(લેફ્ટ, રાઈટ અને સેન્ટર: ‘ઑપઇન્ડિયા.કૉમ. 25 જાન્યુઆરી, 2026)
26મી જાન્યુઆરી. ભારતનો પ્રજાસત્તાક દિવસ. નવી દિલ્લીના કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસ નિમિત્તે યોજાનારી ભવ્ય પરેડ જોતાં જોતાં ભારતની સુરક્ષા વ્યવસ્થા માટે ગૌરવ થાય એવી અનેક ઝાંખી તમને જોવા મળશે.
1950ની 26મી જાન્યુઆરીએ ભારત દેશને પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું. 1947ની 15મી ઑગસ્ટે ભારત દેશ આઝાદ થયો એ પછીનાં વર્ષોમાં દુનિયાના બીજા અનેક દેશો સ્વતંત્ર થયા. એમાંના કેટલાક દેશોમાં લોકશાહીને બદલે સરમુખત્યારશાહી અને કેટલાકમાં રાજાશાહી સરકારો આવી. ભારતમાં આ દેશના પાયાના પથ્થર સમા અનેક નેતાઓએ એવું બંધારણ ઘડ્યું જેના પ્રતાપે આપણે પ્રજાસત્તાક બન્યા– દેશની સત્તાનો દોર પ્રજાના હાથમાં આવ્યો, ન કોઈ સરમુખત્યારના કે ન કોઈ રાજાના. ભારતમાં લોકશાહીની સ્થાપનાનો ગૌરવવંતો દિવસ એટલે 26મી જાન્યુઆરી.
પ્રજાસત્તાક દિનની પરેડ તમે વર્ષોથી જોતા આવ્યા છો. પણ આ વર્ષે જુઓ ત્યારે જરાક જુદા દૃષ્ટિકોણથી નિહાળજો. આપણા દેશની સુરક્ષા કરતા લાખો સૈનિકો કઈ રીતે રોજ રાત્રે આપણને નિરાંતની ઊંઘ લેવા દે છે એ સમજવા માટે કેવળ હિન્દી ફિલ્મો જોવી પૂરતી નથી એ સમજવા માટે આજની આ કૉલમનો વિષય પસંદ કર્યો છે. લેખના અંતે જે લિન્ક આપી છે તેનું શું મહત્ત્વ છે તે આગળ જતાં સમજાવું છું પણ તે પહેલાં આજના ટૉપિકની પ્રસ્તાવના બાંધવી છે.
છેલ્લાં 15-16 વર્ષોથી હું જ્યાં રહું છું તે મુંબઈના પવઈ ઇલાકામાં એક ડિફેન્સ કૉલોની છે– જલ વાયુ વિહાર. અહીં ભારતીય નૌસેનાની એર વિંગના ઑફિસરો રહે છે. ત્રણ સેક્ટર છે– ‘એ’, ‘બી’ અને ‘સી.’
ડેવિડ હેડલી (ઉર્ફ દાઉદ ગિલાની) નામના લશ્કર-એ-તોઈબા માટે કામ કરતા મૂળ પાકિસ્તાની આતંકવાદીએ તહવ્વુર રાણા નામના પાકિસ્તાની-કેનેડિયન સાથે મળીને મુંબઈમાં 26/11ના રોજ કઈ કઈ જગ્યાએ હુમલાઓ કરવા તેનાં સ્થળોમાં સી.એસ.ટી, લિયોપોલ્ડ રેસ્ટોરાં, નરિમાન હાઉસ (ઇઝરાયેલીઓ માટેનું નિવાસસ્થાન) તથા હોટેલ તાજ મહલ અને હોટેલ ટ્રાયડન્ટ ઓબેરૉયની સાથે પવઈની જલવાયુ વિહાર કૉલોનીને પણ પોતાની યાદીમાં સામેલ કરી હતી એવું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. અન્ય ટાર્ગેટથી પવઈ ઘણું દૂર હોવાથી જલવાયુ વિહાર સુધી આતંકવાદીઓ પહોંચી શક્યા નહોતા. પણ 26/11 હુમલા પછી દિવસો સુધી સંરક્ષણ દળોનાં બખ્તરિયાં વાહનો જલવાયુ વિહારની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યાં હતાં.
