( લાઉડ માઉથ: ‘સંદેશ’, અર્ધ સાપ્તાહિક પૂર્તિ. બુધવાર, 9 જૂલાઈ 2025 )
વિશ્વની પ્રમુખ ભાષાઓમાં ગુજરાતીનો ક્રમ ૨૬મો છે એની તમને ખબર છે. જે વાતની તમને ખબર નથી તે એ કે માતૃભાષામાં પણ ઉચ્ચ શિક્ષણ લઈ શકાય એવું વાતાવરણ, એવી પરિસ્થિતિ જે ગઈકાલ સુધી નહોતી તે હવે સર્જાઈ રહી છે. દિલ્હી હજુ દૂર છે પણ એમ તો નીલ આર્મસ્ટ્રોન્ગે પગ મૂકયો તે પહેલાં ચાંદ પણ ક્યાં નજીક હતો.
માતૃભાષાનું ખૂબ મહત્ત્વ છે એવું યુનોએ તો વર્ષો પહેલાં નક્કી કરેલું અને એના વર્ષો પહેલાં યુનેસ્કોએ નક્કી કર્યું હતું. પણ ભારતમાં આ વિશેની જાગૃતિ હમણાં હમણાં આવી, છેલ્લા દસકામાં આ વિશે સરકાર સભાન બની. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી દરેક રાજ્યની દરેક શાળા સુધી સંદેશાઓ પહોંચે છે કે માતૃભાષાના વિકાસ માટે ભરપૂર પ્રયત્નો કરવામાં મદદ કરે. અગાઉ આવી અવેરનેસ લાવવાની જવાબદારી કોઈએ નહોતી લીધી.
સૌ કોઈ જાણે છે કે ચીન અને જપાનમાં જે ડૉકટરો, એન્જિનિયરો અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા પ્રોફેશનલ્સ તૈયાર થાય છે તે સૌ પોતપોતાની માતૃભાષામાં ભણીને ઉચ્ચ વિદ્યા પામે છે. હા, આજની તારીખે પણ, રશિયામાં ડૉકટરીનું ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓ રશિયન ભાષા શીખીને એ જ ભાષામાં મેડિસિનના ક્ષેત્રનો અભ્યાસ કરવાનો હોય છે એ પણ જાણીતી વાત છે.
ભારતમાં અગાઉનો કાળ કાળા અંગ્રેજોના શાસનનો કાળ હતો. સાંસ્કૃતિક પોલિસીઓએ આ દેશની સંસ્કૃતિનું કચ્ચરઘાણ વાળવામાં કશું બાકી રાખ્યું નહોતું. શિક્ષણ આમાંનું એક મોટું ક્ષેત્ર હતું. અંગ્રેજોએ દાખલ કરેલી, સરકારી નોકરિયાતો પેદા કરવામાં અનુકૂળતા રહે એવી શિક્ષણ નીતિ આપણે ચાલુ રાખી. વિદ્યાર્થીનું દિમાગ ખીલે એવા ભણતરને બદલે એની બેઉ આંખે ડાબલા બાંધી દઈને એને ભણાવવામાં આવ્યું. આજે પણ નેવું ટકા શિક્ષણ એ જ દિશાનું હોય છે. હવે શિક્ષણ ક્ષેત્રે જે નક્કર ફેરફારો થઈ રહ્યા છે તે અગાઉના રાજમાં ખાઈપીને તગડામગડા થયેલા શિક્ષણકારોને નથી જ ગમવાના. શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ છેલ્લાં સાઠેક વર્ષમાં ભારતમાં એ હદ સુધી ઓછું થતું ગયું કે માતૃભાષામાં ભણેલા લોકો વર્નાક્યુલર મીડિયમમાં ભણ્યા છે એવું કહેવાતું થયું. વર્નાક્યુલરનો અર્થ ખબર છે તમને? વર્નાક્યુલર મીડિયમ એટલે માતૃભાષાનું માધ્યમ એવું માનો છો ને તમે? ખોટા છો. વર્નાક્યુલર શબ્દની અર્થચ્છાયા એ ખરી પણ તે એક હલકો શબ્દ છે. પિતાને બાપ કહેવા જેવો.
ચીન-જપાન-રશિયાની જેમ ભારતમાં પણ ઉચ્ચ શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ કે નહીં તે ઘણો મોટો વિષય છે અને એની પણ ચર્ચા કરીશું. સૌપ્રથમ તો માતૃભાષાનો એકડો વિદ્યાર્થીઓના શિક્ષણમાંથી સાવ ભુંસાઈ જવા આવ્યો છે તેના વિશે વાત કરીએ અને ફોકસમાં ગુજરાતી ભાષાને રાખીએ. મરાઠીવાળાઓને પણ આ જ ચિંતા છે અને મને ખાતરી છે કે કન્નડવાળા, બંગાળીવાળા વગેરે દરેકને આ જ ચિંતા હોવાની. મરાઠી અને તમિળથી માંડીને હિન્દી અને ગુજરાતી સુધીની દરેક ભાષાનું જતન, સંવર્ધન થવું જોઈએ. શું કામ?
‘ધ ઇંગ્લિશ મીડિયમ મિથ’ નામના સંક્રાન્ત સાનુના એક પુસ્તકમાં બે બહુ સરસ કોષ્ટક આપ્યાં છે. કોષ્ટક એટલે કોઠા – ટેબલ્સ! પહેલું ટેબલ છે દુનિયાના વીસ સૌથી શ્રીમંત દેશોનું. પ્રથમ ક્રમાંકે સ્વિત્ઝરલૅન્ડ છે. બીજા નંબરે ડેન્માર્ક. એ પછી જપાન. ચોથું યુનાઈટેડ સ્ટેટ્સ. પછી સ્વીડન, જર્મની, ઑસ્ટ્રિયા, નેધરલૅન્ડ્સ, ફિન્લેન્ડ, બેલ્જિયમ, ફ્રાન્સ, યુનાઈટેડ કિંગડમ, ઑસ્ટ્રેલિયા, ઈટલી, કૅનેડા, ઈઝરાયલ, સ્પેન, ગ્રીસ, પોર્ટુગલ અને વીસમા ક્રમે સાઉથ કોરિયા. આ દરેક દેશના નામની બાજુમાં તે દેશની માથાદીઠ આવક આપી છે જે વાર્ષિક ૩૮,૩૮૦ ડૉલર્સથી લઈને ૮,૪૯૦ ડૉલર્સ સુધીની છે. એની પછીના ખાનામાં તે દેશની સ્થાનિક ભાષા કઈ છે તે જણાવ્યું છે. જેમ કે સ્વિત્ઝરલૅન્ડની ત્રણ છે – જર્મન, ફ્રેન્ચ અને ઈટાલિયન, ડૅન્માર્કની ડૅનિશ, જપાનની જપનીઝ, યુનાઈટેડ સ્ટેટસની ઇંગ્લિશ, સ્વીડનની સ્વીડિશ, જર્મનીની જર્મન, ઑસ્ટ્રિયાની પણ જર્મન, નેધરલેન્ડ્સની ડચ, ફિન્લેન્ડની ફિનિશ, બેલ્જિયમની ડચ અને ફ્રેન્ચ, ફ્રાન્સની તો અફકોર્સ ફ્રેન્ચ જ હોય, એ જ રીતે યુનાઈટેડ કિંગડમ અને ઑસ્ટ્રેલિયાની ઇંગ્લિશ, ઈટલીની ઈટાલિયન, કૅનેડાની ઇંગ્લિશ અને ફ્રેન્ચ, ઈઝરાયલની હિબ્રૂ, સ્પેનની સ્પેનિશ, ગ્રીસની ગ્રીક, પોર્ટુગલની પોર્ટુગીઝ અને દક્ષિણ કોરિયાની કોરિયન.
હવે સાહેબો, કોષ્ટકના છેલ્લા ખાનાને વાંચો. એ ખાનું છે દરેક દેશની સત્તાવાર ભાષાનું. આ દરેકે દરેક દેશની સત્તાવાર ભાષા એ જ છે જે એની સ્થાનિક ભાષા હોય. અર્થાત્ જર્મનીની લોકભાષા જર્મન તો ત્યાંની ઑફિશ્યલ લૅન્ગવેજ પણ જર્મન, આવું જ આ વીસે વીસ ટૉપના શ્રીમંત દેશોની બાબતમાં.
હવે આર્થિક રીતે દુનિયાના સૌથી ગરીબ એવા વીસ દેશોની બાબતમાં શું છે તે જુઓ. કૉન્ગો, ઈથિયોપિયા, બુરુન્ડીથી માંડીને યુગાન્ડા સુધીના વીસ દેશોની વાર્ષિક માથાદીઠ આવક ૧૦૦ ડૉલરથી માંડીને ૩૨૦ ડૉલર સુધીની છે. આ દરેક દેશની સ્થાનિક ભાષા કે જનભાષા કાં તો સ્વાહિલી છે કે કાં નેપાલી છે કાં આપણને ઉચ્ચાર કરતાંય ન આવડે કે જેનું નામ પણ આપણા માટે અજાણ્યું હોય એવી છે. આની સામે તે દેશોની સત્તાવાર ભાષા કઈ છે? નેપાળના અને ઈથિયોપિયાના અપવાદને બાદ કરો તો ફ્રેન્ચ, અંગ્રેજી અથવા પોર્ટુગીઝ.
ક્યુ.ઈ.ડી. માતૃભાષાનું મહત્ત્વ આર્થિક સમૃદ્ધિ માટે કેટલું છે તે સાબિત થઈ ગયું? હા.
જે બાળકને તમારે ગણિત શિખવાડવું છે કે વિજ્ઞાન કે ઈતિહાસ, ભૂગોળનું જ્ઞાન આપવું છે તે બાળકને આ બધી જ વિદ્યા એની માતૃભાષામાં આપવામાં આવે તો એ તરત જ ગ્રહણ કરી લે છે. માતૃભાષામાં ભણતર મેળવીને તેજસ્વી વિદ્યાર્થીઓમાં જેની ગણના થતી હોય એ વિદ્યાર્થીને સડનલી અંગ્રેજી ભાષામાં એ જ વિષયો જેમાં એને ખૂબ રસ પડતો તે જ વિષયો, શીખવવામાં આવે ત્યારે એ કેવો ડઘાઈ જાય અને પોતાને સાવ બાઘા જેવો માનવા માંડે એનો મને જાતઅનુભવ છે. દસ વર્ષ સુધી ગુજરાતી માધ્યમમાં ભણીને જલસા કર્યા પછી અગિયારમા ધોરણમાં બધું અંગ્રેજીમાં ભણવાનું આવે ત્યારે એકાએક તમારી વિદ્યા કોઈએ ચોરી લીધી હોય એવી લઘુતાગ્રંથિ ઊભી થાય.
અંગ્રેજીનું મહત્ત્વ કોઈ અન્ડરમાઈન નથી કરતું. ગુજરાતી બોલતી-લખતી વખતે એમાં બીજી ભાષાના શબ્દોનો પ્રયોગ ન થાય એવું મેં ક્યારેય નથી માન્યું. છેક ૧૯૯૨માં લખેલા મારા એક લેખનું મથાળું હતું ‘જયશ્રી કૃષ્ણ, ડાર્લિંગ’. એ લેખમાં મેં ૧૯૮૬માં લખેલું મારું એક વાક્ય ક્વોટ કર્યું હતું: ‘શું ગુજરાતી લખાણમાં અંગ્રેજી શબ્દો આવે તો ચાલે? નો, નેવર!’. બિટ્ વીન ધ લાઇન્સ વાંચવાની આદત હોય તો સમજી જશો કે ૪૦ વર્ષથી હું શું કહી રહ્યો છું.
અંગ્રેજી સામે કોઈ વેરભાવના નથી, કોઈ દાઝ નથી. પણ ગુજરાતી ભાષા માટે, ફૉર ધૅટ મૅટર કોઈ પણ વ્યક્તિની માતૃભાષા માટેનો આદર જરૂરી છે. અને ગુજરાતીનો ભોગ લઈને અંગ્રેજી શીખવવામાં આવે એની સામે વિરોધ છે. સાચું પૂછો તો અંગ્રેજીનો ભોગ લઈને ગુજરાતી પ્રમોટ કરવામાં પણ હું નથી માનતો. ગુજરાતી પ્રમોટ થવી જોઈએ એમાં કોઈ બેમત નથી. મુંબઈમાં તો ખાસ. અને ભવિષ્યમાં મુંબઈ જેવી પરિસ્થિતિ ગુજરાતમાં પણ ન સર્જાય એ માટે ગુજરાતમાં પણ જોરશોરથી પ્રમોટ થવી જોઈએ.
કઈ રીતે આ કામ થઈ શકે? સત્તાવાર એટલે કે સરકારના સ્તરે અને અંગત એટલે કે પરિવારના સ્તરે – આ બેઉ સ્તરે આ કામ થઈ શકે. સરકારના સ્તરે કંઈક થાય એવી અગાઉ આશા નહોતી, હવે છે. અને એટલે વ્યક્તિગત સ્તરે પણ ઘણી બધી બાબતો થઈ શકશે એવી આશા જાગી છે. વિષય ઘણો વ્યાપક છે. માટે વધુ આવતા અઠવાડિયે.
સાયલન્સ પ્લીઝ!
મને વિચારો મારી માતૃભાષામાં જ આવે છે – હિન્દીમાં
– અનુપમ ખેર
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો