( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 3 ડિસેમ્બર 2025 )
કાશીનાથ ઘાણેકર જેવા સુપરસ્ટારને અજ્ઞાતવાસમાંથી બહાર લાવવા માટે એમના મસીહા સમાન મિત્ર પ્રભાકર પણશીકરે લેખક વસંત કાનેટકરના સુપરહિટ નાટક ‘અશ્રું ચી ઝાલી ફૂલે’ને રિવાઈવ કરવાનું નક્કી કર્યું છે જેમાં પ્રિન્સિપાલ પ્રૉ. વિદ્યાનંદનો લીડ રોલ પણશીકર ભજવી રહ્યા છે અને સેકન્ડ લીડ હોવા છતાં સમગ્ર નાટકને પોતાના ખભા પર ઊંચકી જનારા વિદ્યાર્થી લાલ્યાનો રોલ કાશીનાથ ઘાણેકરનો છે. મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી શહેરમાં શો છે. ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. કાશીનાથ હૉટેલમાંથી હજુ થિયેટર પર પહોંચ્યા નથી. શોનો ટાઈમ થઈ ગયો છે. અમરાવતીની હૉટેલની રૂમમાં કાશીનાથ તૈયાર થઈને છેલ્લી ઘડીએ સંવાદ પાકા કરી રહ્યા છે… ‘એકદમ કેડેક્ક’ અને ‘ઉસ્મે ક્યાયે’ (ઉસ મેં ક્યા હૈ) જ્યારે પોતાના આગવા અંદાજમાં બોલાશે ત્યારે અમરાવતીનું જાનદાર ઑડિયન્સ તાળીઓના ગડગડાટથી પોતાને વધાવી લેશે એવા આત્મવિશ્ર્વાસ સાથે કાશીનાથ આયનામાં તાકીને પોતાની અદાઓ નિહાળી રહ્યા છે ત્યાં જ…
…ત્યાં જ છાતીના ડાબા ભાગે પ્રચંડ ધરતીકંપ. થોડીક ક્ષણોનો તરફડાટ. સ્તબ્ધતા. 1986ની સાલના માર્ચ મહિનાનો બીજો દિવસ હતો. 14 સપ્ટેમ્બર 1930ના રોજ જન્મેલા કાશીનાથ ઘાણેકરના 56 વર્ષના આયુષ્યનો એ છેલ્લો દિવસ. થિયેટર પરથી સંદેશો આવતાં જ હૉટેલનો નોકર કાશીનાથની રૂમનો દરવાજો ખટખટાવતો રહે છે. દરવાજો તૂટી જાય એ રીતે હલબલાવે છે પણ અંદરથી કોઈ જવાબ મળતો નથી. બીજો એક નોકર આવીને પેલાને કહે છે: કાશીનાથ ઘાણેકરની રૂમ છે ને? એ તો અંદર પીને ધૂત થઈને પડ્યો હશે. અગાઉ ઘણીવાર એવું થયું છે અને મેં દરવાજો તોડીને એમને બહાર કાઢ્યા છે ત્યારે મારે નુકસાની (ગાંવઠી મરાઠીમાં ‘નુસકાની’ બોલે છે) ભરપાઈ કરવી પડે છે. જવા દે…’
કાશીનાથના મૃત્યુના સમાચાર મુંબઈ સુધી પહોંચ્યા, કુટુંબને આ ખબર મળે છે, ચારેકોર પ્રસરે છે.
