( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૧૬ નવેમ્બર ૨૦૨૫)
કેશવરામ કાશીરામ શાસ્ત્રી 2006ના સપ્ટેમ્બરમાં દેવલોક પામ્યા. 1905ના જુલાઈ મહિનામાં એમનો જન્મ. એક આખી સદી એમણે જોઈ. નર્મદની જેમ કે.કા. શાસ્ત્રીએ પણ એકલે હાથે `બૃહદ ગુજરાતી કોશ’ની રચના કરી. બે દળદાર ભાગની ગુજરાતી ટુ ગુજરાતી ડિક્શનરી ગુજરાત રાજ્યના યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રગટ કરવામાં આવી. આ ઉપરાંત એમણે અનેક પુસ્તકો લખ્યાં. આજીવન અભ્યાસુ રહ્યા અને એમના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓએ સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી.ની. પદવીઓ મેળવી. 1964માં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારે ગુરુ ગોલવલકર, કનૈયાલાલ મુનશી, સ્વામી ચિન્મયાનંદ સહિતના સ્થાપક સભ્યોમાં કે.કા. શાસ્ત્રી પણ હતા.
એમણે 98 વર્ષ પૂરાં કર્યાં ત્યારે એક ડેઈલી ટીવી ટોક શોમાં એમને સ્ટુડિયોમાં આમંત્રણ આપીને બે એપિસોડમાં મેં એમનો ઈન્ટરવ્યૂ લીધો હતો. નાનું કદ અને એકવડું શરીર. ભરપૂર એનર્જી. સવાલ પુછાતો હોય ત્યારે મસ્તીમાં આવીને ટેબલ પર આંગળીથી તબલાં વગાડે! (પોતે એક બહુ સારા મૃદંગવાદક હતા અને અમદાવાદના આશ્રમ રોડ પરની સુપ્રસિદ્ધ વૈષ્ણવ હવેલીમાં નિયમિત કીર્તન માટે જતા, વાદ્ય વગાડતા.)
એમની આ ઊર્જાનું રહસ્ય? તેઓ મરજાદી હતા. સ્વયંપાકી હતા. બહારનું કંઈ ખાતા નહીં એટલું જ નહીં પોતાના હાથે બનાવેલું ભોજન જ આરોગતા. દાયકાઓ પહેલાં મદ્રાસમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું ત્યારે અમદાવાદથી લોટ, ચોખા, મસાલા, ઘી-તેલ વગેરે સીધું પોતાની સાથે લઈ ગયેલા. મદ્રાસમાં પોતાની રસોઈ જાતે બનાવીને જમી લેતા. આયુષ્યભર સંયમી જીવન જીવ્યા. એકસો એકમા વર્ષે પણ પોતાના લેખન-સંશોધનકાર્યમાં વ્યસ્ત હતા.
ખુશવંતસિંહ પણ પોતાની રીતે સંયમી જીવન જીવ્યા. 1915માં જન્મ અને 2014માં અવસાન. સેન્ચૂરી કરવામાં માત્ર અગિયાર મહિના ઓછા પડ્યા. કે.કા. શાસ્ત્રી કરતાં આહારવિહારની બાબતમાં સામેના છેડે. પીવાના શોખીન. જીવનના અંતિમ દિવસો સુધી પીધું. નોન વેજિટેરિયન પણ હતા, પણ સંયમી. ઘરમાં કે કોઈના ઘરે ડિનર હોય ત્યારે બરાબર સાતના ટકોરે ડ્રિંક શરૂ થાય. માત્ર બે જ પેગ પીવાના. એક ટીપું વધારે નહીં. સાડા આઠે જમવાનું શરૂ થઈ જ જવું જોઈએ. નવ વાગ્યે પરવારી જવાનું. દસ વાગ્યે ઊંઘી જવાનું. પથારી પાસેના ટેબલ પર બે એલાર્મ ઘડિયાળ સેટ કરીને સૂવાનું. એક એલાર્મ પોણા પાંચ વાગ્યે રણકે. બીજું પાંચ વાગ્યે. ઊઠીને તૈયાર થતાં થતાં રેડિયો પર સિક્ખ ધર્મનાં ભજન- શબદ-નું શ્રવણ કરવાનું અને તૈયાર થઈને નજીકના જિમખાનામાં ટેનિસ રમવા જવાનું. ઘરમાં તમામ ફોન જાતે જ ઉપાડવાના, પણ અપોઈન્ટમેન્ટ વિના કોઈને મળવાનું નહીં. આ વિશે સૂચના આપતી તકતી દરવાજાની બહાર લટકાવેલી. દરેક પત્રનો, અજાણ્યા વાચકના પત્રનો પણ જવાબ આપવાનો. મારે એમની મુલાકાત લેવી હતી ત્યારે મારા પત્રનો પોઝિટિવ પ્રતિસાદ આપતો પોસ્ટકાર્ડ એમણે પોતાના હસ્તાક્ષરમાં લખીને મોકલેલો.
