( લેફ્ટ, રાઈટ અને સેન્ટર : રવિવાર, 28 ડિસેમ્બર 2025)
8 નવેમ્બર 2016નો દિવસ યાદ છે તમને ? મંગળવાર હતો. રાત્રે બરાબર 8ના ટકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગું પ્રવચન શરૂ થયું. કરોડો લોકોએ અધ્ધર શ્વાસે સાંભળવાનું શરૂ કર્યું. બરાબર 8 મિનિટ પછી વડાપ્રધાને જાહેર કર્યું કે આજે રાત્રે 12 વાગ્યા પછી તમારી પાસેની પાંચસો અને એક હજાર રૂપિયાની ચલણી નોટોનું મૂલ્ય પસ્તીના કાગળ જેટલું થઈ જશે!
નોટબંધી. ડિમોનેટાઈઝેશન.
અમે તો એ જ બપોરે અમારા આગલા મહિનાના લેખનના મહેનતાણાની રકમ ખાતામાં પહોંચી ગઈ છે એવો બેંકનો એસએમએસ વાંચીને ખુશ થતાં-થતાં એટીએમમાંથી પાંચ હજાર રૂપિયા કાઢી આવ્યા હતા. પાંચસોની ૯ નોટ એમાં આવી, બાકીની સો-સોની પાંચ. 500ની એક નોટ વટાવીને ઘરમાં પહેરવાનાં સસ્તા ચંપલ લીધેલાં. બીજી નોટ વટાવીને મહેમાનો માટે બિયર ખરીદ્યો હતો. સાત નોટ બચી હતી. મોદીજીની ઘોષણા સાંભળીને નક્કી કર્યું હતું કે સાતમાંની એક નોટ સ્મૃતિરૂપે સાચવી રાખીશું અને બાકી વધેલી છમાંની બે નોટમાંથી જેની પાસે હજાર-હજારની બહુ હોય એવાને આપીને, એક નોટ હજારની લઈ લઈશું-સ્મૃતિરૂપે, મોદીજીના ફોટા સાથે ફ્રેમમાં મઢાવી લઈશું. બાકી રહેતી પાંચસોવાળી ૪ નોટોને નેક્સ્ટ વીક બેંકમાં આપીને નવી નકોર 2000ની એક નોટ લઈ આવીશું-એને પણ ફ્રેમમાં ઉમેરી દઈશું. મોદીએ દેખાડેલી 56 ની છાતીને બિરદાવવા સાડા ત્રણ હજારનો સેક્રિફાઇસ મામૂલી કહેવાય. 9 વર્ષથી અમારા ડ્રોઈંગ રૂમમાં આ ફ્રેમ તરત જ નજરે ચઢે એ રીતે ગોઠવેલી છે.
મોદીનો આ માસ્ટરસ્ટ્રોક હતો. એમને એક કાંકરે બે પક્ષી મારવાની ફાવટ છે. કાળુ નાણું અને બનાવટી ચલણી નોટો-આ બેઉને એમણે ટાર્ગેટ કર્યા. તે વખતે મોદીના વિરોધીઓએ ખૂબ કકળાટ કર્યો. જેમની પાસે ચિક્કાર બ્લૅક મની હતા એમણે બેંકમાં જઈને નોટો બદલાવવી પડી. એમણે પણ કકળાટ કર્યો. કેટલાક કિસ્સામાં બેંકના અમુક કર્મચારીઓની સાંઠગાંઠને લીધે થોડો ઘણો ભ્રષ્ટાચાર પણ થયો. પણ સમગ્રતયા જોતાં મોદીનું આ હિંમતભર્યું પગલું સફળ થયું. દુશ્મનો તો આજની તારીખે પણ નોટબંધીને નિષ્ફળ ગણાવતા રહે છે. ભલે.
બનાવટી કરન્સી નોટનો આખો ધંધો નોટબંધીને કારણે પડી ભાંગ્યો છે એવા છૂટકત્રુટક સમાચાર મીડિયામાં આવતા પણ કૉન્ગ્રેસની ઇકો સિસ્ટમ આ સમાચારને દબાવી દેવામાં સફળ થઈ જતી. બ્લૅક મની ઉપરાંત પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે કૉન્ગ્રેસને ચોલી-દામનનો સંબંધ છે. નોટબંધીને કારણે કૉન્ગ્રેસે જે રીતે આ પગલાંનો વિરોધ કર્યો તેને કારણે આ સંબંધ ઉઘાડો પડી ગયો.
‘ધુરંધર’ ફિલ્મની જબરજસ્ત સફળતાને લીધે કોંગ્રેસીઓના અને કોંગ્રેસના સમર્થકોના પેટમાં તેલ રેડાયું છે તેનું એક મોટું કારણ એ પણ છે કે આ ફિલ્મમાં પાકિસ્તાન દ્વારા છપાતી ભારતની બનાવટી પણ હૂબહૂ દેખાતી ચલણી નોટોના ષડયંત્રનો ઉલ્લેખ છે. 2016ની નોટબંધી વખતે બનાવટી નોટો વડે આતંકવાદને ઉત્તેજન આપી રહેલા પાકિસ્તાન વિશેની ચર્ચાને ઉગતી જ ડામી દેવામાં કોંગ્રેસને મહદ્ અંશે સફળતા મળી-મીડિયામાં રહેલા કોંગ્રેસી ગલુડિયાંઓએ નોટબંધીની ચર્ચાને આડે પાટે ચડાવી દીધી હતી. પણ ‘ધુરંધર’ પછી કોંગ્રેસને ભય છે કે આ ચર્ચા હવે ભારતની ગલીઓ સુધી પહોંચી જશે.
‘ધુરંધર’માં જેનો અછડતો ઉલ્લેખ છે એ ભારતની બનાવટી ચલણી નોટના કૌભાંડમાં પાકિસ્તાન કેવી રીતે સંડોવાયેલું છે તેની વિગતો જોઈએ-નામઠામ સાથે જોઈએ. સ્વાભાવિક કારણોસર ફિલ્મમાં નામઠામ કે ઝાઝી વિગતો નથી. ખરેખર તો ‘ધુરંધર’ના પગલે કોઈ સારા દિગ્દર્શકે સ્વતંત્રપણે આ વિષય પર એક ઉમદા ફિલ્મ લખાવવી/ડાયરેક્ટ કરવી જોઈએ. કોઈએ બનાવવી હોય તો એનો કાચો માલ અહીં પ્રસ્તુત છે.

વાતની શરૂઆત 2006થી કરવી પડે. સોનિયા ગાંધીની કઠપુતળી સરકારમાં વડાપ્રધાન મનમોહન સિંહની કેબિનેટમાં પી. ચિદમ્બરમને નાણામંત્રી તરીકે ગોઠવવામાં આવ્યા હતા. આ પળનિયપ્પમ ચિદમ્બરમસાહેબે 2006ની સાલમાં બ્રિટનની એક કંપની સાથે ભારતની ચલણી નોટ છાપવા માટેનો સિક્યુરિટી પેપર ખરીદવાના કોન્ટ્રાક્ટ પર સહી કરી. અગાઉ ભારતમાં ક્યારેય આ કંપનીએ સિક્યુરિટી પેપર સપ્લાય કર્યો નહોતો કારણકે આ બ્રિટિશ કંપની પાકિસ્તાનને આ જ કાગળ સપ્લાય કરતી હતી. ભારતને જાણ હતી છતાં ૨૦૦૬માં પહેલી વાર એની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો. આ બ્રિટિશ કંપનીનું નામ ફ્રેંચ ભાષામાં હતું- Thomas De La Rue. ટોમસ દે લા રુ. ( ફ્રેન્ચમાં Rueનો ઉચ્ચાર હૃદયના ‘હૃ’ની નજીક થાય. પણ આપણે દે લા રુથી ચલાવીશું. આ એક ફ્રેન્ચ અટક છે જેનો અર્થ થાય (ફલાણી) ‘ગલીમાંથી આવનારો’. આપણે ત્યાં ગામ સાથે જોડાયેલી સરનેમ હોય એવું કંઈક. જોકે, આપણને આ બધા સાથે કંઈ લેવાદેવા નથી. માત્ર એટલી જ માહિતી પૂરતી છે કે ગલીના ગુંડા જેવી આ બદમાશ અને બદનામ એવી સડકછાપ કંપની પાસેથી અગાઉ ભારતે ક્યારેય સિક્યુરિટી પેપરનો સપ્લાય લીધો નહોતો. ભારતની ચલણી નોટો બનાવવા માટેનો કાગળ આપણે છેક પ્રથમ વિશ્વયુદ્ધના જમાનાથી બ્રિટનની ‘પોર્ટલ્સ લિમિટેડ’ પાસેથી લેતા આવ્યા છીએ અને પ્રસંગોપાત જર્મની-જાપાન તેમજ અન્ય દેશોની કંપની પાસેથી પણ સપ્લાય મગાવ્યો છે. ભારતની ૯૫ ટકા જરૂરિયાતનો માલ વિદેશથી આવતો હતો. પાંચ ટકા જેટલો માલ મધ્યપ્રદેશના હોશંગાબાદ (હવે નર્મદાપુરમ) સ્થિત સિક્યુરિટી પેપર મિલ (એસપીએમ)માંથી આવતો. આ મિલ 1968માં શરૂ થઈ જેમાં ‘પોર્ટલ્સ લિમિટેડ‘ જેવા વિશ્વાસુ સાથીની ટેક્નિકલ સલાહ લેવામાં આવી હતી.
