( ‘ખાસ ખબર’ : મંગળવાર, 13 મે 2025 )
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 22 મિનિટના રાષ્ટ્રને ( ખરેખર તો પાકિસ્તાન-ચીન સહિત દુનિયાના તમામ રાષ્ટ્રોને ) સંબોધીને કરેલા પ્રવચનમાંથી બાવીસ મુદ્દાઓ એવા મળે જેની છાપાવાળાઓ હેડલાઈન બનાવી શકે. પણ ભારતના દરેક પ્રમુખ અખબારે વાજબી રીતે જ આઠ કોલમમાં આ એક ( અને સૌથી અગત્યનો એવો ) મુદ્દો હાઈલાઈટ કર્યો- ન્યુક્લિયર બ્લૅકમેઈલવાળો મુદ્દો.
બાંગ્લાદેશ છૂટું પડ્યું તેના બીજા જ વરસથી 1972થી પાકિસ્તાને અણુબૉમ્બ બનાવવાની કવાયત શરૂ કરી હતી જે છેક 1998ના અંતમાં પૂરી થઈ. એ પહેલાં, 11 મે 1998ના દિવસે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ભારત રાજસ્થાનના પોખરણમાં પ્રયોગરૂપે અણુબૉમ્બના ધડાકા કરી ચૂક્યું હતું.
1999ના કારગિલ યુદ્ધ વખતે અને તે પછી સર્જાયેલી દરેક ભારત-પાક ક્રાઈસિસ વખતે આપણા શાસકોને ડરાવવામાં આવતા કે ‘અમનની આશા’ રાખો, પાકિસ્તાન સાથે લડવામાં કોઈ સાર નથી, એ તો પાગલ છે, એની પાસે અણુબૉમ્બ છે, ભારતને ગમે ત્યારે તબાહ કરી નાખશે.
મોદીએ ગઈકાલે પાકિસ્તાનને અને એને મદદ કરી રહેલા ચીન સહિતના તમામ દેશોને સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે પાકિસ્તાન ભારત સામે ન્યુક્લિયર બૉમ્બનો ઉપયોગ કરી શકે એમ છે તો ભારતે કંઈ પોતાના અણુબૉમ્બ શોકેસમાં મૂકીને દેખાડવા માટે બનાવ્યા નથી.
વડાપ્રધાને ન્યુક્લિયર બ્લૅકમેઈલની ધમકીને ફગાવી દીધી એનો સૌ પ્રથમ અને સીધોસાદો અર્થ એ જ છે તમે સૌ સમજો છો- પાકિસ્તાન અણુબૉમ્બ ઝીંકશે તો ભારત વળતો ઘા કરશે. પણ વડા પ્રધાને જે નથી કહ્યું, જે વાત અધ્યાહાર રાખી છે, તે એ છે કે પાકિસ્તાનની ન્યુક્લિયર કેપેબિલિટી સામે નમતું જોખવાની ભારતને હવે જરૂર જ નહીં પડે, પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને છેલ્લા અઠવાડિયા-પંદર દિવસમાં ભારતે કચડી નાખી છે. આ બાબતે પાકિસ્તાન તો કંઈ બોલવાનું નથી અને ભારતે બોલવાની જરૂર નથી.
ગઈ કાલ બપોરના પ્રેસ બ્રીફિંગમાં ઍર માર્શલ એ. કે. ભારતીને એક પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કિરાના હિલ્સ ખાતેની પાકિસ્તાનની ન્યુક્લિયર ફેસિલિટીને ભારતે નુકસાન પહોંચાડ્યું છે એવી વાત હવામાં છે તે સાચી છે કે શું? ત્યારે ઍર માર્શલ ભારતીએ જવાબમાં આછું સ્મિત કરીને કહ્યું હતું: ‘કિરાના હિલ્સમાં ન્યુક્લિયર ઈન્સ્ટોલેશન છે એની અમને તો ખબર જ નથી, તમે માહિતી આપી તે બદલ આભાર!’
પાકિસ્તાને સામેથી ભારતને સીઝફાયર કરવાનું કહ્યું હતું એવું મોદી જ્યારે પ્રવચનમાં કહે છે ત્યારે એનો સ્પષ્ટ અર્થ એ કે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે કોઈ ત્રીજા દેશે ટાંગ નથી અડાવી.
પાકિસ્તાન શું કામ ભારતને કહે કે ભૈસા’બ હવે હુમલાઓ બંધ કરો? એની પાસે તો ન્યુક્લિયર બૉમ્બ છે જ, વાપરે.
પણ ઑપરેશન સિંદૂર શરૂ થયા પછી પાકિસ્તાનમાં ચારથી વધારે ભૂકંપની ઘટના બની. હળવા આંચકાના આ ભૂકંપ કુદરતી ઉથલપાથલને કારણે નહીં પરંતુ અણુબૉમ્બ ફૂટવાને લીધે થયા હોઈ શકે છે એવું કેટલાક નિષ્ણાતો માને છે. પાકિસ્તાનના આ ન્યુક્લિયર બૉમ્બ ત્યારે જ ફૂટે જ્યારે ભારત પાકિસ્તાનના છમકલાંઓનો સામનો કરવા પાકિસ્તાનમાં ઘૂસીને તાંડવ કરે.
ત્રણેય સેનાઓના ડીરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સે જે પહેલી પ્રેસ કૉન્ફરન્સ 11મી મેએ કરી ત્યારે આરંભમાં શિવ તાંડવ સ્તોત્ર મોટા અવાજે વગાડવામાં આવ્યું. બીજા દિવસની પ્રેસ બ્રીફિંગમાં રામચરિતમાનસની જાણીતી ચોપાઈ ટાંકવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું છે કે જે વિવેક, વિનંતીથી ન માને એને ડર દેખાડો તો જ એ તમને વહાલો થવા આવે.
પાકિસ્તાને શું કામ ભારતને સીઝફાયરની પ્રપોઝલ આપીને વહાલા થવું પડ્યું?
હવે એક પછી એક ઘટનાક્રમના ડોટ્સ જોઈન કરતા જાઓ અને છેવટે જે આખું ચિત્ર ઊભું થાય છે તે જુઓ- મોદીના રાજમાં ભારતે પાકિસ્તાનથી ડરવાની જરૂર નથી.
* * *
22 એપ્રિલની પહેલગામની આતંકવાદી ઘટનાના બે અઠવાડિયા પછી ઑપરેશન સિંદૂર અમલમાં મૂકાય છે. આ પંદર દિવસ દરમિયાન મોદીવિરોધીઓ મીડિયામાં અને સોશ્યલ મીડિયામાં ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતા રહ્યા કે મોદી કેમ કોઈ પગલાં લેતા નથી. આ બાજુ કેટલાક હરખપદુડા તથાકથિત હિન્દુવાદીઓ પણ કહેવા લાગ્યા કે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરના વિસ્તાર પર આક્રમણ કરીને એને ભારતમાં ભેળવી દો, બલુચિસ્તાનને આઝાદી અપાવો, પાકિસ્તાનના ચાર-ચાલીસ-ચારસો ટુકડા કરી નાખો, પાકિસ્તાનને ખેદાનમેદાન કરી નાખો, પાકિસ્તાનની પૂંછડી વાંકી છે ને વાંકી જ રહેવાની છે માટે એને કાપી નાખો.
છાપાં, ટીવી ચેનલો અને સોશ્યલ મીડિયામાં ચાલતા આ કકળાટને સમજુ લોકો કાન બંધ રાખીને સાંભળ્યા કરતા હતા. 7મી મેએ ભારત સરકાર તરફથી સૌ પ્રથમવાર સત્તાવાર માહિતી આપવામાં આવી એ પછી લગભગ રોજ વિદેશ ખાતું અને પછીથી સંરક્ષણ ખાતું ભારતની પ્રજાને શું-શું બની રહ્યું છે તે વિશે અપડેટ કરતું રહે છે. જે વાતો કોન્ફિડેન્શ્યલ હોય તેને જાહેર કરવાની જીદ મીડિયાએ ના કરવાની હોય. સોશ્યલ મીડિયાના દોઢડાહ્યા સાહેબબહાદુરોએ પણ પોતાની રિચ વધારવા કે પોતે કેટલા જાણકાર છે એવું બતાવવા અફવાઓને આધારે ન તો ટ્વિટર પર ચરકવા માટે પહોંચી જવાનું હોય ન ફેસબુક પર જઈને એની વોલનો દુરુપયોગ કરવાનો હોય.
* * *
મોદીએ પોતાના 22 મિનિટના પ્રવચનમાં જે વાત નથી કરી તે એ છે કે પાકિસ્તાન સાથેના આ સંઘર્ષમાં ભારતે પણ કોલેટરલ ડેમેજ સહન કરવાનું આવશે અને તે વખતે દેશપ્રેમની વાતો કરનારાઓએ પલટી મારીને કાગારોળ ન મચાવવી જોઈએ કે હાય-હાય પેટ્રોલના ભાવ વધી ગયા, ભારતે કેટલા સૈનિકો ગુમાવ્યા, કેટલાં બાળકો અનાથ થઈ ગયાં, હજારો કરોડ રૂપિયાનાં શસ્ત્રો-સાધનો વપરાઈ ગયાં, દેશ હવે આર્થિક રીતે પાયમાલ થઈ ગયો, મોદીએ આવી ખોટી ફાંકાબાજી કરવાની શું જરૂર હતી, અગાઉના વડા પ્રધાનોની જેમ શાંતિ-મંત્રણાઓ કરીને પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું જોઈતું હતું.
અગાઉની કેટલી અને કઈ શાંતિ મંત્રણાઓથી પાકિસ્તાન સાથેના પ્રશ્ર્નોનું નિરાકરણ આવ્યું છે, કોઈ કહેશો?
મોદી સૌ પ્રથમ વડા પ્રધાન છે જે જાહેર પ્રવચનમાં કહે છે કે પાકિસ્તાનના આતંકવાદીઓને પાકિસ્તાનની સરકાર પાળેપોષે છે. પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમને ખુલ્લેઆમ હજુ સુધી કોઈએ આવો પડકાર આપ્યો નથી. પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓથી માત્ર ભારત જ પરેશાન નથી. મોદીએ ધ્યાન દોર્યું એમ ભારતે પાકિસ્તાનનાં જે આતંકવાદી થાણાંઓ પર પ્રહાર કર્યો તે થાણાંઓના કર્તાહર્તાઓ અમેરિકાના 9-11 અને લંડનના ટ્રેન ધડાકાઓમાં પણ ઈન્વોલ્વ્ડ હતા.
ભારત આખા વિશ્ર્વને પરેશાન કરતી પાકિસ્તાનની સરકારનો ટેકો ધરાવતી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યું છે- આખી દુનિયાને જો શાંતિ જોઈતી હોય તો સૌ કોઈએ આ કાર્યમાં ભારતને સાથ આપવાનો હોય, નહીં કે પાકિસ્તાનને- મોદીએ બહુ જ ઓછા શબ્દો તળે રહેલા અન્ડરકરન્ટનો મેસેજ દુનિયાને પહોંચાડી દીધો.
* * *
પાકિસ્તાન કરતાં પણ ભૂંડી ભૂમિકા ભારતમાં રહીને ભારતવિરોધી પ્રવૃત્તિઓ કરતા કોંગ્રેસીઓ, રાજદીપ-રાણા જેવા પત્રકારો અને છદ્મ હિંદુવાદીઓ ભજવી રહ્યા છે. મોદી માટેનો એમનો દ્વેષ દર સેકંડે પ્રગટ થાય છે જે હવે હિંદુદ્વેષ અને ભારતદ્વેષમાં પલટાઈ રહ્યો છે. મોદીને મામૂલી માણસ ગણીને કેટલાક જોકરો મોદી વિશે એલફેલ બોલતા થઈ ગયા છે. આ સૌ દેશદ્રોહીઓ છે જેમાં કેટલાક ગુજરાતીઓ પણ છે. મોદીની સૂઝસમજમાં જો તમને ભરોસો ના હોય તો તમારે ચૂપ બેસવાનું હોય, સોશિયલ મીડિયા પર, યુ-ટયૂબની ચેનલો પર કે છાપા-ટીવીની ડિબેટોમાં અક્કલનું પ્રદર્શન ના કરવાનું હોય. મોદી પાસે વિદેશમંત્રી એસ. જયશંકર અને નૅશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ ઉપરાંત ત્રણેય સેનાઓના વડા, આ ત્રણેયની સાથે કોઓર્ડિનેશન કરતા સીડીએસ (ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ) જેવા ઉચ્ચ કક્ષાના સલાહકારો છે અને આ દરેક સલાહકારો પાસે સેંકડો, હજારો અને લાખો એવા વફાદારો છે જેઓ આ દેશનું રક્ષણ કરવા માટે જાન આપી દેવા તૈયાર છે.
મોદીની મજાક કરવામાં તમે લોકો આ દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છો એનું કંઈ ભાન છે તમને? યુદ્ધ ફાટી નીકળે તો ઊંઘતા ના ઝડપાઈએ એટલે પૂર્વતૈયારીરૂપે સાયરન અને બ્લૅકઆઉટની પ્રેક્ટિસ કરવાનો સરકારે આદેશ આપ્યો ત્યારે કેટલાય લફંગાઓએ મોદીની ઠેકડી ઉડાવવા માંડી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટ તેમ જ એમની કેટલાક વીડિયોમાં કરેલાં નિવેદનો પછી અમુક ભારતદ્વેષીઓ મોદીની મજાક કરતા થઈ ગયા હતા. મોદીએ પ્રવચન દરમિયાન ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો હતો? ના. મોદીએ ક્યાંય કહ્યું કે કોઈ ત્રીજા દેશની દરમ્યાનગીરી ( કે ધમકી)ને લીધે ભારતને સીઝફાયર કરવાની મજબૂરી પડી? ના. તો પછી તમે શેના કૂદાકૂદ કરતા થઈ ગયા છો? માપમાં રહો. મોદી તમને ટ્રમ્પની ટીકા કરવાની જવાબદારી સોંપે ત્યારની વાત ત્યારે.
કોંગ્રેસીઓ મોદીની સિદ્ધિઓ, મોદીની દૃઢતા અને મોદીની પહોંચને ઓછી આંકવા પચાસ-પંચાવન વર્ષ પહેલાંની ઘટનાને યાદ કરીને ઈન્દિરા ગાંધીને લઈ આવ્યા. એ કેટલાં મહાન હતાં, લોખંડી હતાં વગેરે. આપણાવાળા કોંગ્રેસીઓની આ રમતમાં અટવાઈને દલીલો કરવા માંડ્યા કે લોખંડી મહિલાએ સિમલા કરાર કરીને જીતેલો પ્રદેશ પાછો કેમ આપી દીધો, 93,000 શત્રુસૈનિકોને કેમ છોડી દીધા? હકીકતમાં આ નરેટિવમાં ઘસડાઈ જવાની જરૂર જ નહોતી. કારણ કે વાત આખી આડે પાટે લઈ જવા માટે શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલાં એક કોંગ્રેસી બિરાદરે ગપગોળો ચલાવ્યો કે વિકિપીડિયા જુઓ, જીનિવા કન્વેન્શન પ્રમાણે ઈન્દિરા ગાંધીના હાથ બંધાયેલા હતા. આની સામે તરત જ ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સિંધુ જળસંધિને અભરાઈએ ચડાવી દીધી ત્યારે શું મોદીને આંતરરાષ્ટ્રીય અદાલત કે અન્ય કોઈ બંધનો-વિઘ્નો નડતાં નહોતાં? આમ છતાં મોદીએ પાકિસ્તાનનું પાણી અટકાવ્યું ને. મોદીએ પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે લોહી વહેતું હોય ત્યાં સુધી પાણી નહીં વહી શકે.
ભારતે કે પાકિસ્તાને એકમેક સામે યુદ્ધની સત્તાવાર ઘોષણા નથી કરી માટે ‘યુદ્ધવિરામ’ જેવો શબ્દ વાપરવો વધુ પડતો છે, ખોટો જ છે. પણ સામાન્ય લોકો માટે આ યુદ્ધ જેવી જ પરિસ્થિતિ છે આથી સીઝફાયર બોલવામાં કોઈ જ વાંધો નથી. પોતાને બહુ મોટા જીઓપોલિટિક્સના જાણકાર અને ડીફેન્સ એક્સપર્ટ કહેવડાવનાર ગુજરાતી સોશિયલ મીડિયા પર કૂદાકૂદ કરનારાઓને જે કહેવું હોય તે કહે.
પાયાની વાત એક જ છે. રાષ્ટ્ર માટે જ્યારે જ્યારે કોઈ નિર્ણાયક ઘડી સર્જાય છે ત્યારે દોઢડાહ્યાઓને સાંભળવાના નહીં, વાંચવાના નહીં, જોવાના નહીં. સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુધી રાહ જોવાની. અને એ દરમિયાન કે એ પછી પણ ભરોસો રાખવાનો કે આ મોદીયુગ છે. મોદી કંઈ મનમોહન સિંહ કે રાજીવ કે ઈન્દિરા નથી. નહેરુ પણ નથી. આ બધા કરતાં મોદી અનેક રીતે ઘણા ઘણા શ્રેષ્ઠ છે. રાહુલ અને કેજરીવાલ જેવા વિદૂષકોની તેમ જ આ બંને જોકરોનું સમર્થન કરનારી જમાતની કોઈ હેસિયત નથી કે તેઓ મોદીના સામર્થ્ય વિશે એક હરફ પણ ઉચ્ચારી શકે.
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો