મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની ખુશ્બુ કરતાં વધારે અગત્યનું શું છે? : સૌરભ શાહ

( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 11 જૂન 2025 )

યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો સાંભળીને સેન્ટીમેન્ટલ થઈ જતા લોકોમાં સ્મશાન વૈરાગ્ય જરૂર આવી જતો હશે. પણ ગીત પૂરું થતાં કોઈ સાચે જ પ્રપોઝલ લઈને આવે અને કહે કે ભઈ, લે, તારી અરજી મંજૂર થઈ ગઈ છે અને આ રહ્યું તારું બાળપણ, તારી કાગઝની કશ્તિ અને એટ્સેટેરા; હવે લાવ તારી દૌલત-શોહરત પાછી આપી દે!

તમે શું કરો?

બીજી જ પળે તમે આવી સેન્ટીમેન્ટી વાતો છોડીને તમારું બૅન્ક બૅલેન્સ તપાસી લો, ક્યાંક ખરેખર કોઈએ બધું પાછું તો લઈ લીધું નથી ને. કારણ કે તમને ખબર છે કે રોજિંદા જીવનને આવી કવિકલ્પના સાથે કોઈ નિસબત નથી. મનને બહેલાવવા ખાતર આવું કંઈ સાંભળીએ ત્યારે ‘વાહ, વાહ’ અને ‘ક્યા બાત હૈ’ કરી લઈએ એ ઠીક છે. જિંદગી કવિતાથી નથી ચાલતી, પૈસાથી ચાલે છે. ખુદ કવિની જિંદગી પણ એની કવિતાથી નહીં પણ એ કવિતામાંથી મળતા રોકડા રૂપિયા વડે ચાલે છે (જો મળતા હોય તો). રોકડા રૂપિયા જેવી ઈમોશનલ સિક્યુરિટી બીજી કોઈ નથી.

જે વ્યક્તિના ઉછેરનો પાયો કવિકલ્પનાના પલાયનવાદમાં રોપાયેલો હોય તે વ્યક્તિઓ મોટપણે ખૂબ દુ:ખી થાય છે. કલ્પનાની અને વ્યવહારની જિંદગી તદ્દન સામસામેના છેડાની જોવા મળે ત્યારે માણસ મૂંઝાઈ મરે છે. જેને કામ કરવું છે તેને કવિકલ્પનાઓમાં રાચવું પોસાય નહીં. મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની ખુશ્બુને યાદ કરીને ન તમે રિક્શા ચલાવી શકો, ન ફેક્ટરી, ન સરકાર. જમીન પર પગ રાખીને જ કામ થઈ શકે.

એક બીજી વાત. કવિકલ્પના જેવું જ એક બીજું દૂષણ છે નીતિમત્તા અને સિદ્ધાંતોનું. ઉફ્ફ, તારા આ આદર્શ, આ ઉસૂલ જેને ગુંદીને એક વક્તની રોટી પણ નહીં બનાવી શકાય એવું ભાઈ વિજયે પોતાના લઘુબંધૂ રવિને કહ્યું હતું તે સાચું જ છે. અહીં ભાઈ વિજયના માર્ગને જસ્ટિફાય કરવાની કોઈ વાત નથી. વાત જુદી જ છે. જરા ગંભીરતાથી સમજીએ.

નીતિમત્તા અને સિદ્ધાંતોના હથિયારો સૌથી વધારે કોને કામ લાગે છે, ખબર છે? જે નીતિવાન નથી, જે સિદ્ધાંતોમાં માનતા નથી એ લોકોને. તેઓ તમને નીતિમત્તાની હાથકડી લગાવીને પોતાનાં તમામ અનૈતિક કામો કરી તમારાથી ક્યાંય આગળ નીકળી જાય છે. સિદ્ધાંતો અને નીતિમત્તાની શોધ કદાચ આવા લોકોએ જ કરી હશે, જેથી અમુક લોકો પોતાનાં ગુણગાન ગવાય, પોતે સારા દેખાય, પોતાની વાહ વાહ થાય એ માટે નીતિમત્તા જાળવવામાં અને સિદ્ધાંતનિષ્ઠ બનીને જીવવામાં રચ્યાપચ્યા રહે.

સમાજનો જે બળવાન વર્ગ છે, જે સત્તાશાળી, ધનવાન કે પ્રસિદ્ધ છે – તે તમામ લોકો તમારાથી આગળ નીકળી જવા તમને નીતિમત્તાની બાળાગોળી આપીને સુવડાવી દે છે. ઘેનમાંથી જાગીને તમે જુઓ છો ત્યારે ખબર પડે છે કે તમારી સિદ્ધાંતપ્રિયતાને બિરદાવનારા માણસો તો તમામ સિદ્ધાંતો નેવે મૂકીને સડસડાટ આગળ વધી ગયા છે. અને તમે નીતિમત્તાનું પૂંછડું પકડીને હતા ત્યાંના ત્યાં જ રહ્યા છો. અહીં તમને અનૈતિક ધંધા કરવાની પ્રેરણા આપવાનો આશય નથી. આશય છે તમારી આંખો ઉઘાડવાનો, આશય છે તમને બેડીઓ પહેરાવીને તમારાથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરનારા બદમાશોને ખુલ્લા પાડવાનો.

દુનિયાનો કોઈ પણ માણસ પોતાને બદમાશ, હલકટ કે ગામનો ઉતાર નહીં માને. છતાં આવા લોકો ડગલે ને પગલે તમને ભટકાવાના. તમે એમના કરતાં વધુ પ્રતિભાવંત, વધુ મહેનતુ અને વધુ નસીબદાર હશો તો પણ એ તમારા કરતાં આગળ નીકળી જવાના. તમને કોઈ કહેવા આવતું નથી કે ‘બકા, હું તો નિર્વસ્ત્રને નહાવું શું ને નિચોવવું શુંવાળી કહેવતને આધારે તરી ગયો છું.’ એ તો હંમેશાં નીતિ-સિદ્ધાંતોની મોટી મોટી વાતો જ કરશે અને તમને પણ બિરદાવશે. તમારા જેવા સિદ્ધાંતપ્રિય લોકો હવે દુનિયામાં રહ્યા જ નથી એવું કહીને તમને ફુલાવશે. અને તમે ભોળા માની લેશો કે નીતિમય જીવન ગાળવાથી જિંદગીમાં બધું જ મળી શકે છે – જુઓને, આમને તો મળ્યું જ છે, મને પણ મળશે, બસ નસીબ આડેનું પાંદડું હટે એટલી જ વાર છે.

સારા હોવું અને સારા દેખાવું – આ બે જ વાત આપણને ખબર છે. ત્રીજી એક વાત છે – પોતે પોતાને સારા લાગવું. તમે અંદરથી સારા હો કે ન હો – કોઈ ફરક નથી પડતો કારણ કે કોણ કહેશે કે સારા હોવું એટલે કેવા હોવું. સારાપણાનાં તમામ લક્ષણો બિલકુલ સાપેક્ષ છે. દુનિયા કે સમાજ તમારી સમક્ષ જે માપદંડો મૂકે છે તે તમારા માટે, આગળ કહ્યું તેમ, હાથકડી સમાન કે પગબેડી જેવા પુરવાર થાય છે.

તમે કહેશો કે સારાપણા અર્થાત્ નીતિમૂલ્યો વગેરેનો સાવ છેદ ઉડાડી દેશો તો દુનિયા કેવી રીતે ચાલશે? આવો સવાલ તમારી નિર્દોષતાની, તમારા ભોળપણની નિશાની છે. તમે માની લીધું છે કે આ દુનિયા સારા માણસોને લીધે ચાલે છે, તમે એ પણ માની લીધું છે કે દુનિયામાં નીતિમત્તાની જેમ કાયદો અને વ્યવસ્થા સૌના ભલા માટે છે. તમે ખરેખર ભોળા છો.

નીતિની જેમ કાયદો પણ તમને જ લાગુ પડે છે, જેઓ ખરેખર બળવાન છે તેઓ તો કાયદાઓ પોતાની રીતે ઘડાવે છે અથવા એનું અર્થઘટન પોતાની રીતે કરાવે છે અને એ જ અર્થઘટન સાચું છે એવું અદાલતોમાં પુરવાર પણ કરાવી શકે છે. કાયદો ક્યારેય બધા માટે એક સમાન નથી હોતો. ન્યાયની દેવી માટે સૌ કોઈ એકસરખાં છે અને એના ત્રાજવાનાં બેઉ પલ્લાં સીધા રહે છે એ માત્ર આદર્શની અને કવિકલ્પનાની વાત છે. વ્યવહારો તદ્દન જુદા છે.

આ દુનિયા ખોટા માણસોના હાથમાં છે, ખરાબ માણસોના હાથમાં છે. એમની મરજી મુજબ અને એમની પદ્ધતિ મુજબ જ આ જગત આખું ચાલવાનું છે. પણ તમારે નિચોવાઈ જઈને પણ મક્કમ રહેવું પડશે, અડગ રહેવું પડશે.

તમારે ખોટા, ખરાબ અને એમના જેવા બનવું હોય તો તમારી મરજી. એવા બની ગયા તો પણ લોકોમાં તો તમે સારા જ દેખાશો કારણ કે તમે બહારથી તો પેલાઓની જેમ જ નીતિમત્તા – સિદ્ધાંતોની વાતો કરવાના જ છો. માટે લોકોમાં તમે એમના જેટલા જ સારા પણ દેખાવાના છો. રહી વાત ખોટું કામ કરતાં પકડાઈ જવાના ડરની. તો એક આશ્વાસન મનમાં બાંધી રાખજો કે આવા લોકો ધીમે ધીમે એટલા પાવરફુલ બની જતા હોય છે કે કોઈ એમને પકડવાની કે બદનામ કરવાની હિંમત કરતું નથી. આમ છતાં ન કરે નારાયણ ને કંઈ થાય તો તમારી પાસે પૈસા એટલા આવી ગયા હશે કે તમે એમાંથી થોડાક વેરશો કે તરત તમારું કામ થઈ જશે.

પણ તમારી પાસે ડંખી શકે એવો અંતરાત્મા હોય તો રહેવા દો. આ લાઈનમાં તમારું કંઈ કામ નથી. તમે નીતિપ્રિય, મૂલ્યનિષ્ઠાવાળું અને સિદ્ધાંતમય જીવન જ જીવતા રહો એમાં જ તમારું ભલું છે.

સાયલન્સ પ્લીઝ!

જગતની બધી ટીકાને સોનું જોખવાનાં કાટલાંથી ન તોળીએ, પણ લોખંડ કે પથરા જોખવાનાં કાટલાં વાપરીએ. તેમાં મણ-અધમણનો તો હિસાબ સરખોય ન હોય.

– ગાંધીજી (‘આશ્રમનો પ્રાણ’ પુસ્તકમાં)

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here