બીજી એક આડવાત. નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સના કમાન્ડો માટે દિલ્લી નજીક માનેસરમાં ટ્રેનિંગ સેન્ટર હતું. 26/11 પછી આવું જ એક વિશાળ સંકુલ પવઈમાં બન્યું જેને 26/11ના હુમલા દરમ્યાન તાજ હોટેલમાં વીરગતિ પામેલા કમાન્ડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનનું નામ આપવામાં આવ્યું છે.
ડેવિડ હેડલી અત્યારે એક જુદા કેસમાં અમેરિકન જેલમાં સજા કાપી રહ્યો છે એટલે ત્યાંની સરકારે તેને ભારત એક્સ્ટ્રાડિટ નથી કર્યો. તહવ્વુર રાણાને અમેરિકન સરકારે ગયા વર્ષે એપ્રિલમાં ભારત મોકલી આપ્યો જે અત્યારે એનઆઈએ (નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ની કસ્ટડીમાં છે.
અમારા ‘એ’ સેક્ટરમાં 7 વિંગ છે. મારી બાજુની જ વિંગમાં વયોવૃદ્ધ નિવૃત્ત ઑફિસર સબરવાલસા’બ રહે છે જેમના પુત્ર કૅપ્ટન સુમિત સબરવાલ ગયા વર્ષે જૂનમાં અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં અવસાન પામ્યા. વિદેશી ફન્ડિંગથી ચાલતા કેટલાક મીડિયાએ અકસ્માત માટે કોઈ પુરાવા વિના કૅપ્ટન સુમિતને જવાબદાર ઠેરવ્યા. બોઇંગ કંપનીને છાવરવા માટે આ વાત ફેલાવવામાં આવી હતી તે હવે પુરવાર થઈ ગયું છે. લેટેસ્ટ તપાસ અહેવાલ મુજબ વિમાન ખામીભર્યું હતું એ સાબિત થઈ ગયું છે. કૅપ્ટન સુમિતના સમાચાર આવ્યા પછી અમારી કૉલોની દિવસો સુધી શોકમાં ડૂબી ગયેલી. પુત્રનું અકાળે અવસાન થયા પછી પણ સબરવાલ સા’બ અમને ઇવનિંગ વૉક દરમ્યાન મળે અને અમે તેમને પગે લાગીએ ત્યારે પહેલાંની જેમ જ આશીર્વાદ આપતા હોય છે– ઘણું જીવો, સુખી થાઓ.
ખેર, ડિફેન્સ કૉલોનીમાં રહેવાના ઘણા ફાયદા છે. દેશ માટે ગૌરવ થાય એવા બનાવોમાં ભાગ લેનારા અનેક અફસરો સાથે એમનાં પરાક્રમોની વાતો થાય. કૉલોનીની બહાર રહેનારા કેટલાક લોકો (કેટલાક, બધા નહીં) ઈર્ષ્યાથી કહે પણ ખરા કે સરકાર ડિફેન્સ પાછળ ખૂબ નકામો ખર્ચ કરે છે, કેટલો વેસ્ટેજ થાય છે, સંરક્ષણ સાધનોની ખરીદીમાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે, ફૌજીઓને નિવૃત્ત થયા પછી પણ બ્લેક લેબલ સહિતની રોજિંદી જીવન જરૂરિયાતનો સામાન એમની કેન્ટીનમાંથી સબસિડાઇઝ્ડ ભાવે આપવામાં આવે છે વગેરે.
હું માનું છું કે ડિફેન્સના ક્ષેત્રે જ નહીં, કોઈ પણ ક્ષેત્ર પાછળ જે પૈસા ખર્ચાતા હોય છે તેમાં થોડોઘણો વેડફાટ થવાનો જ છે. ચાહે એ બ્યુરોક્રસી હો, પોલીસ હો, ફિલ્મ ઉદ્યોગ હો કે પુસ્તક પ્રકાશનનું ક્ષેત્ર હો.