તમારી જાણ ખાતર, નોટબંધી થઈ તેના છ મહિના પહેલાં, એપ્રિલ 2016થી ભારતે પોતાની ચલણી નોટો છાપવા માટે, પાસપોર્ટ માટે અને અન્ય દસ્તાવેજો માટે વિદેશથી સિક્યુરિટી પેપર મગાવવાનું બંધ કર્યું છે. એક ચબરખી જેટલો કાગળ પણ ફોરેનથી નથી આવતો. ભારતની રિઝર્વ બેન્કની એક સબસિડિયરી છે—ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL) અને મૈસુર (કર્ણાટક)ની એક કંપની છે—બેંક નોટ પેપર મિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ(BNPMIPL). આ બંને કંપનીઓનું 50:50 જૉઈન્ટ વેન્ચર સિક્યુરિટી પેપરને લગતી ભારતની તમામ જરૂરિયાત પૂરી કરે છે એટલું જ નહીં કેટલાક દેશોને સપ્લાય પણ કરે છે. આ જૉઈન્ટ વેન્ચર કંપનીએ એપ્રિલ 2016 માં કમર્શ્યલ પ્રોડક્શન શરૂ કર્યું હતું.
2006થી ભારત-પાકિસ્તાનની ચલણી નોટોના કાગળના સપ્લાયર એક થઈ ગયા પછી પાકિસ્તાન માટે ભારતની જેન્યુઇન લાગે એવી બનાવટી કરન્સી નોટો છાપવાનો માર્ગ ખુલી ગયો. પણ હજુ એક વિઘ્ન હતું. નોટ છાપવા માટેની ડિઝાઇન. તમે ગમે એટલી મહેનત કરો તો પણ એની હૂબહૂ નકલ કરી નથી શકતા. દરેકે દરેક સિક્યુરિટી ફિચર બનાવટી ડિઝાઇનમાં નથી લાવી શકતા. તો કરવું શું.
આ જ ગાળામાં ભારતે પાંચસો અને હજારની નોટની ડિઝાઇનમાં મામૂલી ફેરફારો કરવાનું નક્કી કર્યું. મામૂલી એટલે સાવ મામૂલી—જૂની અને નવી ડિઝાઇનની નોટ સાથે રાખીને જુઓ તો કોઈ અનુભવી માટે પણ આ ફેરફારની નોંધ લેવાનું મુશ્કેલ બની જાય એવા મામૂલી ફેરફાર થયા. ‘નવી’ ડિઝાઈનની નોટો છાપવા માટે પ્લેટો બની એ પછી ‘જૂની’ ડિઝાઇનની પ્લેટોનું કામ રહ્યું નહીં. નિયમો મુજબ એનો વ્યવસ્થિત નિકાલ થવો જોઈએ. એને સત્તાવાર ધોરણે નષ્ટ કરીને એની વિગતો સરકારી ચોપડે નોંધાવી જોઈએ. આવી વસ્તુ કંઈ ભંગારમાં આપી દેવાની ન હોય. ‘જૂની’ પ્લેટો તિજોરીમાંથી અદૃશ્ય થઈ જાય તો તે ખોવાઈ ગઈ છે એવું માની લેવાને બદલે ઉચ્ચ સ્તરે, સીબીઆઇ કે આઇબી દ્વારા એની ઊંડી ખોજ-તપાસ થવી જોઈએ.
