આપણે ખામીઓ પર ફોક્સ કરીશું કે પછી વિશાળ ચિત્ર જોવાની ઉદારતા કેળવીશું?- સૌરભ શાહ

( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫)

નવી દિલ્હીનું વિશાળ ઍરપોર્ટ પણ હવે નાનું પડવા માંડ્યું છે. વિમાનોની અને મુસાફરોની ભીડ છેલ્લા બે દાયકામાં ખૂબ વધી ગઈ. 2021માં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ટરનૅશનલ ઍરપોર્ટથી લગભગ, 84 કિલોમીટર દૂર એક નવું ખૂબ મોટું ઍરપોર્ટ બાંધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે શિલાન્યાસની વિધિ થઈ. દિલ્લીના ઍરપોર્ટથી બે કલાકના અંતરે ઉત્તર પ્રદેશના નોઈડા વિસ્તારના જેવરમાં આવેલું આ ઍરપોર્ટ ઘણા મહિના પહેલાં કાર્યરત થઈ જવાનું હતું, પણ એક યા બીજા કારણોસર વિલંબ થતો રહ્યો. છેવટે આ વર્ષે નવેમ્બરમાં એનું ઉદ્દઘાટન થશે. અગાઉ જુલાઈ 2025માં ઉદ્દઘાટન થવાનું હતું. એ પહેલાં એપ્રિલ 2025 વાત હતી. સપ્ટેમ્બર 2024માં ઉદ્દઘાટન થશે એવી જાહેરાત થઈ હતી.

આવું જ નવી મુંબઈમાં બની રહેલા ઍરપોર્ટનું છે. મુંબઈમાં સાંતક્રુઝ અને સહારમાં કુલ બે ઍરપોર્ટ ઑલરેડી છે, પણ આ બંને ઍરપોર્ટ પર વિમાનોની અવરજવર એટલી વધી ગઈ છે કે ક્યારેક હાઈવેની જેમ અહીં પણ ટ્રાફિક જામ થઈ જાય છે. લાઈનબંધ બાર-પંદર પ્લેન એકબીજાની પાછળ ઊભા રહીને ટેઈક ઑફ માટે રાહ જોતા હોય છે. સહાર ઍરપોર્ટથી 37 કિલોમીટર દૂર, લગભગ સવા-દોઢ કલાકના અંતરે, નવી મુંબઈમાં ત્રીજું ઍરપોર્ટ બની ગયું છે. આ નવું ઍરપોર્ટ કામ કરતું થાય એમાં પણ ઘણો વિલંબ થઈ ગયો. છેવટે આજકાલમાં ગમે ત્યારે એનું ઉદ્દઘાટન થવાનું છે.

આપણા ભારતીયોને સમયસર કામ કરતાં ક્યારેય આવતું જ નથી, સામાન્ય નાગરિકોની સગવડને કોઈ પ્રાયોરિટી આપતું જ નથી, વિલંબને કારણે કરોડો રૂપિયાનો ખર્ચ વધી જાય છે વગેરે વગેરે બળાપો વ્યક્ત કરતાં આપણને કોઈએ શિખવાડવું નથી પડતું. સોશ્યલ મીડિયા અને મેઈન સ્ટ્રીમ મીડિયા આવા બળાપાઓથી છલકાતાં રહે છે. શું વિલંબની આ બધી ફરિયાદો ખોટી હોય છે? બિલકુલ નહીં. આવી ફરિયાદોમાં વજૂદ હોય છે. શું આવા વિલંબને તમે વાજબી ઠેરવો છો? બિલ્કુલ નહીં. એક વખત જે ડેડલાઈન નક્કી થઈ હોય તેને સરકારે અને સરકાર દ્વારા નીમાયેલી એજન્સીઓએ એને વળગી રહેવું જોઈએ. પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય કરવાનો કોઈનેય હક્ક નથી, સરકારને પણ નહીં.

અહીં જરા થોભો.

જર્મન પ્રજાના ખંતની, જર્મન ટેક્નોલોજિની, જર્મનોની શિસ્તની દુનિયા આખી પ્રશંસા કરે છે. આપણે પણ કરીએ છીએ, એમની પાસેથી શીખવા જેવું ઘણું છે. શીખવું જોઈએ.

