( તડકભડક: ‘સંદેશ’, ‘સંસ્કાર’ પૂર્તિ, રવિવાર, 28 ડિસેમ્બર 2025 )
જે ખેતરમાં ઉપરાછાપરી એકનો એક પાક લેવામાં આવે તે ખેતર બહુ જલદી કસહીન થઈ જાય. જમીન જેવી જમીનને પણ વચ્ચે વચ્ચે આરામની (વાસેલ અથવા વાહેલની) જરૂર પડે છે. તો માણસને કેમ નહીં?
કામમાં નિયમિતતા તથા સાતત્ય જાળવવાં એને જરૂર સદ્ગુણ કહેવાય. પણ રોજિંદા કામમાંથી ફુરસદ મેળવીને આરામ કરવામાં શરમ ન હોઈ શકે. આ કોઈ દુર્ગુણ નથી.
કેટલાક લોકોને બેઉ છેડેથી પોતાની મીણબત્તી બાળવાની મઝા આવે છે. તેઓ માને છે કે આની કોઈ અવળી અસર નહીં થાય અને થશે તો પોતાના જીવન પર એની ઝાઝી અસર નહીં પડે. પણ બેઉ છેડે સતત મીણબત્તી બળતી રહે એ પછી શરીર અને દિમાગ બેઉ એક તબક્કે થાકીને લોથ થઈ જાય. ચાબુક મારી મારીને એને ક્યાં સુધી હંફાવીશું. આરામની જરૂર કામ કરનારા સૌ કોઈને હોય છે.
ચોવીસ કલાક કામ કરીને પણ સદાય તાજગી અનુભવનારા યોગી હોય છે અને આવા મહાપુરુષોએ બહુ નાની ઉંમરે યોગાભ્યાસ દ્વારા પોતાના મન અને શરીરને કેળવ્યાં હોય છે. અહીં મહાન વ્યક્તિઓની અને યોગી પુરુષોની નહીં પરંતુ તમારામારા જેવા કરોડો કૉમન લોકો વિશે વાત થઈ રહી છે. ફૉર્મ્યુલા-વનના ડ્રાઇવર અને તમને ઑફિસે લઈ જતા ડ્રાઇવર વચ્ચે શું ફરક હોય છે એની જેમને ખબર હોય છે તેઓ આ તફાવત સમજી શકશે.
કામના બોજા હેઠળ દબાઈ ગયેલા લોકોમાં સ્ફુર્તિ નથી રહેતી, દરેક કામ બગડતું જાય છે, નિર્ણયશક્તિ ખોરવાતી જાય છે. આરામ આત્મસન્માન દાખવવાની રીત છે. જાતને તમે ચાહો છો એવું પુરવાર કરવા નિશ્ર્ચિત સમયાંતરે આરામ જરૂરી છે.
થાકેલું મગજ વિચારી શકતું નથી. એની અસર કલ્પનાશક્તિ પર પડે છે. માણસ માહિતીનો ઢગલો એકઠો કર્યા કરે એના કરતાં એનામાં કલ્પનાશક્તિ હોય એ વધુ જરૂરી છે. ધોળે દહાડે તાજાં સપનાંઓ જોયા વિના નવી શોધખોળો થતી નથી, નવા વિચારો પ્રગટતા નથી, જૂની સમસ્યાઓના નવા ઉકેલો મળતા નથી.
રોજના વાતાવરણથી છટકીને કોઈ ગમતી જગ્યાએ કે પછી ક્યારેક તદ્ન અપરિચિત જગ્યાએ ગયા પછી મગજનો ભાર ઓછો થઈ જાય છે. આરામના મહત્ત્વ પર વારંવાર મુકાયેલો ભાર જોઈને જો કોઈને આળસુ બની જવાનું મન થતું હોય તો જાણી લેવું કે આરામની તૈયારી કરવા માટેની પૂર્વશરત છે- ખૂબ બધું કામ.