સમજાવું.
ડિફેન્સનો દાખલો લઈએ. આ દેશ સુરક્ષિત છે તે કોને કારણે? આપણી આર્મી, નેવી અને એરફોર્સને કારણે. અને બીએસએફ કે સીઆરપીએફ જેવાં પેરામિલિટરી દળોને કારણે. આ બાબતમાં કોઈ શંકા નથી. આ તમામ દળોમાં લાખો અફસરો-જવાનો પાછળ સરકાર દર વર્ષે લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે જે અનિવાર્ય છે. તમે જેમને ચુનંદા અફસરો કે જવાનો કહો છો તે બધા આ લાખો ફૌજીઓમાંથી જ ચળાઈને આવે છે. વેડફાટ કે વેસ્ટેજ બચાવવા માટે જો તમે એવું નક્કી કરો કે અમારે આર્મીમાં (કે નેવી, એરફોર્સ કે પેરામિલિટરી ફોર્સીસ કે પોલીસ વગેરેમાં) માત્ર અને માત્ર એવા જ ફૌજી જોઈએ છે જે ટૉપ ગ્રેડના હોય તો એ શક્ય જ નથી. જેમ કોઈ પણ સ્કૂલના એક વર્ગમાં 50 વિદ્યાર્થીઓ હોય તો બધા જ કંઈ પહેલા નંબરે પાસ થનારા ન હોય, ન જ હોઈ શકે. આમ છતાં શાળામાં દરેક વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે.
અને જેમ કેટલીક શાળાઓમાં, કોલેજો-યુનિવર્સિટીઓમાં કે પછી આઈઆઈટી કે આઈઆઈએમ જેવી અનેક શિક્ષણ સંસ્થાઓમાં પસંદગીના હોંશિયાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે એમ એનડીએ (નૅશનલ ડિફેન્સ એકેડમી) કે અન્ય તાલીમ સંસ્થાઓમાં પણ કડક ધોરણો ધરાવતી લેખિત-શારીરિક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થનારા ઉત્તમોત્તમ વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળે છે.
તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે યુપીએસસી, જીપીએસસી કે પછી મેડિકલ-એન્જિનિયરિંગ કે આઈઆઈટી વગેરેમાં પ્રવેશ માટે એપ્લાય કરનારાઓમાં જે રિજેક્શન રેટ હોય છે તેના કરતાં કંઈક ગણા વધુ ઈચ્છુકો એનડીએ વગેરેની પરીક્ષા દરમ્યાન રિજેક્ટ થતા હોય છે.
આટલા કડક પરીક્ષણ પછી જેઓ ભારતીય સંરક્ષણ દળો માટે તાલીમ આપતી સંસ્થાઓમાં જોડાઈને ઉતીર્ણ થાય છે તેઓ છેવટે દેશની સુરક્ષા વ્યવસ્થા સંભાળવા માટે તૈયાર હોય છે. આર્મી, નેવી, એર ફોર્સ કે બીએસએફ વગેરેમાં જોડાયા પછી પણ તમામ અફસરો-જવાનોની રોજેરોજની તાલીમ તો ચાલુ જ હોય છે. અતિકષ્ટભરી આ તાલીમ અનિવાર્ય હોય છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપરાંત દરેક પડકારભરી ભૌગોલિક પરિસ્થિતિને અપનાવી લેવાની પણ તૈયારી હોવી જોઈએ. ક્યારેક રાજસ્થાનના રણમાં તો ક્યારેક નોર્થ-ઈસ્ટના જંગલોમાં તો ક્યારેક કાશ્મીરના બર્ફીલા પ્રદેશોમાં– જે ઠેકાણે ડેપ્યુટેશન હોય ત્યાં તરત જ ગોઠવાઈને ફરજ બજાવી શકે એ માટેની તાલીમ જરૂરી હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારનાં વેપન્સ તેમ જ રડાર જેવાં અન્ય સાધનો પર હથોટી કેળવાય એની તાલીમ વર્ષો સુધી આપવામાં આવે છે. શાંતિના સમયમાં, પીસ ટાઇમમાં આ ફૌજીઓએ નવરા બેસીને પત્તાં નથી રમવાનાં હોતાં. યુદ્ધ કે કટોકટીના સમયે જે એલર્ટનેસ જોઈએ તે તત્પરતા કેળવવાની ટ્રેનિંગ તેઓ નિવૃત્ત થાય ત્યાં સુધી મેળવતા રહે છે.
