જે માર્ગે જતાં તમારો અંતરાત્મા ડંખે તે માર્ગનો ત્યાગ કરવાનો: સૌરભ શાહ

( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 6 એપ્રિલ 2025 )

મહાભારતના ઉદ્યોગપર્વના ૩૫મા અધ્યાયને આરંભે ધૃતરાષ્ટ્ર ફરી વિદુરને વિનંતી કરે છે, ‘હે મહાબુદ્ધિમાન, વિદુર! તું ફરીથી મને ધર્મયુક્ત અને અર્થવાળી વાત કહે. તારી પાસેથી અદ્‌ભુત વાણી સાંભળ્યા બાદ મને તૃપ્તિ થતી જ નથી. તું વિલક્ષણ વાતો કહે છે.’

આ અધ્યાયમાં વિરોચન-કેશિની સંવાદ છે. સુધન્વા-પ્રહ્લાદ સંવાદ છે. એમાં ફંટાયા વિના આપણે સીધા જ આગળ વધી શકીએ એમ છીએ. વિદુરજીએ જીવનમાં કેટલાંક ક્યારેય ન કરવાનાં અને કેટલાંક સદાય કરવાનાં કામોની યાદી આપી છે. આ ડુઝ ઍન્ડ ડોન્ટ્‌સનું દરેક વ્યક્તિએ પોતાના જીવનની પરિસ્થિતિ, પોતાના સંજોગો, પોતાના દેશ-કાળને અનુરૂપ પાલન કરવાનું હોય.

વિદુરજી કહે છે, ‘આટલી વસ્તુઓ વર્જ્ય (ત્યાગને યોગ્ય) ગણવામાં આવી છે: મદિરાપાન, કજિયો, અનેક સાથે વેર, પતિ-પત્ની વચ્ચે ફાટફૂટ પડાવવી, જ્ઞાતિમાં ભેદ પડાવવો, રાજા સાથે દ્વેષ, સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરાવવો અને નિંદનીય માર્ગ પર ચાલવું.’

ખાસ્સી લાંબી યાદી છે. મદિરાપાનને વર્જ્ય ગણ્યું છે કારણ કે ક્યારેક નશામાં તમે શું બોલી જતા હો છો, કેવું વર્તન કરી બેસતા હો છો તેનું ભાન ઘણાને નથી હોતું. જેઓ સંયમ રાખીને પીતા હોય તેઓ પણ ક્યારે અમુક કારણવશ સંયમ તોડીને પીવા માંડે તેની કોઈ ખાતરી નથી હોતી. માટે એનાથી દૂર રહેવું જ બહેતર. શારીરિક આરોગ્યને લગતા ફાયદાઓ અહીં નથી ગણાવ્યા.

કજિયાખોર વ્યક્તિ કોઈને નથી ગમતી. કજિયાનું મોં કાળું એવી કહેવત શું કામ પડી હશે? કજિયો હંમેશાં નુકસાન જ કરતો હોય છે. ઝઘડો કરે એને ફાયદો થયો હોય એવું ક્યારેય નથી બન્યું. આપણી ભાષામાં ‘કજિયાદલાલ’ નામનો એક શબ્દ છે. કોર્ટમાં કજિયો લડવાની ગોઠવણ કરી આપનાર દલાલને કજિયાદલાલ કહેવામાં આવે. વકીલ માટે તિરસ્કારમાં આ વિશેષણ વપરાય છે. કજિયા કરાવીને કે પછી કજિયો કરાવનારાઓની વચ્ચે મધ્યસ્થ બનીને કમાઈ ખાનાર લવાદને પણ કજિયાદલાલ કહેવામાં આવે છે. કજિયો હંમેશાં કંકાસ ઊભો કરે. કંકાસને કારણે ક્લેશ થાય અને આ ક્લેશને લીધે જિંદગી કકળાટમય બની જાય. મુંબઈના એક નામી ધારાશાસ્ત્રી અને મારા મિત્ર એવા સજ્જને જે સલાહ આપી હતી તે સૌની સાથે શેર કરું છું. તમે સાચા હો, તમને અન્યાય થઈ રહ્યો છે એવું લાગે, તમારો હક્ક ડૂબી જતો હોય તો પણ ક્યારેય સામેથી કોઈના પર કોર્ટકચેરીમાં દાવો નહીં માંડવો. જીત્યા પછી પણ તમે ઘાટામાં જ રહેવાના.

અનેક સાથે વેર. જેની ને તેની સાથે દુશ્મનાવટ બાંધતાં ફરીશું તો એક દિવસ એવો આવશે જ્યારે આ સમાજમાં તમે સાવ એકલા પડી જશો. નાની નાની બાબતોમાં સમાધાન કરતાં અને આગ્રહો-જીદ છોડતાં આવડવું જોઈએ. તમે સિદ્ધાંતવાદી છો, આદર્શવાદી છો, સત્યના માર્ગે ચાલનારા છો – સલામ તમને. પણ બધી બાબતોમાં તમારા આગ્રહો સાચવવા જતાં અનેકની સાથે વેર બાંધી બેસતા હો તો ચેતી જજો. વિદુરની આ સલાહ ગળે ઊતરે કે ન ઊતરે, એમણે કહ્યું છે એટલે સાચું જ કહ્યું હશે એવો વિશ્વાસ રાખીને આ સલાહ જીવનમાં ઊતારીએ.

પતિ-પત્ની વચ્ચે ફાટફૂટ પડાવવાનું કામ કુટુંબની નિકટની વ્યક્તિઓ જ કરતી હોય છે – પોતાનું વર્ચસ્વ વધારવા માટે. આવી નજીકની વ્યક્તિઓથી સાવધ રહેવું. ક્યારેક બહારનાઓ પણ આવો પ્રયાસ કરે – જ્યારે તેઓ તમારી પત્ની કે તમારા પતિ સાથે આડા સંબંધ બાંધવાની ખ્વાહિશ રાખતા હોય ત્યારે.

જ્ઞાતિમાં ભેદ પાડવાનો મતલબ ઉચ્ચનીચમાં માનવું નહીં. વ્યવસાયની દૃષ્ટિએ આપણી સંસ્કૃતિએ ચાર વર્ણો પર આધારિત વર્ણવ્યવસ્થાનો સ્વીકાર કર્યો તે ખરું પણ જ્ઞાતિભેદમાં આપણો સમાજ ક્યારેય નથી પડ્યો. વાણિયાનો દીકરો વાણિયો બને તેમાં શું ખોટું? આજેય ડૉક્ટરનો દીકરો ડૉક્ટર કે પછી સી.એ.ની દીકરી સી.એ. બનતાં જ હોય છે. અને હવે તો કોઈપણ વર્ણની વ્યક્તિ આઈ.એ.એસ. અફસરથી માંડીને રાષ્ટ્રપતિ બની શકે છે. વર્ણવ્યવસ્થાના નામે, મનુસ્મૃતિના નામે આપણા સમાજને ફટકારીને અનેક રાજકારણીઓએ સમાજના ભાગલા પાડ્યા, બે વર્ગોને આપસમાં બિલાડીની જેમ લડાવીને વાનરવેડા કર્યા. વિદુર એ જમાનામાં કહી ગયા કે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે ભેદ નહીં પાડવાનો. બીજો પણ અર્થ આમાંથી લેવાનો. પોતાની જ જ્ઞાતિમાં બે ભાગલા પડવા દેવાના નહીં. જ્ઞાતિજનોએ સંપીને રહેવાનું.

રાજા સાથે દ્વેષ નહીં રાખવાનો. રાજા એટલે શાસક. એની નીતિઓ સામે તમારો વિરોધ હોઈ શકે. તમારા પોતાના જ કામકાજ કે તમારી પોતાની વિચારસરણીને રાજાની નીતિઓને કારણે નુકસાન પણ થતું હોય ત્યારે સમજવાનું કે રાજા સમસ્ત રાજ્યના કલ્યાણ માટે કાર્યરત હોય છે – કોઈ ઈન્ડિવિજ્યુઅલ માટે નહીં. સમષ્ટિનું ભલું થતું હોય તો
એકલદોકલ વ્યક્તિએ ભોગ આપવો પણ પડે.

એક બીજી વાત અહીં ઉમેરવાનું મન થાય છે. અંગ્રેજોના જમાનામાં આપણે ત્યાં સાડા પાંચસોથી વધુ નાનાંમોટાં રાજ્યો હતાં જેમને એકત્રિત કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. આ દરેક રાજાએ દેખાડેલી રાષ્ટ્રનિષ્ઠા બદલ, પોતાના રાજ્યને ભારતમાં ભેળવી દઈને રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાના આશયથી એ સૌએ જે ત્યાગ કર્યો તે માટે તે દરેકને પોતપોતાના દરજ્જા મુજબ, દરેકની જરૂર મુજબનાં સાલિયાણાં સરદાર પટેલે બાંધી આપ્યાં હતાં. ભારત સરકાર સાથેના જોડાણના કાનૂની કરારમાં દરેકને સરકારી તિજોરીમાંથી વાર્ષિક કેટલું સાલિયાણું મળશે તેની નોંધ પ્રોપર સહીસિક્કા સાથે કરવામાં આવી.

પણ સમાજવાદના અંચળા હેઠળ ચાલતી તે વખતની સામ્યવાદી સરકારે આ તમામ કાનૂની કરારોને ૧૯૬૯માં એક ઝાટકે બંધારણીય સુધારો લાવીને રદ કર્યા. ભારતની ભોળી, નાસમજ પ્રજાને ખુશ કરવા માટે આ નાદાન અને ગેરવાજબી પગલું લેવાયું જેને તે વખતના વામપંથી મિડિયાએ ખૂબ બિરદાવ્યું. વાસ્તવમાં આ રાજાઓએ દાખવેલી રાષ્ટ્રનિષ્ઠાનો સરકારે કરેલો દ્રોહ હતો.

બીજી વાત. અંગ્રેજોના ઇતિહાસકારોએ તેમ જ એમના પછી આવેલા મુસ્લિમવાદી – સામ્યવાદી ઇતિહાસકારોએ ભારતના રાજાઓને ભોગવિલાસમાં રાચનારા, પ્રજાને લૂંટીને પોતાનો ખજાનો ભરનારા અને રાજકાજમાં અણઆવડત ધરાવનારા તરીકે જ ચીતર્યા. બે-પાંચ ટકા કદાચ હશે પણ ખરા. પરંતુ ભારતમાં પ્રતાપી રાજાઓ ઠેરઠેર પથરાયેલા. હજારો વર્ષ સુધી ભારતના વિવિધ પ્રદેશોના રાજાઓએ પોતપોતાના રાજ્યની પ્રજાઓનાં હિત સાચવ્યાં. પણ આપણે તો માત્ર રાજખટપટો જ થતી, અંદરઅંદર લડી મરતા એવી જ વાતો સાંભળી-વાંચી જેને કારણે આપણે આ રાજાઓએ કરેલાં પ્રજાલક્ષી કાર્યો તરફ હંમેશાં દુર્લક્ષ્ય સેવ્યું. અંગ્રેજ ઇતિહાસકારો અને વામપંથી હિસ્ટોરિયન્સે બહુ મોટું નુકસાન કર્યું.

રાજાશાહીને એનાં દૂષણો હશે તો હશે, લોકશાહીમાં પણ કેટલાંક દૂષણો છે જ. રાજાશાહીના કાળના શાસકોમાં અમુક નકામા શાસકો હશે તો આજે પણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ક્યાં વળી સારા શાસકો છે. આની સામે દિલ્હીના અમુક શાસકોના વખતમાં ભારતવર્ષ માટે અંધકારયુગ ચાલતો હતો ત્યારેય ગુજરાત સહિતનાં બીજાં કેટલાંક રાજ્યોમાં સારા શાસકો હતા જ. પણ સૌને એક લાકડીએ હાંકીને ભારતની બદનામી કરવી એ વામપંથીઓની ખાસિયત છે.

વિદુરજીએ સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરવાની પણ ના પાડી છે. અહીં આપણે આપણી રીતે ઈન્ટરપ્રીટેશન કરવું પડશે. સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરાવવો એટલે શું? પતિ-પત્ની વચ્ચે ફાટફૂટવાળી વાત તો આવી ગઈ. તો પછી હવે ફરીથી શું કામ એનો ઉલ્લેખ વિદુરજીએ કર્યો? સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભો કરવો એનો મતલબ એ કે સ્ત્રીઓ પુરુષ સમોવડી છે કે પછી પુરુષો સ્ત્રીઓ કરતાં ચડિયાતા છે કે નહીં એવા વિવાદો ઊભા કરવા નહીં. જે સમાજવ્યવસ્થા હજારો વર્ષથી ચાલી આવે છે તેનું સન્માન કરવું. વિદુરજીએ હજારો વર્ષ પછીના ભવિષ્યમાં આવનારી સ્ત્રી સ્વાતંત્ર્યની સમાજ માટે નુકસાનકારક પુરવાર થયેલી ઝુંબેશ જોઈ હશે? કદાચ. એટલે જ એમણે સ્ત્રી-પુરુષ વચ્ચે વિવાદ ઊભા કરાવવાની ના પાડી હોવી જોઈએ. સ્ત્રીઓનું સન્માન આપણી સંસ્કૃતિએ હજારો વર્ષથી કર્યું જ છે. એટલે જ યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતાઃની આપણી પરંપરાને આદર આપીને નકામા વિવાદો ઊભા નહીં કરવાની વિદુરજીએ વાત કરી.

અને છેલ્લે વિદુરજી નિંદનીય માર્ગ પર ચાલવાની ના પાડી. નિંદનીય માર્ગ ક્યો કહેવાય? જીવનમાં નિંદનીય માર્ગો તો ઘણા હોવાના અને પ્રશંસનીય માર્ગો પણ અનેક છે. પરંતુ વિદુરજીએ માર્ગોને બદલે એકવચન ‘માર્ગ’ કહ્યું છે. જો કોઈ એક જ માર્ગ ત્યજવાનો હોય તો તે આ છે: જે માર્ગે જતાં તમારો અંતરાત્મા ડંખે તે માર્ગનો ત્યાગ કરવાનો.

પાન બનારસવાલા

તમારી સાથે ચાલબાજી કરવા માગતા લોકોને તમે ઝીણામાં ઝીણી હકીકતો યાદ રાખીને જણાવશો ત્યારે એ તમારા પર ગુસ્સે થઈ જશે. એ લોકો તમને મૂંઝવણમાં મૂકીને ગૂંચવી નાખવાની કોશિશ કરતા હોય ત્યારે તમારી તીવ્ર યાદશક્તિ એમના કપટી ઇરાદાઓ પર પાણી ફેરવી દે છે.
—અજ્ઞાત

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here