( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 17 ડિસેમ્બર 2025 )
કળાકારના જીવનમાં સ્ટ્રગલ પૈસા કમાવવાની નથી હોતી. પૈસો તો સેકન્ડરી હોય છે. ખરી સ્ટ્રગલ પોતાની પૅશનને વળગી રહેવાની હોય છે. તમારી આસપાસની દુનિયા તમારી એ પૅશનથી તમને દૂર લઈ જવા માગતી હોય છે. તમને અવ્યવહારુ કહીને, આડી લાઈનના કહીને, ‘સીધા માર્ગે’ લઈ જવા માગતી હોય છે જેથી તમારું ‘ભલું’ થાય, તમારી જિંદગી ‘સિક્યોર્ડ’ બને, સેટલ્ડ બને.
કાશીનાથ ઘાણેકર ડેન્ટિસ્ટ હતા. પોતાની પ્રૅક્ટિસ હતી. પત્ની ઈરાવતી ગાયનેક હતાં. એમની પણ પોતાની પ્રૅક્ટિસ હતી. આમ છતાં કાશીનાથ નાટકના ક્ષેત્રે સ્ટ્રગલ કરતા. પ્રોમ્પટરનું કામ કરવા પહોંચી જતા. કાશીનાથના પિતા તો દીકરો ડેન્ટિસ્ટ બન્યો એનાથી પણ નારાજ હતા. એમ.બી.બી.એસ. થઈને ‘રેગ્યુલર’ ડૉક્ટર ન બની શક્યો એનું એમને દુ:ખ હતું. દીકરાને સ્ટેજ પર જોઈને તો એ ક્યારેય ખુશ નહોતા. વસંત કાનેટકર લિખિત ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’ નાટકમાં કાશીનાથ ઘાણેકર સંભાજીની ભૂમિકા ભજવે. એક શોમાં પિતા પણ દેશમાંથી આવેલા. શો પૂરો થયા પછી નાટકમાં શિવાજીની ભૂમિકા ભજવનાર સિનિયર કળાકાર કાશીનાથને કહે કે અત્યારે મેં તારા પિતાનો પહેરવેશ પહેર્યો છે એટલે હું મર્યાદામાં રહીશ, બાકી આજનું તારું પરફોર્મન્સ જોઈને મને તને પગે લાગવાનું મન થાય છે.

આવી ઉચ્ચ કક્ષાની પ્રશંસા મળ્યા પછી કાશીનાથ પોતાના પિતાને મળે છે પણ પિતા સાવ કોરાધાકોર છે. ઘણી વખત જેમની પાસેથી કદર મેળવવાની ઈચ્છા હોય એમના તરફથી જો ઉત્સાહવર્ધક વર્તન ન મળે તો દિલ તૂટી જાય. પુત્ર તરીકે કાશીનાથનું હૃદય તૂટી ગયું હતું.
આ નાટકના સો પ્રયોગ થયા. નાટક સડસડાટ દોડતું હતું. હજાર પ્રયોગ પાક્કા હતા. સો પ્રયોગ પછી એક પ્રાઈવેટ નિમંત્રણ આવ્યું. કોઈ શ્રીમંત શેઠિયાની હવેલીમાં દસબાર લોકો વચ્ચે ભજવવાનું હતું. પ્રોડ્યુસરે ઍડવાન્સ પૈસા લઈ લીધા હતા. કાશીનાથ અડી ગયા. નાટકો જાહેરમાં કરવાનાં હોય, સેંકડો-હજારો પ્રેક્ષકો વચ્ચે. કોઈ પૈસાવાળાનો અહમ્ પોષવા એમના ઘરે જઈને મુજરો થાય, નાટક ના થાય. કાશીનાથે કહ્યું કે હું આ શો નહીં કરું. પ્રોડ્યુસર વિનંતી કરે છે, ધમકાવે છે. લેખક કાનેટકર વચ્ચે પડે છે. કાશીનાથ ટસના મસ થતા નથી. પ્રોડયુસર ધમકી આપે છે: આ ફિલ્ડમાંથી તને આઉટ કરી દઈશ. નાટ્યલેખક પોતાનો નિર્ણય જણાવી દે છે: ‘હવે પછી જિંદગીમાં હું ક્યારેય મારા લખેલા નાટકમાં કાશીનાથને કામ કરવા નહીં દઉં.’
કાશીનાથના જીવનમાં આવા ચડાવઉતરાવ સતત આવ્યા કરે છે. કાશીનાથને મિત્રના રૂપમાં મસીહા મળે છે. પ્રભાકર પંત પણશીકર. પંત તરીકે મિત્રો એમને ઓળખે. ‘તો મી નવ્હેચ’ એમનું લૅન્ડમાર્ક નાટક. ઉપેન્દ્ર ત્રિવેદીએ આ સુપર હિટ નાટકને ‘અભિનય સમ્રાટ’ના નામે સફળતાપૂર્વક ભજવ્યું. હિન્દી ફિલ્મ પણ બની જેમાં નવીન નિશ્ચલે મુખ્ય ભૂમિકા ભજવી —‘વો મૈં નહીં’.
‘નાટ્યસંપદા’ પણશીકરની સંસ્થા. ‘થેન્ક્યુ, મિસ્ટર ગ્લાડ’ એમનું બીજું ખૂબ જાણીતું નાટક. આવા તો કંઈ કેટલાય સુપરહિટ નાટકો. આ ઉપરાંત એમણે પ્રોડ્યુસર તરીકે ‘કટ્યાર કાળજાત ઘુસલી’, ‘પુત્રકામેષ્ઠી’, ‘વિચ્છા માઝી પૂરી કર’, ‘વાર્યા વરચી વરાત’, ‘લેકુરે ઉદ્ંડ ઝલી’ તથા ‘લગ્નાચી બેડી’ જેવાં સફ્ળ અને ક્લાસિક નાટકો કર્યા.
આવા પ્રભાકર પણશીકર પોતાના પ્રોડક્શનમાં વસંત કાનેટકરનું ‘અશ્રું ચી ઝાલી ફૂલે’ કરવા જઈ રહ્યા છે. પ્રિન્સિપાલનું પાત્ર પોતે ભજવવાના છે. બદમાશ વિદ્યાર્થી લાલ્યાની ભૂમિકા કાશીનાથ પાસે કરાવવા માગે છે. લેખક કાનેટકર અને કાશીનાથ વચ્ચે ફરી ઝપાઝપી. હું તારી સાથે કામ નહીં કરું – હું તમારી સાથે કામ નહીં કરું. છેવટે સહમતિ સધાય છે. કચવાતે મને કાશીનાથ સેકન્ડ લીડનો રોલ કરવા તૈયાર થાય છે. પણ છેવટ સુધી આ પાત્રનો સૂર ઠેકાણે નથી એવું લાગ્યા કરે છે, લેખકના મનમાં પણ અવઢવ છે. બેઉ સાથે મળીને ઉકેલ કાઢે છે. ઑડિયન્સ લાલ્યાનું પાત્ર ભજવતા કાશીનાથ ઘાણેકર પર વારી જાય છે. લાલ્યાની તોફાની-બેફિકર પર્સનાલિટીને શોભે એવા સંવાદો કાશીનાથ બોલે છે ત્યારે પ્રેક્ષકો એને ઝીલી લે છે: ‘એકદમ કડ્ડક!’ અને ‘ઉસ મેં ક્યા હૈ?’ આ નાટકનું સ્થાન મરાઠી નાટ્યજગતના સફળતમ નાટકોમાં અગ્રીમ હરોળમાં છે.
‘અશ્રું ચી ઝાલી ફૂલે’ની સફળતાથી પ્રેરાઈની 1969માં હિન્દી ફિલ્મ બની ‘આંસું જો બન ગયે ફૂલ’. પણશીકરનો રોલ અશોક કુમારનો અને લાલ્યો દેબ મુખરજી. આ ફિલ્મની વાર્તા માટે વસંત કાનેટકરને એ વર્ષનો બેસ્ટ સ્ટોરી માટેનો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો હતો. યાદ રહે કે, 1969માં ‘આરાધના’, ‘દો રાસ્તે’, ‘એક ફૂલ દો માલી’, ‘પ્યાર કા મૌસમ’, ‘જીને કી રાહ’, ‘આયા સાવન ઝૂમ કે’, ‘ઇત્તિફાક’, ‘ઈન્તકામ’, ‘તલાશ’, ‘તુમસે અચ્છા કૌન હૈ’ વગેરે જેવી કેટલીય મોટી/સફળ ફિલ્મો આવી હતી. આ બધી ફિલ્મોની વાર્તા કરતાં વસંત કાનેટકરની વાર્તા ઉત્કૃષ્ટ પુરવાર થઈ. શું હતી એ વાર્તા?
પ્રિન્સિપાલ આદર્શવાદી છે જે રખડેલ લાલ્યાને સુધારવા માગે છે. કૉલેજ વેચાઈને કોઈ ભ્રષ્ટ નેતાના હાથમાં આવે છે જે કૉલેજનો દુરુપયોગ કરવા માગે છે. પ્રિન્સિપાલ આ નેતાની આડે આવે છે. નેતા ખુદ પ્રિન્સિપાલ પર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને એને જ જેલભેગો કરી દે છે. જેલમાં સાથી કેદીઓની સંગત રહી ચૂકેલો પ્રિન્સિપાલ બહાર આવીને પેલા નેતાને પાઠ ભણાવવા પોતે ભ્રષ્ટ બનતો જાય છે. પેલી બાજુ લાલ્યો સુધરીને પોલીસ ઈન્સ્પેક્ટર બની ચૂક્યો બાકીની વાર્તા તમે ગેસ કરી શકો છો. આ જ થીમનો થ્રેડ લઈને જાવેદ અખ્તરે 1984માં ‘મશાલ’ લખી જેમાં દિલીપ કુમાર (એ ભાઈ…) અને અનિલ કપૂર (ઝક્કાસ) હતા.
આ જ નાટક પરથી ‘નાટ્યસંપદા’ (ગુજરાતી)ના નેજા હેઠળ કાન્તિ મડિયાએ ‘આતમને ઓઝલમાં રાખ મા’ બનાવ્યું. (એની રેડિયો ઍડ આવતી જેમાં સુહાગ દીવાન એમના ધીરગંભીર અવાજમાં, કૂવામાં પડઘો પડતો હોય તે રીતે નાટકનું ટાઈટલ બોલતા: આતમને ઓઝલમાં રાખ મા’.)
ગુજરાતી નાટક વિશે આપણી રંગભૂમિના જીવતાજાગતા એનસાઈક્લોપીડિયા નિરંજન મહેતા માહિતી આપે છે કે મડિયા એમાં લાલ્યાનું પાત્ર ભજવતા અને પ્રિન્સિપાલ ઉપેન્દ્ર ત્રિવેદી હતા. પણ 24 શો પછી ઉપેન્દ્ર ત્રિવેદી આઉટ થઈ ગયા. 25મા શોમાં ઉપેન્દ્ર ત્રિવેદીની જગ્યાએ મડિયાએ પ્રિન્સિપાલનો રોલ કર્યો અને લાલ્યાનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું. 26મા શોથી મડિયા ફરી પાછા લાલ્યાની ભૂમિકા કરવા લાગ્યા અને પ્રિન્સિપાલ તરીકે વિજય દત્ત આવ્યા. થોડા મહિના પછી વિજય દત્ત અને લાલુ શાહે પોતાનું ગ્રુપ શરૂ કર્યું અને એ ગ્રુપના નેજા હેઠળ પ્રભાકર પણશીકરે 75 જેટલા શોમાં પ્રિન્સિપાલનો રોલ કર્યો.
પ્રભાકર પણશીકર ગુજરાતીમાં? હા. પણશીકરનું બાળપણ ઉત્તર ગુજરાતના પાટણમાં વીતેલું એટલે ગુજરાતી ભાષાથી પરિચિત હતા. થોડી પ્રેક્ટિસ સાથે સરસ ગુજરાતી બોલી લેતા. પણશીકર ક્યારેક હસીને કહેતા પણ ખરા કે: ઘણી વખત મરાઠીમાં આ નાટક ભજવતી વખતે મારાથી વચ્ચે ગુજરાતીમાં બોલાઈ જવાય છે!
‘અશ્રું ચી ઝાલી ફૂલે’માં પ્રભાકર પણશીકરનો લીડ રોલ એટલે એમનું નામ પહેલું બોલાય અને જાહેરાતોમાં પહેલું લખાય. બીજું નામ ચિત્તરંજન કોલ્હટકરનું આવે, કારણ કે કાશીનાથ ઘાણેકર કરતાં એ સિનિયર. ત્રીજું કાશીનાથનું અને પછી ચોથું, પાંચમું, છઠ્ઠું નામ બાકીનાં કળાકારોનાં આવે. નાટક આખું લાલ્યાના ખભા પર અર્થાત્ કાશીનાથના ખભા પર દોડે પણ ક્રેડિટ્સમાં એમનું નામ ખોવાઈ જાય. એક વાર એમની ગોરી ગોરી, હરેલીભરેલી ટીનએજ પ્રેમિકા (જે માના રોલ માટે જાણીતાં અભિનેત્રી સુલોચનાની દીકરી થાય અને પાછળથી મિસિસ કાશીનાથ ઘાણેકર બની) કાંચને ‘કાશીકાકા’ને કહ્યું: તમારું નામ વચ્ચે અટવાય એને બદલે છેક છેલ્લે આવે એવું રાખો. બધાનાં નામ બોલાઈ જાય પછી:… આણિ કાશીનાથ ઘાણેકર! પ્રેક્ષકો તમારા નામની રાહ જોઈને એકસાઈટ થશે ને તાળીઓના ગડગડાટથી વધાવી લેશે.
ત્યારથી ક્રેડિટ્સમાં …અને કાશીનાથ ઘાણેકર આવતું થયું. બધા નામ પછી ‘અને’ ‘તથા’ કે ‘આણિ’ ‘ઉપરાંત’ મૂકીને મહત્ત્વ ઊભું કરવાની રસમ મરાઠી રંગમંચ પર કાશીનાથ ઘાણેકરે શરૂ કરી, આજે તો ગુજરાતી સહિત બધે જ આ પ્રથાને અનુસરવામાં આવે છે.
સાયલન્સ પ્લીઝ!
તમે છોડેલું તીર નિશાન પર પહોંચે, ન પણ પહોંચે. પણ જે તીર તમે છોડતા જ નથી એ તો ૧૦૦ ટકા નિશાન પર પહોંચવાનું નથી.
—અજ્ઞાત્
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