નિરાંત એટલે સમયની મોકળાશ એવું મનાય છે. પણ નિરાંત એટલે વાસ્તવમાં મનની મોકળાશ. હાથમાં ગમે એટલો ફાજલ સમય હોય છતાં નિરાંત ન અનુભવતા હો એવું બને. દિવસો અને અઠવાડિયાંઓ સુધી ચોવીસે કલાક કામમાં રહો, પ્રવાસમાં રહો, દોડધામ કરતા રહો અને એકસાથે પાંચ અલગ અલગ કામ હાથમાં લઈને દરેકની ડેડલાઈનને પહોંચી વળવાની કોશિશ કરતા હો છતાં મનમાં એવું વાતાવરણ જાળવી રાખી શકાય કે તમારી પાસે ફુરસદ જ ફુરસદ છે.
કામની જેમ આરામને પણ મુલતવી રાખવામાં જોખમ છે. શારીરિક વ્યસ્તતા દરમિયાન કદાચ શરીરને પૂરતો આરામ ન આપી શકાય, મનને જરૂર નિરાંત આપી શકાય. એ માટે સૌથી પહેલાં તો ઉચાટને અને અધીરાઈને વિદાય આપવી પડે. કશુંક કામ બાકી હોય અને તે નહીં થાય તો શું થશે એવો ધ્રાસકો દિલમાં પડે તો એને પાછો વાળી દેવો પડે. કામની બાબતમાં તમને પોતાને ખાતરી હોય કે તમારામાં પૂરેપૂરી કાર્યનિષ્ઠા છે, સિન્સિયરિટી છે તો પછી કામ પૂરું થવાની બાબતમાં ઉચાટ રાખવાની જરૂર હોતી નથી.
બંબાવાળા, ડૉક્ટર અને રોકેટને અવકાશમાં લઈ જનારા જેવા એકાદ ટકો જ કામ જીવનમાં અને દુનિયામાં એવાં હશે જેને પૂરું કરવામાં બે મિનિટનોય વિલંબ કરો તો ઊથલપાથલ મચી જાય. બાકીનાં, મોટાભાગનાં કામ પૂરું કરવાની સમયમર્યાદામાં કોઈ નિશ્ર્ચિત ડેડલાઈન જેવી ચોક્કસ પાતળી સીમારેખા નથી હોતી કે તમે કહી શકો કે ઘડિયાળનો કાંટો આટલા વાગ્યા પરથી ખસ્યો કે તરત જ તમારું અત્યાર સુધીનું નહીં કરેલું કામ હવે તમે કરવા બેસશો તો પણ એનો કોઈ અર્થ નહીં સરે.
નવ્વાણું ટકા કામ માટે ડેડલાઈન નહીં, પણ એક ચોક્કસ સમયગાળો, ડેડઝોન હોય છે. એ ગાળાના આરંભની પહેલી સેકન્ડથી ચેતવણીનું સિગ્નલ વાગવા માંડે છે અને એ સમયગાળાની છેલ્લી સેકન્ડ સુધીના બીપ સિગ્નલ દરમિયાન પ્રગટતી તમારી સમગ્ર ચેતના એકત્રિત થયા પછીની સો ટચના સોના જેવી એકાગ્રતા, તમારું શ્રેષ્ઠ બહાર લાવીને તમારા કામને સુંદર ઓપ આપે છે, તમને સફળતા અપાવે છે, યશ અપાવે છે.
જેમને એક સાથે અનેક કામ કરવાની ટેવ નથી પડી તેઓ પોતાના હાથમાં ગજા બહારની જવાબદારીઓ લઈ લે છે ત્યારે એમના ઉત્સાહનું પરિણામ અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં આવે છે.
ક્યારેય નિરાંત ન અનુભવતા લોકો બીજાઓની સામે પોતાની મહત્તા સિદ્ધ કરવા પોતે ખૂબ કામમાં ગળાડૂબ છે એવો અહેસાસ બીજાને કરાવતા હોય છે. સમય તો દરેકનો કિંમતી છે, જેમની અપોઈન્ટમેન્ટ ડાયરીમાં દિવસની દરેક મિનિટનું પ્લાનિંગ હોય એવી હસ્તીઓથી માંડીને જેમને સૂર્યોદય કે સૂર્યાસ્તની પણ પરવા નથી એવા હિમાલયની ગુફાઓમાં યોગસાધના કરવા જતા રહેતા સાધુઓ સુધીની દરેકેદરેક વ્યક્તિનો સમય કિંમતી છે. સવાલ એ છે કે માણસ પાસે સમયની મોકળાશ ન હોય તે છતાં એને મનની મોકળાશ મેળવી લેતાં આવડે છે કે નહીં.
કામમાં ગળાડૂબ ખૂંપી જવા કરતાં કામમાં ગળાડૂબ ખૂંપેલા છીએ એવું માનવું ઘણીવાર ગમતું હોય છે. આજકાલ શ્ર્વાસ લેવાનીય ફુરસદ નથી એવું કોઈકને કહીએ છીએ ત્યારે બીજા કોઈને મળવા નથી માગતા એવું નથી, આપણે પોતે જ પોતાની જાતને મળવા નથી માગતા. જાતથી ભાગવા માટે, પોતાનાથી બને એટલા દૂર જવા માટે જે કરેખર આપણું કામ નથી એવાં અગણિત કામમાં ડૂબી જવાનું આપણને ગમતું હોય છે. આ પણ એક પ્રકારનો પલાયનવાદ જ થયો.
આળસનો વિકલ્પ ગળાડૂબ કામ કે કામની ઝડપની તીવ્રતા નથી. આખો દહાડો કામ વિના બેસી રહેવું એટલે પોતાનામાં રહેલી શક્તિઓનો અનાદર કરવો. આવું કરવામાં માણસ પોતે જ પોતાની નજરમાંથી ઊતરી જાય, પણ કામ કરતી વખતે ઘડીભરની ફુરસદ ન મળે એ વળી કેવું? આઠબાર કલાક સુધી સ્પીડોમીટરનો કાંટો ૧૫૦-૧૬૦ની વચ્ચે ધ્રુજયા કરે એવી ઝડપ રાખીને ક્યાં જવાનું? જીવનમાં ટાળી શકાય એવા અકસ્માતો દરેક કામની સ્પીડને નૉર્મલ કર્યા પછી જ ટાળી શકાતા હોય છે.
દિવસનો એકેએક કલાક પૂર્વનિર્ધારિત કામ પાછળ ખર્ચી નાખવો જરૂરી નથી. ચોવીસ કલાકમાં વચ્ચે વચ્ચે અલ્પવિરામ જેવા ગાળા આવવા જોઈએ જેમાં કશું જ અગાઉથી નક્કી કરેલું કરવાનું ન હોય. જાતે જ ઊભું કરેલું કામનું દબાણ જાતે જ ઓછું કરી શકાય. થોડા સમયમાં ખૂબ વધું કામ કરી નાખવાનો સ્વભાવ માણસને બહુ ઝડપથી નિચોવી નાખે, ખાલી કરી નાખે. વચ્ચે વચ્ચે આવતા અલ્પવિરામોને કારણે સતત અંદર કશુંક ઠલવાતું રહે.
કામ અનિવાર્ય છે તો ફુરસદ પણ કંઈ રસ્તામાં પડેલી ચીજ નથી. એ તો એક દુર્લભ જણસ છે, જેની પાસે ફુરસદ જ ફુરસદ હોય એવો કામગરો માણસ દુનિયાનો સૌથી મોટો શ્રીમંત ગણાવો જોઈએ. ૨૦૨૬ની સાલમાં તમે સૌ એવા બિઝી રહો એવી શુભેચ્છાઓ.
પાન બનારસવાલા
જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે ઘડો હટાવીને બાલદી મૂકી દેવી જોઈએ!
—અજ્ઞાત
• • •
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો એક માત્ર આર્થિક આધાર છે : સૌરભ શાહ
મારા દરેક લેખ સાથે સ્વૈચ્છિક આર્થિક સહયોગ માટેની આ અપીલ આપને મોકલવા પાછળ સજ્જડ કારણો છે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે.
‘ન્યુઝપ્રેમી’ની આર્થિક બાબત સંભાળવા માટેનો સોર્સ એક જ છે— તમે.
જે મીડિયાને વાચકો સિવાયની વ્યક્તિઓનો આર્થિક ટેકો હોય તે મીડિયા સ્વતંત્ર ન હોઈ શકે.
‘ન્યુઝપ્રેમી’ માત્ર અને ફક્ત વાચકોના સપોર્ટથી ચાલે છે. અને એટલે જ ‘ન્યુઝપ્રેમી’ શત પ્રતિશત સ્વતંત્ર છે, અહીં કોઈના ય દબાણ હેઠળ નથી લખાતું.
દેશ માટે, સમાજ માટે અને ભારતીયો માટે જે સારું છે અને સાચું છે એનો પક્ષ લેવા માટે ‘ન્યુઝપ્રેમી’ વખણાય છે.
વાચકો જ ‘ન્યુઝપ્રેમી’નો આર્થિક આધાર છે. એટલે જ આ અપીલ આપને મોકલાતી રહે છે.
‘ન્યુઝપ્રેમી’ તમારા સ્વૈચ્છિક‐વોલન્ટરી આર્થિક સપોર્ટને કારણે ચાલે છે અને દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી પહોંચે છે. ‘ન્યુઝપ્રેમી’ પર પોસ્ટ થતાં રોજે રોજનાં લખાણો અને અહીંના સમૃદ્ધ આર્કાઇવ્ઝનું સંપૂર્ણ મટીરિયલ તમામ વાચકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.
‘ન્યુઝપ્રેમી’નાં લખાણો વાંચવા માટે ન તો કોઈ લવાજમ ભરવું પડે છે, ન અહીં કોઈ મનીવૉલ ખડી કરેલી છે કે આટલી રકમ ભરો તો જ આગળ વાંચવા મળે. અહીં બધું જ બધા માટે એકસરખા પ્રેમથી વિનામૂલ્યે પીરસાય છે. આ જ રીતે કારભાર ચાલતો રહે તે માટે ‘ન્યુઝપ્રેમી’નો થોડોક ભાર તમે પણ તમારી શક્તિ, તમારા સંજોગો તથા તમારા ઉત્સાહ મુજબ ઉપાડતા રહો તો સારું છે.
આ બધી જ વાતો ‘કટિંગ ચા’ સિરીઝમાં થઈ ગઈ છે. ‘ન્યુઝપ્રેમી’ અને વન પેન આર્મી વિશેની આઠ પાર્ટની ‘કટિંગ ચાય’ સિરીઝ જો તમે હજુ સુધી વાંચી ન હોય તો જરૂર એના પર નજર ફેરવી લેશો. (https://www.newspremi.com/cutting-chai-series-all-articles/)
તમારું અમુલ્ય કૉન્ટ્રિબ્યુશન મોકલવા માટે બૅન્ક એકાઉન્ટ વગેરેની વિગતો આ રહી:
જીપે, પેટીએમ, બૅન્ક ટ્રાન્સફરની વિગતો:
BHIM, PhonePe, G pay-
UPI ID : hisaurabhshah@okaxis
Net Banking / NEFT / RTGS-
Bank of Baroda
A/c name: Saurabh Ashvin Shah
A/c type : Savings
A/c No. : 33520100000251
IFSC Code : BARB0POWBOM
(fifth character is zero)
Branch Pin Code : 400076
તમામ વાચકોને વિનંતિ કે તમારો આભાર માની શકાય એ માટે એક સ્ક્રીનશૉટ 9004099112 પર મોકલી આપશો.
આ નાનકડી વાત યાદ રાખશો: સારું, સાચું, સ્વચ્છ, સંસ્કારી અને સ્વતંત્ર પત્રકારત્વ જે સમાજને જોઈએ છે એ કામ સમાજની દરેક વ્યક્તિના આર્થિક ટેકાથી જ થવાનું છે.
તમે સ્વૈચ્છિક સહયોગ મોકલવાની ઇચ્છા રાખતા હો તો આને નમ્ર રિમાઇન્ડર ગણશો.
જેઓ આ અપીલને પ્રતિસાદ આપતા રહ્યા છે તેમ જ જેઓ નિયમિતપણે ઉદાર દિલથી હૂંફાળો પ્રતિસાદ આપી રહ્યા છે તે સૌ વાચકોનો હ્રદયપૂર્વક આભાર.
સ્નેહાધીન,
સૌરભ શાહ
9004099112
(WhatsApp message only please. Kindly do not call).
• • •
ન્યુઝપ્રેમીને આર્થિક સપોર્ટ આપવા અહીં ક્લિક કરો












