ, નક્કર કર્મનિષ્ઠાને માર્કેટિંગની જરૂર પડતી નથી. યુગો સુધી અને યુગો પછી પણ તેમનું કર્મ બોલતું રહે છે.

  2. સર , દર વખતની જેમ એક સચોટ વાત કહી તમે. સફળ વ્યક્તિના કાર્યને કોઈ સાચી રીતે મૂલવતુ નથી ક્યારેય. ” એને મળેલા સાનુકૂળ પરીબળોને લીધે એને સફળતા મળી એમ જ કહેવાય છે કે પછી… મને આમ કે તેમ કંઈક અનુકૂળતા મળી હોત તો હું ય કંઈક કરી શક્યો હોત… આવી જ વાતો સૌ કરે છે.
    મોદીજીએ દેશને આ મુકામ પર કઈ રીતે પહોંચાડયો એ એમના વિરોધી સિવાય સૌ જાણે છે. કોઈ માર્કેટીંગ નહીં પણ એમની આવડત માત્રથી એમણે આ સફળતા મેળવી છે.

  3. ખૂબ જ સારી સમજણ સાથે મોકલેલ સંદેશો તે આપની લેખનકળા નું એક ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.

    આપના લેખો વાંચવામાં અને સમજવામાં સરળતા રહે તેનું આપ હંમેશાં ધ્યાન રાખો છો તે એક જાતની આગવી સુઝ વગર શક્ય નથી જે આપને ઈશ્વરે અખૂટ પ્રમાણમાં ભેટ રૂપે આપેલ છે.

    એક જ આશા કે નીડરતાપૂર્વક લખતા રહેશો

    આપનો વચાજપ્રેમી …… ભરત મહેતા ……. પ્રણામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here