ખુશવંતસિંહ પોતે જે સાપ્તાહિક એડિટ કરતા હતા તે ‘ધ ઇલસ્ટ્રેટ્ડ વીકલી ઑફ ઇન્ડિયા’નો રેકોર્ડ બ્રેક ફેલાવો કર્યો —દર અઠવાડિયે ત્રણ લાખ—એટલું જ નહીં, ડઝનબંધ પુસ્તકો લખ્યાં, નવલકથાઓ લખી. દર અઠવાડિયે વિથ મેલિસ ટુવર્ડ્ઝ વન એન્ડ ઓલ નામની કોલમ લખી, જે વિવિધ પ્રકાશનોમાં લગભગ ચાર દાયકા સુધી ચાલી. જીવનના અંતિમ દિવસો સુધી એમણે લખ્યું. કે.કા. શાસ્ત્રી અને ખુશવંતસિંહને તમે ખરા અર્થમાં કર્મયોગી કહી શકો. તેઓ સુદીર્ઘ જીવન જીવ્યા, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતાપૂર્વક જીવ્યા અને જીવન પૂરું થયું ત્યારે એક આખી યુનિવર્સિટી કે વિદ્યાપીઠ દ્વારા થઈ શકે એવું કામ કરીને ગયા.
આજની તારીખે પણ આપણી આસપાસ એવા મહાનુભાવો છે જેમને અવિરત કામ કરવામાં ઉંમરનો કોઈ બાધ નથી, સ્વાસ્થ્યની ચડઊતરની કોઈ પરવા નથી. સૌથી મોટું ઉદાહરણ અમિતાભ બચ્ચનનું છે. ચાલીસ વર્ષ પહેલાં `કૂલી’ના શૂટિંગ વખતે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા હતા ત્યારે આખો દેશ એમના સાજા થઈ જવા માટે પ્રાર્થના કરતો હતો. એમાંથી હેમખેમ બહાર આવ્યા પછી માયસ્થેનિયા ગ્રેવિસ નામની સ્નાયુઓ પરનો કાબૂ ગુમાવી દેવાની વ્યાધિ આવી. આ ઉપરાંત તબિયતની બાબતે, કારકિર્દી બાબતે, આર્થિક બાબતે અને કૌટુંબિક બાબતે અનેક તડકીછાંયડીઓ એમણે જોઈ. ક્યારેક કામ વગર પણ બેસી રહેવું પડ્યું. આમ છતાં ધીરજ રાખીને, સમતા રાખીને, હિંમત રાખીને તેઓ એવું જીવન જીવ્યા, જીવી રહ્યા છે કે 83 વર્ષની ઉંમરે પણ `કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર એમની સ્ફૂર્તિ, ચપળતા, એમના અવાજનો રણકાર જોઈને તમને આશ્ચર્ય થાય કે આ બધું કેવી રીતે શક્ય છે? 2006માં એમણે એક ઈન્ટરવ્યૂમાં જાહેર કર્યું હતું કે પોતે દારૂ-સિગારેટ સમૂળગાં છોડી દીધાં છે અને હવે તો સંપૂર્ણપણે વેજિટેરિયન પણ છે. 83 વર્ષની ઉંમરે બચ્ચનજી ભરપૂર એક્ટિવ છે. એક મિનિટની ફુરસદ નથી એમને.

ઘર આંગણે જોઈએ તો સ્વામી સચ્ચિદાનંદ પેટલાદ પાસેના દંતાલીના પોતાના આશ્રમની બહાર પગ પણ ન મૂકે તો ચાલે એટલું બધું કામ, લેખન, પ્રવચનો, સામાજિક સેવા અને અન્ય પ્રવૃત્તિઓ એમના 93 વર્ષના આયુષ્ય દરમ્યાન તેઓ કરી ચૂક્યા છે. તેમના પગ સૂઝી ગયા છે, ચાલવામાં તકલીફ પડે છે, ફ્રેક્ચર્સની માઠી અસરો શરીર પર પડી છે અને ઉંમરે પણ ઉંમરનું કામ કર્યું છે. આમ છતાં હજુ પણ તેઓ પાંચછ કલાકની મુસાફરી કરીને છેક બીજા છેડે કોઈ પ્રસંગે જવાનું અનિવાર્ય હોય તો જાય છે. અને આશ્રમમાં હોય ત્યારે મુલાકાતીઓને મળે છે, વ્યવસ્થા-વહીવટ પર નજર રાખે છે, પોતાના વિષય પ્રમાણે અભ્યાસ કરે છે, છાપાં વાંચે છે, સમાચાર જુએ છે, દુનિયામાં શું બને છે તે વિશે લેટેસ્ટ માહિતી મેળવે છે, નવું પુસ્તક લખાવે છે અને નાના સમુદાયો સમક્ષ પ્રવચનો પણ કરે છે. હમણાં જ એમનું એક નવું પુસ્તક પ્રગટ થયું —‘મહાન રામાનુજાચાર્ય’ જેમણે 72 મઠોની સ્થાપના કરી અને જેમની વિશાળ ભવ્ય પ્રતિમાનું થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં અનાવરણ કર્યું. સ્વામી સચ્ચિદાનંદનાં 100 પુસ્તકો તો ઑલરેડી પ્રગટ થઈ ગયાં છે અને દરેક પુસ્તકની એક કરતાં વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે, કેટલાંક પુસ્તકો તો વર્ષોથી બેસ્ટ સેલરની યાદીમાં છે અને હજુ ય હજારોની સંખ્યામાં વેચાઈ રહ્યાં છે.
સુપ્રસિદ્ધ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસુરિ મહારાજ સાહેબે લખેલું 500મું પુસ્તક આવતા વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે મુંબઈમાં પ્રગટ થશે. 77 વર્ષના ગુરુદેવ કોવિડની બીમારીમાંથી સ્વસ્થ થાય, ન થાય ત્યાં જ એમને ચિકનગુનિયાનો વ્યાધિ થયો. બેઉ વખતે હોસ્પિટલમાં સારવાર લઈને, કપરી ફિઝિયોથેરાપી લઈને, ફરીથી પ્રવૃત્ત થઈ ગયા. પોતાના શિષ્યોને રોજ મળે છે, એમના માટે જૈન ધર્મની બારીકી સમજાવતાં પ્રવચનો કરે છે. જૈન શ્રાવકો માટે અને આપણા જેવા ભાવકો માટે ધર્મ, દુનિયાદારી, સામાજિક જવાબદારી સમજાવતાં પ્રવચનો કરે છે અને ખૂબ લખે છે, ચોમાસા સિવાય નિરંતર પગપાળા પ્રવાસો કરે છે. જ્યાં ચાલીને જવું શક્ય ન હોય ત્યાં વ્હીલચેરનો ઉપયોગ કરીને પણ પ્રવાસ કરે છે.
એક વખત મેં એમને પૂછયું હતું કે આટલી બધી પ્રવૃત્તિઓ તમે કેવી રીતે કરી શકો છો? તમારી ઉંમર વધતી જાય છે, સ્વાસ્થ્ય સંબંધી વિઘ્નો આવતાં રહે છે છતાં દિવસરાત તમે કેવી રીતે પ્રવૃત્ત રહી શકો છો? મેં એમને સ્વામી સચ્ચિદાનંદનો દાખલો આપ્યો. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક કિસ્સો કહ્યો જે મારા એક પ્રકાશકમિત્રે મને જણાવ્યો હતો. એમના એક સંબંધી-મિત્ર પરદેશથી ભારત આવ્યા હતા અને કોઈક કામસર વડાપ્રધાનને મળવા માગતા હતા. પીએમઓ સાથે સંપર્ક કર્યા બાદ એમને ઈ-મેલ આવ્યો કે ફલાણી તારીખે વડાપ્રધાનને મળવાનો સમય નક્કી થયો છે. અંગ્રેજી ઈ-મેલમાં સમય ટુ એ.એમ. લખ્યો હતો. ટુ એ.એમ? આ તો રાત્રે બે વાગ્યાનો સમય થયો. ભૂલ હશે ટુ પી.એમ. હોવું જોઈએ. ફરી પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યાંથી કન્ફર્મ થયું કે ટુ એ.એમ.જ છે. રાતના બે વાગ્યાની અપોઈન્ટમેન્ટ છે. વડાપ્રધાનમાં આ એનર્જી ક્યાંથી આવતી હશે?
મોરારીબાપુ 80 વર્ષની ઉંમરે નિરંતર નવ દિવસ સુધી રામકથા કરતા રહે છે.આપણા જેવાઓને માત્ર ઘરમાં જ ચાર કલાક સુધી પલાંઠી વાળીને પાણી પીધા વિના, આસન બદલ્યા વગર નવ દિવસ સુધી બેસી રહેવાનું કોઈ કહે તો આપણે એક દિવસ પણ એવું નથી કરી શકતા. મોરારીબાપુએ તો હજારો શ્રોતાઓ સમક્ષ રૂબરૂમાં અને લાઇવ ટીવી પર જોતા બીજા લાખો લોકો સમક્ષ રામકથા કહેવાની છે, ગાવાનું પણ છે અને આ બધું માત્ર સ્મૃતિના આધારે. આ માટે દેશભરમાં અને વિદેશમાં પ્રવાસ કરવાનો. આ ઉપરાંત કથાના કલાકો બાદ અનેક લોકોને મળવાનું હોય, વર્ષમાં કંઈ કેટલાય જાહેર કાર્યક્રમોમાં પ્રમુખપદે પ્રસંગ અનુરૂપ પ્રવચનો કરવાનાં હોય.
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વર મહારાજ સાહેબને આ તમામ દાખલાઓ આપીને મેં જિજ્ઞાસા વ્યક્ત કરી હતી કે તમારા સહિત આ બધા મહાનુભાવો આટલી મોટી ઉંમરે આટલા પ્રવૃત્ત કેવી રીતે રહી શકે છે? એનું રહસ્ય શું છે? અમારા જેવા સામાન્ય માણસો કેવી રીતે મોટી ઉંમરે આવું સત્વશીલ, પ્રવૃત્તિશીલ, ભરપૂર ઉપયોગી જીવન જીવી શકે?
મારા પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મહારાજ સાહેબે એક મંત્ર આપ્યો: `ઉંમર વધે એની સાથે ઊર્જા ભલે ઘટે, પણ ઉત્સાહ ન ઘટવો જોઈએ.’
શરીર તો શરીરનું કામ કરવાનું જ છે. પચ્ચીસ વર્ષની ઉંમરે શરીરમાં જે ઊર્જા હોય તે પંચોતેર વર્ષની ઉંમરે નથી રહેવાની, પણ જીવન જીવવાનો ઉત્સાહ ઘટવો ન જોઈએ. તબિયતની બાબતે કે પછી બીજી કોઈ પણ બાબતે જીવનમાં ચડઊતર થાય, તો પણ જીવન જીવવા માટેનો ઉત્સાહ મોળો ન પડવો જોઈએ.
ગુરુદેવની આ વાત માત્ર જાહેરજીવન જીવતા મહાનુભાવોને જ લાગુ નથી પડતી. આપણા જેવા કરોડો મનુષ્યો માટે આ જીવનમંત્ર ઉપયોગી છે અને આ વાતની ઉપયોગિતા માત્ર 60-70-80 વટાવી ચૂકેલા સિનિયર કે સુપર સિનિયર સિટીઝનો પૂરતી જ સીમિત નથી. ટીનએજરથી માંડીને પચ્ચીસ-પાંત્રીસ, પિસ્તાળીસ-પંચાવન વર્ષના યુવાનો તથા મિડલ એજેડ સ્ત્રી-પુરુષો માટે પણ ઉપયોગી છે.
ઉંમર વધતી જાય છતાં જીવન ભરપૂર પ્રવૃત્તિશીલ રહે એનો એક જ ઉપાય છે. જીવનમાં કોઈ પણ બાબતે તડકીછાંયડી આવે, તબિયતની બાબતે, આર્થિક બાબતે અંગત સંબંધો બાબતે, કૌટુંબિક બાબતે કે પછી નોકરી-ધંધા બાબતે, કોઈ પણ ચડાવ-ઉતાર વખતે એટલું યાદ રાખવાનું કે આપણી જિજીવિષા ઓછી થવી ન જોઈએ, જીવવાનો ઉમંગ અકબંધ રહેવો જોઈએ. ઊર્જા ઘટે છતાં ઉત્સાહ નિરંતર વધતો રહેવો જોઈએ.
ગુરુદેવનો આ જીવનમંત્ર અપનાવ્યો હોય તો આપણે પણ કે.કા. શાસ્ત્રી અને ખુશવંતસિંહની જેમ સ્વસ્થતાપૂર્વક સો વર્ષ જીવી શકીએ. એક આખી વિદ્યાપીઠ દ્વારા થાય એટલું કામ કરીને આ દુનિયામાંથી સંતોષ સાથે વિદાય લઈ શકીએ.
પાન બનારસવાલા
સ્વસ્થતાભર્યું દીર્ઘ આયુષ્ય પામવાના ત્રણ તરીકા છે. ચહેરા પર સ્મિત, દિલમાં પ્રસન્નતા અને દિમાગ બ્રેકિંગ ન્યૂઝના પ્રભાવથી મુક્ત.
– અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












