(ગુડ મૉર્નિંગ: સોમવાર, ૭ નવેમ્બર ૨૦૨૨)
(ગુજરાતી પ્રકાશકોમાં અગ્રણી એવા ગૂર્જર ગ્રંથ કાર્યાલયે કેટલાક લેખકો પાસે પોતાના વતન વિશે લખાવીને એક સુંદર પુસ્તક પ્રગટ કર્યું હતું — ‘વહાલું વતન’. એમાં છપાયેલો મારો લેખ અહીં થોડા એડિટિંગ સાથે પ્રસ્તુત છે.)
પંકજ ઉધાસ ‘નામ’માં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. હું દેશ છોડીને પરદેશ ગયો નથી — સિવાય કે એક વાર. પણ પરદેશમાં વસતા ગુજરાતીઓ પોતાના હ્રદયના છાને ખૂણે કઈ તરસને પંપાળતા હશે તેની કલ્પના કરી શકું છું.
વતનનો વિરહ સૌ કોઇને હોવાનો. એલેક્સ હેઈલીએ ‘રૂટ્સ’ નામની કથામાં પોતાની સોળ પેઢીઓ વિશે સંશોધન કરીને રોમાંચક ગાથા વર્ણવી છે.

ઉનાળાની ઢળતી બપોરના એકાંતમાં મુંબઈ બારિયા બહુ યાદ આવે. દેવગઢ બારિયા. આ સાથેની તસવીરમાં તમે જેમની સાથે મને જુઓ છો તે મારા નટુકાકા છે. મારા દાદાના ખાસમખાસ દોસ્તાર. આ તસવીર પંદરેક વર્ષ પહેલાંની છે. નટુકાકાએ એ પછી થોડાંક જ વર્ષમાં સેન્ચ્યુરી ફટકારી અને કોરોના વખતે ૧૦૫ વર્ષની ઉંમરે એમણે વિદાય લીધી. અમારી જેમ એ પણ બારિયાના, પછી મુંબઈના. મુંબઈમાં પણ અમારાં કુટુંબો બાજુ-બાજુના મકાનમાં રહેતાં. નટવરલાલ સી. શાહ ઉર્ફે નટુકાકા પાસેથી, મારા દાદાઓ અને કાકાઓ પાસેથી તેમજ મારા પૂજ્ય પપ્પા પાસેથી જે વાતો સાંભળીને ઉછર્યો છું તે બધી જ દિલમાં સંઘરાયેલી છે.

* * *
“આજ રાત્રે… જયદીપ ટૉકીઝના… રૂપેરી પડદા પર… ભવ્ય રજૂઆત પામે છે…” હાથલારી પર ત્રિકોણાકારમાં બે પાટિયાં ઠેલી જતો વૃદ્ધ દેવગઢ બારિયામાં શુક્રવારે રિલીઝ થતી ફિલ્મની જાહેરાત કરતો. ચબૂતરા શેરીમાંથી પસાર થતો ત્યારે અમે ઘરની બહાર નીકળીને એની પાછળ દોડતા. તે વખતના આમિર-સલમાન-શાહરૂખ સમા જિતેન્દ્રની ‘ફર્ઝ’ જેવી બ્લૉક બસ્ટર ફિલ્મ આવવાની હોય તો હાથલારીને બદલે ઘોડાગાડીમાં પ્રચાર થતો. સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ છાપેલાં લાલ કાગળિયાં પણ વહેંચાતાં.
દેવગઢ બારિયા પંચમહાલનું પેરિસ ગણાતું. યુરોપના લોકો પેરિસને ફ્રાન્સનું દેવગઢ બારિયા ગણે છે કે નહીં એની ખબર નથી. પણ ‘નેશનલ જ્યોગ્રાફિક’ના જૂના અંકોના ફોટાઓમાં કે અંગ્રેજી ફિલ્મોમાં જોયેલા પેરિસ કરતાં પણ બારિયા મને વધારે રૂપાળું લાગતું.
પાદરે આવેલાં જયદીપ ટૉકીઝ અને જિમખાના દેખાય એ પહેલાં જ તમારી આસપાસના સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયેલું દેવગઢ બારિયા તમને ઘેરી વળે. રણછોડજીનું મંદિર, તળાવ, બેટ અને ટાવર. પેલી તરફ પાનમ નદી અને સામે દેખાતો દેવગઢ ડુંગર. ‘શોલે’ જેવી એક આદર્શ હિંદી ફિલ્મના સેટ માટે જરૂરી એવાં તમામ લોકેશન એક સાથે તમને મળી જાય — એક પાણીની ટાંકી સિવાય.
મારા જન્મના આઠેક મહિનામાં જ, ડિસેમ્બર ૧૯૬૦માં, મારા પિતા મુંબઈ સ્થાયી થયા. મારી જિંદગી આ પચરંગી મહાનગરમાં વીતી. આ રીતે જોઈએ તો મારું વતન મુંબઈ ગણાય પણ મુંબઈ મારી નવી પેઢીનું વતન બનશે. મારા માટે ઉનાળા-દિવાળીની રજાઓમાં જ્યાં જવાનું ફરજિયાત હતું તે બાપદાદાનું ગામ દેવગઢ બારિયા મારું વતન છે. કોઈ પૂછે કે તમે મૂળ ક્યાંના, તો તરત જીભે એક જ જવાબ ચડતો.

મૂળ અમે દેવગઢ બારિયાના. સૌરભ અશ્વિન, અશ્વિન વાડીલાલ, વાડીલાલ સબુરદાસ, સબુરદાસ છગનલાલ, છગનલાલ કુબેરજી, કુબેરજી અંદરજી, અંદરજી? અંદરજીના પિતાનું નામ કુટુંબમાં કોઈને ખબર નથી. નાના હતા ત્યારે મજાકમાં કહેતા કે અંદરજી બહારજી.
કુબેરજી અંદરજીની સાતમી પેઢીએ તલ્કીનજી સૌરભજી અને આત્મિનજી સૌરભજીનાં નામ આવે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં છગનલાલ કુબેરજી ખાનદેશ છોડીને દેવગઢ બારિયામાં વસ્યા. કયું ખાનદેશ? ખબર નથી. ગૂગલ અર્થના નકશામાં બારિયાની નજીકના વિસ્તારોમાં ત્રણ ખાનદેશ દેખાડે છે જેમાંનું એક ડાકોર નજીક છે. અમારું કુટુંબ વાણિજ્ય કરનારું વણિક કુટુંબ. કહો કે અમે વાણિયા. દેશદેશાવર વેપાર માટે વહાણમાં સફર ખેડનારા વહાણિયા–વાણિયા ગણાયા. કુટુંબમાં અંદરજીની કેટલી પેઢી પહેલાંના બાપદાદાઓ વહાણિયા બન્યા હશે, શ્રીજીબાવા જાણે.
છગનલાલ કુબેરજી વેપાર કરવા બારિયા આવ્યા ત્યારે ૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થઈ ગયો હતો, ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિકના અધિપતિ અને કવિ ‘નર્મદ’ના પત્રકારમિત્ર કરસનદાસ મૂળજી પર ચાલેલા ઐતિહાસિક ‘મહારાજ લાયબલ (બદનક્ષી) કેસ’નો ચુકાદો પણ આવી ચૂક્યો હતો. ‘નર્મદ’નું ‘ડાંડિયો’ જોરશોરથી શરૂ થઈને ચાલુ-બંધ, ચાલુ-બંધ થવા માંડ્યું હતું અને દૂર પોરબંદરમાં કરમચંદને ત્યાં મોહનનો જન્મ પણ થઈ ચૂક્યો હતો. એવા એ કાળમાં છગન કુબેર ખાનદેશ છોડીને વેપાર કરવા બારિયા શું કામ આવ્યા?ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. વાતની શરૂઆત મોહમ્મદ બેગડાથી કરવી પડશે.

મોહમ્મદ બેગડાએ અઢારમી સદીના સાતમા દાયકાની આસપાસ પાવાગઢની તળેટીએ આવેલા રાજા પતાઈ રાવળના ચાંપાનેરના રાજ્યને લૂંટીને જીતું લીધું. રાજા પતાઈ રાવળનાં એક રાણી પોતાનાં બે સંતાનોને લઈને દૂરનાં જંગલોમાં જતાં રહ્યાં. આ બે સંતાનો મોટાં થયાં જેમાંના મોટા ભાઈ પૃથુરાજના પુત્ર ઉદયસિંહે છોટાઉદેપુરની સ્થાપના કરી. નાના ભાઈ ડુંગરસિંહે ઈ.સ. ૧૭૮૨માં દેવગઢ બારિયા વસાવ્યું. દેવગઢ નામના ડુંગરની તળેટીએ રાજમહેલ બનાવ્યો અને બારિયાનું રાજ્ય સ્થાપ્યું. છોટાઉદેપુર અને દેવગઢ બારિયાના આંતરિક નકશામાં આજે પણ તમને ઘણું સામ્ય જોવા મળશે. મહારાજા ડુંગરસિંહના વંશજોએ બાર પેઢી સુધી સ્ટેટ ઑફ બારિયા પર સત્તા ભોગવી.
ડુંગરસિંહના અવસાન પછી એમના પૌત્ર રાજા માનસિંહ, ઈ.સ.૧૮૬૪માં, સગીર વયે ગાદી પર આવ્યા. પ્રગતિશીલ વિચારો ધરાવતા આ રાજવીએ એ જમાનામાં બારિયા જેવા આદિવાસી વિસ્તારમાં અંગ્રેજી કેળવણી શરૂ કરી, કુમારશાળા-કન્યાશાળા-છાત્રાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી. ઉપરાંત પોલીસદળ, ન્યાયતંત્ર અને મહેસૂલ ખાતા માટેના વહીવટી માળખાં ઊભાં કર્યા.
આ દૂરંદેશી રાજા માનસિંહ ગાદી પર આવ્યા તેનાં થોડાંક વર્ષ બાદ એમણે બારિયાનો વિકાસ કરવાની યોજના વિચારી. રાજાને સલાહ મળી કે બારિયા રાજ્યનો વિકાસ કરવો હોય તો વાણિયાઓને વસાવવા જોઈએ. વાણિયાઓ વેપારધંધો કરશે તો રાજ્ય આર્થિક સમૃદ્ધિ પામશે. પણ પંચમહાલના એ ગાઢ જંગલમાં ધંધો કરવા આવે કોણ? હિંસક પશુ ઉપરાંત તીરકામઠાં લઈને ફરતી કોળી-ભીલની વસતિનો પણ ભય… એટલે સાહસિક વેપારી જ અહીં આવવાની હિંમત કરે.
છગનાલાલ કુબેરજી વેપાર કરવા દેવગઢ બારિયા આવીને વસ્યા ત્યારે એમને રાજા માનસિંહે ત્રણ સગવડો આપી. એક, ગામમાં ઘરથાળ (ઘર બનાવવાનો જમીનનો પ્લૉટ)ની મોકાની જમીન વારદીઠ એક પાઈ કે એવી જ કોઈક પ્રતિક કિંમતે મળી. બારિયાનું અમારું ત્રણ માળનું ઘર એટલું મોટું કે રોજની સાફસફાઈ કરાવતાં ઘરની વહુ-દીકરીઓ થાકી જતી. બે, વેપાર કરવા માટે રાજ્ય તરફથી વગર વ્યાજે ત્રણ વર્ષ માટે રૂપિયા પાંચ હજારની મૂડી, જે રકમ હપ્તે હપ્તે રાજની તિજોરીને પરત કરી દેવાની. ઓગણીસમી સદીના એ પાછલા દાયકાઓમાં આટલી રકમનું મૂલ્ય આજના રૂપિયા પચાસ લાખ કરતાં વધુ હતું. (જે વેપારી હપતા ભરવામાં પોતાની દાનત ખોરી કરે એનું ઘર ખાલી કરીને સળગાવી મૂકવામાં આવતું. બારિયામાં એક વાણિયાનું ઘર આ રીતે રાજ્ય દ્વારા બાળી નાખવામાં આવ્યું હતું એવી વાયકાઓ સાંભળી છે.) ત્રીજી સવલત છગનલાલ કુબેરજી જેવા વેપારીઓને રાજ્ય દ્વારા જે મળતી તે સૌથી ચડિયાતી હતી: બારિયા સ્ટેટના સાત મહાલ (વિસ્તારો-તાલુકાઓ) માંથી જે વિભાગમાં ધંધો કરવો હોય ત્યાં રાજ્ય તરફથી સંપૂર્ણ પોલીસરક્ષણ મળે અને એ વિસ્તારનાં ગામડાંઓમાં વેપાર કરવાની એકહથ્થુ સત્તા મળે યાને ઈજારાશાહી–મૉનોપોલી– ત્યાં તમારા સિવાય બીજું કોઈ તમારા ધંધાની હરિફાઈ કરવા આવી શકે નહીં.
છગનલાલ કુબેરજીએ બારિયા નગરથી થોડા માઈલ દૂર સાગટાળા-ડભવાનાં અંતરિયાળ ગામોની મૉનોપોલી લીધી હતી. વનવાસીઓ લાકડું, ગુંદર અને બીજી જંગલઊપજ વેચે અને કરિયાણું, કાપડ, અનાજ જેવી જીવનજરૂરિયાતની ચીજો ખરીદી જાય. પ્રસંગતહેવારે રોકડ રકમની જરૂર પડે ત્યારે ચાંદીનાં ઘરેણાં પેઢીમાં જમા કરાવીને ઍડવર્ડ આઠમા અને જ્યોર્જ પંચમની છાપના રોકડા રૂપિયા ગાંઠે બાંધીને લઈ જાય.
છગનલાલ કુબેરજીનો ધંધો સબુરદાસ છગનલાલે વિકસાવ્યો. સબુરદાસ મારા દાદાના પિતા જેમનું તૈલચિત્ર આજે પણ મારા સ્ટડીરૂમમાં મોભાના સ્થાને છે. મારા નાના દીકરા આત્મિનદાસ સૌરભલાલની મુખરેખાઓ સબુરદાદાને મળતી આવે છે.
બીજા વિશ્વયુદ્ધના આરંભના ગાળામાં, ૧૯૪૦ના ફાગણ સુદની અગિયારસે સબુરદાસ છગનલાલ શાહ ૫૧ વર્ષની વયે લીલી વાડી મૂકીને દેવ થયા. ત્રણ પુત્રો અને બે પુત્રીઓના આ પિતાએ પૌત્રોને રમાડીને સંતોષથી છેલ્લ શ્વાસ લીધા. સબુરદાસના સૌથી મોટા પૌત્ર અશ્વિન વાડીલાલ મારા પિતા. વાડીદાદાના મોટાભાઈ રમણલાલ સબુરદાસ, જે દેવગઢ બારિયાના નગરશેઠ બન્યા અને વાડીદાદાથી નાના કાન્તિલાલ સબુરદાસ જેમણે દેવગઢની તળેટીએ જૂના રાજમહેલની જગ્યામાં એ સમગ્ર પંથકની સૌથી પહેલી કૉલેજ કે.એસ.શાહ કૉમર્સ કૉલેજ શરૂ કરાવી. કાન્તિદાદાએ શાહ કન્સ્ટ્રકશન્સ લિમિટેડ નામની પબ્લિક લિમિટેડ કંપનીના નેજા હેઠળ મુંબઈમાં નરિમાન પૉઈન્ટ પરની ઍર-ઈન્ડિયાના હૅડક્વાટર્સવાળી ૨૩ માળની ઈમારત બાંધી, એલ. આઈ.સીનું વડું મથક, મહારાષ્ટ્રનું સચિવાલય, વરલી પર શાહ હાઉસ તેમજ સુરતમાં તાપી નદી પરનો નહેરુ બ્રિજ તથા કોયના ડેમ અને બોકારો સ્ટીલ પ્લાન્ટ જેવાં પ્રતિષ્ઠિત જાહેર બાંધકામો ઊભાં કરવામાં ફાળો આપ્યો.
સબુરદાદાએ મૃત્યુનાં પાંચેક વર્ષ પહેલાં, ૧૯૩૫ની લાભ પાંચમે જે વસિયતનામું બનાવ્યું હતું તેની નકલ મને વાડીદાદા ગુજરી ગયા પછી બારિયાના અમારા ઘરમાંથી મળી. સબુરદાદાએ ગામડાંના ધંધા ઉપરાંત બારિયામાં પણ પેઢી ખોલી હતી અને ઑઈલ મિલ શરૂ કરી હતી. સબુરદાદા એમનાં ત્રણેય સંતાનો માટે વિલમાં શું લખીને ગયા તેની વાત કરીને આવતીકાલે પુરું કરીએ.
• • •
તાજા કલમ: તમને આમાં મઝા પડી રહી છે? તો કમેન્ટ બોક્સમાં તમારી લાગણી કેમ નથી લખતા! તમારા હોંકારા વગર અંધારામાં તીર ચલાવવા જેવું લાગે છે!
—સૌ.શા.
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો














દેવગઢબારિયા ખાતે વર્ષ ૧૯૬૪ માં યુવરાજ સુભગસિહજી આર્ટસ કોલેજની સ્થાપના થઇ હતી. ( Y. S. Arts College ). ત્યાં મને નિમંત્રણથી સર્વ પ્રથમ અર્થશાસ્ત્ર ( Economics ) ના લેક્ચર તરીકે નિમણૂક આપી હતી. મારી જાણ મુજબ તે બાદ કોલેજના નામમાં ફેરફાર થયો હતો. હાલમાં હું જોઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ કમિશનર, ગુજરાત રાજ્ય, તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહું છું.
કૌશિક સી. કોઠારી.
મોબાઈલ નં. ૯૮૭૯૭૫૭૭૫૮.
Where is Part-2 ?
Will post soon with good many pictures. It’s ready.
Thank you for sharing such a Interesting story about my Vatan Devagadh Bariya. I m Ami Daughter of Ajitbhai Manilal Gandhi. We also listened many such stories from my father.
We will plan to go and wondering this place.
Thanks Ami, do visit your ancestral town. It’s the most beautiful place in the world!
Very old memories. Rarely such details are available for more than 4 generations
સોલિડ સ્મૃતિ સઁગ્રહ માનવું પડે વોણિયાઓને 😊👌👌🙏🌹
Very nostalgic.So many families in our ancient land have such fascinating history. Hope Atminji Saurabhji and Talkinji Saurabhji and their progeny too will maintain their ties with their ancestral town
Let’s hope so.
Dear Saurabh,
It’s been a long time, nice to read your article about Devghad Baria. We were neighbours and we grew up at A Dinathwadi. I used to frequently visit Natukaka’s apartment in E Building with your Ajit Kaka. I shed tears in remembering those golden years and the time we spent together. Really nice to see you back in action which makes a reminiscent and sweet journey down the memory lane.
Love and best regards
Sunil Shah
S/O Late Ghanshyam Mahasukhlal Shah and
Jayaben Ghanshyam Shah
Thank you, Sunil for sharing those fond memories and regards to everyone in the family.
Really it’s.super duper artical of devgadh baria we are stayed there 25,years back even though.wr always love of baria people also maha kala every evening visited at our oil Mii sancha Gali every night sitting with .a.v.shah,gokaldas parikh my father with maha kala I having a silver coin given from maha kala day before yesterday I .visited baria. baria is going to be a very much change therefore lot of love baria thanks and regards Nitin sheth
Thanks for the comment, Nitinbhai!
Saurabhbhai
Well composed article.
My grandfather Mahasukhram Ambaram Mistry and my father Bhalabhai Mahasukhram (until he shifted to Bombay) lived at Hathi Khana. My grandfather was a civil contractor with Baria State and constructed many public works, I am not sure but had heard since childhood that SR High School was constructed by him.
My father Bhalabhai Mahasukhram was a freedom fighter and was imprisoned by Britishers at Sabarmati Jail, he was then a minor of 14 years. The British Judge looking at his age and before sentencing him at Dahod court gave my father an option of pardoning him, if he promised not to take part in freedom struggle. My father of course refused to apologise and accepted imprisonment. His imprisonment at Sabarmati Jail was treacherous for his age.
His name was inscribed on large marble plaque at the Baria Court premises, but from last few years I have not seen that plaque, maybe the authorities had it removed and trashed it.
My father after independence shifted to Bombay and started working with Shah Construction Ltd, where he worked as civil engineering supervisor for 60 rupees salary per month. He was involved in construction of Santacruz airport, Petit Hall skyscraper at Nepeansea Rd, many flyovers and railway bridges. He worked for 7/8 years with Shah Construction Ltd and later started his own construction firm. He had very good terms with Shri Kantibhai Shah.
Thank you, Sanjaybhai for sharing precious memories!
Your details about Itihas, literally simple words,
depths in describing incidents etc., makes me read your articles.
What surprised me how a boy from trader community, entered another world and captured the hearts of millions!
My eldest sister, 89 at present, was born there and so I had a distant interest !
Thanks 🙏, JaiShriKrishna.
Ashokbhai, thanks for your comment.
Mara nana magan mulji darji, bank of baroda ni same (Tamara padoshi)ane mara mama navnitlal maganlal darji hal retaired forest officer ,hal rahe 6 D.bariya.
Yes, I remember him pretty well. He was a noble soul. By the way the bank is SBI.
I loved every piece of it. As I am son of Saburdada’s daughters Kumur & Leela. Leelaben gave me birth & Kumudben adopted me.
Thoroughly enjoyed it.
લેખમાં સમયનો તાળો બેસતો નથી લાગતો. મુરબ્બી છગનલાલ કુબેરજીએ વીસમી સદીની શરુઆતમાં વિદાય લીધી હશે અને તેઓ ચાંદીના ઘરેણાં ને બદલે એડવર્ડ સાતમા + જ્યોર્જ પાંચમાના સિક્કાઓ વાપરતા હશે, ૧૯૩૬ માં એકજ સાલ રહેલા એડવર્ડ આઠમાંના નહીં.
તમારી વડિલોની વાતો વાગોળવી પિતૃતર્પણ કરવા સમાન છે. ધન્યવાદ.