પણ સોનિયારાજમાં આવું કંઈ થયું નહીં. જૂની પ્લેટો ભારત સરકારમાં જ રહેલા એક પ્રધાન તેમજ એમના હજુરિયા એવા બ્યુરોક્રેટ દ્વારા પાકિસ્તાનને વેચી દેવામાં આવી. પાકિસ્તાને અસલી લાગતી ભારતની 500 અને 1,000ની નોટોનું જથ્થાબંધ ઉત્પાદન શરૂ કરી દીધું. આ બનાવટી ચલણી નોટોનો ઉપયોગ કાશ્મીરમાં ‘પથ્થરમારો’ કરનારા ‘માસુમ’ આતંકવાદીઓને આર્થિક ‘મદદ’ આપવામાં થવા લાગ્યો. ભારતમાં પાકિસ્તાની આતંકવાદીઓની મદદ કરનારા સ્લીપર સેલના સભ્યોને ‘મદદ’ કરવામાં આ બનાવટી નોટોનો ઉપયોગ થયો. નેપાળમાંથી ભારતમાં ઘુસાડવામાં આવતી આ બનાવટી મોટોનો ખૂબ મોટો કારોબાર ઉત્તર પ્રદેશમાં થતો.
ઉત્તર પ્રદેશમાં 2002 થી 2017 સુધી પાપી અખિલેશ યાદવના મહાપાપી પિતા મુલાયમ સિંહ યાદવનું ગુંડારાજ હતું (જેમાં માયાવતી પણ ભાગીદાર હતાં). 2017માં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા એ પછી ક્રમશઃ યુપીના ગુંડારાજનો અસ્ત થવા લાગ્યો. મુસ્લિમપરસ્ત મુલાયમ સિંહ પોતાની વોટ બેન્કનેખુશ કરવા પાકિસ્તાનથી આવતી ભારતની બનાવટી ચલણી નોટોના વેપાર સામે કોઈ કડક પગલાં લેતા નહીં. આનો અંજામ શું આવ્યો ?
2006 પછી ભારતમાં પાકિસ્તાની આતંકવાદીઓને મોકળું મેદાન મળતું ગયું. સોનિયા ગાંધીની સરકારના ચિદમ્બરમ અને સમાજવાદના નામે ચરી ખાતા મુલાયમ સિંહના પાપે 2006ની સાલમાં સૌથી પહેલો મેજર બનાવ 11 જુલાઈના રોજ મુંબઈમાં બન્યો. સાંજે ભીડના સમયે મુંબઈની 7 લોકલ ટ્રેનોમાં બૉમ્બ ધડાકા થયા જેમાં 209 નાગરિકો માર્યા ગયા, 714 ઘાયલ થયા. એ પછી 2006માં જ 8 સપ્ટેમ્બરે માલેગાંવમાં બૉમ્બ બ્લાસ્ટ થયા જેમાં 40 મોત થયા, 125 ઘાયલ થયા.
2007ની 18મી ફેબ્રુઆરીએ હરિયાણા ખાતે સમઝૌતા એક્સપ્રેસમાં બૉમ્બ ધડાકા થયા જેમાં 70 નાં મોત થયાં અને 50 ઘાયલ થયા. 2007માં જ હૈદરાબાદ, લુધિયાણા, લખનૌ, વારાણસી અને ફૈઝાબાદ (અયોધ્યા)માં થયેલા બૉમ્બ ધડાકાઓમાં કુલ 70 વધુ લોકોએ જાન ગુમાવ્યાં અને 150 થી વધુ લોકો ઈજા પામ્યા.
2008માં જયપુરમાં 9 ઠેકાણે સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા. 71 માર્યા ગયા, 200 ઘાયલ થયા. એ જ વર્ષની આઠમી જુલાઈએ અમદાવાદમાં જૂની સિવિલ હોસ્પિટલ સહિત કુલ 17 ઠેકાણે બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકો માર્યા ગયા, 200 ઘાયલ થયા. 2008માં આ ઉપરાંત દેશમાં અનેક ઠેકાણે પાકિસ્તાની આતંકવાદીઓએ કાળો કેર મચાવ્યો જેમાં સૌથી મોટું નુકસાન 26/11ના રોજ મુંબઈમાં થયું—171 નો જીવ ગયો, 300 થી વધુ ઘાયલ થયા. સોનિયા-ચિદમ્બરમ-મુલાયમની સાઠગાંઠના પરિણામોનું લિસ્ટ ઘણું લાંબુ છે.
જે ચિદમ્બરમના પાપે પાકિસ્તાની આતંકવાદીઓને ભારતમાં મોકળું મેદાન મળ્યું તે જ ચિદમ્બરમને, 26/11 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટ બાદ શિવરાજ પાટીલની જગ્યાએ ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. આને કારણે એક તરફ ભારતનું નુકસાન થયું પણ બીજી તરફ નુકસાન અટક્યું. ચિદમ્બરમની જગ્યાએ નાણામંત્રી તરીકે 2009ના પહેલા મહિનામાં પ્રણવ કુમાર મુખરજીએ જવાબદારી સંભાળી અને એક જ વર્ષમાં એમણે ચિદમ્બરમવાળી પેપર સપ્લાય કંપની સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરીને આ બદનામ કંપનીને બ્લૅક લિસ્ટ કરી. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા સરકારને રિપોર્ટ મળ્યો હતો કે આ કંપનીને પાકિસ્તાન સરકાર સાથે ‘અનૈતિક સંબંધો‘ છે.
2012માં રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પ્રણવકુમાર મુખર્જીના નામની ઘોષણા થઈ. એમણે નાણામંત્રી તરીકે રાજીનામું આપ્યું. ચિદમ્બરમને ફરી નાણામંત્રી બનાવવામાં આવ્યા. ચિદમ્બરમે ભારત દ્વારા બ્લૅક લિસ્ટ કરવામાં આવેલી કંપની સાથે છિનાળુ કરીને ફરી કોન્ટ્રાક્ટ કર્યો. પાકિસ્તાનનો બનાવટી ભારતીય ચલણનો કારોબાર ફરી એકવાર ધમધોકાર શરૂ થઈ ગયો. દ લા રુ, ચિદમ્બરમ અને પાકિસ્તાન ની તિકડીને તોડવા 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનો નિર્ણય લીધો.
ચિદમ્બરમે 2006માં દ લા રુ સાથે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે જ મીડિયાએ આ સાંઠગાંઠવાળી વાત જાહેર કરવી જોઈતી હતી. પ્રણવકુમાર મુખરજીએ દ લા રૂને બ્લૅક લિસ્ટ કરી ત્યારે તો આ કંપનીનો ભૂતકાળ કેટલો ખરડાયેલો છે તેની વિગતો કાઢીને આખી કુંડળી દેશના વાચકો/ટીવી દર્શકો સમક્ષ મુકવી જોઈતી હતી. ચિદમ્બરમે 2012માં પાછા આવીને આ જ કંપનીને ફરી સપ્લાયનો કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે તો મીડિયા માટે અમૂલ્ય તક હતી—દેશદ્રોહીઓને ખુલ્લા પાડવાની. 2016માં નોટબંધી વખતે તો આ વાતને મીડિયાએ ભારત દેશ વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાની હતી.
પણ સિત્તેર વર્ષથી કૉન્ગ્રેસના ટુકડાઓ પર તગડું થયેલું મેઈનસ્ટ્રીમ મીડિયા ચુપ રહ્યું. ક્યાંક મામુલી ગણગણાટ થયો પણ એને દબાવી દેવામાં આવ્યો.
દેશની સરકારના નિર્ણયો, દેશની સંરક્ષણ વ્યવસ્થા વગેરે દેશનો પાવર ગણાય, દેશની તાકાત ગણાય. ફિલ્મો, શિક્ષણ, સાહિત્ય—આ બધું સોફ્ટ પાવર ગણાય, અદૃશ્ય તાકાત ગણાય. આ સોફ્ટ પાવરનું મહત્વ ડાબેરીઓ અને મુસ્લિમપરસ્ત નેતાઓ સારી રીતે સમજે છે. મોદીના આવ્યા પછી આ સોફ્ટ પાવર દેશપ્રેમીઓના હાથમાં આવી રહ્યો છે, ફિલ્મો દ્વારા આ અદૃશ્ય તાકાત દેખાઈ રહી છે. સોનિયા-ચિદમ્બરમ-પાકિસ્તાનની સાંઠગાંઠ વિશે મીડિયા ગળું ખોંખારીને ન કહી શક્યું તે વાત એક એકલા ફિલ્મકાર આદિત્ય ધરે ‘ધુરંધર’માં કરી અને કરોડો લોકો સુધી પહોંચાડી. પાકિસ્તાને નકલી નોટોવાળું કૌભાંડ ખુલ્લું પડી ગયેલું જોઈને પોતાના દેશમાં તો ‘ધુરંધર’ને બૅન કરી જ,પોતાના સાથી એવા છ ગલ્ફ કન્ટ્રીઝમાં પણ એના પર પ્રતિબંધ મૂકાવ્યો. ભારતમાં પાકિસ્તાનના ડાર્લિંગ જેવા કેટલાક બોલિવુડિયાઓ અને કેટલાક ફિલ્મ સમીક્ષકોનું દિલ તૂટી ગયું છે. એ સૌને ‘ધુરંધર’માં ભારતીય એજન્ટ હમઝા અલી મઝારી (રણવીર સિંહ)ના સ્થાનિક સાથી મોહમ્મદ આલમ (ગૌરવ ગેરા)નો આ ડાયલોગ સંભળાવવો જોઈએ. મોહમ્મદ આલમ કરાંચીના લિયારીમાં જ્યુસ-કોલ્ડ્રીંકની દુકાન ચલાવે છે. ફિલ્મમાં રણવીર સિંહ આ આલમ જ્યુસ સેન્ટરમાં પહેલીવાર પ્રવેશે છે ત્યારે ગૌરવ ગેરા બોલતો હોય છે: ‘ડારલિંગ ડારલિંગ, દિલ ક્યૂં તોડા! પી લો પી લો, આલમ દૂધ-સોડા!’
‘ધુરંધર’ 1,000 કરોડનો બિઝનેસ કર્યા પછી પણ ધીમી પડી નથી. એટલું જ નહીં 2026ની ઈદના દિવસે, 19મી માર્ચના ગુરુવારે ‘ધુરંધર’નો વધુ સ્ફોટક એવો બીજો ભાગ રિલીઝ થવાનો છે. બર્નોલનો જથ્થો ખૂટી જવાનો છે. હવે તો દૂધ-સોડાનો જ આશરો લેવો પડશે.
લાસ્ટ બૉલ
“ભાઈઓ અને બહેનો, ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંની નાગચૂડમાંથી છૂટવા માટે અમે નિર્ણય લીધો છે કે અત્યારે વપરાતી પાંચસો રૂપિયાની અને એક હજાર રૂપિયાની ચલણી નોટો આજ મધરાતથી, 8મી નવેમ્બર 2016ના રાતના 12:00 વાગ્યાથી, કાયદેસરનું ચલણ નહીં ગણાય. આનો અર્થ એ કે આજ મધરાત પછી આ ચલણી નોટો વ્યવહારમાં નહીં ચાલે. રાષ્ટ્રવિરોધી અને સમાજવિરોધી તત્વોએ સંઘરેલી પાંચસો અને હજાર રૂપિયાની નોટો માત્ર કાગળના નકામા ટુકડા બની જશે. પ્રામાણિક અને મહેનતકશ લોકોનાં હિત અને હક્કોની સંપૂર્ણપણે રક્ષા કરવામાં આવશે.”
—વડા પ્રધાન નરેન્દ્ર મોદી
(8 નવેમ્બર 2016 ના રોજ રાત્રે 8:00 વાગે વાગ્યે કરેલા ટીવી પ્રવચનમાં આ જાહેરાત થયાના સાડા ત્રણ સપ્તાહ બાદ પાકિસ્તાનમાં ભારતની નકલી નોટો છાપવાનો ધંધો કરનારા નામચીન ખાનાની બ્રધર્સમાંના જાવેદ ખાનાનીનું એક બંધાઈ રહેલા મકાન પરથી પડી જવાને લીધે રહસ્યમય ‘મૃત્યુ’ થયું છે એવા સમાચાર રવિવાર, 4 ડિસેમ્બર 2016ના રોજ પાકિસ્તાનના પ્રતિષ્ઠિત અખબાર ‘ડૉન’ દ્વારા આપવામાં આવ્યા હતા.)
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