જર્મનીની રાજધાની બર્લિનમાં નવા ઍરપોર્ટની જરૂર ઊભી થઈ. જૂનું ઍરપોર્ટ બાબા હિટલરના જમાનાનું હતું અને એનું આર્કિટેક્ચર બધા મુસાફરોને કોઈ જેલ જેવું લાગતું હતું. 1993ની સાલમાં નક્કી થયું કે બર્લિનનાં ટેગલ અને શોનફેલ્ડ
નામનાં ( આ બંને ઉચ્ચારો ખોટા હોઈ શકે છે, જેમ જર્મનોને અમારા નામનો ઉચ્ચાર એમને મન ફાવે તે રીતે કરવાની છૂટ છે એમ અમને પણ એવી મોકળાશ હોવી જોઈએ) આ જૂનાપુરાણા ઍરપોર્ટ ઉપરાંત હવે બર્લિનમાં બ્રેન્ડનબર્ગ ખાતે એક આધુનિક ઍરપોર્ટ બનાવવું જોઈએ. 2006માં ઍરપોર્ટનું બાંધકામ શરૂ થયું. 2012ની બીજી જૂને ઉદ્દઘાટનનો દિવસ આવ્યો તે પહેલાં આખું ઍરપોર્ટ ચકાચક તૈયાર થઈ ચૂક્યું હતું. ટેક્નિકલી સુપિરિયર, જર્મન ટેક્નોલોજિથી બનેલું સ્ટેટ ઑફ ધ આર્ટ ઍરપોર્ટ જોઈને દુનિયા ચકાચૌંધ થઈ જશે એવું મીડિયા જણાવતું હતું. ફ્લાઈટના શેડ્યુલ નક્કી થઈ ગયા હતા. ઉદ્દઘાટન વિધિનો કાર્યક્રમ જાહેર થઈ ગયો. જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલ કેટલા વાગે ઉદ્દઘાટન કરશે, વિધિ દરમ્યાન બીજી કઈ તામઝામ હશે એની પણ જાણકારી જાહેર થઈ ચૂકી હતી.

બીજી જૂનના એકાદ અઠવાડિયા પહેલાં, મેની 25-26મીએ ફાયર સેફ્ટી ઈન્સ્પેક્શન થયું. ખબર પડી કે સ્મોક ડિટેક્શન સિસ્ટમ અને વેન્ટિલેશનની સિસ્ટમમાં મસમોટી ખામી છે. ઑટોમેટિક દરવાજાઓ પ્રોપર્લી ઉઘાડ-બંધ થતા નથી. આખું વાયરિંગ જ ગરબડ છે. લાઈટ્સ બરાબર નથી. ટૂંકમાં, રિપોર્ટ મળ્યો કે આખા ઍરપોર્ટનું પ્લાનિંગ જ રૉન્ગ નમ્બર છે અને એના પાયામાં કરપ્શન છે.

તાબડતોબ ઉદ્દઘાટન સમારંભ રદ કરવામાં આવ્યો. એક પણ ફ્લાઈટ ત્યાંથી ટેઈક ઑફ ન થઈ, લૅન્ડ ન થઈ. ફરીથી એકડો ઘૂંટવામાં આવ્યો. શું માનો છો? કેટલા વખત પછી બર્લિનનું આ નવું, આધુનિક, સ્ટેટ ઑફ ધ આર્ટ, જર્મન ટેક્નોલૉજીથી શોભતું ઍરપોર્ટ કાર્યરત થયું? બે મહિના? છ મહિના? એક વરસ?

જી, ના. પૂરાં આઠ(8) વર્ષ પછી, 31 ઑક્ટોબર 2020નાવરોજ બ્રાન્ડ ન્યુ બર્લિન બ્રેન્ડનબર્ગ ઍરપોર્ટ (બી.ઈ.આર.)નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. પૂરાં આઠ વર્ષ પછી. મૂળ ખર્ચ 2.8 બિલિયન યુરોનો હતો, જે મિસ મૅનેજમેન્ટને કારણે વધીને 7 બિલિયન યુરોનો થઈ ગયો. બમણા કરતાં પણ વધારે. રૂપિયામાં ગણીએ તો આશરે 28,000 કરોડ રૂપિયાથી વધીને 72,000 કરોડ રૂપિયા જેટલો થઈ ગયો. રૂપિયા 44,000 કરોડ એટલે? આટલી રકમમાં જેવરના (રૂ. 29,650 કરોડ) અને નવી મુંબઈના (રૂ. 20,000 કરોડ)- બેઉ ઍરપોર્ટનો ખર્ચ નીકળી જાય (છએક હજાર કરોડ ઉમેરવા પડે તો ઉમેરવાના.)

બીજાની નબળાઈઓ ગણાવીને આપણે આપણી કમીને જસ્ટિફાય કરવાની કુચેષ્ટા નથી કરવાની. પણ આપણી ખામીઓનો ગાઈબજાવીને પ્રચાર કરીને રૂદાલીની જેમ છાજિયાં લેવાનું આપણે બંધ કરવું જોઈએ. આપણે પોતે જ જ્યારે આપણી ઉઘાડી પીઠ પર કોરડા વીંઝીએ છીએ ત્યારે આપણને જોનારાઓની નજરમાં આપણે અત્યંત ભૂંડા દેખાઈએ છીએ.

મુંબઈમાં શરૂ થઈ રહેલી નવી મેટ્રો લાઈન પર બંધાઈ રહેલા એક સ્ટેશન (પ્રભાદેવી) પર આ સીઝનના ભારે વરસાદના દિવસે પાણી ભરાઈ ગયાં. લોકો ફરિયાદ કરવા માંડ્યા. રાજકોટના નવા હિરાસર ઍરપોર્ટ પર શૌચાલયમાં પાણી નહોતું આવતું. લોકોએ રાડારાડ કરી મૂકી. મુંબઈના સહાર ખાતેના (ટર્મિનલ-ટુ) ઍરપોર્ટ તથા નજીકના મેટ્રો સ્ટેશન વચ્ચે કનેક્ટિવિટી નહોતી એટલે મુસાફરોને અગવડ પડતી હતી. અમુક અધીરાઓ અને અધકચરી સમજણવાળાઓ ફેસબુક પર સત્તાવાળાઓને આવડી ને આવડી સંભળાવવા લાગ્યા.

આ બધી ટીધિંગ ટ્રબલ હતી. નવજાત શિશુ મોટું થતું જાય, ચાલવાની શરૂઆત કરે ત્યારે ગબડી જાય. એ રાતોરાત ઉસૈન બોલ્ટની જેમ નહીં દોડે. અને ભવિષ્યમાં પૂરતી તાલીમ પછી ઉસૈન બોલ્ટ કરતાં પણ વધારે ઝડપે દોડશે. સહારના ટી-ટુથી નજીકના મેટ્રો સ્ટેશનની કનેક્ટિવિટીનું કામ પૂરું થઈ ગયું છે અને પૈદલ આવાગમનની અત્યંત સુગમ સુવિધા થઈ ગઈ છે. રાજકોટના હિરાસર ઍરપોર્ટના શૌચાલયોમાં હવે 24 કલાક પાણી આવે છે, જેને જેટલી વખત જવું હોય એટલી વખત જઈ આવે, નો પ્રૉબ્લેમ. પ્રભાદેવી સ્ટેશનનું બાંધકામ કમ્પલીટ થઈ ગયું છે અને હવે કોલાબાથી છેક ગોરેગાંવની આરે કૉલોની સુધીની મેટ્રો-3 આજકાલમાં દોડતી થઈ જવાની છે.

ન્યુ યૉર્ક, પેરિસ, ટોકિયો કે ઈવન ચીનનાં મોટાં મોટાં શહેરોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અણધારી કુદરતી આપત્તિઓ વખતે પડી ભાંગતું હોય છે. સોશ્યલ મીડિયાના પ્રતાપે એ બધી તબાહીની વીડિયો આપણા સુધી પહોંચતી થઈ છે જેના વિશે થોડાંક વર્ષ પહેલાં આપણે અજાણ હતા. અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસ જેવા સમૃદ્ધ શહેરની ફૂટપાથો પર ઝૂંપડા બાંધીને લોકો રહે છે, ત્યાંના મોટા મોટા સ્ટોર્સમાં ઘૂસીને કેટલાક લોકો ઉઘાડે છોગ લૂંટ ચલાવે છે અને જ્યાં સુધી ચોરીનો માલ સાડા નવસો ડૉલરનો હોય ત્યાં સુધી તમારી જગમશહૂર એલ.એ.પી.ડી. (લૉસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ)ના પેટનું પાણી પણ હલતું નથી.

વિદેશી કાગડાઓ આપણે ત્યાં જોવા મળતા કાગડાઓ જેવો જ રંગ ધરાવતા હોય છે.

પાન બનારસવાલા

પાવરફુલ હોવાનો અર્થ એ નથી કે તમે ધારો તે કરી શકો. પાવરફુલ હોવાનો મતલબ એ કે બીજાઓ તમારી સાથે ધારે તે ન કરી શકે.

-અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here