( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 20 ઑગસ્ટ 2025)
એક મોડી સાંજે પિક્ચર જોઈને તમે પાછા વળી રહ્યા છો. ઘરની નજીક પાન ખાઈને સિગારેટ સળગાવીને રસ્તા પર ચાલો છો ત્યાં જ પાછળથી એક કાર આવે છે. એનો રિયરવ્યૂ મિરર તમારા હાથ સાથે અથડાયો. કાર આગળ નીકળી ગઈ. ટક્કરને કારણે તમારા હાથમાંની સિગારેટ નીચે પડી ગઈ. તમને ગુસ્સો આવ્યો. કાર વનવે સ્ટ્રીટમાં ખોટી રીતે ઘૂસી હતી. ધીમે ચાલતી હતી. એટલે તમે દોડીને એને રોકી શક્યા હોત. અને ઝઘડો કરી શક્યો હોત. કાર ડ્રાઈવર અનાડી હોત તો પોતાની ભૂલ કબૂલ કરીને સૉરી કહેવાને બદલે તમારા પર બગડ્યો હોત: રસ્તા પર શું કામ ચાલે છે, આટલી મોટી ફૂટપાથ તો છે. સામે તમે દલીલ કરી હોત: એક તો વનવે સ્ટ્રીટમાં ખોટી રીતે ઘૂસવું છે અને ઉપરથી દાદાગીરી કરવી છે? લાંબી જીભાજોડી થઈ હોત. સિગારેટ પીવાની મઝા તો બગડી જ હતી, ‘સૈયારા’ જોવાની મઝા પણ કિરકિરા થઈ ગઈ હોત.
વાંક એનો જ હતો. તમારા કોઈ વાંક વિના એણે તમારી સિગારેટની મઝા બગાડી હતી.
જિંદગીમાં નાની મોટી અનેક બાબતોમાં આવું બનતું રહેતું હોય છે. તમારો વાંક ન હોય તે છતાં કોઈ તમને હેરાન કરી જાય. શું કરવું આવા વખતે? વર્ષોની મથામણ પછી તમે એવી કોશિશ કરો છો કે આવું કંઈ બને ત્યારે બહુ મન પર નહીં લેવાનું. સામાન્ય રીતે, આપણે જો સાચા હોઈએ તો ‘હું શું કામ સહન કરું’ એવું માનીને આપણે વાતનું વતેસર કરતાં હોઈએ છીએ, પણ અનુભવે સમજાય છે કે આ વતેસર તમારા ઈગોને કારણે સર્જાય છે, વાતને પ્રેસ્ટિજ ઈશ્યૂ બનાવી દેવાને કારણે વતેસર થાય છે.
તમારા કોઈ વાંક વિના કોઈ તમને નડવાની કોશિશ કરતું હોય ત્યારે તમારે એને સામો જવાબ આપવાને બદલે એ પરિસ્થિતિમાંથી દૂર હટી જવાનું હોય એવું હું માનતો થયો છું. ગણવા જ બેસશો તો તમારી આસપાસ એવી પચાસ વ્યક્તિઓ/ પરિસ્થિતિઓ દેખાશે જે તમને વગર વાંકે નડતી હશે. સિનેમામાં ટિકિટ કાઉન્ટર પર તમે પાંચસોની નોટ આપી અને પેલાએ દસ દસની થોડીક નોટો તમને પાછી આપી પણ સો-સોની ના આપી. કદાચ જાણી જોઈને નહીં આપી હોય. તો પણ તમારે એનું ધ્યાન દોરીને પૂરા પૈસા પાછા લઈ લેવાના, એની સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી.
થિયેટરમાં કોઈનું બાળક રડતું હોય તો એક વખત એનું ધ્યાન દોરીને ચૂપચાપ ફિલ્મ જોવામાં મન પરોવી લેવાનું. પછી પણ બાળક રડતું રહે તો ‘કેવી જાહિલ, ગંવાર પ્રજા છે’ એવો બળાપો કાઢતા રહેશો તો નુકસાન કોનું થવાનું છે? તમારું જ. પેલા યંગ પેરેન્ટ્સનો વાંક છે કે નાના છોકરાને તેઓ થિયેટરની બહાર લઈ જવાને બદલે બીજા સેંકડો લોકોની મઝા બગાડે છે, તમારી મઝા પણ બગાડે છે. શું કરશો? તમે એને પેરન્ટિંગના પાઠ ભણાવવા જશો? તમારો હેતુ અહીં પિક્ચર માણવાનો છે કે બીજાઓને પેરન્ટિંગના પાઠ ભણાવવાનો છે? થાય એવું, ક્યારેક કોઈનું બાળક રડે પણ ખરું. તમારે અકળાવાનું ચાલુ રાખીને બાકીના પિક્ચરની તમારી મઝા શું કામ બગાડવાની?
આ જ વાત છે. જિંદગીમાં તમારો હેતુ શું છે? મારે હિસાબે દરેક વ્યક્તિનો હેતુ એનું પોતાનું કામ છે, જે કામ હોય તે. ફેક્ટરી ચલાવવાથી માંડીને લખવા સુધીનાં હજારો કામ છે. આમાંથી તમારું જે કામ છે એની આડે કોઈ આવે છે? બહુ જ બારીકીથી જોશો તો કોઈ તમારા કામની આડે નથી આવતું. ફેક્ટરીમાં કોઈ સ્થાનિક મવાલી તહેવારની ઉજવણી વખતે ચંદો માગવા આવે કે સરકારનાં ડઝન ખાતાઓના નોકરિયાતો તમારી પાસે હપ્તો માગવા આવે તો ઈટ્સ અ પાર્ટ ઑફ યૉર બિઝનેસ. તમે એ બધાંને પાઠ ભણાવવા જશો તો ફેક્ટરી ક્યારે ચલાવશો? એને બદલે એ બધાને તમારી રીતે ટેકલ કરતા રહેશો તો પ્રોડક્શન પર, માર્કેટિંગ પર, ફાઈનાન્સ પર, લેબર પ્રોબ્લેમ્સ પર સારી રીતે ધ્યાન આપી શકશો.
કૌટુંબિક પ્રશ્ર્નોને લીધે ઘણાની વ્યાવસાયિક જિંદગી ખોરવાઈ જાય છે એવી ફરિયાદ છે. કુટુંબ છે તો પ્રશ્ર્નો રહેવાના, સમાજમાં રહો છો તો સમાજના પ્રશ્ર્નો રહેવાના અને શહેરની કોર્પોરેશન સામે, સરકાર સામે તમારી અસંખ્ય ફરિયાદો રહેવાની. આ ફરિયાદો જ ડિસ્કસ કરતાં રહીશું, એમાં જ સમય-શક્તિ રેડતાં રહીશું તો કામ માટે ટાઈમ-એનર્જી ક્યાંથી બચશે? રસ્તા પર ક્યાંક ખાડાઓ છે તો છે, સિસ્ટમમાં કોઈ ભ્રષ્ટ છે તો છે, શાકવાળાઓ મોંઘા ભાવે માલ વેચે છે અને રિક્ષાવાળાઓ ટૂંકા અંતરે આવવાની ના પાડવાનીય દરકાર નથી લેતા, સીધું મોઢું જ ફેરવી લે છે. મનમાં કેટલી ફરિયાદો સંઘરીશું.
મને એમ લાગે છે કે આપણને જ્યારે આપણા પોતાના કામમાં બહુ રસ નથી પડતો ત્યારે આપણે પારકી પંચાત વધારે કરીએ છીએ. કામમાં ઓતપ્રોત હોઈએ ત્યારે અર્જુનને માત્ર પંખીની આંખ દેખાતી એમ આપણને બીજું કશું નથી દેખાતું. કોઈ મારા કામની આડે આવે છે એવું માનવું એક બહુ મોટું બહાનું છે. આપણે આપણી નાકામી ઢાંકવા બીજાનો વાંક કાઢીએ છીએ ત્યારે નુકસાન અંતે તો આપણું જ થાય છે, કારણ કે આપણી નાકામીનું ખરું કારણ આપણે જાણી શકતા નથી.
કોઈને નડે નહીં એવું નૈતિક અને કાયદેસરનું કામ કરવું હોય ત્યારે તમારી જિંદગીની આડે કોઈ આવતું નથી. આવે છે એવું લાગે તો એ તમારો દૃષ્ટિભ્રમ છે. નાની મોટી વાતોમાં વિઘ્નો આવતાં હોય ત્યારે એ તમામ વિઘ્નોને ટેકલ કરતાં કરતાં, ક્યારેક અવગણીને કે ક્યારેક એને શરણે થઈને કે ક્યારેક એની સાથે ડીલ કરીને તમે તમારા ચોક્કસ લક્ષ્ય તરફ આગળ વધી જ શકો છો, એમાં કોઈ શંકા નથી.
આપણી પ્રગતિની આડે કોઈ આવતું હોય તો આપણી પોતાની જ જાત છે. આપણી અણઆવડત અથવા તો અશિસ્ત અથવા તો વધુ પડતી આકાંક્ષા અથવા તો કામચોરી અથવા તો ઓછું આપીને વધુ લઈ લેવાની વૃત્તિ અથવા તો બીજાઓ સાથેની સરખામણી અથવા તો આપણી ઈન્ફ્રિરિયોરિટીને કારણે સર્જાતો સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ અથવા તો પ્રતિષ્ઠા અંગેના ખોટા ખ્યાલો અથવા તો… ઘણું ઉમેરી શકાય એમાં. આ બધું જ વત્તેઓછે અંશે આપણામાં હોય છે જે પગમાંની બેડીની જેમ આપણને આગળ વધતાં રોકે છે. બેડી ખોલવાને બદલે આપણે બીજાઓનો વાંક કાઢ્યા કરીએ છીએ.
સાયલન્સ પ્લીઝ!
મારી પાટી કોરી છે. મારે જે કામ કરવું હતું તે કર્યું છે. હવે જો મૃત્યુ આવે તો વાંધો નથી. મેં પૂરા દિલથી કામ કર્યું અને સારું કર્યું.
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો