સરદાર પટેલ વિના ભારતનો 40 ટકા વિસ્તાર ભારતમાં ન હોત : સૌરભ શાહ

(ગુડ મૉર્નિંગ : ‘ન્યુઝપ્રેમી ડૉટ કૉમ’. શુક્રવાર, 31 ઑક્ટોબર 2025)

(૩૧ ઑક્ટોબર ૨૦૨૫: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ આ નિમિત્તે આજથી શરૂ થતી સૌરભ શાહ લિખિત પાંચ ભાગની લેખશ્રેણીમાં વાંચો સરદાર, નેહરુ અને ગાંધીજી વિશેની એવી કેટલીક ઐતિહાસિક વાતો જે ક્યારેય આપણને અભ્યાસક્રમમાં ભણાવવામાં નથી આવી.)

સરદાર વલ્લભભાઈ પટેલે ભારતનાં 562 નાનાં-મોટાં રાજ્યોને સામ-દામ-દંડ-ભેદની નીતિથી, પોતાની આગવી કોઠાસૂઝથી અને ચાણક્યનીતિથી સ્વતંત્ર ભારતમાં ભેળવી ન દીધાં હોત તો આજે જે ભારત છે તેમાંથી લગભગ અડધું જ હોત. 562 દેશી રાજ્યોનો કુલ વિસ્તાર અંદાજે છ લાખ ચોરસ માઈલ જેટલો અથવા તો ભારતના કુલ વિસ્તારનો 40% જેટલો હિસ્સો હતો. આ રાજ્યોની વસ્તી અંદાજે 8 કરોડ જેટલી હતી. ભાગલા પછીના ભારતની વસ્તી અંદાજે 34 કરોડ હતી.

કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢને ભારતમાં ભેળવતાં સરદારે લોઢાના ચણા ચાવવા પડ્યા હતા એ ઇતિહાસ વત્તેઓછે અંશે આપણને સૌને ખબર છે. જેના વિશે ભાગ્યે જ ખબર છે એવા કેટલાક માથાભારે દેશી રાજ્યોની વાત, સરદારની 150મી જન્મજયંતિની ઉજવણીના અવસરે કરવી છે.

મજાની વાત જુઓ કે તમામ 562 રાજ્યોમાંથી જેણે ભારત સાથે જોડાવાનું નક્કી કર્યું તે સૌપ્રથમ રાજ્ય ગુજરાતનું હતું અને જેણે સૌથી વધુ ત્રાગાં કર્યાં, વારંવાર જુઠ્ઠાં વચનો આપીને સરદારનો દ્રોહ કર્યો તે પણ ગુજરાતનું જ એક રાજ્ય હતું.

ભાવનગરના મહાન મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભારતમાં વિલીન થઈ જવાની માગણીને દેશમાં સૌપ્રથમ સ્વીકારી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પહેલાં તો માર્ગદર્શન માટે ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને સરદાર પટેલ પાસે મોકલ્યા. ભાવનગરનું રાજ્ય બધી રીતે સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્ય હતું. સૌરાષ્ટ્રના તમામ રાજ્યોમાં સૌથી વધુ આવક ધરાવતું હતું. મહારાજાએ કોઈ સોદાબાજી કર્યા વિના એમને જે સાલિયાણું (પ્રિવી પર્સ) ઑફર કરવામાં આવ્યું તે વિનમ્રતાપૂર્વક સ્વીકારી લીધું.

અહીં એક વાતનો ઉલ્લેખ જરૂરી છે. સરદાર પટેલ જાણતા હતા કે તમામ નાનાં-મોટાં દેશી રાજ્યોના રાજાઓ કે શાસકોનાં માનપાન જળવાય તો જ આ રાજાઓ ભારતમાં વિલીનીકરણ માટે રાજી થાય. અનેક પેઢીઓથી રાજા તરીકેનો દબદબો, મોભો તથા વૈભવી લાઈફસ્ટાઈલ રાતોરાત છીનવાઈ ન જાય તો જ તેઓ ભારતમાં ભળી જવા તૈયાર થાય. આ માટે તેઓને બ્રિટિશ વખતથી મળતી તોપોની સલામી (21 કે પછી એથી ઓછી) તેમજ હિઝ હાઈનેસનું સંબોધન વગેરે મળવાનું ચાલુ રહે તે જરૂરી હતું. પોતપોતાના રાજ્યની પ્રજામાં આ રાજાઓ પૂજનીય ગણાતા. મર્જરને કારણે રાતોરાત આ રાજાઓ કૉમનમૅન બની જવાના હતા. સરદારે એમના માનમોભાને અકબંધ રાખવાનું સાંત્વન આપ્યું હતું છતાં ૧૯૪૮ની ૨૨મી જાન્યુઆરીના દિવસનું એક વર્ણન વાંચતી વખતે આજની તારીખે પણ તમે લાગણીશીલ થઈ જાઓ. ભાવનગરના મહારાજાએ જે પહેલ કરી તે પછી નવાનગર (જામનગર)ના જામસાહેબને અને ત્યારબાદ સૌરાષ્ટ્રના બધા રાજાઓને સરદાર પટેલ સમજાવી શક્યા. આ સૌ રાજાઓ 1948ની 22 જાન્યુઆરીએ રાજકોટ ખાતે ભેગા થયા. વિલીનીકરણના દસ્તાવેજો પર એમણે સહીઓ કરી. રાજકોટમાં આ રાજાઓની મનોવેદના પ્રગટપણે જોઈ શકાતી હતી. એનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે: ‘પોતાનો ગૌરવશાળી વારસો ગુમાવતી વખતે રાજાઓને દિલ હચમચાવી નાખે તેવી વેદના થતી હતી તે સ્પષ્ટ દેખાતું હતું. મહિનાએક પહેલાં આમાંના કોઈ રાજાએ કલ્પના પણ નહોતી કરી કે રાજગાદી અને સમગ્ર રાજ્યની હકુમત કાયમ માટે ગુમાવી દેવાનો વખત આવશે. કેટકેટલી પેઢીઓથી, બાપ-દાદા-પરદાદાના જમાનાથી અને ક્યાંક તો સાત-સાત પેઢીઓથી પોતાનાં કુટુંબને જે વારસાગત રાજાશાહી, શ્રીમંતાઈ, સત્તા, પ્રતિષ્ઠા વગેરે મળતું રહ્યું તે પલક ઝપકતાં જ અદ્રશ્ય થઈ જવાનું હતું. આ સૌ રાજાઓએ સરદાર પટેલની આમાન્યા રાખીને હિંમતપૂર્વક પોતપોતાનાં રાજ્યો ભારત દેશને મજબૂત બનાવવા માટે સમર્પિત કરી દીધાં હોવા છતાં એમના મનની તીવ્ર વેદના તેમના ચહેરા પર ઉપસી આવતી હતી.’

સૌરાષ્ટ્રના તેમજ સમગ્ર દેશના અન્ય રાજ્યોના રાજા-મહારાજાઓનું ગૌરવ જળવાય તે માટે સરદારે ખૂબ જ સૂઝપૂર્વક એમને ભારત સરકાર તરફથી વાર્ષિક સાલિયાણું મળે તેવા લેખિત કરાર કર્યા. અનેક રાજાઓની માગણી હતી કે તેમનાં રાજ્યોની વાર્ષિક આવકના 20% જેટલી રકમનું સાલિયાણું તેમને મળે. ઉપરાંત તેમનાં સંતાનોનાં લગ્ન પ્રસંગો પોતાના અગાઉના માનમોભા મુજબ ઉજવી શકાય તે હેતુથી તેમ જ તેમના કુટુંબના અન્ય ખર્ચાઓને પહોંચી વળી શકાય તેટલી રકમ વધારામાં આપવી.

આ માગણી વ્યવહારુ કે વાજબી નહોતી. સરદારે પ્રિવી પર્સ માટે એક ફોર્મ્યુલા તૈયાર કરી. તે મુજબ રાજ્યની પ્રથમ પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવકના 15%, એ પછીના બીજા પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવકના 10% અને 10 લાખથી વધારે વાર્ષિક આવકના સાડા સાત ટકા જેટલું સાલિયાણું આપવાનું થતું. કોઈપણ સંજોગોમાં રૂપિયા દસ લાખથી વધુનું સાલિયાણું કોઈ રાજાને નહીં મળે તેવું નક્કી થયેલું. ભારતનાં અમુક રાજ્યોની વાર્ષિક આવક કરોડો રૂપિયાની હતી એટલે કોઈક પ્રકારે એક નિશ્ચિત ફૉર્મ્યુલા જરૂરી હતી જેથી સાલિયાણાની વધુમાં વધુ રકમની મર્યાદા બાંધી શકાય. જોકે, આ ફૉર્મ્યુલામાં સંજોગો અનુસાર બાંધછોડ પણ થઈ જેથી કોઈનું મનદુખ ન થાય. એટલું જ નહીં જે રાજ્યોમાં પ્રજાનાં સેવાકાર્યો માટે ઘણી મોટી રકમ ખર્ચાતી તેવાં રાજ્યોને દાન-ધર્માદાની પ્રવૃત્તિ માટે સાલિયાણામાં અમુક રકમ ઉમેરી આપવામાં આવતી જેથી જેઓ રાજા મટી ચૂક્યા છે તેવા પરગજુ અને પ્રજાવત્સલ શાસકો પોતાના ભૂતપૂર્વ રાજ્યના લોકોની સુખાકારી માટેનાં કાર્યો ચાલુ રાખી શકે. કમનસીબે ઇન્દિરા ગાંધીએ ૧૯૬૯માં સરદાર પટેલના નેતૃત્વમાં ભારત સરકારે આપેલી લેખિત બાંહેધરીનાં ચીંથરાં ઉડાવ્યાં. ગરીબી હટાવવાના નાટકના એક ભાગ રૂપે ઇન્દિરા ગાંધીએ રાજાઓને અપાતાં સાલિયાણાં બંધ કર્યાં.

***

શું સરદાર પટેલે કરેલાં કામની નેહરુને ઈર્ષ્યા થતી હતી? તપાસ કરીને નક્કી કરવું પડે. સરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહરલાલ નહેરુ વચ્ચેના મતભેદો વિશે પણ આપણે વાત કરવી છે. ઓથેન્ટિક સોર્સીઝને ક્વોટ કર્યા વિના, માત્ર મનઘડંત વાતોથી ઇતિહાસની જાણકારી મળતી નથી.

આપણે શાળા-કૉલેજોમાં ભારતનો જે ઇતિહાસ ભણી ગયા તે આઝાદી પછી નહેરુએ જેમને છુટ્ટો દોર આપેલો તે લેફ્ટિસ્ટો દ્વારા લખાયેલો. આ ડાબેરીઓ કે સામ્યવાદીઓ તે આજના સેક્યુલરવાદીઓઆ વામપંથી ઇતિહાસકારો ભારતદ્વેષી હતા અને જુલમી મુસ્લિમશાસકોની ચાપલૂસી કરનારા હતા. ભારત વિશેની બદબોઇ કરવાની તેઓને મઝા આવતી. ભારતીય પરંપરામાં સોએ બે વાત અયોગ્ય હોય તો એને બઢાવી-ચઢાવીને, રજનું ગજ કરીને એવી રીતે મૂકશે જેથી બાકીની 98 સારાઇઓ ઢંકાઇ જાય અને એ બે નકામી વાતો જ સતત બધે હાઇલાઇટ થતી રહે. આથી ઊલટું, તેઓ મોગલશાસન કે બ્રિટિશશાસનની સોમાંથી બે જ વાતો સારી હોય અને બાકીની 98 વાતો એમણે કરેલાં શોષણ, અન્યાયોની હોય તો પેલી બે સારી વાતોને એવી રીતે રજૂ કરશે કે બાકીની 98 બદમાશીઓ ઢંકાઇ જાય. સામ્યવાદી ઇતિહાસકારોએ ભારતની આઝાદી પછી જન્મેલી પેઢીઓના દિમાગમાં એવું ભૂસું ભરી દીધું છે કે સાફસૂફી કરતાં હજુ ઘણો વખત નીકળી જશે. આ ઇતિહાસકારોએ વીતેલાં વર્ષો દરમ્યાન ભારતનું એટલું મોટું અહિત કર્યું છે કે એ દરેકને વીણી વીણીને જાહેરમાં ફાંસીને માંચડે ચડાવવામાં આવે તો પણ પાપ ન લાગે. જે ઇતિહાસકારો કબરમાં પોઢી ગયા છે એમને પણ બહાર કાઢી કાઢીને આવી સજા થવી જોઇએ એવું હું પ્રામાણિકપણે માનું છું.

આટલું બેકગ્રાઉન્ડ બાંધીને આ શ્રેણી વિશે કેટલીક માહિતી આપવા માગું છું. સરદારના કામને, એમના વિચારોને તથા ગાંધીજી-નહેરુ સહિતના સમકાલીન રાજનેતાઓ વિશેના એમના વિચારોને જો આપણે તટસ્થતાપૂર્વક જાણવા હોય તો એનો સૌથી મોટો ઓથેન્ટિક સોર્સ એમણે લખેલા તેમ જ એમના પર લખાયેલા પત્રો છે.

સરદારનાં તમામ પત્રોને ભેગાં કરીને તેનું સંપાદન કરવાનું કામ ઓરિજિનલી વિખ્યાત પત્રકાર દુર્ગા દાસે કર્યું. 1972થી 1974 દરમ્યાન 10 દળદાર અંગ્રેજી ગ્રંથોમાં એનું પ્રકાશન થયું. આ 10 ગ્રંથોમાંથી પસંદ કરેલા પત્રોનું સંકલન સરદારના સચિવ વી. શંકરે કર્યું. આ સંકલન કુલ 1300 જેટલાં પાનાંમાં બે ભાગમાં પ્રગટ થયું. અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં અને હિન્દીમાં પણ આ બેઉ ભાગો પ્રગટ થયા છે. ગુજરાતીમાં યશવંત દોશી જેવા વિદ્વતાભરી કલમ ધરાવતા અભ્યાસુ ગદ્યસ્વામીએ અન્ય બે અનુવાદકોની સાથે એનો અનુવાદ કર્યો જે ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશન સંસ્થા ‘નવજીવન’ દ્વારા 1977માં પ્રગટ થયો. મારી પાસે આ પહેલી આવૃત્તિ છે જેમાંથી યોગ્ય સંદર્ભ સાથે આ શ્રેણીમાં સરદારને અને સરદારને પત્ર લખનારાઓને ટાંકી રહ્યો છું. એક સમયે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ દૈનિકના ચીફ એડિટર તરીકે ખ્યાતિ પામેલા દુર્ગા દાસે જે ૧૦ અંગ્રેજી વૉલ્યુમમાં સરદારનો સમગ્ર પત્રવ્યવહાર એકત્રિત કર્યો તે પણ ‘નવજીવન’ દ્વારા પ્રગટ થયો છે. કુલ ૫,૦૦૦ જેટલાં આ પાનાંઓમાં ભારતીય ઇતિહાસના સૌથી નિર્ણાયક તબક્કાની દુર્લભ વિગતો ધરબાયેલી છે. હું અત્યારે જે એક દીર્ઘ સમય લેનારા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું તેના એક ગ્રંથનું એક પ્રકરણ આ દસ વોલ્યુમમાં પથરાયેલા સરદારના પત્રવ્યવહાર પર આધારિત છે. મેં આ મહિનાના આરંભે અમદાવાદસ્થિત ‘નવજીવન’માં અન્ય કેટલાક પુસ્તકો ઉપરાંત સરદારના પત્રવ્યવહારના આ દસ વોલ્યુમના સેટનો ઑર્ડર મૂક્યો. આ ગ્રંથો મળ્યા પછી એનો અભ્યાસ કરતાં ખ્યાલ આવ્યો કે આમાં તો ધાર્યા કરતાં ઘણો મોટો ખજાનો છે.

સરદારની કામગીરી વિશે જાણવાનો બીજો મહત્ત્વનો ખૂબ જાણીતો સોર્સ છે સરદારના સેક્રેટરી વી.પી.મેનને લખેલાં બે પુસ્તકો : ‘ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રેશન ઑફ ઇન્ડિયન સ્ટેટ્સ’ જેમાં સરદારે 550થી વધારે નાનાં મોટાં રાજ્યોને કેવી રીતે એક સૂત્રે બાંધ્યા તેની સવિસ્તર કહાણી છે. વાંચવામાં દિલધડક લાગે એવી શૈલીથી લખાયેલું આ પુસ્તક છે. બીજુ પુસ્તક છે ‘ટ્રાન્સફર ઑફ પાવર’ જેમાં ભારતને આઝાદી મળી, ભારતના ભાગલા પડ્યા એ દિવસો દરમ્યાન અંગ્રેજોએ તથા ભારતીય રાજનેતાઓએ જે ભૂમિકા ભજવી એનું બયાન છે. આ બંને પુસ્તકો અંગ્રેજીમાં આસાનીથી ઉપલબ્ધ છે.

સરદાર વિશે હજુ વધારે ઊંડા ઊતરવું હોય તો ‘ગાંધીજીનો અક્ષરદેહ’ અથવા ‘ ધ કલેક્ટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી’નાં એકસો ગ્રંથો તેમ જ ડી. જી. તેન્ડુલકર તથા પ્યારેલાલે લખેલાં પુસ્તકો તથા મહાદેવ દેસાઈની ડાયરીઓ અને મનુબહેન ગાંધીની રોજનીશીનાં પુસ્તકો રીફર કરવાં જોઇએ. સાથોસાથ નહેરુનાં પુસ્તકોનો સંદર્ભ પણ મેળવવો જોઇએ. સરદારને ‘સેક્યુલર’ ચીતરતા કેટલાંક બકવાસ પુસ્તકો ગુજરાતી બાળલેખકો દ્વારા પ્રગટ થયાં છે જેને ગટરમાં પધરાવી દેવાં જોઇએ. ડાબેરી વિચારસરણીવાળા આવા લેખકોને પૂછવું જોઇએ કે જો સરદાર ખરેખર તમે ચીતરો છો એવા ‘સેક્યુલર’ હતા તો કૉંગ્રેસે શા માટે એમને 70 વર્ષ સુધી નિગ્લેક્ટ કર્યા.

શા માટે સરદાર, ગાંધીજી, નહેરુની ત્રિપુટી સફેદ ગાદી પર બેસીને ચર્ચામાં મશગૂલ છે એવું અતિ ફેમસ ચિત્ર જ્યારે 1985માં મુંબઇમાં ભરાયેલા કૉંગ્રેસના 100મા અધિવેશનમાં મૂકવામાં આવ્યું ત્યારે એમાંથી સરદાર ગાયબ હતા – માત્ર નહેરુ -ગાંધી જ કેમ હતા? હવે જ્યારે બિન કૉંગ્રેસી સરકાર કૉંગ્રેસના જ એક પાયા સમાન ભારતના શિલ્પીના કાર્યને રેક્ગ્નાઇઝ કરી રહી છે ત્યારે તમને શું કામ પેટમાં દુખે છે? સરદારનું લોખંડી વ્યક્ત્વિ નહેરુના ડગુમગુ દિમાગ દ્વારા લેવાતા નિર્ણયોથી તદ્દન વિપરીત હતું. સરદાર ભારતની જમીન સાથે જોડાયેલા હતા. નહેરુનો ભારત માટેનો દૃષ્ટિકોણ ‘એનો રસોઇયો પણ ગરીબ’, ‘એનો ડ્રાઇવર પણ ગરીબ’ જેવો હતો જે એમની દીકરીમાં ઊતરી આવ્યો, દીકરીના દીકરામાં ઉતરી આવ્યો, દીકરીના દીકરાના દીકરામાં પણ ઊતરી આવ્યો. સરદારના કામથી પ્રેરાઇને રાજકારણ તરફ આકર્ષાયેલી એક આખી પેઢી આજે ભારતનું સંચાલન કરી રહી છે, સરદારની વિરાટ પ્રતિમા બનાવીને સરદારને સમગ્ર ગુજરાતના જ નહીં, સમગ્ર ભારતના પણ નહીં, સમગ્ર વિશ્ર્વના તખ્તા પર મૂકી રહી છે. કૉંગ્રેસીઓને પેટમાં એ બળે છે કે આવો કોઇ વિચાર પોતાને નહેરુ માટે કેમ નહીં આવ્યો.

સરદારના પત્રોમાંથી નહેરુનું વ્યક્તિત્વ કેટલું સંકુચિત અને વામણું હતું તે તો પુરવાર થાય છે જ, સરદારના પત્રોમાંથી એ પણ પુરવાર થાય છે કે ભારતના ખરા દીર્ઘદૃષ્ટા સરદાર હતા, નહેરુ નહીં. નહેરુ માત્ર સ્વપ્નો જોયા કરતા. સરદાર વાસ્તવિકતા સાથે તાલ મિલાવીને દરેક સમસ્યાના ઉકેલ માટે ઝઝૂમતા રહ્યા.

આઝાદી મળ્યા પછીના વર્ષની વાત છે. ગાંધીજીની હત્યાના વીસેક દિવસ પહેલાં સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નેહરુ સાથેના પોતાના મતભેદો વિશેની એક નોંધ ગાંધીજીને મોકલી હતી અને એ નોંધની નકલ ખુદ પંડિતજીને એક કવરિંગ લેટર સાથે મોકલી હતી.

આ પત્રની કન્ટેન્ટ વિશે કાલે વાત. અને હા, સરદાર પટેલ માટે માથાનો દુઃખાવો પુરવાર થયેલાં કેટલાંક પ્રતિષ્ઠિત રાજ્યોના રાજાઓની વાત પણ કાલે કરીએ. અને ગુજરાતના એક મોટા સ્ટેટના અડબંગ રાજાએ સરદાર પટેલ જેવા વિચક્ષણ રાજનેતાની સાથે કેવી કેવી બદમાશ હરકતો કરી તેની વાત પણ કરીએ જેથી ખબર પડે કે સરદારે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પોતાના જીવનનાં અંતિમ ૧,૦૦૦ દિવસોમાં આ દેશને એક કરવાના હેતુથી કેટલું મોટું બલિદાન આપ્યું છે.

• • •

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ

મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.

‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.

જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.

‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.

દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.

વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.

‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.

આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)

તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:

BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis

Net Banking / NEFT / RTGS-

Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings

A/c No. : 33520100000251

IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)

Branch Pin Code : 400076

તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.

આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.

તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.

જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.

સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).

HiSaurabhShah@gmail.com

Twitter.com/hisaurabhshah

Facebook.com/saurabh.a.shah

• • •

ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here