( તડકભડક : ‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ. રવિવાર, ૩૦ નવેમ્બર ૨૦૨૫)
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત રાષ્ટ્રગાન ‘વંદે માતરમ્’ના સર્જનની દોઢસોમી જયંતિની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. ખબર છે? હા, ખબર છે.
‘વંદે માતરમ્’ કાવ્ય સૌપ્રથમવાર બંકિમચંદ્રની નવલકથા ‘આનંદમઠ’માં પ્રગટ થયું. ખબર છે? હા, એ પણ ખબર છે.
જે નથી ખબર કે જેના વિશે ઓછી ખબર છે એવી ત્રણ વાત છે.
પહેલી વાત. આજથી દોઢસો વર્ષ કરતાં વધુ સમય પહેલાં ભારતના સ્વાતંત્ર્ય સૈનિકો તરીકે અંગ્રેજો સામે લડનારા આપણા બહાદુર સાધુસંતોસંન્યાસીઓ હતા. આ લડતમાં એમણે જીવ પણ ગુમાવ્યો. આ હકીકતની નોંધ બહુ વ્યાપકપણે નથી લેવાઈ. સામાન્ય લોકો સુધી આ તથ્ય બહોળા પ્રમાણમાં પહોંચ્યું નથી કારણ કે ડાબેરી ઇતિહાસકારો/શિક્ષણકારોએ શાળાના પાઠ્યપુસ્તકોમાં આ પ્રકરણ મૂકાવા દીધું નહોતું. ‘આનંદમઠ’ નવલકથા ભારતના આ ઇતિહાસના બૅકગ્રાઉન્ડ પર લખાયેલી છે.
બીજી વાત. ભારતને માતા તરીકેની ઉપમા કોણે આપી? પત્રકાર-નવલકથાકાર-કવિ બંકિમચંદ્રે. શા માટે ભારતની ઓળખાણ માતા તરીકે એમણે પ્રગટ કરી તેની ઝલક આ લેખમાં ‘આનંદમઠ’ના એક પ્રકરણ વિશે ઉલ્લેખ આવશે ત્યારે મળશે.
અને ત્રીજી વાત. ગાંધીજીએ જેમનો ઉલ્લેખ ‘સત્યના પ્રયોગો’માં કર્યો છે તે ગુજરાતી ભાષાના પ્રોલિફિક સર્જક નારાયણ હેમચંદ્રે મૂળ બંગાળીમાંથી ‘આનંદમઠ’નો ‘સન્યાસી’ શીર્ષકથી 1888માં ગુજરાતીમાં અનુવાદ કર્યો. મૂળ નવલકથા પુસ્તક રૂપે પ્રગટ થઈ તેના છ જ વર્ષમાં ! તે વખતે નારાયણ હેમચંદ્રની ઉંમર તેંત્રીસેક વર્ષની. 1855માં જન્મેલા અને 1904માં 49 વર્ષનું આયુષ્ય પામીને ગુજરી ગયેલા નારાયણ હેમચંદ્ર બંગાળી પુસતકોનો ગુજરાતીમાં અનુવાદ કરનારા સૌપ્રથમ સાહિત્યકાર હતા એવું નોંધાયું છે. ‘આનંદમઠ’ના એ પછી ગુજરાતીમાં ઓછામાં ઓછા ત્રણ અનુવાદો થયા છે.

જોકે, બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરનારા જાણીતા સાહિત્યકારોએ— નિરંજન ભગત, શિવકુમાર જોષી, રમણલાલ સોની, શ્રીકાન્ત ત્રિવેદી, ભોળાભાઈ પટેલ કે બીજા મહાન સાહિત્યકારોએ—’આનંદમઠ’નો અનુવાદ ગુજરાતી વાચકો માટે કેમ ન કર્યો તેનું આશ્ચર્ય છે. અત્યારના જમાનામાં બંગાળી પરથી ગુજરાતીમાં અનુવાદ કરી શકે એવા અનુભવી અને વિદ્વાન સાહિત્યકારોની ખોટ સાલે છે.