અહીં ‘… આણિ કાશીનાથ ઘાણેકર’ નામનું પિક્ચર પૂરું થવાની તૈયારીમાં છે. કાશીનાથની ઈમેજીસની સાથે એમનો વૉઈસ ઓવર પ્રેક્ષકગૃહમાં પડઘાય છે. ઓરિજિનલ મરાઠીમાં જ સાંભળીએ:
‘કુઠલ્યા હી કલાકારાનાં જેવ્હા પહિલી ટાળી મિળતે તેવ્હા તો કળાકાર મ્હણુન સંપવુન જાતો, કારણ ટાળી હા સરસ્વતીની દિલેલા શ્રાપ આહે તસં મ્હણતાત. મલા હા શ્રાપ નસ્તા મિળાલા તરી મી ખૂપ કાહી હોઉ શકલો અસતો. એક બરા નવરા, એક ખરં મિત્ર, એક ચાંગલા મુલગાં, પર મી જર હે સગળં અસતો તર મી તે નસ્તો જે મી હોતો – ગોપાળ (‘આનંદી ગોપાળ’), બાપુ (‘ગારંબીચા બાપુ’), લાલ્યા (‘અશ્રું ચી ઝાલી ફૂલે’), સંભાજી (‘રાયગડાલા જેવ્હા જાગ યેતો’) … આણિ…’
સિનેમાગૃહમાં પ્રેક્ષકો ગળામાં ડૂમા સાથે મનોમન એ વાક્ય પૂરું કરે છે: ‘…આણિ કાશીનાથ ઘાણેકર…’
ગુજરાતી ભાષામાં આ યાદગાર સંવાદ: ‘કોઈ પણ કળાકાર માટે પહેલી વાર તાળીઓ પડે છે ત્યારે એક કળાકાર તરીકે એ મરી પરવારે છે. કારણ કે તાળીઓ મા સરસ્વતીએ આપેલો શાપ છે એવું કહેવાયું છે. મને આ શાપ ન મળ્યો હોત તો હું ઘણું બધું બની શક્યો હોત. એક ઠીકઠાક પતિ, એક સાચો મિત્ર, એક સારો પુત્ર. પણ હું જો આ બધું બનવા ગયો હોત તો હું એ ન હોત જે હું બન્યો — ગોપાળ, બાપુ, લાલ્યો, સંભાજી અને…’

આપણને નાનપણથી માબાપ-વડીલો-સગાં-સમાજ-મિત્રો તરફથી શીખવવામાં આવ્યું છે કે આપણે સારા માણસ બનવાનું છે, મોટા થઈને આપણે આ સારાઈ કે સારપને આધારે જિંદગી બનાવવાની છે, આપણી ગુડનેસ પર ડિપેન્ડ થવાનું છે.
આપણને કોઈ દિવસ આપણી ટેલન્ટના આધારે લાઈફ બનાવવાનું શીખવાડવામાં આવ્યું નથી. માણસ તરીકે સારા હોવું એ જિંદગીનો એક નાનકડો હિસ્સો છે. દુનિયામાં લાખો-કરોડો માણસો છે જેઓ સારા, વધુ સારા, ખૂબ બધા સારા છે. દુનિયા એમને કારણે ટકી રહી છે પણ દુનિયા જેમના કારણે આગળ વધી રહી છે તે સારા લોકોને કારણે નહીં પણ ટેલન્ટેડ લોકોને કારણે.
કાશીનાથ ઘાણેકર વુમનાઈઝર (ફિલ્મમાં શબ્દ છે ‘લફડીબાજ’) અને મદ્ય મિત્ર (આ મારો કૉઈન કરેલો શબ્દ છે બાકી ફિલ્મમાં વપરાયેલો શબ્દ છે બેવડો) ન હોત, મુંબઈ શહેરના મશહૂર ડેન્ટિસ્ટ હોવા છતાં છ-છ વર્ષ સુધી પ્રોમ્પટર-બૅકસ્ટેજનું કામ કરીને એમણે સ્ટ્રગલ ન કરી હોત, નાટ્યજગત માટેની પેશન પાછળ ખુવાર ન થયા હોત તેઓ જરૂર એક આદર્શ પતિ, સારા મિત્ર, ગૌરવ થાય એવા પુત્ર પુરવાર થયા જ હોત, એમાં કોઈ શંકા નથી.
પણ તો પછી આજે એમને કોણ યાદ કરતું હોત? આવા તો કરોડો આદર્શ પતિઓ – મિત્રો – પુત્રો આ દુનિયામાં આવ્યા અને ગયા. કાળની ગર્તામાં ધકેલાઈ ગયા. ભૂંસાઈ ગયા. આમાંથી એક પણ વ્યક્તિના નામે આજે મુંબઈની પડોશમાં આવેલા થાણેના હિરાનંદાની મેડોઝમાં ઊભું છે એવું અતિ ભવ્ય અને વિશાળ ‘સ્વર્ગસ્થ કાશીનાથ ઘાણેકર સભાગૃહ’ છે? ના, નથી. તો પછી ઈમ્પોર્ટન્સ શેનું છે? સારા બનવાનું નહીં, ટેલન્ટનું ઈમ્પોર્ટન્સ છે. મારે અહીં કંઈ સારાઈની બુરાઈ નથી કરવી. તમે સારા હો તો સારું જ છે – તમારા માટે, દુનિયા માટે. પણ સારા હોવું જ માત્ર પૂરતું નથી. તમારી પૅશન, તમારી ટેલન્ટ, તમારી મહેનતના બળથી આ જગતમાં એક એવી લીટી તાણી જવી જોઈએ જેને કોઈ ભૂંસી ન શકે, ભૂલી ન શકે. કાશીનાથ ઘાણેકરે ગોપાળ, બાપુ, લાલ્યા, સંભાજી વગેરેની ભૂમિકાઓ ભજવીને એવી અ-ભૂંસ લીટી તાણી છે. ત્યારે તો તેઓ એક ભવ્ય બાયોપિકના સબજેક્ટ બન્યા છે. રિલીઝ વખતે ‘… આણિ કાશીનાથ ઘાણેકર’ના શોઝ હાઉસફૂલ રહેતા.
કવિ પત્રકાર અને મોટા ગજાના સાહિત્યકાર સ્વ. ભગવતીકુમારની એક ગઝલમાં આવતો મથરાવટી વિશેનો એક શેર અહીં યાદ આવે છે. પોતે દૂધે ધોયેલા છે એવી ડંફાસો મારીને જીવતા લોકોએ આ શેર વાંચવો જોઈએ, કંઠસ્થ કરી લેવો જોઈએ. એ શેર જ નહીં, આખી ગઝલ વાંચીએ:
ડુંગરા તૂટે, ખડક કંઈ ખીણમાં ધસમસ પડે,
હો ગગનગામી ભલે માણસ છતાં ચોક્કસ પડે.
કે નથી હોતા કદી કોઈ પતનમાં ભેદભાવ,
ગઢ પડે, ભેખડ પડે, મંદિર પડે, આરસ પડે.
થોડી તો મેલી જ હોવી જોઈએ મથરાવટી,
તો ફરિશ્તાઓના ટોળાંથી અલગ માણસ પડે.
આ બધી ઘટના ખુશીની એકધારી છે નીરસ,
દુખના બે-ચાર કિસ્સાઓ કહો તો રસ પડે.
હું લઈને નીકળું છત્રી સરસ વર્તુળાકાર,
ને ગગનમાંથી ચમકતી વીજળી ચોરસ પડે.
તે પછી રહેશે નહીં અંધારનો કોઈ વિકલ્પ,
હો અમાસી રાત ને મુજ હાથથી ફાનસ પડે.
કોઈ વેળા તો પતન પણ હોય છે વસ્તીસભર,
એ પડે ને સાથે એના વંશ ને વારસ પડે.
ફરી એક વાર કહી દઉં કે આનો અર્થ કોઈ એ ન કરે કે માણસે અસંસ્કારી બનવું જોઈએ. અહીં અસંસ્કારનો કે કુસંસ્કારનો મહિમા નથી. અહીં વધુ પડતા સંસ્કારી હોવાની કે દેખાવાની હોંશ સામે લાલબત્તી છે કારણ કે આવી હોંશ ન સિર્ફ તમારા વ્યક્તિત્વને રૂંધે છે, તમને તમારી રીતે જીવતાં રોકે છે, તમને ઢોંગી-દેખાડુ-દંભી બનવા તરફ લઈ જાય છે.
લોકોને બીજાઓની નીતિમત્તાને પ્રમાણવાનું બહુ મોટું વળગણ હોય છે. આવું તો ન જ ચલાવી લેવાય, આદર્શ એટલે આદર્શ, સિદ્ધાંતમાં એક વાર જરા સરખી બાંધછોડ કરી તો પતનનો માર્ગ નિશ્ર્ચિત છે એવું એવું, ક્યાંકથી સાંભળીને ગોખી કાઢેલું, તેઓ બોલતા હોય છે. હવે તમે જ કહો કે મથરાવટી થોડીઘણી મેલી હોય તો સારું કહેવાય કે ખરાબ.
સાયલન્સ પ્લીઝ!
હરીફરીને છેવટે તો તમારે એવા જ બનવું જોઈએ જેવા તમે બનવા માગો છો.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













ખૂબ સરસ