‘ઑપરેશન સિંદૂર’ જેવા જવાબી હુમલાઓ માટેની તૈયારી કંઈ રાતોરાત ન થઈ શકે. વર્ષોથી આ માટેની ટ્રેનિંગ અપાતી હોય છે. હર કોઈ ફૌજીને અપાતી હોય છે. પણ આવી કટોકટી વખતે આ ફૌજીઓમાંથી અમુક ટકાને જ પૂરેપૂરા સક્રિય થવાની અપોર્ચ્યુનિટી મળતી હોય છે. આનો અર્થ એ નથી કે બાકીના ફૌજીઓનું કંઈ કામ નથી હોતું. એ સૌને પોતપોતાની જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે.
જાડું ઉદાહરણ આપું તો કહી શકાય કે તમારે ત્યાં પાંચ મહેમાનો જમવા આવવાના હોય તો શું તમે પાંચ જ માણસોની રસોઈ બનાવશો? તમને ખબર નથી કે આ પાંચ અતિથિઓનો ખોરાક કેટલો હશે. તમે ટુ બી ઓન સેફ સાઈડ સાતેક માણસ જમે એટલી રસોઈ બનાવશો. ભૂતકાળમાં ક્યારેક એવું બન્યું હશે કે તમે કહ્યું હોય ત્રણ જણાને પણ એમની સાથે એકાદ જણ વધારે આવ્યું હોય તો શું તમે એ વધારાની વ્યક્તિને જાકારો આપશો? એમ કહીને કે તમને તો આમંત્રણ જ ક્યાં આપ્યું હતું? અમારી પાસે તમને જમાડવાની તૈયારી જ નથી. તો તમે પાંચને બદલે છ જણને ગણીને સાતથી આઠ માણસોને પ્રેમથી જમાડી શકો એટલી રસોઈ બનાવશો અને શક્ય છે કે છેલ્લી ઘડીએ પાંચને બદલે ચાર જ અતિથિ આવ્યા અને દરેકનો ખોરાક સાધારણ જ નીકળ્યો તો તમારી અડધોઅડધ રસોઈ વધી પડશે.
શું અને તમે વેડફાટ ગણશો? વેસ્ટેજ ગણશો? (મહેરબાની કરીને આ કલ્પિત દાખલા સામે કોઈએ દલીલબાજી કરવાનું દોઢ ડહાપણ દાખવવું નહીં. આ ઉદાહરણને પકડી રાખવાને બદલે વાતનો જે મર્મ છે તે પકડવો.)