નારાયણ હેમચંદ્ર ‘મહારાજ લાઇબલ કેસ’થી જાણીતા પત્રકાર કરસનદાસ મૂળજીએ લખેલા દેશાટન વિશેના નિબંધથી પ્રભાવિત હતા— એમને પણ કરસનદાસની જેમ વિદેશભ્રમણ કરવાની તલપ લાગી. પ્રવાસશોખીન નારાયણ હેમચંદ્રે ‘હું પોતે’ શીર્ષકથી લખેલી આત્મકથામાં આ પ્રવાસોનું બયાન વાંચવા મળે છે. કવિ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા(‘મંગલ મંદિર ખોલો’ ના રચયિતા)એ 1887માં પ્રગટ થયેલો પોતાનો સૌ પ્રથમ કાવ્યસંગ્રહ ‘કુસુમ માળા’ નારાયણ હેમચંદ્રને ‘સાધુ પુરુષ’ ગણાવીને અર્પણ કર્યો હતો.
ભારત સાધુસંતોની ભૂમિ છે. હજારો વર્ષ જૂની ભારતની સંસ્કૃતિની આજની તારીખે પણ દુનિયાભરમાં બોલબાલા છે તે સાધુસંતોને કારણે. મેસોપોટેમિયાની એટલે કે આજના ઈરાક અને ટર્કી, સિરિયા તથા ઈરાનનો કેટલોક ભાગ—સંસ્કૃતિ નષ્ટ પામી. આ ઉપરાંત યુનાન (ગ્રીક) અને રોમન જેવી બીજી ઘણી પ્રાચીન સભ્યતાઓનું નામોનિશાન મટી ગયું છે. વિધર્મીઓના આક્રમણોએ વિશ્વની કેટલીક ઉત્તમ સંસ્કૃતિઓનો ઘડોલાડવો કરી નાખ્યો. એકમાત્ર ભારતીય પરંપરા, સનાતન સંસ્કૃતિ ટકી રહી— વિદેશી આક્રમણખોરોએ એને નષ્ટ કરવાના લાખ પ્રયત્નો કર્યા છતાં ટકી રહી એટલું જ નહીં ઉતરોતર સમૃદ્ધ પણ થતી ગઈ. આના પાયામાં ભારતના સાધુસંતો છે. આ સાધુસંતોએ ધર્મ, અધ્યાત્મ અને શ્રદ્ધાના ક્ષેત્રોમાં જ નહીં દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક માળખાને તૂટતાં અટકાવવા માટે જીવ રેડી દીધો છે, બલિદાન પણ આપ્યું છે. ભારતની સ્વતંત્રતાના રક્ષણ માટે આ સાધુસંતોએ માતૃભૂમિને રક્તથી સિંચી છે.
વંદે માતરમ્ અને ‘આનંદમઠ’ વિશેની વાતમાં આગળ વધતાં પહેલાં એટલું યાદ રાખીએ કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે ભારત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કબજામાં હતું. આ સ્વાતંત્ર્ય સંગ્રામની અસર એ થઈ કે બ્રિટનને લાગ્યું કે આ દેશ પર જો મજબૂત રીતે બંધનો નહીં લાદવામાં આવે તો તે ફરીથી માથું ઊંચકશે અને વિદેશી લગામમાંથી મુક્ત થઈ જશે. એટલે 28 જૂન 1858ના રોજ ‘ધી ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ’ દ્વારા બ્રિટનની પાર્લામેન્ટે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કબજા માંથી ભારતને કાયદેસર પોતાની હકૂમત હેઠળ લાવી દીધું— ભારતનો વહીવટ બ્રિટનની સંસદના હાથમાં આવ્યો.
