(લેફ્ટ, રાઈટ અને સેન્ટર: ઑપઇન્ડિયા ગુજરાતી. રવિવાર, 1માર્ચ, 2026)
તમારાં દાદા-દાદી અને નાના-નાનીની જન્મતારીખો યાદ છે? અને એમાંથી કોઈ અત્યારે આ જગતમાં ન હોય તો એમના સ્વર્ગવાસ થયાની તારીખ યાદ છે? યાદ ન હોય તો માતા-પિતાને પૂછીને જાણી લેવી. આપણા પૂર્વજોએ આપણને આપેલા સંસ્કાર વારસાને યાદ રાખવાની આ એક રીત છે.
દેશના વારસાને આપણે યાદ રાખીએ છીએ. 15 ઑગસ્ટ, 26 જાન્યુઆરી, બીજી ઑક્ટોબર, 31 ઑક્ટોબર અને બીજી અનેક.
ભારતના સમકાલીન ઇતિહાસની પાંચ સૌથી અગત્યની તારીખો પણ આપણે ઉજવવી જોઈએ– દર વર્ષે. છઠ્ઠી ડિસેમ્બરનો બાબરી ધ્વંસ દિવસ ભારતમાં દર વર્ષે ધામધૂમથી ઉજવાવો જોઈએ. ભારતના આક્રાંતાઓએ કરેલા પાપને આપણે 500 વર્ષ સુધી ભૂલ્યા નહોતા અને 1992માં અવસર મળ્યો કે તરત જ એ જર્જરિત ઢાંચાના ત્રણેય ગુંબજ ગણતરીના દિવસોમાં આપણે જમીનદોસ્ત કરી નાખ્યા. આપણા માટે આ વિજયનો દિવસ છે, ગૌરવશાળી દિવસ છે. આવનારી દરેક પેઢીને આ દિવસના મહત્ત્વની જાણ હોવી જોઈએ.
છઠ્ઠી ડિસેમ્બરને કારણે જ 2022ની 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનો દિવસ આપણે જોઈ શક્યા. આ પવિત્ર દિવસની ઉજવણી દેશભરમાં રંગેચંગે થવી જોઈએ. રામ મંદિરના નિર્માણની આડે કોણ આવ્યું તે તમામ નામોની આપણને ખબર હોવી જોઈએ. અદાલતમાં દાયકાઓ સુધી કેવી કેવી વાહિયાત દલીલો થઈ, કોણે કરી– તેનો ઇતિહાસ આપણને અને આપણી નવી પેઢીઓને મોઢે હોવો જોઈએ.
છઠ્ઠી ડિસેમ્બર અને બાવીસમી જાન્યુઆરી ઉપરાંત આર્ટિકલ 370ને રદ કરવાની ઘોષણા જે તારીખે થઈ તે 2019ની પાંચમી ઑગસ્ટનો દિવસ પણ દર વર્ષે ઉજવવો જોઈએ. અગાઉના શાસકોની ટૂંકી દૃષ્ટિ તથા ઉતાવળિયા પગલાને કારણે ભારતના બંધારણમાં 370મી કલમનું લાકડું ઘૂસાડવામાં આવ્યું હતું. આને કારણે જમ્મુ-કાશ્મીર રાજ્યના શાસકોને પોતાની મનમાની કરવાની છૂટ મળી જતી હતી. કેન્દ્ર સરકાર પાસેથી કરોડો રૂપિયાની આર્થિક સવલતો લઈને એની સામે જ શિંગડાં ભેરવવાનો સત્તાવાર પરવાનો મળી જતો.
ભાજપે પોતાની સ્થાપનાથી જ આ કલમ બંધારણમાંથી દૂર કરવામાં આવશે એવું વચન ચૂંટણી ઢંઢેરાઓમાં આપ્યું હતું. ભાજપના પૂર્વાવતાર જનસંઘે આ વિચાર પ્રથમવાર વ્યક્ત કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ તો ઑન રેકોર્ડ કહી નાખ્યું હતું કે મોદી દસ વાર પીએમ બનશે તોપણ એ આર્ટિકલ 370ને હાથ લગાડવાની જુર્રત નહીં કરી શકે. દેશમાં મોટાભાગના લોકોને પણ લાગતું હતું કે મોદી આ કામ નહીં કરી શકે અને જો ભૂલેચૂકેય એવી ‘જુર્રત’ કરી તો કાશ્મીર સળગી ઉઠશે અને કદાચ ભારતના હાથમાંથી જતું પણ રહે.
આ વિષયમાં જેમને રસ હોય એમણે ‘ધુરંધર’વાળા નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ધરે નિર્માણ કરેલી ફિલ્મ ‘આર્ટિકલ 370’ જોઈ લેવી. ઓટીટી પર ઉપલબ્ધ છે. અને જેમને આ વિષયમાં વધારે રસ હોય એમણે નવી દિલ્લીની રાષ્ટ્રપ્રેમી પ્રકાશનસંસ્થા બ્લુક્રાફ્ટ ડિજિટલ દ્વારા પ્રગટ થયેલું ‘370: અનડુઇંગ ધ અનજસ્ટ: અ ન્યૂ ફ્યુચર ફોર જે એન્ડ કે’ વસાવી લેવું. નવસો રૂપિયાના આ દળદાર (પાંચસોથી વધુ પાનાંવાળા) પુસ્તકમાં આ વિષયને લગતી માહિતીનો ખજાનો છે. પુસ્તકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટને આપેલા આશીર્વાદનો સંદેશો એમની સહી સાથે છાપેલો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ પુસ્તકને બિરદાવેલું છે જે તમને પાછલા પૂંઠા પર વાંચવા મળશે.
આર્ટિકલ 370 હટાવ્યા પછી ન તો કોઈ હિંસક બનાવ બન્યો, ન કોઈ ‘વિદેશી તાકાતે’ ભારત પર હુમલો કર્યો. બધું હિસાબ પ્રમાણે શાંતિથી પતિ ગયું. ભારતની આ ભવ્ય જીત હતી. ચાણક્યવૃત્તિમાં સાહસવૃત્તિ તથા વ્યવસ્થાપનશક્તિનો સંગમ થાય ત્યારે કેવું શુભ પરિણામ આવે તેનું સુંદર ઉદાહરણ દેશને અને દુનિયાને પાંચમી ઑગસ્ટે જોવા મળેલું. આ દિવસની દર વર્ષે અચૂક ઉજવણી થવી જોઈએ. ધામધૂમથી અને ચારેકોર થવી જોઈએ જેથી ભારતની પ્રજાની અત્યારની પેઢીને તેમજ આવનારી તમામ જનરેશનોને ખ્યાલ આવે કે ભારત ક્યાં હતું અને 2014 પછી કઈ ઊંચાઈએ પહોંચી ગયું.
ચોથો દિવસ જે દર વર્ષે રંગેચંગે ઉજવાવો જોઈએ તે ‘ઑપરેશન સિંદૂર’નોદિવસ. 2025ની 7મી મે. આમ તો ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મતિથિ છે. એ રીતે પણ આ દિવસનું મહત્ત્વ છે જ. ઑપરેશન સિંદૂર પણ 7મી મેની સવાર પડી તે પહેલાં પાર પાડવામાં આવ્યું. બાવીસમી એપ્રિલ 2025ના દિવસે પહેલગામમાં 26 નિર્દોષ હિન્દુઓની, તેમનો ધર્મ પૂછીને પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓ દ્વારા ધોળે દહાડે હત્યા કરવામાં આવી. ભારતે ઑપરેશન સિંદૂરથી સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનનાં આતંકવાદી ઠેકાણાંઓને તહસનહસ કરી નાખ્યાં અને સાથે પાકિસ્તાનના કેટલાંક લશ્કરી હવાઈ મથકો તેમજ પાકિસ્તાનના અણુ બૉમ્બના ‘ગોડાઉન’ નજીક જઈને પણ જતાવી દીધું કે ઝાઝી ગરબડ કરી છે તો જોવા જેવી થશે માટે સાનમાં સમજી જાઓ.
અગાઉ પણ બે વાર ભારતે પાકિસ્તાનને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ સર્જિકલ સ્ટ્રાઈક કરીને આપ્યો હતો. આ દિવસોની ઉજવણી પણ થવી જોઈએ. ઑપરેશન સિંદૂરના દિવસની તો ખાસ થવી જોઈએ.
પાંચમો દિવસ ઉજવણીનો નહીં પણ શોકનો દિવસ છે. આ શોક પણ મનાવવો જોઈએ. જેમ શ્રાદ્ધના દિવસોમાં આપણે પૂર્વજોની મૃત્યુતિથી યાદ રાખીને કુટુંબના સભ્યો સાથે એ દિવસ મનાવીએ છીએ એમ.

2002ની 27મી ફેબ્રુઆરીના ગોધરા હિન્દુ હત્યાકાંડમાં સ્વર્ગે સિધાવેલા 59 કારસેવકોની પવિત્ર સ્મૃતિમાં આ દિવસ ક્યારે ભૂલાવો ન જોઈએ. હિટલરે 60 લાખ યહૂદીઓની કતલ કરી તે હૉલોકૉસ્ટની સ્મૃતિ તાજી રહે તે માટે ઇઝરાયેલ તરફથી ઑફિશિયલી અનેક પ્રયત્નો થયા જેને કારણે એ કરુણ ઘટનાનાં 75 કરતાં વધુ વર્ષ પછી પણ ઇઝરાયેલમાં રહેતા અને દુનિયાભરમાં રહેતા યહૂદીઓની આજની પેઢીના યુવાનોને પણ યાદ છે કે એક જમાનામાં યહૂદીઓનું અસ્તિત્વ ભૂંસી નાખવા એમના બાપદાદાઓએ કેવી યાતનાઓ સહન કરી હતી.
રામ મંદિરના બાંધકામ માટે સેવા આપનારા હિન્દુઓને જીવતા સળગાવી દેવા પાછળનું કારણ સ્પષ્ટ હતું– ખબરદાર, જો બાબરી ઢાંચાની જગ્યાએ રામ મંદિર બાંધ્યું છે તો. હિન્દુઓને ડરાવવા, નાહિંમત કરવા અને હિન્દુ રાજકીય નેતાઓના હોંસલાને દબડાવવા માટે થયેલું આ કૃત્ય ભારતે યાદ રાખવું જોઈએ. પણ આપણે આ દિવસ ભૂલી જઈએ એ માટે સેક્યુલરો હજુય તનતોડ પ્રયત્નો કરી રહ્યા છે. ગયા વર્ષે 27 ફેબ્રુઆરીના બીજા દિવસે, 28મીએ ગુજરાતના કેટલાક નામર્દ સેક્યુલરોની નેતાગીરી હેઠળ અમુક લોકોએ ‘અમન’, ‘એખલાસ’ વગેરેનાં બહાનાં હેઠળ 27મીના ગોધરા હિન્દુ હત્યાકાંડને માત્ર એક ‘બનાવ’ (ઇન્સિડન્ટ) ગણાવીને, તે પછીના દિવસે શરૂ થયેલાં રમખાણોને હાઈલાઈટ કરવા માટે હાથમાં પાટિયાં લઈને સરઘસ કાઢ્યું હતું. એ ફોટાઓમાં આપણા ગુજરાતી ઉકા-પકા-બકાઓ પણ તમને નજરે પડશે. હજુ સુધી એમની બદમાશીઓ ચાલી રહી છે.
આ સેક્યુલર પ્રજા આગામી વર્ષોમાં આવા કંઇક ખેલ કરશે– 27 ફેબ્રુઆરી યાદદાસ્તમાંથી ભૂંસી નાખવા, છઠ્ઠી ડિસેમ્બર, પાંચમી ઑગસ્ટ, સાતમી મે અને બાવીસમી જાન્યુઆરીની પવિત્ર યાદગીરીને ભૂંસી નાખવા. એ લોકોનું ચાલે તો આ પાંચેય દિવસોને કૅલેન્ડરમાંથી જ કાઢી નાખે.
ફરજ આપણી છે આ દિવસોને યાદ રાખવાની, આ દિવસોનું મહત્ત્વ દેશના તમામ નાગરિકોને સમજાવવાની અને ભારતની નવી પેઢીઓ આ દિવસોને ક્યારેય ન ભૂલે તેવી વ્યવસ્થા કરવાની. આ બાબતમાં સરકાર પર આધાર રાખવાને બદલે પ્રજાએ વ્યક્તિગત સ્તરે તેમજ પોતે જે કોઈ સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા હોય તેનો સાથ લઈને વિશાળ પાયે દેશના ખૂણેખૂણે કાર્યક્રમો કરીને આ પાંચેય દિવસોનું ભારત માટે કેટલું મોટું મહત્ત્વ છે તે વાત ગાઈબજાવીને સૌના સુધી પહોંચાડવી જોઈએ. જો આપણે આ કામ નહીં કરીએ તો પેલા લોકો તો આ પાંચેય દિવસોએ થયેલાં કામને ભૂંસીને પોતાનો નરેટિવ સ્થાપવા માટે હથિયારો સજાવીને તૈયાર જ બેઠેલા છે. ભારતના દૂરદૂરના ઇતિહાસ સાથે ડાબેરીઓ-સેક્યુલરો કેવી રમત રમી ચૂક્યા છે તેની સૌને ખબર છે. ભલું થજો આર. સી મજુમદાર અને જદુનાથ સરકાર જેવા રાષ્ટ્રપ્રેમી ઇતિહાસકારોનું જેમણે ઇરફાન હબીબ અને રોમિલા થાપર અને એમની રાષ્ટ્રદ્રોહી મંડળી કરેલી ગોબાચારીને ઉઘાડી પાડીને ઇતિહાસની સાચી માહિતી આપણા સુધી પહોંચાડી.
આ પાંચ તારીખો વિશે ગેરમાહિતી ફેલાવવાનું ઑલરેડી શરૂ થઈ ગયું છે. એટલે જ તમને સાવધાન કરવા આ લેખ લખવાની ફરજ પડી છે. ભારતના સમકાલીન ઇતિહાસ સાથે ચેડાં કરવાના પ્રયત્નોને કામિયાબી મળે તે પહેલાં જાગી જાઓ.
લાસ્ટ બૉલ
ઈરાન અને ઇઝરાયેલનું સંયુક્ત નિવેદન: ભારતીય મીડિયાને શાંતિ રાખવાની અમે અપીલ કરીએ છીએ!
– વૉટ્સએપ પર ફરતી થયેલી મજાક.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