ડિફેન્સનું ક્ષેત્ર કંઈ ખાવાના ખેલ તો છે નહીં. છેલ્લી ઘડીએ ક્યાં કેટલી જરૂરિયાત ઊભી થાય એ તમે ધાર્યું પણ ન હોય. એટલે વેસ્ટેજ તો થવાનો જ. સૈન્યમાં જોડાનારા બધા જ ફૌજીઓ અણીના સમયે ફિઝિકલી ફિટ ન પણ હોય. ફ્રન્ટ પર જઈને લડનારા જવાનોમાંથી ક્યારે કેટલા વીરગતિને પ્રાપ્ત કરશે એની કોઈને ખબર નથી હોતી. કયા સમયે જરૂર કરતાં વધારે દારૂગોળો વાપરવો પડશે કે ક્યારે તમારી તોપ, ટેન્ક, વિમાન, જહાજ કે વાહનનોને નુકસાન થઈ જાય અને તાબડતોબ એને રિપ્લેસ કરવાની જરૂર પડે એ પણ નક્કી નથી હોતું. એટલે અગમચેતીરૂપે બધું જ જરૂરિયાત કરતાં વધારે હોય એ અનિવાર્ય છે. જમવા આવનારા અતિથિઓની આગતાસ્વાગતામાં કયારેક ઉન્નીસ-બીસ થઈ જાય તો કંઈ આભ નથી તૂટી પડવાનું, બહુ બહુ તો બે માણસો તમારા વિશે વાકું બોલશે, એવું પણ કદાચ નહીં થાય. દરેક જણ સમજતું જ હોય છે.
પણ દેશની સુરક્ષાની બાબતમાં ઉન્નીસ-બીસ થયું તો દુશ્મનો હાવી થઈ જશે. દેશને રોળી નાખશે. આપણું જીવવાનું હરામ કરી નાખશે.
સંરક્ષણના ક્ષેત્ર જેવું જ દરેક ક્ષેત્રમાં છે. તમે એવી અપેક્ષા ન રાખી શકો કે માત્ર ઉત્તમ ફિલ્મો જ રિલીઝ થવી જોઈએ. ઉત્તમ ફિલ્મો હોઈ હોઈને વર્ષમાં કેટલી હોય? બે, ચાર, દસ? એટલી ફિલ્મોથી દેશનાં થિયેટરો ચાલે? આટલી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારાઓની આજીવિકા ચાલે એટલી આવક એ સૌને થઈ જાય? ગુજરાતી પુસ્તકના પ્રકાશકો જો એવું નક્કી કરે કે અમે તો માત્ર ટૉપ ટેન લેખકો-નવલકથાકારોનાં જ પુસ્તકો પ્રગટ કરીશું તો પબ્લિશિંગ ઈન્ડસ્ટ્રી બંધ પડી જાય. એક તો એક જ પ્રકાશકને દસે દસ લેખકો મળે નહીં અને મળી જાય તો પણ માત્ર દસ લેખકોનાં પુસ્તકો પ્રગટ કરીને એમના ઘરના ખર્ચાઓ કે એમની ઑફિસના ઓવરહેડ્સ નહીં નીકળે– નફો તો પછીની વાત. પ્રકાશકે શટર બંધ કરી દેવાં પડે. ગુજરાતી વાચકો સુધી સારાં પુસ્તકો પહોંચાડવાં હોય તો પ્રકાશકે ‘બી’ ગ્રેડથી માંડીને ‘ઝેડ’ ગ્રેડ સુધીના તમામ પ્રકારના લેખકો-કવિઓ-નવલકથાકારોનાં પુસ્તકો પણ વાચકોના માથે મારવાં જ પડે તો જ બેસ્ટ લેખકોનાં પુસ્તકો બજારમાં ઉપલબ્ધ થઈ શકે. આવું જ ઓટીટીની વેબસિરીઝથી માંડીને સંગીતના ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે- દરેક ક્ષેત્રે રહેવાનું.
વેસ્ટેજ કે મીડિયોક્રિટી સામે સૂગ હશે તો ઉત્તમોત્તમ કાર્ય નહીં થાય. ડિફેન્સના ક્ષેત્રે આ વાત સૌથી વધુ લાગુ પડે છે કારણ કે દેશના સીમાડા જો સુરક્ષિત નહીં હોય તો પ્રજા તરીકે તમે પણ સુરક્ષિત નહીં હો. કલ્પના કરો કે તમે 1980-90ના દાયકાના કાશ્મીરમાં રહો છો. ફફડતા જીવે તમે તમારું કેટલું કામ કરી શકશો? એવી જ દહેશત અત્યારે તમારા ગામ કે તમારા શહેરમાં હોય તો શું તમે નિરાંતે તમારા નોકરી-ધંધા પર ધ્યાન આપીને તમારા તહેવારો, કુટુંબના લગ્નપ્રસંગો ઉજવી શકવાના છો? વીકએન્ડમાં કોઈ ફિકર વિના પરિવાર સાથે બહાર ફરવા-જમવા-નાટક-પિક્ચર જોવા કે મૉલમાં આંટો મારવા જઈ શકવાના છો?
કાશ્મીરમાં એક જમાનામાં આતંકવાદીઓના ડરથી કેવી પરિસ્થિતિ હતી? આપણા દેશના બહાદુર ફૌજીઓએ આ આતંકવાદીઓને ઠાર મારવા કેવાં કેવાં ઑપરેશન કર્યાં, જાનના જોખમે કર્યાં, મુંબઈમાં 2008ની 26મી નવેમ્બરે થયેલા આતંકવાદી હુમલા વખતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એન. એસ.જી)ના કમાન્ડોએ કેવી બહાદુરી દેખાડી, મોતનો સામી છાતીએ મુકાબલો કર્યો– આ બધી વાતો તમે સમાચારોમાં છુટક-ત્રુટક જાણી હશે. ‘ઑપરેશન સિંદૂર’ વિશે પણ ઘણું બધું ખબર હશે તમને.
પણ આજે તમને હિન્દી ભાષામાં ચાલતી એક યુટ્યુબ ચેનલની ઓળખાણ કરાવવી છે જેનું નામ છે ‘મૉન્ક્સ એન્ડ વૉરિયર્સ’ જેના લોગોમાં પરશુરામ છે અને જે ઇન્ડિયન આર્મીના બે ભૂતપૂર્વ અફસરો દ્વારા ચાલે છે– કર્નલ કૌશલ કશ્યપ જેઓ કમાન્ડો હતા અને લેફ. કર્નલ કૌશલેન્દ્ર સિંહ જેઓ બહાદુરી માટે સેના મેડલ પ્રાપ્ત કરી ચૂક્યા છે. અહીં અંતે જે લિન્ક છે તે ‘ઑપરેશન સિંદૂર’ વખતે ફિરોઝપુર (પંજાબ) સરહદ પર ભારતીય લશ્કરની કેવી તૈયારીઓ હતી તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે જેનું શૂટિંગ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પાસેથી પરવાનગી મેળવીને કરવામાં આવ્યું છે. આ વિડીયો મેં જોયો એ પહેલાં આ ચેનલ પર ‘ઑપરેશન સિંદૂર’માં પ્રત્યક્ષ ભાગ લઈ ચૂકેલા અફસરો-જવાનોના પોડકાસ્ટની પાંચ એપિસોડની સિરીઝ જોઈ જેમાં એક વિડીયોમાં ગુજરાતી ફૌજી લાન્સ હવાલદાર દિનેશ પાલાભાઈ લગારિયાનો ઇન્ટરવ્યુ પણ છે જેમને ઑપરેશન સિંદૂર દરમ્યાન બહાદુરીભર્યા કર્તવ્ય બદલ સેના મેડલ પ્રાપ્ત થયો છે.
આ ઉપરાંત કાશ્મીરમાં આતંકવાદીઓ સામે ખતરનાક ઑપરેશનો કરનારા બીએસએફના તેમજ આર્મીના અફસરોના પોડકાસ્ટ પણ આ ચેનલ પર જોયા. 26/11 વખતે બચાવકાર્ય કરનારા કમાન્ડોની મુલાકાત પણ જોઈ. આ ઉપરાંત બીજી ઘણી ઘણી વિડીયો છે આ ચેનલ પર.
આ ચેનલ ઉપરાંત પણ અધિકૃત વ્યક્તિઓ દ્વારા લેવામાં આવેલા અધિકૃત ફૌજીઓના વિશ્વસનીય વિડીયો બતાવતી બીજી ચેનલો પણ યુટ્યુબ પર હશે– તમે શોધી લેજો. આવી અમુક ચેનલોમાં બડી બડી બાતાં અને ઘોંઘાટ વધુ હોય છે માટે નીરક્ષીર વિવેકથી કામ લેવું.
છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી કરવા તમે આ લિન્ક પર જઈને આ વિડીયો જુઓ, બીજા વિડીયો પણ સમય કાઢીને ખાસ જુઓ– બની શકે તો મોબાઈલને બદલે ટીવી પર જુઓ એટલું જ નહીં તમારા ફેમિલીની યંગ જનરેશનને આ વિડીયો ફોરવર્ડ કરીને આ લેખમાં લખેલી વાતો પણ શેર કરો. ઘરમાં એકલા જોવાને બદલે તમારાં વાઇફ કે હસબન્ડ ઉપરાંત વડીલો, મા-બાપ, બાળકો સૌને ટીવી સામે બેસાડી દો. તમારા પરિવારનો દિવસ સુધરી જશે.
આવા વિડીયો નાનાં છોકરાંઓને કે ટીન એજરોને કે યુવાનોને બતાવવા બહુ જરૂરી છે. ભલે ને એ બધા આવું જોઈને આર્મીમાં કે નેવી કે એર ફોર્સમાં ન જોડાય. જોડાય તો તો સારું જ છે પણ ન જોડાય તોય એમનામાં સમજ ખીલશે કે આપણો દેશ સુરક્ષાની બાબતમાં ક્યાં હતો અને હવે ક્યાં છે. અગાઉ કેવી કેવી આતંકવાદી દહેશતોથી ત્રસ્ત હતો અને હવે કેવાં કેવાં પગલાંથી અગાઉની સરખામણીએ દેશમાં ઘણી નિરાંત છે.
જેમ સ્વામી રામદેવના વિડીયો જોઈને બધા લોકો કંઈ યોગ-પ્રાણાયામ કરતા નથી થઈ જતા કે સંન્યાસ પણ નથી લઈ લેતા, પરંતુ ડ્રગ્સ-પોર્ન-જંકફૂડથી થોડા ઘણા તો દૂર થવાના જ છે. એ જ રીતે ‘મૉન્ક એન્ડ વૉરિયર્સ’ કે એ પ્રકારની યુટ્યુબ ચેનલોના વિડીયો જોઈને ગુજરાતી બચ્ચાઓ ફૌજમાં ભલે ન જોડાય, પણ સેક્યુલરિઝમ, કાયરતા, અમન કી આશા, દેશ માટેની નેગેટિવ લાગણી કે એવા બધા ટૉક્સિક વાતાવરણથી દૂર થવામાં એમને ચોક્કસ મદદરૂપ થશે.
પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભેચ્છા.
ભારત માતાની જય.
આ રહી લિન્ક:
https://youtu.be/QiKJwBubqao?si=vzpGLh2TTtmpcOGb
લાસ્ટ બૉલ
‘ઑપરેશન સિંદૂર’થી આતંકવાદનો સામનો કરવાનાં ત્રણ સૂત્ર નક્કી થઈ ગયા છે: એક, ભારત પર આતંકવાદી હુમલો થશે તો એનો જડબાતોડ જવાબ મળશે. સમય અમારી સેના નક્કી કરશે, કઈ રીતે જવાબ મળશે એ પણ અમારી સેના નક્કી કરશે અને તમામ શરતો અમારી હશે. બે, એટમ બૉમ્બની ધમકીથી ભારત ડરતું નથી. અને ત્રણ, આતંકવાદી સંગઠનોના આકાઓ અને આતંકવાદીઓને આશ્રય આપનારી સરકાર વચ્ચે અમે કોઈ તફાવત જોતા નથી, બંનેને એક જ માનીએ છીએ. પાકિસ્તાનનો આ ખેલ હવે નહીં ચાલે.
–વડા પ્રધાન નરેન્દ્ર મોદી (12 મે, 2025)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