ઈસ્ટ ઈન્ડિયા કંપની ક્યારે ભારતમાં પ્રવેશી? સોળમી સદીમાં ભારતના મરીમસાલા અને કપાસ-રેશમ જેવી અન્ય ચીજવસ્તુઓના વ્યાપારની ઇજારાશાહી સ્પેન અને પોર્ટુગલે મેળવી લીધી હતી. આ મોનોપોલી તોડવા 31 ડિસેમ્બર 1600ના રોજ બ્રિટનમાં ઇસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. ક્રમશઃ આ કંપની આપણા દેશના રાજકારણમાં દખલગીરી કરતી થઈ. મોગલો સાથે સાંઠગાંઠ કરીને ભારતના મદ્રાસ, કલકત્તા તથા મુંબઈમાં થાણાં સ્થાપ્યાં. મોગલ સામ્રાજ્ય વિખેરાવા લાગ્યું ત્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ શસ્ત્રોની તાકાત વડે મદ્રાસ અને મુંબઈ ઉપરાંત બંગાળ પ્રેસિડન્સી રચીને પોતાની નાગચૂડ મજબૂત બનાવી.

બંગાળમાં 1770ની સાલમાં ભયંકર દુકાળ આવ્યો. દુકાળમાં અધિક માસની જેમ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1764માં લાદેલા જાલિમ કરવેરારૂપી લગાને સમગ્ર બંગાળની પ્રજાને બેહાલ કરી મૂકી.
ભારતના સાધુસંતોસંન્યાસીઓએ દુષ્કાળ દરમિયાન લગાનની આ પરિસ્થિતિની સામે અવાજ ઉઠાવ્યો. અંગ્રેજોએ આપેલા ‘સન્યાસી રિબેલિયન’ના નામે ઈતિહાસમાં દર્જ થયેલી બંગાળની આ ચળવળની પાર્શ્વભૂમિ પર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નામના પત્રકાર, નવલકથાકાર, કવિ તથા નિબંધકારે સત્ય ઘટના પર આધારિત એક નવલકથા લખી—’આનંદમઠ’. આ કંઈ રિબેલિયન કે બળવો નહોતો. અન્યાય સામેની લડત હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આ સંઘર્ષ દરમિયાન ૧૫૦થી વધુ નિર્દોષ સાધુસંતોસંન્યાસીઓની હત્યા કરી હતી.
બંકિમચંદ્રે 1872માં એક મૅગેઝિન શરૂ કરેલું— ‘બંગદર્શન‘. ‘આનંદમઠ’ નવલકથા આ સામયિકમાં હપતાવાર પ્રગટ થઈ. એ
ધારાવાહિક રૂપે લખાતી હતી ત્યારે, 1875ની 7મી નવેમ્બરે ‘વંદે માતરમ્’ કાવ્ય લખાયું. ભારતને માતા તરીકેની ઉપમા આપનાર બંકિમચંદ્રે લખેલું આ મહાન કાવ્ય સૌ પ્રથમવાર કોઈ સ્વતંત્ર કવિતા તરીકે નહીં પણ ‘આનંદમઠ’ નવલકથાના એક પ્રકરણમાં જ પ્રગટ થયું.
આ સંપૂર્ણ નવલકથા પુસ્તકરૂપે 1882માં આવી. બંકિમચંદ્રે આ ઉપરાંત બીજાં અનેક પુસ્તકો, નવલકથાઓ અને કવિતાસંગ્રહો લખ્યાં. એમની સૌથી જાણીતી કવિતા આજે ભારતનું રાષ્ટ્રગાન છે. એમની સૌથી પહેલી નવલકથા ‘રાજમોહનની પત્ની’ (1864) આજે પણ અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. આ પ્રથમ નવલકથા બંકિમચંદ્રે બંગાળીમાં નહીં, અંગ્રેજીમાં જ લખી હતી.
‘આનંદમઠ’ માત્ર બંગાળી જ નહીં ભારતીય સાહિત્યની ખૂબ અગત્યની નવલકથા છે. અંગ્રેજી અને હિંદી ભાષામાં કમ સે કમ અડધો ડઝન અનુવાદો આ મહાન નવલકથાના ઉપલબ્ધ છે. ગુજરાતીમાં બીજો અનુવાદ 1927માં પ્રસન્નવદન છ. દીક્ષિત દ્વારા કરવામાં આવ્યો એવી માહિતી જાણીતા ગુજરાતી વિદ્વાન વિવેચક અને સંશોધક દીપક મહેતા દ્વારા મળી છે. આ ઉપરાંત ‘આનંદમઠ’ના બીજા બે ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ છે—ઉર્વા અધ્વર્યુંએ કરેલો અનુવાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રગટ કર્યો હતો. કાશ્યપી મહા દ્વારા થયેલો અનુવાદ પણ બજારમાં મળે છે. જોકે, ગુજરાતીમાં આ ચાર ઉપરાંત ઓછામાં ઓછા બીજા એક-બે અનુવાદો થયા હોવા જોઈએ.
‘આનંદમઠ’ નવલકથા તરીકે તો રસપ્રદ છે જ અને દરેક રાષ્ટ્રપ્રેમી પાસે એની કોઈ પણ ભાષાની નકલ ઘરમાં હોવી જોઈએ પણ ‘આનંદમઠ’નું જે અમુલ્ય ઘરેણું છે તે એના કથાનકમાં આવતું મહાન કાવ્ય છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નવલકથાના એક પ્રકરણમાં લખે છે :
‘સંન્યાસી ભવાનંદ હસમુખો અને મિતભાષી બની ગયો. જાણે ઘણું બધું કહેવા માટે ઉત્સુક વાચાળ. ભવાનંદે મહેન્દ્રની સાથે વાત કરવાના ઘણા પ્રયત્ન કર્યા પણ બધું જ વ્યર્થ, મહેન્દ્ર કશું બોલ્યો નહીં. એટલે લાચાર ભવાનંદે ગાવાનું શરૂ કર્યું—
વંદે માતરમ્
સુજલાં સુફલામ્
મલયજ શીતલામ્
શસ્ય શ્યામલામ્
માતરમ્
‘ગીત સાંભળીને મહેન્દ્રને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને કશું જ સમજાયું નહીં. ‘સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ શસ્ય શ્યામલામ્ માતા કોણ છે?’ તેણે પૂછયું , ‘આ માતા કોણ છે?’ ઉત્તર આપ્યા વિના જ ભવાનંદ ગાવા લાગ્યો :
શુભ્ર જ્યોત્સના
પુલકિત યામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલ શેભિનીમ્
સુહાસિનીં સુમધુર ભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્
મહેન્દ્રે કહ્યું, ‘આ છબી તો દેશની છે, માની નહીં. આ મા ક્યાં છે?‘
ભવાનંદ કહે : ‘અમે બીજી માને માનતા નથી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી… અમે માનીએ છીએ કે જન્મભૂમિ જ જનની છે. અમારે મા નથી, બાપ નથી, ભાઈ નથી, બંધુ નથી, પત્ની-પુત્ર નથી, ઘરબાર નથી. અમારે બસ એ જ સુજલામ્ , સુફલામ્, મલયજ શીતલામ્, શસ્ય શ્યામલામ્…’
મહેન્દ્ર સમજી ગયો. ભવાનંદે કહ્યું, ‘તો પછી ગાઓ…’ ભવાનંદ ફરી ગાવા લાગ્યો :
‘સુજલામ્ સુફલામ્
મલયજ શીતલામ્…’
અને હવે નવલકથાકાર બંકિમચંદ્ર કવિ બનીને અહીં ‘વંદે માતરમ્’ના ચારે ચાર બંધનો સંપૂર્ણ પાઠ મૂકે છે.
‘વંદે માતરમ્’ના ત્રીજા-ચોથા બંધમાં દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખો છે. આ બે અંતિમ બંધ શા માટે રાષ્ટ્રગાન તરીકે નથી ગાવા એવું નક્કી થયું કે પછી માતા તરીકે ભારતની મહત્તા સ્થાપિત કરતા પ્રથમ બે બંધ પણ અમે નહીં ગાઈએ એવું કહીને કૉન્ટ્રોવર્સી ઊભી કરનારાઓ વિશે ચર્ચા કરવા માટે એક અલગ લેખ લખવો પડે.
‘આનંદમઠ’ નવલકથા પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. 1952માં આ નવલકથા પરથી હેમેન ગુપ્તાએ હિંદી ફિલ્મ બનાવી તે પહેલાં સતીષ દાસગુપ્તાએ 1951માં બંગાળી ફિલ્મો બનાવી હતી. હેમેન ગુપ્તાની હિંદી ફિલ્મ શરૂ થતાં જ જે ટાઈટલ્સ આવે છે તેમાં ‘આનંદમઠ’ ફિલ્મ જેમની નવલકથા પરથી આધારિત છે તે ‘આનંદમઠ’ના લેખક બંકિમચંદ્રનું નામ ભારે આદરપૂર્વક ‘ઋષિ બંકિમચંદ્ર’ તરીકે લખવામાં આવ્યું છે. હેમંતકુમારના સંગીતથી શોભતી અને હેમંતદા અને લતાજીના સ્વરમાં ગવાયેલી ‘વંદે માતરમ્’ની તર્જ હજુય સૌને યાદ છે એવી આ ફિલ્મ મલ્ટી સ્ટારર હતી : પૃથ્વીરાજ કપૂર, પ્રદીપકુમાર, ભરત ભૂષણ, અજીત અને ગીતા બાલિ. યુ ટયુબ પર ઉપલબ્ધ છે.
અભિનેત્રી કાજોલ અને રાની મુખરજીના દાદા સશધર મુખરજીએ પોતાના સાળા અભિનેતા અશોકકુમાર સાથે 1943માં સ્થાપેલા ફિલ્મિસ્તાન સ્ટુડિયોએ ‘આનંદમઠ’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. મુંબઈના ઉપનગર ગોરેગાંવમાં એસ.વી. રોડ પર આવેલી પાટકર કૉલેજની સામે પાંચ એકરમાં ફેલાયેલા ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં સંગીતકાર મદનમોહનના પિતા રાયબહાદુર ચુનીલાલ પણ ભાગીદાર હતા.
જેમણે આ સંસારનો, સંસારનાં તમામ બંધનોનો, સાંસારિક સુખો અને સંબંધોનો ત્યાગ કર્યો છે એવા સાધુસંતોસંન્યાસીઓએ આપણને શીખવાડ્યું છે કે ખરો સંબંધ, ખરું સુખ, ખરું સૌંદર્ય આપણી માતૃભૂમિ સાથે જ સંકળાયેલું છે. ભારતના આ સંસ્કારને એક નાનકડા કાવ્યમાં આટલી સુંદર ભાષા-અભિવ્યક્તિમાં ઉજાગર કરવાની પ્રેરણા મા સરસ્વતીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા પત્રકાર-કવિ-નવલકથાકારને આપી.
2025-2026નું વર્ષ આ મહાન કાવ્યરચનાની સાર્ધશતાબ્દીનું વર્ષ છે. હજુ અગિયાર મહિના છે આપણી પાસે. આ ગાળામાં આપણે હિંદી, અંગ્રેજી કે ગુજરાતીમાં (શક્ય હોય તો મૂળ બંગાળીમાં) ‘આનંદમઠ’ વાંચીએ અને વંચાવીએ જ, ઉપરાંત ‘વંદે માતરમ્’ ના ચારે ચાર બંધ કંઠસ્થ કરીને ‘જનગણમન‘ જેટલા જ આદરથી, ભાવપૂર્વક, મનનચિંતન સાથે ગાતા થઈ જઈએ.
વંદે માતરમ્.
પાન બનારસવાલા
ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ બિહારિણી
વાણી વિદ્યાદાયિની ત્વામ્
નમામિ કમલાં અમલાં અતુલામ્
સુજલાં સુફલાં માતરમ્
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો













